ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/સન ૧૯૩૧નું સિંહાવલોકન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સન ૧૯૩૧ની સાહિત્ય પ્રવૃત્તિ

પાશ્ચાત્ય દેશોમાં વર્ષ પૂરૂં થતાં જ બીજે અઠવાડિયે વર્ષ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત સંખ્યા જાહેર કરવામાં આવે છે; એટલું જ નહિ ૫ણ જાણીતાં અઠવાડિકપત્રો જેવાં કે, ‘ઓબઝરવર’, ‘સન્ડે ટાઈમ્સ’, ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’, વગેરેમાં તેમાંના મુખ્ય અને મહત્ત્વના ગ્રંથોની પ્રતિષ્ઠિત વિવેચકો પાસે વિષયવાર સમાલોચના કરાવે છે અને વર્ષના સાહિત્ય ફાલમાંની સુંદર કૃતિઓનો નામનિર્દેશ કરી તે પ્રતિ વાચકવર્ગનું ધ્યાન દોરે છે. પ્રસ્તુત કાર્યમાં એ દેશોની પ્રકાશક મંડળીઓની સંગઠિત સંસ્થા ખાસ મદદગાર થઈ પડે છે. તેના તરફથી પુસ્તકોની સૂચી, કિમ્મત, પૃષ્ઠ સંખ્યા, કદ, કેટલામી આવૃત્તિ વગેરે ઉપયુક્ત વિગતો સાથે, તૈયાર કરાવી બહાર પાડવામાં આવે છે. પુસ્તકોનાં પ્રચારકાર્યમાં, વેચાણ કરવામાં તે ઉપયોગી નિવડે છે; અભ્યાસીઓને તેમાંથી કિંમતી અને એકત્રિત માહિતી પ્રાપ્ત થાય છે અને સામાન્ય વાચકને, હજારો પુસ્તકોમાંથી પોતાને મન પસંદ, કયું પુસ્તક ખરીદવું કે વાંચવું તેની પસંદગી કરવામાં તે સહાયભૂત થાય છે. આપણા પ્રાંતમાં પુસ્તક પ્રકાશકોની સંખ્યા હમણાં હમણાં સારી વધેલી છે; તેમાં લિમિટેડ-મર્યાદિત જવાબદારીવાળા રજીસ્ટર્ડ મંડળીઓ જૂજજાજ છે; ઘણાખરા પ્રકાશકો વૈયક્તિક, જાત જવાબદારી પર એ ધંધો ચલાવે છે. એમાંના કોઈ કોઈ વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય, જેમકે બાલસાહિત્ય તો ગાંડિવ પ્રેસ, કેળવણી વિષયક સાહિત્ય તો દક્ષિણામૂર્તિ કાર્યાલય – ભાવનગર કાઢે છે. પણ આ સઘળામાં આપણે એક પ્રકારનું સંગઠ્ઠન કે પરસ્પર સહકાર ઈચ્છીએ એ ઘણું ઓછું માલુમ પડશે. ખરી રીતે હવે તે દિશામાં પ્રયત્ન કરે ઘટે છે. બીજી વ્યવહારૂ મુશ્કેલી એ છે કે ઘણાં પુસ્તકો બુકસેલરોને ત્યાંથી વેચાતા મળી શકતાં નથી; તે માટે ખામુખા લેખક વા પ્રકાશકને લખવું પડે છે; તેમાં વળી તેમના ચોક્કસ કે પુરતા સરનામાના અભાવે મુશ્કેલી વધી પડે છે; અને તેમ છતાં એક બે પુસ્તકો ટપાલમાં મંગાવવાની હિંમત કરીએ તો ટપાલના દર એટલા બધા આકરા છે કે ચાર આનાના પુસ્તક પર પાંચ આનાનું ખર્ચ ચઢે છે. આ સ્થિતિમાં મોટો ધનાઢ્ય પણ વી. પી. થી પુસ્તક મંગાવતાં ખચકાય; અને તેથી સર્વ છપાયલાં પુસ્તકોનો સંગ્રહ કરવાનું કેટલીક રીતે અવ્યવહારૂ અને કઠિન થઇ પડે છે. યુરોપાદિ દેશોમાં પ્રજાકીય પુસ્તકસંગ્રહો હોય છે; જેમકે ઈંગ્લાંડમાં બ્રિટિશ મ્યુઝિયમ, જ્યાં વાચકને દરેક પુસ્તક જોવા તપાસવાની સવડ હોય છે. ત્યાં કાયદાથી પ્રત્યેક પ્રકાશનની એકેક પ્રત, પછી તે ગમે તેટલી કિંમતી કે મોંઘી હોય, તેને પ્રકાશકે આપવી પડે છે અને તે સંગ્રહવાની અને સાચવી રાખવાની જવાબદારી તેના શિર પર નાંખેલી હોય છે. આપણે અહિં આવું કાંઈ સાધન કે વ્યવસ્થા નથી. છાપખાનાના કાયદાની રૂઇએ સરકારને બે પ્રતો ફરજિયાત ભરવામાં આવે છે; પણ તે કોઈ સ્થળે બધી સંગ્રહાઈ રહેતી હોય એવું જાણવામાં નથી; આ બેહુદી વ્યવસ્થા છે. વાસ્તવિક રીતે સરકારે એ પ્રકાશનો જે તે પ્રાંતની પ્રતિષ્ઠિત અને મુખ્ય સાહિત્ય સંસ્થાઓને કાયમ સંગ્રહ માટે આપવાં જોઈએ. પ્રાંતિક સરકાર તરફથી એવું કોઈ પગલું લેવામાં ન આવે તો વડી ધારાસભાના હિંદી સભ્યોનું કર્તવ્ય છે કે વડી ધારાસભામાં એકાદ ઠરાવ કે નવો ખરડો રજુ કરી, ચાલુ કાયદામાં એવો ફેરફાર કરાવે કે સરકારમાં ભરાતી પ્રતોમાંની એકેક પ્રત ઉપર મુજબ પ્રાંતવાર સાહિત્ય સંસ્થાઓને કાયમ સંગ્રહ માટે વહેંચવામાં આવે. મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલને આ મતલબનો ઠરાવ પણ પસાર કરેલો છે અને જાણીતા સાહિત્યકાર શ્રીયુત નરસિંહ ચિંતામણ કેલકર આ જાતની દરખાસ્ત વડી ધારાસભામાં આણનાર હતા એમ પણ અમે સાંભળ્યું હતું. આ પ્રમાણેની યોજના આપણે મોડીવહેલી ઉપાડી લીધા વિના છૂટકો નથી; તેથી તે માટે સત્વર પ્રયાસ થાય એ અગત્યનું છે. ગ્રંથ અને ગ્રંથકારના પહેલા પુસ્તકમાં આ મુદ્દા પર ધ્યાન ખેંચ્યું હતું અને ફરી તે પર ભાર મૂકવાનું કારણ એટલુંજ કે પ્રજાએ–પ્રાંતની સાહિત્ય સંસ્થાઓએ એ વિષે પ્રમાદ સેવવો જોઇતો નથી; તે માટે વ્યવસ્થિત હિલચાલ કરવી જોઇએ છીએ. જેમને વર્ષનાં સમગ્ર પ્રકાશનોની સમાલોચના કરવાનું પ્રાપ્ત થાય છે તેમને આ ઉણપ ખૂબ ખૂંચે છે અને એ વિષેની ફરિયાદ સાહિત્ય સભા તરફથી કરેલાં સન ૧૯૨૯, સન ૧૯૩૦ અને સન ૧૯૩૧ નાં વાર્ષિક અવલોકનમાં બે પ્રસિદ્ધ સાહિત્ય વિવેચકો શ્રીયુત રામનારાયણ વિશ્વનાથ પાઠકે અને શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહે કરેલી છે જ. આ તો સાધન મુશ્કેલીનો ઉલ્લેખ થયો; પણ અવલોકનકારની મુશ્કેલીનો અંત એટલેથી આવનો નથી. એ પુસ્તકોની સંખ્યા એટલા મોટા પ્રમાણમાં હોય છે કે તે સઘળાનો નામનિર્દેશ ફક્ત અનેક પાનાં રાકે; અને એ નીરસ નામાવલિ સામાન્ય વાચકને ન જ આકર્ષે; તેમજ એ સૌને પુરતો ન્યાય આપવાનું કાર્ય ઓછી જહેમતનું અને થોડું કઠિન નથી. તેમાં વળી જે જાણવા જણાવવા જેવું હોય તે એક વાર કહેવાઈ ગયા પછી પાછળથી જેમને એ અવલોકન ફરી કરવાનું પ્રાપ્ત થાય છે, તેની સ્થિતિ તો ખરેખર કફોડી થઈ પડે છે; એનું એજ પિંજણ કંટાળો ઉપજાવે. તેથી ગત વર્ષના મુખ્ય મુખ્ય સાહિત્યના બનાવો અને સાહિત્ય પ્રવૃત્તિનો સહેજસાજ પરિચય કરાવવા પુરતો અમે ઘટતો પ્રયાસ કરીશું. પ્રથમ આપણે વર્ષ દરમિયાન જે સાહિત્યકો સદ્‌ગત થયા એમના આત્માને અંજલી અર્પીશું. પૃથુરાજ હ. શુક્લ સાક્ષરોના ધામ નડિયાદના રહીશ હતા. જ્ઞાતે ખેડાવાળ બ્રાહ્મણ હતા. કૉલેજ શિક્ષણ લીધું નહોતું. એમનું ઘાટીલું શરીર અને ભાલમાંનો કંકુનો તેજવર્ણો ચાંલ્લો એમના આકર્ષણમાં ઉમેરો કરતો. તેઓ ઉર્મિલ, ઉચ્ચ ભાવનાથી પ્રેરિત, નભમાંના તારાઓને પકડવા મથતા; પણ ક્રૂર વિધાતાએ એમના મનોરથોને સિદ્ધ થવા દીધા નહિ. એમનું પહેલું પુસ્તક ‘ફુલપાંદડી’ પ્રથમ પ્રકટ થયું ત્યારે ઘણાનું તે પ્રતિ ધ્યાન ખેંચાયું હતું; અને એમાંની નવીનતા અને ચમત્કૃતિ સૌને ગમેલાં. એ ગદ્ય કાવ્યોનો સંગ્રહ કવિશ્રી ન્હાનાલાલ અને પ્રખર વિવેચક સર રમણભાઈના શુભાશિષ પામ્યું હતું; એ જ એનું સુંદર પ્રમાણપત્ર હતું. એ લખાણ ગુજરાતી સાહિત્યમાં નવીન ભાત પાડતું હતું અને એ ફૂલોની ફોરમ આહ્‌લાદિત જણાઈ હતી. એમની શક્તિ વધુ વિકસે અને ખીલી ઉઠે તે પહેલાં, “આરામગાહ” નામક એજ ઘાટીનું બીજું પુસ્તક જનતાને અર્પીને તેઓ પ્રભુધામમાં કાયમનો આરામ પામ્યા છે. એક ઉગતો, કોડીલો નવજુવાન સાહિત્યસૃષ્ટિમાંથી લુપ્ત થાય એ, ખરે, એક શોચનીય બનાવ છે. વાડીલાલ મોતીલાલ શાહ અમદાવાદના સ્થાનકવાસી જૈન હતા. એક શિક્ષક તરીકે એમણે જીવન શરૂ કરેલું એમ કંઈક સ્મરણમાં છે. પછી મીલ સ્ટોરના વેપારમાં પડેલા અને સારું કમાયા હતા. છતાં એમણે એક શિક્ષકની પેઠે જિંદગીભર ઉપદેશ આપવાનું કાર્ય કર્યું હતું. કેટલાંક વર્ષો સુધી “જૈન હિતેચ્છુ” નામનું માસિક એમણે એડિટ કર્યું હતું. જે કાંઈ લખાણ એમની કલમમાંથી નિકળતું તે નૈસર્ગિક, ચમકારા મારતું, સચોટ, ધારી અસર પેદા કરતું; અને એમાંના વિચારોની નવીનતા અને જે તે વસ્તુ વિચારને તેના નગ્ન સ્વરૂપમાં તેઓ રજુ કરતા તેથી તેના વાચકોમાં ખસુસ કરીને જૈનોમાં ખળભળાટ થતો. એમનો એક જ સિદ્ધાંત હતો કે હૃદય કહે, અંતરનો અવાજ જે બોલે તે પ્રમાણે નિર્ભયપણે બુદ્ધિને અનુસરીને વર્તવું; અને એનું તારત્મ્ય એમણે એમના એક પ્રસિદ્ધ કાવ્યમાં ગૂંથ્યું છે,

“હૃદય કહે તે કરવું, સજ્જન, હૃદય કહે તે કરવું,
વિચારીને જ વિચરવું, હો સજ્જન, ભય ત્યાગીને ફરવું;
આ કે પેલા સુણ્યા સિદ્ધાંતો માટે ન બાઝી મરવું,
શાસ્ત્ર અનુભવ અને તર્કને સમય મુજબ અનુસરવું.”

