The Art of War

From Ekatra Wiki
Revision as of 00:46, 23 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "__NOTOC__ <center> <span style="color:#ff0000"> {{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} frameless|center <span style="color:#ff0000"> {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br> </span> </center> <hr> {{BookCover |cover_image = The Art of War cover.jpg |title = The Art of War <cente...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



300px|frameless|center


The Art of War

Sun Tzu
Classic military strategy for politics, business, and everyday life.
યુદ્ધકૌશલ્ય અથવા યુદ્ધકળા
સુન ત્ઝૂ
રાજકારણ, બીઝનેસ અને દૈનિક જીવન માટેની ઉમદા સૈન્ય વ્યૂહરચના

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ

વિષયપ્રવેશ :

‘યુદ્ધકળા’ એ પાંચમી સદીમાં ચીનમાં લખયેલ ગ્રંથ છે. સૈન્યની રણનીતિ સંબંધિત નિબંધોનો એ સંગ્રહ છે. માઓ ઝેડોન્ગ અને ડગ્લાસ મૅકઆર્થર જેવા ઘણા વૈશ્વિક નેતાઓએ તેમની વ્યૂહરચનામાં એનો ઉપયોગ કર્યો છે. માત્ર સૈન્ય માટે જ નહિ, પરંતુ સંસ્કૃતિ, રાજકારણ, બીઝનેસ, રમતજગત અને રોજીંદા જીવનમાં પણ અગ્રણીઓએ કેવી નીતિરીતિ અપનાવવી જોઈએ તેનું એમાં સુચારુ માર્ગદર્શન છે.

લેખક પરિચય :

સુન ત્ઝૂ એ ચીની સૈન્ય વ્યૂહરચનાકાર, લશ્કરી સલાહકાર, લેખક અને ફિલોસોફર છે. તેઓ ૨૫૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા હોવાનું કહેવાય છે.

પ્રસ્તાવના :

તમારું ક્ષેત્ર પસંદ કરતાં શીખો અને સારા અગ્રણી બનો. ‘યુદ્ધકળા’ એક અત્યંત અસરકારક નેતૃત્વ માર્ગદર્શક પુસ્તક છે જેનો વિશ્વના મોટા ભાગના નેતાઓ, સેનાપતિઓ સંઘર્ષ, તનાવ કે સ્પર્ધાત્મક સંકટની ઘડીએ ઉપયોગ કરતા હોય છે. પ્રાચીન હોવા છતાં એના વિચારો અને માર્ગદર્શન એટલાં જ પ્રસ્તુત અને ઉપયોગી છે. માત્ર પચાસેક પાનાં જેટલી જ ટેક્ષ્ટ આજે ઉપલબ્ધ છે, જેમાં મુખ્યત્વે રણનીતિની સલાહ છે, જે આધુનિક યુદ્ધવીરોને ખૂબ કામ આવે છે. આ પુસ્તિકામાં તમે જોશો કે—

- પહેલાં તો યુદ્ધ કેવી રીતે ટાળી શકાય?
- યુદ્ધ કરવું જ પડે તો, તેના સારા નેતા કઈ રીતે બની શકાય?
- તમારા હરીફને કંઈ રીતે હરાવી શકાય?

મુખ્ય મુદ્દાઓ :

૧. યુદ્ધ કૌશલ્ય અને તેનો ઐતિહાસિક સંદર્ભ :

