દરિયાપારથી.../વિશ્વાસને પાત્ર

વિશ્વાસને પાત્ર

જ્યારે પણ ઘરની બહાર નીકળો – એટલેકે પ્રવાસ કરવા – ત્યારે જેવી આનંદ પામવાની અપેક્શા હોય તેવી અગવડ ભોગવવાની તૈયારી પણ રાખવી જ પડે. વળી, અજાણ્યા લોકો છેતરી જ લેવાના – એવા ખ્યાલની સાથે સાથે, એ લોકો પાસેથી જરૂર પ્રમાણે મદદ પણ મળવાની જ – એવો વિશ્વાસ પણ હોવો જોઈએ. મનની અંદરના સામાનમાં કેવળ ભય અને શંકાને જ બાંધીને પ્રવાસે નીકળવાનું ના હોય. એમાં એ સ્થાનને જ નહીં, પણ માણસાઈ અને ભલમનસાઈ જેવા ગુણોને અન્યાય થાય છે. વર્ષોથી પ્રયાણ કરતાં કરતાં દુનિયાભરમાં મને જાત-જાતના, સારા-નરસા અનુભવો થયા છે. હું છેતરાઈ હોઈશ. અપમાન પામી હોઈશ. એ બધું મન પર થોડો વખત ચમચમે, ને પછી હું પ્રયતગનપૂર્વક મન વાળી લઉં. સદ્ભાગ્યે, ક્યારેય એવો ખરાબ કે હાનિકર બનાવ નથી બન્યો કે મારે ભ્રમણનો શોખ જ છોડી દેવો પડે. એકાકી પ્રવાસિની પર ઈશ્વરની એ કૃપા જ ગણાય. ઉપરાંત, વિશ્વમાં જે સુંદર છે તેના પર દૃષ્ટિ ટકી રહે છે, અને માનવ-ગણની અંદર જે સુશીલ છે તેના પર હૃદય આધાર રાખતું રહે છે. જો આવી સભાનતા હોય તો આપણે પોતે જ જોઈ શકીએ કે અપરિચિતોના સારાપણાના દાખલા ઘણા વધારે બનતા હોય છે. અહીં આની જ વાત કરું, ને તે ઈજિપ્તમાં થયેલા અનુભવોની. આટલાં વર્ષોમાં મારી માનસિક તૈયારી ટેક્સી-ડ્રાયવરો પાસેથી વધારે ભાડા માટે છેતરાવાની થઈ ગઈ છે – ખાસ કરીને, જે દેશોમાં મિટરનો રિવાજ ના હોય ત્યાં. આ હકીકત પ્રત્યે હસી કાઢતાં પણ હું શીખી ગઈ છું. ને છતાં, ઈજિપ્ત જેવા ગરીબ દેશમાં વારંવાર મને ટેક્સી-ડ્રાયવરના સરસ અનુભવ થતા રહ્યા છે. એક વાર લક્ઝર ગામથી કૅરો શહેર આવતાં વિમાન ખૂબ મોડું થયું. મધરાતે કૅરોના ઍરપોર્ટ પર ઊતર્યું ત્યારે હજ કરવા જનારાં, અને એમને મૂકવા આવનારાં, હજારોની સંખ્યામાં ભેગાં થયેલાં હતાં. સામાન લઈને બહાર નીકળવું પણ અઘરું હતું, ને ત્યારે ટેક્સી મેળવતાં તો દમ જ નીકળ્યો. માંડ માંડ એક ચાલક તૈયાર થયો. મારી પાસે હોટેલનું રિઝર્વેશન તો હતું નહીં, તેથી ત્રણેક જગ્યાએ પૂછતાં જવું પડ્યું. એ ચાલક ધીરજથી, નિયત પૈસામાં જ, મારે માટે હોટેલ શોધતો રહ્યો. છેવટે, એક જગ્યાએ ખાલી રૂમ મળ્યો ત્યારે, બરાબર ખાતરી કર્યા પછી જ એ ગયો. એ વખતે રાતના બે વાગેલા. એ અજાણ્યા માણસે એક સજ્જનની જેમ મારી સહાય કરેલી. લક્ઝર ગામમાં ફરવા માટે જે ટેક્સી કરેલી એનો ડ્રાયવર તો, નજીકમાં જ મારા કાકાનું ઘર છે, કહી ત્યાં લઈ ગયો, ઓળખાણ કરાવી, ચ્હા પીવડાવી. એટલું જ નહિં, એક સાંજે પોતાને ઘેર મને જમવા બોલાવી. એ રહેતો હતો ગામની બહાર. ત્યાં એનું ગામડાનું નાનું ઘર. બહાર ખાટલો નાખીને મને બેસાડી. આગલી સાંજે મેં હા પાડેલી, એટલે એનાં મા અને બહેને મારે માટે શાકાહારી ખાવાનું બનાવી રાખેલું. સાદું જ, અલબત્ત. એકદમ તાજી લાક્શણિક અને સ્વાદિષ્ટ પાઉં રોટી, દૂધ, ભાત અને ભાજીનું શાક. આહા, એ શાકનો સ્વાદ તો યાદદાસ્તમાંથી ક્યારેય ગયો નથી. માણસ સારો છે કે નથી, એની ખબર પડતાં કાંઈ વાર લાગે? ભાડાના થોડા પૈસા માટે છેતરાવાની મારી તૈયારી ખરી, પણ બીજી કોઈ રીતે ના ફસાઉં. ડર ના લાગતો હોય, એ વાત સાચી, પણ દુઃસાહસ ના બને એટલી કાળજી તો રાખવી પડે. ઈશ્વરકૃપાથી, માણસાઈમાંથી વિશ્વાસ ડગી જાય