અર્વાચીન કવિતા/‘લલિત’–જન્મશંકર મહાશંકર બુચ

લલિત – જન્મશંકર મહાશંકર બુચ
(૧૮૭૭ – ૧૯૪૬)

લલિતનાં કાવ્યો (૧૯૧૨), વડોદરાને વડલે (૧૯૧૪), લલિતનાં બીજાં કાવ્યો (૧૯૩૨), લલિતનો લલકાર (૧૯૫૨) ‘લલિતના કાવ્યછોડ ઉપર આસપાસનાં તરુવરોની છાયાઓ પડેલી છે, છતાં તે છોડનાં ફૂલડાંઓનાં રંગ ને સુગંધ તો પોતાનાં જ છે. લલિતનાં કાવ્યોનું લાલિત્ય શબ્દોને લડાવવામાં લય કે ધૂનની પસંદગીમાં અને ભાવપ્રદર્શનની શૈલીમાં છે. જેવાં ભાવનાં ઝરણ કુમળાં છે, ત્હેવાં ગીતલય અને ગીતોમાંની પદાવલિ પણ સુકુમાર છે. ‘.....માં ઉરની ઉમદા ઊર્મિઓ છે, છતાં વિચારની તો ઊણપ જ છે.... લલિતજી એટલે લલિત જ, લગીર પણ સુંદર,’ ન્હાનાલાલના ઉપરના શબ્દોમાં લલિતની લોકપ્રિય કવિતાપ્રવૃત્તિનો સાર આવી જાય છે. લલિતની કવિતા પર કલાપી અને ન્હાનાલાલની વિશેષ અસર છે. ઉપરાંત તેમણે અર્વાચીન કવિતાના વિકસતા નવીન પ્રવાહ સાથે પણ વહેવાનો અને વિકસવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. પરંતુ અમુક જૂજ અપવાદ સિવાય તેમનું કાવ્ય કેવળ શબ્દને લડાવવામાં અને લયની સંગીતાત્મક મધુર ધૂનમાં વિરમી જાય છે. તેમનું કાવ્ય નાનીમોટી ઊર્મિઓને વિષય કરે છે, પણ તેમાં તેઓ ઊર્મિઓને સાંગોપાંગ યથોચિત માંડણી, વિકાસ અને પુષ્ટિ આપી તેમાંથી આખો કાવ્યપુદ્‌ગલ રચવાની શક્તિ બહુ થોડી બતાવે છે. શબ્દોને અને તેમના અર્થધ્વનિને સાંકળનાર સંયોજક અને સમગ્રદર્શી દૃષ્ટિ વિનાનાં એમનાં કાવ્યોની પંક્તિઓ મજ્જાતંતુ વિનાના કરોડના મણકા જેવી ઘણી વાર બની જાય છે. આ અર્થગુંફનની અશક્તિ તેમનાં લાંબાં કાવ્યોમાં વિશેષ દેખાઈ આવે છે. આ પાયાની કચાશને બાજુએ મૂકતાં તેમની કવિતામાં અવશિષ્ટ રહેતું પંક્તિઓનું કે શબ્દોનું કે ચિત્રોનું વૈયક્તિક માધુર્ય આસ્વાદ્ય રહે છે, અને તે જેટલું છે તેટલું લલિતને માટે ઘણું માનાર્હ છે; જેમકે,

ઝૂલતે ઝરૂખે મેં તો દીઠો’તો મોરલો!
સોણલાને ઘેન એ તો ડોલતો’તો મોરલો!

લલિતનાં કાવ્યોના પહેલા ભાગમાં કાવ્યોનો વિષય ‘સ્વજનના સ્નેહ અને ગૃહજીવનની મધુરતાઓ’ છે. આ બધા સ્નેહનું કોક આદર્શ મધુર સ્વરૂપ તેઓ વર્ણવવા ઇચ્છે છે, પણ તેમાં વિચારનો કે તત્ત્વનો વિવેક તેઓ એકસરખો જાળવી ન શકવાથી કેટલાક ભાવો અપ્રતીતિકર અને અર્થરહિત અતિશયોક્તિમાં અને કૃત્રિમતામાં તથા ન્હાનાલાલના ફિક્કા પડઘામાં સરી જાય છે. ખાસ કરીને મા-બાપ અને બહેન અંગેનાં ગીતોમાં આવું બન્યું છે. પત્ની અને બાળક અંગેનાં તેમનાં કાવ્યોમાં અર્થસાતત્ય અને ઊર્મિની સચ્ચાઈ વધારે પ્રમાણમાં વ્યક્ત થઈ છે.

મુજ ર્જીવિતની મોંઘી આશા ભવે, સખિ! એક તું,
અજબ નૂર કૈં આ આંખોનું પ્રિયે! મુજ એક તું;
બળુંબળું થતા આ હૈયાને સુધા સમ લેપ તું,
અકલ કિમપિ દ્રવ્યં, વ્હાલી! ગરીબનું એક તું,
‘સોઽહમ્‌ સોઽહમ્‌ સતી રટે, સાહમ્‌ સાહમ્‌’ કંથ,
સેવે એકબીજાં સદા એ સહચાર અનંત,