જૈન કોમની અને ધર્મની સુધારણાના પ્રશ્નને એમણે પોતીકો કર્યો હતો, અને એમાં એમણે એટલે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી કે થોડાક સમય પર મળેલી જૈન કોન્ફરન્સના એમને પ્રમુખ નિમવામાં આવ્યા હતા. એમનો સઘળો ઝોક એક સિદ્ધાંત પ્રચારક અને સિદ્ધાંતવાદી તરીકે હતો; એથી કેટલાક નાખુશ પણ થતા છતાં એટલું તો સૌ કોઈ સ્વીકારશે કે જૈન સમાજમાં એમણે નવીન ચેતન આણવા જબરદસ્ત પ્રયાસ કર્યો હતો અને તેમાં એમને કંઈક યશ પણ મળ્યો હતો. પરમાત્મા એમના આત્માને શાન્તિ આપે! સંગીત વિશારદ ગણપતરાવ બર્વેનો નવીન ઉછરતી પ્રજાને ઝાઝો પરિચય નહિ હોય; પણ સન ૧૯૦૩–૧૯૦૪માં સ્વદેશી હિલચાલના દિવસોમાં એમણે અમદાવાદમાં જાહેર સભાઓમાં રાષ્ટ્રીય ગીતો ગાઈ સંભળાવીને માતૃભૂમિ માટેનું મમત્વ અને પ્રેમ જનતામાં ઉત્પન્ન કર્યાં હતાં; અને તે પહેલાં એઓ અવારનવાર બુદ્ધિપ્રકાશ, ગુજરાતી વગેરે સામયિકોમાં લેખ પણ લખી મોકલતા હતા. પણ એમની કીર્તિ એમનાં સંગીત ગ્રંથો કાયમ રાખશે; નાદલહરી, શ્રુતિ સ્વરસિદ્ધાંત, ગાયન વાદન પાઠમાળા વગેરે શાસ્ત્રીય પુસ્તકો ગુજરાતીમાં સંગીતપર લખીને ગુજરાતી સાહિત્યને એમણે ઉજ્જ્વળ તેમ સમૃદ્ધ કર્યું છે. જે ગણ્યાગાંઠયા મહારાષ્ટ્રીય બંધુઓએ ગુજરાતી ભાષાની નિજ માતૃભાષાની પેઠે સેવા કરેલી છે, તેમાં એમનું નામ ગણાવું ઘટે છે. એમનો જન્મ વડેદરામાં સં. ૧૯૨૯ના પોષ સુદ પાંચમના રોજ થયોે હતો. ન્હાનપણમાં માતપિતાનું સુખ ગુમાવ્યું હતું. તેઓ કડીમાં પોતાની માસીની પાસે ઉછર્યા હતા. વડોદરામાં કલાભુવનમાં પ્રો. ગજ્જર પાસે થોડોક સમય શિક્ષણ લીધું હતું; પણ એમના જીવનનું મહત્ત્વ કાર્ય સંગીત, એની તાલીમ તે પછી એમણે જાણીતા સંગીતશાસ્ત્રી પ્રો. મૌલાબક્ષ પાસે લીધી હતી; અને વિષ્ણુશાસ્ત્રી દિગંબરે સંગીત માટે દેશમાં જે લાગણી પ્રકટાવી, તેનાં બીજ પ્રથમ બર્વેએ નાંખેલાં જણાશે. વળી વધુ ખુશી થવા જેવું એ છે કે એમના પુત્ર પ્રો. મનહર બર્વેમાં પિતાના સર્વ ઉચ્ચ સંગીતના અંશો–સંસ્કાર ઉતરી ખીલી ઉઠ્યા છે, એ એમનો વારસો પ્રજાને ન્હાનોસુનો નથી. તા. ૧૮ મી ફેબ્રુઆરીએ દમના વ્યાધિથી પ્રો. બર્વેનું નિધન નાગપોરમાં થયું હતું. મહારાષ્ટ્ર બંધુઓને સંગીત માટેનો પ્રેમ પ્રસિદ્ધ છે; અને એ વાતાવરણ, સંસ્કાર ગુજરાતમાં જાગૃત કરવામાં સ્વર્ગસ્થ બર્વેનું કાર્ય પ્રશસ્ય લેખાશે. શ્રીમન્નથુરામ શર્માનું અવસાન વર્ષ દરમિયાન ખચિત્‌ દુઃખદ ગણાશે. ધાર્મિક સાહિત્ય ગુજરાતીમાં એમણે પુષ્કળ પૂરૂં પાડ્યું છે; અને ગુજરાતી જનતામાં ધર્મની ભાવના દૃઢ અને સ્થાપિત કરવામાં એમણે મહત્ત્વનું પણ સંગીન સેવાકાર્ય કર્યું છે. તે સમજવાને આપણે ગયા સૈકામાં જડવાદના પ્રાબલ્યથી અને વૈજ્ઞાનિક વિચારની અસરથી જે એક પ્રકારની નાસ્તિકતા, ખાસ કરીને શિક્ષિત વર્ગમાં ઉદ્‌ભવી હતી, તેની નોંધ લેવી ઘટે છે; અને એ વિચારપ્રવાહ આગળ વધતો અટકાવવાને અને તેને યોગ્ય વલણ આપવાને સામી દિશામાંથી પ્રચારકાર્ય થવાની જરૂર હતી; અને તે કાર્ય આર્યસમાજ, થિઓસોફી અને પ્રાર્થના સમાજ, જેવી મ્હોટી સંસ્થાઓ અને શ્રીમન્નૃસિંહાચાર્ય અને શ્રીમન્નથુરામ શર્મા જેવા આચાર્ય પુરૂષોએ ધર્મની ભાવનાને ઉદ્દિપ્ત કરી, તેને બળ અને પોષણ આપીને, મજબુત બનાવી હતી, એમ ઉપકારસહ સ્વીકારવું જોઈએ. વર્તમાન યુગમાં વિજ્ઞાનનું વલણ અગમ્યવાદ પ્રતિ વળ્યું છે, એમ આગેવાન વૈજ્ઞાનિકનાં પુસ્તકો પરથી માલુમ પડે છે; તદુપરાંત જનતામાં ધર્મ માટેની વૃત્તિ હમેશા તીવ્ર રહેવાની; ભલેને પછી ધર્મને આચાર્યોની અને બ્રાહ્મણોની પ્રપંચજાળ તરીકે વગોવવામાં આવે. સમાજમાં તે એક જીવંત અને પ્રેરક બળ અચૂક રહેવાનું; માત્ર તેને યોગ્ય માર્ગે વાળવાની અગત્ય રહે છે. પાશ્ચાત્ય દેશોમાં ધર્મસંસ્થા–church–જીવંત અને જાગતી છે, જો કે તેમાં મતમતાંતરો અનેક અને વિરોધી માલુમ પડશે; અને ત્યાં પ્રતિદિન એ વિષયપર ચિંતન અને અભ્યાસ ચાલુ રહી જે ધર્મસાહિત્ય પ્રસિદ્ધ થાય છે, એ જેમ તેમાંનું દૈવત વ્યક્ત કરે છે તેમ નૈસર્ગિક જળ પ્રવાહની પેઠે તેની અસર પૌષ્ટિક, સુખદાયી, આનંદવર્ધિની, પ્રબોધક અને ઉચ્ચગામી નિવડે છે; અનેકનાં જીવનમાં તે સુખ અને શાન્તિ રેડે છે; અનેક વ્યગ્ર જીવોને તે આશ્વાસન આપે છે. એ લાભ થોડો નથી. એની સરખામણીમાં આપણે અહિંની સ્થિતિ તપાસો? આપણે ત્યાં નવું ચિંતન, ધર્મસાહિત્ય કેટલું અલ્પ પ્રગટ થાય છે? પ્રાચીન પરંપરા તૂટતાં, હિંદુધર્મ અસ્તવ્યસ્ત થઈ પડે છે; માત્ર પ્રણાલિકા-બાહ્યાચાર ઉભો રહ્યો છે, ૫ણ તેમાં નવી સ્ફૂર્તિ, પ્રેરણાબળ, નિયમન અને બોધ આપનારાં તત્ત્વો થોડાં જણાશે. અત્યારે નવી નવી શોધખોળોથી માનસિક વિકાસ ખૂબ થયો છે. તે સમયે જુનાં સત્યોને પરિસ્થિતિને અનુલક્ષી તેના યથાર્થ સ્વરૂપમાં રજુ કરવાની અગત્ય થોડી નથી. તે કાર્ય–જો કે પ્રાચીન ધર્મસાહિત્ય પુરતું–શ્રીમન્નથુરામ શર્માએ બહુ સુંદર રીતે કર્યું હતું; અને એવો પ્રબલ પ્રભાવ પાડ્યો હતો કે હજારો સ્ત્રી પુરુષો એમના પ્રતિ આકર્ષાઈ એમના શિષ્યો થયા હતા. આપણા શિક્ષણક્રમમાં વિદેશી રાજકર્તાની તટસ્થ રહેવાની નીતિને લઈને ધર્મને શિક્ષણમાં સ્થાન નથી, એ અજુગતું છે; જીવનમાં એનું શિક્ષણ આવશ્યક છે. એ ઉણપ બહુ મોટા ભાગને સાલે છે; પણ તે પૂરી પાડવા સારૂ હજુ વ્યવસ્થિત પ્રયાસ કે સંગટ્ઠન થયું નથી. પણ તે ઉણપ કંઈક અંશે દૂર કરવા શ્રીમન્નથુરામ શર્માની પ્રેરણા અને પ્રયાસથી ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની સ્થાપના થઈ હતી; અને એ સંસ્થા દેશોન્નતિમાં કેટલી સહાયક નિવડી છે, એ દર્શાવવાનું આ સ્થાન નથી; પણ શ્રીમન્નથુરામ શર્માનું નામ એ સંસ્થા સાથે સદા સંકળાયલું રહેશે એ ઓછું આનંદદાયક નથી. સ્વર્ગસ્થ કાંટાવાળાનું સ્મરણ થતાં ડૉ. સેમ્યુઅલ સ્માઈલ્સનાં પુસ્તકો, ‘કર્ત્તવ્ય”, ‘સદ્‌વર્તન’, ‘જાત મહેનત’, વગેરે, જેમાં ઉદ્યમી, સ્વાશ્રયી, ચરિત્રવાન અને મહત્ત્વાકાંક્ષી પુરૂષોનાં વૃત્તાંતો બહુધા આપેલાં છે, તેમાંના એકનીપેઠે તે આપણું ધ્યાન ખેંચે છે; અથવા તે એમ સૂચવવાનું મન થઇ આવે છે કે પ્લુટાર્કનાં પ્રસિદ્ધ જીવનચરિત્રોની પેઠે એમનું અને સ્વર્ગસ્થ ગોકળદાસ કહાનદાસ પારેખ બંનેનું ચરિત્ર એક સાથે અવલોકાય. એ બેમાં ઘણું સામ્ય તેમ ભિન્નતાના અંશો મળી આવશે; અને તે મનનીય થઈ પડશે. બંને ઉમરેઠના વતની હતા. એક જ ખડાયતા જ્ઞાતિના; પણ ચુસ્ત સમાજસુધારકો અને તે કારણે જ્ઞાતિ ત્રાસના ભોગ થઈ પડેલા પણ વીર પુરુષો તરીકે મક્કમ રહ્યા હતા. બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં હતાં; એ કે જાહેર પુરુષ તરીકે, ખેડુતોનો અને જમીન મહેસુલનો પ્રશ્ન પોતાનો કરી લઈ સારી કીર્તિ સંપાદન કરી હતી, જ્યારે બીજાએ એક કેળવણીકાર અને સાહિત્યકાર તરીકે બહોળી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી; કેળવણી ખાતામાં વિદ્યાધિકારીને હોદ્દે પહોંચ્યા હતા અને સાહિત્ય પરિષદના પ્રમુખ ચુંટાયા હતા. એઓ સ્વર્ગસ્થ લાલશંકરના અંગત સ્નેહી હોઈને એમના નિકટ પરિચયમાં અમે આવ્યા હતા અને પરિષદ મંડળ સ્થાપ્યા પછી એમની સાથે કામ કરવાના અનેક પ્રસંગો સાંપડ્યા હતા. તે વખતે એમના હૃદયની સરલતા, જીવનની સાદાઈ પણ સંસ્કારી વાતાવરણભરી અને સાહિત્ય માટેનો નૈસર્ગિક પ્રેમ વ્યક્ત થતો અનુભવ્યો હતો અને એ બધાની સમગ્ર છાપ એવી પડતી કે એમની પાસે સહજ માનપૂર્વક નમી પડાતું; અને એમને જોતાં એમ પ્રતીતિ થતી કે દેશની સંપત્તિ અને સામર્થ્ય, ડૉ. સ્માઇલ્સ કહે છે તેમ, મોટા લાવલશ્કર અને મજબુત કોટકિલ્લામાં નહિ પણ તેના ચારિત્ર્યવાન પુરુષોમાં સમાયલું છે. એમનું “આત્મ વૃત્તાંત” બહાર પડશે ત્યારે વાચક જોઈ શકશે કે એ અભિપ્રાયમાં કેટલું તથ્ય રહેલું છે.” એમની પ્રવૃત્તિ સર્વદેશી હતી; કોઈ ક્ષેત્ર બાકી છોડ્યું નહોતું. કેળવણી, સાહિત્ય, સમાજસુધારો વગેરે ક્ષેત્રમાં એમનું કાર્ય સુપ્રસિદ્ધ છે. એવુંજ ઉપયોગી કાર્ય લુણાવાડાને દિવાન નિમાયા ત્યારે એમણે ખેતીવાડીની સુધારણાર્થે ઉપાડી લીધું હતું. સ્વદેશી ઉદ્યોગ માટેનો એમનો પ્રેમ એઓ રાજકોટમાં હતા ત્યારનો નજરે પડે છે; અને કાપડમિલ સ્થાપવામાં એ જ વૃત્તિ પ્રાધાન્યપણે હતી. બાલસાહિત્યને પણ એમણે વિસાર્યું નથી; અને મોટી જૈફ વયે “ટચુકડી સો વાતો”ના લાગલાગટ પાંચ ભાગો લખીને એમણે સૌને હેરત પમાડ્યા હતા. એમની યાદદાસ્ત કેટલી પ્રબળ હતી અને માહિતી-સાધન-ભંડાર-વિપુલ હતો તેનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. વળી ખાસ ખુશી થવા જેવું એ છે કે જે કાર્યમાં એ પડ્યા હતા તે સર્વમાં એમણે યશ પ્રાપ્ત કર્યો હતો; બે પૈસા મેળવ્યા હતા; અને સુખ સંપત્તિમાં, આનંદમાં અને યશકીર્ત્તિ સાથે વાડીબંગલા અને મ્હોટો વસ્તાર મૂકીને તેઓ પ્રભુ ધામમાં પધાર્યા છે. સાહિત્ય પરિષદને રૂ. ૧૦,૦૦૦/-આપીને એમણે સાહિત્ય માટેનું મમત્વ પ્રત્યક્ષ કરી બતાવ્યું હતું. એમના સુપુત્રોએ ‘કાંટાવાળા પરિતોષિક’ની યોજના રચીને એટલુંજ સુંદર કાર્ય કર્યું છે, જે એમની યશસ્વી અને ઉજ્જ્વળ કારકિર્દીને મેરુરૂપ થઈ પડશે. શ્રીમંત મહારાજા સર સયાજીરાવે સાહિત્ય માર્તન્ડનો ચંદ્રક આપીને પહેલવહેલું તે માન સ્વર્ગસ્થ કાંટાવાળાને આપવામાં કંઇક દૂરદર્શીપણું દાખવ્યું હતું. એ માન એકલું એક વફાદાર પ્રજાજન તરીકે નહોતું; પણ એમાં સમસ્ત ગુજરાતી સાહિત્યની સેવાની કદર રહેલી છે. કાંટાવાળા પારિતોષિકમાં પણ એ જ ધોરણે ગુજરાતી ગ્રંથકારનું સન્માન કરવાનો આશય રહેલો છે; અને સદરહુ સ્મારક-સંભારણું સ્વર્ગસ્થનું નામ જીવંત રાખશે તેમ તે સાહિત્ય પ્રગતિને ઉપકારક થશે એમ અમારૂં માનવું છે. સન ૧૯૨૫ કે તે અરસામાં કવિશ્રી ન્હાનાલાલે ઉત્તમ નવલકથાના લેખકને રૂ. ૫૦૦/નું પારિતોષિક એક મિત્ર તરફથી આપવાની જાહેરાત પ્રથમ કરી હતી; તે યોજનાનું પછી પરિણામ શું આવ્યું તે અમારા જાણવામાં નથી પણ સન ૧૯૨૮ માં ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના સંચાલક શ્રીયુત મોતીભાઈ નરસીભાઈ અમીને “પુસ્તકાલય પર્વણી” ઉજવવાના સંબંધી સૂચના મંગાવતા, પર્વણીના પ્રસંગે જે લેખકનું પુસ્તક ઉત્તમ માલુમ પડ્યું હોય તે જાહેર કરી, તેમને કોઈક રીતે સત્કાર કરવા વ્યવસ્થા થવા અમે જણાવ્યું હતું; અને એ વિચારને અમલમાં મૂકવા તે અરસામાં શ્રીયુત્‌ ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક, એમની લોકસાહિત્યની સેવાર્થે અર્પવામાં આવ્યો હતો. સદરહુ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં અમે એકજ ધોરણ સ્વીકાર્યું છે અને તે એ કે જે વિષયો માટે સ્વર્ગસ્થને પક્ષપાત હતો; અને જેના અભ્યાસ, સંશેાધન અને સંગ્રહાર્થે તેઓ ખાસ મમત્વ ધરાવતા હતા; વળી એમનું કાર્ય વ્યક્તિગત રહેતું નહિ પણ સંસ્થારૂપ નિવડી નવી કાર્ય પ્રણાલિકા સ્થાપતું; એ દૃષ્ટિએ જેમની સાહિત્ય સેવા, માત્ર વ્યક્તિગત નહિ રહેતા; વિસ્તરેલી અને પરંપરા ઉભી કરતી હોય એવા બુદ્ધિમાન-સાહિત્યકારો, શ્રીયુત મેઘાણી, શ્રીયુત ગિજુભાઇ, શ્રીયુત રવિશંકર રાવળ અને શ્રીયુત વિજયરાય વૈદ્ય–એઓને આ ચંદ્રક આજ સુધીમાં અપાયો છે અને સન ૧૯૩૨નો ચંદ્રક રા. રમણલાલ વસંતલાલ દેસાઇને એમની ઉત્કૃષ્ટ સામાજિક નવલકથાઓ માટે આપવાનું નક્કી થયું છે. રણજીતરામ સ્મારક ફંડના નાણાં એ ચંદ્રક આપતાં આ વર્ષે ખલાસ થશે; પણ સંતોષ પામવા જેવું એ છે કે એ પ્રણાલિકા તુટશે નહિ; એનું સ્થાન કાંટાવાળા પરિતોષિક લેશે. એ યોજના-સ્મારક પાછળ જે હેતુ રહેલો છે તે સ્તુત્ય અને આવકારપાત્ર છે. જાણવા જેવા સાહિત્યના બનાવોમાં અમે માત્ર બેનો ઉલ્લેખ કરીશું. નડિયાદમાં ભરાયલી દશમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને મુંબાઈમાં તેમ જુદા જુદા મોટા શહેરો જેવાં કે, અમદાવાદ, સુરત, મદ્રાસ વગેરેમાં ઉજવાયલો ખબરદાર કનકોત્સવ. દશમી સાહિત્ય પરિષદ વિષે સન ૧૯૩૨ના બુદ્ધિપ્રકાશના જાન્યુઆરી અંકમાં અમે વિસ્તારપૂર્વક અમારે અભિપ્રાય દર્શાવે છે; એટલે ફરીને એ વિષે વધુ નહિ લખીએ. પણ એટલું ઉમેરીશું કે પરિષદ મંડળ જેના પર હવે બધી જવાબદારી આવેલી છે, તે પૂર્વવત્‌ ને કાર્યક્રમ યોજી, તે અમલમાં મૂકવા બનતી તજવીજ કરે; એટલુંજ નહિ પણ એવી પરંપરા અને પ્રતિષ્ઠા સ્થાપે કે તે સમસ્ત ગુજરાતી પ્રજાની એક મુખ્ય અને મહત્ત્વની સાહિત્યસંસ્થા થઈ પડે. સાહિત્ય સંસદના જનકને પરિષદ મંડળને ફ્રેન્ચ એકેડેમી કે બ્રિટિશ સાયન્સ એસોસિએશન જેવું પ્રગતિમાન અને સન્માનિત કરવું એ કાર્ય સુલભ અને સાધ્ય છે; અને તે એના સુકાની શ્રીમુનશીની મહત્ત્વાકાંક્ષાને અનુકૂલ છે; એવું એમનામાં બુદ્ધિ સામર્થ્ય અને પ્રતિભા છે. ખબરદાર કનકોત્સવને સાહિત્ય સંમેલનની ઉપમા આપી શકાય. સાહિત્ય પરિષદને આશય સાહિત્યનો પદ્ધતિસર અભ્યાસ અને સાહિત્ય સંવર્ધનનો છે, તેમ આપણા પ્રતિષ્ઠિત અને અગ્રગણ્ય સાહિત્યકારોનું સન્માન કરવામાં આ૫ણે એમના ગુણોનું, સુંદર સાહિત્ય કાર્યનું અને ઉત્કૃષ્ટ સેવાનું અવલોકન કરીએ છીએ, એમના પ્રતિની આપણી કૃતજ્ઞતા દાખવીએ છીએ; અને એ પ્રથા સર્વથા યોગ્ય અને અનુકરણીય જણાશે. શ્રીયુત ખબરદારનાં પુસ્તકો સંખ્યામાં ઝાઝાં તેમ કવિત્વ ગુણમાં ઓજસવાળાં અને પ્રાસાદિક છે. કુદરતમાંથી તેઓ પ્રેરણા મેળવે છે; અને તેનું નિયમન બળ પ્રભુદર્શનમાંથી પ્રાપ્ત થયલું છે. નીતિપ્રધાન એમની કવિતા છે. તે આપણને કુદરતનું દર્શન કરાવે છે તેમ પરમાત્માનું સ્મરણ કરાવી, ઉન્નત પંથે દોરે છે; તેથી તેનું વાચન પ્રોત્સાહક, સ્ફૂર્તિદાયક અને પ્રેરણાત્મક થઈ પડે છે. મહિનાના