સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જમણો ડાબાને કહે-

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. જમણો ડાબાને કહે-

સમયસુંદર-નયસુંદર

લીધી હાથે કૃપાણિકા રે, છેદવા માંડ્યો ચીર.
જમણો ડાબાને કહે રે, આવ તું, ચીર છેદ, વીર.
ચોરી માંહ્ય મેં ચડી રે, જેણે પરણી બહુ પ્રેમ;
જમણો કહે, મુજ ચીરને રે, છેદતાં આવડે કેમ?
ડાબો જમણાને કહે રે, સાંભળ, મોરા મિત્ર.
હાથીવાળે રસ તેં લીધો રે, તે વાત આણ ચિત્ત.
કંસાર ખાધો તેં એકલે રે, મુજને ન તેડ્યો ત્યાં.
તુજ પેટને તું માંગતો રે, મને કેમ તેડે ત્યાં?
ભોજન જમે તું ભલાં રે, માખી ઉડાવે કને મુજ,
તું નાસે તીર નાખતાં રે, હું આગે કરું જૂઝ.
તું વીંટે શિર પાઘડી રે, હું ઠમારી કરું શૂલ,
હું ભારીખમો તોલતાં રે, તે વાત ગઈ તુજ ભૂલ?
સુણ ડાબા, નળ વીનવે રે, જમણો અધિક કહેવાય.
પૂજા સમરણ દાન દે રે, પુણ્યે પાપ ઠેલાય.
ડાબો જમણો બે મળ્યા રે, વીનતી કરે, સુણ રાય,
બીજું કહો તે હું કરું રે, પણ ચાંડાલ કર્મ ન થાય.
નળ કહે, કામ કરો તમે રે, જો કરો મારી આશ.
પાપ સહુ શિર મારે રે, જેમ સો તેમ પચાસ.
એમ સમજાવી હાથને રે, છેદ્યું અર્ધું ચીર,
નળે છેદ્યો જાણે નેહલો રે, પણ નયણે વરસે નીર.
-સમયસુંદર

સ્વાધ્યાય

૧. નળના મનની સ્થિતિનું વર્ણન કરો.
૨. તમને નળ-કર સંવાદ ગમ્યો કે ‘જમણો ડાબાને કહે’ તે ગમે? કારણો આપો.
૩. નળ દમયંતીને છોડી જાય છે તે માટે તેને શાં કારણો છે?
૪. દમયંતીનો પરિત્યાગ કરતાં નળને શું થયું?
૫. છરી, ચીર અને છેદ કરનાર હાથ, એ ત્રણ વચ્ચે સંવાદ યોજો.
૬. ધારી લો કે નળ-કરસંવાદ કે ‘જમણો ડાબાને કહે’વાળો સંવાદ દમયંતી સૂતી સૂતી સાંભળી શકી હતી. તેના મનમાં તે સાંભળી શા વિચાર આવે તે, એ પોતે આપણને વાત કહેતી હોય એ રીતે મૂકો.
૭. આ કાવ્યખંડોમાંથી ઉપમા અને વર્ણ સગાઈના નમૂના બતાવો.