અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
શાપસંભ્રમ અને બીજી કવિતાઓ (૧૮૯૦-૯૯, પ્રસિદ્ધ ૧૯૨૫)

યુવાન વયે અવસાન પામવાથી લગભગ અજાણ્યા રહી ગયેલા આ એક આશાસ્પદ કવિમાં આપણને કાન્તનો એક અત્યંત સફળ અનુયાયી મળે છે. કાન્તની અનવદ્ય રમણીયતાવાળી શૈલી એના લાક્ષણિક રૂપમાં, તેના બાહ્ય અંશોને અપનાવવા પ્રયત્નો છતાં હજી લગી કોઈને હાથે સિદ્ધ થઈ નથી. એ લાવણ્યની નજીક વધુમાં વધુ કોઈ જઈ શક્યું હોય તો તે આ યુવાન કવિ છે. યુવાન વયમાં જ મૃત્યુ પામેલા આ કવિએ મૃત્યુ પહેલાં મહિનાઓ લગી ટકેલી ગ્લાનિના આવેશમાં કેટલીક કૃતિઓ ફાડી નાખેલી, જેમાં કેટલીક ઘણી સારી પણ હતી. આ બચેલી કૃતિઓમાં કાન્તના જેટલો ઊંડો જીવનપરામર્શ નથી, તોપણ કૃતિઓનો નાશ કરવાની બાબતમાં જે બાહ્ય સામ્ય દેખાય છે તેવું જ સામ્ય તેનાં ઉપલભ્ય કાવ્યોની ઋજુ કોમળ ભાવસમૃદ્ધિમાં પણ મળે છે. નર્મદાશંકર પર દલપતશૈલીની તથા સંસ્કૃત શૈલીની અસરો પ્રારંભમાં રહી છે, પણ કાન્તની નવીન શૈલી તરફ તેણે સૌથી વધુ વફાદારી દાખવી છે. કાન્તની શૈલીનાં ગીતો, ઊર્મિકાવ્યો, અને ખંડકાવ્યો, એ જ રીતનાં વૃત્તસંયોજનોમાં, એ જ સુમધુર અને સુરેખ ચિત્રસર્જક અને પારદર્શક રચનાસામર્થ્યવાળી શિષ્ટ વાણીમાં અહીં જોવા મળે છે. આનું ઉદાહરણ એક નાનકડા ઊર્મિકાવ્ય ‘દુઃખભાર’માં સુંદર રીતે મળે છે :

હૃદયે કંઈ દુઃખ અમાપ ભર્યું, જઈ કોઈ સમીપ પ્રકાશ કરું,
જનજીવનસ્રોત વિશે તરતાં, નિજ દુ;ખ રડી નયનો ભરતાં;
નહીં કોઈ સુણે
તહીં કોઈ ખુણે
ભલું ભીંજવવી તનુ આંસુ ઉને.
બહુ ખોળ કરી, પણ કોઈ મળ્યું નહીં સાંભળનાર કહીં પલળ્યું;
ઉપકારકતા અનુકંપકની પણ બ્હાર હશે અથવા હઠની;
નવ જાય કહ્યું
નવ જાય સહ્યું
નહીં ભાર વહી પણ જાય રહ્યું.

આવી જ નીતરેલી વાણીમાં ‘પત્ર’ ‘પ્રેમયાચના’ વગેરે કૃતિઓ છે. એ બધી કૃતિઓમાં ‘શાપસંભ્રમ’ ઉત્તમ છે. કાન્તના ખંડકાવ્યની શૈલીના આ ખંડકાવ્યમાં ડગલેડગલે મનોહર ચિત્રાત્મકતા છે. દરેક ચિત્ર, સુરેખ, ભાવવાહી, ખુલ્લી રોશનીમાં તેને જોતા હોઈએ તેવું સ્પષ્ટ છે. કવિની વર્ણનશક્તિ કાન્તની શૈલીને કેટલી બધી વફાદારીથી સર્જે છે તેના નમૂના રૂપે થોડીક પંક્તિઓ લઈએ :

આ તર્ફ મંજુલ સ્વરે રમતું વહેળું,
સામે ભયંકર અગોચર ગીચ ઝાડી.
મેદાન લીલું વચમાં પડ્યું વિસ્તરેલું.
ઊંચે હિમાલય તણાં શિખરો ગુલાબી.
...આવી ત્યાં મૃગયુગ્મ બાલવયથી સાથે વસેલું ચરે,
ખેરે ઝાકળબિંદુઓ તૃણથકી, સાનંદ કૂદે તરે.
ગ્રીવાભંગે નિહાળે અવર ગમ અને ચિત્તમાં હર્ષ પામે,
શૃંગો શૃંગોની સાથે ભરવી ભરવીને થાય છૂટાં ઉગામે.

‘લગભગ દરેક પંક્તિ મોતીની સર જેવી આંખને વશીકરણ કરે એવી’ છે, છતાં કાવ્યની સંકલનામાં શિથિલતા રહી જાય છે તથા કવિ હજી જીવનના ઊંડાણમાં બહુ જઈ શક્યા નથી. આ ઊણપોનો ખુલાસો લેખક વિકાસની દશામાં હતા એમાં મળી શકે. છગનલાલ મનસુખરામ ત્રવાડીનું ‘ચકોરી પ્રબોધ-ચન્દ્રોક્તિકા અને પ્રેમનિમજ્જન’ (૧૮૯૫) બાલાશંકરે પોતાના માસિક ‘ભારતીભૂષણ’માં પારિતોષ માટે આમંત્રેલાં ૧૦૦ સળંગ શિખરિણી શ્લોકમાં લખેલાં કાવ્યના જવાબમાં લખાયેલું છે. એનો પદ્યબંધ બાલાશંકરના શિખરિણીને યાદ કરાવે તેવો છે, પરંતુ એનો વિષય બહુ ઓછો રસાવહ બની શક્યો છે. લલ્લુભાઈ નાનાભાઈ ભટ્ટનું ‘પત્રદૂત’ (૧૮૯૬) ગુજરાતીમાં ‘શ્રીમધૂપદૂત’ પછીનું બીજું દૂતકાવ્ય છે. લેખકની શક્તિ ઘણી મંદ છે. પ્રસંગની યોજના બહુ ચારુત્વવાળી નથી. લેખકને સાદા ઔચિત્યનું પણ ભાન નથી. કાવ્ય ૩૦૧ શ્લોકો જેટલું લાંબું છે. માર્ગમાં આધુનિક હિંદનું વર્ણન કર્યું છે, જેમાં ઇસ્પિતાલો અને વીજળીના દીવા એવું એવું પણ આવે છે. લિફાફાના બખ્તરમાં બીડેલા આ દૂતને રસ્તામાં ચાકૉફી પીવાનું પણ કહેવામાં આવે છે! ક્યાંક રડ્યાંખડ્યાં સારાં ચિત્રો મળી આવે છે. નર્મદાતટનું વર્ણન સારું બન્યું છે :

જ્યોત્સ્નારૂપી રજતધવલા સાડી જો ભૂમિ પે’રે,
સ્વચ્છામ્બુના અમલસરમાં બાળ વારિજ ખીલે,
અમ્બુલ્હેરો વિરમતિ જહીં ઘાસમાં ફીણવાળી,
જાણે હોએ ભૂમિ ૫ર પડી વ્યોમગંગા રૂપાળી.

