નવલરામ પંડ્યા/અંધેરીનગરીનો ગર્ધવસેન : એક ઉટંગ વાર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 01:28, 27 May 2024


૧૩. અંધેરીનગરીનો ગર્ધવસેન : એક ઉટંગ વાર્તા
[હરગોવિંદદાસ કાંટાવાળા]

આ ચોપડી એના બનાવનાર મિ. હરગોવિંદદાસ કાંટાવાળાની તરફથી ત્રણેક મહિનાથી અમારી પાસે આવી છે, આ ભાઈ ગુજરાતી ભાષાના એક જાણીતા લખનાર છે. હાલ એમણે નવો જ દેશ પકડ્યો છે અને તેથી તેમાં બરાબર સિદ્ધિને ન પામે તો કાંઈ નવાઈ જેવું નથી એમ જાણતા છતાં આ પુસ્તકે અમને નાઉમેદ કર્યા છે. ‘દેશી કારીગરીના ઉત્સાહી’ પ્રચારકની નિર્મળ, સરળ ને ઊછળતી ભાષા કે ‘પાણીપત’ના કવિની રસિકતા અમને આ ઉટંગ વાર્તામાં કોઈ પણ ઠેકાણે માલમ પડતી નથી. ભાષા બાબત તો એ ભાઈ એક નવા અશાસ્ત્રીય મતના જ સ્થાપનાર થવાનો અનિષ્ટ લોભ રાખતા હોય એમ જણાય છે. બિચારી આપણી ગૂર્જરી માતાને ભીખ માગતી ગણી તેનો શબ્દભંડાર વધારવા ગામડિયા ને પ્રાંતભેદના બોલ વાપરવાનો પ્રસ્તાવનામાં લાંબો બોધ કર્યો છે. મિ. હરગોવનદાસ જાણતા તો હશે કે બધી ભાષામાં ગ્રામ્ય ને પ્રાંતભેદના શબ્દો અતિ નિંદ્ય ગણાય છે, પણ એમ શા માટે ગણાય છે તેનાં કારણો વખતે સમજવામાં ન હોય એમ અનુમાન થાય છે, ગામડિયા શબ્દ સુશિક્ષિત વાંચનારના મનમાં તિરસ્કાર જ ઉત્પન્ન કરે છે અને તેથી તે ગમે એવા ગ્રંથની પ્રૌઢિનો ભંગ કરવાને બસ છે. પ્રાંતભેદના શબ્દનું તો મોટું દુઃખ જ એ છે કે તે પોતાના પ્રાંતમાં ગમે એટલા રૂઢ ને શુદ્ધ હોય, પણ બીજા પ્રાંતમાં તે સમજાતા જ નથી, અને ન સમજાય તો પછી તે લખવાનો શો ફાયદો? ન સમજાય એવા જ લખવા હોય તો તો પછી ચિનાઈ કે જંગબારી ભાષાના બોલ લખતાં પણ શી હરકત છે? અપ્રસિદ્ધ સંસ્કૃત શબ્દ લખવાની રીતને પણ અમે તો પસંદ કરતા નથી, પણ તેમ કરવું આ કરતાં સારું છે, કેમ કે તે શબ્દ સંસ્કૃત ભણેલાને તો સમજાય અને એટલું સંસ્કૃત જાણનારા હાલ ગુજરાતમાં જે વર્ગના વાંચનારા છે તેમાં ઘણા છે. અને તે દિન પર દિન વધતા જાય છે પણ આ પ્રાંતભેદના શબ્દ તો પરપ્રાંતનો શાસ્ત્રી કે ગામડિયો કોઈ યે સમજે નહિ. આ તો એ ભાઈ જે નવતર મત ફેલાવવાની તજવીજ કરી છે તેનું વિવેચન થયું. બાકી ગ્રંથમાં તો એટલે દરજ્જે એ ભાઈએ કાંઈ જુક્તા શબ્દો વાપર્યા નથી એ જોઈ અમે ખુશી થઈએ, અને અમે કહીએ છીએ કે સારો ગ્રંથકાર કુતર્કે ચડી પોતાની ભાષા બગાડવા માગે, તોય તે એટલે દરજ્જે તેનાથી બગાડી શકાતી નથી. તો પણ આવો કુતર્ક એ ભાઈ સવેળાથી જ સમજીને છોડી દે તો સારું, કેમ કે એની માઠી અસર આ ગ્રંથની ભાષા ઉપર ઠેકાણે ઠેકાણે થયા વિના રહી નથી. ઘરખૂણિયા શબ્દની સામા અમારે કાંઈ વાંધો નથી, પણ ઊલટા તે નાટકાદિનાં પુસ્તકોમાં વધારે વપરાય તેમ સારું એમ અમે માનીએ છીએ. પણ એ ઘરખૂણિયા શબ્દો ગામડિયા કે પ્રાંત ભેદના તો ન જોઈએ. એવો શબ્દ કોઈ માર્મિક જ હોય અને તેની ખોટ કોઈ પણ બીજા માન્ય શબ્દથી પૂરી ન પડતી હોય, તો તે વાપરવો. પણ તેની સાથે સમજૂતીને માટે નીચે એક ટીપ આપવી. આ જ અમને ભાષાને શ્રીમંત કરવાનો ખરો માર્ગ જણાય છે. ઘરખૂણિયા શબ્દો ને વાક્યો જ વાપરીશ એવી પ્રતિજ્ઞા કર્યા છતાં વાક્યરચના તો એ ગ્રંથકારની હમેશની સરળતા છોડી ડોળભરી ક્લિષ્ટતા તરફ દોડી ગઈ છે. આ ચોપડીનું પહેલું જ વાક્ય અડધા પાનાનું છે. અને તેનો આરંભ કેવો ડોળ ભરેલો! “કાદમ્બરી નામના ઉત્તમ પુસ્તકમાં જેવી શિક્ષા પ્રધાને રાજકુંવરને આપેલી” વગેરેથી આરંભ થાય છે. એ વાર્તાના વાંચનારામાંથી કેટલાએ કાદંબરીનું નામ સાંભળ્યું હશે વારુ? અને નામ થોડાકે સાંભળ્યું હશે તોપણ તેમાંના કેટલા થોડાએ એ ગ્રંથ વાંચ્યો હશે (કેમ કે ગ્રંથ સંસ્કૃતમાં જ પ્રસિદ્ધ છે), અને તે સંસ્કૃત વાંચનારામાંથી યે કેટલા થોડાને એ શિક્ષા શી હતી તેનું આ વખતે કાંઈ પણ સ્મરણ હશે? આવી જાતની વાક્યરચનાને ડોળ નહિ તો બીજું શું કહેવું? હરગોવનદાસ જેવા અત્યાર સુધી શુદ્ધ ને અક્લિષ્ટ લખનારમાં આવું વલણ જોવું એ અત્યંત ખેદકારક છે, પણ અમે ધારીએ છીએ કે પ્રસ્તાવનામાં ભાઈ લખે છે કે ‘જુદે જુદે સ્થળે, જુદે જુદે સમયે, અને મનની લખનારામાં આવું વલણ જોવું એ અત્યંત ખેદકારક છે, પણ અમે ધારીએ જુદી જુદી સ્થિતિની અંદર’ આ વાર્તા લખાયેલી છે તેનું જ આ પરિણામ હશે, અને અર્થ ભાગમાં પણ જે જે ખામીઓ દેખાય છે તેનું કારણ આપણે ઉદારતાથી એ જ ગણવું જોઈએ. માટે હવે અર્થ ભાગ પર આ રીતની ટીકા વિસ્તારવાને બદલે ટૂંકામાં જ પતાવી હંસની પેઠે ‘નીર’નો ત્યાગ કરી ‘ક્ષીર’ ગ્રહણ કરીએ છીએ. કોઈ કલ્પિત અંધેરી નગરીમાં ગર્ધવસેન કરીને રાજા