સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૧.૧ અનુકરણ : એક કવિકર્મ (પ્લેટો, એરિસ્ટોટલ સંદર્ભે)

From Ekatra Wiki
Revision as of 06:45, 17 June 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search

વિભાગ-૧ : સાહિત્યવિચાર

૧.૧
અનુકરણ : એક કવિકર્મ

(‘પ્લેટો-ઍરિસ્ટોટલ-લૉન્જાઈનસની કાવ્યવિચારણા’-માંથી)

ઍરિસ્ટોટલ પોતાની ચર્ચાનો આરંભ બધી કળાઓ – કવિતા, સંગીત અને નૃત્ય – ને અનુકરણની ભિન્નભિન્ન રીતો તરીકે ઓળખાવીને કરે છે. આ ‘અનુકરણ’ શબ્દ ભારે મુશ્કેલી ઊભી કરે એવો છે, કેમ કે અનુકરણ એટલે કોઈ પણ વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ નિપજાવવું, નકલ કરવી, બાહ્ય આભાસ ઊભો કરવો એવો અર્થ વ્યવહારમાં આપણે કરીએ છીએ અને પ્લેટોએ પણ કંઈક એવો જ અર્થ લઈને કવિતાને ભ્રાન્તિરૂપ ઠરાવી હતી. ઍરિસ્ટોટલ પણ આ જ માર્ગે જતા હશે એમ માની લેવાનું આપણને સહેજે મન થાય અને એ માન્યતાને અવકાશ મળે છે તેનું એક વિશેષ કારણ એ છે કે ઍરિસ્ટોટલ ક્યાંયે ‘અનુકરણ’ શબ્દનો અર્થ સમજાવતા નથી, તેમ પ્લેટોની જેમ પોતાને અભિપ્રેત છે તેવી અનુકરણની પ્રક્રિયા જ્યાં કામ કરતી હોય તેવાં બીજાં સમાંતર ઉદાહરણો આપતા નથી. એ તો જાણે એ શબ્દનો અર્થ ગૃહીત કરીને ચાલતા હોય એવું લાગે છે.૧ [1] પણ ‘પોએટિક્સ’માં અનુકરણ શબ્દ જ્યાંજ્યાં વપરાયો છે એ સ્થાનો ધ્યાનપૂર્વક જોતાં બે વાત સ્પષ્ટ થાય છે. એક તો એ કે ઍરિસ્ટોટલને મન અનુકરણ એ કેવળ કળામાં પ્રવર્તતો કોઈ વ્યાપાર છે, કળાકારને જ વળગતો કોઈ ધર્મ છે, એટલે કે એ સર્જનની કોઈક પ્રક્રિયા છે. બીજી વાત એ કે એ ‘અનુકરણ’ શબ્દને, ઓછામાં ઓછું, પદાર્થના બાહ્યસ્વરૂપની કેવળ નકલ કે ઇન્દ્રિયગમ્ય વાસ્તવિકતાની કેવળ છબી – એવા અર્થમાં યોજતા જણાતા નથી. સૌ પહેલાં, આપણે આ બે વાત ઍરિસ્ટોટલનાં વિધાનોની મદદથી ચોક્કસ કરી લઈએ. ઍરિસ્ટૉટલને મન અનુકરણ કોઈક સર્જનલક્ષી વ્યાપાર છે એ સિદ્ધ કરવું બહુ મુશ્કેલ નથી. છંદોમાં લખનારને કવિ કહી નાખવાની પ્રણાલિકાનો ઉલ્લેખ કરી એ કહે છે કે આનો અર્થ તો એવો થાય કે જાણે કવિ અનુકરણથી નહીં, છંદથી કવિનામને પાત્ર બને છે. ઍરિસ્ટૉટલને આ સ્થિતિ ઇષ્ટ નથી. એમને મતે તો કવિ કવિનામને પાત્ર બને છે અનુકરણથી, છંદથી નહીં. પદાર્થવિજ્ઞાની કે ઇતિહાસકાર છંદમાં લખે તોય કવિ નહીં, કેમ કે, ઍરિસ્ટોટલની દૃષ્ટિએ, એ અનુકરણ કરતા નથી. અનુકરણ એ કવિકર્મ છે અને એ કર્મ જે બજાવે તે જ કવિ.૨ [2] ઍરિસ્ટોટલે કળાઓની અનુકરણની ભિન્નભિન્ન રીતો તરીકે વ્યાખ્યા કરી એ પણ, એ અનુકરણને કળાનું અવ્યભિચારી અને આવશ્યક લક્ષણ ગણતા હોય તો જ સાર્થક ઠરે ને? ઍરિસ્ટૉટલે પકડેલી આ નવી દિશાનું મહત્ત્વ ઓછું નથી. આમ તો, ગ્રીક લોકોની વિચારસરણીમાં કળાના સંબંધમાં ‘અનુકરણ’ શબ્દ ખૂબ વ્યાપક રીતે વણાઈ ગયો હતો. કળા કુદરતનું અનુકરણ કરે છે (આર્ટ ઇમિટેઇટ્‌સ નેચર) એ એમનો પ્રિય સિદ્ધાંત હતો. ઍરિસ્ટૉટલ પણ એમના બીજા ગ્રંથોમાં આ સૂત્રનો બેત્રણ વખત ઉપયોગ કરે છે. પણ અહીં એ લક્ષમાં રાખવું જોઈએ કે ગ્રીક પ્રજાની કળાની વિભાવનામાં લલિતકળા અને આજે જેને આપણે લલિતેતર કે ઉપયોગી કલા કહીએ છીએ તેનો ભેદ નહોતો. તેમને માટે તો કંઈક નવી વસ્તુ પેદા થઈ, કંઈક નવું પરિણામ સિદ્ધ થયું એટલે કળા અસ્તિત્વમાં આવી એમ ગણાતું. આ રીતે, જેમ કવિતા અને ચિત્રકલા ‘કળા’, તેમ સુતારની, રાંધવાની અને ઔષધની પણ ‘કળા’. કળા કુદરતનું અનુકરણ કરે છે એ સૂત્ર બધી કળાઓ માટે વ્યાપકપણે અને ઘણી વાર તો માત્ર ઉપયોગી કળાઓ માટે વપરાતું. ઍરિસ્ટૉટલે આ સૂત્ર જ્યાંજ્યાં આપ્યું છે ત્યાંત્યાં એનો સંદર્ભ ઉપયોગી કળાનો જ છે. કુદરત એટલે, ઍરિસ્ટોટલને મતે, ઇન્દ્રિગમ્ય પદાર્થજગત નહીં, પણ વિશ્વનું સંચાલન કરતી સર્જનાત્મક શક્તિ. તેથી ઉપયોગી કળાઓ પણ સૃષ્ટ પદાર્થોનું પ્રતિનિર્માણ કરે છે એમ નહીં પણ પ્રકૃતિની કાર્યપદ્ધતિનું અને પ્રકૃતિના હેતુનું અનુકરણ કરે છે. એટલે કે પ્રકૃતિના હેતુને જ સિદ્ધ કરવા માટે પ્રકૃતિના વ્યાપારમાંથી સૂચન લઈ એ પ્રવૃત્ત થાય છે. આપણે એક ઉદાહરણ લઈએ તો આ વાત બરાબર સમજાશે. પ્રકૃતિમાં સૂર્યના તાપથી ફળો પાકે છે અને શરીરની ગરમીથી અનાજ પચે છે. પ્રકૃતિના આ હેતુને જ સિદ્ધ કરવા પ્રકૃતિમાંથી સૂચન મેળવી માણસે રાંધવાની કળા શોધી. એ પ્રકૃતિની જ પ્રક્રિયાનું –અગ્નિથી અનાજને પચાવવાની પ્રક્રિયાનું – અનુકરણ કરે છે અને પ્રકૃતિના કાર્યની પૂર્તિ કરે છે. એ જ રીતે, શરીરમાં પ્રકૃતિ જે રીતે કરે છે તેમાં કંઈક ખામી આવે ત્યારે પ્રકૃતિની રીતે જ શરીરયંત્રને ઔષધ મદદરૂપ થાય છે. પ્રકૃતિની રીત જાણ્યા વિના આ બધી કળાઓ અસ્તિત્વમાં આવી શકતી નથી અને પ્રકૃતિનો હેતુ પણ એણે સ્વીકારવો પડે છે. પણ સર્જક કળાઓ પ્રકૃતિ પાસેથી હેતુ ઉછીનો લે છે એમ નહીં કહી શકાય. એ પ્રકૃતિની કાર્યપદ્ધતિનું, એના સર્જનાત્મક બળનું અનુકરણ કરે છે એમ કહી શકાય ખરું. એટલે કે ઉપયોગી કળાનું અનુકરણ પરિણામલક્ષી હોય છે – પ્રકૃતિના નિયમોને અધીન રહી અમુક પરિણામો સિદ્ધ કરવા એ પ્રયત્ન કરે છે; જ્યારે સર્જક-કળાનું અનુકરણ કાર્યપદ્ધતિલક્ષી છે – એ વાસ્તવિક જીવનના અમુક વ્યાપારોને પ્રયોજે છે અને એમાં જ એનો આનંદ રહેલો હોય છે.૩ [3] છતાં સર્જક કળાને કુદરતનું અનુકરણ કરતી કહેવામાં જોખમ છે. આ જોખમનો ભોગ પ્લેટો બન્યા. એમણે ઉપયોગી કળામાં રહેલ અનુકરણના ધોરણે જ સર્જક કળાને માપી અને એમને એમ લાગ્યું કે એ કળા કુદરતની પૂર્તિ કરી શકતી નથી, એનો હેતુ સિદ્ધ કરતી નથી, માટે એ નકામી છે. ઍરિસ્ટોટલ અહીં ‘પોએટિક્સ’માં કળાને અનુકરણ કહે છે, પણ અનુકરણને કેવળ સર્જક કળાનો વ્યાપાર ગણી એને ઉપયોગી કળાના અનુપયોગી સંદર્ભમાંથી મુક્ત કરે છે અને સાહિત્યતત્ત્વવિચારની નવી દિશા ઉઘાડે છે. અનુકરણને કવિકર્મ ગણાવ્યા પછી પ્લેટોની જેમ એનો સ્થૂળ અર્થ જ કરવાનો હોય તો કેટલું અર્થહીન અને બેહૂદું – ‘મૂઆ નહીં ને પાછા થયા’ જેવું ગણાય? સદ્‌ભાગ્યે ઍરિસ્ટોટલ એવું કરતા નથી. અનુકરણને કવિકર્મ ગણાવતી વખતે વાસ્તવજીવનમાં ઠેરઠેર જોવા મળતી અનુકરણની નકલિયા પ્રવૃત્તિ એમને અભિપ્રેત નથી એવા નિર્ણય પર પહોંચવામાં જરાયે સાહસ નથી, કેમ કે એ નિર્ણયનું સમર્થન કરે એવી ઘણીબધી વીગતો ‘પોએટિક્સ’માંથી મળી આવે છે. આપણે એક પછી એક એ વીગતો તપાસીએ : ૧. પ્લેટોએ પોતાની ચર્ચાના આરંભમાં અનુકરણવ્યાપાર સમજાવવાને માટે ચિત્રકલાનું ઉદાહરણ લીધેલું અને અનુકરણનો મૂલપ્રકૃતિની નકલ એવો અર્થ સૂચવવામાં એ ઉદાહરણ એને મદદરૂપ બનેલું. ઍરિસ્ટોટલ પોતાની ચર્ચાના આરંભમાં કળાને અનુકરણાત્મક ગણાવતી વખતે ચિત્રકળાનો ઉલ્લેખ કરતા નથી, પણ સંગીત અને નૃત્યનો કરે છે. આ કેવળ અકસ્માત હોય૪ [4] તોપણ સંગીત અને નૃત્ય કંઈ વાસ્તવિક બોલચાલ અને હલનચલનની નકલ નથી કરતાં એ સમજાય એવી વાત છે. સંગીતને ઍરિસ્ટૉટલ લય (રિધમ) અને સંવાદ કે મેળ (હાર્મની) દ્વારા અનુકરણ કરતી કળા કહે છે, જ્યારે નૃત્યને એ માત્ર લય દ્વારા માનવપ્રકૃતિ (કૅરેક્ટર), ભાવ (ઇમોશન) અને ક્રિયા(ઍક્શન)૫ [5]નું અનુકરણ કરતી કળા તરીકે ઓળખાવે છે. હવે માનવચરિત્ર ને માનવભાવોનું લય અને સંવાદ દ્વારા થતું અનુકરણ એ એનું