અઢી હજાર વર્ષ પૂર્વે ચીનનાં વિવિધ રજવાડાંઓ અંદરોઅંદર ખૂબ લડતાં રહેતાં હતાં સુન ત્ઝૂ એક કુશળ અને વિજેતા સેનાપતિ અને સમર્થ રાહબર હતો. તેણે એના અનુભવો અને યુદ્ધાભ્યાસને આધારે આ નિબંધો લખ્યા હતા. આ પુસ્તિકામાં ૧૩ પ્રકરણો છે. જેમાં ગદ્યાત્મક લખાણને બદલે બુલેટ પોઈન્ટ્સથી અગત્યની વ્યૂહરચનાઓ સૂચવેલી છે. તેઓ કહે છે કે તમારે તમારું (યુદ્ધ કે કાર્ય)ક્ષેત્ર યોગ્ય પસંદ કરવું જોઈએ અને લડ્યા વિના જ જીત મળે તેવી રણનીતિ અખત્યાર કરવી જોઈએ. યુદ્ધનો પહેલો નિયમ એ છે કે તમે એના વિશે કશી વાત ન કરો. તમારાં આયોજનો અને યોજનાઓને અંધારામાં જ રાખો, અને જયારે તમે તેને અમલમાં મૂકો ત્યારે તૂફાનની જેમ તૂટી પડો. આ ૧૩ પ્રકરણોમાં આવા આવા મુદ્દાઓ સમાવિષ્ટ છે: યુદ્ધનું આયોજન, તેમાં સંયમપૂર્વક સંચલન, સંયુકત મોરચાના પાંચ સ્તંભો, તમારી પોઝીશનની સુરક્ષા, મોરચા ઉપર પણ સર્જનાત્મકતા ખીલવવી, બદલાતી પરિસ્થિતિનો ઝડપી પ્રતિભાવ, સીધા હુમલાનાં ભયસ્થાનો, સ્થિતિસ્થાપકતાની જરૂરિયાત, હરીફોના ઈરાદાઓની જાણકારી અને તેનું અર્થઘટન, પ્રતિકારનાં ૩ ક્ષેત્રો, પ્રચાર કે અભિયાનનાં ૯ સ્તરો, શસ્ત્રોનો સુયોગ્ય ઉપયોગ, માહિતીનો સદુપયોગ ઇત્યાદિ. આ પુસ્તકનાં શીર્ષકમાં બે વિરોધાભાસી શબ્દો સાથે મૂક્યા છે : Art અને War. યુદ્ધ અને કૌશલ....એક પક્ષે યુદ્ધ એટલે સંહાર, વિનાશ. સંઘર્ષમાં, યુદ્ધમાં તમારો હાથ કઈ રીતે ઉપર રહે તેનાં સૂક્ષ્મ અવલોકનો ને લક્ષણો જણાવતાં લેખક કહે છે કે ‘કેટલીકવાર તો તમારા વિરોધી કે શત્રુને ખબર પણ ન પડે તે રીતે તેને જીતતા જાવ, તેને માર્યા વિના તમારી વિજયયાત્રા ચલાવતા જાવ, તેને માર્યા વિના તમારી વિજયયાત્રા ચલાવતા જાવ એ સફળ યુદ્ધકળા છે. એટલે કે તમારી રણનીતિને અજ્ઞાત અને અભેદ્ય બનાવો. લેખક સુન ત્ઝૂ ચીની હોવાને લીધે, પ્રથમ નજરે તો તમને આ પુસ્તક ચીની સૈન્ય અને ઈન્ટેલીજન્સ ઓપરેશન્સ અંગેનું લાગશે, પણ તમે ઊંડાણથી વાંચતા જશો તેમ આધુનિક રણનીતિઓ અને તેનો ઐતિહાસિક તથા સમકાલીન વૈશ્વિક સંઘષો સાથેનો અનુબંધ રચાયેલો જોવા મળશે. તેમ છતાંયે, તાત્ત્વિક રીતે જોઈએ તો, આ પુસ્તક તમને જીવનમાં આવતી દરેક સંઘર્ષમય પરિસ્થિતિમાં કેવાં વ્યૂહાત્મક પગલાં લેવાં જોઈએ તેનું પણ માર્ગદર્શન આપશે. વાસ્તવમાં યુદ્ધકલા એ આક્રમણ, ચડાઈ, લડાઈ, સંહાર કે વિનાશ વિશે નથી, પરંતુ જ્ઞાનના સ્વામી કે માહિતીના માલિક બનવા વિશેનું છે.

૨. (જ્ઞાન કે માહિતી) એ જ શક્તિ છે. તેનો ઉપયોગ કરી સ્પર્ધાત્મક લાભ અને વિજય મેળવો.