હતો. કયે સમે તે કહ્યું નથી અને કાળ ચીતરવા કોઈપણ રીતનો બંધ રાખ્યો નથી કે વાંચનાર તે અટકળી શકે. એમાંનાં વર્ણન હાલના સમયને બરાબર જેમ બંધબેસતાં આવતાં નથી, તેમ સો ઉપરના કે હજાર ઉપરના કાળને પણ લાગુ પડતાં નથી. દેશ ને કાળ વિનાની આ વાર્તા ગ્રંથકાર પોતે કહે છે તેમ ઉટંગ જ છે. એ ગર્ધવસેન એના નામ પ્રમાણે ગધેડો જ અને નગરી અંધેરી તે અંધેરી જ હતી. એનો પ્રધાન ગંડુપુરી નામે કોઈ બાવો, દુર્બળસિંહ સેનાપતિ, બોથડપંત ખજાનચી, અજ્ઞાનભટ ન્યાયાધીશ, જુલમેશ્વર જકાત ખાતાનો ઉપરી. કપટચંદ મહેસૂલ ખાતાનો વડો, ને હજૂરનો પહેરેગીર અબુધ કરીને કોઈ આરબ હતો! પાત્રો તો જોવા જેવાં ભેગાં થાય છે, પણ પાત્રતા ઉપર ગ્રંથકારનું કાંઈ પણ લક્ષ ન હોવાથી બધો રંગનો ભંગ થઈ ગયો છે. આમાંના ઘણાખરાને લુચ્ચા કલ્પ્યા તે તો ઠીક છે પણ તે ને તે જ માણસને બીજે પ્રસંગે છેક બેવકૂફ-ઘેલા જ કહેવાય એવા ચીતર્યા છે એ શું? પણ થયું છે એમ કે રજવાડાને લગતી અંધેર ને જુલમની કહાણીઓ ભાટ લોકોના તરફથી દેશમાં ચાલે છે તેને આ ગ્રંથમાં આડીઅવળી જેમ આવે તેમ ગોઠવી દીધી છે, અને તેથી એવાં પાત્રોની આશા જ રાખવી એ ફોકટ છે. આ પ્રત્યેક કહાણીઓ છૂટી છૂટી વાંચતાં ફારસ જેવી પણ રમૂજી છે, અને તે દેશી રજવાડાના અંધેર ઉપર અચ્છા ઝપાટા ગણાય. પરંતુ એ મૂળે તો ભાટની કહાણીઓ અને તે આ વાર્તાના પાત્ર જોડે જોડાઈ એટલે તેનું અસંભવિતપણું સંભવની પણ બહાર જતું રહ્યું છે. વળી, આ કહાણીઓ એટલી બધી છે કે તે મૂળ વાતમાં ભંગાણ પાડી વાંચનારના રસને તોડી નાંખે છે. આ વાર્તાની સંકલનામાં આવી આડકથાઓ દાખલ કરતાં ઘટતો વિવેક ન વાપરી શકાયો તેથી જ બધી ખરાબી થઈ છે. બાકી એ મૂળ વાત તો ઘણીખરી સંભવિત, હાલના રાજાઓને ચાનક આપનારી, તથા સમજે તેને સુબોધકારી છે. મૂળ વાત આ પ્રમાણે છે. ગર્ધવસેન એના બાપને ઘડપણનો એકનો એક કુંવર હોવાથી છરાયો ને લાડઘેલો તો હતો જ તેવામાં એને ગાદી મળી. એને બગાડવા ચોતરફથી નઠારાં માણસો ભેગાં થયાં. સારા ને ભલા કારભારીઓ દૂર થયા, ને લુચ્ચા માણસોના પોબાર પડવા લાગ્યા. ગંડુપુરી કરીને એક બાવો હતો તેને એ નાનપણથી મામો મામો કહી બોલાવતો અને તેના ઉપર ઘણી પ્રીતિ હતી. તેને એ મૂર્ખાએ પ્રધાન કર્યો. એ બાવો મહા લુચ્ચો, ને