મહિના તેઓ પથારીવશ વ્યાધિથી પીડિત રહે છે; છતાં સરસ્વતી-કાવ્યદેવીની ઉપાસના તેમને આશ્વાસન આપનારી અને સુખદાતા નિવડે છે. વ્યથાભરી મનોદશામાં અને દુઃખમાં તેઓ પ્રભુમાં મગ્ન રહે છે અને એજ તેમને જીવનબળ અને આનંદ અર્પે છે; અને એ સુખમાં પોતે એકલા નહિ રાચતાં, સુંદર કાવ્યો રચીને આપણ સૌને તેમાં સમભાગી કરે છે. બીજી રીતે પણ એમની સેવા પ્રશસ્ય લેખાવી જોઈએ. પારસી બંધુઓનો ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસમાં હિસ્સો મ્હોટો છે. જીવનના ઘણાખરા ક્ષેત્રોમાં તેઓ અગ્રેસર અને સાહસિક માલુમ પડશે. પ્રથમ ગુજરાતી છાપખાનું કાઢવાનું માન એક પારસીભાઈને છે, અને હાલ પણ મુંબાઈનાં ત્રણ ગુજરાતી દૈનિક વર્તમાનપત્રો એમના હસ્તક છે. વળી વાર્તાના રસિયાઓને એમનાં માસિકો ‘ફુરસદ’ અને ‘ગપસપ’ વિના ચેન ૫ડતું નથી. સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ, નાટક, ભાષા શાસ્ત્ર, નવલકથા, વર્તમાનપત્ર એમાંનો કોઈપણ વિષય આપણે લઈશું તો તેમાં નામાંકિત પારસી નામો આપણું ઝટ લક્ષ ખેંચશે. મલબારી, કાબરાજી; મર્ઝબાન, તાલીઆરખાન, કરકરીઆ, જીવનજી મોદી, સોરાબજી દેસાઈ પાલનજી દેસાઈ, મિનોચર હોમજી, માદન, પાલમકોટ, વીમા દલાલ, વાડીઆ, તારાપોરવાલા, હોડીવાલા, સંજાણા વગેરે નામો જેમ પરિચિત તેમ માનને પાત્ર છે; અને રાજકીય ક્ષેત્રમાં દાદાભાઈ ફિરોઝશા મહેતા, દિનશા વાચ્છાનું હમેશ આભારપૂર્વક સ્મરણ થયા કરશે. પારસી ગુજરાતી માટે કેટલાક વિદ્વાનોને વાંધો છે અને તે વાસ્તવિક છે; પરંતુ પરસ્પર સહકાર અને સહાયતાથી એ મુશ્કેલીનો ઉકેલ થઈ શકે એમ છે; અને એ દિશામાં શ્રીયુત ખબરદારનું કાર્ય અને સેવા માર્ગદર્શક તેમ અનુકરણીય થાય એવાં છે; અને એમનું જાહેર સન્માન થયું તે પ્રસંગે એમણે એક બે સભાઓમાં એ વસ્તુ-ભાષાની શુદ્ધિપરજ ભાર મૂક્યો હતો અને તે માર્ગે અનુસરવા પોતાના પારસી બિરાદરોને સલાહ આપી હતી. સ્વર્ગસ્થ મલબારીનું કાર્ય એ દિશામાં માર્ગદર્શક હતું; અને શ્રીયુત ખબરદારનાં કાવ્ય નીચે નામ મૂકવામાં ન આવે તો કોઈ એમ ન કહી શકે કે એ એક પારસીની કૃતિ છે; એટલાં તે શુદ્ધ ભાષામાં અને શૈલીમાં છે; અને વિચાર અને ભાવના, કલ્પના અને ઉપમા પણ એક ગુજરાતી હિંદુ કવિ કે લેખકને જેબ આપે એવી નજરે પડશે. એમના છેલ્લા પુસ્તક ‘દર્શનિકા’માં, જીવનના ગૂઢ પ્રશ્નો ચર્ચી, એઓ આપણને જીવનનું રહસ્ય સમજાવે છે; અને તે ખરેખર એક કિંમતી કાવ્ય પુસ્તક છે, જેનું નિરાંતે વાચન અને અધ્યયન થવું ઘટે છે. ગુજરાતી પ્રત્યેનો પ્રેમભાવ ‘ગુણવંતી ગુજરાત’ નામક એમના સુલલિત રાસમાં સારી રીતે ઝળકી ઉઠે છે અને એમણે બીજું કાંઈ લખ્યું ન હોત તો૫ણ તે એક કાવ્ય લખ્યાથી એમનું નામ સ્મરણીય રહેશે. શ્રીયુત ચન્દ્રશંકરે પ્રથમ કવિશ્રી ન્હાનાલાલને સુવર્ણ મહોત્સવ અને બીજો આ શ્રીયુત ખબરદારનો કનકોત્સવ સ્થળે સ્થળે ઠાઠમાઠથી ઉજવવાની સુવ્યવસ્થા કરી, એમની ગુણગ્રાહકતાનું સરસ દર્શન કરાવ્યું છે; અને ગુજરાતી જનતાને કર્તવ્યપરાયણ કરી છે. અમે ઇચ્છીએ છીએ કે એઓ હવે પ્રો. બલવન્તરાયના સન્માનાર્થ એક સમારંભ યોજે. ગુજરાતે એ પ્રખર વિદ્વાન અને વિવેચકને પુરતો ન્યાય આપ્યો નથી. એ ખામી જલદી પુરાવાની અમને જરૂર દિસે છે. ગુજરાતી પુસ્તકો પહેલાં કરતાં સંખ્યામાં પુષ્કળ પ્રસિદ્ધ થાય છે અને તેમાંના વિષયો તેમજ વસ્તુસંકલના વિધ વિધ પ્રકારના અને નવીન હોય છે. એ પુસ્તકોમાં અનુવાદનું પ્રમાણ જો કે જોઈએ તેટલું હજુ ઘટ્યું નથી તોપણ સંતોષકારક બિના એ છે કે સ્વતંત્ર આલેખનના પ્રયાસ દિન પ્રતિદિન વધતા અને સુધરતા જાય છે. એ નવી કૃતિઓમાં વિચાર પ્રતિપાદનની શૈલી પ્રવાહી, રોચક અને બલિષ્ઠ જણાય છે અને તેથી ભાષા સરલ છતાં વિષયને અનુરૂપ ભારવાળી, વિધવિધ ભાવો અને લાગણીના છાયારંગ અને અર્થ કલાયુક્ત વ્યક્ત કરતી; અને વિકાસ પામતી જાય છે. મણિલાલ, મનઃસુખરામ અને ગોવર્ધનરામના ગદ્યને ધુમકેતુ, મેઘાણી અને મુનશીના ગદ્ય સાથે સરખાવશો તો એ બંને શૈલી વચ્ચે કેટલું અંતર પડ્યું છે અને તેમાં કેટલો વિકાસ અને પ્રગતિ થઈ છે, તેનું પરિમાણ કાઢી શકાશે. બીજું એક ખેંચાણકારક તત્ત્વ તે પુસ્તકોનું મુદ્રણ કામ છે. નવજીવન પ્રેસ અને કુમાર કાર્યાલયે એ દિશામાં સારો દાખલો બેસાડ્યો છે; ટાઈપની પસંદગી, તેની જુગતીબંધ ગોઠવણી, પ્રમાણબદ્ધતા, દેખાવ, વગેરે જેમ બને તેમ કલામય કરવા પ્રયત્ન થાય છે; અને પુંઠાની ડિઝાઈન પણ રંગીન અને સુશોભિત કરવા તેમ પુસ્તકનું આકર્ષણ વધારવા ઓછી કાળજી લેવાતી નથી. છતાં એવો એક સાહિત્ય વાચકવર્ગ અસ્તિમાં છે, જે એમ માને છે કે આપણા સાહિત્યમાં સંગીનતા વધી નથી; માત્ર સ્વ-ભાન વધ્યું દિસે છે. શાસ્ત્રીય અભ્યાસ અને અધ્યયન પાછળ જે સમય અપાવો જોઈએ તેનો અભાવ જણાય છે; અને જીવનને પ્રેરક બળ અર્પે, ઉન્નત પંથે પ્રેરે એવા સાત્ત્વિક અંશોની તેમાં ખામી છે. એક વર્ષના સાહિત્યના ફાળ પરથી ઉપરોક્ત દલીલોનો સામો અને યોગ્ય રદ્દીઓ નજ આપી શકાય; તે માટે વાસ્તવિક રીતે એક યુગનું વા એક દશકાનું સમગ્ર સાહિત્ય પ્રકાશન જોવું, તપાસવું જોઇએ. એ ચર્ચાસ્પદ મુદ્દામાં અમે નહિ ઉતરીએ; પણ એ તો ખરૂં છે કે કેટલાક ક્ષેત્રોમાં આપણે હજુ ચંચુપાત કર્યો નથી. વિજ્ઞાનનું સાહિત્ય સાવ અણખેડાયલું પડ્યું છે. એ દોષમાંથી કેટલીક વ્યવહારૂ અડચણોને લઇને લેખકવર્ગ છટકી શકશે અને તે માટે કેટલેક અંશે આપણી શિક્ષણપદ્ધતિ ગુન્હેગાર છે; પરંતુ આપણા ઇતિહાસ માટે જે ઉદાસીનતા સેવાય છે તે ખચિત અક્ષમ્ય છે. આપણા એ પ્રમાદના કારણે કેટલાંયે પ્રાચીન ઐતિહાસિક સાધનો દરરોજ વધુને વધુ નાશ પામતાં જાય છે. ફૉર્બસ અને ભગવાનલાલ ઇંદ્રજી પછી ગુજરાતે એ વિષયમાં કેટલી ગતિ કરી છે? તેના મુકાબલે અન્ય પ્રાંતોની પ્રગતિ નિહાળો. મહારાષ્ટ્ર તેમાં અગ્રસ્થાને છે; કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, અને નવી નિકળેલી આંધ્ર યુનિવર્સિટીએ એ વિષય પ્રતિ દુર્લક્ષ કર્યું નથી. છેલ્લાં વીસ વર્ષમાં શ્રીયુત જયસવાલના નેતૃત્વ નીચે બિહાર અને ઓરિસ્સા રિસર્ચ સંસ્થાઓ હેરત પમાડનારી પ્રગતિ કરી છે. ગુજરાત કંઇ કરી બતાવશે? ગયા ડિસેમ્બર માસમાં મુંબઈમાં પહેલી ઇતિહાસ પરિષદ મળી હતી, તેમાં ગુજરાતીઓનો ફાળો કેટલો હતો? ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ વિષે કેટલા નિબંધો રજુ થયા હતા? દી. બા. કેશવલાલ ધ્રુવ, મુનિશ્રી જિનવિજયજી, પ્રો. બલવન્તરાય ઠાકોર, પ્રિન્સિપાલ ધ્રુવ, પ્રો. કેમિસરિયટ, શ્રીયુત ગિરિજાશંકર આચાર્ય, રા. દુર્ગાશંકર શાસ્ત્રી, મી. ડિસકલકર, રા. માનશંકર જેવા સમર્થ વિદ્વાનો અને અભ્યાસીઓ આપણે અહિં છે; માત્ર સંગઠન અને સહકારની આવશ્યક્તા છે. શ્રી ફૉર્બસ સભા એ કાર્ય ઉપાડી લેશે? અને તેને સાથ આપનાર વર્ગ મ્હોટો મળશે. ગુજરાતના ઇતિહાસ માટે એના સ્થાપક શ્રી ફૉર્બસે ઘણું અને સંગીન કાર્ય કર્યું છે. એના પુસ્તકભંડારમાં સાધનસામગ્રી મોટા જથ્થામાં છે; તેનો ઉપયોગ થવો ઘટે છે. એ સંસ્થાની પ્રતિષ્ઠા બહોળી છે અને તેની સંપત્તિ પણ થોડી નથી. જરૂર છે ફક્ત એ વિચારને વ્યવસ્થિત રીતે અને યોજનાપૂર્વક ગતિમાં મૂકવાની; એ સંસ્થાના પ્રમુખથી દી. બા. કૃષ્ણલાલ ઝવેરી, અમે ઈચ્છીએ છીએ કે સદરહુ કાર્યને ઉપાડી લે. વર્ષ દરમિયાન પ્રગટ થયલાં સઘળાં પુસ્તકોનું દિગ્દર્શન અમે નહિ કરીએ. સાહિત્ય સભા તરફથી શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહે એ કાર્ય સારી રીતે કરેલું છે; વાસ્તે અમે સમગ્ર અવલોકન ફરી નહિ કરતાં પાંચ સાત મુખ્ય મુખ્ય અને મહત્ત્વનાં પુસ્તકો પસંદ કરી તે પ્રતિ વાચક બંધુનું ધ્યાન દેરીશું. આધુનિક કવિતાનો ૫રિચય કરાવતું પ્રો. બલવન્તરાય ઠાકોર સંપાદિત ‘આપણી કવિતા સમૃદ્ધિ’ નામક પુસ્તક સાહિત્યરસિકોમાં ઠીક ચર્ચાયું હતું; અને એક કરતાં વધુ કારણે એ પ્રસિદ્ધિ આવકારપાત્ર નિવડી હતી, કાવ્યગુચ્છના (anthology) જે લાભ હોય છે તે એમાં છે જ; પણ તેની વિશિષ્ટતા એ છે કે નવા અને ઉછરતા કવિઓની કૃતિઓને સમભાવ પૂર્વક અવલોકીને અને એમાં તેને ઘટતું સ્થાન આપીને, તેમનો વાચક બંધુને ૫રિચય કરાવ્યો છે અને તેની વાજબી કદર કરી છે તે યોગ્ય થયું છે; અને ઘણાને એ તત્ત્વ ગમ્યું છે. નવી કવિતામાં પ્રાસની ઝડઝમક કે અલંકારોની ચમત્કૃતિ આપણને વખતે નહિ જડે, તેમ એમાં વ્યર્થ શબ્દાલંકાર કે શબ્દોની ખેંચતાણ પણ નહિ હોય, ઉલટું એમાં જે પ્રકારનું ભાવમિશ્રણ લાગણી અને વિચારનું ક્રમબદ્ધ નિરુપણ, અર્થનું પ્રાબલ્ય નજરે પડે છે તે સ્ફૂર્તિદાયક, આહ્‌લાદક અને આત્માને સ્પર્શતું હેય છે; તેમાંનું કુદરતનું વર્ણન અને જીવનની સમીક્ષા એ સર્વ સૂચિકર નિવડી, આપણને તે સૃષ્ટિના સર્જનહારનું મનોગમ દર્શન કરાવે છે. તેથી એ નવાં કાવ્યોનું વાચન વધુ પસંદ પડે છે અને તે, જૂની કવિતા કરતાં ચઢિયાતાં લાગે છે. આ સંગ્રહની બીજી એક વિશિષ્ટતા એ છે કે આ કવિતાને કેવી રીતે વાંચવી, તેની ખૂબીઓ જાણવી, તેની યોગ્ય પરીક્ષા અને તુલના કરવી, તેનું હાર્દ સમજવું, એ સઘળા મુદ્દાઓ સવિસ્તર અને જુદા જુદા દૃષ્ટિબિન્દુથી વિવેચન વિભાગમાં સમજાવવામાં આવ્યા છે. પ્રો. ઠાકોર જેવા સમર્થ વિવેચક અને વિદ્વાનના હાથે એ પૃથક્કરણ અને વિવરણ થયું છે, એ તેનું મહત્ત્વનું અંગ છે. સંભવ છે કે એમના અભિપ્રાય સર્વગ્રાહ્ય ન થાય. એમના વિવેચનમાં ક્ષતિઓ હશે; એમનું દૃષ્ટિબિન્દુ દોષવાળું જણાશે; છતાં એટલું તો નિર્વિવાદ છે કે અર્વાચીન ગુજરાતી કવિતાનો ૫રિચય કરવા સારૂ તે એક મજેનો કાવ્યસંગ્રહ છે; અને અભ્યાસીઓને તે માર્ગદર્શક થઈ એક ગુરુની ગરજ સારશે, આવું એક કિંમતી કાવ્યગુચ્છ ગુંથી આપણને આપવા માટે આપણે સૌ પ્રો. બલવન્તરાયનો હાર્દિક ઉપકાર માનીશું. ગુજરાતી ગદ્યપદ્યમાંથી ઉત્તમ અને જુદી જુદી લેખનશૈલીના નમુનાઓની પસંદગી કરીને હમણાં હમણાં માધ્યમિક શાળામાં પાઠ્યપુસ્તક તરીકે વાંચવા સારૂ ચાર પાંચ સંગ્રહો બહાર પડ્યા છે. તેના ગુણદોષ વિષે અમે અહિં કાંઈ કહેવા ઈચ્છતા નથી, ૫ણ માધ્યમિક શાળામાં અભ્યાસની દૃષ્ટિએ એ પ્રકારનું વાચન ઈષ્ટ છે કે કેમ, એ મુદ્દો વિચારવો જોઈએ છીએ. અમારૂં માનવું છે કે વિધવિધ પ્રકારના અને જુદા જુદા લેખકોના એક બે નમુનાઓથી વિદ્યાર્થીઓના મન પર જોઈએ તેવી સબળ છાપ પડતી નથી; એટલુંજ નહિ પણ ભિન્ન ભિન્ન વિચાર અને વસ્તુનિરુપણથી એમનું મન વ્યગ્ર બની, તેથી પડતી છાપ અસ્પષ્ટ અને ગુંચવાવનારી નિવડે છે; તેથી એક સળંગ કાવ્ય કે એક આખું ગદ્ય પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે પસંદ થાય એ વધુ ઇચ્છવાયોગ્ય છે. અગાઉ સામળકૃત પદ્માવતીની વાર્તા, નળાખ્યાન કે હુન્નરખાનની ચઢાઇ જેવાં કાવ્યો વગેરે વંચાતાં તેની સારી અસર થતી એવું અમારૂં સમજવું છે પણ એ વિષે કેળવણીકારોને ચર્ચા કરવાનું સોંપીશું. કવિશ્રી ન્હાનાલાલનું “સંઘમિત્રા” નાટક એમની પુત્રીને દુઃખદ મૃત્યુમાંથી જન્મ્યું છે. એમાં ભાઈબહેનના સુખદ પ્રેમની વસ્તુ ગુંથવા પ્રયાસ થયો છે. એવાં ચિત્રો આપણાં સમાજમાં વિરલ છે એમ બતાવાયું છે; પણ આપણે વિસરવું જેઈતું નથી કે આર્યસંસારે બળેવના શુભ પર્વે રક્ષાબંધન યોજીને અને કાર્તિક સુદ દ્વિતીઆ, ભાઈબીજના દિવસે, બ્હેનભાઇને નિમંત્રવામાં એજ ભાવને સારી રીતે વ્યક્ત કર્યો છે. કવિશ્રીને આ પ્રસંગ એક નિમિત્ત માત્ર બને છે; નહિ તો એમનો આશય અત્યારના યુદ્ધપીડિત જગતને અહિંસાનો પાઠ પઢાવીને, તેમને સુલેહશાન્તિના-ભ્રાતૃભાવના અને પ્રેમના માર્ગે વાળવાનો જણાય છે. આખાય નાટકમાં આપણે તપાસીશું તો જણાશે કે એ મુખ્ય પાત્રો ગૌણ ભાગ લે છે; વસ્તુતઃ અશોકનો સંદેશો બાવીસસેં વર્ષ પૂર્વેનો ફરી પ્રબોધવાનો હેતુ સ્પષ્ટ જણાય છે; અને હાલની પરિસ્થિતિમાં તે ઉચિત હતું. તેને પ્રયોજનમાં મહેન્દ્ર અને સંઘમિત્રાનું ધર્મોપદેશ કરવા સિંહલદ્વીપ પ્રતિગમન કરવું એ ઐતિહાસિક પ્રસંગ એમની શોકગ્રસ્ત મનોદશાને બંધબેસતો થઈ પડે છે અને એ પ્રસંગની આસપાસ મુખ્ય વસ્તુ-વિષય અહિંસાનું પ્રતિપાદન કરવામાં આવે છે. આખોય પ્રસંગ જેમ જગતના ઇતિહાસમાં અજોડ છે તેમ શાન્તિમય ધર્મપ્રચારાર્થે એ કાર્ય એટલુંજ અલૌકિક છે એમ કહેવું પડશે.[1] મહાત્માજી મનુષ્યને નિર્ભય બનાવી, અહિંસાનો ઉપદેશ સમસ્ત જગતને આપી રહ્યા છે; એનું સમર્થન થતું, ઐતિહાસિક દૃષ્ટિએ આપણને આમાં માલુમ પડશે. પૂર્વે નહિ થયેલા એવા સંગઠ્ઠિત પ્રયાસો હાલમાં જગતમાં સુલેહશાન્તિ પાથરવાને થઈ રહ્યા છે; અને એ વિચારને પોષક અને ઉત્તેજિત કરનારૂં એક ખંડ કાવ્ય શ્રીયુત ઉમાશંકર જોશી રચિત ગુજરાતીમાં પ્રગટ થયું છે, તેની નોંધ લેતાં અમને આનંદ થાય છે. એનું નામકરણ ‘વિશ્વશાન્તિ’ આખાય કાવ્યની વસ્તુનું સૂચક છે; અને એ વિષયનું બહુ સ્પષ્ટ રીતે, વિચારપૂર્વક, ક્રમસર આલેખન થયું છે, જે વાંચતાં આપણા મનપર તેની પ્રબલ છાપ પડે છે. વસ્તુનું મહત્ત્વ લક્ષમાં આવે છે અને એમ પ્રતીતિ થાય છે કે જગતનો ઉદ્ધાર-ઉત્કર્ષ અહિંસામાં–શાન્તિમાં રહેલો છે. ખ્રિસ્તી પ્રજાને જીસસ ક્રાઇસ્ટે આનું મૂલ્ય વ્યક્ત કર્યું, સમજાવ્યું હતું; અને એકજ પિતાની સમસ્ત પ્રજા-પુત્રો છે; અને સૌભાઈઓ છે માટે પ્રેમથી સૌએ જોડાઇ રહેવું ઉચિત છે પણ એ ઉપદેશ વેરાનમાં રુદન જે નિષ્ફળ નિવડ્યો છે, એ છેલ્લા યુરોપીય યુદ્ધે પુરવાર કર્યું છે; તેમ છતાં મનુષ્યની પ્રભુમાં શ્રદ્ધા ઓસરતી નથી. તે દૃઢતાપૂર્વક માને છે કે એક દિવસ જગતમાં જરૂર શાંતિ પ્રવર્તશે; સર્વત્ર સ્નેહ અને ભ્રાતૃભાવ પથરાઈ રહેશે. જુઓ, આપણને કવિ ઉમાશંકર એ વિષે શું શીખવે છે.

