The Creative Act: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 05:34, 20 May 2024

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Creative Act - Book Cover.jpg


THE CREATIVE ACT
A Way of Being

Rick Rubin

એક સંગીતકારની નજરે સર્જનાત્મકતા

રીક રુબીન


ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન

અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

લેખક પરિચય :

રીક રુબીન એક સર્વકાલીન અતિ સફળ અને સન્માનનીય મ્યૂઝીક પ્રોડ્યૂસર છે. તેમણે એડેલે, જ્હૉની કૅશ, જય-ઝેડ, તથા રેડ હોટ ચીલી પેપર્સ જેવાં વિસ્તૃત રેન્જના સંગીતકારો સાથે કામ કર્યું છે. રુબીન Def Jam Recordingsના પણ સ્થાપક છે. Beasty Boys અને Public Enemyમાં પણ કામ કર્યું છે. પ્રોડક્ષન પ્રત્યે લઘુત્તમ જરૂરિયાતના અભિગમ માટે રુબીન જાણીતા છે. ઓવર પ્રોડક્ષનને ટાળીને કલાકારે તેના હાર્દ તત્ત્વ ઉપર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ એમ તેઓ માને છે. નવા ઉગતા કળાકારોને પ્રયોગ કરવા અને વિકસવા માટે સલામત અને સહાયક વાતાવરણ સર્જવાની એમની ક્ષમતા માટે પણ રુબીન જાણીતા છે. રીક રુબીન, ૯ વખત ગ્રેમી એવોર્ડવીનર પ્રોડ્યૂસર બન્યા છે. Time મેગેઝીનના ‘100 Most Influential People in the World’ની યાદીમાં સ્થાન પામ્યા છે. સંગીત ઉદ્યોગની દુનિયામાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે અને સંગીતના ઈતિહાસમાં એક ખૂબ જ કુશળ, સંમાર્જિત પ્રોડ્યૂસર તરીકે અવારનવાર પ્રશંસા પામ્યા છે.

વિષયવસ્તુ :

રીક રુબીન, એક ખૂબ સફળ અને સન્માનનીય મ્યુઝીક પ્રોડ્યુસર, આ પુસ્તકમાં, સર્જનાત્મક પ્રક્રિયા વિશે એમની આંતરદૃષ્ટિ આપણી સાથે શેર કરે છે. એનું કોઈ સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપવાને બદલે, એમના વ્યક્તિગત અનુભવો અને અવલોકનો તથા ફિલોસોફી, સાયકોલોજી અને આધ્યાત્મિકતા જેવાં અન્ય ક્ષેત્રોમાંથી એમની આંતરદૃષ્ટિનો વાચકને લાભ આપે છે. વાચકોને તેમની પોતાની ‘ઈનર સેલ્ફ’ સાથે જોડી આપવાનું લક્ષ્ય તેઓ રાખે છે, વાચક એના આસપાસના વાતાવરણમાંથી પ્રેરણા લે અને એના રસ-શોખનું પોતાના Beingમાં રૂપાંતરણ કરે એવી રૂપરેખા અહીં આપે છે. The Creative Act(૨૦૨૩) એક કલાકારના હોવાપણાનું સત્ત્વ શું હોઈ શકે તેનો જાણે ચિંતનાત્મક મુત્સદ્દો રજૂ કરે છે. એનું કેન્દ્રસ્થ કથન એ છે કે સર્જનાત્મકતા એ સંપૂર્ણપણે કલાકારનું જ ક્ષેત્ર નથી, એ તો દરેકનામાં અંદર પડેલી જ હોય છે. એ જન્મજાત સર્જકતાને બહાર લાવવા માટે તમારે માત્ર સર્જનાત્મક પ્રક્રિયામાં પ્રવૃત્ત થવાની પ્રતિબદ્ધતા, લગન દાખવવાની જરૂર છે. પોતાના પરિસર પ્રત્યે મનોજાગૃતિ, સભાનતાની કેળવણી અને પોતાની અસંખ્ય ભૂલોને સ્વીકારવાની તૈયારી, વગેરે હોય તો તમે સર્જનાત્મક પ્રક્રિયાને વધાવનારી જીવનયાત્રામાં સામેલ થઈ શકો છો. The Creative Act એ રુબીનની માત્ર સ્મરણકથા જ નથી, પણ સર્જનાત્મક સાહસોને પોષનારી દાયકાઓની પ્રજ્ઞા અને પ્રયાસોના નિસ્યંદિત જળાશય જેવું લેખન છે. સર્જનાત્મક કૃતિના પૂર્ણ અર્થઘટન અને અનુભૂતિ કે સમજૂતી માટે, રુબીન વ્યક્તિનો અહંકાર છોડવાની જરૂરિયાત અને સહજ વૃત્તિના પ્રાધાન્ય ઉપર ખૂબ ભાર મૂકે છે. આ પુસ્તકના પાને પાને, સર્જનાત્મકતાની પ્રક્રિયાની ભૂલભૂલામણીમાં રસ્તો શોધનારને માટે કે એમાં વ્યૂહાત્મક ભૂમિકા ભજવનારને માટે અમૂલ્ય માર્ગદર્શન અપાયેલું છે. આવો, જોઈએ રુબીનની ભલામણો કેવી છે :-