સ્વાર્થી હતો. એણે રાજાને કુછંદમાં નાંખી પોતાના હાથમાં સઘળો અધિકાર લઈ લેવા ધાર્યું, પણ તેમાં એને રાજાની સગુણસુંદરી નામની રાણી તરફથી કેટલીક હરકત નડી કેમ કે તે ડાહી ને ભલી હતી માટે એ રાણી ઉપર અભાવો કરાવવા તે બહુ મથ્યો, અને આખરે રાજાને ઝેર દેવાનું રજેરજ જૂઠું આળ ઊભું કરી તે બાપડીને તે મૂરખ રાજા પાસે મહેલના એક ખૂણાના ઓરડામાં કેદ દાખલ રાખવાનો હુકમ કરાવ્યો. હવે રાજાને કોઈ શીખામણ આપનાર રહ્યું નહિ, અને તેમાં વળી કૌભાંડમતિ નામની એક કુપાત્ર રાણી કારભારી પરણાવી લાવ્યો. તેણીએ તો રાજાને કોડીનો કરી નાંખવા અફીણ ને દારૂ પર ચઢાવી દીધો. નવી રાણીના હાથમાં જતો રહેલો જોઈ, પેલા પાપી પ્રધાને તાની નામનો એક ફાંકડો તાયફો બોલાવી રાજાને તેના છંદમાં ફસાવ્યો. પણ આ તો ગંડુ ને બકરું કાઢતાં ઊંટ પેઠા જેવું થયું. રાજાને તાનીનું તાન એટલું લાગ્યું કે આખા રાજની તે કીસબાતણ જ મુખ્તિયાર થઈ પડી. કૌભાંડમતિ કે ગંડુપુરીનો રાજમાં કોઈ ભાવ પૂછે નહિ, પણ સઘળા પેલી નાયકાને ઘેર ધક્કા ખાય. આ જોઈ પેલાં બે સમદુઃખીયાં સમજ્યાં ને એકસંપ થઈ એકાએક રાત્રે ગુણકાને કેદ કરી લીધી. કેફની ધૂનમાં રાજા ‘તાની, તાની’ કરતો તેની પાસે ગયો ત્યારે તેનો વેશ લઈ કૌભાંડમતિએ જ ત્યાં આવી તેને રાજી કર્યો. બીજે દિવસે કેફ ઊતરી ત્યારે પણ રાજાએ તાનીની કાંઈ તપાસ કરી કે નહિ તેનો ઉલ્લેખ આ ઉટંગ વાર્તામાં કર્યોં જ નથી, પણ હવેથી રાજા કોણ જાણે શી રીતે, પણ બિલકુલ આ બે જણને તાબે થઈ ગયેલો વર્ણવવામાં આવ્યો છે. હવેથી આ કુભારજા રાણી ને હરામખોર કારભારી બધી રીતે એક થઈ ગયાં. ગોલાગોલી, ખાસ ખવાસ, ને ચોકી પહેરાવાળા એ સઘળાં પોતાની તરફના રાજાની આસપાસ મૂકી તેને કેદી જેવો જ કરી નાંખ્યો. પછીથી બંને જણ મનમાને તેમ મહાલવા લાગ્યાં. ગંડુપુરી રાતદહાડો રાણીના મહેલમાં પડી રહે, મોજ મજાહ મારે, ને બંને ભેગાં મળી રાજ પચાવી પાડવાનાં દરરોજ તરકટો રચે. ગર્ભ રહ્યો છે એમ વાત ચલાવી પૂરે દહાડે કોઈનો છોકરો લાવીને એડવી દેવાનો તેમણે વિચાર કર્યો. તે જૂની રાણીના કુંવર જયસિંહ વિષે અનેક ઘાટ ઘડ્યા. ચાલે તો રાજા પાસે કહેવડાવવું કે એ મારા પેટનો નથી, અને તેમ થાય તો તેને ઠાર મરાવવો એમ આ ચંડાળ જોડાએ નિશ્ચય