અર્વાચીન કવિતા/નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નરસિંહરાવ ભોળાનાથ
[૧૮૫૯ – ૧૯૩૭]

અર્વાચીન કવિતામાં ‘કુસુમમાળા’નું સ્થાન

કુસુમમાળા (૧૮૮૭), હૃદયવીણા (૧૮૯૬), સરજતરાજની સુષુપ્તિ (૧૯૧૨), નૂપુરઝંકાર (૧૯૧૪), સ્મરણસંહિતા (૧૯૧૫), બુદ્વચરિત (૧૯૩૪) નરસિંહરાવની કવિતા તેની પ્રારંભિક અવસ્થામાં, ‘કુસુમમાળા’માં અંગ્રેજી ઊર્મિકવિતાની અસર હેઠળ ઘડાયેલી છે. ‘કુસુમમાળા’નાં ઊર્મિકાવ્યો ગુજરાતી કવિતામાં શકવર્તી પ્રસ્થાનભેદ કરનાર તરીકે સ્વીકારતાં આવ્યાં છે, અને તેનાથી સાચા રૂપમાં પ્રારંભ અર્વાચીન કવિતાનો થયો એમ ગણાયું છે. પરંતુ આ સ્તબકના પ્રાવેશિકમાં આપણે જોઈ ગયા કે ગુજરાતી કવિતામાં અંગ્રેજી કવિતાની અસર નરસિંહરાવની પહેલાં ક્યારથી યે, ઠેઠ નર્મદથી શરૂ થઈ ચૂકી છે; પીતીત અને બીજા પારસી લેખકોએ તો તેનો જોરશોરથી અખતરો કરેલો છે; હરિલાલ, ભીમરાવ વગેરેમાં પણ તે ઘટનાત્મક તત્ત્વ તરીકે વ્યક્ત થઈ છે; એટલે ‘કુસુમમાળા’ને અંગ્રેજી કવિતાની અસર હેઠળનું પ્રથમ ઐતિહાસિક પ્રસ્થાન ગણાય તેમ નથી. વળી એ કાવ્યોનું કળાતત્ત્વ કે રસસમૃદ્ધિ સંસ્કૃત અને ફારસી અસર હેઠળ લખાતી બીજી એની સમકાલીન અને પૂર્વકાલીન કવિતાથી એટલું બધું વિશેષ ગુણોચ્ચયવાળું નથી કે તેને કળાના એક મહાન આવિર્ભાવ તરીકે મૂકી શકાય. તેમ છતાં ‘કુસુમમાળા’નાં કાવ્યોનાં કેટલાંક લક્ષણો એવાં છે, જેથી એ સંગ્રહને એક અનોખું વ્યક્તિત્વ મળે છે.

કુસુમમાળાનાં લક્ષણો

‘કુસુમમાળા’નાં કાવ્યોનું પહેલું લક્ષણ છે તેના લેખકની અંગ્રેજી કવિતા તરફની અનન્ય અભિમુખતા. પીતીત, હરિલાલ, ભીમરાવ વગેરે કવિઓનું કાવ્ય બહુમુખ રહેલું છે. ફારસી, સંસ્કૃત અને તળપદી કવિતાના અનેક પ્રકારો તેમણે સાથે સાથે ખેડ્યા છે. ‘કુસુમમાળા’ જાણે એકલી અંગ્રેજી કવિતાને જ આરાધે છે; જોકે આ અભિમુખતાથી કાવ્યોને કશો વિશેષ કળાગુણ પ્રાપ્ત થતો નથી એ નોંધવું જોઈશે. ‘કુસુમમાળા’નાં કાવ્યોનું બીજું લક્ષણ તેઓનું અંગ્રેજી ઊર્મિકાવ્યને મળતું ટૂંકું સ્વરૂપ છે. તેઓનું ત્રીજું અને મહત્ત્વનું લક્ષણ એ કાવ્યોનો આટલો વિપુલ સંખ્યામાં પ્રથમ વાર એકીસાથે પ્રગટતો સમુચ્ચય છે. તેઓનું ચોથું અને સૌથી વધુ મહત્ત્વનું લક્ષણ કેવળ અંગ્રેજી અસર હેઠળ લખાયેલી, અને આ દેશની કવિતાથી કાંઈક જુદી રીતિવાળી પાશ્ચાત્ય દેશની કવિતાના આજ લગીમાં આપણે ત્યાં જે પ્રયોગો થાય છે તેમાં મુકાબલે વધુ શિષ્ટ અને શુદ્ધ ભાષામાં થયેલો પ્રયોગ છે. નરસિંહરાવ અત્યંત ભાનપૂર્વક અંગ્રેજી ઢબે લખે છે, કાવ્યમાં ઊર્મિઓનું નિરૂપણ કરે છે. કાવ્યમાં પ્રકૃતિના કે ચિંતનના કે પ્રણયના વિષયોને સ્પર્શે છે, એ બધાં પણ આ સંગ્રહની કૃતિઓનાં લક્ષણો છે, પણ તે ગુજરાતી કવિતામાં સર્વથા નૂતન તત્ત્વો નથી.

કુસુમમાળાની ઘટનાત્મક અસર

‘કુસુમમાળા’ને વિશિષ્ટ સ્થાન આપનાર તેનાં આ આંતરિક લક્ષણો ઉપરાંત તેણે બીજી રીતે જે ભાગ ભજવ્યો છે તેને લીધે તેનું વિશેષ મહત્ત્વ ઠરે છે. ‘કુસુમાળા’ની કૃતિઓ તે વખતના મુગ્ધ યુવાન કવિતાલેખકોના વર્ગમાં અહોભાવપૂર્વક વંચાતી હતી, તથા તેની ઢબે કાવ્યો રચવાના થોડા થોડા પ્રયત્નો પણ થયેલા હતા. પરંતુ એક ઘટનાત્મક અસર તરીકે લાંબો કાળ ટકી શકે તથા ચિરંજીવ અસરો ઉપજાવી શકે તેટલું ઊંચું કળાબળ કે જીવનદર્શન આ કૃતિઓમાં હતું નહિ, એટલે ‘કુસુમમાળા’ના ઉપાસકોમાંથી જે સાચા શક્તિશાળી હતા તે પોતાને માર્ગે જોતજોતામાં ચાલ્યા ગયા. પરંતુ ‘કુસુમમાળા’ને અંગે આપણા કવિતાના વિચારજગતમાં એક મોટું આંદોલન શરૂ થયું, લોકો કવિતા વિશે વિચાર કરવા લાગ્યા, તેની વિરુદ્ધમાં તથા તરફેણમાં લોકમત કેળવાવા લાગ્યો, અંગ્રેજી અસરની હેઠળ લખાય તે જ અર્વાચીન કવિતા એવો મત નરસિંહરાવ દ્વારા પ્રચારમાં આવ્યો, અને ‘સંગીતકાવ્ય’ને નામે ઓળખાતા ‘ઊર્મિકાવ્ય’ના સ્વરૂપ વિશે અને એ દ્વારા કવિતાના પાશ્ચાત્ય રીતના વર્ગીકરણ તરફ આપણું વિવેચન વળ્યું, એ ‘કુસુમમાળા’ના સીધા કાવ્યગુણની નહિ પણ તેના પ્રકાશનમાંથી જન્મેલી આનુષંગિક છતાં મહત્ત્વની અસરો છે.