૧. હોલીસ્ટીક સર્જનાત્મકતા : અંતિમ સર્જન થઈ જાય તે પહેલાં, સર્જનાત્મકતાએ સંશોધન અને પ્રગટીકરણની લાંબી યાત્રા પાર કરવાની હોય છે. સાધ્યને સિદ્ધ કરવાના સાધનને અતિક્રમીને, દુનિયામાં આપણા અસ્તિત્વનો માર્ગ એ બનાવે છે. ૨. અનિશ્ચિતતાનો સ્વીકાર : સર્જનાત્મકતાનો માર્ગ, જોખમો અને અપરિચિતતાઓને આશ્લેષમાં લેવાની તમારી તૈયારી માગે છે. માળખા અને સ્વયંસ્ફૂરિતતાની આંતરક્રિયામાં અવરોધ આવતાં, આશ્ચર્યજનક રીતે કંઈક નવીનતાનો ઝબકાર થઈ જાય છે. અહીં માત્ર જન્મજાત ટેલન્ટની જ ભૂમિકા નથી હોતી, પણ જે તે કળાશિસ્ત અને સતત પ્રયત્નનો પણ મોટો ફાળો રહે છે. ૩. સહયોગિતાની શક્તિ : સર્જનાત્મક વિજય, ખુલ્લા મનની સહયોગિતા અને પારદર્શક પ્રત્યાયન ઉપર અવલંબે છે. મૌલિક સર્જનાત્મકતા માટે આધારભૂતતા, અધિકૃતતા અને ભેદ્યતા જેવાં મહત્ત્વના તત્ત્વો જરૂરી છે. તે સાથે જ કલાકારની તે ક્ષણમાં ‘હાજરી’ અને તેના ‘આંતર-સ્ફૂરણ’ સાથે તેના ટ્યૂનીંગની પણ ખૂબ જરૂર હોય છે. ૪. વૈશ્વિક સર્જનાત્મકતા : સર્જનાત્મકતા એ માનવીય સ્વભાવનું પાયાનું પાસું છે. જે એની અભિવ્યક્તિ અને સ્વરૂપમાં ભિન્ન હોઈ શકે છે. એ માત્ર ઉત્પાદકતા નથી, ઊંડા આધ્યાત્મિક અનુભવ દ્વારા આપણને બદલવાની પણ શક્તિ ધરાવે છે, આપણું હીલીંગ પણ કરવાને શક્તિમાન છે. ૫. સંતુલિત લય : સર્જનાત્મક ઉત્પાદકતા વધારવા માટે સમયાંતરે વિરામ અને ચિંતન જરૂરી છે, જે સર્જનાત્મક બિંદુઓને જોડનારું વાતાવરણ સર્જે છે. તેમ છતાં, સર્જનાત્મકતાની ઓટના સમયમાં ખંત અને લગ્ન ચૂકી જવાનાં નથી. ૬. મહાનતાનો સમ્પર્ક : અપવાદરૂપ કે વિશિષ્ટ કળામાં ડૂબવાથી, મહાનતાને પારખવામાં મદદ મળે છે અને ભવિષ્યનાં નિર્ણયો લેવામાં તે સહાયક થાય છે. ૭. માનસિક અને સાંવેગિક વેલનેસ : કલાસાધનામાં તમારું સાંવેગિક રોકાણ અને મનોસાંવેગિક વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમય સુધી સર્જનાત્મક આઉટપુટ ટકાવી રાખવા માટે, એક મજબૂત Work ethic અને rest ethic બંને જરૂરી છે. ૮. રચનાત્મક ફીડબેક : સર્જનાત્મક યાત્રામાં તમને ફીડબેક મળે એ ખૂબ જરૂરી છે, પરંતુ તેનું ન્યાયી ફિલ્ટરીંગ અને સંયોજન હોવું જરૂરી છે. એના અસરકારક અભિગમમાં, કલાકારે પોતે પણ પોતાની કૃતિનું તટસ્થ દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. ૯. સ્વ-ખોજની યાત્રા : સર્જનાત્મક પ્રક્રિયા એ સદા ઉત્ક્રાંતિ પામતી સફર છે. જેમાં ક્યારેક self-doubtના ઊભરા પણ આવતા રહે છે. આવા અવરોધોને પાર કરીને આગળના માઈલસ્ટોન હાંસલ કરતા જવાનું છે. ૧૦. અવ્યવસ્થાને આલિંગન : સર્જનાત્મકતાના સાગરમાં તોફાની મોજાં વચ્ચેથી નાવ હંકારવામાં અપૂર્ણતાઓ અને અનિશ્ચિતતાઓનો, પડકારોનો સામનો કરવો પડે છે. પણ તેમ છતાંયે સર્જન પ્રક્રિયા કલાકારને પ્રગાઢ આનંદ અને પરિતૃપ્તિનો અનુભવ પણ કરાવે છે. ૧૧. બાળસહજ રમતિયાળપણું : સાચી સર્જનાત્મકતા તમારી અંદરના બાળકની રમતિયાળ વૃત્તિને આમંત્રે છે. બાળક જેવી જીજ્ઞાસા અને નવા વિચારો-અનુભવો લેવાની તૈયારી આવશ્યક છે. ૧૨. સહેતુક સર્જકતા : સર્જકતાનો માર્ગ હેતુ અને શુભ ઈરાદાઓથી ધબકતો રહેવો જોઈએ, જેમાં કલાકારનાં વ્યક્તિગત મૂલ્યો અને કલાદૃષ્ટિ ધરીરૂપ હોવાં ઘટે. ૧૩. સામૂહિકતા અને સહયોગિતા : સર્જનાત્મકતા એ ભાગ્યે જ એકાકી પ્રવૃત્તિ છે, એને તો સામાજિક સંબંધો, જોડાણો અને અન્ય સાથે શેરીંગ કરવાનું જોઈએ છે. સર્જનાત્મક આઉટપુટ ટકાવી રાખવા માટે સામૂહિકતા અને સહયોગિતા અનિવાર્ય અંગો છે. ૧૪. અપરંપરાગત વિચારણા : સર્જનાત્મક પ્રક્રિયામાં નિત્ય પ્રયોગશીલતા અને શુદ્ધતા જરૂરી છે. કંઈક ખરેખર મૌલિક સર્જન કરવા માટે કલાકારે પૂર્વ-સ્થાપિત નિયમો કે ચોકઠામાં તોડવાં પડે અને પરંપરાગત માપદંડોને પડકારવા પણ પડે. ૧૫. અધિકૃત અભિવ્યક્તિ : આખરે તો, સર્જનાત્મકતા એ પોતાની જાત સાથેનું ઊંડું જોડાણ છે, અને ભીતરના સત્યનો પડઘો, પોતાની કલા દ્વારા જગતમાં પાડવાનો હોય છે. એ પ્રક્રિયામાં નિયંત્રણ અને શરણાગતિનું કોમળ સંતુલન રહેલું છે, એને માટે પોતાના અનોખા દૃષ્ટિકોણ અને અંતરના અવાજનું હાર્દિક આલિંગન જરૂરી છે.

પ્રસ્તાવના :

સર્જનાત્મકતા તો માત્ર થોડા લોકો પાસે જ હોય, એવી આપણી સામાન્ય ધારણાને પડકારીને રુબીન આ પુસ્તકની શરૂઆત કરે છે, તે કહે છે કે દરેક વ્યક્તિ અંદરખાને સર્જક હોય છે, અને સર્જનાત્મકતા એટલે માત્ર આર્ટવર્ક બનાવવાં એટલું જ નહીં, પરંતુ જિજ્ઞાસા અને વિસ્મયભાવ તથા મુક્તમના દૃષ્ટિકોણથી જીવનનો એપ્રોચ કરવો એ પણ છે. રુબીન આગળ ચર્ચા કરતાં જણાવે છે કે તમારી આંતરસ્ફૂરણાને અનુસરવી અને gut insinct ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. આપણી બુદ્ધિ કરતાં આંતરસ્ફૂરણા વધુ શાણી હોય છે, જે આપણને વધુ સારા નિર્ણયો લેવામાં – કલાત્મક કાર્યમાં અને વ્યક્તિગત જીવનમાં પણ- ખૂબ સહાયક થાય છે.

