બહુવચન/પ્રકાશકીય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 01:33, 15 May 2024

પ્રકાશકીય
કમલ વોરા – નૌશિલ મહેતા


ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર માટે કરમશીપીરના અનુવાદલેખોનો સંગ્રહ ‘બહુવચન’ પ્રગટ કરવો એ આનંદ અને ગૌરવનો અવસર છે. છેલ્લા ત્રણેકથી વધુ દાયકાથી એમના અનુવાદોને આપણાં ઉત્તમ સામાયિકો પ્રગટ કરતાં રહ્યાં છે. સહૃદય ભાવકો અને કળા-સાહિત્યના અભ્યાસીઓ એની ઉપયોગિતાથી પરિચિત હોઈ, એ લેખો ગ્રંથ રૂપે પ્રાપ્ત થાય એની પ્રતીક્ષામાં હતા. હવે સહુને પરિતોષ આપતો આ ગ્રંથ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે.

આ સંગ્રહ ના લેખો બે કારણે અનોખા છે. એક, કરમશીભાઈની વિષય-પસંદગીના ઉચ્ચ લક્ષ્યો અને બે, એમણે કરેલા અનુવાદોમાં ભાષાની પ્રવાહિતાને લીધે ઊભરતી વાચનક્ષમતા. એક લેખકના અનેક લેખકો દ્વારા થયેલા કે અનેક લેખકોના અનેક લેખકો દ્વારા થયેલા નહીં પરંતુ અનેક લેખકોના એક જ લેખક દ્વારા થયેલા અનુવાદોને પ્રકાશિત કરવાનો ક્ષિતિજ માટે પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે. અનુક્રમણિકા પર નજર કરતાં વિષયોની વિવિધતા અને વ્યાપકતા આપણું ધ્યાન ખેંચે છે કળા-સિનેમા ચિત્રકળા સાહિત્ય ફિલસૂફી કે એના સિદ્ધાંતોની ચર્ચા હોય, જે તે ક્ષેત્રમાં જેમનું વીસમી સદી પર પ્રખર અને પ્રભાવક પ્રદાન રહ્યું છે એવા નામાંકિત કળાકારો-વિદ્વાનો ઉપર એમની પસંદગી ઉતરી છે. આ પસંદગી એમની ઊંડી સૂઝ અને સૂક્ષ્મ સમજની દ્યોતક છે ! ક્યાંક ક્યાંક તો ટેક્નિકલ પરિભાષા અને વિષયની ગહનતા કોઈપણ અનુવાદકને હંફાવે એવી છે પણ આ અનુવાદો એ કસોટી માંથી સુપેરે પાર પાડીએ વાચનક્ષમતા જાળવી રાખે છે. અનુવાદિત ભાષામાં જ મૂળ લખાણ લખાયું હોય એવો અનુભવ વાચકને જ્યારે થાય ત્યારે તે ઉત્તમ કોટિનો અનુવાદ, એવી પરખવાની સાદી રીત છે અને એની પ્રતીતિ આ લેખોમાં સહૃદય ભાવકને વારંવાર થઈ છે એ નિઃશંક છે.

વાચકોને જુદાં જુદાં સામાયિકોમાં સચવાયેલા આ લેખો જો પુસ્તક રૂપે ઉપલબ્ધ હોય તો સુગમ થઈ પડે. અઘરું છે મૂળ ભાષામાં એ લેખો મેળવવાનું અને મળે તો ભાષાનું વ્યવધાન તો છે જ. આ કારણે પણ ‘બહુવચન’નું મૂલ્ય અદકેરું છે. એક જ પુસ્તકમાં ટાગોર, સત્યજીત રાય, પાઝ, માર્શલ દુશાં, હાયડેગર, હાબર્માસ, બોદલેર, કાન્ટ કે ક્લોદ લેવી-સ્ત્રોત આદિ મળે અને તે પણ આપણી ભાષામાં એ જ એક અનન્ય સુયોગ કે ઉત્સવ માટે ઉત્તેજિત કરી મુકતી ઘટના નથી? સાહિત્ય-કળા-ફિલસૂફીના ભાવક-અભ્યાસી માટે ‘બહુવચન’ સંભારણું છે, સંગ્રહ કરવા યોગ્ય ઘરેણું છે.

કરમાશી પીરના લેખો પુસ્તક રૂપે પ્રગટ થાય એવું પ્રથમ સૂચન વિવેચક-વાર્તાકાર-અધ્યાપક- સંપાદક જયેશ ભોગાયતાએ કરેલું અને એમણે અહીં ગ્રંથસ્થ લગભગ અડધો અડધ લેખોની પ્રત પણ મોકલી આપી હતી. અહીં એમનો પ્રેમપૂર્વક ઋણસ્વીકાર કરીએ છીએ. અનુવાદનું માહાત્મ્ય રજૂ કરતા લેખ માટે બાબુ સુથારના પણ આભારી છીએ.

ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર સુરેશ જોશી દ્વારા પ્રસ્થાપિત ઉચ્ચ ધોરણોને અનુરૂપ પ્રકાશન કરી એ પરંપરા સાથે સાતત્ય જાળવી રાખે છે. હવે સહૃદય ભાવકો આને વધાવી લેવી અપેક્ષા છે.