કુસુમમાળાની ઉત્તમ કૃતિઓ

‘પાશ્ચાત્ય દેશની કવિતાનું અનુરટણ કરવા મથતાં ‘કુસુમમાળા’નાં કાવ્યોમાં અંગ્રેજી કવિતા, કે જેના એક અલ્પ અંશના પરિચયમાં જ નરસિંહરાવ આ વખતે આવી શકેલા છે, તેની મુખ્ય અસર બહુ સચોટ રીતે કાવ્યના વિચારની ઊર્મિની યા વસ્તુની સંકલના અને તેની આકારરચનામાં પડી છે. નર્મદનું કાવ્ય બહુ બહુ તો અંગ્રેજી કવિતાના વિષયો અપનાવી શક્યું છે. પીતીતે અંગ્રેજી કવિતાની શૈલી અપનાવી છે, પણ તે ફારસીપ્રધાન પારસી બોલીમાં છે. નરસિંહરાવે શુદ્ધ પ્રૌઢ ગુજરાતીમાં અંગ્રેજી રીતનું ઊર્મિકાવ્ય કેવો આકાર, કેવી શૈલી લઈ શકે તેનો પ્રયોગ કર્યો. આ પ્રયોગ કેટલો સફળ થયો તે ચર્ચાસ્પદ વિષય રહેલો છે, તોપણ એટલું તો કહી શકાય કે ‘કુસુમમાળા’માં જે થોડીક ઉત્તમ કૃતિઓ છે એની શૈલી જ ભવિષ્યની ગુજરાતી ઊર્મિકવિતાનો એક મહત્ત્વનો ઘટકાંશ બનેલી છે.

‘કુસુમમાળા’ની શૈલી

‘કુસુમમાળા’નાં ઘણાંખરાં કાવ્યો નવીન કવિતાની પ્રયોગભૂમિ જેવાં છે. એમાં આ પહેલાંની ઝડઝમક વગેરેની સ્થૂલ શબ્દાર્થની ચમત્કૃતિઓ અદૃશ્ય થઈ, અને સીધી અર્થવાહી તથા ઉચિત અલંકારોવાળી વાણી કાવ્યનું વાહન બને છે. પરંતુ એ વાણી રસની ઘનતા ધારણ નથી કરી શકતી, કાવ્યનું વસ્તુ રસના ચમત્કારને સિદ્ધ નથી કરી શકતું. આનું એક કારણ એમ સૂચવાતું આવ્યું છે કે અંગ્રેજી ઢબની કવિતાને ગુજરાતીમાં ઉતારવાનો પ્રયોગ એ પોતે જ વિકટ કાર્ય છે. અને એ વાત સાચી છે. અંગ્રેજી કવિતામાંથી આપણે લેવા નીકળીએ તોપણ ગુજરાતીમાં શું શું લઈ આવી શકાય? સંસ્કૃત અને ફારસી કે તળપદી અસર હેઠળ લખનારા કવિઓને પોતાના કાવ્યના વિષયો ઉપરાંત ગુજરાતીમાં સહેજે એકરસ થઈ જાય તેવી પદાવલી શૈલી તથા છંદસમૃદ્ધિ તે તે ભાષામાંથી મળી રહેતી હતી. અંગ્રેજી કવિતામાંથી ગુજરાતીમાં માત્ર તેનાં વિષયો અને શૈલી જ અપનાવી શકાય તેમ હતું અને તે માટે કાવ્યોચિત પદાવલી તથા છંદોની યોજના નવેસરથી જ કરવાની હતી અને આમાં જ પ્રયોગની વિકટતા રહેલી છે. નરસિંહરાવ આ વિકટતાને બહુ સફળતાથી વટી શક્યા નથી. ગુજરાતી કવિતામાં પ્રકટ થવા લાગેલી સંસ્કૃત અને ફારસી શૈલીઓ તેમના અંગ્રેજી તરફની વફાદારીથી ઊભરાતા માનસને ત્યાજ્ય જેવી હતી, એટલે તેમની પાસે કોઈ તળપદી શૈલીને લઈ તેનો ઉપયોગ કરવાનો એકમાત્ર માર્ગ હતો; પરંતુ નરસિંહરાવે તે પણ કર્યું નથી, યા તો કરી શક્યા નથી. વસ્તુસ્થિતિ એવી લાગે છે કે અંગ્રેજી કવિતાના મર્યાદિત સંસ્કારો સિવાય બીજી કોઈ એતદ્દેશીય યા ઇતરદેશીય કવિતાના સંસ્કારો નરસિંહરાવના યુવાન મનમાં તે કાળે દૃઢમૂલ થયેલા નથી અને એવી રીતે ભૂતકાળમાં ક્યાંય પણ મૂળ ન નાખેલી કવિતાવૃત્તિ, સર્જકમાં અસાધારણ પ્રતિભાબળ હોય તોપણ, ભૂતકાળની કળાપરંપરા સાથે અમુક અંશમાં દૃઢ અનુસંધાન પામ્યા વિના ભાગ્યે કંઈ મૂલ્યવાન કાર્ય કરી શકે છે. નરસિંહરાવે પોતાનાં કાવ્યોમાં જે દેશી માત્રામેળ છંદો, સાદા તળપદા કે સંસ્કૃત શબ્દો, તથા ભાષાની લઢણો લીધાં છે, તેમાં બીજા કવિઓએ સિદ્ધ કરેલી કળાની ચમત્કૃતિ કે રણકાર બહુ ઓછાં આવે છે. કાવ્યનાં સ્થૂલ અંગ, છંદ, શબ્દાર્થ, અલંકાર આદિમાં તેઓ એક ગાણિતિક અને તાર્કિક જેટલી પારાવાર ચોકસાઈ બતાવે છે, પરંતુ છંદોનો સૂક્ષ્મ અર્થલય, તેમનો લયસંવાદ, શબ્દાર્થનું કાવ્યપર્યવસાયિત્વ આદિ કાવ્યકળાનાં સૂક્ષ્મ અને પ્રધાન મહત્ત્વવાળાં નિર્ણાયક તત્ત્વો વિશે તેમનું માનસ સંવેદનશીલ બની શક્યું નથી. પરિણામે તેમનું કાવ્ય તેની નબળામાં નબળી અવસ્થામાં દલપત અને નર્મદની કોટિએ જઈ પહોંચેલું છે. પરંતુ એ પ્રયોગાત્મક કાવ્યોમાંથી ધીરેધીરે સંસ્કૃત કવિતાનાં છંદો, પદાવલી અને અંશતઃ શૈલીનો સ્વીકાર કરતાં કાવ્યોમાં તે નવા ભાવોને ઉચિત કળારૂપ આપી શકે છે. જોકે એમાં યે કાવ્યના રૂપની તથા બીજી ક્ષતિઓ તો રહેલી છે, છતાં તેમાંથી એક હકીકત એ નિષ્પન્ન થાય છે કે પાશ્ચાત્ય દેશની કવિતાને પણ ગુજરાતીમાં ઉચિત વાહન તો વધુમાં વધુ સંસ્કૃતપ્રધાન શૈલીમાં જ મળી શકે તેમ છે. આ જ શક્યતા તેમના સમકાલીન કાન્તે તથા બળવંતરાયે વધુ વિકસાવી કાન્તમાં કળાની સૂઝ વધારે સાહજિક અને ઊંડી છે. તેમનામાં નવાં રૂપો, નવી શૈલી નિપજાવવાનું સામર્થ્ય પણ છે. કાન્તનાં ખંડકાવ્યોમાં સવિશેષ વિકસેલી શૈલીમાં જ પછી નરસિંહરાવના ઉત્તમ કાવ્યની સ્થિતિ રહેલી છે. બળવંતરાયે સંસ્કૃતપ્રધાન શૈલી ઉપરાંત તળપદી વાણીને પણ કળાત્મક રૂપ આપ્યું. નરસિંહરાવે તે રીતિનો પણ પોતાનાં કાવ્યોમાં લાંબે કાળે સ્વીકાર કર્યો. આમ તેમની શૈલી પ્રારંભિક અવસ્થામાં બીજાને થોડીક ઘડતી આવી છે, પણ મોટે ભાગે તે પોતે જ બીજાથી ઘડાતી આવી છે, તોપણ તેનું એક સ્વતંત્ર, સૌમ્ય, માર્દવભર્યું શિષ્ટ રૂપ બનેલું છે. તે શૈલીમાં બળ થોડું છે, છતાં તેમાં એક રીતની કોમળ સરળતા છે, જેનો ઉત્તમ આવિર્ભાવ ‘સ્મરણસંહિતા’માં થયેલો છે.

