અર્વાચીન કવિતા/અરજુન ભગત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અરજુન ભગત
(આશરે ૧૮૫૦થી ૧૯૦૦)
અરજુનવાણી (૧૯૨૨)

અરજુનનાં ભજનોમાં એક નવા જ પ્રકારની ઝલક દેખાય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની તળપદી ભાષા ગુજરાતી કવિતામાં પહેલી વાર કાવ્યમય બાની બનીને તેની કૃતિઓમાં આવે છે. તેની કૃતિઓની વાણી આમ સામાન્ય ઘરાળુ જીવનની રહેતી હોવા છતાં તે ભાવની ગહનતામાં, કલ્પનાની ઉત્કૃષ્ટતામાં કે વિચારની ચોટ નિરૂપવામાં અને કળાત્મક કમનીયતા સાધવામાં ક્યાં ય ઊણી રહેતી નથી. ઊલટું, એ તળપદી વાણીની હલક તેમાં એક નવું મોહક તત્ત્વ ઉમેરે છે. આ ભક્તકવિઓની પેઠે તેનાં ભજનોમાં હિંદી-ઉર્દૂનું મિશ્રણ પણ છે, પરંતુ અર્જુન આ પ્રકારની ભાષાનો પ્રયોગ ખાસ સભાન રહીને કરે છે. અરજુનની જેટલી કૃતિઓ હાથ આવી છે તે જોતાં જૂના પ્રવાહના બીજા બધા કવિઓ કરતાં તે વધારે મોટો કળાકાર દેખાઈ આવે છે. કાવ્યકળાનાં લોકપ્રચલિત તથા શિષ્ટમાન્ય રૂપોનો તેને સારો પરિચય લાગે છે. તેની કૃતિઓમાંની કેટલીક બીજા કવિઓની પેઠે તેણે જોડેલી સપ્રયત્ન રચનાઓ છે, અને કેટલીક જાણે પ્રગટી આવેલી સ્વયંભૂ રચનાઓ છે. સપ્રયત્ન રચનાઓમાં તેણે દોહરા, ચોપાઈ, કુંડળિયા, મનહર, ઝૂલણા વગેરે છંદોમાં સળંગ મુક્તકોની પ્રૌઢ અને લાંબી કૃતિઓ આપી છે. તિથિ, વાર, મહિના, વગેરેની રૂઢ રીતિનાં તેનાં કાવ્યોને પણ આ વર્ગમાં મૂકી શકાય. આ કૃતિઓ એની સ્વયંભૂ રચનાઓ કરતાં કળાગુણમાં ઊતરતી છે, ઓછી તાજગીવાળી છે, છતાં તેની તમામ રચનાઓમાં ક્યાંક ને કયાંક તેની બળકટ કલ્પનાની મુદ્રા આવે છે જ. અને એ સૌમાં બીજા કવિઓ કરતાં ઊંચી કૃતિઓનું પ્રમાણ ઘણું વધારે મળી આવે છે. બીજા કવિઓની પેઠે એની કૃતિઓમાં પણ અમુક કલ્પનાઓ કે દૃષ્ટાંતોનું પુનરાવર્તન છેવટે થવા લાગે છે, તોપણ એની મોટા ભાગની કૃતિઓમાં, એકનાં એક દૃષ્ટાન્તોના નિરૂપણોમાં પણ હમેશાં તાજગી આવે છે, એ એની સદાજાગ્રત કળાની સમૃદ્ધિ બતાવે છે. અરજુનને જાણે કળામય શબ્દની સાહજિક સિદ્ધિ છે. એની રચનાઓમાં સફાઈ અને સુઘટિતતાનો ઘણોખરો અભાવ છે, છતાં તેના ઉદ્‌ગારની અપૂર્વ અસરકારકતાથી, કલ્પનાની ઊંચી પહોંચથી, ઘરાળુ અશુદ્ધ શબ્દને પણ સબળ અને કળામય રીતે વાપરવાની શક્તિથી ભાવની અને લાગણીની કોક અજબ કુમાશથી, તથા તત્ત્વદર્શનના કેટલીક વાર ગહન અને આર્ષ સ્પર્શથી એ ત્રુટીનો તે ઘણો બદલો વાળી આપે છે. સાદી સ્થૂલ ભૂમિકા ઉપર પણ તે પ્રાસ અને ઝડઝમકનું સારું પ્રભુત્વ બતાવે છે, ગીતરચનામાં ચોટદાર ધ્રુવપદવાળા ઉઠાવો લાવી શકે છે, અને જૂની પ્રણાલિકા પેઠે પોતાના લક્ષ્યને વીંધતાં ઉપરાઉપરી ગોળીબારની પેઠે ધસ્યે આવતાં દૃષ્ટાંતો – જેમાં તેણે ઘણાં નવાંનો ઉમેરો કર્યો છે – ને યોજ્યે જાય છે. તેનાં ભજનોનું ઉત્તમ તત્ત્વ તો સાહજિક લીલા માત્રથી તત્ત્વનાં ઊંડાણોમાં અને ઊંચાઈઓમાં પહોંચી જતા તેના દ્યોતક શબ્દમાં છે. શબ્દની આ પરમ દ્યોતકતા અરજુનની વાણીમાં જેટલી મળે છે તેટલી ૧૮૫૦ પછીના આપણા પ્રાચીન પ્રવાહના કે અર્વાચીન પ્રવાહના મોટામાં મોટા કવિઓમાં પણ મળતી નથી. અને એ રીતે અરજુનમાં કાવ્યબાનીનો એક સાહજિક અને પરમ આવિર્ભાવ આપણે સ્વીકારવો પડે છે. અરજુને વ્રજરીતિની શિષ્ટ ઢબે લખેલાં કાવ્યોમાં સાહજિકતા ઓછી છે તથા સૌંદર્ય વિવર્ણ છે, છતાં કેટલીક વાર ત્યાં પણ અર્જુનના રણકાર ઉત્તમ રીતે પ્રગટી આવે છે. એની મુક્તક રચવાની શક્તિનાં થોડાંક ઉદાહરણ જોઈએ :