કોઈપણ દેશે, કોઈપણ બાબતે, કોઈ સાથે યુદ્ધમાં ઊતરવાનો નિર્ણય હળવાશથી કે મજાકમસ્તીમાં લેવાનો હોતો નથી, કારણ કે એનાં સામજિક રાજકીય, આર્થિક પરિણામો બહુ વ્યાપક અને દૂરગામી આવતાં હોય છે. લડવું અને સંઘર્ષરત રહેવું બહુ ખર્ચાળ અને સમય લેનારું હોય છે. તેથી યુદ્ધે ચઢતાં પહેલાં હજારવાર વિચાર કરી લેવો જોઈએ. જયારે કોઈ જ ઉપાય કે વિકલ્પ બાકી જ ન બચ્યો હોય ત્યારે યુદ્ધ એ જ અંતિમ શસ્ત્ર લાગતું હોય ત્યારે જ તે વાપરવું જોઈએ. (‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’-મહાભારત). જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી વાટાઘાટ, શાંતિવાર્તા, સમાધાન જેવાં અહિંસક ઉદ્યમો જ પ્રયોજવા જોઈએ. કારણ કે એક વાર લડવા મેદાને પડ્યા પછી વિવેક, નીતિ, સંયમ, સજ્જનતા બધું અભરાઈએ ચઢી જાય છે. અને દેશે-પ્રજાએ વિનાશ જ વેઠવાનો આવે છે. તેથી તમને પોષાતું હોય તો જ, તમારી પૂરી તૈયારી હોય તો જ રણે ચઢજો, અને તોયે જેમ બને તેમ જલદી યુદ્ધ પૂરું કરવા પ્રયત્ન કરજો. તેમ છતાંયે, જો તમારે યુદ્ધનો અનિવાર્ય આશરો લેવો જ પડે તો તમારે ઘણી ગણતરીઓ, આયોજનો માંડવાં પડશે : નૈતિક કાયદો, સ્વર્ગ, ધરતી, કમાન્ડર, અને અંતે યુદ્ધની પ્રવિધિ અને સૈન્ય શિસ્ત ઈત્યાદિ. જો દરેકનો નૈતિક આંક સમાન હશે તો આપણે એક શ્રદ્ધેય નિમિત્તને અનુસરવું પડશે. બહુ જ આત્યંતિક છેડે, આ બાબત તમને ISIS અને BoKo Haram જેવાં જેહાદી, ઉદ્દામવાદી જૂથોમાં જોવા મળશે. જો તમે એવા કોઈ ઝનૂની ધ્યેયમાં ન માનતા હશો કે તમે ક્યા હેતુ માટે લડો છો તે તમને પાક્કું ન હશે તો લડવાનું અને જીવને-જગતને જોખમમાં મૂકવાનું કોઈ પ્રેરણ-પ્રયોજન રહેશે નહિ... સ્વર્ગનું તત્ત્વ, દિવસ-રાત, ઋતુચક્ર-હવામાન વગેરે જોડે સંબંધિત છે. ધરતીનું પાસું એટલે યુદ્ધભૂમિ, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, વર્તમાન સંદર્ભે ઈન્ટરનેટ અને ડીજીટલ સ્પેસ. કમાંડર એટલે એવી વ્યક્તિ જે યુદ્ધનાં મૂલ્યો લઈને ચાલનાર કે ધારણ કરનાર હોય અને તેની હેઠળના તમામ લોકોને તે શાણપણયુક્ત માર્ગદર્શન આપતો હોય જો આ યુદ્ધનાયકનું નેતૃત્વ જ નબળું કે બિનઅસરદાર હશે તો નિષ્ફળતા નિશ્ચિત છે. અંતે યુદ્ધ પ્રવિધિ અને શિસ્ત એટલે યુદ્ધમાં સામેલ દરેકને તેની ભૂમિકા, જૂથકાર્ય અને તેના હિતમાં જ કાર્ય કરવું તે છે. આપણે એકવાર આ પાંચ પરિબળો સમજી લઈએ પછી આપણે યુદ્ધના સંચાલન અને પરિણામ અંગે ગણતરીઓ માંડવી પડશે. તો ચાલો, શરુ કરીએ : કયા પક્ષે નૈતિકતાનું પલ્લું ભારે છે? દા.ત. આપણે કોઈ વિશિષ્ટ રમતના દૃષ્ટિકોણથી વિચારીએ તો, ઘણીવાર કોચ તેની ટીમને પ્રેરણા આપતો જણાશે કે તેની ટીમે જીતીને શું મેળવવાનું છે અને શું ગુમાવવાનું છે? સામાન્ય રીતે જે સૌથી ભૂખી ટીમ અને વધુ નૈતિક કાનૂનવાળી ટીમ હશે તે જીતશે. હવે પ્રશ્ન થશે કે કયા પક્ષે વધુ સારા, કુશળ સેનાપતિ કે માર્ગદર્શક હશે? કયા પક્ષે ભૌગોલિક અને વાતાવરણલક્ષી અનુકૂળતાઓ વધુ હશે? ફરીથી રમતની ટીમનું જ ઉદાહરણ લઈએ : જે ટીમ પોતાના (પ્ર)દેશમાં, પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર રમી રહી હશે તેનો જુસ્સો અને જનજુવાળ કંઈક નોખો જ હશે, તેથી તેનો હાથ ઉપર રહેશે, પરંતુ જે ટીમ વધુ શિસ્તબદ્ધ, આક્રમક અને છતાં વ્યવસ્થિત રમતી હશે, જેની તાલીમ, કૌશલ્ય અને શક્તિ-સાતત્ય ચઢિયાતાં હશે તે ટીમને તેનો લાભ અવશ્ય મળશે. આમ રમત હોય કે યુદ્ધ, તેના જય-પરાજય માટે આવાં પાસાંઓ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ ઉપરાંત લેખક સુન ત્ઝૂ વળી કંઈક નવું કહે છે કે – ‘બધી યુદ્ધકીય બાબતો છેતરપીંડી કે દગા ઉપર આધારિત હોય છે.’ બીજા વિશ્વયુદ્ધની એક પ્રખ્યાત લોકોક્તિ છે કે ‘બેદરકારીપૂર્ણ વાતચીત વણ અનેકોના જીવ લઈ શકે છે.’ –એ અહીં પણ લાગુ પડે છે. કારણ કે ‘જ્ઞાન(માહિતી)એ જ શક્તિ છે.’ તમે યુદ્ધ માટે તૈયારી વગરના છો, અવ્યવસ્થિતતા કે અતંત્રતાની સ્થિતિમાં છો એવો દેખાવ કરો, અને તમારા પ્રતિસ્પર્ધી કે શત્રુને છેતરો, ગુસ્સે કરો, ઉત્તેજિત કરો, અને એમ કરવામાં તેની નબળાઈઓ શોધી કાઢો. તમે તાલીમ દરમ્યાન પણ એવો દેખાવ કરો કે જાણે તમે થાકી ગયા છો, આરામ કરી રહ્યા છો, સતત તૈયારી નથી કરતા...તમને આ સ્થિતિમાં જોવાથી શત્રુનો ખોટો આત્મવિશ્વાસ ને અહંકાર મોટો થશે, જે તમારી જીતનું કારણ બનશે. હવે તમે જરા ભૂતકાળમાં જઈને વિચારો કે ક્યારેક તમે કોઈ દલીલમાં હારી ગયા હો, ઇન્ટર્વ્યુમાં ગભરાઈ ગયા હો, રમતમાં હારી ગયા હો, કોઈ સોદો કરવામાં નિષ્ફળ ગયા હો—આવું બધું થવાનું કારણ તમારી પૂર્ણ તૈયારીનો અભાવ હતો કે અન્ય કોઈ પરિબળ હતાં? વિજય/જીતનું પહેલું પગથિયું છે - તમે તમારી જીતને, તમારા પક્ષને ઓળખો. શત્રુ/હરીફને બરાબર જાણી લો. તમારું અને અન્યોનું પ્રામાણિકતાપૂર્વક સમીક્ષાત્મક મૂલ્યાંકન કરો અને તે મુજબ આગળ વધો, તો યુદ્ધમાં કે રમતમાં અને જીવનમાં તમે જરૂર સફળ થશો.