‘કુસુમમાળા’ અને ‘હૃદયવીણા’નાં કાવ્યો

‘કુસુમમાળા’નાં કાવ્યોમાં ચિંતન, ઊર્મિ અને પ્રકૃતિનું નિરૂપણ મુખ્ય છે. ‘કુસુમમાળા’માંનાં પ્રકૃતિકાવ્યોની રીતિનાં જ પ્રકૃતિકાવ્યો ‘હૃદયવીણા’માં પણ છે. ‘હૃદયવીણા’માં પરલક્ષી કાવ્યોની સંખ્યા વિશેષ છે. ‘કુસુમમાળા’નાં કાવ્યોમાં કાવ્યના વિષયો નવા નથી, પણ તેને નિરૂપવાની પદ્ધતિ, નવી અંગ્રેજી કવિતાને મળતી છે. અને એ નરસિંહરાવનો એક મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અંગ્રેજી કવિતાનું અનુસરણ તેઓ ચિંતન અને ઊર્મિના નિરૂપણમાં ખાસ વફાદારીથી કરી શક્યા છે. પ્રકૃતિનાં કાવ્યોમાં તે પ્રકૃતિ તરફનું રહસ્યવાદી વલણ વડ્‌ર્ઝવર્થમાંથી લઈ આવ્યા છે, પણ તે પ્રકૃતિનાં અમુક કાવ્યોમાં જ; બાકીનાંની રીતિ તેમની પોતાની છે. ‘હૃદયવીણા’નાં પરલક્ષી કાવ્યોમાંનાં ખંડકાવ્યો તેમણે કાન્તને અનુસરી લખ્યાં છે એ જાણીતી વાત છે. ‘કુસુમમાળા’નાં કાવ્યોમાં પ્રકૃતિકાવ્યોનું પ્રાધાન્ય વિશેષ છે. તેમના ચિંતનમાં અને ઊર્મિસંવેદનોમાં પ્રકૃતિ કોઈ ને કોઈ પીઠિકા પૂરી પાડે છે.

