ગાતાં ઝરણાં/પક્ષપાત

From Ekatra Wiki
Revision as of 01:57, 15 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પક્ષપાત

ભાઈ ‘ગની’ પ્રત્યે મને પક્ષપાત છે. મુશાયરામાં અનેક વખતે એમને પોતાની કવિતા ગાઈ સંભળાવતા મેં સાંભળ્યા છે અને આનંદ અનુભવ્યો છે. એમની કવિતા છૂટક છૂટક વર્તમાનપત્રોમાં અને સામયિક પત્રોમાં પ્રકટ થયેલી મારા જોવામાં આવી છે અને એમના નામ સાથે જોડાયેલી કોઈ ૫ણ રચના વાંચી જવાની લાલચ હું કદી રોકી શક્યો નથી.

એઓ શ્રીમાન નથી અને પદવીધારીઓને જ જો વિદ્વાન કહેવાતા હોયે તો એ અર્થમાં વિદ્વાન પણ નથી. એમનો અભ્યાસ ચાર-પાંચ ચોપડીઓનો જ છે. પણ શ્રીમાનને જેનું ભાન નથી હોતું તે શ્રી વિનાનાંઓની વિપત્તિઓ તથા વેદનાઓનું એમને તીવ્ર ભાન હોય છે. લૂખી પંડિતાઈથી જે નથી આવતી તે વાસ્તવિક દર્શનની વિમલ શક્તિ એમને સહજ છે. સંસારની વિષમતાઓ અને વિટંબણાઓ એમના હૃદયમાં કોમળ અને સાત્ત્વિક ભાવો જગાડે છે, એમની કલ્પનાને સતેજ કરે છે, એમના હૃદયને દ્રવતું કરે છે, એમની વાણીને બળ અર્પે છે. પરિણામે વાચકના હૃદયને ૫ણ ભાવભીનું, દ્રવતું અને રસતરબોળ એ કરી શકે છે. ખરેખર, ભાઈ “ગની”ને “શ્રમજીવીઓના કવિ” તરીકે ઓળખાવવામાં આવે છે તે યોગ્ય જ છે.

પરંતુ આ નાનકડો સંગ્રહ આપણને પ્રતીતિ કરાવે છે કે અમુક વિષય કવિને લાડકો હોય છતાં એ એક જ વિષયમાં કવિની પ્રવૃત્તિ મર્યાદિત રહેતી નથી. જગત, જીવન, પ્રેમ અને પ્રભુ–જગત જેની સનાતન શોધમાં મશગુલ રહ્યું છે તે ‘સનમ’ એ સર્વ એમના હૃદયમાં ઊર્મિઓ જગાડે છે. સાધુ પુરુષની સાધુતા, સેવાપરાયણતા અને સત્યાભિમુખતા એમને નમાવે છે. તકસાધક દુર્જનોની સત્તાપ્રવણતા, સ્વાર્થલોલુપતા અને દંભવૃત્તિ એમને કંપાવે છે. કડવાશ, કલહ અને કંકાસ એમને કંટકસમાન ખૂંચે છે. વિશ્વશાંતિની ઝંખના એમને પ્રફુલ્લ બનાવે છે. એમના આંતર અનુભવો એમને જે સંવેદનો કરાવે છે તે અનુરૂપ વાણીમાં વ્યક્ત થતાં તેમાં આપણે સચ્ચાઈનો મીઠો રણકાર સાંભળીએ છીએ અને મુગ્ધ થઈ એ છીએ. મુશાયરામાં એમને પોતાની કવિતા ગાતાં સાંભળવા એ પણ હું જીવનની લ્હાણ સમજું છું.

એમને ધંધો દરજીનો છે. કાળજીપૂર્વક, બરાબર માપ લઈને સીવેલાં કપડાં હોય તો જ પહેરનારને તે ફાવે છે, તેની શોભા વધારે છે, તેને સુખ આપે છે. તેનામાં ‘અસ્મિતા’નું ભાન પ્રકટાવે છે. કવિતા પણ એટલી જ કાળજીથી રચાય અને તેની રચનાના નિયમ ચીવ્વટાઈથી પળાય ત્યારે વાંચનારને કે સાંભળનારને તે ગમે છે, સાહિત્યની શોભાને તે વધારે છે, આનંદનો આસ્વાદ તે કરાવે છે અને ગુર્જરીના ગૌરવને તે પોષે છે. કાવ્યકળાનો આ ઊંચો આદર્શ ભાઈ “ગની” સેવી રહ્યા છે, એ આદર્શની સિદ્ધિ માટે એ ચિંતાતુર રહ્યા છે. ઉત્તરોત્તર એમની કાવ્યકળા વિકસશે એવો મને એમની એ ચિંતાતુરતામાં વિશ્વાસ છે.

આ પ્રકાશનનો સત્કાર એમને ઉત્તેજિત કરે અને એથી પણ ચડિયાતાં કવનો કરવાને એઓ ઉત્સાહ રાખે એમ હું અંતઃકરણપૂર્વક ઈચ્છું છું.

૨૦-૭-૫૩
ખપાટિયો ચકલો,
સૂરત
મોહનલાલ પાર્વતીશંકર દવે