૩. તમારા હરીફ/ શત્રુને ઓળખો :

આ પુસ્તકનો સૌથી મહત્ત્વપૂર્ણ સંદેશ કે પદાર્થપાઠ સામેના હરીફને બરાબર ઓળખવાનો છે. એની સાથે જ તમે તમારું પોતાનું અને હરીફનું મૂલ્યાંકન બરાબર કર્યું હશે તો તમારે યુદ્ધના પરિણામથી ડરવાની જરૂર નથી. જો તમે તમારી પોતાની મહત્તા કે મહાનતામાં જ રાચતાં રહેશો, પણ શત્રુનો બરાબર તાગ નહિ મેળવો તો તમે જીતવા છતાં હારેલા જ ગણાશો. જો તમે શત્રુપક્ષનું યોગ્ય યથાતથ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા તો તમારે યુદ્ધને અંતે શરણાગતિ જ સ્વીકારવી પડશે. માટે સહેલાં યુદ્ધો પહેલાં જીતી લો. એટલે કે લડ્યા વિના જેટલું જણાય એટલું જાણી લો. શત્રુનું ઈનસાઈડર નૉલેજ મેળવી લો. સુન ત્ઝૂ જાસુસી, મનોવૈજ્ઞાનિક વૉરફેર કે સૉફ્ટ પાવરના નિષ્ણાત હતા. આજે તો જાસૂસી એક ઉદ્યમ અને ઉદ્યોગ બની ગયો છે. ઈન્ટરનેટ, સેટેલાઈટ જેવાં વૈજ્ઞાનિક ઉપકરણોથી દુનિયાનો ખૂણેખૂણો ખોળી શકાય છે. તો પછી હરીફના લાભાલાભનાં પાસાંઓ શોધી કાઢો. પછી ‘આઉટ ઓફ બોક્ષ’ વિચારો અને તમારાં માહિતી સંસાધનોને સાચવો. તો ચાલો, હવે આપણે માર્ક ઝૂકરબર્ગ, ઇવાન સ્પાઈજેલ અને બોબી મરફી જેવાનાં ઉદાહરણ લઈએ. માર્ક ઝૂકરબર્ગે લોસ એંજલસ જઈને સ્પાઈજેલ અને મરફીને ૩ બીલીયન ડૉલરમાં સ્નેપચેટ ખરીદી લેવાની ઑફર આપી, જેનો સામેની પાર્ટીએ અસ્વીકાર કર્યો. ઝૂકરબર્ગે માહિતી મેળવવા દબાણ કર્યું, પણ કાંઈ ન વળ્યું. તો પછી ઝૂકરબર્ગે જાહેરાત કરી કે પોતે એક એવું પ્લેટફોર્મ (Poke) લોન્ચ કરશે અને પેલાઓને જણાવ્યું કે Facebookનું વજન જ તેમને કચડી નાખશે. તો પણ સ્પાઈજેલ-મરફી ઝૂકરની સામે ઝૂક્યા નહિ. પોતાની ભૂમિકા ઉપર અડગ રહ્યા. ઝૂકરબર્ગના ગયા પછી સ્પાઈજેલે આ પુસ્તક The Art Of Warની નકલો ખરીદીને તેની ઓફીસના દરેક કર્મચારીને આપી...આજે હકીકત એ છે કે Snapchat બીલીયન ડોલર કંપની તરીકે ટકી રહી છે... આ બતાવે છે કે તેણે તેના હરીફને બરાબર ઓળખી લીધો હતો અને તેઓ હંમેશા તત્પરતાની દશામાં જ રહેતા હતા. Apple કંપનીએ Think Different અભિયાન ચલાવ્યું. તેનો હેતુ અન્યો જોડે સ્પર્ધા કરવાનો નહિ, પણ પોતાને માટે એક નવું જ ગેઈમ પ્લેટફોર્મ સર્જવાનો હતો. એક પર્સનલ કમ્પ્યૂટર કંપની કરતાં તેની પાર જવું હતું તેમને, Cue the ipod, iPad, Apple Watch અને ઘણું બધું. Spotifyનું પણ એવું જ. તે માત્ર એક સાદી મ્યૂઝીક કંપની જ ન બની રહેતાં ઓડીયોને લગતી તમામ ચીજોની one-stop shop બનવા માગતા હતા...આજે તમે એનું પરિણામ જોઈ શકો છો. કે spotify એટલે મ્યૂઝીકને લગતું બધું જ હોય ! તો આ છે, સ્પર્ધાને કે યુદ્ધને દૂર રાખવાનું પહેલું પગથિયું : તમે તમારું નવું જ ક્ષેત્ર શરુ કરો....એવામાં જાવ, જ્યાં તમારો કોઈ હરીફ નથી, તમારી જ મોનોપોલી હોય અને તમે ક્ષિતિજ-પારનું વિચારી શકતા હો. તો વાચકમિત્રો, ‘હરીફને જાણવો એટલે, તમે જે ચીજ કે હેતુ માટે લડો છો તેનો નાશ કર્યા વિના, હરીફને કેવી રીતે પરાસ્ત કરવો’ એમ પણ થાય છે. તમારે આવો વિજય મેળવવા તેની કિંમત પણ ચૂકવવી પડે છે. વસ્તુનો નાશ કર્યા વિના તેને પુનઃ કબજે કરી લેવી એ વધુ સારું છે. આથી હવે તમારે યુદ્ધ/રમત/વેપારમાં શું કરવું જોઈએ તેનો ડહાપણભર્યો નિર્ણય તમારા હાથમાં છે.

