ચિત્રદર્શનો/તાજમહેલ

From Ekatra Wiki
Revision as of 01:16, 24 May 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
૯, તાજમહેલ

આ એ જ શું મંડપ નિત્યલગ્નનો?
કે ભસ્મરાશિ પિયુ પ્રેમલગ્નનો?
આ તાજ શું એ મુમતાજનો? સખે!
કે સ્નેહના પંખીની વાસયષ્ટિ એ?

પ્રેમનાં સ્મરણો બોલે માનવીમાનવી ઉરે;
તે સૌનો પડઘો ઝીલી સુણો! શાહે જ્ય્હાં ઝૂરે.

શ્રીકૃષ્ણની બંસી શું નાચ નાચતી
વૃન્દાવનેથી યમુના પધારતી;
રસેન્દ્રના એ રસવારિને તટે
સૌન્દર્યનું પુષ્પ ખીલ્યું શું આ? સખે!

રસીલાં રસયમુનામાં વહન્તાં કંઈ આવતાં;
એમને દાખતો પન્થ ઊભો છે એ સુહાગમાં.

અન્ધારૂં થાયે નભ માંહિ પાતળું,
ઝીણું ઝીણું પૂર પ્રભા તણું ભળ્યું;
જગત્‌ તણી જીવનછોળ શું છલી?
જો! પ્રેમની ઊગી પ્રભાતતારલી.

રાધિકાનાં ગીત ગાતી ઊભીને નદીને તટ
ભણે છે એહ પાષાણો પ્રેમમન્ત્રો સનાતન.,

અહો! મહાકાલની વાસુકીફણા!
હા! સર્વભક્ષી યમ કેરી યન્ત્રણા!
તથાપિ મૃત્યુ રસનાં નથી–નથી;
સૌન્દર્ય ને સ્નેહ અજીત મૃત્યુથી.

સુધા ને વિષ ઘોળેલા સખે! સંસારસાગરે
પ્રેમ ને મૃત્યુના મ્હેલ–તાજ સૌને વસે ઉરે.

મધ્યાહ્નની ઝાળ ભરી જગત્‌ ઊભી,
દાઝી-દઝાડી દુનિયા સદા દૂભી,
શું પાદશાહી ય દિલે ચિતા? અરે!
જ્વાલામુખી જો! સળગે સુધાકરે.

ધૂળની આંધી જામી, કે મેઘાડંબર સ્હોયલો?
એવા આ અસ્થિરે વિશ્વે ઉગ્યો શું પ્રેમતારલો! ૧૦
 
અનેક વેળા ઉગી આથમે રવિ,
  અનેક ઊર્મિ યમુનાની યે જવી;
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૌને ઉર પ્રેમદીવડો. ૧૧

શું છે, કહો, વિશ્વના મ્હેલે? પ્રેમનો ચન્દ્ર કે ચિતા?
એ જ આ યમુનાતીરે પ્રેમીના પ્રેમની ગીતા. ૧૨

અહો! મહાભાવ ગયા અકબ્બર,
નથી રહ્યા બાબર એ કલન્દર;
નૂરે જહાં આથમિયાં દિગન્તમાં
ઊભા છ આ કિરતથંભ પ્રેમના. ૧૩

પ્રેમની કવિતા કેરો? કે એ જાહોજલાલીનો?
સૌદર્યનો? કલાનો? કે તાજ આ મુગલાઈનો? ૧૪

અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રભા તણો;
શૃંગારલીલા મુમતાજ શું હસે!
કેવી ય તો નૂરજહાં, કહો, હશે? ૧૫

પ્રેમની ભસ્મ ધારી, ને દિગન્તે માંડી આંખડી,
પ્રેમની જોગણ કો આ જુવે વ્હાલાની વાટડી. ૧૬

ઊંચા મિનારા સમ ઉર્ધ્વ હસ્તથી
ચન્દ્રાનની ઘુમ્મટશીર્ષ ટેકતી,
ઢાળી છૂટા પાલવ વાડી ચોક શા,
રસીલી કો નાચતી નિત્યરાસ આ. ૧૭

‘વણમાણ્યા રસો વાધી પ્રેમરાશિ બને, સખિ!’
એ મહાસત્યની જો! આ પ્રતીતિ પ્રેમીએ લખી. ૧૮

કાળે વિછોડી ચકવાની જોડી શા
બન્ને તટે બેલડ મ્હેલ માંડી, ત્ય્હાં
અદ્વૈત એ દ્વૈતનું સ્થાપવું હતુંઃ
અદ્વૈતનાથે નહિ દ્વૈત સાંખિયું. ૧૯

પૂર્ણિમા કેરી જ્યોત્સ્નામાં જ્યોત્સ્નાના પુંજ શી, સખે!
દંપતીપ્રેમની નિત્યે પૂર્ણિમા તપજો જ તે. ૨૦