ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા.

એઓ સુરતના વતની અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ–વૈદિક છે. એમનો જન્મ નડિયાદમાં સં. ૧૯૫૧ના ચૈત્ર વદ ૯/૧૦ના રોજ થયો હતો. એમના પિતાનું નામ લાલશંકર અભયશંકર અને માતાનું નામ રકતાંબરા હતું.

ગુજરાતી છ ધોરણ પૂરાં કર્યા પછી એમણે ઇંગ્રેજી શિક્ષણ લેવા માંડેલું, સન ૧૯૧૧માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી તેઓ કૉલેજમાં દાખલ થયા હતા. સન ૧૯૧૬માં બી. એ. ઑનર્સની ડીગ્રી અંગ્રેજી સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને મેળવી; અને સન ૧૯૨૦માં એમ. એ., થયા અને સન ૧૯૨૬માં બી. ટી. ની પરીક્ષા પાસ કરી. સન ૧૯૨૪માં તેઓ મુંબાઇની વનિતા વિશ્રામમાં પ્રિન્સિપાલ નિમાયા; પણ ત્યાં લાંબો સમય રહેવાનું થાય તે અગાઉ ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એમની પસંદગી થઈ; અને અહિં પેન્શનર અધ્યાપકોના નવા નિયમને લીધે બે વર્ષથી વધુ રહેવાનું થયું નહિ.

એમના પ્રિય વિષયો ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સાહિત્ય છે.

સં. ૧૯૮૧માં ‘કૌમુદી’માં પ્રેમાનંદના “મામેરા” પર એક વિસ્તૃત, વિવેચનાત્મક નિબંધ એમણે પ્રથમ લખેલો. તે પછી અવારનવાર પ્રાચીન કાવ્ય વિષે એક વા બીજા માસિકમાં તેઓ લખતા રહ્યા છે.

પણ વિશેષ ધ્યાન ખેંચે એવી બિના, એમના જીવનમાં એ છે કે તેઓ એક સારા નાટકકાર છે; અને એમના કેટલાંક નાટકો જેમકે ‘જમાનાનો રંગ’, “કૉલેજની કન્યા”, ‘કાશ્મીરનું પ્રભાત’, ‘વિજય કોનો’, ‘કુલાંગાર કપૂત’, ‘કુદરતનો ન્યાય’ વિગેરે રંગભૂમિ પર સફળ થયાં છે.

એમના ગ્રંથોની યાદી:

૧ સંક્ષિપ્ત સંસ્કૃત વ્યાકરણ [મેટ્રીક વર્ગ માટે] સં. ૧૯૭૮
૨ બે આખ્યાન. સં. ૧૯૮૪
૩ વલ્લભનું જીવન સં. ૧૯૮૫
૪ નરસિંહનું જીવન. સં. ૧૯૮૫