સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ઝંઝા
ઉમાશંકર જોષી
ઝંઝાવાતનું, પવનના પ્રચંડ તોફાનનું આ ફોટોચિત્ર છે. ગયે વરસે (ઈ.સ. ૧૯૪૦માં) મુંબઈ બેટમાં અને આસપાસ આવા તોફાને જે કારમો કેર વરતાવ્યો હતો તે નજરોનજર જેણે જોયો હશે તેને ખબર હશે કે, કુદરત પાસે વિનાશનાં હથિયારો છે તેવાં તો એ પ્રકારનાં શસ્ત્રો શોધવાની શેખી કરનાર માણસ પાસે પણ નથી. પવન, પાણી અને અગ્નિ વડે, ધરતીકંપ અને જ્વાળામુખી દ્વારા, હિમ, તીડ, અનાવૃષ્ટિ, વગેરેથી કુદરત પૃથ્વી ઉપર વિનાશ વિનાશ પાથરી શકે છે. આ ચિત્રમાં પવનની એવી શક્તિ બતાવવાનો પ્રયાસ છે. ઝંઝા એટલે પ્રચંડ જોમ અને આંધળો જુસ્સો. એનાં જુસ્સો અને જોમ, ડાબે અને જમણે ખૂણે છોડવાઓને જમણી તરફ ઢાળી દીધા છે તે પરથી, અને વચ્ચેની ઝાડની કતાર આખી ને આખી જે રીતે ઝૂકી છે તે પરથી સહેજે દેખાય છે. ક્ષિતિજ પાર આકાશમાં કેવા ધસારાથી પવન ફૂંફાડા મારે છે એ પણ ચિત્રમાં અંકિત થયું છે. સામે છેલ્લાં વૃક્ષો આગળ જ ક્ષિતિજ દેખાતી હોઈ આપણને થાય છે કે, જાણે પેલી તરફ ખીણમાંથી, પૃથ્વીના પેટાળમાંથી, અનર્ગળ શક્તિના ગબારા ઊંચે ચડી રહ્યા છે અને આડુંઅવળું જોયા વગર સૃષ્ટિ પર ધસ્યા જાય છે. તેની આગળ બિચારાં વૃક્ષોનું શું ગજું? એમની પાંસળીયે પાંસળી ખુલ્લી થઈ ગઈ છે. પાંદડાંની ઘટાનો વૈભવ જે આડે વખતે શોભારૂપ હતો તે અત્યારે દુશ્મનને અનુકૂળ બની જઈને પોતાને ભારરૂપ થઈ પડ્યો છે. છતાં એમનાથી નીચેનાં પેલાં તરણાંની પેઠે પવનની તાબેદારી ઝટ માથે ચડાવીને ઝૂકી ઝૂકી સલામો પણ ઓછી જ ભરાય છે? તો તો પછી ધરતીએ ઊભતાં શીખવ્યું એ નકામું જ. અંદર રહ્યાં રહ્યાં મૂળિયાં જાણે કે એને પ્રોત્સાહન આપે છે : ‘ગભરાઈશ નહિ, અમે પૃથ્વીને જોરથી બાઝી રહ્યાં છીએ. સહેજમાં તું નમી જાય તો પછી તારી ઉચ્ચતા ક્યાં રહી?’ વૃક્ષો ટટાર છાતી કાઢીને ઝંઝાની સામે મક્કમતાથી ખડાં રહે છે. ઝંઝારાજાની એક વધુ થપાટ, અને કડડ કરતાં તે જમીનદોસ્ત થઈ જવાનાં એમાં ફેર નહિ. પણ એવા ચોક્કસ ભાવિ સામે પણ સામી છાતીએ એ ઝૂઝે છે : ‘આવ, આવ, ઝંઝારાણા, તારા પંજાનો સ્વાદ અમારે આજ ચાખવો છે. ટાઢ, તડકો, વરસાદ અને વીજના ત્રાટકા તો અમે ભરપૂર માણ્યાં છે. પણ ધરતીનો રસ ચૂસી ચૂસી ઊંચાં થયાં તેની આજ અમારી કસોટી છે. તારા જેવાની સામે ઊભા રહેવાનું મળે એ ધન્ય ઘડી ક્યાંથી!’ સૂસૂસૂસૂ કરતો પવન ફૂંકાય છે અને જોરથી વૃક્ષોનાં ડાળપાંખડાં વીંખી નાખે છે. વૃક્ષો વાંકાં વળી ગયાં છે. ઓ પડ્યાં! ઓ પડ્યાં! એવી દશા છે. છતાં તે તો જાણે કે કહે છે : ‘બસ થાકી ગયો કે? આટલામાં જ હાંફી ગયો કે? ફૂંક, જરી જોરથી ફૂંક! ‘તૂટી જવા કરતાં નમી જવું ભલું’ એ તુચ્છ ફિલસૂફી તો અમે તરણાંને જ સોંપી છે. ‘નમવું એ કરતાં તો બહેતર ભાંગીને કકડા થઈ જવું,’ એ અમારો મુદ્રાલેખ છે. ચલાવ તારું જોર.’ સુસવાટા કરતો ઝંઝાનિલ ફૂંકાય છે. વૃક્ષોની ડાળીઓ અને પલ્લવ એટલાં બધાં ઝૂકી ગયાં છે કે જાણે આધાર માટે ધરતીને વળગવા ન કરતાં હોય! હવે? એક ક્ષણમાં તો . . . અહીં કળાકારે કૅમેરાની ચાંપ દબાવી દીધી છે. ક્ષણવાર પછી શું થયું એ એને પૂછશો નહિ. એણે તો કુદરતમાંથી એક અમૂલ્ય પળને તેજ અને છાયાના રૂપમાં – એક ચિત્રના આકારમાં ઝડપી લીધી છે. ક્ષણવાર પછી બનવાજોગ છે કે આખીયે ઝાડની કતાર ધૂળ ચાટતી થઈ ગઈ હોય, અથવા તો પછી વાવાઝોડું શમી જતાં આકાશમાંની બધી ધૂળ ધીરે ધીરે નીચે ઊતરી એ જ વૃક્ષોનાં મૂળિયાં ચાટવા લાગી હોય. પણ એ વાતની કાંઈ વડાઈ નથી. મહત્તા તો છે વૃક્ષો છાતી કાઢીને પણ નિશ્ચિત મૃત્યુની સામે ઊભાં રહે છે એ ઘટનામાં રહેલા કાવ્યની. કળાકારે કુદરતની અનેકરંગી લીલામાંથી આ એક અમર ક્ષણ ઝડપી લીધી તેમાં જ એની કાવ્યશક્તિનો વિજય છે. કેટલાં માણસો ઘોર ભાવિ સામે આ વૃક્ષોની જેમ ઝૂઝી શકે છે?