આચમની/૯
આપણે ત્યાં અઢાર આંકડાનું ઘણું મહત્ત્વ છે. અઢાર પુરાણો, ગીતાના અઢાર અધ્યાય, મહાભારત યુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેના, અઢાર દિવસનું યુદ્ધ — આ બધું જાણીતું છે. એ ઉપરાંત મહિષાસુરનો વધ કરતી વખતે ચંડી અઢાર ભુજા ધારણ કરે છે એટલે તે અષ્ટાદશ-ભુજા કહેવાય છે. ‘શ્રીદુર્ગા સપ્તશતી’માં કહ્યું છે :
અષ્ટાદશભુજા ચૈષા પૂજ્યા મહિષમર્દિની
(વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક-૨૪)
નાશિક પાસે સપ્તશૃંગ પર્વત પર સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજા દેવીનું અતિ પ્રાચીન સ્થાન છે. સપ્તશૃંગ એ પર્વતનું નામ છે પણ એનો સાંકેતિક અર્થ પણ છે. આ સ્થળે દત્તગુરુની આજ્ઞાથી મત્સ્યેન્દ્રનાથે સાધના કરી હતી. અષ્ટાદશભુજા એટલે અઢાર હાથ; જે દેવીની અષ્ટાદશ વિદ્યા છે. અઢાર હાથમાં રહેલાં દેવીનાં અઢાર આયુધો છે : અક્ષમાલા, કમલ, ધનુષ, તલવાર, વજ્ર, ગદા, ચક્ર, ત્રિશૂલ, પરશુ, શંખ, ઘંટા, પાશ, શક્તિ, દંડ, ઢાલ, બાણ, પાનપાત્ર અને કમંડલ (વૈકૃતિકં રહસ્યમ્ શ્લોક ૧૧-૧૨) આ આયુધોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવના તથા અવતારનાં આયુધો આવી જાય છે. એમાં રહેલા સંકેતો સમજાવવા જતાં તો પુસ્તકો ભરાય. એટલું જ સત્ત્વ ને તત્ત્વ જાણવાનું છે કે આ શસ્ત્ર-અસ્ત્ર કોઈ બહારના શત્રુને મારી નાખવા માટે નથી, પણ ભયંકર મહિષાસુર જેવા આપણા પોતાના જ અહંકારનો નાશ કરવા માટે છે. એ માટે અઢાર આયુધો અઢાર વિદ્યા દર્શાવે છે. આ અઢાર વિદ્યાના જ્ઞાન વિષે મત્સ્યેન્દ્રનાથે ‘કૌલજ્ઞાન નિર્ણય’ના આરંભમાં જ કહ્યું છે :
‘અષ્ટાદશવિધં દેવિ, જ્ઞાનં ચ કુલગોચરે’
જ્ઞાનના બે પ્રકાર છે : બાહ્ય અને આંતરિક, બાહ્ય માર્ગદર્શન આપે અને આંતરિક એ માર્ગદર્શન પ્રમાણે અનુભવ આપે. બાહ્ય અષ્ટાદશ વિદ્યા ગણાય છે :
અંગાનિ વેદાશ્ચત્વારો મીમાંસા ન્યાય વિસ્તર:
ધર્મશાસ્ત્રં પુરાણં ચ વિદ્યા શ્વેતા શ્ચતુર્દશઃ
આયુર્વેદો, ધનુર્વેદો, ગાંધર્વશ્વેતિ તેત્રયઃ
અર્થશાસ્ત્ર ચતુર્થ ચ વિદ્યાશ્વષ્ટાદશૈવતુ
‘ચાર વેદ અને મીમાંસા વગેરે છ દર્શનો મળી ચૌદ વિદ્યા. ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ એ ત્રણ ઉપવેદ અને ચોથું અર્થશાસ્ત્ર મળી અઢાર વિદ્યા ગણાય છે.’ હવે આંતરિક વિદ્યામાં ઈન્દ્રિય, વિષય અને તેને ગ્રહણ કરવાની નિર્મળ વૃત્તિ એ મુખ્ય છે. આને ચક્ષુવિજ્ઞાન, શ્રૌતવિજ્ઞાન, ઘ્રાણવિજ્ઞાન, જિહ્વાવિજ્ઞાન અને કાર્યવિજ્ઞાન કહે છે. તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને નિર્મલ તેમ જ નિર્લેપ ભાવે ગ્રહણ કરવાનું સૂચવે છે. આ ઉપરાંત મન, વિચાર અને તેના નિર્મળ, નિરાગ્રહી ગ્રહણને કહે છે મનોવિજ્ઞાન. બૌદ્ધ દર્શન તેને મૂલધાતુ કહે છે. આ મૂલનું જ્ઞાન એટલે અઢારભુજાનું દર્શન. સપ્તશૃંગ-નિવાસિની અષ્ટાદશભુજાની આ ખરી ઉપાસના છે.
***