મોરારજી મથુરાંદાસ કામદારના ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લેખકની છેલ્લાં ચાળીસેક વરસમાં લખાયેલી ૧૫૦ ઉપરાંત કૃતિઓ છે. લેખકે કાવ્યની અનેક શૈલીઓ સફળ રીતે ખેડી છે. દલપતરીતિની કૃતિઓમાં અર્થની ચમત્કૃતિ છે. ગઝલોમાં ગઝલની રીતે વિષય તથા રસ બંનેની ચમક છે. લેખકે કચ્છી ભાષામાં લખેલાં કાવ્યો પણ તેમની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. લેખકની સૌથી સુંદર કૃતિઓ ઈશ્વર તથા પ્રેમને અંગેનાં ઊર્મિકાવ્યો અને મુક્તકોમાં છે. પ્રાચીન લોકગીત, ભજન અને મુક્તકની શૈલીમાં લેખકે કેટલીક મનોહર રચનાઓ આપી છે.

તનનાં કરીને ત્રાજવાં મન બાજારે જાય,
હૈયા કેરી હાટડી પણ પ્રેમ ન ત્યાં વેચાય,
...ધડના કરીને ઢોલીઆ પ્રાણ પથારી થાય.
પોઢો મમ ઉર ઓશિકે હૈયે વીંઝું વાય.

જેવાં મુક્તકો, તથા,

વાળું ને ઝાડું મ્હારા અંતર કેરાં આંગણાં
અર્પું જે કંઈ ઇષ્ટ ગણો તે આપને;
આસન આપું મારી આંખલડીની માંહ્ય જો,
નેડો તે ન્હાનપણાનો ક્યમ વિસરાય જી.

જેવી ભક્તિભરી પંક્તિઓમાં લેખકની પ્રાસાદિક મધુર રચનાશક્તિનું ઉદાહરણ મળે છે. ‘મેળવ એને’માં ભજનની હથોટી હલક તથા આર્દ્રતા દેખાય છે. ‘શરદ ચંદ્ર’ જેવા ઊર્મિકાવ્યમાં લોકવાણીનું સૌંદર્ય સુંદર રીતે સિદ્ધ થયું છે :

ગોરમા! શરદ પૂનમની રાત સજનિયાં સાંભરે રે લોલ!
કે ઊગ્યો આભલિયામાં ચાંદ કે ચન્દ્રમુખી સમો રે લોલ!
ગોરમા! એને નમણું નાક કે નેણે અમી ઝરે રે લોલ!
કે પીવણહારો ગયો પરદેશ એ અમૃત એળે જતાં રે લોલ.

મણિલાલ છબારામ ભટ્ટનાં ‘અનિલદૂત’ (૧૮૯૮), ‘કાવ્યપીયૂષ’ (૧૯૧૧) અને ‘સીમન્તિની આખ્યાન’ (૧૯૧૩) એ ત્રણ કાવ્યપુસ્તકોમાં સૌથી ઉત્તમ પહેલું દૂતકાવ્ય છે, અને તે આ પહેલાંનાં બે દૂતકાવ્યો કરતાં ઘણી ઊંચી કોટિનું છે. કેવળ કાવ્ય તરીકે લેતાં તેમાં રસની ઠીકઠીક મંદતા છે. અને તેનાં એક કરતાં વધારે કારણો છે. અનિલની દૂત તરીકેની પસંદગીનું સમર્થન, વિરહનું કારણ, તથા કાવ્યના ઉઠાવ અને અંત પ્રતીતિકર બનેલાં નથી. માર્ગવર્ણનમાં વૈવિધ્ય ઓછું છે. સૃષ્ટિસૌંદર્યમાં ખાસ ચમત્કૃતિ નથી. પણ તેના ગુણપક્ષે કેટલીક ઘણી સારી વસ્તુઓ છે. એની શૈલી તથા ભાષા સંસ્કૃતરીતિના ઉત્તમ સંસ્કારોવાળી છે. કેટલીક વાર મેઘદૂતના જેવું જ વાતાવરણ જન્માવતી એની પદાવલિ છે. સંસ્કૃત કવિતાની શૈલીમાં રચેલાં ચિત્રો તથા તેના અલંકારો પણ સુંદર ચારુત્વયુક્ત બનેલાં છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં શૈલી અને છંદોબંધ પૂરતું એક સીમાચિહ્ન કહેવાય તેવું આ કાવ્ય છે. એનાં ઘણાંએક રમણીય ચિત્રોમાંથી થોડાંક જોઈએ :

કિંચિત્‌કિંચિત્‌ અલિકુલવડે ચુમ્બિત પ્રાન્તવાળાં
તાજાંતાજાં શિરિષસુમનો વીણી લૈને પડેલાં,
કામે ઘેલાં જનપદજનો જ્યાં રચે કામપીઠ,
ત્યાં વા’જે તું સુખરૂપ થતો દંપતીને વિશેષ,

આ મહીનું વર્ણન જુઓ :

ગાત્રેગાત્રે કૃશવિરહથી એકવેણી થઈ છે,
આરોહેથી સલિલવસન સ્રસ્ત જેનું થયું છે,
પોતે શોકાતુર પણ સદા દે બીજાને પ્રમોદ,
એવી જોતાં મહિ તટિનિને પામતો ના વિકાર.

‘કાવ્યપીયૂષ’માં પ્રકીર્ણ કાવ્યો છે, જેમાં પુરાણકથાઓના પ્રસંગો, સંસ્કૃત શ્લોકોનાં અનુકરણો, ભાષાન્તરો તથા કેટલાંક ગીતો છે. પ્રસ્તાવનામાં કર્તાએ કાવ્યમાં રાગ હોવો જ જોઈએ એ મતનું વિચિત્ર મૂઢતાથી પ્રતિપાદન કર્યું છે! કેટલાંક સારાં ઊર્મિકાવ્યોમાં ‘પ્રિયાનો શોક’ સારું છે :

નયનપથમાં તો શું આવે હવે કદિયે પ્રિયા–
મુખસુઘટના, ગાત્રોકેરી વળી સુકુમારતા;
લિખિત વિધિએ હોશે મારા લલાટ વિષે હવે,
મનન વિષયે તાદૃક્‌ સર્વે કરી રડવું અરે!

કાવ્યોમાં શૈલીનું સૌષ્ઠવ સર્વત્ર એકસરખું ઉત્તમ છે, પરંતુ તેમાં કલાતત્ત્વ સર્વત્ર ઊંચી પંક્તિનું નથી; ઘણાંનું સંયોજન કલારહિત બની ગયેલું છે. ‘સીમન્તિની આખ્યાન’માં સોમપ્રદોષની વાર્તાને વૃત્તબદ્ધ કરેલી છે. પદ્યબંધ બેશક સારો છે. શિવશંકર તુલજાશંકર દવેએ ચાર ઋતુઓનાં અને છગનલાલ વિદ્યારામ રાવળે બે ઋતુઓનાં રચેલાં વર્ણનોનું ભેગું પ્રકાશન ‘ઋતુવર્ણન’ (૧૮૯૮) કાલિદાસના ‘ઋતુસંહાર’ની અનુકૃતિ તરીકે નોંધપાત્ર છે. કલાકૃતિ તરીકે તે માત્ર હીન નકલ છે. વર્ણનો અરુચિર, સ્થૂળ અને ગ્રામ્ય બની ગયેલાં છે. મોતીલાલ છોટાલાલ વ્યાસનાં ‘પ્રેમશતસહી’ (૧૮૯૯) અને ‘કુસુમગુચ્છ’ (૧૯૦૧)માં આપણને નર્મદના જેવા તરંગિત અને જોશીલા વ્યક્તિત્વનું દર્શન થાય છે. લેખકની શૈલી પર નર્મદ, બાલાશંકર અને ભીમરાવની શૈલીઓની ખાસ નોંધવાલાયક અસર છે. પહેલા પુસ્તકની શૈલી દલપતરીતિની જ છે. અરુચિરતા, વાચ્યાર્થતા વગેરે વિરસ લક્ષણોથી ભરેલાં આ કાવ્યોમાં રડ્યાંખડ્યાં કેટલાંક સુંદર દૃષ્ટાંતો મળી આવે છે :

જીવને પ્રિય તે જીવન છે, ન ગણે સારાસાર,
ગજમુક્તા તજી ભીલડી, પે’રે ગુંજાહાર,
જળથી જન જાણે જુએ પયને અતિ ઉત્કૃષ્ટ,
મીન ન માને મન વિષે પ્રેમનું લક્ષણ સ્પષ્ટ.
...વ્હાલું કેવું વ્હાલું છે, કો’ ક્યમ કહી શકાય;
વાણી અંતઃકરણને દેવે દીધિ ન હાય.