મૈં પંખી બિન પાંખ કે પર હે સતગુરુજ્ઞાન,
મન્ન પવન કે આસરે અરજુન ઉડું અસમાન.
...પરપોટાની પ્રીત શી? કાગળના શા કોટ?
સ્વપ્નાની સુખપાલ શી? અરજુન હાર્યા હોઠ.
...ભંબબ ભંબબ બાજત ઢોલક ઢોલ ન જાનત કોન બજાવે,
જ્ઞાન પિછાન ચડી અસમાન પતંગ ન જાનત કોન ચગાવે;
નીરમેં નાવ ડુબે કદિ દાવ જ, નાવ ન જાનત કોન ડુબાવે,
અરજુન જ્ઞાતિ ન જાનત રાનિ, આ કાયકું કોન ચલાવે હિલાવે.

અર્જુને પોપટ, વાનરનું બચ્ચું, બળદ, માછલી વગેરે સાથેના લખેલા સંવાદો વિચારની ચોટ, વાણીની ઉન્નતિ તથા તત્ત્વોનો ઘન સ્પર્શ બતાવતી લાક્ષણિક રચનાઓ છે. ‘ઉદર મહિના’માં કવિએ આ કાવ્યપ્રકારને નવી જ લઢણ આપી છે. અરજુનની સુંદર આંતરપ્રાસવાળી અને દૃષ્ટાંતોથી પુષ્ટ બનતી રચનાના નમૂના તરીકે એક ગીત લઈએ :

જાવાં જરૂર, તારે જાવાં જારૂર, માયા-મજાૂર, તારે જાવાં જરૂર.
ઊંછું છે ઊર, નથી દેખાતો સૂર, મૂકી કસ્તૂર કાગ લીધું કપૂર. જાવાં.
હુકમ હજાૂર તારે માથે મંજૂર, વાગે રણતૂર, કેમ સૂતો અસૂર? જાવાં.
આવ્યું છે પૂર, વહે ગંગા ભરપૂર, લૂલા લંગૂર, બૂડે અંગ અધૂર. જાવાં.
બળીઆ બહાદૂર નથી દેખાતા દૂર, ચગદાઈને ચૂર, જેમ પીલી મસૂર. જાવાં
ખાધું ખજુર, કીધી વાણી કુરૂર, સાચું છે સૂર, કોણ કાઢે કસૂર. જાવાં.
નરખી લે નૂર તારું છોડી ફિતૂર, અરજુન મયૂર બોલે વાણી મધુર. જાવાં.

અરજુન મયૂરની આ આટલી મધુર છતાં હજી બુદ્ધિપ્રધાન કૃત્રિમ ભાસતી રચના છે. એની સ્વયંભૂ અને પ્રેરિત વાણીની ચોટ આના કરતાં ઘણી વિશેષ છે. એની એ વાણી ‘ખોજ’, ‘અનુભવ’ અને ‘બોધ’ એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. એમાંથી બોધનાં કાવ્યોમાં એકના એક વિચારતત્ત્વનું તથા દૃષ્ટાંતોનું જરા વિશેષ પ્રમાણમાં પુનરાવર્તન આવે છે, તોપણ તેની અનુપમ દૃષ્ટાંતશક્તિ એમાંનાં સંખ્યાબંધ ગીતોમાં જણાઈ આવે છે. એ બોધમાં અજ્ઞાની જીવ પ્રત્યે કરડાકી છે, તથા અજ્ઞાનને નાશ કરવાનો જ્વલંત પુણ્યપ્રકોપ છે. એવે વખતે વાણી અત્યંત અસરકારક બનવા છતાં કદીક ગ્રામ્યતામાં સરી પડે છે; પરંતુ ખોજ અને અનુભવનાં કાવ્યોમાં અરજુનની લાક્ષણિક વાણી અનવદ્ય, સુંદર, નૂતન પ્રફુલ્લ અને ઉન્નત કલ્પનાથી યુક્ત રૂપમાં જોવા મળે છે.
અનુભવનાં કાવ્યોમાં, આપણા કેટલાક પ્રખર વ્યક્તિત્વવાળા અખા અને ભોજા જેવા થોડાક કવિઓમાં જ જે તત્ત્વ જોવા મળે છે તે વીર્યનો અંશ ખૂબ લાક્ષણિક રીતે તરી આવે છે. આ પ્રદેશ પણ દુર્બળ હતાશ વૈરાગ્યનો નહિ પણ જીવનમાં એક પરમ વીર્યને અવકાશ આપતી પ્રવૃત્તિનો છે, એ અરજુન સબળ વાણીમાં બતાવી આપે છે.

આતમ સંગે સો સો જોજન જાતી,
વાઘ વેરીની સાથે વનમાં વઢું!
જાહેર ઝુઝું હું જગત જુતું;
તારે પ્રતાપે તાપી રેવા તરૂં.

*

જેવું રામલખમણનું બાણ, તેવી શુરવીર મારી વાણ!
તન મસ્તકમાં તાકી મારું, ફાટે પર્વત પહાણ!
ફાટી તૂટી કટકા થઈને થાશે કચ્ચર ઘાણ!

*

મત લડના બહાદૂર! મેરે સંગ મત લડના બહાદૂર!
ઉડ ગયે આકકે તુલ! મેરે સંગ મત લડના બહાદૂર!
...રામનામકી નોબત બાજે, ચડે શૂરાકું શૂર;
અરજુન કાયર ક્યા નર જાને? તીન બાજે રણતૂર.