૪. તમારા યુદ્ધો અને આયુધોને ઓળખો :

તમે પેલી જૂની કહેવત સાંભળી છે ને?— ‘વાંદરાંને પટાવી પટાવીને હળવેથી ફસાવો.’ યુદ્ધમાં અને યુદ્ધકળામાં ઉપર ઊઠવાની તક મેળવવા ધીરજથી રાહ જોવાનું પણ અગત્યનું છે. ઘણીવાર શત્રુની ભૂલ પણ આપણી જીતનું કારણ બની જતી હોય છે. આથી મુદ્દો એ છે કે આક્રમણની તક ન મળે ત્યાં સુધી ડીફેન્ડ કે સ્વ-બચાવ કરતા રહો. લેખક કહે છે : ‘હારની સામે તમારે સલામત રહેવું હોય તો સ્વ-રક્ષાત્મક પ્રવૃત્તિઓ-પ્રયુક્તિઓ પ્રયોજતા રહો અને શત્રુ ક્યાં ભૂલ કરે છે તે શોધતા રહો, તેના ઉપર વાર કરવાની વારી જોતા રહો. ટૂંકમાં, શત્રુના સામર્થ્ય કરતાં તેની નબળાઈ જાણી લો એટલે તમારું કામ સરળ થશે. યુદ્ધકળાની આવી બધી વ્યૂહરચના અનુસરવા માટે પણ ખૂબ શક્તિ-સામર્થ્ય અને ધૈર્યની જરૂર પડે છે. શત્રુ ઉપર આક્રમણ કરવા માટે પ્રચંડ તાકાત, શિસ્ત અને ઊર્જા જોઇશે. અહીં શીખવા જેવી બાબત એ છે કે આપણે ઓછામાં ઓછી ભૂલો કરવી અને શત્રુની ભૂલો પર ખાસ ધ્યાન આપવું. આખરે તો, સર્જનાત્મક વ્યૂહરચના કરીને યુદ્ધને ગતિમાં લાવવું અગત્યનું છે. શ્રેણીબદ્ધ રણનીતિ ઘડવી, જે તે તબક્કાવાર ઓપરેશન્સ પાર પાડવાં, ખૂબ સતર્કતાથી એક એક કદમ ભરવું - આ બધામાં કાબેલ નાયકની કસોટી થાય છે. તેણે એ પણ સતત જોતા રહેવું પડે છે કે હાલ ચાલી રહેલાં ઑપરેશન્સમાં કયા પક્ષનો હાથ ઉપર છે. કોણ કઈ પોઝીશનમાં ક્યાં છે, તમે કોની ભૂમિ ઉપર લડી રહ્યા છો? હોમ ગ્રાઉન્ડ શત્રુનું છે કે તમારું? બંને પક્ષોની તૈયારી કેવી છે? યુદ્ધમાં નિયંત્રક અને નિર્ણાયક ભૂમિકા કોની ચાલી રહી છે? એમાં તમારી વ્યૂહરચના કેવી રહેશે? તે સફળ થશે કે ઊંધી પડશે? જો ઊંધી પડતી લાગે તો તરત તેને રોકવા/બચાવવા કેવાં પગલાં લેશો?—આવી અસંખ્ય બાબતો ચાલાક, સતર્ક, સચોટ દીર્ઘદૃષ્ટિપૂર્ણ સેનાનાયક/ટીમ લીડર/કેપ્ટનના કાર્યક્ષેત્રમાં આવતી હોય છે.