આ પુસ્તકનું ખાસ મહત્ત્વનું અંગ તેની પ્રસ્તાવના છે. તેમાં લેખકે દલપતમાનસની જે ચોખલિયા રીતની શૃંગારવિમુખતા હતી તેના પર પ્રહાર કરીને શૃંગારનો પુરસ્કાર કર્યો છે. ‘કુસુમગુચ્છ’નાં કાવ્યો નર્મદ, બાલ વગેરે કવિઓની અસર હેઠળ લખાયેલાં છે. લેખકનો શૃંગાર રસ નર્મદની સ્થૂલ વિરસતામાં સરી પડે છે, છતાં તેનાં પદ્યબંધ અને ભાષામાં પ્રૌઢિ આવી છે. ભીમરાવની પંક્તિઓની યાદ કરાવે તેવી પંક્તિઓ પણ તેમનામાં મળી આવે છે :

જેણે રમાડિ વૃજસુંદરિઓ સુ-પ્રેમ,
સીંચ્યું સુધા લલિત લાડી લગાડિને લે’;
રાધા સમેત ધરી હેત વિલાસ કીધો,
કંસારિ કૃષ્ણ સ્મરિ સદ્ય સુપંથ લીધો.

ક્યાંક,

ગજરા ગુંથ્યા ગુલાબના પરા પડ્યા રે’ તેહ,
જેવી મનોરમ પંક્તિ પણ મળી આવે છે.

લેખકે ‘ક્લાન્ત કવિ’ની ઢબે ‘ક્લાંત કોકિલ’ લખેલું છે, પણ તેમાં બહુ ઓછું સત્ત્વ છે.

કાલિદાસના ‘ઋતુસંહાર’ની વધારે સારી અનુકૃતિ કર્તાના નામ વગરની એક કૃતિ ‘ઋતુવર્ણનમ્‌’ (૧૮૯૯)માં મળે છે. એને પ્રસિદ્ધ કરનાર સ્વદેશ વત્સલ સોસાઇટી છે. તેના સંચાલકોમાં હરિલાલ હર્ષદરાય ધ્રુવ હતા. આ કાવ્યમાં હરિલાલની ઘણી લાક્ષણિકતાઓ – ધીટ પાંડિત્ય તથા અતિ સંસ્કૃતપ્રિયતા દેખાતી હોવાથી તે તેમની કૃતિ હોવાનું પણ સંભવ છે. કાવ્યની મૌલિકતા ઉપર આમાં ખાસ ભાર મૂકવામાં આવેલો છે. કાવ્યનું વાતાવરણ સંસ્કૃતનું છે, તેનો શૃંગાર પણ તે જ ઘાટીનો છે. ગુજરાતનું લાક્ષણિક સૌંદર્ય પણ આમાં ક્યાંક રુચિર રીતે વ્યક્ત થયેલું છે :

હરિત દલ વડે છવાતિ શાખા, રુચિકર લાગતિ જાય વૃક્ષલેખા;
વળિ મન હરતા વરોરૂ! લીલા, કલકલ ખીલિ રહેલ જ્યાં જવાસા.

વસન્તના વર્ણનમાં લેખકે શૈલીની અને પ્રકૃતિદર્શનની ઊંચી વર્ણનશક્તિ બતાવી છે :

ગાયે છે શુભ્ર જેના યશ પરભૃતિકા નાયિકા મંજુ નાદે,
શીળા અમ્ભસ્તુષારે મલયગિરિતણા વાયુ કીર્તિ પ્રસારે;
જેને અગ્રે ઢળે છે ઘન તરુ ચમરી ભંગના વાદ્યવંત,
એવો સ્ત્રીસૈન્યનેતા સ્મરસુખ સુભગે! આવિયો આ વસંત.

‘ચંદ્રોક્તિકા’ (૧૯૦૩)ના કર્તાનું નામ મળતું નથી, પણ તેના સંશોધક તરીકે મહાશંકર લલ્લુભાઈ ભટ્ટનું નામ છે. એની પ્રસ્તાવનામાં શૃંગાર અનીતિમાં પ્રેરનાર નથી એવો વિચાર મુકાયેલો છે. આ પણ એક દૂતકાવ્ય છે, અને વસંતતિલકાની ૧૬૧ કડીઓમાં લખાયેલું છે. લેખક પોતાને ‘કેશવરામ શાંડિલગોત્રી’ ઓળખાવે છે, પણ નામ આપતો નથી. શૃંગારના પ્રસંગો મુખ્યત્વે સ્થૂલ છે. રચનામાં શિથિલતા અને કચાશ છે; તો ય કાવ્ય નાખી દેવા જેવું નથી. ‘લલિત ત્વસ્મિલ’ના ‘ગીતસંગીત’ (૧૯૦૪)માં સીતાવનવાસની આખી કથાને ગીતોમાં મૂકેલી છે. ભાષા સુંદર અને લલિત છે.

જય રઘુનંદન, વિભુ કરૂંં વન્દન,
વેદનિવેદિત એક અનેક તું
મંગલ તું મનરંજન.

કાવ્યમાં કબીર ન્હાનાલાલ લલિત વગેરેનાં ગીતો પણ પ્રસંગાનુરૂપ ગોઠવી લીધાં છે. હનુમાનના મોંમાં મૂકેલાં ગીતોમાં ઔચિત્ય નથી લાગતું. બીજા કવિઓની કૃતિઓને પોતાની રચના ભેગી સાંકળી લેવાના આ પ્રયોગને હિંમતલાલ અંજારિયાએ ‘નવી જાતનો પ્રથમ પ્રયાસ’ કહ્યો છે તે યોગ્ય છે; જોકે આવા પ્રયોગો તે પછી બહુ થયા નથી. પંડ્યા કૃપાશંકર ઝીણાભાઈ ‘હિંદની હાલત’ (૧૯૦૪) એના વિષય માટે નોંધપાત્ર ઠરે છે. એ જમાનામાં સવાસો જેટલાં પૃષ્ઠમાં લેખકે સ્વદેશપ્રેમની તથા દેશની દુર્દશાની વાતો કરી છે; જોકે કૃતિ બહુ પ્રાકૃત છે. ચન્દુલાલ મણિલાલ દેસાઈ – ‘વસન્તવિનોદી’નાં નાનકડાં ત્રણ કાવ્ય-પુસ્તકો ‘વિધવા’ (૧૯૦૬) ‘કુમારિકા’ (૧૯૧૯) અને ‘ટહુકાર’ (૧૯૧૯)માંનાં પહેલાં બે સળંગ કથાનકો છે. ‘વિધવા’ કાવ્યમાં ગયા તબક્કાના સંસારસુધારાનો એક મુખ્ય વિષય તેની ગ્રામ્ય અને રસહીન રજૂઆતમાંથી છૂટી વધારે સંયમિત અને કળામય રૂપ લે છે. ‘વિધવા’ કાવ્ય સર્વત્ર સુરેખ અને સરખી ઊંચાઈએ રહેતું નથી, તોપણ વિધવા વિશે લખાયેલાં કાવ્યોમાં એ કૃતિ ઊર્મિકાવ્યોની નજીક સૌથી વધુ આવી શકે તેવી છે. શૈલીમાં સરળતા અને પ્રસાદ છે, ક્યાંક કલ્પનાની હળવી ચમક પણ છે.