સીધું ઝીલેલું પ્રતિબિંબ ન હોઈ શકે એ સ્પષ્ટ છે. જે માનવચિત્તનો વ્યાપાર છે એને લય અને સંવાદ જેવાં ભિન્ન માધ્યમો દ્વારા મૂર્ત કરવો એને સામાન્ય અનુકરણ ન જ ગણી શકાય. છતાં, કંઈ સંશય રહી જતો હોય તો આપણે આગળ ચાલીએ. કલાના દોષોની વાત કરતાં ચિત્રકલાનું જ ઉદાહરણ લઈ ઍરિસ્ટૅટલ એક વિધાન કરે છે તે આપણા રહ્યાસહ્યા સંશયનું પણ નિરસન કરી નાખે એવું છે. એ કહે છે કે હરિણીને શિંગડાં નથી હોતાં એ ન જાણવું એ કાંઈ બહુ ગંભીર દોષ નથી. એને ખરાબ રીતે કે અકલાત્મક રીતે દોરવી એ જ ગંભીર દોષ છે. પલંગ અમુક દૃષ્ટિકોણથી કેવો દેખાય છે એનું ચિત્ર દોરનાર પલંગનો ખોટો અધૂરો ખ્યાલ ઊભો કરે છે એમ કહેનાર પ્લેટો અને હરિણીને શિંગડાં ન હોય છતાંયે ચીતરી નાખવાં એ કંઈ બહુ મોટો દોષ નથી એમ કહેનાર ઍરિસ્ટોટલ! બન્નેનો દૃષ્ટિભેદ અહીં કેવો પ્રગટ થઈ ઊઠે છે! બંને કળાને અનુકરણ કહે છે છતાં બન્નેની અપેક્ષાઓ જુદી છે એવું નથી લાગતું? ૨. એરિસ્ટૉટલે અનુકરણના વિષયોનું જે વિવરણ કર્યું છે તે પણ આ સંદર્ભમાં લક્ષમાં લેવા જેવું છે. ઍરિસ્ટૉટલને મતે અનુકરણના વિષયો છે ક્રિયાપ્રવૃત્ત મનુષ્યો (મેન ઇન ઍક્શન). આ મનુષ્યોને ત્રણ રીતે રજૂ કરી શકાય : જેવા છે તેવા વાસ્તવિક રૂપે, છે તે કરતાં વધારે ઉદાત્ત રૂપે (દા. ત. ટ્રેજેડી), છે તે કરતાં નિકૃષ્ટ કે સામાન્ય રૂપે (દા.ત. કૉમેડી). સ્થૂળ અનુકરણથી માણસોને છે તેવા તો નિરૂપી શકાય, પણ વધારે ગંભીર કે હળવા રૂપે કેવી રીતે નિરૂપી શકાય? ઍરિસ્ટૉટલ કહે છે કે આદર્શરૂપ નિરૂપણ વાસ્તવિકતાની સીમાને ઉલ્લંઘે જ. તો પછી કવિવ્યાપાર સ્થૂળ વાસ્તવિકતાના કેવળ પ્રતિકૃતિસર્જનનો ન હોઈ શકે. ૩. કલાકૃતિમાં અપેક્ષિત એકત્વ(યુનિટી)ની ઍરિસ્ટોટલ વાત કરે છે ત્યાં પણ તેમનું આવું જ દૃષ્ટિબિંદુ અનુસ્યૂત જણાય છે. એ કહે છે કે કથામાં એક નાયક રાખવાથી કંઈ એકતા સધાઈ નથી જતી. હોમરે ‘ઓડિસી’માં ઑડિસ્યૂસના સમગ્ર જીવનની કથા નથી કહી; એમણે એમાંથી આવશ્યક કે સંભવિત સંબંધે જોડાયેલા બનાવો જ પસંદ કર્યા છે અને કલાકૃતિ સરજી છે. એટલે વાસ્તવિક જીવનના બનાવોમાં એકતા ન હોય,૬ [6] કે હોય તો આપણને પ્રત્યક્ષ ન થતી હોય. તો પછી કલાકૃતિ વાસ્તવિક જીવનની આબેહૂબ પ્રતિકૃતિ કેમ બની શકે? છતાં ઍરિસ્ટોટલને મન કલા અનુકરણ તો છે જ. માટે અનુકરણનો એ કંઈ જુદો અર્થ કરે છે એમ માનવું રહ્યું. ૪. જગતમાં જે કંઈ બન્યું છે કે બને છે એ ‘શક્ય’(પૉસિબલ) કહેવાય. કલાકૃતિએ જો અનુકરણનું – યથાર્થ અનુકરણનું લક્ષ્ય રાખ્યું હોય તો શક્યતાની આ સીમાઓને એણે વશ વર્તવું રહ્યું. પણ ઍરિસ્ટૉટલ શું કહે છે? બનાવોને યથાતથ રૂપે રજૂ કરનાર – શક્યતાની સીમાઓને વશ વર્તનાર ઇતિહાસકારને એ ન કવિ કહે છે, (અને માટે જ) ન અનુકરણ કરનાર કહે છે. ઊલટું, અનુકરણ જેનો ધર્મ છે એ કવિ પાસે માગી લે છે કે એણે જે બને છે તેનું નહીં પણ સ્વાભાવિકતાના, આવશ્યકતાના કે સંભવિતતાના ધોરણે જે બનવું જોઈએ તેનું નિરૂપણ કરવું જોઈએ. ઍરિસ્ટૉટલનું અનુકરણ બનાવોના યથાતથ્યથી કંઈક જુદી વસ્તુ છે એની અહીં આપણને ખાતરી થાય છે. ૫. ઍરિસ્ટોટલ શક્યતા (પૉસિબિલિટી) અને સંભવિતતા (પ્રૉબેબિલિટી) વચ્ચે જે ભેદ કરે છે તે આ બાબતમાં ખૂબ માર્ગદર્શક નીવડે એવો છે. આપણે આગળ કહ્યું કે જગતમાં જે કંઈ બને છે એ ‘શક્ય’. શક્યતાને આ રીતે બાહ્ય વસ્તુજગત સાથે સંબંધ છે. શક્યતા અનુભવના પ્રમાણને શોધે છે; સામે પક્ષે સંભવિતના બુદ્ધિપ્રામાણ્યને સ્વીકારે છે. આ જાતનો માણસ હોય (પછી ભલે આપણા અનુભવમાં એવો માણસ ન આવ્યો હોય) તો તે આ સંજોગોમાં આ જ રીતે