કર્યો. આ દરમ્યાન રાજાને રાણીની ચાલ ઉપર કાંઈક વહેમ ગયો. તેથી જ્યારે તેણીએ દાહાડા રહેવાની વાત કાઢી. ત્યારે રાજાએ બરાબર કાને ધરી નહિ. બીજો પ્રસંગ શોધી રાણીએ રડી કકળી બહુ સ્ત્રીચરિત્ર કરી એંધાણી માગી, પણ એ વેળાએ તેને રાજાએ ઉડાવી. એણે હવે વ્યસન થોડું કરવા માંડ્યું, ને પોતાની હાલતનો અફસોસ કરવા લાગ્યો. આવી સ્થિતિમાં એક પ્રસંગે જૂની રાણીને જ્યાં કેદ કરી હતી. ત્યાં જઈ પહોંચ્યો, ને કોટડી કૂદી તેના ઓરડામાં ગયો. સજળ આંખે બંનેનો બાર વર્ષ મેળો થયો અને એકબીજાએ પાછલા સઘળા ખુલાસા કર્યા. ભૂડી શોક્યે રાજાના કેવા હાલ કરી નાંખ્યા હતા તે સાંભળી સગુણસુંદરીને ઘણો શોક થયો. હવે શું કરવું તેનો વિચાર કરવા તેઓ હવે ચોરીછૂપીથી એકબીજાને મળવા લાગ્યાં, અને તે કામમાં એક જૂનો નિમકહલાલ ખવાસ હોંસથી સહાય થયો. પેલી તરફ કૌભાંડમતિ ને ગંડુપુરીનાં કાવતરાં ધમધોક્કાર ચાલી રહ્યાં હતાં. જયસિંહ તેના મોસાળમાં સુખે ઊછરતો હતો ત્યાં તેનું કાટલું કાઢી નંખાવવા ભારે લાલચ આપી નારાજી નામના એક વિકરાળ બહારવટિયાને મોકલ્યો, કેમ કે તે રાજમાં એવો બંદોબસ્ત હતો કે કાચાપોચાની તો આવું કામ માથે લેવાથી હિંમત જ ચાલે નહિ.. આ મકવાણો પોતાના જેવા ચાર પાંચ સાથીઓને લઈ જયસિંહના મામાને ગામ ચાલ્યો. સાપ રમાડનારને વેષે ગામમાં દાખલ થઈ ગઢની નિરીક્ષા કરવા સાંજ પહોરનો તે ગોસાંઈને વેષે બહાર નીકળ્યો. ગઢની ઊંચાઈ, કિલ્લા, ખાડી ને પહેરેગીરોનો જાપતો જોઈ એ ડર્યો તો ખરો, પણ માથું આઘું મૂકી આરંભેલું કામ પૂરું કરવાનો તેણે નિશ્ચય કર્યો. પછી રાત્રે આ વિકટ જગામાં હજારો સાહસ ઘરફાડુઓની જુક્તિ વેઠી તથા પૂરેપૂરી કરી, તે મહેલના ઉપલા ઓરડામાં કુંવર સૂતો હતો ત્યાં ગુપચુપ દાખલ થયો. શિકારમાં એ કુંવરની આંગળીએ કાંઈ ઘા વાગેલો તેને તે રાત્રે તાડ થઈ આવ્યાથી દવાદારૂ કરવા મામીએ પોતાના ઓરડામાં સૂવાડ્યો હતો. મામી ને ભાણેજ એ બંનેની જરા આંખ મીંચાઈ ગઈ હતી તે વખતે પેલો ખૂની ત્યાં જઈ પહોંચ્યો, ને જેવો કટાર કાઢી મારવા જાય છે કે છોકરાની જોડે કોઈ આધેડ બાઈડીને દીઠી. આ તો કોઈ મા દીકરો સૂતાં છે એમ તે કહીને અચકાયો અને તેની સાથે જ એના હાથને કંપારી છૂટતાં કટાર હાથમાંથી ધપ હેઠે પડી ગઈ. આ ખડખડાટ સાંભળતાં