ગ્રંથ અને ગ્રંથકાર/જમિયતરામ કૃપાશંકર પંડ્યા ‘જિગર'

From Ekatra Wiki
Revision as of 05:38, 9 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

જમિયતરામ કૃપાશંકર પંડ્યા 'જિગર'

[ ૧૦-૮-૧૯૦૮]

શ્રી જમિયતરામ પંડ્યા ખંભાતના વતની છે, અને એમનો જન્મ પણ એ જ ગામમાં તા. ૧૦-૮-૧૯૦૮ના રોજ થયો હતો. એમના પિતાનું નામ શ્રી કૃપાશંકર લલ્લુભાઈ પંડ્યા અને માતાનું નામ મોતીબહેન. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ છે. એમનાં લગ્ન ઈ. ૧૯૨૩માં ચંદનલક્ષ્મી સાથે થયાં હતાં. પ્રાથમિક શિક્ષણ ખંભાતની સરકારી ગુજરાતી શાળામાં લઈને તેઓ ખંભાત હાઈસ્કૂલમાં દાખલ થયેલા અને મેટ્રિક સુધીને અભ્યાસ કરેલો. હિન્દીમાં 'કોવિદ’ની પરીક્ષા એમણે ઉત્તીર્ણ કરી છે અને સંસ્કૃત, ઉર્દૂ તેમ જ પર્શિયન ભાષાઓનો અભ્યાસ પણ કર્યો છે. પત્રકારત્વ એમનો મુખ્ય વ્યવસાય છે અને લગભગ ચાળીસેક વર્ષથી માત્ર કલમને જ ખોળે છે. કવિસંમેલનો, મુશાયરા ઈત્યાદિ પ્રવૃત્તિમાં એમને ઉત્કટ અને ઊંડો રસ છે. ઈ. ૧૯૨૪માં તેઓ થિયોસોફિકલ સોસાયટીમાં દાખલ થયેલા. એની બિસેન્ટ, બ્લેવેટ્સ્કી, જિનરાજજીદાસ વગેરેનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. ગુજરાતીમાં મેઘાણી, સંસ્કૃતમાં કાલિદાસ, બંગાળીમાં ટાગોર અને શરચંદ્ર, હિન્દીમાં પ્રેમચંદજી, પર્શિયનમાં ઈરાનના સૂફી કવિઓ, ઉર્દૂમાં ગાલિબ, ઈકબાલ વગેરે અને અંગ્રેજીમાં ઉપરનિર્દિષ્ટ લેખકો ઉપરાંત ગાલ્સવર્ધી વગેરેનાં પુસ્તકોએ એમની પ્રેરણાને પોષી છે. પર્શિયનમાં મૌલાના જામી સાહેબ અને ઉર્દૂમાં વાર્તાલેખક કૃષ્ણચંદ્ર એમના પ્રિય લેખકો છે. જે લેખકોમાં ખુમારી છે, જેમની કૃતિઓમાં સમવેદના, માનવતા, નીતિમત્તા, રસદર્શન, ફિલસૂફી, અગમ્યવાદની ઝાંખી છે એ લેખકો એમને વિશેષ ગમે છે. ‘ગીતાંજલિ' એમને પ્રિય છે, પણ 'શ્રીમદ્ભગવદ્ગીતા' તો પ્રિયતર છે. શ્રી જમિયત પંડ્યાના પિતાશ્રી અને માતામહ-બંને કવિઓ અને પત્રકાર હતા. એમના સંસ્કારનો લાભ તો આરંભકાળથી જ એ પામેલા. ઉપરાંત, દાંડીકૂચ વખતે મહાત્મા ગાંધીજીની સાથે રહેવાનું સદ્ભાગ્ય પણ પત્રકાર તરીકે તેમને મળેલું. આરંભમાં સ્વીકારેલી સરકારી નોકરી, ચળવળમાં ભાગ લેવાને કારણે અને જેલવાસને કારણે છૂટી ગયેલી એટલે એમણે શરૂ કરેલા 'નવપ્રભાત' સાપ્તાહિકમાં ગુજરાતનાં દેશીરાજ્યો અંગે લખવાનું આરંભેલું. સત્યાગ્રહની ચળવળે જ કાવ્ય-વાર્તા અને પત્રકારત્વના ક્ષેત્રમાં લેખકને મૂકી દીધેલા. લેખનપ્રવૃત્તિ દ્વારા એમનો ઉદ્દેશ સામાજિક કુરિવાજોને ખુલ્લા કરવાનો અને નીચલા થરમાં જે કાંઈ સારું છે તે પ્રકટ કરવાનો છે. ઉપરાંત અગમ્યવાદ અને ફિલસૂફીમાં રસ હોવાથી નિગૂઢ તત્ત્વોને ગૂંથતી કૃતિઓ સર્જવાનો પણ છે. ઈ. ૧૯૨૮માં ગુલબંકીમાં લખાયેલું એમનું પ્રથમ કાવ્ય 'પ્રસ્થાન’માં પ્રગટ થયેલું. એ પછી 'નવચેતન'માં એમની વાર્તાઓ અને વિવિધ સામયિકોમાં લેખો પણ છપાતા. શ્રી પંડ્યાએ જીવનમાં ઘણાં સંઘર્ષણો અનુભવ્યાં છે અને સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને પોતાના વિચારો- સિદ્ધાંન્તોને વફાદાર રહ્યા છે. એમનું પ્રથમ પુસ્તક 'કમનસીબનું કિસ્મત' એ ઈ.૧૯૩૫માં પ્રગટ થયેલી એમની નવલકથા છે. એમાં એમણે સટોડિયા માનસનો ખ્યાલ આપી કૃતિને કરુણાંત બનાવી છે. એ પછી એમણે વાર્તાસંગ્રહો અને ગઝલસંગ્રહો આ૫ણને આપ્યા છે અને ઉર્દૂ તેમ જ હિન્દી વાર્તાઓના ઠીક ઠીક પ્રમાણમાં અનુવાદો પણ કર્યા છે. ઉર્દૂમાં સ્વતંત્રપણે ગઝલો અને નઝમો પણ લખી છે. શ્રી જમિયત પંડ્યાનું નામ આપણે ત્યાં, શ્રી શયદાની જેમ, ગઝલના પ્રકાર સાથે જોડાઈ ગયું છે. ગઝલ તરફ એમને વિશેષ પક્ષપાત પણ છે. વાર્તાઓ ઉપરાંત ગઝલો-નઝ્મો હૃદયના આઘાતો સારી રીતે વ્યક્ત કરવાનું સાધન છે એમ તેઓ માને છે. સૂફીવાદનાં પુસ્તકો તેઓ વિશેષ વાંચે છે. હાલ તેઓ સ્વ. શ્રી રાંગેયય રાઘવના ‘લોઈકાતાના'નો અનુવાદ કરી રહ્યા છે. ઉર્દૂ અને ગુજરાતી ગઝલવિષયક એમનો સુદીર્ઘ અભ્યાસનિબંધ ‘ઉર્દૂ-ગુજરાતી ગઝલ સાહિત્યની ઉત્પતિ અને વિકાસ' પ્રગટ થવામાં છે. ગઝલનું પિંગળ પણ તેઓ લખી રહ્યા છે. ‘જિગર'ના તખલ્લુસવાળી એમની ભાવવાહી ગઝલો મુશાયરાના મંચ પર વિશિષ્ટ હવા જમાવે છે. એમની એક કૃતિમાં એમણે પોતાનાં ગીતને પોતાના જીવન-સંતાપ તરીકે ઓળખાવતાં કહ્યું છે: 'અશ્રુ છે, અંતર-વ્યથા છે આ હૃદય-આલાપ મારા.’ હૃદયના દર્દને ગાતી, સેવાના મધુર ભાવની જીવન અભિલાષા વ્યક્ત કરતી, અને વિવિધ પ્રકારના માપબંધોમાં કુશળતાથી વિહરતી એમની ગઝલો નિખાલસતા અને સાહજિકતાથી તર-બ-તર હોય છે. શ્રી પંડ્યાનાં મુક્તકો અને રુબાઈઓ એવાં ચોટયુક્ત હોય છે કે તે વાંચતાં કે સાંભળતાં જ એમના ‘દિલની ઝાળ’નો અનુભવ થાય છે. આપણા ગઝલ-કવિઓમાં શ્રી જમિયત પંડ્યાનું નિશ્ચિત સ્થાન છે. એમની ગઝલોમાં ફારસી સાથે સંસ્કૃતનો થયેલો સુયોગ એમની આગવી વિશેષતા છે. એ ગઝલોમાં દીન-હીન કચડાયેલાં માનવીઓ માટેની ભારોભાર હમદર્દીનું આ૫ણુને દર્શન થાય છે. શ્રી જમિયત પંડ્યાએ વર્ષો સુધી અનેક અઠવાડિકોનાં સંપાદનો કર્યાં છે. હાલ અનેક સાપ્તાહિકોમાં ‘કૉલમિસ્ટ' તરીકે કાર્ય કરે છે, ગઝલ માસિકનું સંપાદન કરે છે અને 'હિન્દુ' સાપ્તાહિકના સહસંપાદક છે. સ્થાનિક ગઝલ સાહિત્ય મંડળના તેઓ પ્રમુખ છે અને સાહિત્ય સભા, સાહિત્ય પરિષદ, લેખક મિલન, વ્યવસાયી પત્રકાર મંડળ વગેરે સાથે સંકળાયેલા છે. ગુજરાતી ગઝલોના સ્વરૂપ અને વિકાસ વિશે અવારનવાર તેઓના લેખો ૫ણ પ્રકાશિત થયા છે.