“હૈયે હૈયાં પ્રેમગાને જગાવી,
પ્રજા પ્રજા હાથમાં હાથ ગૂંથી,
ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
ગજાવીએ સૌ જગઉંબરે ઊભીઃ
‘માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવ કુટુમ્બકમ્‌ |’
ને એ જશે શબ્દ અનંત વીંધી,
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
‘યત્રૈવ વિશ્વં ભવત્યેકનીડમ્‌’[2]

નવલકથામાં આઈનાની પેઠે મનુષ્યજીવન તેના વિધવિધ સ્વરૂપમાં નિરખી શકાય છે, તેનો વાચક એ વાર્તાના પાત્રાલેખનમાં, તેનાં સ્વભાવનાં પૃથક્કરણમાં પોતાની મહેચ્છાઓનું, લગ્ન અને પ્રેમનું, સાહસ અને ૫રાક્રમનું, આશા નિરાશાનું, ચઢતી પડતીનું, મૃત્યુ અને શોકનું, સુખદુઃખનું, સંક્ષેપમાં તેના અંતરમાં રહેલા ગુપ્ત અને ગૂઢ ભાવો, સંકલ્પો અને અભિલાષોનું, સજીવ પ્રતિબિંબ પડતું નિહાળે છે; તેથી સાહિત્યનાં અન્ય કોઈ અંગ કરતાં નવલકથાનાં પુસ્તકો વધુ વંચાય છે; અને તેનું વાચન પ્રિયકર થઈ પડે છે. સૌ કોઈ પોતાના વ્યથિત અને વ્યગ્ર ચિત્તને સ્થિર કરવા, અન્ય વિચારમાં વાળવા સારૂ, નવલકથાની સોબત શોધે છે અને તેમાંથી કંઈક આનંદ, આશ્વાસન, સુખ અને શાન્તિ મેળવવા પ્રયત્ન કરે છે. તાજેતરમાં એમના નવા પુસ્તક “પૂર્ણિમા”માં શ્રીયુત રમણલાલે પતિતોદ્ધારનો પ્રશ્ન ઠીકઠીક છણ્યો છે. એમની આગળની એક નવલકથા “શિરિષ”માં પણ એનું વિવેચન મળી આવે છે; પરંતુ આ એક જ પ્રશ્નને પ્રસ્તુત નવલકથામાં પ્રાધાન્ય આપ્યું છે. આખુંય વાતાવરણ નાયકા વારાંગનાઓનાં દેખાતા નૃત્ય સંગીતના પણ ખરી રીતે પતિત જીવનથી વ્યાપેલું હોઈ કેટલાકને એ વસ્તુ નહિ રુચે; પણ વર્તમાનપત્રમાં એમના પર ગુજરતા અનાચારનાં વૃત્તાંત એ અધમ ધંધામાં નિરાધાર, દુઃખી, અસહાય્ય બાળાઓ, વિધવાઓ અને પરિણીત સ્ત્રીઓને ફસાવવા જે કપટજાળ પાથરવામાં આવે છે, જે એમના પર ત્રાસ વર્તાવવામાં આવે છે, એમનું જીવન શુષ્ક, યંત્રવત્‌ કરી મૂકવામાં આવે છે તે,—વાંચતાં કોઈને પણ કમકમાટી છૂટે. આ સંસ્થા સર્વત્ર પ્રસરેલી છે એટલુંજ નહિ પણ જગજુની છે. રાષ્ટ્રીય સંઘ તેના અટકાવ માટે યોગ્ય પગલાં લઈ રહ્યું છે; તે છતાં તેનું નિવારણ લોકમત કેળવીને અને જાગ્રત કરીને કરવું વધુ સુગમ થશે. તે દિશામાં આ પ્રયત્ન અમને આવકારપાત્ર લાગે છે. આપણા સમાજના આ એક કૂટ અને કપરા પ્રશ્નનું નિરાકરણ આણવા, જે સમભાવભર્યું, ગંભીરતાપૂર્વક પણ સાવધાનીથી સાનુકૂળ વાતાવરણું ઉભું કર્યું છે તે નીરસ નહિ થઈ પડે. લેખકે તેમાં સફળતા પ્રાપ્ત કરી છે, એમ અમે કહીશું. પરંતુ અવિનાશ અને રાજેશ્વરીનો લગ્ન સંબંધ જોડ્યેથી આ પ્રથાનો નાશ થશે, એ વિચાર અમને વાસ્તવિક જણાતો નથી. એ તો સ્ત્રીઓ પોતાના પગપર ઉભી રહેવાને શક્તિમાન થાય; આર્થિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરે ત્યારે આ પ્રશ્નનો ઉકેલ આવી શકશે. બર્નાર્ડ શોએ ‘Mrs. Warren’s Profession’ એ નામક નાટકમાં વીવીના પાત્રમાં એ જ મુદ્દો સ્પષ્ટ કર્યો છે, અને અત્યારની સ્ત્રી સ્વાતંત્ર્યની પ્રવૃત્તિમાં આર્થિક સ્વાતંત્ર્યને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે, તે જ સ્ત્રીસ્વાતંત્ર્યની ચાવીરૂપ અને સ્ત્રીજીવનના વિકાસ અને પ્રગતિને સાધક અને સુખપ્રદ નિવડશે. મનુષ્યને જીવનમાં અનેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ આવી નડે છે; અને તેમાંથી છૂટવાને તે કંઈને કંઈ પ્રયત્ન કરે છે. પ્રારબ્ધવશ થઈ ન બેસતાં, તે પુરુષાર્થ સેવે છે અને એમાંજ પુરુષની ખરી કસોટી થાય છે. માથા પર દુઃખ કે આફત આવી પડતાં, શોક કે નિરાશામાં ગર્ત થતાં, માંદગી કે મૃત્યુથી ગ્લાનિ અનુભવતાં, તે કોઈ અગમ્ય ગૂઢ તત્ત્વ, શક્તિ પ્રતિ પ્રેરાય છે. તેમાંથી આશ્વાસન અને શાન્તિ પામે છે. તે એને પ્રેરણા અને પ્રોત્સાહન બક્ષે છે; એટલું જ નહિ પણ જીવનસમીક્ષા કરતાં જીવ અને જગત એ શું છે? મૃત્યુ તેને ક્યાં લઈ જાય છે; જન્મનો શો હેતુ છે? મોક્ષ એ શી વસ્તુ છે? ઈશ્વર ક્યાં વસે છે? વગેરે અનેક પ્રશ્નો તેની મતિને મુંઝવી નાંખે છે; છતાં પણ ચિંતન અને નિરીક્ષણ, જ્ઞાન અને અનુભવવડે, સત્સમાગમ અને સંયમવડે એ ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એ સિદ્ધ બીના છે. આપણા બે પ્રસિદ્ધ કવિઓ, શ્રીયુત ન્હાનાલાલ અને શ્રીયુત ખબરદાર, એ બંનેએ પોતાની પ્રાણસમી વ્હાલી પુત્રીઓનું અવસાન થતાં, એ શોકગ્રસ્ત મનોદશામાંથી શાન્તિ મેળવવા, એકે જગતને અહિંસાનો ઉપદેશ “સંઘમિત્રા” દ્વારા પ્રેબોધ્યો; જ્યારે કવિશ્રી ખબરદાર “દર્શનિકા” રચીને આપણને જીવનનું રહસ્ય સમજાવવા મથે છે. એ પ્રયાસ જેમ ગંભીર તેમ ભગીરથ છે; અને તેની પાછળ કવિએ પોતાની સઘળી શક્તિ ખર્ચી છે. જીવનભરનો જ્ઞાનભંડાર, અભ્યાસ અને ચિંતન એમાં એમણે ઠાલવી નાંખ્યાં છે. જેમ એક મક્ષિકા સ્થળે સ્થળે, સુંદર, સુવાસિક અને રંગબેરંગી ફળો પુષ્પો પર ફરી વળી તેમાંથી પુષ્પ-પરાગ અને રજકણ પ્રાપ્ત કરી, આપણને તેને નિષ્કર્ષ–મધરૂપે આપે છે, તેમ પ્રસ્તુત કાવ્યગ્રંથના નિવેદનમાં કવિ સ્વીકારે છે કે “મારી કાવ્ય પ્રેરણાએ આ મોટા માનવ જ્ઞાનના સંચિત ભંડારમાંથી લૂંટ ચલાવેલી દેખાશે. એ લૂંટ પણ બાદશાહી લૂંટ છે. સર્જક સદા લૂંટતો આવ્યો છે, પણ તે પાછું નવ સ્વરૂપે બક્ષવાને માટે. વિશ્વનિયંતા કહે કે કાળ ભગવાન કહો, એ જગતને એક બાજુથી લૂંટી બીજી બાજુ સમૃદ્ધ કરે છે. તમામ જીવનનું પુનરુત્થાન એમજ થાય છે, અને સર્જક કવિની નવી સૃષ્ટિ પણ એવીજ જૂની સૃષ્ટિની લૂંટમાંથી બંધાય છે.[3] કવિએ અમુક વિચાર ક્યાંથી લીધો અથવા અમુક કલ્પના ફલાણા કાવ્યમાંથી મેળવી છે; અથવા આ પંક્તિમાં નજરે પડતો ચોક્કસ ભાવ તો કોઈ એક પ્રસિદ્ધ પંક્તિઓનું અનુકરણ માત્ર છે; એ પાંડિત્યભરી ચર્ચામાં આપણે નહિ ૫ડીએ, આપણે તો એ કાવ્યમાંથી નિર્ઝરતું તત્ત્વજ્ઞાનનું પાન કરીશું; ગવેષણાપૂર્વક સુંદર અને મંજુલ શબ્દોમાં, જુદી જુદી કલ્પનાઓ અને ઉપમાઓ દ્વારા જે વિચારશ્રેણી-ફિલસુફીના અંશો કવિએ રજુ કર્યા છે, તે રૂચિકર નિવડી આલોક અને પરલોકનું સમ્યક્‌ જ્ઞાન પ્રાપ્ત કરાવી, જગન્નિયંતાની પ્રભુતાનું આનંદજનક દર્શન કરાવે છે અને તે એને ધારણ કરેલા નામ “દર્શનિકા”ને સાર્થક કરે છે. તેમાં એ કાવ્યની સફળતા અમને દિસે છે. જગતમાં પ્રવર્તતા દુઃખનું નિરાકરણ કરતાં, એઓ ખુલાસો કરે છે,