૫. તમારી ભૂલો/ક્ષતિઓને મૂલવો :

તમે તમારી ભૂલોનું પણ પૃથક્કરણ-મૂલ્યાંકન-સમીક્ષા કરતા રહો. જેથી તે પુનરાવર્તિત ન થાય. તમે પરિસ્થિતિ પ્રમાણે સુધારા-વધારા કરતા રહો. વિવિધ વ્યૂહરચનાઓના લાભાલાભ સમજનાર સેનાપતિ જ તેની સેના પાસે યોગ્ય કામ લઈ શકશે, સેનાને યોગ્ય દોરવણી આપી શકશે. જે લોકો (આત્મ)સંતોષ અને આરામની સ્થિતિમાં પડ્યા હોય છે તે ઊંઘતા ઝડપાય છે. અને પછી હારનો સ્વાદ ચાખે છે. ચતુર નાયક તેમના ખોળામાંથી કે પરાજયના પારણામાંથી વિજયબાળ છીનવી લાવે છે. પોતાની નબળાઈઓને જાણવી અને દુર્ઘટના માટે માનસિક તૈયારી રાખવી એટલે તમારા ઉપર અચાનક આવી પડનારી આપત્તિ કે વિનાશને વેઠવાનો, એનો સામનો કરવાનો માર્ગ ખુલ્લો રાખવો તે છે. લેખકે યુદ્ધનાયકની પાંચ નબળાઈઓ તારવી બતાવી છે :- અવિચારીપણું, કાયરતા, ક્રોધિત સ્વભાવ, પોતાના આત્મસન્માન માટે વધુ પડતો સંવેદનશીલ, વધુ પડતો બિનજરૂરી ચિંતાશીલ... હવે તમે વિચારો કે આમાંથી કઈ નબળાઈઓ છે અને તમે તેને દૂર કરવા શું કરી શકો એમ છો?

૬. તમારી યુદ્ધભૂમિ/રણક્ષેત્રને ઓળખો :

જ્યાં તમે લડવા જઈ રહ્યા છો તે રણભૂમિને ઓળખ્યા વિના તમે યુદ્ધમાં ઉતરી જ ન શકો. દા.ત. વિયેતનામ વૉર. વિયેત કોંગને તેમની ગૃહયુદ્ધભૂમિનો ભારે લાભ થયો. તેમણે આસપાસની ભૌગોલિક અને પર્યાવરણીય પરિસ્થિતિનો તેમના વિજય માટે સરસ ઉપયોગ કર્યો. ગેરિલા યુદ્ધકલા અપનાવી. શત્રુને ખબર જ ન પડે કે લડનાર ક્યાં છૂપાયો છે અને અચાનક આક્રમણ આવી પડે. વધુમાં, હો ચિ મિન્હ ટ્રેઈલનું નિયંત્રણ કરી તેમણે શત્રુનો સૈન્ય પૂરવઠો અને તેની હિલચાલ બંનેને રોકી દીધાં હતાં. જો તમે ત્યાંના પર્યાવરણને, સ્થાનોને બરાબર જાણતા હો તો જ અચાનક છાપો મારી શત્રુને ઊંઘતા કે આરામ ફરમાવતા ઝડપી શકો, છટકાં ગોઠવી શકો. છૂપાવાનાં સ્થાન શોધી શકો. લેખક કહે છે કે, શત્રુ જયારે તદ્દન નજીક હોય અને શાંત જણાય તો એ પોતાની નેચરલ પોઝીશન ઉપર મદાર રાખી રહ્યો છે એમ સમજવું. તેમ છતાં, જયારે શત્રુ તમને સામે દેખાતો હોય તો એની બોડી લેંગ્વેજ બરાબર જોજો. એ કેવી હિલચાલ કરે છે. ક્યાં જુએ છે, કેવો હરેફરે છે, શું વિચારે છે એનો પણ તમને અંદાજ આવી જશે. જો એને કશે પાણી દેખાય અને એ તરસ્યાની જેમ પીવા માંડે તો જાણવું કે એની પાસે રાખેલું પાણી ખલાસ થઈ ગયું છે. અથવા એની છાવણીમાં પાણીની તંગી હશે. એની ચાલ જોજો - એ સ્વસ્થ છે કે ઘવાયેલો છે તે ખબર પડશે. શત્રુઓ પરસ્પર કેવી રીતે વાતચીત કરે છે તે પણ કંઈક માહિતી આપી જશે. તેમની વચ્ચે એકરાગિતા અને શિસ્ત છે કે ફાટફૂટ છે તે પણ જણાશે. યોગ્ય તાલીમબદ્ધ શિસ્તપૂર્ણ સૈનિકો પોતાની વચ્ચેનું સૈન્યશિસ્ત ક્યારેય તોડતા નથી. લેખક કેટલીક સલાહ પણ આપે છે કે સેનાનાયકે, કેપ્ટને તેના સૈનિકો, અધિકારીઓ, સાથીઓ, કર્મચારીઓને પોતાનાં બાળકોની જેમ ગણવાં જોઈએ, તો જ એ તમારા આજ્ઞાંકિત રહેશે. મરતે દમ તક તમારા સાથ છોડશે નહિ. જો તમે વધુ પડતા દખલગીરીયુક્ત નાયક બનવા જશો તો તમારા સૈનિકો વંઠેલાં છોકરાં જેવું વર્તન કરશે, તમને કરશે, તમને વફાદાર રહેશે નહિ.

