અર્વાચીન કવિતા/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
[૧૮૫૫ - ૧૯૦૭]

કવિતાનું વૈચિત્ર્ય
સ્નેહમુદ્રા (૧૮૮૯)

ગોવર્ધનરામની કવિતા આ સ્તબકમાં આપણી કવિતાનો એક વિચિત્ર છતાં અસાધારણ આવિર્ભાવ છે. કળારૂપ તરીકે તેનામાં કશી દૃઢતા નથી તો ય તેનું સમગ્ર વસ્તુઆયોજન અર્વાચીન ગુજરાતી કવિતામાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને વિરાટસ્પર્શી બનેલું છે. ગોવર્ધનરામમાં સંસ્કૃત કે ગુજરાતી કવિતાના પ્રાચીન કે અર્વાચીન કોઈ સંસ્કારો દૃઢ રૂપ લઈ શક્યા નથી. તેમનું મેધાશીલ ચિત્ત સંસ્કૃત, ફારસી, અંગ્રેજી, તેમજ ગુજરાતી કવિતાના સ્પર્શમાં આવી તેમાંથી કશું ને કશું લઈ આવે છે, એટલું જ નહિ, તેમની સર્જક કલ્પનાશીલ પ્રતિભાએ કોઈ મહાન રસનું વિરાટ સર્જન પણ કલ્પ્યું છે; પરંતુ તેમની કળાની સૂઝ, ઔચિત્યની દૃષ્ટિ એટલી દરિદ્ર અને અપક્વ છે કે એ સર્વમાંથી તે એકે સુયોજિત સુષ્ઠુ અને રસાવહ કાવ્યકૃતિ આપી શકતા નથી.

પ્રકીર્ણ કૃતિઓ

ગોવર્ધનરામની કૃતિઓમાં ‘સ્નેહમુદ્રા’ અને ‘સરસ્વતીચંદ્ર’માંનાં કાવ્યો મુખ્ય છે. ફારસી ગઝલો અને અંગ્રેજી કવિતાનો સંપર્ક સરસ્વતીચંદ્રનાં કાવ્યોમાં વિશેષ છે. નવલકથાના વસ્તુસંદર્ભને લીધે એમાંનાં અમુક કાવ્યો વિશેષ અસરકારક તથા લોકપ્રિય થયેલાં છે, અને તેમાં પ્રસાદ વિશેષ પ્રમાણમાં છે તો યે એ કૃતિઓ બહુ ઊંચું કળારૂપ નથી લઈ શકતી. મણિલાલની ઢબની લાવણીમાં યોજેલું બુદ્ધના ગૃહત્યાગના પ્રસંગનું કાવ્ય તથા ‘હરમિટ’ કાવ્યનું ‘પ્રેમયોગી’ નામે ભાષાંતર જેવી તેમની થોડીક કૃતિઓ વિશેષ નોંધપાત્ર છે.