વર્તે; આ બનાવ આ રીતે બને એનું પરિણામ આમ જ આવે – આ જાતની ઘટનાના જુદાજુદા અંશોની સુસંબદ્ધતા, સુસંગતતા, પ્રતીતિકરતા તેનું નામ સંભવિતતા. આ રીતે સંભવિતતા એ ઘટનાનો આંતરિક ગુણ છે. એમ પણ કહી શકાય કે શક્યતા એ પ્રાકૃતિક નિયમ છે. સંભવિતતા એ મનોવૈજ્ઞાનિક નિયમ છે. એવું બને કે વ્યવહારમાં બનતી ઘટનાઓ આપણને સંભવિતતાના ધોરણને અનુસરતી ન પણ લાગે (આને ઍરિસ્ટોટલ ‘અસંભવિત શક્યતાઓ’ કહે છે.) અને સંભવિત રૂપે રજૂ થયેલી ઘટનાઓ વ્યવહારમાં જોવા પણ ન મળે (આને ઍરિસ્ટોટલ ‘સંભવિત અશક્યતાઓ’ કહે છે.); પણ કવિ માટે તો ઍરિસ્ટોટલ સંભવિતતાને અનિવાર્ય ગણે છે, શક્યતાને નહીં અને તેથી એક મહત્ત્વનો સિદ્ધાંત એ બે વખત ઉચ્ચારે છે કે કવિએ અસંભવિત શક્યતાઓ કરતાં સંભવિત અશક્યતાઓ વધારે પસંદ કરવી જોઈએ.૭ [7] ઍરિસ્ટૉટલ અનુકરણનાં જુદાં પરિમાણો ઊભાં કરી રહ્યા હોય એવું નથી લાગતું? ટૂંકમાં એક બાજુથી અનુકરણને કવિનો અનિવાર્ય ધર્મ ગણવો અને બીજી બાજુથી વાસ્તવજીવનના અનુભવોના પ્રતિકૃતિસર્જનથી કંઈક જુદી અપેક્ષા કવિ પાસે રાખવી – આ બંને વિરોધી લાગતી હકીકતોનો મેળ બેસાડવા માટે આપણે ‘અનુકરણ’નો પ્રચલિત અર્થ છોડવો જ જોઈએ અને બીજો અર્થ શોધવો જોઈએ. પરંતુ આમ કરતાં પહેલાં આપણે હજુ એક મુશ્કેલીનો સામનો કરવાનો રહે છે. ઍરિસ્ટોટલ એક સ્થળે ‘અનુકરણ’ શબ્દને પ્રચિલત અર્થમાં વાપરી થોડી ગૂંચ ઊભી કરે છે. કવિતાનો ઉદ્‌ભવ. ઍરિસ્ટોટલ કહે છે કે, માનવસ્વભાવનાં બે મૂળભૂત કારણોને આભારી છે – એક, અનુકરણની વૃત્તિ અને બે, લય અને સંવાદની વૃત્તિ. આ અનુકરણની વૃત્તિ, ઍરિસ્ટૉટલ અહીં સમજાવે છે કે, માણસની વિશિષ્ટ વૃત્તિ છે અને જીવનની પ્રાથમિક શિક્ષા એ અનુકરણ દ્વારા જ મેળવે છે. વળી સંપૂર્ણ ચોકસાઈથી જ્યારે કોઈ પદાર્થનું અનુકરણ કરવામાં આવે છે ત્યારે અનુકૃતિને જોવામાં, વિમર્શવામાં અને ઓળખવામાં સૌને આનંદ આવે છે. ઍરિસ્ટોટલના આ વિવરણ પરથી એમ સમજાય છે કે એ ‘અનુકરણ’ શબ્દને અહીં તાદૃશ પ્રતિકૃતિનિર્માણના અર્થમાં પ્રયોજે છે. આથી જ ‘અનુકરણ’ શબ્દનો નવો અર્થ શોધવામાં આ ખંડ મુશ્કેલી ઊભી કરે છે. છતાં કશો ઉતાવળો અભિપ્રાય દર્શાવતાં પહેલાં આપણે આ આખા પ્રસંગનો સંદર્ભ વિચારી જઈએ. એક તો ઍરિસ્ટોટલ અહીં કવિતાના પ્રાથમિક આવિર્ભાવની વાત કરી રહ્યા છે. એના પૂર્ણ વિકસિત રૂપની નહીં. એ, પછી તરત જ કહે છે કે આ કુદરતી બક્ષિસમાંથી વિશેષ શક્તિઓ વિકસતાં સાચી કવિતા જન્મતી ગઈ. એટલે કે સાચી કવિતાના સર્જન માટે ઍરિસ્ટોટલ આ બે મૂળભૂત વૃત્તિઓના વિશિષ્ટ વિકસિત રૂપની અપેક્ષા રાખે છે. બીજું, મૂળ વસ્તુ જોયેલી ન હોય તોપણ અનુકૃત વસ્તુ જોવામાં આનંદ તો આવે છે, પણ તે અનુકરણને કારણે નહીં પણ વસ્તુનિર્માણક્રિયા (એેક્ઝિક્યૂશન)ને લીધે – સર્જનવ્યાપારને કારણે, એમ પણ ઍરિસ્ટોટલ કહે છે. એટલે કે અનુકરણથી ભિન્ન એવું નિર્માણક્રિયા કે સર્જનવ્યાપારનું મૂલ્ય એ અહીં સ્વીકારે છે. ત્રીજું, અનુકરણની વૃત્તિ ઉપરાંત લયની અને સંવાદની વૃત્તિને પણ ઍરિસ્ટૉટલ કાવ્યના મૂળમાં રહેલી ગણાવે છે. આ ખંડ ‘પોએક્ટિસ’માં કંઈક જુદો તો પડી આવે છે જ અને એમાં ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ પણ અવિશદ રહી જાય છે, પણ ઉપરના ત્રણ સંદર્ભોને લક્ષમાં રાખતાં એમ કહી શકાય કે બાળક જેના વડે જીવનના પ્રથમ પાઠો શીખે છે એ (એટલે કે જીવનમાં પ્રવર્તતી) અનુકરણની વૃત્તિ અને કાવ્ય જેને લીધે કાવ્ય બને છે એ અનુકરણવ્યાપારને ઍરિસ્ટૉટલને મતે કંઈક સંબંધ તો હોવો જોઈએ, પણ બંનેની એકરૂપતા એમને ઉદ્દિષ્ટ ન પણ હોય; અને