૭. લોકોને જાણો, તેનો લાભ લો :

માહિતી, જાણકારી કે જ્ઞાન એ શક્તિ ગણાય છે, પરંતુ પૂર્વમાહિતી કે આગોતરું જ્ઞાન વધુ શક્તિશાળી છે. માટે તમારે કોઈપણ બાબતની પૂર્વમાહિતી અગાઉથી અને ઝડપથી કેવી રીતે મેળવી લેવી તે પણ શીખવું જોઇશે જેમને Game of Thrones ખબર છે તેમને નાની આંગળીની ભૂમિકા વિશે ખ્યાલ હશે જ. તમારી પાસે વિશ્વાસુ જાસૂસોનું વિશાળ નેટવર્ક હોવું જોઈએ, જે તમને બધી માહિતી, શત્રુની હિલચાલની જાણકારી તેની વ્યૂહરચના વિશે અગાઉથી બતાવી દેશે, જે તમને વિજયની વધુ નીકટ લઈ જશે. લેખકે જાસૂસના પણ વિવિધ પ્રકારો આપ્યા છે : સ્થાનિક જાસૂસ, આંતરિક જાસૂસ, તબ્દીલ જાસૂસ, સજાપ્રાપ્ત જાસૂસ, બચી ગયેલા જાસૂસ વગેરે...જો તમારી પાસે આવા બધા જાસૂસોનું સુયોજિત નેટવર્ક હશે તો એ Divine Manipulation of Threads ગણાશે. તમે વિવિધ માહિતીતંતુઓનો તાણો-વાણો બરાબર ગોઠવી વસ્તુ કે પરિસ્થિતિનો હૂબહૂ તાગ કે ચિત્ર મેળવી શકશો એની ખૂબ મોટી તાકાત તમને મદદકર્તા નીવડશે. બીજા વિશ્વયુદ્ધમાં આ વસ્તુ ખૂબ સામાન્યપણે જોવા મળી હતી. તમને ખબર હશે કે રોનાલ્ડ ડહલ નામનો બાળ-સાહિત્ય લેખક પણ એક જાસૂસ હતો. તેને ઘવાયા પછી વોશિંગ્ટન DC મોકલાયો હતો અને તેને મહત્ત્વના સામજિક પ્રસંગોએ તેણે સાંભળેલી, જોયેલી વિગતો આપવાનું સોંપાયું હતું. પછી તેને પુનઃ બ્રિટિશ સીક્યૂરીટીઝમાં બોલાવી લેવાયો હતો. નાયકે એ પણ યાદ રાખવાનું છે કે શત્રુસૈન્ય પાસે પણ તેના જાસૂસો છે અને તેઓ પણ તમારી માહિતી મેળવવા સક્રિય હોય છે. એવા જાસૂસો પકડાય તો તેને ડરાવી, ધમકાવી, લાંચ-લાલચ આપી યેનકેન પ્રકારે પોતાના પક્ષમાં પણ લઈ લેવાય છે. લેખક સુન ત્ઝૂને પણ જાસૂસી ઘણી ગમતી. આજના યુગમાં તો કોર્પોરેટ જાસૂસી-ડેટા, માર્કેટ રીસર્ચ, બીઝનેસ ઇન્ટેલિજન્સ વગેરેનો પણ ખૂબ ઉપયોગ થાય છે. ધંધાના હરીફને જીતવા માટે તમે લાંબુ માર્કેટીંગ અભિયાન ચલાવી શકો છો? લેખક કહે છે-‘Speed ઇસ the essence of War’- ‘ઝડપ-ત્વરિત એક્શન ટાઈમીંગ પણ એટલું જ અગત્યનું છે. શત્રુના અણધાર્યા સમયે જ ઝડપથી તેના ફીલ્ડમાં ધસી જઈ હુમલો કરી દો. તમે તમારી તક ઝડપી લો.

૮. સારા સેનાનાયકનાં લક્ષણો :

લેખક હવે સારા નાયક અને નેતૃત્વનાં લક્ષણો જણાવે છે : આપણે બીઝનેસની વ્યૂહરચના અને યુક્તિપ્રયુક્તિ પણ જાણવી ઘટે. ‘સારો નેતા બળજબરીથી નહિ, પણ પોતાના ઉદાહરણથી જ નેતૃત્વ કરે છે.’ આ માટે તેની પાસે અનુભવનું ભરચક ભાથું જોઇશે. એ તેને ડહાપણભર્યા નિર્ણય લેવાની દીર્ઘદૃષ્ટિ આપશે. હવે શું આવી રહ્યું છે તે જોવાની કુશળતા જોઇશે. આવનારાં પરિવર્તનો પ્રત્યે ઝડપથી પોતાની વ્યૂહરચના તેણે ગોઠવવી પડશે. તેનામાં soft skills પણ જોઇશે. દયા, પ્રેમ, કરુણા, સહાનુભૂતિ, સમસંવેદનશીલતા, જેવા માનવીય ગુણો વિના તમે સફળ ન થઈ શકો. હા, એમનો ક્યાં, કેવો વિનિયોગ કરવો એ વિવેક એણે વિચારવાનો રહે. એણે કડક અને શિસ્તપ્રિય તો રહેવાનું હોય જ. પોતાની જાત સાથે પણ અને અન્ય સાથે પણ. ટીમ પાસે તેણે ઉચ્ચ પર્ફોર્મન્સ લેવાનું છે તો શિસ્ત, સંયમ, સંવેદનશીલતા શીખવવાં પડે. સારું કામ કરનારને પ્રશંસા ને પ્રેરણા આપવાની પણ જરૂર હોય છે.