ગઈ વસન્ત મ્હારા હૃદયની પાછી ફરી નહિં આવવા;
છે ઉકળતું લૂ રણ બન્યું મારું હૃદય મને બાળવા.

‘કુમારિકા’ ‘વિધવા’ જેવું જ કાવ્ય છે અને ન્હાનાલાલની નાયિકા પેઠે આ કુમારિકા પણ આજુબાજુનાં નિષ્ફળ લગ્નો જોઈ ઇષ્ટ લગ્ન ન થાય તો કુંવારી રહેવાનો નિર્ણય કરે છે. ‘ટહુકાર’માં કર્તાનાં ૭૫ જેટલાં કાવ્યોમાં કેટલાંક અર્વાચીન ઊર્મિકાવ્યોમાં સ્થાન લે તેવાં છે, કેટલાંક બાળગીતો અને દેશભક્તિનાં મીઠાં ગીતો છે. તેમની શૈલીએ નરસિંહરાવ અને કલાપીની અસર વિશેષ ઝીલી છે. માતા, ભાઈ, ભાભી, મૈયર વગેરેનાં ગીતો બોટાદકરનાં ગીતોનાં પુરોગામી જેવાં છે; બેશક, તેટલાં સારાં તો નથી જ. તેમનાં બાળગીતોમાં એક જાતની મધુર કુમાશ છે. ‘તારા ધીમા ધીમા આવો’નું ગીત જાણીતું થયેલું છે. ઉત્સાહ, વીર્ય અને સમર્પણના કેટલાક ભાવો રજૂ કરતાં તેમનાં કેટલાંક કાવ્યો વધારે ચિરંજીવ સૌંદર્યવાળાં છે. ‘પવનિયા ઇચ્છિત જોમે વાજે, નહિં આ તારલિયો બુઝાશે.’ એ પંક્તિઓથી શરૂ થતું ગીત સુંદર ઊર્મિકાવ્ય બનેલું છે. એમનાં દેશપ્રીતિનાં કાવ્યોમાં ‘જનનીસેવનનો મધુમધુરો અવસર ક્યાં મળે રે?’નું કાવ્ય કદાચ એમની સૌથી ઉત્તમ કૃતિ નીવડે. એમની શક્તિ અધૂરી વિકસેલી કળીની કાચી મધુરતા ધારણ કરે છે. ભાઈશંકર કુબેરજી શુક્લનાં ‘હૃદયરંગ’ ભા. ૧-૨-૩ (૧૦૬, ૭, ૧૦), ‘રસમંજરી’ (૧૯૨૦) અને ‘કાવ્યવિલાસ’ (૧૩૦)માં ઘણી ઓછી કળાશક્તિવાળા છતાં મુગ્ધ અને આડંબરી તથા જૂના અને નવા કાવ્યસંસ્કારોવાળા માનસનું પ્રતિબિંબ પડેલું છે. ભાષા છંદ વગેરે પર કાબૂ હોવા છતાં કર્તામાં રચનાબળ ઘણું ઓછું લાગે છે. લેખકે જૂની અને નવી કવિતામાં ખેડાયેલા વિષયો પર બહોળા પ્રમાણમાં કલમ ચલાવી છે. કિરાતની આખી કથા કહેતું ‘અર્જુન-ઉર્વશીસંવાદ’ તેના વિષય પૂરતું જરા ધ્યાન ખેંચે તેવું છે. પ્રકૃતિકાવ્યોમાં નરસિંહરાવનું ક્ષુદ્ર અનુકરણ છે. ‘ઉત્તરાનું સ્વપ્ન અને વિદાય’ નરસિંહરાવના જાણીતા ખંડકાવ્ય ‘ઉત્તરા અને અભિમન્યુ’નો પૂર્વપ્રસંગ આપે છે. પણ તે કૃતિ તરીકે દરિદ્ર છે. ‘કાવ્યવિલાસ’માં કઠોપનિષદમાં નિરૂપાયેલા વસ્તુને ‘યમ અને નચિકેતાનો સંવાદ’ નામે ખંડકાવ્યનું રૂપ આપેલું છે. પદબંધ અને ભાષા સારાં છે એવી જ રીતે બીજાં સંસ્કૃત કાવ્યો તથા નાટકો પરથી તેમણે ‘ચંદ્રગુપ્ત-કૌટિલ્યનો સંવાદ’ તથા ‘ગુપ્ત વાસવદત્તા’ની વાર્તાને તેમણે પદ્યબદ્ધ કર્યાં છે. ૧૯૩૦ની સાલ લગીમાં તેમણે દલપતરીતિની પ્રબંધ રચનાઓ પણ અજમાવી છે તે તેમના કાવ્યકલાના સ્થૂલપ્રધાન માનસનો ખ્યાલ આપે છે. પનુભાઈ જશવંતરાય દેશાઈ બી.એ.નાં ત્રણ પુસ્તકો ‘મુકુલવીણા’ (૧૯૦૪), ‘જ્ઞાનભક્તિ અથવા વિષ્ણુપદશતક’ (૧૯૧૨) અને “પનુકાવ્ય’ (૧૯૩૨)માંનું પહેલું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલી વાર કાવ્યમાં નવલકથા ગૂંથવાના પ્રયોગ તરીકે મહત્ત્વનું છે. કર્તાની ભાષા પ્રાસાદિક છે. છંદ પર કાબૂ પણ છે, પણ વસ્તુને રસરૂપ આપવાની શક્તિ નથી. વાર્તાની જમાવટ ક્યાંય થતી નથી. માત્ર ગદ્યાળુ પદ્યપંક્તિઓમાં વિષય વહ્યો જાય છે. બીજા પુસ્તકનાં સોએક પદોમાં રસની સાધારણ ચમત્કૃતિ પણ આવી નથી. ભક્તિનાં પદોમાં પણ સાચી ઊર્મિ દેખાતી નથી.

મને દુઃખ વ્હાલું દુઃખ વ્હાલું.
હરિનામ વિના સહુ ઠાલું રે.

તથા

દીઠી આમલીયારી ડાળ, પેલા સરોવરની પાળ.
વ્હાલી વસંતા ખેલતી રે,
નાચે નેહે નંદલાલ રૂડો દેવકીનો બાળ,
જમનાજી તીર કોયલ ટેલતી રે.

જેવી પંક્તિઓ વિરલ જ છે. ‘પનુકાવ્ય’માં આધ્યાત્મિક વિષયોને અર્વાચીન વિભાવો દ્વારા નિરૂપવા જતાં બહુ હાસ્યજનક પરિણામ આવેલું છે; જેમકે,

ઑસ્ટ્રેલિયાના ઇન્દ્રિયઘોડા સોટી ન ખાય લગાર,
...સીનેમેટોગ્રાફી છે સકળ જગત વ્યવહાર.