આ પુસ્તકમાં મને ઉપયોગી શું છે?

તમારી અંદર રહેલા કલાકારને આલિંગન આપો : ઘણા બધા લોકો એવું માને છે કે તેમનામાં સર્જનાત્મકતાનો અભાવ છે — કલાકારનું જીવન એ તો ‘અપને બસ કી બાત’ નથી. ‘not my cup of tea.’ કલાકારો તો હોલીવુડ-બોલીવુડની ચમકદમકવાળી જિંદગી જીવતા હોય, અંબાણી-અદાણી-ટાટા-બિરલા જેવા પરિવારોમાં હોય, અથવા જેઓ ૧૨ વર્ષની કુમળી વયથી કવિતા, વાર્તા લખવા માંડ્યા હોય- વગેરે પાસે જ કળાની મોનોપોલી હોઈ શકે... આ માન્યતા ખોટી છે. વાસ્તવમાં વૈશ્વિક સત્ય તો એ છે કે આપણા બધામાં જ સર્જનાત્મકતા રહેલી છે. બસ, જરૂર છે એ સુષુપ્ત શક્તિને પોષણ આપવાની અને એને બહાર લાવવાની... એ બહાર પ્રગટવાની રાહ જ જોતી હોય છે. એને વ્યવસ્થિત કેળવે તેવી સર્જનાત્મક પ્રેક્ટીસ જરૂરી છે. રીક રુબીન જેવા એવોર્ડ-વીનીંગ મ્યૂઝીક પ્રોડ્યૂસર અને આ પુસ્તકના લેખકે દાયકાઓથી સર્જનાત્મક અસ્તિત્વનો માર્ગ ખેડ્યો છે. એમની અંદરના કલાકારને હાર્દિકતાથી આલિંગન આપવા એમણે જે ખૂબ જ ફળપ્રદ વ્યૂહરચના અપનાવી છે તેની અહીં વાત કરી છે. આ વાચનયાત્રામાં, તમારી સ્વ-જાગૃતિને ધાર કાઢનારાં રહસ્યો, આંતરિક પ્રેરણાના અનપેક્ષિત ઊભરાને સ્વીકારવા-સંકોરવાની રીતો, તમારામાં પડેલાં ‘સર્જક બીજ’ને શોધવા-પોષવાની પ્રક્રિયા અને તેમને સુંદર કલાકૃતિમાં ઢાળવાના રસ્તા અહીં દર્શાવ્યા છે. તદ્ઉપરાંત, માત્ર ‘સ્વાન્તઃ સુખાય’ – પોતાના શુદ્ધ આનંદ ખાતર કલા સર્જનનું મહત્ત્વ પણ તમે જાણી-માણી શકશો એવી ચાવી આ પુસ્તકમાં આપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

