નવલરામ પંડ્યા/લઘુ સિદ્ધાંત કૌમુદીનું ભાષાંતર

From Ekatra Wiki
Revision as of 01:08, 27 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫. લઘુ સિદ્ધાંતકૌમુદીનું ભાષાંતર
[અનુ. રણછોડભાઈ ઉદયરામ]

જે સમયે નજીવી નાની ચોપડીઓનો વરસાદ દેશમાં નજીવા લખનારાઓ તરફથી વરસી રહ્યો છે, અથવા જે સમયે નાદાન છોકરાઓને ફોસલાવી પાંચ પૈસા પેદા કરવા સારુ નાદાન જુવાનિયાઓ ચાર ચાર પાનાંના સાર અને અર્થોથી અનર્થ કરવા મંડી ગયા છે, તે સમયે એક કસાયેલા વિદ્વાન ગ્રંથકર્તા તરફથી એક ઘણા જ ગંભીર વિષય ઉપર ભારે શ્રમથી પરમાર્થ ભાવે લખાયેલું મોટું પુસ્તક જોવું એ ખરેખરું બહુ જ સંતોષકારક છે, અને શહરાના રણમાં જેમ એકાએક લીલોતરીના દર્શનથી મન પ્રફુલ્લિત થાય છે તેમ અમને આ પ્રસંગે થયું છે. આવા પુસ્તકની પહોંચ આપતાં અથવા તેનું વિવેચન કરતાં લખનારના દિલમાં હર્ષ ઉત્પન્ન થાય છે. આ ભાષાંતર કરનાર મી. રણછોડભાઈ ઉદયરામ ગુજરાતી પુસ્તકો વાંચનારાને અજાણ્યા નથી. એમણે નાટક, નિબંધ, ઇતિહાસ વગેરે ઘણા વિષય ઉપર સ્વકલ્પિત કે ભાષાંતર રૂપ ગ્રંથો પ્રગટ કરીને ગુજરાતી ભાષાની સેવા બજાવી છે. છેલ્લામાં છેલ્લો એ ગ્રંથકર્તાએ ત્રણેક વર્ષ ઉપર હરિશ્ચંદ્ર નાટક લઈને પ્રજા આગળ પોતાનો દેખાવ આપ્યો હતો. હાલ એક વળી બીજો નવો જ વિષય પકડ્યો છે, અને એક ઘણા જ અગત્યની ખોટ પૂરી પાડી છે. આપણા આખા ભરત ખંડની શાસ્ત્રીય ભાષા સંસ્કૃત છે. સઘળા વિદ્યા સંબંધી ગ્રંથો એ ભાષામાં જ લખાતા, અને એ ભાષા ભણ્યા વિના કોઈ પણ વિદ્વાનમાં ગણવાની લલુતા રાખતું નહીં. આજપર્યંત પણ આપણા સઘળા વિદ્યા સંબંધી ગ્રંથો તો એ ભાષામાં જ છે. પ્રાકૃત વાણીમાં તો ફક્ત કેટલીએક જનપ્રિય કવિતાઓ લખાયેલી છે. તે છતાં પરદેશી રાજ્યો થવાથી સંસ્કૃતમાં લખાયેલી વિદ્યાઓનો ઉપયોગ ઘટતો ગયો, અને તેથી એ ભાષાનો અભ્યાસ ઓછો થવા લાગ્યો. એ અભ્યાસ ઘટતાં ઇંગ્રેજોનું રાજ થયું તે સમયે નહીં જેવો જ થઈ રહેવા આવ્યો હતો. એ રાજની સાથે ઇંગ્રેજી ભાષા ભણવાની લોકોને જરૂર પડી. એ વાત ખરી કે મુગલાઈના વખતમાં ફારસીનો અભ્યાસ દાખલ થયો હતો, પણ તે રાજમાં હાલના જેવાં વિદ્યાનાં સાધનો હતાં નહિ. એ બધાં કારણથી અંગ્રેજી રાજ શરૂ થયા પછી થોડાં વરસમાં સંસ્કૃતનો અભ્યાસ છેક પડી ભાંગ્યો, અને શાસ્ત્રી ને