પ્રકૃતિનાં કાવ્યો

પ્રકૃતિના કોઈ પદાર્થ કે દૃશ્યને દૃષ્ટાંત રૂપે રજૂ કરી તેમાંથી નરસિંહરાવ કોઈ વિચાર તારવે છે, અથવા તો એને કોઈ ઊર્મિનું સીધું આલંબન બનાવે છે. આમાંની પહેલા પ્રકારનાં કાવ્યોની અર્થાન્તરન્યાસની રીતિ ઘણી વાર પ્રયોજાવાથી પોતાનું ચારુત્વ ટકાવી શકતી નથી. જ્યાં પ્રકૃતિ માત્ર ઊર્મિના અનુભવની પીઠિકા પૂરી પાડે છે ત્યાં તે રમણીય બને છે. આ સિવાય બીજે ઠેકાણે જ્યાં પ્રકૃતિ પોતે જ કાવ્યનો વિષય બને છે, ત્યાં કવિનું લક્ષ્ય તેનું વર્ણન, તેમાંના ગૂઢ રહસ્યનું સૂચન, અથવા તેની અને માનવની વચ્ચેના તત્ત્વની કંઈક શોધ, એવું રહેલું છે. પ્રકૃતિના વર્ણનમાં નરસિંહરાવનું લક્ષ્ય તેની સુંદરતા, દિવ્યતા, ભવ્યતા કે અદ્‌ભુતતા વર્ણવવાનું છે, પણ આ મહાન લક્ષ્યને સિદ્ધ કરવા જેટલી વર્ણનશક્તિ તેમની પાસે નથી. નરસિંહરાવની ચિત્રરચનાશક્તિ – ‘artistic skill’ને રમણભાઈએ બાયરન કરતાં પણ ઊંચી સંપૂર્ણ અને ઉત્કૃષ્ટ જણાવી છે, પણ વસ્તુતઃ તેઓ નર્મદ જેટલી સુરેખ ચિત્રશક્તિ – રંગ, આકાર, ગતિ કે અવાજનું નિરૂપણ પણ બતાવી શકતા નથી. આ ખામીને પહોંચી વળવા નરસિંહરાવ વારંવાર સજીવારોપણ અલંકારનો આશ્રય લે છે. પ્રકૃતિનાં તમામ સત્ત્વોને તેઓ કોઈક ને કોઈક સજીવન રૂપક આપે છે અને તે બધાં માનવની પેઠે વ્યવહાર કરતાં હોય તેમ વર્ણવે છે; પણ આ રીતિમાં પ્રકૃતિનું સ્વરૂપ માનવભાવના આરોપણથી ઉત્કૃષ્ટ બનવાને બદલે માનવભાવોથી મર્યાદિત તથા ઘણી વાર ક્લુષિતતાથી રંગાયેલું બની જાય છે. આવું આલંકારિક નિરૂપણ કોક જ વેળા ઔચિત્યભર્યું સૌષ્ઠવવાળું અને પ્રમાણસર બનેલું છે. ‘તરતું ધુમ્મસ’ તથા ‘નવીન રજની’ જેવાં થોડાંક કાવ્યોમાં આ જોવા મળે છે. નરસિંહરાવને પ્રકૃતિનાં અદ્‌ભુત ભવ્ય દિવ્ય અને નિગૂઢ રૂપો વર્ણવવાની ઘણી હોંશ છે, પરંતુ એકે કાવ્યમાં તેઓ આ ભાવો સર્જી શક્યા નથી. માત્ર આ ભાવોનાં સૂચક વિશેષણો તેઓ વર્ણ્ય પરિસ્થિતિને વાચ્ય રૂપે લગાડી આપે છે, પરંતુ એ ભાવોનું રસરૂપે સર્જન તેઓ કરી શકતા નથી. કેટલીક વાર તો એ વિશેષણો તેમના વાચ્યાર્થનું પણ પૂરેપૂરું વહન કરી શકતાં નથી અને નરસિંહરાવ તેમની તેજસ્વી બુદ્ધિને ન છાજે તેવા સાદા તર્કદોષોમાં પણ સરી જાય છે. પ્રકૃતિનાં કાવ્યોમાં અદ્‌ભુત કે ભવ્ય ભાવો કરતાં પણ ગૂઢતા તરફ તેમને વધારે પક્ષપાત છે. પરંતુ એ ગૂઢતાનું ગુહ્ય શું છે તે તેઓ કદી છતું કરી આપી શકતા નથી; માત્ર એ ગૂઢતાના અંતઃપુરમાં પોતાના જેવા વિરલ ભાગ્યશાળી પુરુષો જોઈ શકે છે; પામરજનોની ત્યાં ગતિ નથી એવા ઉદ્‌ગારો તેઓ કર્યા કરે છે. અમુક કાવ્યોમાં તેઓ તેમને મળેલા આ રહસ્યનું ઉદ્‌ઘાટન કરે છે, પરંતુ ત્યારે એ રહસ્ય સહજ બુદ્ધિગમ્ય રીતે પણ તારવી શકાય તેવું બહુ પ્રાકૃત રૂપનું જ નીવડે છે. ‘દિવ્ય સુંદરીઓનો ગરબો’ ‘દિવ્ય ગાયકગણ’ અને ‘કવિહૃદય’ – આ ત્રણ લાંબાં કાવ્યોમાં નરસિંહરાવને પ્રકૃતિનું જે કંઈ રહસ્યદર્શન થયેલું છે તેનો સાર આવી જાય છે. એમાં સૂચવાતું રહસ્ય અનુભવના સત્ય કરતાં બુદ્ધિની કે અમુક માનસિક વલણોની તરંગલીલા ઉપર વિશેષ અવલંબેલું છે. જોકે તરંગલીલાનું નિરૂપણ પણ રમણીય હોઈ શકે, પણ અહીં એ તરંગપૂર્ણ સામગ્રીનો વિનિયોગ પૂરી સુભગતાથી કે આલેખનની ઉત્કૃષ્ટતાથી થયો નથી.

ચિંતન અને ઊર્મિનાં કાવ્યો

તેમનાં ચિંતન અને ઊર્મિપ્રધાન કાવ્યોની સફળતા આ કાવ્યોને મુકાબલે વિશેષ રહી છે. તેમાં નિરૂપણની કચાશ છે, છતાં તેમાં ભવિષ્યની ગુજરાતી કવિતાની સુભગ એવી પૂર્વછાયા છે. આ પ્રકારનાં કાવ્યોની સફળતાનું પ્રથમ કારણ તેમાં યોજાયેલા છંદો છે. વિમર્શન, ચિંતન, બહોળો વિચારસંભાર ઝીલી શકે તેવાં સંસ્કૃત વૃત્તોનાં આ કાવ્યો વધારે સુભગ બનેલાં છે. વળી ભવિષ્યમાં તેમની શૈલી પુખ્ત થતાં તથા તે વેળા કાન્ત વગેરે વધારે પક્વ શૈલીના કવિઓનાં કાવ્યો પણ તેમને ઉદાહરણ રૂપે મળી શકવાથી આવાં કાવ્યો વધારે સારાં બનેલાં છે. ‘કુસુમમાળા’માંથી આ રીતની નોંધપાત્ર તથા કેટલીક ખરેખર સારી કૃતિઓમાં ‘કર્તવ્ય અને વિલાસ’, ‘સંસ્કારોદ્‌બોધન’, ‘ત્હારી છબી નથી’, ‘હુનાળાના એક પરોઢનું સ્મરણ’ તથા તેનું અર્પણ આવે છે. ‘હૃદયવીણા’નાં કાવ્યોમાંથી માત્ર તેનું અર્પણ તથા ‘મંગલાચરણ’ એ બે કૃતિઓ જ આવા ગુણવાળી મળે છે. એ બે કાવ્યોને નરસિંહરાવનાં થોડાંક અતીવ મધુર કાવ્યોમાં મૂકી શકાય.

