સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/રસનિરૂપણનાં અનૌચિત્યો, વિઘ્નો, દોષો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

રસનિરૂપણનાં અનૌચિત્યો, વિઘ્નો, દોષો

અહીં ‘અનૌચિત્ય સિવાય રસભંગનું કોઈ કારણ નથી; પ્રસિદ્ધ ઔચિત્યનું નિબંધન એ જ રસનું પરમ રહસ્ય છે, એ આનંદવર્ધનનું વાક્ય (ધ્વન્યાલોક, ૩.૧૪ વૃત્તિ) સ્મરણમાં લાવવું જોઈએ અને રસભંગના કારણરૂપ અનૌચિત્ય શું છે તેનો વિચાર કરવો જોઈએ. વિભાવાદિવિષયક અનૌચિત્ય એ જ રસભંગનું કારણ. આમાંથી વિભાવ અને અનુભાવના ઔચિત્ય વિશે તો આનંદવર્ધન અને અભિનવગુપ્ત એટલું જ કહે છે કે એ ભરતાદિમાં પ્રસિદ્ધ છે. એના કોઈ દાખલા પણ એમણે આપ્યા નથી. એટલે ભરત આદિમાં વિવિધ રસોના વિભાવ – અનુભાવ વર્ણવાયા છે એનું અનુસરણ કરવાનું એમનું સામાન્ય સૂચન હોવાનું જણાય છે. આ બાબતમાં વિશેષ રૂપે એમને કશું કહેવાનું નથી. ભાવના ઔચિત્યમાં એ પાત્ર – પ્રકૃતિને નિયામક ગણે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ઉત્તમ, મધ્યમ અને અધમ તથા દિવ્ય, અદિવ્ય એટલે કે માનુષ અને દિવ્યાદિવ્ય એવા પ્રકૃતિભેદ કરતું. પ્રકૃતિને અનુલક્ષીને પાત્રના સ્થાયિભાવો યોજાવા જોઈએ અને એનાં કાર્યો આલેખવાં જોઈએ. માનુષ પાત્ર પાસે દિવ્ય પાત્રનાં જેવું સાત સમુદ્રોલ્લંઘનનું કાર્ય કરાવવામાં આવે એ અનુચિત ગણાય. એ જ રીતે ઉત્તમ પ્રકૃતિવાળા પાત્રનો ગ્રામ્ય શૃંગાર વર્ણવવો એ પણ દોષ ગણાય. સંચારિભાવના ઔચિત્ય વિશે આનંદવર્ધને કશી જ સ્પષ્ટતા કરી નથી પણ એમાં પણ પ્રકૃતિ – અનુરૂપતા એમને અભિપ્રેત હશે એમ લાગે છે. (ધ્વન્યાલોક, ૩.૧૦ અને તેની વૃત્તિ) અભિનવગુપ્ત આને જ પ્રતીતિ – અયોગ્યતા કે સંભાવનાવિરહ તરીકે ઓળખાવે છે. (નાટયશાસ્ત્ર, ૬.૩૧, અભિનવભારતી ટીકા) સામાજિક ને અન્ય પ્રકારના વર્ગભેદો આજે પણ અસ્તિત્વ ધરાવતા નથી એવું નથી, એટલે પ્રકૃતિ-ઔચિત્યનો સિદ્ધાંત આપણે પણ સ્વીકારીશું, માત્ર કઈ પ્રકૃતિના પાત્ર સાથે ક્યા પ્રકારનું નિરૂપણ ઔચિત્યપૂર્ણ લેખાય એની આપણી સમજ જુદી પડે એવું બને. પ્રેમાનંદે દમયંતી – ઓખાની કામાભિલાષા જે રીતે વર્ણવી છે એ આપણને એમના પાત્રત્વને અણછાજતી અને પ્રાકૃત આપણને નથી લાગતી? સાંપ્રત સાહિત્યમાં પણ આપણે સંભવિતતા અને સુસંગતતાના પ્રશ્નો ચર્ચીએ જ છીએ ને? રસભંગ કરનારા અનૌચિત્ય ઉપરાંત રસનાં વિરોધી તત્ત્વોની પણ આનંદવર્ધન વાત કરે છે. એ કૃતિના રસલક્ષી આયોજનના દોષો છે એમ કહેવાય જેમ કે, વિરોધી રસને લગતા વિભાવાદિનું નિરૂપણ, રસ સાથે સંબંધ ધરાવતી વસ્તુનું વિસ્તારથી વર્ણન, કવખતે રસનું પ્રકટન, રસનો પરિપોષ થયા પછી તેનું ફરીફરી ઉદ્દીપન વગેરે. (ધ્વન્યાલોક, ૩.૧૮થી ૩.