મઢડાકર-નાગરનાં ત્રણ નાનાં પુસ્તકો “વિદૂરનો ભાવ’ (૧૯૦૭), ‘યમુનાગુણાદર્શ’ (૧૯૦૮) અને ‘શિકાર-કાવ્ય’ (૧૯૦૯)માંનું પહેલું નાનકડું ખંડકાવ્ય કડવાંમાં લખેલું છે. શૈલી પ્રાસાદિક અને ચિત્રાત્મક પણ બનેલી છે. કૃષ્ણ વિદુરને ઘેર આવે છે તે પ્રસંગનું વર્ણન કવિ જૂની ઢબની મધુર રીતે આપે છે :

ટુટલી મહુલી હરિજન તણી, ત્યહાં પ્રેમે પધાર્યા વૈકુંઠધણી,
દશદિશ વાયુ વિજળી ચમકે, તરુવરની પેઠે મઢુલી ટમકે,
ચાલે નીરપ્રવાહ (હ) દડુડાટ ચુવે, જગદીશ સુવાતણી જગ્યા જુએ,
ધન્ય ભોવન જ્ય્હાં હરિસેજ ઢળે, પરિબ્રહ્મતણાં ત્ય્હાં અંબર પલળે.

‘યમુનાગુણાદર્શ’માં ગંગા અને યમુના નદીને જીવંત પાત્રો બનાવી તેમની કથાને બીજી કલ્પિત કથાઓમાં ગૂંચવી નાખી છે, જેમાંથી કોઈનો પણ ભાવ સુરેખ રીતે વ્યક્ત નથી થતો. ‘શિકાર-કાવ્ય’માં શિકાર પરત્વે વિરક્તિ બતાવવા એક રાજાની વાર્તાને તત્ત્વજ્ઞાનનો ઝોક આપ્યો છે. લેખક પાસે શબ્દભંડોળ છે, પણ શબ્દવિવેક થોડો છે. તેઓ વિચારો અને ભાવનાના આડંબરથી જ સંતોષ પામી ગયા છે અને કળાતત્ત્વની સાચી પકડ મેળવી શક્યા નથી. આ લેખકનાં ઘણાં કાવ્યો ‘સુદર્શન’ માસિકમાં છપાયેલાં છે, પણ પુસ્તક રૂપે સંગ્રહાયાં નથી. એમાંનાં કેટલાંક સારાં કાવ્ય છે, જેમાં ‘સંધ્યા-રણ’ (૧૯૦૨), ‘વાત્સલ્યપ્રેમબલ’ (૧૯૦૭), ‘સાઇક્લોન’ (૧૯૧૪) ખાસ નોંધપાત્ર છે. ‘સાઇક્લોન’ લાંબું વર્ણનાત્મક કાવ્ય છે. ‘વાત્સલ્યપ્રેમબલ’ કર્તાની કદાચ સારામાં સારી કૃતિ ગણાય તેવું છે. હીરાલાલ જાદવરાય બુચનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તક ‘વેદતાત્પર્યબોધિની’ (૧૯૦૭), ‘સાચાં મોતી ભા. ૧’ (૧૯૧૨), ‘ભાગ્યોદય ભૂમિકા ભા. ૧’ (૧૯૧૯) લેખકના ‘મહાસાગરરૂપ અપ્રસિદ્ધ પદ્યાત્મક સાહિત્યના માત્ર તરંગો જ છે.’ લેખકે ખૂબ શ્રમ લઈ પુષ્કળ લખેલું છે, પણ તેમની દૃષ્ટિ પંક્તિસંખ્યામાં રમતા તથા પોતાને કોઈ મહા લોકપ્રિય કવિ થવાને સર્જાયેલા માનતા મુગ્ધ માનસની જ છે. લેખકની ભાષા ઘડાયેલી છે. તેમની શૈલી ભોળાનાથની યાદ આપે તેવી હળવી અને શિષ્ટ છે. પહેલા પુસ્તકમાં વેદાન્તના વિચારોને તેમણે પદ્યમાં મૂક્યા છે. બીજા અને ત્રીજા પુસ્તકના વિષયો પણ રૂઢ તત્ત્વજ્ઞાન અને ભક્તિના નિરર્થક લંબાણથી આલેખાયા છે. છતાં લેખકની રચનામાં ભક્તિની આછી અને મીઠી રેખા ચમકે છે.

કયું સાચું માનું ભ્રમિત મનમાં એમ ભમતો,
કયું ખોટું માનું અચળ મતિથી એમ ચળતો.

જેવી પંક્તિઓવાળા કેટલાક સુંદર શ્લોકો મળી આવે છે.

ભર્યા બ્રહ્માનંદે અનુભવરસે શાંત સરખાં,
અતિ ચોખ્ખાં સારાં, શ્રવણદ્વયને પ્રીય અદકાં,
તમારી વાણીના કનકઘટમાંથી જ પ્રભવે,
સુવાક્યામૃતોથી, તુરત નવરાવો ગુરુ હવે.

ગુરુની વાણીને કનકઘટ તરીકે સ્તવતી આ પંક્તિઓ લેખકને કાવ્યશક્તિનો સ્પર્શ તો થયો જ છે એમ બતાવ્યા વગર રહેતી નથી. ત્રિભુવન પ્રેમશંકરના નાના ભાઈ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનું ‘શિવાજી અને જેબુન્નિસા’ (૧૯૦૭) કાન્તના ઉપોદ્‌ઘાત સાથે પ્રસિદ્ધ થયેલું છે. કાન્તે આને સુધારી પણ આપેલું છે. લેખકની શૈલી પર તેમના મોટા ભાઈની શૈલીની થોડી છાપ પણ છે. કાવ્યમાં જે સુંદર પંક્તિઓ છે તેમાં કાન્તનો હાથ પણ સ્પષ્ટ દેખાય છે. કાન્તને હાથે સંસ્કાર પામેલા આ કાવ્યમાં કાન્તનું પણ થોડું વ્યક્ત થતું કર્તૃત્વ કાવ્યને મહત્ત્વ આપે છે. કાવ્યોનો વિષય શિવાજી અને ઔરંગઝેબની પુત્રી જેબુન્નિસાનો પ્રણય અત્યંત રસગભીર અને અસાધારણ શક્યતાઓવાળો છે, પણ કાવ્યની યોજના ઘણી દીર્ઘસૂત્રી બની ગયેલી છે. ત્રણેક હજાર પંક્તિના છ સર્ગોમાં વાર્તાનો ટૂંકો તંતુ બહુ ખેંચાયો છે અને તેથી વિરસ બની ગયો છે. ક્યાંક છંદોમાં કચાશ છે. કેટલાંક વર્ણનો અને જેબુન્નિસાની કેટલીક ઉક્તિઓ મનોહારી છે :

નિશા સુરમ્યા ભભકી વસન્તની,
અનન્ત પ્રેમી હૃદને વિમોહતી;
પૂર્ણેન્દુ ચારૂ ઉદયાચળે ચડે,
અમૃત રશ્મિ જગ ઉરને ભરે.

કહાન ચકુ ગાંધીનાં ત્રણ કાવ્યપુસ્તકો છે. એમનાં કેટલાંક કાવ્યોમાં બાલાશંકરના ‘ક્લાન્ત કવિ’ની શૈલીનો સુંદર આવિષ્કાર છે, પણ લેખક કેટલાંકમાં એટલી જ કળાવિમુખતા બતાવે છે. તેમનામાં છંદ અને ભાષા ઉપર સારો કાબૂ છે, પણ અર્વાચીન યુગની વિકસેલી કળાદૃષ્ટિ બહુ ઓછી છે. ‘શ્રીકૃષ્ણ’ (૧૯૦૮)માં તેમણે ભાગવતના દશમ સ્કંધના કેટલાક વસ્તુને નિરૂપ્યું છે. ‘આર્યપંચામૃત’ (૧૯૦૯)માં વેદાન્તના વિચારોને રજૂ કરતાં કાવ્યોમાં લેખકે કંઈક મૌલિકતા બતાવી છે, જેમાં ‘હું તજી હું મય થા’ વધારે સારું છે. જોકે બોધપ્રધાનતા એ કાવ્યને નીરસ તો કરે છે, છતાં તેની શ્લિષ્ટ મધુર ભાષા મોહક છે; જેમકે,

જઈ આશાખીણે અકથ ભયકારી વિવરમાં,
નિરાશાઅંધારૂં સહન કરતાં ને હીબકતાં,
ઉભો કાં? જો ઊંચે, રવિ ઉદય જ્યાં ત્યાં ચડી જવા
તજી હું સૌ હુંના પરમ ભજને લીન બની જા.