જ ચપ લઈને પેલી રજપૂતાણી જાગી ઊઠી ને પાસે ઉઘાડું ખડગ ટાંગેલું હતું તે ફેરવીને લગાવ્યું. લોહી ચૂતો તે ઊભી પૂંછડીએ નાઠો. ને પાછળથી કાંઈ પત્તો લાગ્યો નહિ. આ ખૂનીની કટાર પડી રહી હતી તે તપાસી જોતાં મામી ભાણેજ મહાવિચારમાં પડ્યાં. તે ઉપર ‘ગર્ધવસેન’ – એ કુંવરના બાપનું જ નામ – કોતરેલું હતું. આ ખબર અંધેરી નગરીમાં પહોંચી ત્યારે સગુણસુંદરી તથા રાજાને મહા શોક થયો. રાજાએ કટારની વાત ઉપરથી તુર્ત ખ્યાલ બાંધ્યો કે આ ભૂંડું કામ પેલી પાપિણી કૌભાંડમતિએ જ નારાજી મકવાણાની મારફતે કરાવવા ધારેલું. એ રાજા આટલો બધો વિચક્ષણ ક્યાંથી થઈ ગયો એ નવાઈ જેવું તો છે, પણ આ પુસ્તકમાં પાત્રતાનું ઠેકાણું જ નથી એટલે એમાં કાંઈ કહેવાનું રહ્યું નથી. બાકી આ અભણ મૂર્ખો ગર્ધવસેન આ ઠેકાણે ઊંચી ભાષા તથા વિચાર ટપોટપ દર્શાવ્યો જાય છે તે ચતુર વાંચનારને મહા વિપરીત લાગે છે. તોપણ કૃતિમાં તો એ હતો તેવો ને તેવો જ છે. આટલું થાય છે પણ એનાથી કાંઈ થઈ શકતું નથી. કૌભાંડમતિ ને ગંડુપુરી તો આ પ્રયત્ન થયેલો જોઈ વધારે ને વધારે કાવતરાં, ઉતાવળથી કરવા લાગ્યાં. એક ઘાંચણ, એક ઢેડી, એક રબારણ, એ રીતે દશબાર ઠેકાણે છોકરો લેવાની ગોઠવણ કરી મૂકી; ને મહારાજને વધામણી મોકલી વાજાં વગડાવવાનો બેત સવારમાં જ્યેષ્ટા નક્ષત્ર બેસે તે વેળા જ રાખ્યો કે રાજા છોકરાનું મોં જોવા માગે તોપણ તે ન બતાવવાનું બાનું કાઢી શકાય. બેત પ્રમાણે ઢેડીનું છોકરું આવ્યું, ને સવારમાં ઢેં ઢેં નોબતો વાગી. વાંચનાર માનશે કે આ ખટપટની રાત્રે પેલો કારસ્તાનનું મૂળ ગંડુપુરી તો ક્યાંહી બીજે ઠેકાણે જ રોકાઈ રહ્યો હતો, અને આ બધી ઊઠવેઠ પેલી એકલી રાણીએ જ કરી? બીજે દહાડે આ આણેલો છોકરો તો મરી ગયો, ને ત્યારે અગાઉથી નીમી રાખેલી એક રબારણનો કાળો ભૂત જેવો છોકરો મંગાવી લીધો. તેનું નામ રાયભાણજી પાડ્યું. પણ આટલાંથી કૌભાંડમતિનો લોભ તૃપ્ત થયો નહિ. શોક્યનો પાટવી કુંવર જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મારું શું વળ્યું? જયસિંહને મરાવવા જતિ ભૂવા શોધ્યા, પણ તેથી તો કાંઈ વળ્યું નહિ. આખરે રાણીએ ગંડુપુરી સાથે મહા અઘોર કર્મની ગોઠવણ કરી. રાજાને મોટી જ્યાફત આપી, નાચ રંગ કરાવ્યા, કેફમાં ગરકાવ કરી