પુરાણીના છોકરા પોતાના ઘરનાં પાનાંને પડતાં મૂકી બૂકો ભણવા ગયા. જો એવી સ્થિતિ ઘણાં વરસ સુધી ચાલી હોત તો દેશમાંથી સંસ્કૃત વિદ્યા ઘણું કરીને લોપ જ થઈ જાત. પણ ઇંગ્રેજ લોકોને અહિયાં આવ્યા પછી રાજના બંદોબસ્તને સારુ હિંદુશાસ્ત્રનું જ્ઞાન મેળવવાની જરૂર પડી. પ્રથમ તો શાસ્ત્રીઓના વચન ઉપર જ વિશ્વાસ રાખીને વ્યવહાર ચલાવવા લાગ્યા, પણ પાછળથી માલમ પડ્યું કે એમાં તો આપણે ઘણા ઠગાઈએ છીએ. અને લોભી શાસ્ત્રીઓ આપણી પાસે જૂઠાં જૂઠાં પ્રમાણો બતાવીને ન્યાયને ઠેકાણે અન્યાય કરાવે છે. તે ઉપરથી કેટલાએક મહેનતુ અમલદારોએ પોતાની જાતે જ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરીને શાસ્ત્રનું જ્ઞાન મેળવવાનો વિચાર કર્યો. એ અર્થે સંસ્કૃત ભણતાં તો તેઓને માલમ પડ્યું કે એ ભાષા તો સંસ્કૃત તે સંસ્કૃત જ એટલે બહુ કેળવાયેલી છે, એમાં ઘણાં રસિક કાવ્ય નાટકો છે, ઘણી ઊંડી ફિલસૂફીના ગ્રંથો છે. વ્યાકરણ શાસ્ત્ર તો સંપૂર્ણતાને પહોંચેલું છે, અને સૌથી વિશેષ તો એ કે યુરોપની ઘણીખરી ભાષાની માતા અથવા મોટી બહેન એ ભાષા છે. આ વાતોની યુરોપમાં જાણ થવાથી સંસ્કૃત ભાષાનું મૂલ યુરોપિયનોને સમજાવા લાગ્યું, અને ત્યાંના દેશે દેશમાં કેટલાએક વિદ્વાનો એ ભાષા ભણવા લાગ્યા. પાછળથી તો ભાષાશાસ્ત્રીને તો સંસ્કૃત ભણવું એ અવશ્યનું ગણાવા લાગ્યું. એ પ્રમાણે જ્યારે યુરોપમાં એની કિંમત પિછાનાવા લાગી ત્યારે હિંદુસ્થાનના દેશીઓ જેમણે કે એને તો છેક પડતી જ મૂકી હતી તેઓએ પોતાની ભૂલ જોઈ, અને એ પવિત્ર ભાષા તરફ પ્રેમ તથા અભિમાનથી જોવા લાગ્યા. એ સમય પર આપણી કૉલેજોમાં એ ભાષા દાખલ થઈ, અને હમણાં તો સઘળી હાઈસ્કૂલોમાં પણ સંસ્કૃતનો અભ્યાસ ચાલે છે. એ બધાં કારણોથી પાછું એ અભ્યાસને ઉત્તેજન મળ્યું છે. અને ઘણા લોકોનાં મન એ ભણવા તરફ લાગ્યાં છે. આ પ્રમાણે સંસ્કૃત ભણવા તરફ ઘણા લોકોની રુચિ થઈ છે, તે છતાં ઘણા લોકો ધાર્યા પ્રમાણે પોતાની મરજી અમલમાં આણી શકતા નથી, કેમકે એ ભણવાનાં સાધનો ઘણાં જ અપૂર્ણ અથવા હાલની લોકોની સ્થિતિને બિલકુલ લાગુ પડતાં નથી. ઘણા લોકો એનો અભ્યાસ શરૂ કરે છે, પણ તેમાંના ઘણાખરા કંટાળીને પાછળથી પડતો મૂકે છે. મૂળે તો એ ભાષા ઘણી કઠિન છે, અને તેમાં વળી તે ભણવાનાં સાધન અપૂર્ણ અને ભણનારાઓની પદ્ધતિ ઘણી જ કઢંગી. વ્યાકરણ વિના કોઈ પણ ભાષા સારી રીતે ભણી શકાતી નથી. હવે આપણા દેશનાં સઘળાં વ્યાકરણો સંસ્કૃત ભાષામાં લખાયેલાં છે, અને તેથી તેનો ખરેખરો ઉપયોગ તો જે લોકો સંસ્કૃત ભાષા જાણતા હોય તેને છે. પ્રાકૃત બોલનારાઓને તો પ્રથમ તે વ્યાકરણનો તરજુમો ભણવો પડે છે, અને એમ કરવામાં એટલો વખત જાય છે કે પછી મૂળ વિષય ઉપર ઘટતું ધ્યાન આપી શકાતું નથી. ભણાવનારાઓ પણ સાધારણ રીતે ઘણા કાચા અને શિક્ષકપણાને કેવળ અયોગ્ય માલમ પડે છે. એ કારણોને લીધે કૌમુદીની ત્રણે વૃત્તિ ભણેલા માણસો શાસ્ત્રી પુરાણી કહેવડાવે છે તેઓમાં પણ બહુ જ થોડા માલમ પડે છે, તો મોટી ઉંમરે ખાનગી વખતમાંથી એક બે કલાક કહાડીને ભણનારાઓમાંના ઘણાખરા પોતાની ઇચ્છા પાર પાડવામાં નિષ્ફળ થાય એમાં કાંઈ નવાઈ નથી. એ હરકતો દૂર કરવાને સારુ ભંડારકરવાળી સંસ્કૃત ચોપડીઓ રચાઈ છે, અને તેનાં ગુજરાતીમાં ભાષાંતર પણ થયાં છે. એ ચોપડીઓ સંસ્કૃત વ્યાકરણના સાધારણ જ્ઞાનની સાથે ઘણા મનોયત્ન આપે છે, તેથી શિખાઉને તેઓ બહુ ઉપયોગી થઈ પડી છે, અને નિશાળોમાં જ્યાં સંસ્કૃત ચાલે છે ત્યાં તે જ વપરાય છે. પણ બધાનો વિચાર છે કે એથી વધારે જેને વ્યાકરણ શાસ્ત્ર ભણવું હોય, અને સંસ્કૃતનો શાસ્ત્રીય અભ્યાસ વધારવો હોય તેને સંસ્કૃત ભાષાના મૂળ વ્યાકરણ ગ્રંથો ભણવા આવશ્યક છે, અને વળી ખાનગી ભણનારને એ ચોપડીઓ ભણાવનારો સારો શાસ્ત્રી મળવો મુશ્કેલ છે, કેમકે એ ચોપડીઓની પદ્ધતિ અને શાસ્ત્રીઓ જે દેશી વ્યાકરણ ભણેલા છે તેની રચનામાં બહુ ફેર છે. તેથી દેશી વ્યાકરણ ભણવાનાં સાધન વધારવાની હાલ બધી રીતે જોતાં ઘણી જરૂર હતી, અને અમને આશા છે કે રણછોડભાઈના ભાષાંતરથી એ ખોટ ઘણે દરજ્જે પૂરી પડશે. સંસ્કૃત ભાષામાં સર્વોપરી વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ પાણિનિકૃત અષ્ટાધ્યાયી છે. એ ગ્રંથનો જોટો જગતમાં મળે એમ નથી, અને તેથી પાણિનિ વૈયાકરણરાજ કહેવાય છે. તથાપિ એ સૂત્રગ્રંથ છે. અને સૂત્રગ્રંથોમાં પણ એની ગ્રંથિ એટલી સૂક્ષ્મ છે કે ટીકા વગર તે સમજાય એમ નથી. એ કારણને લીધે પાણિનિ ઉપર જ અનેક વ્યાકરણનાં પુસ્તક રચાયાં છે, અને તે બધાંનો જો કોઈ યથાસ્થિત અભ્યાસ કરવા મંડી જાય, તો તેનું આયુષ્ય પણ પૂરું પડે નહિ. પણ એ સઘળા ટીકાકારોમાં હાલ ભટ્ટોજી દીક્ષિતની સિદ્ધાંત કૌમુદી