“દુઃખ જ્યમ જ્યમ દિસે જીવનમાં વાધતું,
જીવન ત્યમ ત્યમ દિસે અધિક મોંઘું;
જીવન આસ્વાદ પણ હોય બહુ છાછરો,
જીવનનું મૂલ્ય જ્યાં હોય સોંઘું;
જગતમાં જીવન જે મધુરમાં મધુર છે,
તે અધિક દુઃખમાં રહે દળાતું:
 મિષ્ટમાં મિષ્ટ ફળ વૃક્ષ પર હોય તે
કીટ ને પક્ષીનો ભક્ષ થાતું.!’[4]
અને પછી ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો ઉપદેશ કરતાં કવિ કહે છે, કે,
“સતત શંકા અને નિત્યના ભય વિષે
એક શ્રદ્ધા બધું રહે ટકાવી;
એક શ્રદ્ધા વસે અંતરે ઊંડી તો
યુદ્ધમાં વીર જઇને ઝઝૂમે;
સૂર્ય પણ એમ અજ્ઞાન આકાશમાં
એજ શ્રદ્ધા થકી નિત્ય ઘૂમે!
માનવી હૃદયમાં ઉદય શ્રદ્ધા તણો,
થાય છે જન્મતાં જગતમાંહીં;
બાળને હૃદય જે અચુક શ્રદ્ધા વસે,
તેજ તેની કરે વૃદ્ધિ આંહીં;
જીવન ઘડવા થકી કંઇક ઓજાર નિજ
માનવી બુદ્ધિથી લે બનાવી;
તદપિ શ્રદ્ધા નહીં હેય જો હાથમાં,
કેમ ઓજાર તે દે ચલાવી.
બુદ્ધિની સાથ શ્રદ્ધા ઉગે ને ખીલે,
તેહ શ્રદ્ધા બને કેમ ખોટી?
વસ્તુ દેખાય જ્યાં ત્યાંજ છે વસ્તુ એ
કેમ બંધાય સિદ્ધાંત કોટિ?”