૨૬) આજે જેને ભાવૈકલક્ષી સઘન સુશ્લિષ્ટ આલેખન આપણે કહીએ તેની અપેક્ષા આમ વ્યક્ત થઈ છે. ‘કરણઘેલો’ પરત્વે નવલરામે “સતી થવાના અદ્ભુતભયાનક રસની સાથે વનનું લલિત વર્ણન મૂકવું એ સ્મશાનમાં બળતા મડદા આગળ દાદરા ઠુમરી ગાવા જેવું રસિક જનને વિપરીત લાગે છે” એવું કહેલું તે રસ-આયોજનનો જ દોષ. અભિનવગુપ્તે ‘અભિનવભારતી’માં રસવિઘ્નો ગણાવ્યાં છે. (નાટ્યશાસ્ત્ર, ૬.૩૧) એમાં એક તો, આપણે આગળ જોયું તેમ, પ્રતીતિઅયોગ્યતા અથવા સંભાવનાવિરહ છે. બીજાં જે વિઘ્નો એમણે દર્શાવ્યાં છે તે બહુધા કાવ્યરચનાગત છે. જેમ કે, રસપ્રતીતિના ઉપાયરૂપ વિભાવાદિસામગ્રી પર્યાપ્ત ન હોવી કે એનો અભાવ હોવો, એ સામગ્રી એવી હોય કે એ કયા રસભાવની પ્રતીતિ કરાવે છે એનો સંશય થાય એટલે કે કોઈ ચોક્કસ રસભાવની અભિવ્યક્તિ કરવા એ અસમર્થ હોય, વિભાવાદિથી થતી પ્રત્યક્ષ પ્રતીતિને સ્થાને શબ્દ, અનુમાન આદિથી થતી અસ્ફુટ પ્રતીતિ હોય, કાવ્યના પ્રધાન લક્ષ્યરૂપ રસો ને સ્થાયિભાવોને બદલે ગૌણ રસો, વિભાવાદિ ને સંચારિભાવો તરફ વિશેષ લક્ષ આપવામાં આવ્યું હોય વગેરે. મમ્મટ, હેમચંદ્ર વગેરે પછીના આચાર્યોએ આ બધી બાબતોને સંકલિત કરી લઈને રસદોષ રૂપે રજૂ કરી છે. એમાં જે થોડા ઉમેરા જોવા મળે છે તે આ પ્રમાણે છે : રસો, સ્થાયિભાવો ને વ્યભિચારિભાવોનો નામ દઈને ઉલ્લેખ, અનુભાવો તથા વિભાવોને કષ્ટ કલ્પનાથી રજૂ કરવા, વિભાવાદિને પ્રતિકૂળ રીતે આલેખવા વગેરે. એ ખાસ નોંધપાત્ર છે કે આ બધા રસદોષો કંઈ અબાધિત નથી. કવિપ્રતિભા દોષોને ઢાંકી દઈ શકે છે – દોષ નિર્વાહ્ય બને છે, ખાસ રસક્ષતિ થતી નથી, અને કેટલાક દોષો તો અમુક સંયોગોમાં ગુણ રૂપે પરિણમે છે એમ કાવ્યશાસ્ત્રીઓ બતાવે છે. ઔચિત્યના નિયામક હેતુઓ ઘણા હોય છે એટલે એક સંયોગમાં જે અનુચિત કે દોષરૂપ હોય તે બીજા સંયોગમાં ઉચિત કે ગુણરૂપ પણ બને એટલે આ દોષપ્રકરણને એક સામાન્ય દિગ્દર્શન તરીકે જ જોવાની જરૂર છે. આવા દોષો હોઈ શકે છે એની સમજ જ એમાંથી પ્રાપ્ત કરવાની છે. વળી રસવિષયક આ બધા દોષો બહુધા કાવ્યરચનાને લગતા છે એ હકીકત આપણા મનમાં એ વાત દૃઢ કરે છે કે રસ કેવળ આત્મલક્ષી અનુભવ નથી, વસ્તુલક્ષી સિદ્ધાંત પણ છે. આ દોષવિચારણા શું આજે પ્રસ્તુત નથી? કાવ્યવિશ્લેષણ અને કાવ્યપરીક્ષાનાં કેટલાંક ઓજારો એમાં શું સમાયેલા નથી? કાન્તના ખંડકાવ્યલેખનનો ઇતિહાસ આ દૃષ્ટિએ તપાસો. કાન્ત પાસે અપરિહાર્ય કરુણનું એક ભાવસંવેદન હતું. એમના ખંડકાવ્યલેખનના ઇતિહાસને એ ભાવસંવેદન માટેના યોગ્ય વિભાવની શોધના ઇતિહાસ તરીકે જોઈ શકાય છે. ‘સૃષ્ટિસૌંદર્ય જોઈને મન પર થતી અસર’ અને ‘સ્વર્ગગંગાને તીર’ કરુણના વિભાવની નિર્બળતાને કારણે નિષ્ફળ બનેલાં કાવ્યો છે. ‘રમા’, ‘મૃગતૃષ્ણા’ તથા ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ના વિભાવોમાં કેટલીક ક્ષમતા છે, પણ ઇષ્ટ સંવેદનને સમર્થ રીતે વ્યક્ત કરી શકે એવા વિભાવો તો ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’ અને ‘ચક્રવાકમિથુન’માં