બહુ જ વખણાય છે, કૌમુદી ભણ્યા વિના હાલ કોઈ વ્યાકરણશાસ્ત્ર જાણે છે એમ કહેવાતું નથી, અને ખરેખર એ ગ્રંથ એટલા માનને લાયક જ છે. એના આધાર પર વરદરાજ નામના એક પંડિતે લઘુ અને મધ્યા એવી બે કૌમુદીઓ રચી છે. એમાંની લઘુનો પ્રચાર હાલ ઘણો ભરતખંડમાં ચાલ્યો છે. પાણિનિ વ્યાકરણનો ટૂંકામાં ટૂંકો ગ્રંથ તે આ લઘુ કૌમુદી, અને એટલી તો અવશ્ય ભણ્યા વિના સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન કદી થનાર નહિ. આવા એક અતિ ઉપયોગી ગ્રંથનો તરજુમો ભાઈ રણછોડભાઈ ઉદયરામે આ પ્રસંગે કર્યો છે, અને તેને સારુ એમાં મૂળ સૂત્ર તથા અનુવૃત્તિઓ આપી છે અને પછી તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. કદાપિ મૂળ અનુવૃત્તિ આપી ન હોત તો ચાલત પણ અમને તો એ ભાષાંતરમાં અખંડિત સંસ્કૃત કૌમુદી જોવી ગમે છે. કોઈ કોઈ ઠેકાણે જરૂર જણાઈ ત્યાં ભાષાંતરકર્તાએ સિદ્ધાંત કૌમુદીમાંથી પણ કાંઈ લીધું છે, અને પોતાની તરફથી પણ એ કેટલુંએક સ્પષ્ટીકરણ વધાર્યું છે. એ ગ્રંથ ભણનારને જેમ ઉપયોગી થાય તેમ કરવામાં ભાષાંતરકર્તાએ કોઈ કસર રાખી નથી, અને અમે આશા રાખીએ છીએ કે જેવા ભાવથી એ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે તેવા જ ભાવથી ગુજરાતી ભાઈઓ એ ગ્રંથ ભણશે. આ ભાષાંતરની મદદથી બુદ્ધિમાન અને કેળવાયેલો માણસ લઘુ કૌમુદીનો અભ્યાસ પોતાની મેળે કરી શકશે, અને કદાપિ બધાથી એમ નહિ થાય તોપણ ભણનાર અને ભણાવનારની ઘણી મહેનત અને વખત જે નકામાં જતાં હતાં તેમ તો હવેથી નહિ થાય. આજ ગુજરાતીમાં લખનાર થવાનો શોક લોકોમાં ઘણો વધ્યો છે, પણ તેઓએ જાણવું જોઈએ કે સંસ્કૃત ભાષાના સાધારણ પણ જ્ઞાન વિના ગુજરાતી ભાષા કદી પણ બરાબર આવડી એમ જાણવું નહિ. કેટલાએક એમ સમજે પણ છે. તેઓને તથા આ ખાતાના ઉપલા વર્ગના મહેતાજીને અમે ભલામણ કરીએ છીએ કે તમારા ફુરસદના વખતમાં થોડો આ ગ્રંથનો અભ્યાસ કરશો અને પછી બીજા નાના સંસ્કૃત ગ્રંથો વાંચતા જશો તો તમે ગુજરાતી ભાષાના સારા વિદ્વાન થશો, સંસ્કૃતમાં પ્રવેશ થશે, વિદ્વાનની રીતે તમારો કાળ વિદ્યાવિનોદમાં જશે, અને તમે તમારી જાતને તથા બીજાને ઘણો લાભ કરી શકવાને સમર્થ થશો. એ ભાષાંતરની કિંમત રૂપિયા પાંચ છે, પણ એનાં મોટાં ચારસો પૃષ્ઠ તથા બનાવવાની મહેનત તરફ જોતાં બહુ જ સોંઘી છે.

૧૮૭૮