આમ ભિન્ન ભિન્ન કલ્પના ભર્યું, ભાવનાશીલ લખાણ, બહોળું વાચન, અભ્યાસ અને ચિંતનવાળું આમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. પણ વિષયને વિસ્તૃત કરવા જતાં, પોતનું વણતર ઘીટ થવાને બદલે આછેરૂં થઈ જાય છે; અને કોઈ એક મુદ્દાની–વિચારની છાપ આપણા મનપર જેવી સ્પષ્ટ અને સબળ પડવી જોઈએ તે વિવિધતાના કારણે ખીલવાને બદલે પથરાઈ-વિખરાઈ જાય છે. પણ એ ગૌણ વસ્તુ છે. કવિએ આવું તત્ત્વજ્ઞાન વિષયક અને મુમુક્ષુઓને માર્ગદર્શક અને સહાયક થતું, પોતાને જે સ્ફૂરી આવ્યું, જે દિશા-સૂચન થયું તે, સરસ રીતે ઝીલી લઈ આપણને તેનો રસાસ્વાદ કરાવ્યો છે, તે વાચકને આહ્‌લાદક, વિચારોત્તેજક અને સંતોષકારક થઈ પડશે, એ વિષે અમને સંદેહ નથી; અને એના અનુસંધાનમાં, એની સાથેજ અમે તત્ત્વજ્ઞાનરસિક વાચકબંધુને ઇંગ્લાંડના માજી રાજકવિ રૉબર્ટ બ્રિજીસનું ‘The Testament of Beauty’ એ નામક મહાકાવ્ય વાંચવાની ભલામણ કરીશું, એ બેની સરખામણી ઉચિત નથી. પણ બંનેમાં વસ્તુનું અને હેતુનું સામ્ય માલુમ પડશે. ઉદાહરણાર્થ ઉપર નિર્દિષ્ટ શ્રદ્ધા પરત્વે તેમાંથી એક ઉતારો કરીશું.

‘In truth “spiritual animal” wer a term for man nearer than “rational” to define his genus;
Faith being the humanzier of his brutal passions,
the clarifier of folly and medicine of care,
the clue of reality, and the driving motiv
of that self-knowledge which teacheth the ethic of life.
(The Testament of Beauty, p. ૧૭૯).

તત્ત્વચિંતનના વિષયમાં આપણું ઉપનિષદ્‌ સાહિત્ય અગ્રસ્થાન લે છે અને ખુશી થવા જેવું છે કે શ્રીયુત ન્હાનાલાલભાઈએ “ઉપનિષદ્‌ પંચક” એ નામથી ઇશ, કેન, કઠ, પ્રશ્ન અને મુંડક એ પાંચનું સમશ્લોકી ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. ૫રંતુ એ સૂત્રરૂપ લખાણ યથાર્થ સમજાય તે સારૂ તે પર વિસ્તૃત વિવેચન-ભાષ્ય લખાવાની જરૂર રહે છે. તેનો સાર ભાગ, તેમાં પ્રતિપાદિત થયલા સિદ્ધાંતો, તેમાંનું રહસ્ય–એ સર્વનો સ્ફોટ થાય તે જ સામાન્ય વાચક તે પ્રતિ આકર્ષાય; તેની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય. મરાઠીમાં શ્રીયુત સદાશિવ શાસ્ત્રી ભિડે એ ‘ઉપનિષદ્‌ રત્નપ્રકાશ’ નામથી દશ મુખ્ય ઉપનિષદ્‌નો તરજુમો હમણાં મૂળ શ્લોક સહિત, અન્વય, અર્થ, ટીકા, માર્ગદર્શક વિવેચન, ઉપક્રમ અને ઉપસંહાર વગેરે આપીને પૂરો કર્યો છે. તે ધોરણે આપણે અહિં એ કાર્ય થવાની જરૂર છે; અને એટલું ન બની શકે તો તેને ગુજરાતી અનુવાદ જરૂર ઉપકારક થાય, એવું અમારૂં માનવું છે. સન ૧૯૦૩માં લાઠીના ઠાકોર સાહેબ સ્વર્ગસ્થ સુરસિંહજીનો કવિતાસંગ્રહ એમના પરમ મિત્ર શ્રીયુત કાન્તે (મણિશંકર રત્નજી ભટે) “કલાપીનો કેકારવ” એ નામથી પ્રથમ પ્રસિદ્ધ કર્યો ત્યારે એ પુસ્તક બહુ ખેંચાણકારક નિવડ્યું હતું. માસિકોમાં આવતી એમની ગઝલો લોકપ્રિય થઈ પુષ્કળ વંચાતી હતી અને શોભના સાથેનું એમનું સ્નેહલગ્ન એક ચર્ચાસ્પદ વિષય બન્યો હતો. એવામાં એ રાજવી પણ સંસ્કારી કવિનું અકાળે અવસાન થતાં, ગુજરાતી રસિક વાચકવર્ગને આઘાત પહોંચ્યો હતો. એ સ્થિતિમાં પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન આદરણીય થઈ પડ્યું અને તેનું મુદ્રણ કામ વળી એવું સરસ અને સફાઈબંધ હતું; અને પુસ્તકનું પુંઠું કેકારવના સોનેરી ચિત્રવાળું એટલું આકર્ષક બન્યું હતું કે જેમને વાચનનો ઝાઝો શોખ નહોતો એવાઓ પણ તેનો સુંદર દેખાવ નિહાળીને પોતાનું દિવાનખાનું શોભાવવા તે સંગ્રહી રાખવાને લલચાતા હતા. એ પુસ્તકનું અર્પણ કાવ્ય-કલાપીને સંબોધન, મણિશંકરનું રચેલું, કોમળ ભાવ અને ઉત્કટ લાગણી વ્યક્ત કરતું, ખાસ અપીલ કરતું હતું; અને સૌ કોઈનાં મુખમાં

“સુરતાની વાડીના મીઠા મોરલા!
ઉછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો!
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સ્નિકાઃ
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો!
સુરતાની વાડીના મીઠા મેરલા!”

એ પંક્તિઓ ગુંજતી સંભળાતી હતી. ત્યારબાદ “કેકારવ”ની ત્રણ આવૃત્તિઓ થવા પામી હતી એ કવિની બહોળી લોકપ્રિયતાનો તેમજ એમની કવિતાની મોટી માગણી ચાલુ રહેતી એને અચૂક પુરાવો છે. એ કવિતા પુસ્તકનો સારો ઉપાડ બીજા થોડાક જ ગુજરાતી કવિઓની કૃતિઓનો મળી આવશે. કેકારવના પ્રથમ પ્રકાશન વખતે કવિનું સઘળું લખાણ મેળવી શકાયેલું નહિ; અને કેટલીક હકીકત ખાસ કારણસર ખાળી રાખવામાં આવી હતી. વળી જનતાને બધી અને સાચી માહિતી ઉપલબ્ધ નહિ તેથી કલાપીને ઘણી વાર અન્યાય ૫ણ થતો; ખસુસ કરીને શોભના સાથેના સંબંધ પરત્વે. તે પછી એક જમાનો વીતી ગયો છે અને ક્ષુબ્ધ વાતાવરણ તે કાળે ઉદ્‌ભવેલું તે પણ હવે શાન્ત પડી ગયું છે; એટલુંજ નહિ પણ કવિને યોગ્ય ન્યાય આપવાની વૃત્તિ માલુમ પડે છે અને એ કવિનો વાચક અને અભ્યાસી વર્ગ પણ વધતો જાય છે. તેનું કારણ માત્ર એ છે કે એમના કવનમાં દર્દ તેમ સચ્ચાઇ છે; જેટલી સરલતા તેટલી સ્વાભાવિકતા છે; વિકારવશ પ્રેમ નહિ પણ શુદ્ધ સ્નેહનું મંથન અને તેની સાથે જન્મતાં મનોભાવ અને લાગણીનું પૃથક્કરણ દૃષ્ટિગોચર થાય છે. રાજવી જીવન હોવા છતાં તે સાદાઇભર્યું, ફકીરી હાલતને પસંદ કરતું; જાણે કે કોઈ તત્ત્વને પકડવા તલસતું જોવામાં આવે છે અને સ્વર્ગસ્થના એક અંગત સ્નેહી મસ્તકવિએ યોગ્ય જ વર્ણવ્યું છે કે કલાપી,

“રસરૂપ થઈને રેલતોરે સરવર સરિતા ભરે
મેઘાડંબરમાં એ વહી ઝરમર મોતીડાં ઝરે;
“મ્હારે અવધૂત ન કલંક નજરે તરે એજી.”