નરસિંહરાવનાં ખંડકાવ્યો

‘હૃદયવીણા’માંનાં ખંડકાવ્યો કાન્તનાં ખંડકાવ્યોના અસમર્થ અનુકરણ જેવાં છે. ‘હૃદયવીણા’નાં આ કાવ્યો લખાયાં હશે ત્યારે પણ નરસિંહરાવની કાવ્યશક્તિ હજી વિકાસની પ્રાથમિક ભૂમિકા પર લાગે છે. આ ખંડકાવ્યોના છંદોનો અમેળ જ નહિ પણ કુમેળ, પાત્રોની ઉક્તિઓમાં પાત્રના ચારિત્ર્ય સાથે વિસંગતતા, તથા મુખ્ય તો ભાવ કે વસ્તુસ્થિતિના નિરૂપણની દુર્બળ શક્તિ તેમની નિષ્ફળતાનાં મુખ્ય કારણો છે. આ કાવ્યોમાં ‘ઉત્તરા અને અભિમન્યુ’ વિશેષ લોકપ્રિય થયેલું છે, પણ તેને કળાત્મક બનાવવામાં કાન્તનું સમર્થ સૂચન છે તે ભૂલવું ન જોઈએ. તેમ છતાં આમાં યે ઉત્તરાની ઉક્તિ કાવ્યનો ઘણો નબળો ભાગ છે. માત્ર કાવ્યનો વર્ણાત્મક અંશ સુભગ છે. ‘નૂપુરઝંકાર’નાં ખંડકાવ્યોમાં, ‘હૃદયવીણા’ પછીનાં અઢાર વર્ષમાં નિરૂપણની પુખ્તતા વધી છે. ‘ચિત્રવિલોપન’ તેનું સૌથી ઉત્તમ દૃષ્ટાંત છે. આમાં ‘બુદ્ધચરિત’ના બે ખંડો છે, જેમાંનો ‘મહાભિનિષ્ક્રમણ’ વધારે લોકપ્રિય બનેલો છે. પણ તેને જરા ઝીણવટથી જોતાં તેના નિરૂપણમાં નરસિંહરાવની નબળાઈઓ જણાઈ આવ્યા વગર રહેતી નથી’ ‘નૂપુરઝંકાર’ અને. ‘સ્મરણસંહિતા’ ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ નરસિંહરાવની પાકટ વયની પાકટ શૈલીની રચનાઓ છે. અહીં તેમની શૈલી શ્લિષ્ટ બને છે, શબ્દોના અને છંદોના પ્રયોગમાં ઔચિત્ય આવે છે. વળી તે ‘ખંડ હરિગીત’ જેવું એક જ અત્યંત સુભગ વૃત્ત પણ આપે છે. નરસિંહરાવે હરિગીત છંદમાં થોડાક જ ફેરફારથી આ વૃત્ત ઉપજાવેલું છે, છતાં તેનું સ્વતંત્ર માધુર્ય છે, અને નરસિંહરાવની ઘણીએક સુંદર રચનાઓ, અને ‘સ્મરણસંહિતા’ જેવી લાંબી કૃતિ એમાં જ રચાયેલી છે. કાવ્યની નિરૂપણશૈલીમાં હજી પણ પહેલાંનાં કાવ્યોની કેટલીક નબળાઈઓ ટકી રહી છે, પણ હવે કંઈક વધુ સમૃદ્ધ ચિંતનભાર તેમને નિર્વાહ્ય બનાવે છે. જોકે આમાંનાં ગીતોમાં અને માત્રામેળ છંદોમાં લખાયેલાં કાવ્યોમાં હજી પ્રવાહિતાની તળપદી લઢણનો અભાવ ટકી રહેલો છે. નરસિંહરાવમાં ગીતશક્તિનો બહુ અભાવ છે. તેમનાં દેશી ઢાળનાં અનેક ગેય પદોમાંથી માત્ર ‘મંગલ મંદિર ખોલો’ તથા ‘પ્રેમળ જ્યોતિ’ લોકપ્રિય થઈ શક્યાં છે. આમાંનું પહેલું ગીતની મધુરતા ધરાવે છે, પણ બીજું કાવ્ય તેના સૌંદર્યતત્ત્વમાં એટલું બધું સુભગ નથી. એ જ અંગ્રેજી કાવ્યનો કાન્તે કરેલો અનુવાદ તેની ગીતશક્તિમાં તથા અનુવાદ તરીકેની ઉત્તમતામાં ઘણો ચડિયાતો છે.

‘નૂપુરઝંકાર’

‘નૂપુરઝંકાર’નાં કાવ્યો ‘હદયવીણા’ પછી અઢાર વરસના લાંબા ગાળામાં અવારનવાર લખાયેલાં છે એ જોતાં આ રહી ગયેલી કચાશનો કંઈક ખુલાસો મળી શકે છે. આ સંગ્રહનાં કાવ્યોમાં વિષયનું સ્વરૂપ એકદમ બદલાઈ ગયું છે. પ્રકૃતિ તરફના તેમના વલણનું છેવટનું તારણ આપતું ‘મારાં રમકડાં’ કાવ્ય અહીં છે અને તેમાંનું ‘સત્ય’ વધારે વાસ્તવિક છે. ‘ભાવનાસૃષ્ટિ’ તથા ‘વીણાનું સ્વરસંમેલન’ તરંગોમાં તથા અવાસ્તવિક આલેખનમાં ‘કવિહૃદય’ કાવ્યનો જ એક બીજો આવિર્ભાવ છે, છતાં તેમાંનાં કેટલાંક વર્ણનો સુંદર છે. આ સંગ્રહમાંનાં ખંડકાવ્યોમાં ઉત્તમ કૃતિ તરીકે ‘ચિત્રવિલોપન’ ઉપરાંત ‘તદ્‌ગુણ’ને પણ ગણવું જોઈએ, જોકે ‘તદ્‌ગુણ’ બુદ્ધનો છેલ્લા શ્લોકમાંનો પૃથક્‌જનોની પામરતા નિરૂપતો વિચાર બુદ્ધના મોંમાં ઉચિત નથી લાગતો તથા એવા પરમ મહાનુભાવની એક અતિ ઉત્તમ સ્થિતિને વર્ણવતું કાવ્ય આવા એક અહંસંક્રાન્ત થતા વિચારમાં અંત પામે એ પણ રસની ક્ષતિ કરનારું છે. દેશાભિમાનના વિષયને કાવ્યકળા માટે સંકુચિત ગણવા છતાં તેને લગતાં નરસિંહરાવે લખેલાં ત્રણેક કાવ્યો પણ અહીં છે. ‘નૂપુરઝંકાર’નાં કાવ્યોમાં ‘ખંડ હરિગીત’ છંદમાં લખાયેલાં બધાં કાવ્યો સુંદર બનેલાં છે. આવાં કાવ્યોમાં ‘ઘુવડ’ અને ‘કોકિલા’ વિશેષ ધ્યાન ખેંચે છે. સંસ્કૃત વૃત્તોમાં તથા ‘ખંડ હરિગીત’માં લખાયેલાં કાવ્યોની સફળતા અને દેશ્ય ગેય ઢાળોમાં લખાયેલાંની નિષ્ફળતા જોતાં નરસિંહરાવમાં જાણે છંદ જ કાવ્યના કળાદેહનો વિધાયક કે વિનાશક બની જતો લાગે છે.