એ જ સાલમાં ‘સુદર્શન’ માસિકમાં પ્રગટ થયેલું ૧૧૬ કડીનું ‘સ્નેહમંજરી’ ‘ક્લાન્ત કવિ’ની જ રીતિનું તે જ વિષયનું છે અને એ લેખકની સારામાં સારી કૃતિ હોવા ઉપરાંત ‘ક્લાન્ત કવિ’નાં અનુકરણોમાં મહત્ત્વની ગણાય તેવી છે.

ભવાબ્ધિ અશ્રુનો લવણ મટી મીઠો રસ થવા,
સુધાપ્યાલી ત્હુંમાં, જિવન રસ સંધ્યા સઘનતા,
દુખે ડુબેલાને જિવિત સુખ આધાર પ્રમદા.
સ્વીયા આર્યા રૂપે, રતિ પરમ ત્હું નાવ જગમાં.

લેખકનું ‘સેવિકા-(પૂર્વાધ)’ (૧૯૧૪) ઘણું મહત્ત્વાકાંક્ષી તથા વિષયની દૃષ્ટિએ નોંધપાત્ર ઠરે તેવું લાંબું કથાત્મક કાવ્ય છે. એમાં સમાજનો અન્યાય સહન કરતી સ્ત્રીને લોકસેવાના કાર્યે વાળવાનો વિચાર એક દુઃખી વિધવા અને એક પાંથના સંવાદ દ્વારા મુકાયો છે. કાવ્યની સંવાદાત્મક શૈલી પર કલાપીની અસર છે. લેખકે કાળજીપૂર્વક પ્રયત્ન કરવા છતાં તેઓ ‘ભાવપૂર્ણ રસોનું’ સર્જન આમાં કરી શક્યા નથી. પાંથ બહુ બોધાત્મક રીતે ભાષણ કર્યે જાય છે, અને તે સર્વથા ચમત્કૃતિહીન છે. અમૃત કેશવ નાયકની થોડીક ગઝલો અને પ્રકીર્ણ કાવ્યો ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯)ની અંદર મળી આવે છે. ગઝલો સિવાય લેખકે પોતાના નાટકની અંદર પણ કેટલીક પદ્યરચના કરેલી છે. ગઝલો સિવાયનું બીજું લખાણ દલપતશૈલીનું છે. પણ નાટકનાં ગીતોમાં તેમજ બીજાં પદ્યોમાં તે કેટલીક સારી શક્તિ બતાવે છે. એમાં દુષ્ટ પાત્રો ‘મદિરા’ ‘આળસ’ વગેરેના મુખમાં મૂકેલાં કટાક્ષ અને વ્યંગ્યપ્રધાન પદ્યો ખાસ આકર્ષક છે. લેખકની સૌથી વધુ શક્તિ ગઝલોમાં વ્યક્ત થઈ છે. લેખકને ઉર્દૂ ગઝલો લખવાનો ઘણો સારો અભ્યાસ હતો. ગુજરાતીમાં લખાયેલી ઉત્તમ ગઝલોમાં એની કેટલીક ગઝલોને મૂકી શકાય તેમ છે. ‘અગર તે યાર મારો તો બધો સંસાર મારો છે.’ ‘કદી તલવારની ધમકી કદી કરમાંહિ ખંજર છે.’ ‘મને વાંધો નથી વ્હાલા હૃદયમાં ઘર કરી બેસો.’ એ ગઝલો ખાસ નોંધપાત્ર છે.

ભલે આઘે વસે પોતે ન પાસે મુજને બોલાવે;
મને ગાળો હજારો દે, તે સો સો વાર મારો છે.
મને યુસુફ પઠે વેચો મિસરના ચોક ચૌટામાં;
જલીખા રૂપમાં ઉભો હૃદયનો હાર મારો છે,
મને જીવ્યા તણો શો હર્ષ ને શો શોક મરવાનો?
કરે તે યાર જે તેમાં જ બેડો પાર મારો છે.

આ પંક્તિઓ કર્તાની ગઝલશક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. ‘બૂટ અને જોડાની લડાઈ’ દલપતરીતિની એક રમૂજી કૃતિ છે અને કર્તાની એ રીતની શક્તિનું સારું ઉદાહરણ છે. મુસાફરનું એક નાનકડું ‘વિલસુ’ (૧૯૦૮) કાવ્ય એક વાર્તા કહેવાના પ્રયત્ન તરીકે નોંધપાત્ર છે. છંદો શુદ્ધ છે, ભાષા અને શૈલી શિથિલ અને કળાહીન છે. વાર્તાના વસ્તુમાં વર્તમાન અને ભૂતકાળના વાતાવરણનું વિચિત્ર મિશ્રણ છે. કથારસ ન જેવો છે. કથાનક કઢંગું છે. મગનભાઈ ચતુરભાઈ પટેલનો કાવ્યસંગ્રહ ‘કુસુમાંજલિ’ (૧૯૦૯) તેના લેખકના માનસને લીધે વધારે મનોરંજક બનેલો છે. નરસિંહરાવની શૈલીને અને તેમના વિષયોને અનુસરવા છતાં તેમની કવિતા સામે વિચિત્ર રીતે લેખકે રોષ બતાવ્યો છે. તેમણે ગુજરાતના સાક્ષરમંડળની સામે અને જોડણીના આગ્રહ સામે પણ દુણાટ બતાવ્યો છે. આ તત્ત્વજ્ઞાનના અભ્યાસી લેખકનો ભાષા અને છંદ ઉપર સારો કાબૂ છે, જોકે છંદોમાં કચાશ રહી છે. તેમની કાવ્યદૃષ્ટિ અર્વાચીન કવિતા પ્રત્યે વિના કારણે કલુષિત બનેલી છે. કેટલાંક કાવ્યોમાં તેઓ વિકૃત મધ્યકાલીન કળામાનસ પણ વ્યક્ત કરે છે. તેમણે નરસિંહરાવના જ વિષયો ‘પાટણનું સહસ્રલિંગ તળાવ’ તથા ‘ચંદા’ લઈ તે પર તે વિષયોનું વધારે સારી રીતે કાવ્ય બનાવવાની દૃષ્ટિથી લખ્યું છે, પણ કશી નવી રસસિદ્ધિ કરી શક્યા નથી. એ જ ઢબના ‘પાવાગઢને ચઢાવે’ તથા ‘પાવાગઢની ખીણમાં’ ધ્યાન ખેંચે તેવાં છે. લેખકે ત્રણ લાંબાં કાવ્યો આમાં મૂકેલાં છે, જે શબ્દાળુ ચમત્કૃતિહીન ભારેખમ તથા ન્હાનાલાલની શૈલીના ફિક્કા અનુકરણવાળાં બની ગયેલાં છે. પ્રતાપના જીવનનું ‘ક્ષાત્રપાળ’ આવું કાવ્ય છે. ‘વસંતસેના’ એક નવયુગલના પ્રેમશૃંગારને બહુ ફિક્કી રીતે રજૂ કરે છે. ‘વિલાસતરંગ’નો વિલાસ સ્થૂળ અને અપરસથી ભરેલો છે. લેખકનાં ‘આવો અમારા દેશમાં પૂજન તમારું થાય છે.’ ‘એક દિન એવો આવશે જ્યારે અમીઝરણો ઝરંતાં પૃથ્વીને ય પલાળશે.’ – જેવાં કેટલાંક દેશભક્તિનાં ગીતો પ્રાસાદિક છે અને તે લોકપ્રિય પણ થયેલાં છે. લેખકની શક્તિ ગીતોમાં સારી ખીલે છે, પણ તેમાં તેમણે તત્ત્વજ્ઞાનના અપ્રસ્તુત ધ્વનિ કાઢ્યા છે જે ભાગ્યે જ કાવ્યને ઉપકારક બને તેવા છે. લેખક થોડાંક સાચાં ઊર્મિકાવ્યો લખી શક્યા છે, જેમાંથી ‘પિતાને અંજલિ’ સારામાં સારું છે.