અને એ વિચારભાવનું વિશેષ સ્પષ્ટીકરણ આપણને એમના બીજા એક ગાઢ પરિચયમાં આવેલા શ્રીયુત રૂપશંકરભાઈ (સંચિત) ના કથનમાં થાય છે; તેઓ લખે છેઃ– “કલાપીના આંતર સંસ્કાર સિવાય કલાપીની વ્યવહારિક સ્થિતિ કોઈ રીતે અસાધારણ ન હતી. છતાં પચ્ચીસ વર્ષની ટુંકી વયમાં–અને તેમાં પણ બચપણમાં અને શાળાના અભ્યાસનાં સોળ સત્તર વર્ષ બાદ કરતાં, માત્ર સાત આઠ વર્ષમાં એમણે લગભગ પંદર હજાર પંક્તિ ઉત્તમ પ્રકારના કાવ્યની અને તે સિવાય મ્હોટા પ્રમાણમાં ગદ્ય-લેખો સર્વોત્કૃષ્ટ ભાવના પ્રેરે તેવા અને બ્રહ્માંડના પરમ રહસ્યને રસિક અને આકર્ષક શૈલીથી બોધનારા લખ્યા, એ થોડા આશ્ચર્યની વાત નથી! પરંતુ એથી પણ વધુ આશ્ચર્ય તો એ છે કેઃ – આત્મનિરીક્ષણની એક પણ તક જવા ન દેતાં અને એ સત્ય ભાવનાઓનો સ્વાનુભવ કરતાં કરતાં છેવટ એવી સ્થિતિએ એ આવી પહોંચ્યા હતા કે, જો એઓ પોતાના નિર્ણયને અમલ કરવાને વધારે વખત રહ્યા હોત તો, એક અત્યુત્તમ દૃષ્ટાન્ત અને સિદ્ધાન્ત દુનિયાને આપી જાત એમ હું તો ખાત્રીપૂર્વક માનું છું. એમનું સાદુ જીવન મ્હારી દૃષ્ટિ આગળ તર્યા કરે છે.” આ કવિતામાં એમનું પોતીકું કેટલું હતું, અને બીજામાંથી કેટલું ઉતાર્યું હતું; અનુભવ, વાચન અને નિરીક્ષણથી શું શું પ્રાપ્ત કર્યું હતું, એના નિર્ણયનું કાર્ય અમે વિવેચક પર છોડીશું; એમને એ કાર્યમાં એમના પત્રો-જેનો સંગ્રહ થઈને એક પુસ્તકરૂપે-કલાપીની પત્રધારા–એ નામથી બહાર પડ્યો છે, તે બહુ મદદગાર થશે. અમે તો માનીએ છીએ કે કોઇ દિવ્ય સંદેશ આપવાને કલાપીનો જન્મ થયો હતો અને તે કારણે ભક્તજનોનાં ભજનોની પેઠે એમનાં કાવ્યો જનસમૂહમાં આનંદથી વંચાય છે અને ગવાય છે. આ સંજોગમાં કેકારવની નવી આવૃત્તિ, સંશોધિત અને સંવર્ધિત, મૂળ લખાણને ફરીવાર વાંચી તપાસી જઈ તથા સરખાવીને તેમજ કેટલુંક અપ્રસિદ્ધ નવું સાહિત્ય ઉમેરીને સન ૧૯૩૧માં બહાર પડી છે, તે સાહિત્ય રસિકોના આદરપાત્ર થશે. કવિના પત્રો સાથે એમાંનાં કાવ્યો વાંચતાં વિચારતાં તે સમજવામાં જેમ સુગમતા પ્રાપ્ત થાય છે તેમ તે કવિજીવન પર પણ વિશેષ પ્રકાશ પાડે છે. આ આવૃત્તિનું સંપાદનકાર્ય કલાપીના એક અનન્ય ઉપાસક, એમના જેવા મસ્ત અને ફકીરીની કફની ધરનાર રસજ્ઞ કવિ સાગરે કર્યું છે, એ સર્વથા ઉચિત થયું છે; અને એ રાજવી કવિને શોભે એવા પ્રકારની તેના પ્રકાશનની સર્વ વ્યવસ્થા થયેલી છે, એ ખુશી થવા જેવું છે. અમારી ખાત્રી છે કે કલાપીનો વાચકવર્ગ મહારાજશ્રી સાગરનો, એમના આ પ્રેમભર્યા સેવા કાર્ય માટે અંતઃકરણપૂર્વક ઉપકાર માનશે. એવું બીજું ઉત્તમ સંપાદન કાર્ય અખાકૃત કવિતાનું દી. બા. નર્મદાશંકર દેવશંકર મહેતાના હસ્તે થયું છે. એક વેદાંતી કવિ તરીકે અખાનું સ્થાન ઉંચું છે; એમની કવિતામાં વિષયની કઠિનતા હતી તેમાં તેની પ્રતોમાં અશુદ્ધિ અને ફેરફાર દાખલ થવાથી તે કવિતા સમજવાનું કાર્ય બહુ અઘરું થઈ પડ્યું હતું. અમે માનીએ છીએ કે પ્રસ્તુત પ્રકાશનથી અખાનો અભ્યાસ કરવાનું સુતરૂં થશે. અખાની પેઠે દી. બા. નર્મદાશંકરભાઈ વેદાન્તના પ્રખર અભ્યાસી છે; અને એમણે અખાકૃત કવિતાનું જે રીતે વિવેચન અને સમજુતી લખી સ્પષ્ટીકરણ કર્યું છે, તે વાચકને માર્ગદર્શક નિવડી, તેને એમાં ઉંડા ઉતરવાને આકર્ષશે. અખો જાતનો સોની હતો પણ વેદાન્તમાં એવો પારંગત થયો હતો કે વેદાન્તની અનેક શાખાઓ છે, તેમાં એ વિષયનું એનું નિરુપણ નોખીજ પદ્ધતિનું અને વિશિષ્ટતાવાળું છે, જે ગુજરાત માટે ગૌરવભર્યું કહી શકાય. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત એ કવિને વધુ સમજતું, તેની કવિતાનો અભ્યાસ કરતું થાય. નરસૈં મહેતાનો સમગ્ર કવિતાસંગ્રહ સંપાદન કરી તે લખાણ પ્રજાને સુલભ કરી આપવાનો યશ “ગુજરાતી કાર્યાલય”ને છે; અને એ જ કાર્યાલયે નરસૈંના જીવન અને કવન વિષે વધુ પ્રકાશ પાડતું એક ન્હાનું ચોપાનિયું “નરસિંહ મહેતો અને મીઠો કવિ” નામનું વર્ષ દરમિયાન બહાર પાડ્યું હતું. તેના લેખક જાણીતા જ્યોતિર્મલ જગજીવન નરભેરામ બધેકા છે, જેઓએ થોડાક સમય પર ગુજરાતમાં જુદે જુદે સ્થળે ફરી આપણને શ્રીયુત મેઘાણી અને શ્રીયુત રાયચુરાની પેઠે લોકગીતો સંભળાવીને આનંદ આપ્યો હતો; એટલું જ નહિ પણ એ ક્ષેત્રમાં એમને જ્ઞાનભંડાર વિસ્તૃત અને સમૃદ્ધ છે, એવી પ્રતીતિ કરાવી હતી. કાઠિયાવાડના સાધુસંતો અને એકતારા વાળાઓની મંડળીના નિકટ સમાગમમાં આવીને એમણે કેટલુંક કંઠસ્થ ભજનસાહિત્ય એકઠું કર્યું છે; તેમાં મીઠા ભક્તનાં પદો, વગેરેનો સમાવેશ થાય છે; અને એ ભક્તની કેટલીક કવિતા નરસૈંના જીવનપર અપૂર્વ પ્રકાશ પાડે છે. એમના તરફથી નમુનારૂપે આપણને ત્રુટક ત્રુટક કવિતા, પદો વગેરે તેને સાંકળનારી હકીકત સાથે મળતાં રહે છે; અને આશા પડે છે કે નરસૈં વિષે જે અજ્ઞાન પ્રવર્તે છે, તેપર એથી કંઈ નવીન પ્રકાશ ૫ડશે. પરંતુ તે વિષે કોઈ ચોક્કસ અભિપ્રાય કે નિર્ણય પર આવવા સારૂ તો આપણે એ સઘળો વૃત્તાંત–પદો, કવિતા વગેરે–પૂરો છપાઈ જાય ત્યાંસુધી થોભવું જોઈએ. એ વૃત્તાંતમાંના આંતરિક પ્રમાણો તેમ આસપાસના સંજોગો લક્ષમાં લેવાઈ, ઐતિહાસિક દૃષ્ટિએ તે પુરાવો કેટલો બંધબેસ્તો છે, એટલુંજ નહિ પણ નરસૈંનાં પ્રસિદ્ધ લખાણ–તેમાંના વિચાર અને સિદ્ધાંતની–સાથે કેટલે અંશે તેને મેળ બેસે છે, એ સઘળા મુદ્દાઓ તપાસ્યા વિચાર્યા પછીજ, એમાં કેટલું તથ્ય છે, ગ્રાહ્ય થાય એવું છે, એ કહી શકાય. છતાં શ્રીયુત બધેકાનો પ્રયાસ આવશ્યક અને ઉત્તેજનપાત્ર છે, એ વિષે સૌ સંમત થશે. એ સાહિત્ય સંશોધનના સંબંધમાં શ્રીયુત દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ એમના ‘પુરાણ વિવેચન’ પુસ્તકમાં આપણા સાહિત્ય અને પુરાણગ્રંથોમાંથી અન્વેષણ કરી જે ઐતિહાસિક તારતમ્ય તારવી કાઢ્યું છે, એ પદ્ધતિ અનુકરણીય જણાશે. આપણે ઉપર સાહિત્યમાં ઐતિહાસિક અન્વેષણની અગત્ય વિચારી તેમ ભાષામાં શબ્દની ચોક્કસાઈ, નિયમિતતા અને શુદ્ધિ આવશ્યક છે. તેના વડે શબ્દની વ્યુત્પત્તિ ખોળી કઢાય છે અને ભાષાવિકાસના નિયમો તારવવાનું સુગમ બને છે; તથા ભાષામાં નવા નવા શબ્દો યોજી, દાખલ કરીને તેનો શબ્દભંડાર સમૃદ્ધ કરવા સતત પ્રયત્ન થતો રહેવો જોઈએ છીએ. ગુજરાતી લખાણમાં જોડણીની અરાજકતા વ્યાપી રહેલી છે તે પર કોઈ રીતે અંકુશ મુકાવાની, તેના નિવારણ અને નિયમન માટે કાંઇ વ્યવસ્થા થવાની જરૂર સૌ કોઈ સ્વીકારે છે; અને ગુજરાત વિદ્યાપીઠે “સાર્થ જોડણી કોશ” બહાર પાડી લેખકને અને વિદ્યાર્થીને ઘણી સરળતા કરી આપી છે. ગુજરાતી વાચનમાળા પ્રથમ રચતી વખતે હોપ સાહેબને આ આ જોડણીનો પ્રશ્ન નડ્યો હતો અને તેનો ઉકેલ, એમણે એક જોડણીકોશ (લિખિત) તૈયાર કરીને આણ્યો હતો. તે પછી જોડણીને નિયમિત અને પદ્ધતિસર કરવા સારૂ વારંવાર પ્રયત્નો થતા રહ્યા છે પણ તેનું કશું સંતોષકારક પરિણામ આવેલું જણાયું નથી. ઉલટો એ પ્રશ્ન વધારે ગુંચવાઈ પડ્યો છે અને કશા ધોરણ કે નિયમ વિના જેને જેમ ફાવે તેમ મનસ્વી રીતે લખનારા ઘણા મળી આવે છે; એટલું જ નહિ પણ એ ખોટી અને અશાસ્ત્રીય જોડણી પ્રથાનું સમર્થન કરનારા પણ વિરલા પડેલા છે. સોસાઇટીના શબ્દકોશના સંપાદન કર્તા શ્રીયુત મણિલાલ છબારામ ભટ્ટ એ કામ એમના હાથપર હતું તે વખતે તેઓ જોડણીકોશ સંકલિત કરવાનું ઘણી વાર કહેતા; એવા આશયથી કે જ્યાં શબ્દની જોડણી વિષે વિભ્રમ ઉત્પન્ન થાય ત્યાં ખરી અને ચોક્કસ જોડણી શી છે, એ તે જોડણી કોશમાંથી તુરત જોઈ લેવાય; અને ઉદાહરણ તરીકે તેઓ તેમનો દાખલો આપતા કે તેમને કોઈ શબ્દની જોડણી વિષે સંશય પડે તો પાધરાજ તેઓ મનઃસુખરામનું લખાણ જોઈ જતા અને તેમાં એ શબ્દની જોડણી જે રીતે. લખી હોય તે રીતે અનુસરતા. મહાત્મા ગાંધીજીને ઘણા (visionary) સ્વપ્નસેવી કહે છે, પણ તેઓ કેવા વ્યવહારદર્શી છે[5] તેનું દૃષ્ટાંત આ જોડણી કોશ રજુ કરે છે. ગુજરાત વિદ્યાપીઠે, એમની પ્રેરણાથી આ જોડણીકોશનું કાર્ય ઉપાડી લઈને, જોડણીપ્રશ્નને વ્યવહારૂ અને સરળ કરવા પ્રયત્ન કર્યો છે, તે ખચિત અભિનંદનીય છે અને આપણે સૌએ મતમતાંતરો બાજુએ રાખી, એના જોડણીનિયમોને અનુસરવું ઘટે છે. કોશના વિષયમાં આપણે અહિં હમણાં હમણાં ઠીક પ્રગતિ થઈ રહી છે. પૌરાણિક કથાકોષ પૂરો થયો છે; અને લાંબા સમય સુધી તે એક ઉપયોગી રેફરન્સ પુસ્તક થઇ પડશે, સાહિત્યના અભ્યાસી માટે તે ઓછું મૂલ્યવાન નથી. થોડાક સમય પર મરાઠીમાં ચિત્રાવશાસ્ત્રી રચિત પ્રાચીન ચરિત્ર કોષ બહાર પડ્યો છે; એની પ્રત વહેલી પ્રાપ્ત થઇ હોત તો, પૂર્તિ- રૂપે કેટલીક વધુ હકીકત એમાં ઉમેરી શકાત. શ્રીયુત વિશ્વનાથ મગનલાલ સંપાદિત પારિભાષિક કોષ પણ અભ્યાસી અને લેખકને સહાયક થઈ પડે એવી તેની યોજના છે. જે કાંઈ ઉણપ રહે છે તે હવે શબ્દાર્થ ભેદ (synonims) ને રૂઢિ પ્રયોગ (idioms) કોષની છે. સ્વ. લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખનો શબ્દાર્થ ભેદ અને રૂઢિ પ્રયોગ કોષ, ભોગીલાલ ભીખાભાઈ રચિત ઉપલબ્ધ છે; પણ તે રચાયે ઘણાં વર્ષો થઇ ગયાં છે અને તે કાર્ય નવેસર થવાને સમય આવી પહોંચ્યો છે. પણ આ સઘળા કોશના પ્રકાશનોમાં ધ્યાન ખેંચે એવું પુસ્તક શ્રી સયાજી શાસન શબ્દકલ્પતરુ છે. આવાં વિશાળ અને ખર્ચાળ કાર્યો રાજ્યાશ્રય વિના કદિ થઈ શકે નહિ. શ્રીમંત મહારાજા સાહેબનો માતૃભાષા માટેનો પ્રેમ અને હિન્દ માટે એક ભાષા થવાની લાગણી અને મમત્વ જાણીતાં છે; અને તેનું પ્રત્યક્ષ દર્શન આપણને આ પ્રસિદ્ધિમાં થાય છે. ઇંગ્રેજી શબ્દને સ્થાને સમાન ગુજરાતી શબ્દોજ વાપરવા અને તે શબ્દો બને તેટલા શુદ્ધ અને ચોક્કસ પર્યાયરૂપ યોજવા તેઓશ્રી ખાસ આગ્રહ ધરાવે છે. તેથી વડોદરા રાજ્યના નિબંધના નિયમોમાં ચાલુ વપરાશમાં આવેલા ઇંગ્રેજી શબ્દોને સ્થાને યોજેલા સમાન ગુજરાતી શબ્દોજ મળી આવશે. આ કાર્ય કંઇક પદ્ધતિસર અને શાસ્ત્રીય થાય એ હેતુથી જુદી જુદી દેશી ભાષાઓમાંથી ઇંગ્રેજીના સમાન શબ્દ શોધી કાઢી, તેનો સંગ્રહ કરવાને એમણે આજ્ઞા આપી, તે કાર્ય સારૂ એક ખાસ કમિટી નીમી હતી; અને તે કમિટીએ હાલ પ્રસ્તુત કોશ બહાર પાડ્યો છે, એ કોશમાં ઇંગ્રેજી શબ્દ, હાલ વપરાતા શબ્દો અને તેના માટે સૂચવાયલા નવીન શબ્દો આપ્યા છે; એટલુંજ નહિ પણ તે જ શબ્દોને મળતા ઇંગ્રેજી, ગુજરાતી, મરાઠી, સંસ્કૃત, ઉર્દુ, ફારસી, હિંદી અને બંગાળી એ ભાષાના સમશબ્દો કોલમવાર એકસાથે ગઠવીને દર્શાવ્યા છે; અને તેમાંથી સારા શબ્દો પસંદ કરીને ભવિષ્યમાં એક સુધારેલી આવૃત્તિ કાઢવાને પ્રયોજક કમિટીની ધારણા છે. આ કાર્યમાં પ્રશસ્ય હેતુ તો સમસ્ત દેશ માટે એક હિંદી ભાષા યોજવાનો છે. તે દિશામાં આ શુભ પ્રયાસ છે અને જતે દિવસે એ પ્રયાસનું ફળ સુંદર નિપજશે. શ્રીમંત મહારાજા સાહેબના અનેકવિધ વિદ્યાવૃદ્ધિનાં કાર્યોમાં આ કોશ પણ દેશને શ્રેયસ્કર થઈ પડશે એવી અમને શ્રદ્ધા છે. વિજ્ઞાનનાં પુસ્તકે આપણે અહિં સ્વતંત્ર અને નવીન ક્વચિત્‌ જોવામાં આવે છે. ઘણાખરા અનુવાદ ગ્રંથો હોય છે અને તે નીરસ થઈ પડે છે; પણ વર્ષ દરમિયાન સામાન્ય વાચકને પણ રસદાયક જણાય એવાં બે પુસ્તકો છપાયાં છે; એક શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરી રચિત ભૂસ્તરવિદ્યા—પૂર્વાર્ધ-અને શ્રીયુત ભોગીલાલ કેશવલાલ પટવાનું આકાશ દર્શન. એ બંને પુસ્તકો એ વિષયમાં નિષ્ણાતના હાથે લખાયલાં છે. શ્રીયુત દેરાસરીએ ઇંગ્લાંડમાં ભૂસ્તરવિદ્યાનો અભ્યાસ કરીને ભૂસ્તરવિદ્યા મંડળીની ફેલોશિપની પદવી પ્રાપ્ત કરી હતી; અને ઇંગ્લાંડથી પાછા ફર્યા બાદ ‘વસન્ત’ માસિકમાં એજ વિષય પર એક લેખમાળા આપવાનું એમણે શરૂ કર્યું હતું; પણ તે અધૂરૂં રહેલું કાર્ય લાંબે ગાળે આ પ્રમાણે પુસ્તકરૂપે આપણને મળે છે, એ ખરેખર આનંદ પામવા જેવું છે. એ વિષે અમે કાંઈ ન કહેતાં, વાચક-બંધુને તે પુસ્તક જોવાની ભલામણ કરીશું. શ્રીયુત પટવાનું ‘આકાશ દર્શન’ પણ દીર્ઘ કાળના અભ્યાસ અને અધ્યયનનું પરિપક્વ ફળ છે. ન્યુ હાઈસ્કુલના હેડમાસ્તર મી. ભરડા પાસેથી એ વિષયમાં પ્રેરણા પામ્યા પછી, તેઓ એ વિષયનું સતત નિરીક્ષણ કરતા રહ્યા છે; અને તેમાં એમનું ગણિતનું જ્ઞાન બહુ સહાયક થઇ પડ્યું છે. જે કોઈએ એમને આ વિષય પર વ્યાખ્યાન આપતાં સાંભળ્યા હશે તેઓ કહેશે કે આ દેખાતા શુષ્ક વિષયને એઓ એટલો રસિક બનાવી દે છે, કે કલાક ક્યાં ચાલ્યો જાય છે, તે જણાતું નથી; એટલુંજ નહિ પણ તેમાંથી ઘણું નવું અને વધુ જાણવાનું પ્રાપ્ત થાય છે. ખગોળપર આવું સારૂં લખાયલું પુસ્તક અમારા જોવામાં આ પહેલું આવે છે અને વાચકબંધુને તેની ભલામણ કરતાં અમને ખાસ આનંદ થાય છે. સન ૧૯૩૧માં વસનજી માધવજી વ્યાખ્યાને “પદ્યરચનાની ઐતિ-હાસિક આલેચના” એ વિષયપર દી. બા. કેશવલાલભાઈએ મુંબાઈ યુનિવર્સિટી તરફથી આપ્યાં હતાં અને એનો થોડોક સાર મુંબાઈના સુપ્રસિદ્ધ સાપ્તાહિક “ગુજરાતી”માં છપાયો હતો. એ વ્યાખ્યાનો ચાલુ વર્ષમાં પુસ્તકરૂપે પ્રસિદ્ધ થનાર છે; એટલે તે વિષે અમે હાલ તુરત કાંઈ નહિ કહીએ; પરંતુ એ વ્યાખ્યાનો દશમા સૈકા સુધી આવીને અટકે છે અને તેમાં ગુજરાતી પદ્યરચના અને તેના વિધવિધ પ્રકારનો પૂરો સમાવેશ થતો નથી. એ વિષય પર સન ૧૯૦૭માં એમણે ‘પદ્યરચનાના પ્રકાર’ એ શીર્ષકથી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં નિબંધ રજુ કર્યો હતો અને છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ‘વનવેલી’ નામક નવીન છંદરચનાનો પ્રયોગ વાંચી સંભાળાવ્યો હતો, એટલે એ વિષયનો એમનો અભ્યાસ અને ચિંતન જેમ લાંબા કાળનું તેમ ઉંડું અને ઝીણું છે અને તેનો લાભ આપણને કોઈ રીતે મળે, એવી યોજના થાય એ આવશ્યક છે. અમે ઈચ્છીએ છીએ કે સોસાઇટી એઓશ્રીને એ અધુરો વિષય ગુજરાતી પદ્યરચનાના પ્રકાર વિષે પૂરો કરવા યુનિવર્સિટીની પેઠે, વ્યાખ્યાનો આપવાનું નિમંત્રણ કરે. છેવટે “બ્રહ્મદેશનો પ્રવાસ” એ નામનું કાકાસાહેબ કાલેલકર રચિત પુસ્તક પ્રતિ અમે વાચકબંધુનું ધ્યાન દોરીશું. ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં કુદરતના સૌન્દર્યભર્યા, પવિત્ર અને રમણીય તેમજ ઐતિહાસિક સ્થાનો થોડાં નથી; અને એવા પવિત્ર યાત્રાનાં ધામો એવી રીતે ગોઠવાયેલાં છે કે હજારો સ્ત્રી પુરુષો દર વર્ષે હિન્દને ચારે ખુણે તેના દર્શનાર્થે ફરી વળે છે, અને જીવનને કૃતકૃતાર્થ થયલું સમજે છે. તેમ છતાં આપણું પ્રવાસસાહિત્ય અલ્પ અને દરિદ્ર છે, એમ સખેદ સ્વીકારવું પડશે. કાકાસાહેબે અગાઉ આપણને હિમાચ્છાદિત ઉંચા ગિરિશૃંગોનો ભારતભૂમિના એ અલૌકિક અને પવિત્ર ધામ હિમાલય પ્રદેશનો પરિચય કરાવ્યો હતે. આ વખતે તેઓ આપણને, બ્રહ્મદેશમાં ફેરવે છે; અને હિન્દની નજદિક છતાં આપણાથી એ પ્રજા આચારવિચારમાં અને રિતરિવાજમાં કેવી જુદી પડી જાય છે, તે એમણે બહુ રસિક રીતે બતાવ્યું છે; તેમાં એ લોકની શિક્ષણપદ્ધતિનું વર્ણન આપણને વિચારવા યોગ્ય જણાશે અને આધુનિક કેળવણી પદ્ધતિ પુષ્કળ ખર્ચાળ થઈ પડી છે, તેમાં કેવી રીતે કાપકુપ કરી શકાય અને તેમાં સુધારો કરી શકાય એ વિષે એમાંથી કેટલુંક જાણવા વિચારવા જેવું મળી આવશે. તેઓ જણાવે છે, “આપણે અહીં જેમ બ્રાહ્મણનો દીકરો અમુક ઉંમરનો થયો એટલે જનોઈ લઈને દ્વિજ બને છે તેમ બ્રહ્મદેશનો બૌદ્ધ બાળક સંસ્કાર લઈ પ્રથમ પુંગી એટલે સંન્યાસી થાય છે. આપણે ત્યાં જેમ છેકરાને પરણાવી દેવાની પોતાની ફરજ છે એમ માબાપ સમજે છે તેમ બૌદ્ધ સામાજિક આદર્શ નક્કી કરે છે કે દીકરાને નિર્વાણનો એટલે કે ત્યાગવૈરાગ્યનો રસ્તો બતાવવો એ માબાપની મુખ્ય ફરજ છે. છોકરો પુંગી થઇને વિદ્યાધ્યયન કરે છે. પછી એને મોક્ષધર્મપર શ્રદ્ધા દૃઢ થાય તો એ કાયમનો પુંગી થઇ જાય છે; નહિ તો સ્વેચ્છાથી એ ગૃહસ્થધર્મ સ્વીકારે છે. પરણાવવાની જવાબદારી માબાપની નથી. માબાપે તો ધર્મનો ઉત્કૃષ્ટ માર્ગ દીકરાને બતાવી દીધો. આપણે ત્યાંનો સામાજિક આદર્શ જુદો છે. ગતાનુગતિક ગૃહસ્થધર્મમાં દીકરાઓને દાખલ કરવાની ફરજ માબાપની ગણાય છે. એનો ઈનકાર કરી નૈષ્ઠિક બ્રહ્મચર્ય લેવું અથવા ગૃહસ્થધર્મમાંથી બહાર નીકળી સંન્યાસ લેવો એ તે તે વ્યક્તિને સંકલ્પ અને પુરુષાર્થપર છોડવામાં આવે છે. ‘આશ્રમાદાશ્રમં ગચ્છેત્‌’ – જેવો અધિકાર તેવું સ્થાન માણસ લેશે. અધિકાર વગર સંન્યાસની દીક્ષા આપવી એતો અધઃપાતને નોતરવા જેવું છે. એકવાર પગલું ભર્યા પછી પાછા ફરાયજ નહિ. એમાં ચારિત્રહાનિ છે. ભલે ધીમે ચાલો, પણ પાછી પાની ન કરો. અસંખ્ય લોકો જે રસ્તે નથી જઈ શકતા તે રસ્તાની દીક્ષા આપવી એમાં યથાર્થતા કેટલી? બંને દૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ એકજ છે. બંનેમાં વજૂદ છે છતાં કેટલો મોટો ભેદ!’[6]