નાંખ્યો, ને જ્યારે ખૂબ રંગ જામ્યો ત્યારે સભા બરખાસ્ત કરી રાણીએ હજૂરમાં આવી એક લેખ હાથમાં આપ્યો. કેફમાં ચકચૂર છતાં રાજાએ પૂછ્યું કે એમાં શું છે. કહ્યું કે રાયભાણજી આપના પેટનો કુંવર છે એટલું જ એમાં લખ્યું છે. ગધેડા રાજાએ ખુશી થઈ તે ઉપર સહી કરી એટલું જ નહિ, પણ પોતાની કટાર તથા રૂમાલ નિશાન તરીકે આપ્યાં. બીજો દસ્તાવેજ એથી પણ વધારે કપટનો હતો. તેમાં તો જયસિંહ મારા પેટનો નથી અને તેથી તેને ગાદી ન મળે એવો એ કરાર કરેલો હતો. રાજાએ કહ્યું કે જોઉં વાંચો. એમાં શું છે? ગંડુપુરીએ ખોટું ખોટું વાંચી સંભળાવ્યું એટલે એ ઉપર પણ રાજાએ પોતાનું બિલાડું ચીતરી આપ્યું. આટલેથી પણ પાપી ધરાયાં નહિ. હળાહળ ઝેર નાંખેલા શરાબનો પ્યાલો પેલી ચંડાળ કુભારજાએ પ્રેમનો ડોળ કરી પોતાના સ્વામીની આગળ ધર્યો, એક વાર પડી ગયો તો બીજો ને બીજો પડી ગયો તો ત્રીજો પ્યાલો એવો ને એવો રાજાની આગળ ધર્યો. એ સમે એકાએક પાયગાના પડઘા સંભળાયા, અને રાજા એ પ્રાણઘાતક પ્યાલો મોઢે માંડવા જાય છે એટલામાં ચાર જવાન નાગી તરવારે ઉપર ધસી આવ્યા, એકે લાત મારી તે પ્યાલો ફેંકી દીધો, બીજાએ ગાંડુપુરીને પકડી મુશ્કેટાટ કર્યો. ત્રીજાએ રાણીને ખેંચી ઓરડામાં પૂરી, ને ચોથાએ મૂર્છા પામેલા રાજાની આસના વાસના કરવા માંડી. આ અણીની વખતે આવી બાજીનો રંગ તદ્દન ફેરવી નાંખનાર એનો કુંવર જયસિંહ તથા તેનો મામો કેસરીસિંહ હતા. તેમને આ ખટપટની બાતમી મળતાં જ તેઓ લશ્કર લઈ દોડમાર કરતા અંધેરી નગરી આવી પહોંચ્યા. સગુણસુંદરી આ ટાણે પોતાના પુત્રને જોઈ રાજી રાજી થઈ ગઈ, અને ગર્ધવસેનને લાગ્યું કે મારે પેટે ખરેખરું રત્ન પેદા થયું છે. એણે તો ખુશીથી એને ગાદીએ બેસાડવાની ઇચ્છા દેખાડી, પણ એવું અજૂગતું થાય નહિ એમ કહી જયસિંહે બાપને નામે રાજનો સઘળો બંદોબસ્ત કરી નાંખ્યો. આ દેશમંગળનું મહા કાર્ય કરવામાં એના અનુભવી મામાએ ત્યાં રહી ઘણી મદદ કરી. થોડા વખતમાં અસલ જેટલું અંધારું હતું તેટલું જ હવે અજવાળું થઈ ગયું. ને લોકો સુખી તથા યુવરાજને આશીર્વાદ દેતા થયા. કેટલેક કાળે પોતાનો બાપ દેવલોક થયો ત્યારે એ ગાદીએ બેઠો. ત્યાર પછી મન માનતાં લગ્ન કર્યાં. પછી એણે મુલકમાં કેવી પદ્ધતિથી રાજ ચલાવ્યું તે વિગતવાર વર્ણવ્યું છે અને