સ્નેહમુદ્રા – ક્ષતિઓ

‘સ્નેહમુદ્રા’માં ગોવર્ધનરામે પોતાની શક્તિને તથા કલ્પનાને અતિ ગાંભીર્યથી પ્રયોજી છે, છતાં તેમાં તેમને આંશિક સફળતા જ મળી છે. કાવ્યના કળારૂપની ક્ષતિઓ ઘણી ગંભીર છે. ગોવર્ધનરામ પોતાના આ અત્યંત મહત્ત્વાકાંક્ષી કાવ્ય માટે છંદ, ભાષા, શૈલી, કે કાવ્યરૂપનું એકે સુભગ સ્વરૂપ સાધી શક્યા નથી. નથી તેઓ ભીમરાવે ગુજરાતીમાં અસાધારણ રીતે સિદ્ધ કરેલી સંસ્કૃત શૈલીને સાંગોપાંગ અપનાવી શક્યા, નથી તેઓ બાલાશંકરની પેઠે ફારસી શૈલીને પચાવી શક્યા, નથી તેઓ અંગ્રેજી શૈલીની રીતે કાવ્યને અર્વાચીન બનાવી શક્યા, કે નથી તેઓ દલપતની શૈલીમાં ટકી શક્યા. ગુજરાતીમાં આ ઇતર ભાષાઓની કવિતાની શૈલીઓના સંસ્કારોને જે સૌષ્ઠવથી અને સામર્થ્યથી એમના બીજા સમકાલીન કવિઓ અપનાવી શક્યા તે ગોવર્ધનરામ નથી કરી શક્યા. એનું કારણ એ હોય કે તેમનું આ કાવ્યનું આયોજન એટલું અપૂર્વ અને અસાધારણ હતું કે આ કોઈ પ્રચલિત રૂપો તેમને અનુકૂળ પડ્યાં નહિ હોય. ગમે તે હોય. તેઓ પોતાના કાવ્ય માટે પ્રચલિત રૂપોથી ભિન્ન એવું કોઈ નવું ગૌરવાન્વિત રૂપ સર્જી શક્યા નથી અને પરિણામે ‘સ્નેહમુદ્રા’ કળા તરીકે એક ઘણી વિસ્વાદુ રચના બની છે. આ કૃતિના દોષોમાં પ્રથમ તો, ‘સ્નેહમુદ્રા’માં તેના લાંબા વર્ણનાત્મક વસ્તુ માટે, વૈવિધ્યવાળાં ભલે હોય છતાં, પરસ્પર સંવાદી રહે તેવાં, પ્રૌઢ યા તો હળવાં, પરંતુ એક સમાન ગૌરવથી પ્રયોજાતાં વૃત્તોની યોજના નથી. દેશીઓના ઢાળો, દોહરા ચોપાઈ વગેરે માત્રામેળ છંદો, નાટકનાં ગાયનો, ભજનોના ઢાળો તથા સંસ્કૃત વૃત્તોનો કાવ્યમાં વિચિત્ર શંભુમેળો છે. બીજું, કાવ્યની ભાષામાં સરળતાનું અને ક્લિષ્ટતાનું, ગ્રામ્યતાનું અને અતિસંસ્કૃતતાનું વિલક્ષણ મિશ્રણ છે. ત્રીજું, સંસ્કૃતમાં પણ અરૂઢ અર્થવાળા શબ્દો, તથા દલપતરામ પણ જેને વાપરતાં અચકાય એવા ગ્રામ્ય શબ્દોની બનેલી ભાષાવાળા આ કાવ્યની શૈલી દલપતરામની ફિક્કાશ અને નર્મદની સ્થૂલતા, રુક્ષતા અને વિરૂપતા એ બધું ધારણ કરે છે. ચોથું, કાવ્યની અનેક અલંકારો, અનેક ચિત્રો અને પ્રસંગો, તથા ઘણી ગૌણ-અગૌણ ઘટનાઓથી ઊભરાતી વસ્તુસામગ્રીનો વિન્યાસ ઘણી કઢંગી રીતે થયો છે. વાર્તાનાં અંગોની ગૂંથણી શિથિલ છે. વાર્તાનું તત્ત્વ ઘડીકમાં અતિ વાસ્તવિક તો ઘડીકમાં અતિ વાયવ્ય થઈ જાય છે. ચિત્રોની મૂર્તતા ઓસરી જોતજોતામાં તે ધૂંધળાં થઈ જાય છે અને છેલ્લું, કાવ્યમાં રસનું ઔચિત્ય ઘણા સંદિગ્ધ પ્રકારનું છે. ગોવર્ધનરામનું સ્થૂલતા તરફ વિશેષ વલણ દેખાય છે. વળી એ સ્થૂલતા પણ સંસ્કૃતના જેવી લલિતમધુર નહિ પણ જુગુપ્સિત બનેલી છે. કાવ્યમાં કરુણ તથા બીજા ગંભીર ભાવોનું નિરૂપણ અતિ વાચ્ય તથા ઊર્મિલ ઢબનું છે.