કૃતિઓ
૧. કમનસીબનું કિસ્મતઃ મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૩૫.
પ્રકાશક : નવસંસ્કાર કાર્યાલય, ખંભાત.
૨. પ્રાયશ્ચિત્ત કોને? : અનુવાદ (શિરીષકુમાર જૈનની કૃતિ), નવલકથા; પ્ર. સાલ ૧૯૩૮.
પ્રકાશક : સ્થાનકવાસી જૈન યુવક મંડળ, ખંભાત.
૩. સમાજથી તરછોડાયેલાં: મૌલિક, વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૩૯.
પ્રકાશક : નવસંસ્કાર કાર્યાલય, ખંભાત.
૪. એક પ્રાર્થના સમુચ્ચય કાવ્ય : અનુવાદ (સંસ્કૃતમાંથી), સંપાદન; પ્ર. સાલ ૧૯૪૮.
પ્રકાશક : સર્વોદય મંડળ, અમદાવાદ.
૫. નાગરાણી: અનુવાદ-મૌલિક (બે અનુવાદ અને બાકીની જૂની લોકકથાઓ પરથી), વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૫૬.
પ્રકાશક : કિસ્મત કાર્યાલય, મુંબઈ.
૬. તરસ્યા જીવ: અનુવાદ (હિન્દી-ઉર્દૂમાંથી), વાર્તાસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : કિસ્મત કાર્યાલય, મુંબઈ.
૭. આયુર્વેદિક ઉપચારો : સંપાદન, આયુર્વેદ; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક : કિસ્મત કાર્યાલય, મુંબઈ.
૮. વરદાન : મૌલિક, ગઝલસંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ.
૯. ઝાળ અને ઝાકળ : મૌલિક, નઝ્મ-મુક્તક સંગ્રહ; પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ.
૧૦. શ્રી. બ્રહ્માનંદ મહારાજ : મૌલિક, ચરિત્ર: પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : નાનાલાલ ચોકસી, વડોદરા.
૧૧. નઝરાણું : સંપાદન; પ્ર. સાલ ૧૯૬૫.
પ્રકાશક : સુમન પ્રકાશન, મુંબઈ.
૧૨. પલ્લવ : મૌલિક, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૬૩.
પ્રકાશક : ગોવિંદલાલજી ગોસ્વામી, દહેગામ.
૧૩. જબ આવેગી કાલઘટા (ભા. ૧-૨) : અનુવાદ (રાંગેય રાઘવ), નવલકથા: પ્ર. સાલ ૧૯૬૪.
પ્રકાશક : કિસ્મત કાર્યાલય, મુંબઈ.
અભ્યાસ-સામગ્રી :
૧. ‘વરદાન'ની પ્રસ્તાવના શ્રી રામપ્રસાદ બક્ષી.
૨. ‘નજરાણું 'ની પ્રસ્તાવના શ્રી કે. કા. શાસ્ત્રી.
૩. ‘ગ્રંથ' ૧૯૬૫ તથા મે ૧૯૬૬.

સરનામું : ૩૪, નરહરિ કૉલોની, ગીતામંદિર રોડ, અમદાવાદ-૧.