‘સ્મરણસંહિતા’

‘નૂપુરઝંકાર’નાં કાવ્યોમાંનો ‘ખંડ હરિગીત’ છંદ ‘સ્મરણસંહિતા’માં સૌથી વધારે સામર્થ્ય બતાવે છે. તેમાં જે થોડાં ગેય પદો છે તે પણ બહુ સુભગ બનેલાં છે. આખું કાવ્ય નિરૂપણની એકસરખી ઉચ્ચતા ટકાવી રાખે છે. તેનું વસ્તુવિધાન નરસિંહરાવના બીજા કોઈ પણ કાવ્ય કરતાં વધારે એકતા, સમપ્રમાણતા તથા રચનાસૌષ્ઠવથી મંડિત બનેલું છે. વાલ્મીકિનો શોક જેમ શ્લોકત્વ પામ્યો તેવું જ અહીં પણ બનેલું છે અને પુત્રશોકથી આર્દ્ર બનેલા નરસિંહરાવના અંતઃકરણે ગુજરાતી ભાષાને એક સુમધુર કૃતિ આપી છે. આ કાવ્ય તથા તેમનાં બીજાં સફળ કાવ્યો જોતાં જણાય છે કે નરસિંહરાવે જે ભાવો પોતે અનુભવેલા છે તેમનું નિરૂપણ તેમને હાથે આપોઆપ સુભગ બની ગયું છે. એમના ત્રણે કાવ્યસંગ્રહનાં અર્પણોમાં તથા દાંપત્યભાવનાં કાવ્યોમાં આ વસ્તુ સ્પષ્ટ દેખાઈ આવે છે. એમનાં ત્રણે સંગ્રહનાં કાવ્યોમાં એ અર્પણકૃતિઓ જ સૌથી ઉત્તમ નીવડે તેવી છે. ‘સ્મરણસંહિતા’માં નરસિંહરાવની કવિતાવૃત્તિના બધા મુખ્ય મુખ્ય અંશો સમુચિત રીતે મૂર્ત થાય છે. આમાં અંગ્રેજી કવિતાની પદ્ધતિના ‘એલેજી’ રૂપના કાવ્યને તેઓ સફળ રીતે ઉતારી શક્યા છે, પ્રકૃતિનું સૌથી સુભગ તથા તેની ગૂઢતાને કંઈક ગમ્ય કરતું ચિત્ર આમાં આવી શક્યું છે, માનવજીવન વિષેના તેમના ચિંતનનો નિચોડ આમાં આવી જાય છે, અને છેવટે તેમનો સાચો હૃદયભાવ અહીં ઉત્તમ કળાઉદ્‌ગાર પામે છે. આમાંનું માનવજીવનનું તેમનું નિરૂપણ શંકાસ્પદ તત્ત્વવાળું છે, ‘કુસુમમાળા’માં વ્યક્ત થયેલી પરલોકમાં અને પરકાળમાં જ જીવનની પૂર્ણતાની તેમની મુગ્ધ અને તથ્યરહિત માન્યતા અહીં બહુ દૃઢ રૂપે વ્યક્ત થાય છે. જોકે એ માન્યતાનું સ્વરૂપ કાવ્યના રસાસ્વાદમાં વિઘ્નરૂપ નથી નીવડતું. એ માન્યતાને અવલંબી કવિ જે ઉપશમ આ કાવ્યમાં સાધે છે, તથા પોતાના પુત્ર તરફની પ્રીતિની ચિરસ્થાયિતા વ્યક્ત કરે છે તે બંને સાચાં સંવેદનો છે. શોકમાંથી નીકળવાનો ચિંતનમાર્ગ કે દર્શનપદ્ધતિ કવિએ ગમે તે સ્વીકારી હોય, પણ એમાંથી નીકળી જઈ નરસિંહરાવે પોતાના શોકને જે અન્તર્ગૂઢઘનવ્યથ રૂપ આપ્યું છે તે આ કાવ્યની રસસિદ્ધિ છે. આ કાવ્યમાં મૃત્યુના સ્વરૂપનું જે દર્શન છે તે બીજા કવિઓમાં પણ હોવા છતાં, અહીં તેનો ઉદ્‌ગાર પૂરેપૂરો અને સવિશેષ કળામય છે. આ કાવ્યમાં વ્યક્ત થતી નરસિંહરાવની ઈશ્વર પરની શ્રદ્ધા કાવ્યનું એક ઘણું મનોહારી તત્ત્વ છે.

‘બુદ્ધચરિત’

નરસિંહરાવનું ‘બુદ્ધચરિત’ બે રીતે મહત્ત્વનું છે. અંગ્રેજી કવિતામાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાના જે પ્રયત્નો છે તેમાં આ કાવ્ય, મૂળ કૃતિ ‘Light of Asia’ના અમુક પ્રસંગોનો જ અનુવાદ હોવા છતાં, સૌથી વધુ પ્રૌઢ અને મહત્ત્વાકાંક્ષી પ્રયત્ન છે અને બીજું નરસિંહરાવની બુદ્ધ વિશેની ભક્તિ આ પુસ્તકમાં જાણે કે ઉમળકાભેર સાકાર બની છે. પશ્ચિમના માનસને તથા પશ્ચિમની કેળવણી લીધેલા આપણા નવશિક્ષિતોને બુદ્ધનું ચારિત્ર્ય અને તેમના ઉપદેશનાં કેટલાંક અંગો વિશેષ આકર્ષક રહ્યાં છે. નરસિંહરાવની પ્રીતિ આ કાવ્ય તરફ લાંબા કાળથી રહેલી છે અને એમાંના ત્રણ પ્રસંગોના અનુવાદ તથા એક સ્વતંત્ર કાવ્ય તેમણે ‘નૂપુરઝંકાર’માં મૂકેલાં છે. તે પછી અમુક અમુક અંતરે તેમણે બીજા ત્રણ પ્રસંગોના અનુવાદ કરેલા તે તથા બોટાદકરની કૃતિ ‘બુદ્ધનું ગૃહાગમન’ ઉમેરીને આઠ પ્રસંગોનું એક ક્રમબદ્ધ કથાનક ટીકા સાથે તેમણે આ પુસ્તકમાં આપ્યું છે,