સુખ સર્વ ગયું,
તવ મુખદર્શન દૂર થયું.
વિધ વિધ રંગે નાચે ખલક આ
પણ મમ જગ સમશાન થયું.

મૂલજી દુર્લભજી વેદ ન્હાનાલાલને તેમની ગદ્ય અને પદ્યની ઉભયવિધ લઢણોમાં અનુસરનારાઓમાંના એક છે. તેમના ‘નિજકુંજ’ (૧૯૦૯)માં ન્હાનાલાલની ડોલનશૈલીનાં, ગીતોનાં તથા રાસનાં અનુકરણો છે. ન્હાનાલાલની પ્રસાદમધુર સુરેખ ચમકીલી કળાશક્તિનો કે વિચારભારનો બહુ થોડો અંશ તેમનાં કાવ્યોમાં ઊતરી શક્યો છે. મોટે ભાગે ન્હાનાલાલની શબ્દાવલી તથા વિચારસરણીને લઈ તેમની શૈલીમાં કેટલીક દુર્બળ રચનાઓ તે નિપજાવી શક્યા છે. ડોલનશૈલીનાં કાવ્યોમાં ગો. મા. ત્રિ.ના અવસાનને અંગે લખેલું ‘અલખ’ કંઈક ચમકવાળું બન્યું છે. તેમના ઘણા રાસોમાં ન્હાનાલાલના રાસના ભાવોનું માત્ર ચર્વિતચર્વણ છે. ‘નિજકુંજ’ રાસ સારો છે.

મારી નાની નવલ નિજકુંજ તટે નદી નેહની
ધીમી ફોરે આંસુની ધાર સુધાભર્યા ક્ષેમની.

લેખકનું ‘સરસ્વતીચંદ્રકારનાં સમણાં’ (૧૯૩૦)માં ગોવર્ધનરામની પ્રશસ્તિરૂપ ૫૬ સોરઠા છે. આમાં ય વાણીનો આડંબર છે, છતાં ગોવર્ધનરામ પ્રતિ તેમની ભક્તિ પ્રશસ્ય છે. અંબુજ તથા ભ્રમરનાં થોડાંક કાવ્યોના સંયુક્ત સંગ્રહ ‘કાવ્યકલિકા’ (૧૯૧૦)માં પ્રકીર્ણ કાવ્યો છે. બંને યુવાન લેખકો પર કલાપીની અસર દેખાય છે. અંબુજ કરતાં ભ્રમરમાં વિશેષ શક્તિ દેખાય છે. બંનેની કૃતિઓમાં કચાશ બહુ ઓછી છે, પણ કાવ્યકળા પર પૂરેપૂરી પકડ આવતી જાણે રહી ગઈ છે. સૌ. સુમતિનું ‘દિવ્ય મેષપાલબાલ’ (૧૯૧૦) બ્રાઉનિંગના ‘Saul’ઉપરથી લખાયેલું કથાત્મક કાવ્ય છે. પોતાની ભાણેજના આ કાવ્યમાં નરસિંહરાવે કેટલાક સુધારા પણ કરાવ્યા છે. કાવ્યનો વિષય જરા અપરિચિત અને અતડો રહે છે, પણ પદ્યબંધ અને નિરૂપણ નરસિંહરાવની સુંદર શ્લિષ્ટ શૈલીમાં થયેલું છે.

સન્ધ્યા સમે જ્યમ મન્દ થાયે સૂર્ય અસ્ત થવા સમે,
ને રશ્મિ સર્વે એકઠી કરી તેજને સંકોચી લે.
ત્યમ પૃથ્વીપતિ ભૂપે કર્યું અતિ મંદ ગતિથી કાર્ય તે.
બે રશ્મિ જેવા હસ્ત સંકોચી મૂક્યા ઉરની પરે.

વલ્લભજી ભાણજી મહેતામાં કવિતા પ્રત્યે ઘણી ઊંડી ભક્તિ દેખાય છે. તેમનામાં છંદ પદ્યબંધ અને ભાષાનું સૌષ્ઠવ છે, માધુર્ય છે. ક્યાંક શબ્દવિવેક ઢીલો થઈ જાય છે, પણ તેમની રચનાઓ પ્રાયઃ અનુકરણની કક્ષાની બની ગઈ છે. તેમણે અર્વાચીન યુગના બધા પ્રધાન કવિઓની શૈલીનું અનુકરણ કર્યું છે, એટલું જ નહિ, પણ તેમનાં સારાંસારાં કળાચમત્કૃતિવાળાં કાવ્યોના વિષયોને પણ તેમણે તેવા ને તેવા ફરી નિરૂપ્યા છે. ‘શંકરસ્તવન’ (૧૯૧૦)માં શાસ્ત્રી શંકરલાલને લેખકે ડોલનશૈલીમાં તથા કાન્તના ‘સૂરતાની વાડીના મીઠા મોરલા’ કાવ્યની લગભગ બધી જ કલ્પના અને શબ્દાવલિ વાપરીને અંજલિ આપી છે. ‘અંતરનાં અમી’ (૧૯૨૮)માં ડોલનશૈલીનો પ્રયોગ છે, એમાંનાં કેટલાંક કાવ્યોમાં ગીતાંજલિની અસર છે. વિચારની અને નિરૂપણની ચમક ક્યાંક આવે છે. ડોલનશૈલી ક્યાંક નર્યું ગદ્ય બની ગઈ છે. તેમના ‘કુંજવેણ’ (૧૯૩૦)માં ટૂંકાં પદ્યબદ્ધ કાવ્યો છે, જેમાં ન્હાનાલાલના રાસ, કલાપીની ગઝલો અને કાન્તનાં ગીતોની ઢબની ઘણી રચનાઓ છે. હરિહર ભટ્ટના ‘એક જ દે ચિનગારી’ પરથી ‘દઈ દે નાથ ચિનગારી’ લેખકે લખ્યું છે. લેખક ‘મણિકાન્ત’ની ઢબને અનુસરવાનું પણ ચૂક્યા નથી. આ કાવ્યોમાં વિરહનું એક કાવ્ય તેમાં વ્યક્ત થતા આત્મલક્ષી તત્ત્વથી સારું બનેલું છે અને લેખકની સર્વ કૃતિઓમાં ઊંચે સ્થાને બેસે છે.

વ્હીલું મારું મોઢું કદી નિરખતી આંસુ નયને,
મને તું આલિંગી, હૃદય સરખી ચાંપતી પ્રિયે,
અને આજે મારાં નયન વરસે શ્રાવણઝડી.
છતાં તું ના આવે મૃદુ હૃદયની નિષ્ઠુર બની.