1. Unlock your Receptivity to creative Inspiration.
સર્જનાત્મક પ્રેરણા માટેની ગ્રહણશીલતા વિકસાવો..

તમારા બાગમાં ભવ્ય રીતે શોભતા એક પીચ ટ્રીની કલ્પના કરો; સરસ ઊંચાઈ છે એની અને મજબૂત રીતે ઊભું છે. દર ઊનાળે એ પીચનાં ફળ ભરપૂર આપે છે. પોતે ફળ લગાડવામાં તે કોઈ પ્રયત્ન કરતું દેખાતું નથી કે ન તો એ ફળાઉ વૃક્ષ તરીકે સ્વ-યોગ્યતા કે પોતાના મહત્ત્વને માટે ઝઘડો કરતું જણાતું. તેને બદલે, તે તો સર્જનની અદમ્ય ઊર્જાને માત્ર શરણે જતું અને વૈશ્વિક લયની સાથે સાહજિક સંવાદિતા સાધતું જણાય છે. તત્વતઃ આપણે પણ એ પીચ ટ્રી જેવા કે આંબાના ઝાડ જેવા જ છીએ. આપણી ભીતર પણ સર્જકતાની ભેટ ભરી પડી છે. આપણામાં જન્મજાત કળાનો આવેગ, જુસ્સો લાંગરેલો પડ્યો છે – પછી તે શિલ્પકામનો હોય, સંગીતની તર્જ બનાવવાનો હોય, સ્વાદિષ્ટ રસોઈ કરવાનો હોય કે પછી આપણા કાર્યક્ષેત્રમાં કોઈ ઇનોવેટીવ પ્રોજેક્ટ નાખવાનો હોય. બરાબર પેલા ફળાઉ વૃક્ષની જેમ જ. એ આંતરિક કલાઆવેગ, આપણી શંકા-આશંકાને બાજુ પર રાખી, બ્રહ્માંડની સર્જનાત્મક ઊર્જાના પ્રવાહને આપણામાંથી વહેવા દેવા આપણને વીનવતો હોય છે. ત્યારે આપણી ભૂમિકા માત્ર પેલા દ્વારપાળ જેવી છે. એને બહાર આવવા માટેનાં દ્વાર ખોલી આપવાની છે. મિત્રો, આ જેટલું કહેવું સરળ છે તેટલું કરવું સરળ નથી, એમ માનીએ. પણ આ ખયાલને વાસ્તવિક કેવી રીતે બનાવવો? પ્રારંભિક પગથિયું ખૂબ સીધુંસાદું છે, તમારી આસપાસના જગતનું નિરીક્ષણ કરવાનું શરૂ કરો. તમે ટ્રેન કે બસમાં ઘરે જઈ રહ્યા હો, કે બાગમાં નિરાંતે આંટા મારતા હો ત્યારે પેલા તમારા મનના માલિક એવા મોબાઈલ ફોનથી પીછો છોડવો, એના ઈયરફોનના તાર કાનમાંથી દૂર કરવાની હિંમત દાખવો. એના બદલે, તમારા ગાલને પંપાળતા પવન અને હવાની લહેરખીની મજા માણો. તમારા સહયાત્રીઓ શું ગપ્પા મારી રહ્યાં છે, ગણગણાટ થાય તે તરફ જરા કાન રાખો. તેમણે પહેરેલાં ચિત્ર-વિચિત્ર, રંગબેરંગી વસ્ત્રો તરફ ઊડતી નજર ફેરવો, અને બારી બહાર પસાર થતાં વૃક્ષો-દૃશ્યોની મઝા માણો. એક કલાકારનું મિશન, આસપાસના જગત પ્રત્યે ગ્રહણશીલતા કેળવવામાં છે. એની જ્ઞાનેન્દ્રિયોની તીક્ષ્ણતા એટલી હદે વધારવાની છે કે તેઓ તેમના તરફ સતત વરસતા સૂક્ષ્મ સંકેતો, આશ્ચર્યો અને ઈશારા-ધક્કાઓની સાથે તે તાલમેલ મિલાવી શકે, ટ્યૂનીંગ કરી શકે. અમે કલાનું સર્જન એકલતામાં કરીએ છીએ-એ એક ખોટો ખ્યાલ છે, વાસ્તવમાં અમે હંમેશા કોઈના કે કાંઇના સાથ-સંગમાં, કંપનીમાં જ હોઈએ છીએ. આથી, બીજી વખત જ્યારે તમે મુસાફરીમાં કે આંટા મારવાના સર્જનાત્મક તબક્કામાં, કંઈક ગૂંચવણમાં હો ત્યારે વૈશ્વિક સર્જકશક્તિનું માર્ગદર્શન માગો અને એના દ્વારા અપાતી કોઈ કડી, સંકેત, ઈશારાની શોધમાં રહેજો. ખિસ્સામાં એક નાની પોકેટ ડાયરી ને પેન્સિલ રાખજો અને કંઈક પંક્તિ, શબ્દાવલિ, દૃશ્ય સ્ફૂરે તો ટપકાવી લેજો. ક્યારેક આમ જ સિનેમા જોવા ચાલી જાવ અને મનમાં નોંધો કે તમને તેમાં શું સ્પર્શી ગયું. અરે, દરરોજના રસ્તા પરથી પસાર થતાં હો તો એકાદ દુકાનમાં ૧૫ મિનિટ વિતાવો. આવું બધું કરવામાંથી તમને કોઈકને કોઈક કડી-clue-મળી આવશે જે સરસ કાવ્યાત્મક, ચિત્રાત્મક હશે, ભલે વિજ્ઞાન સંગત ન હોય. તમારા અસ્તિત્વનાં દરેક પાસાંમાં વિસ્મય છૂપાયું છે તેને શોધીને સ્વીકારો, આલિંગો; એવી પ્રેરક ચીજો તમને ન ધારેલી જગ્યાએ મળી આવશે. આવી સભાનતાની ટેવને પોષવાની સૌથી અસરકારક રીત છે – તમારા રોજના રુટીન કામોની વચ્ચે થોડુંક થોભવાની ને વિચારવાની ક્ષણો શોધી કાઢો. ત્યાં થોડીક વધારાની મિનિટો ફાળવો-સવારે પથારીમાંથી ઊઠતાં થોડી ક્ષણો વીતાવો, ઊંડા શ્વાસ લો, અને શરીરમાં પસાર થતી સંવેદનાઓ જોડે ટ્યૂનીંગ કરો. અથવા તો ઑફીસ જવા કાર કે બસને બદલે ચાલતા જાવ-થોડું અંતર હોય તો... દરરોજ દિવસનું સમાપન થોડો સમય સંગીતમાં ડૂબીને કરો, આંખ બંધ કરીને તે માણો. તમારા હાલના રુટીનમાં આવી સભાનતાના સૂર ઉમેરશો તો એ જરૂર તમારા દૈનિક જીવનનો અખંડ અંશ બની જશે અને સમય જતાં, સતત સમર્પિત પ્રેક્ટીસ કરતાં તમે જોશો કે એ તમારો બીજો સ્વભાવ બની ગયો હશે... કેવું સરસ, છતાં સરળ?

2. Regulate your Information Intake :
મનમાં માહિતીનું ભોજન લેવાનું નિયંત્રિત કરો.

સવારમાં પથારીમાંથી આપણી આંખ ખૂલે ત્યારથી માંડી પાછા સૂઈએ ત્યારે આંખ બંધ થાય ત્યાં સુધીમાં આપણા ઉપર માહિતીનો મહાસાગર વણથંભ્યો ઠલવાતો રહે છે – હૃદયદ્રાવક વૈશ્વિક તાજા સમાચાર, દૂરના પરિચિતોના વૉટસેપ-સ્નેપ શોટ્સ, અરજન્ટ મેઈલ્સ આપણા ઇનબોક્ષને છલકાવતાં રહે છે. કલાકારને માટે, આવા માહિતીના આક્રમણને નાથવાનો કડક અભિગમ અપનાવવો ફરજીયાત બની જાય છે. તમારી એકાગ્રતા અને સભાનતા એ તો તમારી અમૂલ્ય મૂડી છે. તમારા મોંઘેરા ચિદાકાશમાં આવા ઉપરછલ્લા અને અનિચ્છનીય ઇનપુટ્સને ઠલવાવા દેવા એ તો તમારી સર્જનયાત્રાની કુસેવા છે. હવે આવું એક દૃશ્ય કલ્પો : તમે સવારમાં છાપાંમાં માથું ખોસવાને બદલે, કોઈ સરસ સાહિત્યકૃતિનાં પાનાંમાં પ્રવેશો, અથવા કોઈ પ્રખ્યાત ધૂન અવારનવાર વગાડો, અથવા તમે ન સાંભળેલી એવી કોઈ મહાન સંગીતકારની રચના સાંભળો... એટલું તો ચોક્કસ છે કે પ્રેરણાનું ઝરણું તમને હંમેશા પ્રશિષ્ટ કૃતિમાંથી જ મળે એ જરૂરી નથી... તમને રોમેન્ટીક નવલકથામાંયે તે મળી આવે. એ જ રીતે હરિયાળા-શાંત જંગલ કે વનશ્રીમાં, બાગમાં આંટા મારતાં તમને સ્ફૂર્તિ કે નવી ચેતનાનો અનુભવ ન પણ થાય, એને બદલે ખીચોખીચ ભરેલા-ઘોંઘાટિયા ફૂટબોલ સ્ટેડીયમમાં વાઈબ્રન્ટ વાતાવરણમાં તમને વધુ મઝા આવે એમ બને... કહેવાનો મુદ્દો એ જ કે તમારી પસંદગી અગત્યની છે...તમારો જન્મ નોકરીનું રગશિયું ગાડું ખેંચવા કે કમ્પ્યૂટર સામે આંખ ખોસી ડીજીટલ દુનિયામાં સડવા માટે નથી થયો...એના બદલે, તમે સભાનતાપૂર્વક તમારો રસ્તો પસંદ કરો જે તમને વિસ્મયની દુનિયામાં, માનસિક શાંતિના પ્રદેશમાં લઈ જાય. તો મિત્રો, તમારા માહિતીના ઈનટેઈકને નિયંત્રિત કરવો ખૂબ જરૂરી છે, તો જ તમારી સર્જનાત્મકતા ભણીની યાત્રા સાકાર થશે.