જ કાન્તના હાથમાં આવે છે એમ કહેવાય. વિધિનું તત્ત્વ એ ત્રણ કાવ્યોમાં જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ‘મૃગતૃષ્ણા’ અને ‘ચક્રવાકમિથુન’નો તુલનાત્મક દૃષ્ટિથી વિચાર કરવા જેવો છે. એમાં તિર્યંચ પાત્રો છે. એ દયાભાવ જગાડી શકે, પણ કાન્તને અભિપ્રેત કરુણના સમુચિત વિભાવ બની શકે? ‘મૃગતૃષ્ણા’માં આ મર્યાદા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. ‘ચક્રવાકમિથુન’માં આ મર્યાદા નથી વરતાતી, પણ એનું કારણ શું છે? ખૂબ સહજ રીતે, પણ કાન્ત પંખીયુગલને માનવપાત્રની કોટિએ લઈ ગયા છે એમ લાગતું નથી? એની પ્રણયક્રીડા કવિએ એવી રસિક વિગતોથી આલેખી છે કે આ પંખીયુગલ છે એ ઘડીભર આપણે વીસરી જઈએ છીએ, જાણે માનવીય રતિભાવનો સાક્ષાત્કાર કરીએ છીએ. પછીથી એ પંખીયુગલમાં માનવસહજ વિચારશીલતા, નિર્ણયબુદ્ધિ અને ઇષ્ટપ્રાપ્તિની લગન આરોપી છે. ચક્રવાકયુગલ માનવ-દંપતીનું પ્રતીક બની કવિને ઇષ્ટ કરુણભાવનું સમર્થ રીતે વહન કરે છે. રાવજીના ‘એક બપોરે’ કાવ્યમાં પણ જે ઊંડા ઉત્કટ વિષાદભાવનું આલેખન છે તેનો વિભાવ – ખેતરને શેઢેથી ઊડી જતી સારસી-સક્ષમ વિભાવ ગણાય ખરો એવો પ્રશ્ન સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કદાચ ઉઠાવે. તીવ્રપણે પ્રકૃતિ – અનુરાગી અને અતિસંવેદનશીલ પુરુષ હોઈ શકે, પણ એની આપણે કલ્પના જ કરવાની રહે છે, કાવ્યમાં કાવ્યનાયકની એ રીતની ઓળખ નથી. પણ સારસીને આપણે પ્રેયસીના પ્રતીક તરીકે જોઈએ તો એ વિષાદભાવ માટેનો સક્ષમ વિભાવ બને ખરો. શ્રીધરાણીનું ‘સ્વરાજરક્ષક’ કાવ્ય આપણે ત્યાં ઠીક પ્રશંસા પામેલું છે. એમાં સ્વામી રામદાસ પાસેથી સ્વરાજરક્ષકનું બિરુદ પામેલા એક ખેડૂતની વીરતા અને નિર્ભયતા પ્રગટ કરવાનું કવિનું લક્ષ્ય છે. પણ એ વીરતા અને નિર્ભયતાને ઉઠાવ આપનારી પર્યાપ્ત વિભાવાદિ સામગ્રી એમાં છે ખરી? ખેડૂતે નિઃશસ્ત્ર સ્વામીજી પર લાકડીના પ્રહારો કર્યા છે અને શિષ્યો એને ઘેરી વળે છે ત્યારે સ્વામીજીએ શિષ્યોને વાર્યા છે. (પછીથી જે એમ કહેવાયું કે ‘ડર્યો નહિ શિષ્ય સમીપ ચાર’ એ કેટલું સાચું?) આ જાતના પ્રસંગનિરૂપણમાંથી કેવીક વીરતા પ્રગટ થાય? અને એ ખેડૂતને શિવાજી પાસે ખડો કરવામાં આવતાં તો એ ધ્રૂજવા લાગે છે. નિર્ભયતાની મૂર્તિ ગણાવાયેલા ખેડૂતનું આ વર્ણન (‘અનુભાવ’) અસંગત જ ગણાય ને? કાવ્ય વીરતા અને નિર્ભયતાની મૂર્તિ સમા સ્વરાજરક્ષકને ઉઠાવ આપવામાં નિષ્ફળ જાય છે એમ જ કહેવાય. કાન્તના ‘અતિજ્ઞાન’માં કાવ્યનો આરંભનો ભાગ પ્રસ્તારી છે. એમાં કાવ્યરસ સાથે સંબંધ ધરાવતી વસ્તુનું અતિવિસ્તારથી વર્ણન કરવાનો દોષ છે એમ કહેવાય. તો ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’માં કરુણનું પ્રધાનત્વ બરાબર નિભાવી શકાયું નથી, અદ્ભુત જરૂર કરતાં વધારે આપણું ધ્યાન રોકે છે એ રસસંયોજનનો દોષ છે એમ કહેવાય.