તેથી જ એમણે અનુકરણના પરિણામરૂપ અભિજ્ઞાનના આનંદથી જુદો વસ્તુનિર્માણ પ્રત્યક્ષ કરવાનો આનંદ કલ્પ્યો હોય. આ ખંડમાં ઍરિસ્ટોટલ અનુકરણવૃત્તિને કાવ્યના ઉદ્‌ભવના મૂળમાં રહેલી ગણાવે છે, પણ અનુકરણને એ કાવ્યસમસ્તમાં પ્રવર્તતો પ્રાણરૂપ વ્યાપાર કહેતા નથી એની પાછળ એનું આવું કોઈ વલણ કામ કરતું હોય અથવા એમના મનમાં જ આ બંને અનુકરણવ્યાપારના સંબંધ અંગે કંઈ ગૂંચ હોય અને એનું નિરાકરણ કરવામાં એ સફળ થયા ન હોય અથવા જીવનમાંથી ઉદાહરણો લેવા જતાં અનુકરણના પ્રચલિત ખ્યાલનો એ ભોગ બની ગયા હોય. જે હોય તે, ઍરિસ્ટોટલમાં આ બંને અનુકરણો જુદાં પડી જાય છે એ ચોક્કસ છે.૮ [8] આપણે તો આ ખંડને અપવાદરૂપ ગણી, ઍરિસ્ટૉટલે અનુકરણને કવિતાનો પ્રાણપ્રદ ધર્મ લખીને જ્યાંજ્યાં વિવરણ કર્યું હોય તે સ્થાનોના અનુલક્ષમાં જ અનુકરણનો પ્રશ્ન આગળ ચલાવી શકીએ અને ચલાવીએ. અનુકરણનો સ્થૂળ અર્થ ઍરિસ્ટોટલને અભિપ્રેત નથી એવી તારવણી આપણે આગળ કરી હતી. તેમાં વિઘ્નરૂપ બનેલા ‘પોએટિક્સ’ના પ્રકરણને વટાવીને હવે આપણે ઍરિસ્ટૉટલને ‘અનુકરણ’ શબ્દ દ્વારા કયો અર્થ અભિપ્રેત છે તેનો કંઈ આછોપાતળો પણ વિધેયાત્મક ખ્યાલ મેળવી શકાય તો મેળવવાનો પ્રયત્ન કરીએ. ઍરિસ્ટૉટલ ટ્રેજેડીને ‘ક્રિયા’(ઍક્શન)નું અનુકરણ કરતી ગણાવે છે, જ્યારે નૃત્ય “માનવચરિત્ર, ભાવ અને ક્રિયા”નું અનુકરણ કરે છે એમ કહે છે. વળી ‘પોએટિક્સ’ના બીજા પ્રકરણમાં અનુકરણના વિષયોની વાત કરતાં કહે છે – “અનુકરણના વિષયો ક્રિયાપ્રવૃત્ત મનુષ્યો (મેન ઇન ઍક્શન) છે. તેથી..” આ બધા ઉલ્લેખો એટલું તો ચોક્કસપણે બતાવે છે કે ઍરિસ્ટૉટલના મતે અનુકરણ માનવચરિત્ર, માનવભાવ કે માનવક્રિયા અને કળાકૃતિને જોડનાર કોઈક વ્યાપાર હોવો જોઈએ. પણ આ બાબતમાં આગળ વધતાં પહેલાં આપણે ઍરિસ્ટૉટલે અનુકરણના વિષય તરીકે ‘ક્રિયા’ને ગણાવી છે તેને અંગે થયેલી એક ચર્ચા જોઈ જવાની રહેશે. ‘પોએટિક્સ’ના બીજા પ્રકરણના આરંભમાં આવેલા વાક્ય – “અનુકરણના વિષયો ક્રિયાપ્રવૃત્ત મનુષ્યો છે તેથી...” –ને આપણે બધી કળાઓના અનુલક્ષમાં લખાયેલું માનીએ – અને ઍરિસ્ટોટલનો વિચારક્રમ જોતાં માનવું પડે – તો તે ‘ક્રિયા’ શબ્દનો બાહ્ય સ્થૂળ વર્તન એવો અર્થ ન કરી શકાય, કેમ કે ચિત્રકલામાં એવી ક્રિયા ક્યાં હોય છે? નૃત્યમાં બાહ્ય ક્રિયા હોય છે તે વાસ્તવિક હલનચલનના અનુકરણરૂપ નથી હોતી. આથી બુચર ‘ક્રિયા’નો વ્યાપક અર્થ ઘટાવે છે અને કહે છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ ‘ક્રિયા’ એ આંતરિક પ્રક્રિયા છે, આત્મિક શક્તિ છે જે બાહ્ય વર્તન રૂપે પણ પ્રગટ થતી હોય છે. આ રીતે તેઓ એકલા ‘ક્રિયા’ શબ્દને ‘ચરિત્ર, ભાવ અને ક્રિયા’નો સમાનાર્થી ગણે છે, અને ‘ક્રિયા’નું અનુકરણ એ બધી કળાનો સામાન્ય ધર્મ છે એમ માને છે.૯ [9] ‘ક્રિયા’ એટલે માનવજીવનનું ચાલક બળ એવા આ અર્થને ઍરિસ્ટોટલના એક કથન દ્વારા થોડી પુષ્ટિ પણ મળી શકે તેમ છે. ટ્રેજેડીની વાત કરતાં એ ‘ક્રિયા’ અને જીવનને લગભગ પર્યાયરૂપ ગણી જોડાજોડ મૂકે છે અને જીવન ક્રિયામાં સમાયેલું છે એમ પણ કહે છે.૧૦ [10] ઍબરક્રોમ્બી ‘ક્રિયા’ શબ્દનો સહેજ જુદો અર્થ ઘટાવે છે. તેઓ ‘ક્રિયા’ને કલ્પનાશીલ પ્રેરણા માટેની ઍરિસ્ટોટલની સંજ્ઞા ગણાવે છે.