એવું ક્યારેય કશું બન્યું નથી. બલ્કે, કૅરોમાં એક વાર ટેક્સીવાળો નાની હોટેલ બરાબર શોધી ના શક્યો, ને થોડું વધારે ફરવું પડ્યું, તો મેં જ એને ઠરાવ્યા હતા તેનાથી વધારે પૈસા આપી દીધેલા. માણસાઈમાંથી વિશ્વાસ તો સામેવાળાનો પણ ના જવો જોઈએને? કેટલાંક વર્ષ પહેલાં ફરીથી કૅરો ગઈ ત્યારે ગિઝા, સક્કારા, મેમ્ફિસ વગેરે જગ્યાઓના પિરામિડ અને પ્રાચીન અવશેષો જોવા આખા દિવસની ટેક્સી કરવી હતી. હોટેલની બહાર ઊભેલા એક આધેડ ડ્રાયવર સાથે વાત નક્કી કરી લીધી. એમનું નામ હોસ્ની હતું. એમને અંગ્રેજી જરાયે નહતું આવડતું. જે કહીએ તેમાં માથું હલાવે, ને “ઓ.કે.,ઓ.કે.” કહ્યા કરે. એ સમજે નહીં એટલે હું અકળાઉં, પણ ફોટા પાડવા માટે વારંવાર ટેક્સી ઊભી રખાવું તો એ ના અકળાય. વચમાં રસ્તામાંથી એણે કેટલીક નારંગી ખરીદી, તો પાછો ખાવા માટે મને આગ્રહ કર્યો. છેલ્લે એમને પણ મેં, નક્કી કર્યા હતા તેનાથી વધારે પૈસા આપ્યા. એમણે એવી અપેક્શા રાખી નહતી, તે એમના મોઢા પરના આનંદના ભાવ પરથી જોઈ શકાયું. બીજા-ત્રીજા દિવસે ટ્રેન-સ્ટેશન જવા હું હોટેલની બહાર, રસ્તા પર ટેક્સી ઊભી રાખવા પ્રયત્ન કરતી હતી, તે હોસ્નીએ ક્યાંકથી જોયું હશે. મારી નજર એમના પર ગઈ નહતી. પણ એ તરત મારી પાસે આવ્યા, ને કહે, હું લઈ જાઉં છું – જોકે હું એ સમજી નહતી. મારો સામાન જોઈને એમને ખ્યાલ આવી ગયો હશે કે મારે ટ્રેન પકડવાની હશે. એમણે મારી બૅગ લઈ લીધી, એમની ગાડી તરફ મને દોરી ગયા, ને તે પરથી હું સમજી કે મને મૂકી જાય છે. બધા રસ્તા એકતરફી હતા, તેથી વધારે આગળ જઈને પાછા ફરવું પડ્યું, પણ એમણે સવારીના પૈસા ના જ લીધા. કૅરોની બહાર ફરીને દસેક દિવસે હું પાછી આવી ત્યારે બીજી એક હોટેલમાં ઊતરેલી, કારણકે એ પહેલીમાં રૂમ ખાલી નહતો. હોસ્નીને મેં ફરીથી જોયા નહતા. થોડા દિવસ કૅરોમાં રહ્યા પછી, ન્યૂયોર્ક જવા માટેનું વિમાન સવારનું હતું, અને ઍરપોર્ટ પહોંચવા સાતેક વાગ્યે તો હોટેલ પરથી નીકળવું પડે તેમ હતું. સામાન સાથે હું નીચે આવી તો રસ્તા ખાલી, ને કોઈ ટેક્સીનું નામોનિશાન નહીં. મને તરત ચિંતા થવા માંડી, કે મોડી ના પડું. એમ પાંચ-સાત મિનિટ ગઈ હશે, ત્યાં જમણી બાજુ પરના રસ્તેથી એક ગાડી ધસી આવવા માંડી. આ બંને રસ્તા પણ એકતરફી હતા, ને ડ્રાયવરે ગાડી ઊંધી ચલાવી હતી. ફૂટપાથ પાસે હું ઊભી હતી ત્યાં પહોંચીને ડ્રાયવર મને ઈશારા કરવા માંડ્યા. જરા વાર પછી, નીચા વળીને મેં જોયું તો એ હોસ્ની હતા! અજબનો ઈત્તફાક બની ગયો. એમણે મને દૂરથી જોઈ હશે, ને એ એકમાર્ગી રસ્તા પર ઊંધા ધસી આવેલા. અમે બંને એકબીજાંને જોઈને ખુશ થઈ ગયાં. ખરેખર, જાણે સ્વજન ના મળી ગયું હોય. ઍરપોર્ટને રસ્તે અમે આનંદથી વાતો કરી – અલબત્ત, સાવ તૂટક તૂટક. ફરીથી એમણે ભાડાના પૈસા લેવાની ના પાડી, ને મેં આગ્રહપૂર્વક, થાય તેનાથી વધારે આપ્યા. વળી, ઘર-કુટુંબને માટે બિસ્કિટ, ચોકલેટ વગેરે પણ આપ્યું. એમણે માંડ માંડ અંગ્રેજી આંકડાઓમાં એમનો ફોન નંબર લખાવ્યો. પછી કહે, “ફરી કૅરો આવો ત્યારે ફોન કરીને જણાવજો. ભારતનાં શાયરા છો, એમ કહેજો, એટલે હું ઓળખી જઈશ.” કોની આંખો ભીની ના થઈ આવે? ફરીથી કૅરો જવાની, અને આ હોસ્નીભાઈને મળવાની આશા તો રાખું જ છું. સજ્જનની સાથેનો સમાગમ અમૂલ્ય હોય છે.