નરસિંહરાવની અનુવાદશક્તિ

આ અનુવાદોમાં નરસિંહરાવની અનુવાદશક્તિનું બળાબળ સહેલાઈથી જોવા મળે છે. તેમણે શેલીના ‘The Cloud’ના કરેલા અનુવાદની તે વખતે જે વધારે પડતી કઠોર ટીકા થઈ હતી તેમાં રહેલો સત્યાંશ આ અનુવાદોમાં પણ જોવામાં આવે છે. નરસિંહરાવની કવિત્વશક્તિની મર્યાદાઓમાં અનુવાદની પ્રક્રિયાની વિશેષ દુર્ઘટતા ઉમેરાતાં આ અનુવાદો બહુ રુચિર કાવ્યદેહ ધારણ કરી શક્યા નથી. અંગ્રેજી કવિતાના સ્થૂલ શબ્દને તથા વિગતોની સ્થૂલતાને વળગી રહેવાથી અનુવાદની બાની ઔચિત્ય અને લાલિત્ય ધારણ કરી શકી નથી. મૂળમાં છંદનું જે સાતત્ય છે તેને બદલી તેમણે માત્રામેળ અને રૂપમેળ વૃત્તોનું જે મેળરહિત વૈવિધ્ય યોજ્યું છે તે કાવ્યના છંદલયને કોઈ પ્રકારની સંવાદિત સમગ્રતા આપી શકતું નથી અને મૂળનો અર્થધ્વનિ પણ તેના સાંગોપાંગ અર્થસંભાર સાથે અનુવાદમાં આવ્યો નથી. નરસિંહરાવે આ વસ્તુનો નિખાલસ ભાવે સ્વીકાર કર્યો છે, એ તેમની જાગ્રત કલાવૃત્તિનો પુરાવો છે. આ ઊનતાઓ છતાં આમાંથી કેટલાક પ્રસંગો – ખાસ કરીને ‘મહાભિનિષ્કમણ’ – વિશેષ લોકપ્રિય બનેલા છે. આ કાવ્યોની ટીકામાં વેરાયેલા કેટલાક વિચારો અને માહિતી આ પુસ્તકનો કીમતી ભાગ છે. બુદ્ધ વિશે નરસિંહરાવ પછી બીજા કવિઓએ પણ કાવ્યો લખ્યાં છે, પણ તે માટે તે કવિઓ મૂળ બૌદ્ધ સાહિત્ય તરફ વળ્યા એ તેમની પ્રગતિ છે. નરસિંહરાવે પણ જો અશ્વઘોષના મૂળ ‘બુદ્ધચરિતમ્‌’નો આશ્રય લીધો હોત તો તેમની કૃતિઓ સારી થવાની શક્યતા હતી. આપણી કવિતામાં બુદ્ધ વિશે બહુ ઓછું લખાયેલું છે. એવાં લખાણોમાં નરસિંહરાવની આ રચનાઓ, જેવી છે તેવી પણ, હજી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

નરસિંહરાવનો નૂતન વિકાસ

આ ગ્રંથસ્થ થયેલાં કાવ્યો ઉપરાંત પણ નરસિંહરાવે લખેલું છે. કદાચ એમની છેલ્લી રચના પણ કવિતા જ હશે. આ પછીનાં કાવ્યોમાં તેમની શૈલીમાં તથા કાવ્ય તરફના દૃષ્ટિબિંદુમાં થોડોક છતાં મહત્ત્વનો વિકાસ થયેલો છે. ૧૯૩૦ પછી વિશેષ વ્યાપક થવા લાગેલી વિચારપ્રધાન શૈલીમાં પણ તેમણે લખ્યું છે. ‘સૂક્ષ્મ સૌંદર્યનું પૂજન’, ‘વીણાનું અનુરણન’ અને ‘મિત્રાવરુણૌ’ને આપેલો ‘ઉત્તર’ તેમની આ વિકસિત શૈલીના નમૂના છે. ’પ્રાર્થનામાળા’ (૧૯૨૫)ના છેલ્લા બે, ૨૯-૩૦ અંકો પણ તેમણે લખેલા છે. તેમાંનો ‘આજ ભક્તવૃન્દ’થી શરૂ થતો અભંગ, તથા ‘ભર્યો દુઃખાવર્તે’થી શરૂ થતો શિખરિણી બંને રુચિર અને સુરેખ કલ્પનાઓથી ભરેલાં કાવ્યો છે. કવિતાના વિષયની બાબતમાં તેમનો આગ્રહ સનાતન તત્ત્વો પરત્વે વધારે રહ્યો છે, દેશાભિમાનના વિષયને સમર્થ રીતે છેડી શકાય તેવા પ્રસંગોને તે વિરલ માને છે, તથા રાજકીય સંચલનમાં સાહિત્યને ઘસડવા સામે તેમણે આગ્રહભેર વિરોધ દાખવ્યો છે; છતાં તેમણે જનતા તરફ અને સમાજનાં દુઃખીઓ તરફ હંમેશાં સહાનુભૂતિ બતાવી છે. એમની સહાનુભૂતિની વ્યાપ્તિ મોટે ભાગે સંસારસુધારાની દૃષ્ટિએ જે દુઃખી ગણાય તેટલા પૂરતી રહી છે. તેમ છતાં બારડોલી સત્યાગ્રહ જેવા રાષ્ટ્રીય જીવનના એક ગૌરવવંતા પ્રસંગે તેમનામાં રાજકીય અસ્મિતાનો સાત્ત્વિક ઉછાળ આવ્યો છે અને ગીતાના અંતિમ શ્લોકમાં શ્રીકૃષ્ણ અને અર્જુનને બદલે ગાંધીજી અને વલ્લભભાઈનાં નામો મૂકી તેમણે એક સુંદર પ્રશસ્તિ આપી છે.