જેવી પંક્તિઓમાં તેમની શક્તિએ ઉત્તમ રૂપ લીધેલું છે. ઉપરની પંક્તિઓમાંનો ‘હરિણી’ છંદ પણ લલિતની છંદોરચનાનું એક મધુર અંગ છે. લલિતે આ છંદમાં ઘણી રચનાઓ આપી છે. કૌટુંબિક સ્નેહને નિરૂપતાં તેમનાં બે લાંબાં ખંડકાવ્યો ‘બાહુક’ અને ‘અમરાપુરીનાં અતિથિ’માં વસ્તુનું ગ્રથન ઘણું શિથિલ છે. શબ્દોનાં લાલિત્ય અને ઝડઝમકથી પર જઈ રસની અભિવ્યક્તિ સાધી શકે તેવી વૃત્તાન્તરચના એમાં કવિ નિપજાવી શક્યા નથી. તેમનાં જનતાભક્તિ તથા ભૂમિભક્તિને લગતાં કાવ્યોમાંથી ‘ધા સુણિયે દુખિયાંની’ તથા ‘અનેરી આશાનું સ્થાન’ જેવાંને બાદ કરીએ તો બાકીનાંમાંનાં ઘણાં પ્રાસંગિક સામાન્ય કૃતિઓ જેવાં છે. ‘વડોદરાને વડલે’માં આવી કૃતિઓ ઘણી છે. એક વાર લોકપ્રિય થયેલાં ગીતોના ભાવને કે પદાવલિને કશા નવસર્જન વિના નવીનવી રીતે ઘૂંટવાના પ્રયત્નો કવિને હાથે આ પુસ્તકમાં ઘણા થયા છે. તેમનાં ગીતોનો ઉપાડ સરસ હોય છે, પણ પછી એ ભાવને પુષ્ટ કરવા તેમની પાસે લલિત શબ્દોની ઝડઝમક સિવાય બીજો કોઈ વિચારસંભાર કે કલ્પનાબળ હોતાં નથી.

બુદ્ધને પ્રબોધ બાપુ! તું પ્રબુદ્ધ હો!
સ્નેહને રસાયને તું સિદ્ધ શુદ્ધ હો!

***

ધીરે જીવનસિતાર ઝણઝણાવો ધીરેધીરે;

***

દીઠી મેં જ્યારથી તારા સરલ દિલની ગુલાબી
અજબ લાગી ગયું ચિત્તનું ચેટક ગુલાબી!

જેવી પંક્તિઓ અર્થની અને શબ્દની મધુર ચમત્કૃતિ બતાવે છે, પરંતુ આગળ જતાં એ કૃતિઓ એ પ્રારંભની ઉત્તમતા જાળવી શકતી નથી. ‘લલિતનાં કાવ્યો’ ભાગ-રનાં કાવ્યોમાં પ્રાસ યમક વગેરેનો અતિરેક ઘણો લાગે છે. સ્ત્રી મહિમા ગાવા તરફ તેમની નજર ઘણી વળી છે. ચિંતનાત્મક વસ્તુને તેમજ હિમાલય અને ગંગા જેવા વિષયોને સ્પર્શવાનો પણ પ્રયત્ન છે, પણ તેમાં તે બહુ સફળ નથી થયા. તેમની પાસે જીવનનું દર્શન કે સર્જક કલ્પનાબળ ઓછું હોવાથી તેઓ વિષયની આસપાસ ઊર્મિઓનું અતિશયોક્તિવાળું ગુંફન કર્યા કરે છે. એમ છતાં તેમનામાં કેટલીક વાર સાચી પ્રેરણાનું ગુપ્ત દ્વાર કોક વાર સાચેસાચ ઊઘડી આવેલું છે અને એમાંથી ‘મઢૂલી’ ‘વિજોગણ વાંસલડી’ અને ‘એકલરામ’ જેવાં તત્ત્વના સાચા સ્પર્શવાળાં, કલ્પનાની સાચી રણક બતાવતાં તેમજ દર્શનની કંઈક ઝાંખી કરાવતાં કાવ્ય પ્રગટ્યાં છે. તેમની ગીતશક્તિ, લયમધુરતા અને મોહક શબ્દાવલિની સામગ્રી આ કાવ્યોમાં અનુપમ સાફલ્ય પામેલી છે.

સીતા રે વિનાના એકલ રામ-
ઝુરે : જોને!
સતી રે વિનાના સુના શ્યામ...

રામની આ એકલતાની વ્યથા ગુજરાતી કવિઓમાં એક લલિતને જ આવી કરુણ રીતે સ્પર્શી ગઈ છે. વિયોગનું દર્દ સમજવું લલિતને ઘણું સહજ લાગે છે. કૃષ્ણનો વિજોગ પામેલી વાંસળી તો કૃષ્ણજીવનને અંગેના નિરવધિ કાવ્યસર્જનમાં કદાચ એક લલિતને મુખે જ પોતાની વ્યથા ગાતી થઈ છે.

કાલાઘેલા કાનૂડાની
ઝૂરે વિજોગણ વાંસલડી.
સોરઠને સાગરસંગમ
પ્રભાસને પીપળે હૃદયંગમ,
પૂર્વજને સૂર પંચમ
ઝંખે વ્હીલી વાંસલડી !

***
અધુરે મધુરે સૂરે,

...સ્ફુરે કંઇ દૂર અદૂરે,
કંપે ઘાયલ વાંસલડી!
...ઝરણી જે જન્માંતરની,
કરણી જે કાળાંતરની,
અભિસરણી જે અંતરની
જંપે ક્યાંથી વાંસલડી?

લલિતની ગીતશક્તિના ઉત્તમ પ્રતીક તરીકે આ પંક્તિઓ, આ વિરહણી બંસરીના સનાતન વિલાપનો આ ઉદ્‌ગાર હમેશાં સજીવન રહે તેવાં છે.