3. Embrace Fear and Forge Alread.
ડરને ગજવે ઘાલો અને આગળ વધો.

એક નવાઈ લાગે તેવો વિરોધાભાસ એ છે કે ઘણા gifted કલાકારોને એક પ્રકારની ઊંડી અસલામતીની લાગણી સતાવતી હોય છે. જે સંવેદનશીલતા એમની સર્જકતાને પોષતી હોય છે તે જ તેમને વિવેચન-ટીકા-ટિપ્પણનો ભય પણ પ્રેરતી હોય છે શંકા અને અસલામતીની ભાવના વિના કલાકારો તેમની કસબ-કારીગરી કરતા નથી એ પણ સ્વીકારવા જેવું છે. જોકે આથી બિલકુલ ઊલટું, આવી સતામણીકારક અનિશ્ચિતતાઓ હોવા છતાં તેઓ સર્જન કરતા રહે છે. સર્જનાત્મક પ્રક્રિયાના સંશોધનમાં, રીક રુબીન, પાંચ દાયકાના ઝાકઝમાળ ભર્યા પ્રશંસનીય સ્ટેજ પરફોર્મન્સ પછી પણ, તીવ્ર સ્ટેજફીયરથી ડરતા એક પ્રખ્યાતની વાત નોંધે છે. તે જ્યારે જ્યારે સ્ટેજ ઉપર પગ મૂકે ત્યારે દરવખતે તેમના પેટમાં જાણે નાડીઓનું ચર્વણ થતું હોય અથવા ભયનું મોજું ઉછાળા મારતું હોય તેવું અનુભવતા, તેમ છતાં, પોતાની કલા ઉત્તમ રીતે રજૂ કરવાનો ડ્રાઈવીંગ ફોર્સ એટલો પ્રબળ રહેતો કે પેલી ‘ભૂલ થશે, ટીકા થશે, કેવું ગવાશે’, વાળી ભયની છાયા તેમાં ઢંકાઈ જતી. ઘણીવાર, નિષ્ફળ જવાનો ડર, કલાકારોને મનમાં લકવાગ્રસ્ત કરી દેતો હોય છે, ક્યારેક તો તેઓને કલા સર્જનમાં જતાં પણ રોકી દેતો હોય છે. હું દર્શકોની ઊંચી અપેક્ષા મુજબ ન કરી શકીશ, કચાશ રહી જશે એવું તેમના મનમાં થયા કરતું હોય છે. તેમ છતાં, પૂર્ણતા એ તલ્લીન કરે, રસપ્રદ હોય તેવું ભાગ્યે જ બને છે એ નોંધવું ને સમજવું પણ જરૂરી છે. પીસા(પીઝા)ના ઢળતા મિનારાનો દાખલો લઈએ. આમ તો એ આર્કીટેક્ચરલ વર્લ્ડની અજાયબી ગણાય છે, પણ એ એના સર્જકની નાની ભૂલમાંથી આવો અદ્ભુત બની ગયો છે. એની મૂળ ડીઝાઇન કાંઈ એને ઢળતો ટાવર બનાવવાની નહોતી, પણ તેના પ્લાનમાં કાંઈક ભૂલ-ગરબડ થઈ જેણે આ આઈકોનીક સ્ટ્રક્ચરને જન્મ આપ્યો અને તેની નીચે ઊભા રહી આજે સેંકડો મુલાકાતીઓ કૉમિક સેલ્ફી લઇ રહ્યા છે! આ ટાવર ઢળતો છતાં પડતો કેમ નથી તેનું આશ્ચર્ય પેલી સર્જકની ભૂલમાં છૂપાયેલું છે. અપૂર્ણતાને ઉજવવાની કે વધાવવાની કલાત્મક પરંપરાનો બીજો એક દાખલો જાપાનીઝ પોટરી ટેકનીક (માટીકામ કલા) Kintsugi-કિન્ટ્સુગી-નો છે. આ પદ્ધતિમા તૂટેલા પદાર્થો –માટી કે કાચના તિરાડ પડેલાં વાસણો-ની તિરાડમાં સોનેરી તાર પરોવવામાં આવે તેને રીપેર કરવામાં આવે છે. આમ નુકસાનીવાળા ભાગને-તિરાડને છુપાવવા કરતાં તેને પ્રગટ કરાય છે અને ‘ભૂલ’ કે ‘ડેમેજ-બગાડા’ને પૉટરીના ઉત્તમ કલાત્મક નમૂનામાં તબદીલ કરી દેવાય છે. કલાકાર તરીકે, તમે પણ તમારી ભૂલો, અપૂર્ણતાઓ, કચાશો કે અસુંદરતા –વિચિત્રતાને સહન કરી લેતા હશો જ. આ બધાંને લીધે એક જાતની અનિશ્ચિતતા કે અસલામતીની ભાવના તેમને હંમેશા સાથ આપતી હોય છે. છતાં એ તમને કલાસર્જન કરતાં રોકતી નથી, કે કલાકાર તરીકેની તમારી અધિકૃતતા-આધારભૂતતા ઉપર એ શંકા કરતી નથી. ઊલટાનું તો, એ તમારી ઊંડી સંવેદનશીલતા, ચેતનતા અને જન્મજાત માનવીયતાની મહત્તા કરે છે...માટે, કલાકાર તરીકે તમારા કલાસર્જનમાં તમારી imperfect self ને સમગ્ર આલિંગન આપો, સહર્ષ સ્વીકારીને ચાલો. તમારા ભય, ભૂલના ડર, પીડાકારક ભેદ્યતાઓ, તેમને સ્વીકારવાની તમારી ઈચ્છા- આ બધું શેર કરો. તમારી અનોખી અપૂર્ણતાઓ, માનવીય મર્યાદાઓ-નબળાઈઓ પણ શેર કરો. તો એ તમારા કલા સર્જનને ઢાંકવા કે ઘટાડવાને બદલે, તમારા કલારણકારને વધારી આપશે, અને જેઓ એ ચીજો શેર કરશે એ તમારી કલાને વધારશે. બસ, આ દિશામાં પ્રથમ ડગલું ભરવું જ પડકારજનક છે.