હીરાલાલ ત્રિ. પારેખ


પાદનોંધ :

  1. સરખાવો : — “One was only to reflect that if the western world had been Buddhist, instead of nominally Christian, there would have been no World War to realise how inevitable is the immortality of the poem, (The Light of Asia by Sir Edwin Arnold) which so finely portrays the noble and gentle earth life and the divine doctrines of the Buddha.” [૨૦th August ૧૯૩—The Indian Social Reformer, Emerson Arnold.]
  2. વિશ્વશાંતિ, પૃ. ૫૨
  3. જુઓ દર્શનિકા, પૃ.
  4. આ વિચારશ્રેણીની સાથે રૉબર્ટ બ્રિજીસના જગતમાંના દુઃખ વિષેના નીચેના ઉદ્‌ગારો વિચારણીય થશેઃ
    “But because human sorrow springeth of man’s thought,
    Some men have fal’n unhappily to envy the brutes
    Who for mere lack of reason, love life and enjoy
    existence without care : and in some sort doubtless
    happier are they than many a miserable man.
    x x x x
    Brutes have their kneer senses far outrangeing ours
    Nor without here and there some adumbration of soul:
    But the sensuous intuition in them is steril,
    ’tis the bare cloth where on our rich banquet is spred;
    and so the sorrowful sufferer who envied their state,
    wer he but granted his blind wish to liv as they
    —whether ’twer lark or lion, or some high-antler’d stag in startled pose of his fantastic majesty
    gazing adown the glade-he would draw blank, nor taste the human satisfaction of his release from care:
    x x x x
    this quarrel and dissatisfaction of man with Nature springeth of a vision which beareth assurance of the diviner principle implict in Life.”
    etc
    [The Testament of Beauty, p. ૯-૧૧ by R. Bridges]
  5. સરખાવો, Mr. Gandhi, an idealist, is also an arch-realist; for he has had the genius to bring the idealism of the cross down to earth—and to discern that it is not a thing of creeds and ecclesiastics but a working programme for the reform of concrete problems in a world of blatant realism. “The Cross moves East” by Hoyland p. ૧૫૫.
  6. બ્રહ્મદેશનો પ્રવાસ, પૃ. ૫૯, ૬૦.