નરસિંહરાવમાં રસની મર્યાદા

તેમનાં કાવ્યોમાં ઊર્મિની મંદતા દેખાય છે, તે કદાચ તેમના માની સ્વભાવનું પરિણામ હશે. પોતાનાં બાળકો તરફ પણ પોતે બાહ્ય વર્તાવમાં જરા ટાઢા હતા એમ તેમણે સ્વીકારેલું છે, છતાં તેમની લાગણી અંતરમાં તો સભર રીતે સ્ફુરાયમાણ રહેલી છે. આ ઊર્મિમંદતાનું બીજું એક કારણ તેમના આ સ્વભાવ ઉપરાંત જીવનમાં સંયમ વિશેની તેમની અમુક બૌદ્ધિક માન્યતા પણ હોઈ શકે. દલપતરામની પેઠે એમને માટે પણ વ્યવહારની મર્યાદા એ જ રસની અંતિમ મર્યાદા બની રહે છે; આમ છતાં દામ્પત્યભાવનાં કેટલાંક ઊર્મિમધુર ઉત્તમ કાવ્યો એમણે આપેલાં છે. એમણે પોતાનાં કાવ્યોમાં વિસ્તૃત ટીકા પહેલા ત્રણ સંગ્રહોમાં આપી છે. આ ટીકામાં જાણે નર્મકવિતાની ટીકાપદ્ધતિનું અંશતઃ પુનરાવર્તન લાગે છે. નર્મદની રીતે એ ટીકા બીજા કવિનું કે બીજા વિચારકનું ઋણ સ્વીકારવામાં નિખાલસ છે, તો કેટલીક વાર અનુચિત આત્મપ્રશંસા કરનારી પણ છે, વળી તેમાં કાવ્યના અસ્પષ્ટ ધ્વનિને કે નિર્બળતાને ટેકો આપવાનો પ્રયાસ છે, તથા કેટલુંક માત્ર પ્રદર્શન પૂરતું કે કેટલીક વાર કાવ્યને માટે આવશ્યક ન કહેવાય તેવું પણ ઘણું લખાય છે. ‘સ્મરણસંહિતા’નાં ટીકા તથા ઉપોદ્‌ઘાત આનંદશંકર ધ્રુવનાં લખેલાં છે. એની ટીકા જોકે ‘સ્મરણસંહિતા’નાં વિચારમૌક્તિકોની મૌલિકતાને જરા ઝાંખી પાડે છે, તથાપિ તે પોતે એક સુંદર સમૃદ્ધ વિચારસામગ્રી આપે છે. નરસિંહરાવની કવિતા જેટલી મહત્ત્વાકાંક્ષી રહી છે તેટલી તે મહાન થઈ શકી નથી, તોપણ જેટલો પ્રતિભાઅંશ તેમની પાસે હતો તેટલાનો તેમણે પૂરેપૂરી સહૃદયતાથી ઉપયોગ કર્યો છે. તેમની છેવટના ગાળાની એક કૃતિ ‘ઉત્તર’માં પોતાની ક્ષીણ થતી જતી કાવ્યશક્તિનો જરા કરુણ અને ગ્લાનિપ્રેરક એકરાર પણ છે. તેઓ લખે છે :

કુસુમો તો થયાં મ્લાન, વીણાના તાર તૂટિયા
નૂપુરે કિંકિણી સર્વ વાગે છે ખોખરી હવાં.
રહ્યો માત્ર હવે ગૂઢ કરુણારસ તે વડે,
ભલે આ ઉરની ભૂમિ ભીંજાતી સર્વદા રહે.

નરસિંહરાવના જીવનમાં અને કવિતામાં આ કરુણ એ જ ‘એકો રસઃ’ રહ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિ ગણાય. એમના માની અને બુદ્ધિપ્રધાન જીવનમાં ઊર્મિના આર્દ્ર આવિર્ભાવ ભલે ઓછા રહ્યા હોય, છતાં ઊર્મિની ગહનતા અનુભવવા જેટલું સંવેદનપાટવ તેમનામાં હતું જ એ નિઃશંક છે. તેઓ ઈશ્વરના સુંદર શિવ અને મંગલ રૂપની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરતા રહેલા હોવા છતાં તેમને દૈવે કરુણ રસનો અનુભવ વિશેષ કરાવ્યો અને તેઓ પોતાને વિશે ગાતા ગયા કે,

આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે.

નરસિંહરાવના આ ‘કરુણ ગાન’ના સ્વરો એ ગુજરાતી કવિતાની બૃહદ્‌વીણા પર પ્રગટેલી એક મધુર અને કોમલ રાગરચના છે.

નરસિંહરાવની કવિતા – બીજું સોપાન

તેમની કવિતા અર્વાચીન કવિતાની પ્રયોગસરણીમાં બાલાશંકર પછી બીજું કીમતી સોપાન બને છે. અર્વાચીન કવિતાએ ભવિષ્યમાં સાધેલા વિકાસનાં કેટલાંક પુરઃસૂચનો તેમાં મળે છે, પણ એ વિકાસ ‘કુસુમમાળા’ને કે ‘હૃદયવીણા’ને આલંબીને કેટલો થયો છે તે નિશ્ચિત રૂપે કહેવું મુશ્કેલ છે. ગુજરાતી કવિતાના ઇતિહાસમાં નરસિંહરાવનું સ્થાન પ્રતિભાશીલ કવિ કરતાં કવિતાના એક અતિ સહૃદય ભક્ત તરીકેનું, એક ઘણા ઉચ્ચગ્રાહી કળાભક્ત તરીકેનું વિશેષ રહેશે. તેમણે ઘણા ઉમળકાપૂર્વક અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રશસ્ય એવી વિવેચના આપી છે. અને તેમનું એ કાર્ય તેમની કવિતા જેટલું જ મહત્ત્વનું છે. તેમને હાથે ગુજરાતી અર્વાચીન કવિતાના બધા ઉન્મેષો પુરસ્કાર, સત્કાર, અંજલિ અને કડક નિરીક્ષણ પામ્યા છે. જોકે એ પ્રવૃત્તિમાં તેમણે કેટલીક વાર ગાણિતિક શાસ્ત્રજડતા, તથા કેટલાક અનુચિત રુચિપ્રવાહો બતાવેલા છે, તેમનું અવલોકન પૂરતું વ્યાપક પણ નથી બનેલું, છતાં તેમની વિવેચનપ્રવૃત્તિ સમગ્રતાએ ઘણી મૂલ્યવાન છે. તેમની વિવેચનાએ અર્વાચીન કવિતાને વિકસાવવામાં તેમની કવિતા કરતાં ય વધારે ફાળો આપ્યો છે.