કાવ્યનું ગંભીર આયોજન

આવી ગંભીર ક્ષતિઓના પુંજ વચ્ચે થઈને ધીરજપૂર્વક કાવ્યને અંતે પહોંચતાં એક મહાગંભીર આયોજનની મન ઉપર અસર પડે છે. વાર્તાનો તંતુ શિથિલ સંયોજનવાળો છતાં તે સાદ્યંત ટકી રહેલો છે. જોકે એ તંતુ ઉપર કવિ મહાગાંભીર્યથી વિરાટ ધ્વનિવાળા ભાવો ગાવા બેસે છે, છતાં ય પ્રાકૃતતામાં તથા અનૌચિત્યભરી વિરસતામાં સરી જાય છે. ઉદાહરણ તરીકે આ કાવ્યનો એક ‘સ્નેહનિદાન’ નામે અત્યંત લોકપ્રિય થયેલો, બીજાં સંસારસુધારાનાં કાવ્યો પેઠે વિધવાનું દુઃખ નિરૂપતો ભાગ લઈએ. તેમાંની ઘટના માત્ર હિંદની સામાજિક પરિસ્થિતિમાં જ સંભવે છે તથાપિ તેને ગોવર્ધનરામે જગતના વિરાટ સંદર્ભમાં મૂકી છે. કાવ્યના વસ્તુની માંડણીમાં પણ ગંભીર પ્રકારનું અનૌચિત્ય છે. જગતનો ઉદ્ધાર કરવા નીકળેલું અને અનેક દાનવોને હણનારું દંપતી એક સતી થવા નીકળેલી વિધવાનું દુઃખ જોઈ એટલી બધી મહાવ્યથા પામે કે તે યુગ્મમાંની નાયિકા ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામે, અને નાયક તેની પાછળ આખા કાવ્યમાં વિલાપ કર્યા જ કરે, અને આખા બ્રહ્માંડનાં સત્ત્વો એ ‘રુરુદિષા’માં ભાગ લેવા એક પછી એક આવ્યા કરે. આવા વસ્તુમાં સાચા કરુણરસની નિષ્પત્તિ કે અદ્‌ભુત રસનું ગૌરવ આવતું નથી. કાવ્યની આ વ્યાપક ક્ષતિને બાજુએ મૂકતાં, આ સ્તબકની બીજી ખંડિત કૃતિઓ પેઠે, આ કાવ્યમાં પણ ખંડિત અને આંશિક સૌંદર્ય ઠીકઠીક જ નહિ, બલ્કે આવી બીજી કોઈ કૃતિઓ કરતાં ઘણા વધારે પ્રમાણમાં છે અને કેટલીક વાર તો તે ભવ્ય અને વિરાટ રૂપનું પણ બને છે.

કાવ્યનાં પ્રકૃતિવર્ણનો

આ કાવ્યમાં આવતાં પ્રકૃતિનાં વર્ણનો ઘણાં તાદૃશ અને મનોરમ હોઈ આપણી પ્રાચીન-અર્વાચીન રીતનાં પ્રકૃતિનાં કાવ્યોમાં બહુ ઊંચું સ્થાન પામે તેવાં છે. ઉદાહરણ તરીકે, મેઘના વર્ણનને આપણાં ઉત્તમ શબ્દચિત્રોમાં મૂકી શકાય. એમાં થયેલો કટાવ છંદનો ઉપયોગ પણ ઘણો સુભગ અને સમર્થ છે, અને તેમાં નર્મદાશંકરના કટાવ કરતાં પણ વિશેષ બળ છે. ‘સ્નેહનિદાન’નો પ્રસંગ એક સારા ખંડકાવ્ય જેવો છે અને તેને કાવ્યના અનુચિત સંદર્ભમાંથી મુક્ત કરી લઈએ તો વિધવાને અંગેનાં કાવ્યોમાં આ એક ઉત્તમ ગણાય તેવું કાવ્ય બને છે. આથી યે ઉત્તમ અંશો વિશ્વપ્રકૃતિનાં પૃથ્વી પરનાં કે આકાશનાં સત્ત્વોની કેટલીક ઉક્તિઓના છે. નદી, ઝાકળ, પ્રભાકીટ, આકાશ, અન્ધતિમિર, આકાશોદર તથા સિંહની ઉક્તિઓ અને ‘વિશ્વની સુપ્રત’ એ ખંડો અલગઅલગ રીતે લેતાં પ્રત્યેક એક સુંદર પ્રકૃતિવર્ણન બને છે. એ સૌમાં આકાશની ઉક્તિ ભવ્ય વિરાટ બનેલી છે. કાવ્યમાં એક ઘણો લલિત ટુકડો પણ આવે છે. એ છે ‘કોકિલાને સંબોધન’નું નાજુક અને સુંદર કલ્પનાથી ભરેલું ગીત.

કાચા સુવર્ણ જેવું કાવ્ય

આવું સુરૂપ-વિરૂપ કાવ્ય, તેને સમગ્ર રીતે વિચારતાં, તથા તેનાં અંગોમાં વિલસતી સાચી ચમક જોતાં, ખાણમાંથી ખોદી કાઢેલા ઘાટઘૂટ વિનાના માટીના મિશ્રણવાળા સોનાના મોટા ગઠ્ઠાનું સ્મરણ કરાવે છે. ગોવર્ધનરામનાં અપાર ચોકસાઈ, ચીવટતા, ખંત, ભાષાભંડોળ, છંદસમૃદ્ધિ, અલંકારસામર્થ્ય તથા મૌલિક કલ્પનામાં જો રસનું ઔચિત્ય અને સંયોજનનું સામર્થ્ય આવ્યું હોત તો ‘સ્નેહમુદ્રા’ કાવ્યકલાની ચિરંતન સૌંદર્યવાળી સુવર્ણમુદ્રા બની શકત