લેખકનાં બીજાં કાવ્યપુસ્તકો ‘હૃદયબંસી’ ‘વલ્લભકાવ્ય’ ‘હિંદુસંસારચિત્ર’ અને ‘હૃદયકુંજનાં પુષ્પો’ છે. નટવરલાલ ઉગ્રેશ્વર ત્રિવેદી ‘કાવ્યકળા અને ધ્રુવાખ્યાન’ (૧૯૧૧) ધ્રુવની કથાને સારા ગણાય એવા પદ્યમાં અલંકારોના આડંબરપૂર્વક ર૪ સર્ગમાં રજૂ કરે છે. લેખકને કવિતા કરતાં પોતાની વિદ્વત્તા દર્શાવવાનો ઘણો કોડ લાગે છે. કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતાના ‘મહન્ત’ (૧૯૧૧)માં ભાવનાનો જેટલો ઉદ્રેક છે તેટલી કળા નથી. કાવ્યમાં દેશની દુર્દશાથી ભેખ લીધેલો એક મહન્ત એ દુર્દશાના ઉપાયોની ચર્ચા નવયુવકો સાથે કરે છે. છંદની સુંદરતા સારી છે. તે સિવાય આમાં બીજાં કાવ્યલક્ષણ નથી. તેમના ‘હૃદયમંથન’ (૧૯૧૯)માંનાં કેટલાંક ગીતો ‘તહીં આ શિર ઝૂકે છે’ ‘તમારી આત્મશ્રદ્ધા તો’ એ ૧૯૨૦ના અસહકાર-આંદોલનમાં વિશેષ લોકપ્રિય થયાં હતાં. એ ગીતોમાં ગાંધીજીની સૌમ્ય નિશ્ચલ શ્રદ્ધા છે. ગામડાંને અંગે લખેલાં કાવ્યોમાં લેખક સફળ નથી થઈ શક્યા. ‘વિષમાતા’ના કાવ્યમાં વર્ગભેદની લાગણી સુંદર રીતે વ્યક્ત થઈ છે. ‘ધર્મનિષ્ઠા’ અને ‘પદ્મિની’ એ ખંડકાવ્યોના પ્રયત્નો છે, જેમાંનું બીજું કાવ્ય વધારે સારું છે. વર્ણન ક્યાંક ઝાંખાં થઈ જાય છે, છતાં કલમ બળભરી રીતે ચાલે છે :

સૂના રૂવે રણવાસ સુનાં વળી હાટ બજાર રૂવે પુરનાં,
હૈયા સુના બની ક્ષત્રિ ઉભા નિજ અંગુલિને ધરીને મુખમાં
ઢોલ તાંસાં શરણાઈ મૃદંગ ને ભૂંગળ ભેરીઓ વાગી રહી...

સાગરના નાના ભાઈ ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠીના ‘હૃદયકુંજ’ (૧૯૧૧)માં કેટલાંક હળવી શૈલીનાં મીઠાં કાવ્યો મળે છે. લેખકની શૈલી પર કલાપીની ઘણી મોટી અસર છે. એનો પદ્યબંધ કલાપી જેટલો જ પ્રાસાદિક છે. જોડણી વિરામચિહ્ન વગેરે બાબતમાં લેખક ઘણા ચોક્કસ છે. કાવ્યોમાં વિષયોનું અને રસનું વૈવિધ્ય નથી. લેખકની નિરૂપણરીતિ અમુક હદની મીઠાશ સાધી અટકી જાય છે. કાવ્યના ભાવો પણ અમુક હદથી ઊંચે જઈ શકતા નથી. તેમણે સરળ મનોરમ શિષ્ટ બાનીમાં કેટલાક મીઠા સરળ ભાવો નિરૂપ્યા છે. પ્રભુભક્તિના કેટલાક ભાવો કોમળ ઋજુતાથી વ્યક્ત થયા છે.

અરે હૃદ્દૌર્બલ્યો સકલ મુજ હાવાં સરી પડો,
હવે તો ઓ ત્રાતા! હૃદય બલનો કોશ જ ભરો!
સદા જે સાચું તે સમ કૃતિ થવા જોમ અરપો,
અને જાણ્યું તેથી હૃદય મુજ સંતોષ ન ધરો!

સત્યેન્દ્ર ભીમરાવ દીવેટીઆના ‘ઊર્મિમાળા’ (૧૯૧૨)નાં ચાળીસેક કાવ્યોમાં બે મૌલિક રચનાઓ ‘પૃથુરાજ રાસાનું અર્પણપત્ર’ તથા ‘કુસુમાંજલિ’ની ‘અર્પણપત્રિકા’ ઉત્તમ કૃતિઓ છે. બાકીનાંમાં કેટલાક અનુવાદ છે અને કેટલાંક અનુકરણો છે. અમુક કાવ્યોમાં નરસિંહરાવનું ઘણું સ્પષ્ટ અનુકરણ છે. પુસ્તકનાં નામ તથા કદ વગેરે પણ ‘કુસુમમાળા’નું જ પૂર્ણ રીતે અનુસરણ કરે છે. લેખક છંદ તથા ભાષા ઉપર સારો કાબૂ બતાવે છે. ‘કુસુમાંજલિ’ની ‘અર્પણપત્રિકા’માંથી થોડીક પંક્તિઓ જોઈએ :

બ્હેની હો! હૃદય મ્હારૂં ઉભરાય,
અમીરસ પ્રેમતણો નવ માય,
સમુજ્જ્વલ શુદ્ધ અહીં રેલાય,
વહીને ચાલ્યો જો, જો, જાય;
ધીમું ધીમું સરતું રમતું કંઈ ગેલ કરતું જાય,
ગાન આ રસીલું ઝીણું ઝીણું શ્રવણ સુખકાર્રી ગાય.

તેમણે ‘લેડી ઑફ ધ લેક’ના એક સર્ગનું ‘સરોવર સુંદરી’ (૧૯૧૩)માં ભાષાંતર પણ કર્યું છે. ભાષાંતર ખંડકાવ્યની વિવિધ વૃત્તોવાળી શૈલીમાં મૂળનાં નામો તથા બીજી હકીકતો જાળવી કરેલું છે, એટલે તે અતડું બની ગયું છે. તોપણ તે સુવાચ્ય તો છે જ. કાશીરામ ભાઈશંકર ઓઝા – પ્રેમીએ ‘શ્રી કૃષ્ણભજનસંગ્રહ’ (૧૯૧૨)માં ભજનો, ‘રાસમંજરી’ (૧૯૨૫)માં કેટલાક રાસ, અને ‘નર્મદાશતક’માં ગંગાલહરીની ઢબે નર્મદાનાં સૌંદર્યધામોનું વર્ણન આપ્યું છે. તેઓ ‘કવિતા અને હૃદયઉદ્‌ગાર’ એ બેનો તફાવત સ્વીકારી કાવ્યકળાની બાબતમાં પોતાની કવિતાની દુર્બળતા સ્વીકારે છે. તેમનામાં ભાષાની ઝડઝમક તેમજ કાવ્યના વિષય પરત્વે ભાવુકતા છે, પણ તેમની એકે કૃતિ કળાની કોટિએ પહોંચી શકી નથી. પ્રભાશંકર જયશંકર પાઠકના ‘શ્રીકુંભનાથનું શિવાલય’ (૧૯૧૩)માં પદબંધ સારો છે. કાવ્યમાં ‘સોરઠી ભૂમિનું ગૌરવ’નો ભાગ બોટાદકરની ‘સૌરાષ્ટ્ર’ કૃતિને યાદ કરાવે તેવો છે. બાકીના ભાગમાં શિવાલયને લગતી માહિતી પદ્યમાં મૂકેલી છે.