એ શૌર્યભાવ સાથે તેના અનુભવની ઊંડી અને ગગનગામી છટાઓ પણ તેની વાણીમાં સુંદર રીતે દેખાય છે. ‘ખોજ’નાં કાવ્યોમાં એક અવર્ણનીય કમનીય ઋજુતા જોવામાં આવે છે. અને અરજુનની કૃતિઓનું એ સૌથી મોહક તત્ત્વ છે. આ સર્વે ભાવોને અરજુન અજબ સંગીતક્ષમ રીતે ગીતની ઝકઝૂડ સાથે રજૂ કરી આપે છે.

મેં તો મેરે જાતે, મેં તો મેરે જાતે,
ચલો કોઈ આતે મેં તો મેરે જાતે.

જેવાં અનેક ગીતો આખા કાવ્યમાં એક જ પ્રાસના બળે ખૂબ સંગીતક્ષમતા ધારણ કરે છે. અને અરજુન ઘણા સામર્થ્યપૂર્વક એવા પ્રાસો આખાં ને આખાં કાવ્યોમાં ભરી આપી શકે છે. અરજુનની તળપદી છતાં અત્યંત ચોટદાર અને કોમળ વાણીનો પ્રકાર ‘ખોજ’નાં ગીતોમાં વિશેષ મળી આવે છે. નીચેની પંક્તિઓ તેના ઉદાહરણ રૂપે રજૂ કરી શકાય :

સૌથી સાહેબ મોટા, ખરૂં છે કે નહિ-ખરૂં છે કે નહિ?
...નદી તેં તો નીર ખોયાં, ઠાલી ખાલી થઈ – ઠાલી ખાલી થઈ
નીર તારાં થીર નથી, જોની ચાલી વહી!

આવજો તમે હો પ્યારા, આવજો તમે!
પ્રેમપત્રી વાંચી વ્હેલા આવજો તમે :
...ચંદ્ર ને ચકોર જેમ ચિત મારું ભમે,
પ્રભુ ન આપી પાંખ, ઊડી આવતે અમે.
વાર ન લગાડો વાલા સૂર્ય આથમે,
એક પલક કલપ સમી કહાડું હું ક્યમે.
સ્વામી વિનંતી સુણજો, નારી ચરણમાં નમે,
હિરા મોતી હાર આપું તમને જે ગમે.
આપના વિજોગે નારી અન્ન નહિ જમે,
આજથી અરજુન આવો દિન પાંચમે.

કલ્પનાની ઊંચી પહોંચ તથા કવિત્વશક્તિના ઉત્તમ આવિર્ભાવવાળા ગીતોના પ્રતિનિધિ તરીકે અરજુનનું નીચેનું ગીત રજૂ કરી શકાય :

વનમાં વ્હાલે વેણ વગાડી!
વગાડી રે, વનમાં વ્હાલે વેણ વગાડી!
વેણ વગાડી ને સૂતી જગાડી
રોમે રોમે આંખ ઉઘાડી!
જંગલાંની ઝાડી દિલમાં દેખાડી
મનમાંહે મોહ પમાડી,
સખી થાવ દરશન દહાડી! વનમાં.
જળ જમનાનાં જરા નહિ ચાલે,
ગંગા તો પડી ગઈ પછાડી!
પવન ને પાણી તો થિર થંભ્યાં
વસંત ભૂલી ગઈ સાડી,
નહિ ખીલી વેલ કે વાડી! વનમાં.
ચક્ર ચોરાશીનું ચાલતાં અટક્યું.
મટી ગઈ હોળી ધુલાડી!
અવન ગવન હવે કોણ આપે?
એ ખેલ જાણે ખેલાડી,
મારૂં નહિ માને અનાડી! વનમાં.
ડુંગર ડોલ્યા ને સૂરજ થોભ્યા
અટકી ગઈ ચન્દ્રની ગાડી!
નવલખ તારા સ્થિર થયા છે
જોની તું પુરાણ ઉઘાડી,
અરજુન ત્યાં તો ઊભો અગાડી! વનમાં.