૧૧ [11] જીવનનો કોઈ પણ અનુભવ કલ્પનામાં એકાત્મક સ્વયંસંપૂર્ણ રૂપ પામ્યા પછી જ કાવ્યમાં નિરૂપિત થઈ શકે એવો ઍબરક્રોમ્બીનો કાવ્યસિદ્ધાંત છે અને એને અનુરૂપ અર્થ એમણે ‘ક્રિયા’ શબ્દનો શોધ્યો છે. આ અર્થ એટલે અંશે સાચો છે કે ‘ક્રિયા’ની સાથે ઍરિસ્ટોટલની એકતાની વિભાવના જોડાયેલી જણાય છે. ટ્રેજેડીને એ હંમેશાં એક ક્રિયા(ઍન ઍક્શન)નું અનુકરણ કહે છે. વળી એમ પણ કહે છે કે એક માણસના જીવનમાં પણ ઘણાંબધાં કાર્યો એવાં હોઈ શકે જેમાંથી એક ક્રિયા જન્માવી ન શકાય. આમ, ઍરિસ્ટોટલને મતે ગમેતેવી ક્રિયાઓ નહીં પણ એકાત્મક ક્રિયા જ અનુકરણનો વિષય બની શકે. ઍરિસ્ટૉટલની આ વિભાવનાથી પ્રેરાઈને ઍબરક્રોમ્બીએ ‘ક્રિયા’ને કલ્પનાશીલ એકાત્મક પ્રેરણાની સંજ્ઞા ગણી લીધી હોય એમ જણાય છે. પણ બુચર તથા ઍબરક્રોમ્બીનાં અર્થઘટનોમાં થોડી મુશ્કેલી રહેલી છે. ઍરિસ્ટૉટલમાં ‘ક્રિયા’ શબ્દ અવારનવાર આવે છે તેનું એક કારણ તો એ છે કે ટ્રેજેડી જેવા નાટ્યપ્રકારને કેન્દ્રમાં રાખીને તેઓ વિચારી રહ્યા છે. એટલે કોઈ સ્થળે ‘ક્રિયા’ શબ્દ સાથે ટ્રેજેડીનો ઉલ્લેખ ન હોય તોયે એટલા પરથી એનો વ્યાપક અર્થસંદર્ભ કલ્પવામાં જોખમ રહેલું છે. અને આ જોખમ ખેડવાની જરૂર પણ શી છે? કેમકે ‘ક્રિયા’ શબ્દનો વ્યાપક અર્થ સ્વીકારીએ કે ન સ્વીકારીએ એથી તાત્ત્વિક દૃષ્ટિએ કશો ફેર પડતો નથી. ઍરિસ્ટૉટલને મન ભિન્નભિન્ન રૂપે પ્રગટ થતું માનવજીવનતત્ત્વ – માનવજીવનના ભિન્નભિન્ન વિભાવો – અનુકરણવિષય છે એમાં શંકા નથી. એ વિભાવોને એ ‘ચરિત્ર, ભાવ અને ક્રિયા’ને જુદેજુદે નામે ઓળખાવે છે. પછી ‘ક્રિયા’ શબ્દ દ્વારા એમને આ બધું એકીસાથે અભિપ્રેત છે કે નહીં એ મહત્ત્વનો મુદ્દો નથી. હા, કાવ્યવિષય બનનાર વિભાવ એકાત્મક હોવો જોઈએ એવી એમની અપેક્ષા છે ખરી. હવે, એક બાજુ છે જીવનનો આ એકત્વમય વિભાવ, બીજી બાજુ છે કલાકૃતિ. એકને બીજાનું રૂપ આપનાર વ્યાપાર છે અનુકરણ. એટલે કે અનુકરણ એ આ વિભાવ ઉપર થતી એવી કોઈક પ્રક્રિયા છે જેને કારણે એ વિભાવ કલાકૃતિ રૂપે પ્રગટ થાય છે. આ પ્રક્રિયા શી હોઈ શકે? અનુમાન કરવા કરતાં ઍરિસ્ટૉટલનાં કથનોમાંથી જ કંઈ સૂચનો મળે તો આપણે જોઈએ. ઍરિસ્ટૉટલ ટ્રેજેડી અંગે કહે છે કે ‘વસ્તુરચના’ (પ્લૉટ) ક્રિયાનું અનુકરણ છે. વળી કહે છે કે ‘વસ્તુરચના’ ક્રિયાનું અનુકરણ હોઈ એણે એક જ ક્રિયાનું અનુકરણ કરવું જોઈએ. આ ઉપરથી સમજાય છે કે અનુકરણ એ એમને મન કાવ્યની પ્રેરણારૂપ ક્રિયા કે વિભાવ અને કાવ્યના મૂર્તરૂપ સમી ‘વસ્તુરચનાને જોડતી પ્રક્રિયા છે. બીજી રીતે કહીએ તો, કાવ્યના પ્રેરણારૂપ વિભાવમાંથી ‘વસ્તુરચના’નું નિર્માણ કરવાની ક્રિયાને એ અનુકરણ કહેતા જણાય છે. જુઓ, વસ્તુરચનાના નિર્માણકાર્ય અને અનુકરણને એ કવિના લાક્ષણિક ધર્મ તરીકે એકબીજાના પર્યાય રૂપે યોજે છે કે નહીં? “ ‘કવિ’ કે ‘કર્તા’ વસ્તુરચનાનો નિર્માતા હોવો જોઈએ, પદ્યો રચનાર નહીં; કારણ કે એ અનુકરણ કરે છે માટે તો કવિ છે.” પણ આ વસ્તુરચના એટલે શું? ઍરિસ્ટોટલ તો કહે છે – ‘બનાવોની ગોઠવણી.’ પણ આ કંઈ પૂરતું લાગતું નથી. એમ તો ઇતિહાસકાર પણ બનાવોને ગોઠવતો હોય છે, પણ ઇતિહાસકારને એ કવિ કહેતા નથી અને ઇતિહાસકારથી કવિને જુદા પાડતા લક્ષણ તરીકે એ વસ્તુરચનાનિર્માણ(પ્લૉટ-મેઇકિંગ)ને ગણાવે છે. અહીં ઇતિહાસકાર અને કવિ વચ્ચે એમણે પાડેલો ભેદ – ઇતિહાસકાર જે બન્યું છે એનું નિરૂપણ કરે છે, કવિ જે બનવું સંભવિત છે એનું નિરૂપણ કરે છે એ – યાદ કરીએ તો કવિના વિશિષ્ટ ધર્મરૂપ વસ્તુસંયોજનકાર્યમાં ઍરિસ્ટોટલના સંભવિતતાના, સુસંગતતાના, એકાત્મકતાના અને સ્વયંપર્યાપ્તતાના ખ્યાલો ગૃહીત છે એમ માનવું જોઈએ. જેમાં બનાવો સંભવિત કે આવશ્યક અનુબંધમાં બનતા ન હોય તેવા ‘પ્રસંગાત્મક’ (એપિસૉડિક) વસ્તુસંયોજનને ઍરિસ્ટૉટલ સૌથી કનિષ્ઠ પ્રકારનું ગણે છે. આ રીતે, વસ્તુરચના (પ્લૉટ) ‘ક્રિયા’ના સમત્વયુક્ત, સુસંબદ્ધ, મૂર્ત આકારનું પ્રતીક બની