4. Ease the Pressure and Savour the Process.
તમારા ઉપરનું દબાણ હળવું કરો અને કલાસર્જન પ્રક્રિયામાં રસ-રંગ ઉમેરો.

કોઈક સર્જનાત્મક પ્રોજેક્ટ (પરફોર્મન્સ)ની શરૂઆત કરવામાં ભય તમારા ઉપર છવાઈ જાય. ત્યારે યાદ રાખો કે એના હિસ્સાને ઘટાડી દેવો એ જ ઉત્તમ માર્ગ છે. પોતાની જાતને મનાવો કે ‘મારે ક્યાં માસ્ટરપીસ કૃતિ આપવાની છે. એ જરૂર જ નથી. વાસ્તવમાં મારે તો છેક પાયાનું સામાન્ય કલ્પનામાં આવે તેવું જ સર્જન (પરફોર્મન્સ) કરવાનું છે. એમાં સમય આપવાનો છે. જે કરીશ તેની મારી કારકિર્દી ઉપર કોઈ અસર થવાની નથી. કે હું ન ઈચ્છીશ તો મારે કોઈ જોડે આ શેર કરવાનું નથી. ‘બસ, આઉટકમ ઉપર અટકી રહેવા ને ચિંતા કરવા કરતાં કલા પ્રસ્તુત કરવાનો આંનદ માણને મારા મન!’ આવું મનને સમજાવો. જ્યાં સુધી તમે તમારા કામમાં સતત પ્રવૃત્ત રહેશો ત્યાં સુધી પરિણામ તો સ્વાભાવિક રીતે આવવાનું જ છે. તમારું એકમાત્ર લક્ષ્ય બસ પર્ફોમ કરવાનું અને તેનો આનંદ લેવાનું રાખો. ઑસ્કર વાઈલ્ડના શબ્દો જોઈએ: ‘કેટલીક વસ્તુઓ એટલી બધી અગત્યની હોય છે કે તેને ગંભીરતાથી લઈ શકાતી નથી.’ પણ કમનસીબે, કલાકારો પોતાની જાતને વધારે પડતી ગંભીરતાથી લે છે, ત્યારે પોતે જ લાદેલું વધારે પડતું પ્રેશર, બહુ ઊંચા ખ્યાલો ને ઊંચી અપેક્ષાઓ જન્માવે છે અને આઉટપુટના ઊંડાણને મારી નાખે છે. આવી ગંભીરતા સર્જનાત્મકતાને લકવાગ્રસ્ત કરી શકે છે, નિર્વીર્ય બનાવી શકે છે. તેથી જો સર્જન પ્રક્રિયા માણવી હોય તો ઘૂવડગંભીર અને મહાનતાના બોજથી લદાયેલા નહિ, પણ હળવા-હસતા રમતાં મસ્તીમાં રહો. રમતિયાળ-ચૂલબૂલા-રહેશો તો પ્રયોગાત્મકતા-નવીનતા ખીલવી શકશો. જેવી તમે તમારી આસપાસના જગત પ્રત્યેની ગ્રહણશીલતા સંકોરશો-સંસ્કારશો અને પ્રેરણા માટેનાં દ્વાર ખોલશે તેવા તમને ઢગલાબંધ ‘સર્જકબીજ’ મળશે. ધારો કે તમને રસ્તે ચાલતાં એક ફાટેલી છત્રી જોવા મળી, તો વોટર કલર ચિત્રો શ્રેણીબદ્ધ સર્જવાનો વિચાર ઝબકશે અથવા, તમે બાળપણનું કોઈ મૂવી જુઓ અને તેના ઉપરથી બાળનાટક લખવાની પ્રેરણા મળે...આવાં સર્જનાત્મક સંકેતો, ઈંગિતો ‘બીજ’ તરીકે કામ આવશે. એના ઉપર કાળજીપૂર્વક કોતરકામ કરશો તો સુંદર કલાકૃતિ બની શકશે. હવે પછીનો તબક્કો સર્જનયાત્રામાં, આ ‘બીજ’ને અંકુરિત થવાનું વાતાવરણ આપવાનો, પોષક પ્રવૃત્તિ કરવાનો અને તેમાં પ્રયોગશીલતા ઉમેરવાનો છે. તો બોલો, આ બીજને કેવી રીતે ઉછેરશો? તેમને વધવા-વિકસવાની જગ્યા અને ખાતર-પાણી-હવા-પ્રકાશ આપો. સર્જનાત્મક વિચારબીજોને પણ રક્ષણ-સુરક્ષાની જરૂર હોય છે. તેઓ બહારની દુનિયાના વિવેચન માટે તૈયાર, સક્ષમ નથી હોતાં. તેથી આ પ્રારંભિક તબક્કે, તેમને નીચા દબાણના વાતાવરણમાં સુરક્ષિત રાખો. દા.ત. એકાદ સરસ વાર્તામાં તમને સશક્ત ફિલ્મની ભારે શક્યતા જણાય, તો તેની સાથે પ્રયોગ કરો. જરા રમતિયાળ છેડછાડ કરી જુઓ. એનું લોકેશન બદલી જુઓ- ચંદ્ર કે મંગળ ઉપર લઈ જાવ....પાત્ર-ઘટના ઈતિહાસ સમજીને કંઈક નવું ઉમેરો. રસપ્રદ બનાવો.. પાત્રોને મૂંગાં પણ કરી જુઓ એવો સીન કલ્પો. અથવા અન્ય કલાપ્રકારોમાં એને લઈ જવાનું સાહસ કરી જુઓ. રોમાન્સ સ્ટોરીને મર્ડર મીસ્ટ્રીમાં ફેરવો. આવું કરવામાં, આ તબક્કે કોઈપણ પ્રયોગ કે વિચાર ધૂની કે ગાંડપણભર્યો નથી હોતો કે જેને અમલમાં ન મૂકી શકાય. આડેધડ પ્રયોગ કરવાથી તમારી કલ્પનાને ઉત્તેજિત કરવાનું બનશે અને તમે જોશો કે તમારી પેશનને મૌલિક રીતે શું જગાડી જાય છે. આવા બધા સિદ્ધાંતો-રીતો જ્યારે તમે અન્ય સાથે કામ કરતા હો ત્યારે પણ લાગુ પાડી શકશો. ‘બ્રેઈન સ્ટોર્મીંગ’ બેઠક દરમ્યાન લોકો ઘણીવાર બીજાને શ્વાસ લેવાનો પણ સમય આપ્યા વિના, એકબીજાના મુદ્દાઓને ઉતાવળે તોડી પાડતા હોય છે. પરિણામસ્વરૂપે, એ જૂથચર્ચા સરેરાશ પ્રકારનાં સલામત તારણો તારવીને અટકી જાય છે. એના કરતાં વધુ સારો અભિગમ તો- દરેક વિચારને ‘બેનીફીટ ઓફ ડાઉટ’ આપીને વધુ ચર્ચીને તેને વ્યવહારુ બનાવીને જોવો જોઈએ. ત્યારે જ જે તે વિચારનું સામર્થ્ય કેટલું છે તેનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. વિચાર-સ્વીકૃતિની ઉદારતા, મોકળું મન અને પ્રયોગાત્મકતાના તત્ત્વ ઉપર સર્જનાત્મક સહયોગિતાની સફળતા અવલંબે છે. આ રીતે તમારાં સર્જન-બીજને પોષણ દીધા પછી, આવતો તબક્કો એ વિચારોનું ક્રાફ્ટીંગ અને રીફાઈનીંગ કરવાનો છે.