સમાપન :

લેખક યુદ્ધવિજયના પાંચ-સાત માર્ગો બતાવે છે :

૧. યુદ્ધ ક્યારે કરવું અને ક્યારે ન કરવું તે સમજો.
૨. જીતવું એટલે બંને સૈન્યની નબળાઈ-સબળાઈ જાણવી.
૩. યુદ્ધનો હેતુ અને વૈશ્વિક નૈતિક કાનૂન જાણવો.
૪. અચાનક ગેરિલા પદ્ધતિથી છાપો મારવો.
૫. સર્વોચ્ચ સત્તાધીશો દ્વારા નહિ, પણ સૈન્યના આંતરિક યુનિટથી યુદ્ધ જીતાય છે.
૬. એકવાર વિજય મેળવો પછી તમે એ કેવી રીતે મેળવ્યો તે ગુપ્ત રાખજો. શત્રુને એ વિશે અનુમાન કરતા જ રાખવા, કારણ કે તમે બીજીવાર એ જ પ્રયુક્તિથી જીત ન પણ મેળવી શકો.
૭. બને ત્યાં સુધી રણભૂમિનું યુદ્ધ ટાળો, લડ્યા વિના શત્રુની નબળાઈ જાણી, out of box વિચારી તમારું પોતાનું રણક્ષેત્ર સર્જો અને શત્રુને પાછળ પાડી દો.

અવતરણક્ષમ વિધાનો :

૧. ‘શત્રુને લડ્યા વિના શાંત કે નીચો પાડી દેવો એ ઊંચામાં ઊંચી યુદ્ધકલા છે.’
૨. ‘જો તમે તમારી જાતને અને શત્રુને બરાબર જાણતા હશો તો તમારે સો યુદ્ધૌના પરિણામથી ડરવાની જરૂર નથી.’
૩. ‘જો તમે તમારી જાતને/પક્ષને જ જાણતા હશો અને શત્રુને જાણતા ન હશો, તો તમારા દરેક વિજયને હાર સહન કરવી પડશે. જો તમે તમારા પક્ષને કે શત્રુને ન જાણશો તો તમારે દરેક યુદ્ધમાં શરણાગતિ સ્વીકારવી પડશે.’
૪. ‘બધી યુદ્ધકળા છેતરપીંડી/દગા ઉપર આધારિત છે.’
૫. ‘યુદ્ધની જરૂર જ ન પડે તે મોટામાં મોટો વિજય છે.’
૬. ‘તમે સબળ-સશક્ત-સમર્થ હો ત્યારે નબળા દેખાવાનું રાખો, અને ખરેખર નબળા હો ત્યારે સશક્ત હોવાનો દેખાવ કરો.’
૭. ‘અવ્યવસ્થા અને અંધાધૂંધીની વચ્ચે પણ કોઈક તક તો રહેલી જ હોય છે.’
૮. ‘વિજયી સેનાપતિ યુદ્ધ લડ્યા પહેલાં જ મનમાં અનેક ગણતરીઓ કરી લે છે. આવું ન કરનાર સેનાપતિ પરાજયને પામે છે.’
૯. ‘તમારી સામે આવતી તકોને તમે ઝડપવા માંડો તો એ ગુણાકારમાં વધતી આવી મળશે.’
૧૦. ‘સૌથી મોટામાં મોટો વિજય, જાત ઉપરની જીતનો છે.’

લેખક સુન ત્ઝૂનાં આવાં અવતરણો તેના વ્યૂહાત્મક સિદ્ધાંતો સૂચવે છે, જે માત્ર યુદ્ધમાં જ નહિ, પણ જીવનના વિવિધ પાસાંઓ-રમત, બીઝનેસ, નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ વેગેરેમાં ઉપયોગી થાય તેવાં છે. ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આ યુગમાં પણ આ પુસ્તિકાનું એકાદ પાનું પણ વાંચશો તો તે ખૂબ ઉપયોગી થશે. તમે યુદ્ધમાં ધૈર્ય, આકસ્મિકતા, અદૃશ્યપણું, અનિશ્ચિતતા, બિનપૂર્વધારણા, પૂર્વમાહિતી વગેરેની તાકાતનો પરચો પામી શકશો. વિજય ત્યારે જ મળે, જયારે તેની દરેક વ્યક્તિ એક સમાન શિસ્ત, માન્યતા, ઈથોસ, પ્રતિબદ્ધતા, પૂર્ણ ધ્યેયનિષ્ઠાથી એમાં જોડાયેલી હોય. આથી યુદ્ધમાં ઉતરતાં પહેલાં આ વસ્તુઓ ચકાસી લો, તે રીતે ટીમને તૈયાર કરો.... અને અંતે, અતિ મહત્ત્વપૂર્ણ વાત તમારે તમારા શત્રુને જાણવો હોય અને યુદ્ધમાં તમારો હાથ ઉપર રાખવો હોય તો, તેમને કહેતા નહિ કે તમે The Art Of War વાંચીને આવ્યા છો !