જાય છે. વસ્તુસંયોજનનો ઉલ્લેખ જેટલી સહેલાઈથી ટ્રેજેડી અને એપિક જેવા કાવ્યપ્રકારોના સંબંધમાં થઈ શકે તેટલી સહેલાઈથી કાવ્યના બીજા પ્રકારો કે સંગીત અને નૃત્ય જેવી કળાઓના સંબંધમાં કદાચ ન થઈ શકે. ત્યાં સાવયવ સુશ્લિષ્ટ આકૃતિના અર્થમાં એને સ્વીકારવાનું રહે. આ રીતે જોતાં, અનુકરણનો કંઈક આવો અર્થ બંધ બેસે. માનવજીવનની વિશાળ અનુભવસૃષ્ટિમાંથી કવિનું ચિત્ત કોઈ એકાત્મક વિભાવ ઝડપે છે અને એને સાવયવ સુશ્લિષ્ટ મૂર્ત આકૃતિ-રૂપ આપે છે. આ રૂપસર્જનની પ્રક્રિયા તે અનુકરણ.૧૨ [12] એનું માધ્યમ લય, સંવાદ કે ભાષા, રીતિ અભિનયાત્મક, કથનાત્મક વગેરે. ઍરિસ્ટૉટલે વિચારેલું અનુકરણનું આખું માળખું આ રીતે ગોઠવી શકાય. દેખીતું છે કે આ અનુકરણ કળાનો – કેવળ કળાનો – ધર્મ બની રહે. ‘અનુકરણ’નો આ અર્થ સિદ્ધ કર્યા પછી પણ થોડું વિચારવાનું રહે છે. કોઈને અહીં પ્રશ્ન થાય કે આવો તદ્દન જુદો અર્થ બતાવવા માટે ‘અનુકરણ’ શબ્દ કેવી રીતે વાપરી શકાય? ‘અનુકરણ’ શબ્દનો અર્થવિસ્તાર કરીએ ત્યારેયે એને મૂળ અર્થ સાથે કંઈક સંબંધ તો હોવો જોઈએ ને? તો, રૂપસર્જનની પ્રક્રિયાને અનુકરણ કહેવાની યથાર્થતા કંઈક આ રીતે સમજાવી શકાય. જેમ બીજમાં વૃક્ષની શક્યતા રહેલી છે, તેમ જીવનના કોઈ પણ વિભાવમાં એના સ્વતંત્ર આસ્વાદ્ય મૂર્ત રૂપની શક્યતા રહેલી હોય છે. બીજમાંથી વૃક્ષ ઉગાડનાર ખરેખર કંઈ નવું સર્જન કરતો નથી, જે ગૂઢ છે, અવ્યક્ત છે. જે અંદર શક્યતા રૂપે પડેલું છે તેને વ્યક્ત કરે છે, બહાર લાવે છે, શક્યતાનું અનુકરણ કરે છે. નાના બિંદુની રૂપસમૃદ્ધિ સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા જેવી આ વાત છે. જીવનના વિભાવોમાં રહેલા આસ્વાદ્ય રૂપની શક્યતાઓને પ્રગટ કરનાર પણ આ જ અર્થમાં અનુકરણ કરે છે. ‘અનુકરણ’ના અર્થપલટાનો નકશો કંઈક આવો દોરી શકાય. અનુકરણ એટલે સદૃશકરણ. પણ સદૃશકરણ જ્યારે ભિન્ન માધ્યમ દ્વારા, ભિન્ન સામગ્રીથી થાય ત્યારે એ વિશેષ ચમત્કારક બને, કળાત્મક બને, જેમકે માણસ હાડ, માંસ, ચામનો બનેલો છે, પણ એનું ચિત્ર રંગ-રેખા વડે કરવામાં આવે છે ત્યારે એમાં કંઈક કલા રહેલી છે એમ કહેવાય. પણ અહીં મૂર્ત વસ્તુનું – રંગ અને આકારવાળી વસ્તુનું રંગ અને આકાર દ્વારા અનુકરણ છે. એમાં સાદૃશ્યનું તત્ત્વ સચવાય છે. આથી આગળ જઈ, અમૂર્ત તત્ત્વોને પણ મૂર્ત તત્ત્વો દ્વારા રજૂ કરી શકાય, જેમકે સંગીત સૂર દ્વારા માનવભાવોને વ્યક્ત કરે છે. આ પ્રતિનિધાન (રેપ્રિઝન્ટેશન) થયું અને એ સ્થૂળ સદૃશકરણ નથી. ઍરિસ્ટૉટલ ‘અનુકરણ’ને આવો વ્યાપક અર્થ આપે છે. અહીં સુધી તો વાત સમજાય એવી છે, પણ પછી ઍરિસ્ટોટલ અનુકરણની વિભાવનાને એની પ્રતિધાનાત્મક પ્રક્રિયા પૂરતી મર્યાદિત રાખતા નથી, એના પર કળાત્મક આકૃતિ વિશેના પોતાના ખ્યાલો પણ આરોપે છે. આથી વાત થોડી ગૂંચવાય છે અને આપણે ઉપર કર્યું તેવું અર્થઘટન કરવાની જરૂર ઊભી થાય છે. ખરી વાત એ છે કે ઍરિસ્ટોટલની કાવ્યવિભાવનાનાં જુદાંજુદાં અંગો પર ભાર મૂકતાં ‘અનુકરણ’નો કંઈક જુદોજુદો અર્થ પ્રતીત થાય છે. આપણે કામ તે છે ઍરિસ્ટોટલની કાવ્યવિભાવનાનું, એટલે અનુકરણને એ કવિકર્મ ગણે છે અને એનો કંઈક જુદો અર્થ એ કરે છે એટલું સમજી લીધું હોય તો બાકીનું બધું તો એમની કાવ્યવિભાવનાનાં જુદાંજુદાં અંગો તપાસવાથી મળી રહેશે. વળી અનુકરણના ઍરિસ્ટોટલના અભિપ્રેતાર્થનું સંશોધન કરવા કરતાં વધારે ફલદાયી વ્યવસાય તો એ અભિપ્રેતાર્થને કારણે કાવ્યમૂલ્યાંકનનાં ધોરણો ઍરિસ્ટોટલમાં કેવાં પલટાઈ જાય છે તેનો અભ્યાસ કરવાનો જ બને તેમ છે. તો આપણે એ તરફ જ વળીએ.