5. Transform your Ideas in to Reality:
તમારા સર્જનાત્મક વિચારોને વાસ્તવિકતામાં ઢાળો.

સર્જનાત્મક પ્રક્રિયામાં crafting કદાચ બહુ શોભે તેવો શબ્દ નથી, છતાં એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ તબક્કામાં, તમારો વિચાર લઈ તેમાં પ્રાણ પૂરો, તેમાં જીવન ઉમેરો, તેને સ્પર્શગમ્ય –વ્યવહારુ સ્વરૂપ આપો. ક્રાફ્ટીંગ એ મકાન બાંધકામ પ્રક્રિયાની યાદ અપાવે છે, જેમાં દરેક ઈંટ વ્યવસ્થિત ગોઠવાય છે. તમારે બીમકોલમની મજબૂતાઈ, સ્ટ્રક્ચરની આધારભૂતતાની ખાત્રી કરી લેવી પડે. પછી દિવાલ ઉપર ચણાતી જાય તેમ બારીબારણાનાં ચોકઠાં કાળજીથી ગોઠવવાં, સ્થિર રાખવાં અને બધું સંવાદિતાપૂર્વક બરાબર થઈ રહ્યું છે કે કેમ તે જોતા રહેવું....આમ ક્રાફ્ટીંગ જરા જોખમી ને ભયપ્રેરક કામગીરી ખરી. ક્યારેક બહુ ભવ્ય વીઝન તમે મનમાં કલ્પ્યું હોય તેને નક્કર વાસ્તવિકમાં તબદીલ કરવાનું પડકારજનક લાગે. કદાચ તમારે એવું કબૂલવું પડે કે તમારી પ્રારંભિક પૂર્ણ કલ્પનાઓ, તમારી કૃતિમાં બંધ બેસતી ન પણ ઉતરે, તોયે તેનું મૂલ્ય જરાયે ઓછું નથી હોતું. કદાચ એ તમને તમારાં અરમાનોની નજીક પહોંચવા એકાદ ડગલું મદદરૂપ થાય. બેકરીવાળો પણ પહેલી પેનકેક બનાવવા મૂકે યા પહેલો રોટલો તવા પર બનતો હોય તે એટલો સર્વાંગ સુંદર અને પૂર્ણ ન બને કદાચ, પણ પછી નિત્ય પ્રેક્ટીસથી એની અપૂર્ણતાઓમાંથી પસાર થતાં આખરે સ્વાદિષ્ટ વાનગી બની શકતી હોય છે. મહત્ત્વ એ જ વાતનું છે કે તમે કલાત્મક સર્જનનો પ્રયાસ તો કરી રહ્યાં છોને! પછી ભલે ને કચાશ કે અડચણો આવતી. આ પ્રેક્ટીસના તબક્કામાં ડેડલાઇન-સમયમર્યાદા રાખવી ખૂબ ફાયદાકારક થશે, જેથી તમે સાતત્ય જાળવી શકો. આમાં છેલ્લી બાબત તમને કહેવાની રહે છે તે એ કે તમારી કલાને અનંત વાર, વર્ષો સુધી રીફાઈન્ડ કરતા રહેવું જ પડે જ્યાં સુધી તમે એમાં ડૂબી ન જાઓ, તમારી ઓળખ એમાં ઓગાળી ન દો. પ્રેક્ટીસનો સમય અને ડેડલાઈન નક્કી કરો, રીહર્સલ કરો અને તમારામાંથી તમારી સર્જકતા બરાબર વહી નીકળશે તેની ખાત્રી કરો. સભાનતાનો અભ્યાસ અને સર્જનબીજને ભેગાં કરવાની પ્રેક્ટીસ પર પાછા આવો અને ફરીથી નવાં બીજ ઉપર ક્રાફ્ટીંગની પ્રક્રિયામાં જોડાવ.

6. Why Create Art? To Simply Create.
કલા સર્જન શા માટે કરવું? ‘બસ, કલા ખાતર કલા’...

‘કળાનું સર્જન શા માટે કરવું’ તેનો સાદોસીધો જવાબ છે : સર્જવા માટે. કેટલાક દલીલ કરે છે કે કલાનો પણ હેતુ હોવો જોઈએ- પછી તે રાજકીય હોય કે સામાજિક ભલાઈનો હોય. જો આવો હેતુ ઉમદા હોય તોયે તે ક્યાંક તેનું નિશાન ચૂકી પણ જાય છે. ‘કલા ખાતર કલા’નો ખ્યાલ પણ મહત્ત્વનો છે. કલા એના ભાવકોને ક્યાં/કેવી રીતે સ્પર્શે એ કહેવું મુશ્કેલ છે. અને ક્યારેક જો કોઈ હેતુસર, પ્રેક્ષકોની માંગ મુજબ કલાસર્જન કરવું પડે તો તે આંતરિક પ્રેરણા વિનાનું અને મારી મચડીને કરેલું સાબિત થાય છે. સર્જનાત્મક પ્રેરણ કરતાં વ્યાવહારિક જરૂરિયાતમાંથી જન્મેલી કલાકૃતિ મોટેભાગે ખોખલી અને પ્રયત્નપૂર્વક નીપજાવેલી બની રહે છે. ઊલટાનું તો, આપણા કેટલાક ખૂબ પ્રયોગશીલ અને નવીનતા ચાહક કલાકારોએ, તેમનો પ્રારંભિક ઈરાદો એવો હોય નહિ તોયે. એવી કૃતિઓ સર્જી છે જે પાછળથી સામજિક-રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ નીવડી હોય. આમાં ચાવીરૂપ ભૂમિકા, તેમની પોતાની અંદર ઊંડા ઊતરવાની તૈયારી-સર્જનાત્મકતાને સંવારવાની હથોટી અને તેનો સત્વ-તત્ત્વને કેન્વાસ ઉપર અવતારવાની આવડત-ની હોય છે. સર્જક કર્મ એ શરણાગતિનું કામ છે, પોતાની જાત કરતાંયે વધુ શક્તિશાળી ઊર્જાને તાબે થવાની પ્રક્રિયા છે. આવી ઊર્જા આપણા કાનમાં સતત ગણગણાટ કરતી રહેતી હોય છે. બસ, આપણી પાસે એને શાંતિથી સાંભળવાનો સમય હોવો જોઈએ. એ અંદરના અવાજનો એક જ સાદો સંદેશ હોય છે :- ‘ઊઠ, જાગ, સર્જન કર!’