તે નવા જુવાન રાજાને ખરેખરું અભ્યાસ કરવા લાયક છે. આ રીતે આ વાતનો છેડો આવે છે. આ મૂળ વાત છેક અસંભવિત છે એમ તો જે રજવાડાથી કાંઈ પણ વાકેફગાર હશે તે કહી શકશે નહિ. ભૂલ એટલી જ છે કે દુનિયાનું સઘળું નઠારું એક ઠેકાણે બતાવ્યું છે. કાવ્યશાસ્ત્રમાં દૈવી માનુષી ને આસુરી એવાં ત્રણ જાતનાં કવનો કહ્યાં છે. દુનિયામાં ન હોય અથવા ક્વચિત્‌ જ હોય એવા સદ્‌ગુણીનું વર્ણન કરવું તે દૈવી, માણસમાં ગુણ દુર્ગુણ સામાન્યપણે હોય છે તેવાં જ ચીતરવાં તેનું નામ માનુષી કાવ્ય, અને દુનિયામાં ન હોય અથવા ક્વચિત્‌ જ હોય એવા જ દુર્ગુણમય પાત્રોને વર્ણવવાં તે આસુરી. આપણા આર્ય પૂર્વજોએ તો આ છેલ્લા વર્ગના કાવ્યને અતિ નિંદ્ય ગણી ત્યાગ જ કર્યો છે, ઇંગ્રેજીમાં પણ તેને સારા લોકો પસંદ કરતા નથી, કેમ કે એવા દુર્ગુણનાં રસમય ચિત્રોથી (પરિણામે દુઃખ વર્ણવ્યું હોય છે તો પણ) જુવાન માણસના મન ઉપર નઠારી અસર થાય છે. અને પ્રૌઢ બુદ્ધિવાળાને તો તે ચિત્ર રુચતાં જ નથી. ઇંગ્રેજીમાં રેનલ્ડ આ વર્ગનો લખનાર છે. આ ગ્રંથનો રેનલ્ડની સાથે મુકાબલો કર્યો તે માત્ર આ બાબતમાં જ સમજવો. તેની ચિત્રણશક્તિ કે પાત્રજ્ઞાનને ઠેકાણે તો અહીંયા શૂન્ય જ છે. પણ એનો એટલો ફાયદો પણ ગણાય, કે અહીંયાં દુર્ગુણોનાં ચિત્રો મનોહર ન હોવાથી વાંચનાર પર નઠારી અસર નહિ કરે. એથી ઊલટું, આ ગ્રંથમાં જે ખાસ બોધ ભાગ છે તે તો સારો ને છટાથી લખાયેલો છે જ. માટે નીતિસંબંધી આ ગ્રંથની સામા અમે વાંધો લેતા નથી. રસ વિષે તો અમે જે જે કહ્યું તે ઉપરથી અમારો અભિપ્રાય જણાઈ ગયો હશે. આડકથાઓ ન નાંખી હોત, અથવા નાંખતાં પાત્રાપાત્રનો વિવેક વાપર્યો હોત, તો ગ્રંથસંકલના સારી કહેવાત. મૂળ વાતમાં ગર્ધવસેનને છેક ગધેડો ન બનાવતાં માણસ રાખ્યો હોત, તો વાંચનારને વધારે રસ લાગત, અને સારી અસર થાત. જો આ ગ્રંથથી રાજવર્ગને બોધ કરવાની ઇચ્છા રાખી હશે, તો તે ફોગટ જ છે. તેઓ આ ગર્ધવસેનનું નામ સાંભળીને જ ચીડવાશે, અને બોધ લેવાને બદલે અમારો નકામો ગિલ્લો જ કર્યો છે એમ સમજશે, તોપણ બીજા લોકને અને તેમાં વિશેષે કરીને પરદેશીઓને આપણા રજવાડાની છુપાયેલી કાળપ જાણવાનું કાંઈક અતિશયોક્તિવાળું, તોપણ બહુધા ખરું સાધન એ થઈ પડશે એમ અમને લાગે છે.

૧૮૮૧