સંદર્ભનોંધો :

  1. ૧. ‘પોએટિક્સ’માં આવું અવારનવાર બનતું જોવા મળે છે. આનું કારણ એ દર્શાવવામાં આવે છે કે પ્રસ્તુત ગ્રંથ ઍરિસ્ટૉટલે પોતે ભણાવવા માટે કરેલી અથવા વિદ્યાર્થીઓએ એમનાં વ્યાખ્યાનોમાંથી લીધેલી નોંધમાત્ર હોય અને તેથી ચાવીરૂપ શબ્દોનો અર્થસંદર્ભ ગૃહીત કરીને ચાલવાનું યોગ્ય લાગ્યું હોય.
  2. ૨. The poet being an imitator must of necessity imitate... અને ... he is a poet because he imitates.
  3. ૩. બુચર, ‘ઍરિસ્ટોટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આટ્‌ર્સ’, પૃ. ૧૧૬-૨૦
  4. ૪. કળામાં વિસ્તરતી કળાઓનો જ એકસાથે ઉલ્લેખ અને સ્થળમાં વિસ્તરતી બંને કલાઓ – ચિત્રકલા અને શિલ્પકલાની ગેરહાજરી સૂચક છે; જોકે પછી એકાદ સ્થળે ચિત્રકળામાંથી ઍરિસ્ટૉટલે ઉદાહરણો લીધેલાં છે.
  5. ૫. ‘ક્રિયા’ શબ્દને ઍરિસ્ટોટલ કેટલીક વાર કંઈક વિશિષ્ટ અર્થમાં વાપરતા જણાય છે, એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું. અહીં નૃત્યમાં હોય છે એ સ્થૂળ હલનચલનનો અર્થ તો સંભવિત નથી જણાતો.
  6. ૬ There are many actions of one man out of which we cannot make one action.
  7. ૭. The poet should prefer probable impossiblities to improbable possibilites.
  8. ૮. હમ્ફ્રી હાઉસ ઍરિસ્ટોટલ ‘અનુકરણ’ એ સંજ્ઞાનો અસંગતતાથી અને અનિશ્ચિતતાથી જે જુદો જુદો ઉપયોગ કરે છે તેનાં દૃષ્ટાંતો રજૂ કરે છે અને બે મુખ્ય અર્થવલણો તારવે છે. એક ‘સદૃશકરણ’ (મિમિક્રિ) એટલે કે સમાન માધ્યમથી, સમાન સામગ્રીથી વસ્તુનું અનુકરણ કરવું તે. સદૃશકરણનો આ પ્રાથમિક ખ્યાલ, હમ્ફ્રી હાઉસ સૂચવે છે કે, નાટકના અભિનયમાં સદૃશકરણનો અંશ હોય છે તેથી ઍરિસ્ટૉટલ છોડી શક્યા લાગતા નથી. બીજું, કલાત્મક અનુકરણ. ઍરિસ્ટૉટલ સંગીતને સૌથી વધુ અનુકરણાત્મક કળા કહે છે, કેમકે એનાં આંદોલનો અને સ્વરમાધુર્ય માણસોના ચિત્તની અવસ્થાઓ સાથે મેળ ધરાવે છે. ત્યાં આ બીજું અર્થવલણ પ્રગટ થાય છે. (‘ઍરિસ્ટોટલ્ડ પોએટિક્સ’, પૃ. ૧૨૧-૨૩)
  9. ૯. ‘ઍરિસ્ટોટલ્ઝ થિઅરી ઓવ પોએટ્રી ઍન્ડ ફાઇન આટ્‌ર્સ’, પૃ. ૧૨૩-૨૪.
  10. ૧૦. Tragedy is an imitation, not of men, but of an action and life, and life consists in action.
  11. ૧૧. ‘પ્રિન્સિપલ્ઝ ઑવ્‌ લિટરરી ક્રિટસિઝમ’, પૃ. ૧૦૦.
  12. ૧૨. ઍબરક્રોમ્બી તથા બુચરનાં અર્થઘટનો જુઓ :
    – ‘Poetic imitation, as Aristotle uses the word..., does not explain the origin of poetry, nor what the connexion is between poetry and real things and affairs. Aristotle’s ‘imitation’ is confined to the poetic ac tivity within the art itself; it describes the connection between poetic impulse and poetic language. It is his word for the technique by which the poet finally achieves communicable expression of his imaginative Inspiration.’ – ઍબરક્રોમ્બી, ‘પ્રિન્સિપલ્સ ઑવ્‌ લિટરરી ક્રિટિસિઝમ’, પૃ. ૮૮
    – ‘Imitation... is thus seen to be equivalent to ‘producing’ or ‘creating according to a true idea.’ The true idea for fine art is derived from the general concept which the intellect spontaneously abstracts from the details of sense.’ –બુચર, ‘ઍરિસ્ટોટલ્ઝ થિઅરી ઑવ પોએટ્રી ઍન્ડ ફાઇન આટ્‌ર્સ’, પૃ. ૧૫૩

[‘પ્લેટો-ઍરિસ્ટોટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા-૧૯૮૮, પૃ. ૨૪-૩૫]

*