ઉપસંહાર :

કેટલાક મુખ્ય મુદ્દાઓ :

• રુબીન કહે છે કે નવા વિચારો અને અનુભવો પ્રત્યે ખુલ્લું મન રાખો, તમારી જાતને આશ્ચર્યચકિત થવા દો. સર્જનાત્મકતા અંતિમ પ્રોડક્ટની મોહતાજ નથી, એ તો સંશોધન અને તપાસની પ્રક્રિયા છે.
• રુબીન ઉગતા કલાકારોને મુશ્કેલીથી કે ભૂલોથી ન ડરવાની પ્રેરણા આપે છે, પણ ભૂલોને તમારી કેળવણી-તાલીમ અને વિકાસની તક તરીકે લેવાની સલાહ આપે છે. સર્જનાત્મક પ્રક્રિયા અસ્તવ્યસ્ત અને ગુંચવણભરી હોઈ શકે, પણ અપૂર્ણતાઓ અને અણધાર્યાપણાને આલિંગન આપો.
• સર્જનાત્મક પ્રક્રિયા એ આનંદ અને પરિતૃપ્તિનો સ્રોત બની શકે, પણ તે પડકારજનક અને હતાશાજનક પણ બની શકે છે. સર્જનાત્મકતા હંમેશા ફૂલોની પથારી નથી, મહેનતનો માર્ગ છે, કરો એટલું મેળવો.
• સાચા સર્જનાત્મક થવા માટે તમારી અંદરના બાળકને અને રમતિયાળપણાને વ્હાલ કરો...તમારો અહંકાર અને મોટાઈ બાજુ પર રાખી સર્જક પ્રવૃત્તિમાં રમૂજભર્યો આનંદ માણો.
• નવા વિચારો અને અનુભવો પ્રત્યે વિસ્મયભાવ અને ખુલ્લાપણું કેળવવું ખૂબ જરૂરી છે. ઉત્તમ સર્જકો સતત શીખતા અને વિકસતા રહે છે અને દુનિયાને જોવાની નવી રીતો શોધતા રહે છે.
• સર્જક કાર્યનો હેતુ અને કોઈક લક્ષ્ય હોવું જોઈએ. રુબીન વાચકોને પ્રોત્સાહિત કરતાં કહે છે કે તેમણે સર્જનાત્મક કાર્યને તેમનાં વેલ્યૂઝ અને વીઝન સાથે જોડવું જોઈએ.

The Creative Act વાચકોને સર્જનાત્મક પ્રક્રિયા પ્રત્યે અનોખો દૃષ્ટિકોણ આપતું પ્રેરક અને પ્રજ્ઞાવાન પુસ્તક છે. કોઈપણ ક્ષેત્રમાં જે વધુ સર્જનાત્મક બનવા ઇચ્છનારને એમાંથી લેખકની આંતરદૃષ્ટિ સાંપડે છે. જ્યારે તમે તમારી આસપાસના જગત સાથે ટ્યૂનીંગ કરવાનો પ્રયાસ કરો છો ત્યારે તમને ખૂબ સર્જનાત્મક પ્રેરણા મળી રહેતી હોય છે. જ્યારે પણ તમે અટકી જાવ ત્યારે વિધાતાની શક્તિને એક નાનકડા ધક્કા માટે વિનંતી-પ્રાર્થના કરો અને પછી જુઓ તેનું પરિણામ! તમારી સર્જનવૃત્તિને સંકોરી તેની સાથે રમત કરો, પ્રારંભિક બીજરૂપ વિચારોને પોષણ આપી તેને વિકસાવો, ઘાટ આપો. જો સર્જક પ્રક્રિયામાં તમને ભયનો પણ ભેટો થાય તો માનજો કે તમે સાચા માર્ગે છો, પણ તેનાથી ચલિત ન થશો, આગળ ને આગળ વધતા રહો. આ પુસ્તક જેઓ વધુ સર્જનાત્મક બનવા માગે છે તેમણે અવશ્ય વાંચવું જ રહ્યું. રુબીનની દૃષ્ટિ શાણપણભરી, પ્રેરક અને વ્યવહારુ છે. આ પુસ્તક તમને તમારા સ્વ સાથે જોડવામાં સહાયક થશે, પરિસરમાંથી પ્રેરણા લેતાં શીખવશે અને તમારા રસ-શોખને તમારા અસ્તિત્વની અનુભૂતિમાં પલોટશે. આ ઉપરાંત, આ પુસ્તકના કેટલાક વિચારો નીચે મુજબ છે :

• શાંતિનું મહત્ત્વ : સર્જનાત્મકતા માટે શાંતિ, સ્થિરતા, નિરાંત-ઘણાં જરૂરી છે. એ હશે તો જ તમે તમારો ‘ઈનર વોઈસ’ સાંભળી શકશો.
• સહયોગીતાની શક્તિ : લેખક માને છે કે કલા પ્રક્રિયામાં સહયોગીતાથી સર્જકતાને સ્પાર્ક મળે છે.

નોંધનીય અવતરણો :

૧. “સર્જનાત્મકતા એટલે માત્ર કલાકૃતિ બનાવવી એટલું જ નથી, પણ જીવનનો વિસ્મયભાવથી અને ખુલ્લા મનથી સંપર્ક કરવો એ પણ છે.”
૨. “નવા વિચારો અને અનુભવો પ્રત્યે મન ખુલ્લું રાખવું અને પોતાની જાતને આશ્ચર્ય અનુભવવા દેવું એ ખૂબ જરૂરી છે.”
૩. “સર્જન પ્રક્રિયા અવ્યવસ્થાભરી અને ગૂંચવણભરી હોઈ શકે છે, પણ અપૂર્ણતાઓ અને અનિશ્ચિતતાને આલિંગન આપવું જરૂરી છે.”
૪. “સર્જનાત્મક કાર્યનો હેતુ/ઇરાદો પણ હોવો જોઈએ.”