સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા

Revision as of 07:00, 17 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧.૨
સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા

ધ્વનિવિચાર, રસવિચાર અને વક્રોક્તિવિચાર, આમ, કાવ્યસૌંદર્યસાધક ઉક્તિભંગિઓનું વિશ્લેષણ કરવાનાં ઘણાં ઝીણાં ને ધારદાર ઓજારો આપણને સંપડાવે છે, કાવ્યના ઘટકોની સમર્પકતાનો અને પરસ્પરોપકારકતાનો વિચાર કરવા આપણને પ્રેરે છે. ઘટકોના આયોજનની સમીક્ષા કરી કાવ્યની અખંડતાને પ્રકાશિત કરવા આપણને શક્તિમાન બનાવે છે અને કાવ્યના પ્રધાન ભાવસંવેદન સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે. આ ત્રણ વિચારપદ્ધતિઓના મુખ્ય અંશોને જ આપણે અહીં સ્પર્શ્યા છીએ અને નમૂના રૂપે જ કેટલીક વાતો કરી છે. એ વિચારપદ્ધતિઓમાં આથી ઘણું વધુ પડેલું છે. વળી, લાંબા સમયપટ પર ફેલાયેલી સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય પરંપરામાં આ સિવાય પણ કેટલીક વિચારપદ્ધતિઓ જોવા મળે છે – અલંકાર, ગુણ, રીતિ, ઔચિત્ય વગેરેને કેન્દ્રમાં રાખનારી પ્રાચીન પરંપરામાં ધ્વનિવિચારે ભલે એને અપ્રસ્તુત કરી નાખી હોય, આજે આપણે એની ક્ષમતાનો અને પ્રસ્તુતતાનો નવેસરથી વિચાર કરી શકીએ અને સંભવ છે કે એમાંથી પણ પ્રત્યક્ષ કાવ્યવિવેચનમાં કામ આવે એવું કેટલુંક જડી આવે. પ્રસ્તુતતા સિદ્ધ કરવાનો માર્ગ ટૂંકમાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતાના વિષયમાં ઘણા વિશાળ અને ઊંડા અભ્યાસને અવકાશ છે. મારો આ પ્રવાસ તો કેવળ દિગ્દર્શનરૂપ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો જેમને પ્રગાઢ અભ્યાસ હોય ને સાથે આધુનિક સાહિત્ય સાથે જેમનો ઘરોબો હોય એવા ઘણા વિદ્વાનો કામે લાગશે ત્યારે જ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાંથી આધુનિક સાહિત્યના વિવેચનમાં પ્રસ્તુત બને એવું ઘણું વધુ જડી આવશે અને એની પ્રસ્તુતતા સાચી રીતે અને પૂરી સ્થાપિત થશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણામાં ઘણી ઝીણવટ ને ચોકસાઈ છે. એનો ઉપરછલ્લો કે પરોક્ષ પરિચય આ વિષયમાં બહુ ઉજ્જ્વળ પરિણામો નહીં આપી શકે. કોઈ વાર ગેરરસ્તે દોરાવાનું, એનો ભૂલભરેલો વિનિયોગ કરવાનું, ખોટા દાખલા આપવાનું પણ બની જાય. એટલે મૂળ ગ્રંથોનું જ આપણે બરાબર અધ્યયન કરીએ અને એનો આધાર લઈએ એ આવશ્યક છે. ઉપરાંત સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતાનો વિચાર માત્ર પાંડિત્યની નહીં, મૌલિક સૂઝની પણ અપેક્ષા રાખશે, કેમકે સંસ્કૃત કાવ્યશાસ્ત્રને જડતાથી વળગવાથી અને સ્થૂળ રીતે પકડવાથી આપણો હેતુ નહીં સરે – આધુનિક કવિકર્મ પ્રકાશિત નહીં થાય, કાવ્યની વિશેષતા ઉદ્‌ઘાટિત નહીં થાય અને વિવેચનપ્રયોગ આધુનિક કાવ્યરસિકોના મનમાં વસશે નહીં. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય વિચારોના મર્મ આપણે પામવાના રહેશે. એને એ રીતે કામે લગાડવાથી જ ઇષ્ટ પરિણામ મળી શકશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર આજના સાહિત્ય સાથે ચપોચપ બંધબેસતું આવે એવું ન જ બને. એના ઉપયોગી વિચારો પણ કેટલેક સ્થાને ટૂંકા પડવાના, તો એનો આવશ્યક વિસ્તાર-વિકાસ કરવાની બુદ્ધિ પણ આપણે દાખવવી પડવાની. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને એ ને એ રૂપે ફરી આણી નહીં શકાય, પણ એનું સાતત્ય જરૂર સ્થાપિત કરી શકાય અને એ આપણો પ્રયત્ન હોવો ઘટે. મેં અહીં આ પૂર્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પ્રસ્તુતતા બતાવવાનો જે કંઈ ઉદ્યમ કર્યો તે એ પ્રકારનો જ હતો એ લક્ષમાં આવ્યું હશે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મર્યાદા અને છતાં, ફરીને કહું કે, આજના આપણા સાહિત્યવિવેચનની સઘળી જરૂરિયાતો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પૂરી પાડી દે એ કંઈ શક્ય નથી. કેટલાંક આધુનિક કવિકર્મો અને કાવ્યરૂપોને સમજાવવામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ઊણું ઊતરે અને આપણે અન્ય ઓજારોનો આશ્રય લેવાનો થાય એવું બને. સંસ્કૃત સાહિત્યના પણ સર્વ આવિર્ભાવોને આ કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતો વ્યાપે છે કે કેમ એ પ્રશ્ન છે. બાણ જેવાની ગદ્યકથાઓને રસ કે ધ્વનિના સિદ્ધાંતોથી ક્યાં સુધી સમજાવી શકાય એ પ્રશ્ન છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર રચનાપરક છે, કાવ્યમાં ધબકતા જીવનને અને કાવ્યના જીવનવાસ્તવ સાથેના સંબંધને એ વિચારતું નથી એવી ફરિયાદો છે૧ [1] અને એ ખોટી છે એવું કહેવાય એવું નથી. એટલે આજે કાવ્યવિવેચનની જે અનેક દિશાઓ ઊઘડી છે એને મુકાબલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની મર્યાદા સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રને બદલે અંગ્રેજી રોમૅન્ટિક યુગની વિવેચનની શૈલીને વળગી રહેવામાં આજના ગુજરાતી વિવેચનની મોટી દિશાભૂલ છે એવું કહેનાર હરિવલ્લભ ભાયાણી પણ કાવ્યશાસ્ત્રની ઉપયોગિતા વિશેષે કરીને ઊર્મિકાવ્ય પૂરતી હોવાનું સૂચવે છે૨[2] એ નોંધપાત્ર છે. પોતીકા કાવ્યશાસ્ત્રની આવશ્યકતા એટલે છેવટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું ચકવર્તી સામ્રાજ્ય સ્થપાય એવું કંઈ ઉદ્દિષ્ટ નથી. ઉદ્દિષ્ટ એટલું જ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ક્ષમતા ચકાસાય અને એમાં જે કંઈ ક્ષમતાભર્યો વિવેચનવિચાર છે તે આપણી આજની વિવેચનપ્રણાલીમાં અંતર્ગત થાય. અંતે તો કોઈ પણ સાહિત્યે એનું પોતાનું વિવેચનશાસ્ત્ર નિપજાવવાનું હોય છે. એમાં અન્ય વિવેચનશાસ્ત્રો સામગ્રી આપે ને સહાયભૂત થાય, પણ પછી પોતીકું અને નવું વિવેચનશાસ્ત્ર નીપજવું જોઈએ. કેવળ ઉછીનાપણાથી વિવેચનનો વેપાર ન ચાલવો જોઈએ પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, એ આત્મસાત્‌ થઈને આવવું જોઈએ અને એમાં આપણું કેટલુંક પણ ઉમેરાવું જોઈએ. હજુ તો આપણા સાહિત્યે પોતાપણું પૂરેપૂરું પ્રાપ્ત કર્યું નથી, એ બાહ્ય પ્રભાવોથી ઘણું દોરાતું રહે છે. પણ પોતાપણા તરફની એની ગતિ ધીમીધીમી શરૂ થઈ છે. આ સંયોગોમાં પોતીકું ને નવું કાવ્યશાસ્ત્ર જલદી નીપજવાની આશા રાખી શકાય તેવું નથી, પણ આપણી દૃષ્ટિ એ તરફની હોવી જોઈએ.૩[3] મારો આ ઉદ્યમ પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો નર્યો પક્ષપાત કરવા માટે નથી, પણ નવા કાવ્યશાસ્ત્રના નિર્માણમાં એનો પૂરો લાભ લેવાનું સૂચવવા માટેનો છે.

સંદર્ભનોંધો :

  1. ૧. આ ફરિયાદ અને એના ઉત્તર માટે જુઓ : ‘It has to be pointed out that his [=Krishna Rayan’s] characterization of Rasadhvani being formalist, and his notion that it does not concern itself with the relation of a poem to reality go against the basic orientation of the central tradition which transcends the dichotomy between form and content most basic and elemental in human nature), (જી. બી. મોહન થમ્પી, ઇસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ. ૩૯)
  2. ૨. ‘ઊર્મિકાવ્યના વિવેચનને લગતી આપણી વિચારણા અને પ્રવૃત્તિ સંસ્કૃત વિવેચનને ચીલે ચલાવાય તો કાવ્ય અને વિવેચનને લગતી આપણી સૂઝબૂઝ વધુ ઊંડી, વધુ સૂક્ષ્મ બને એવી મારી પ્રતીતિ છે.’ (‘રચના અને સંરચના’, પૃ. ૧૨૬-૨૮)
  3. ૩ જુઓ : ‘No serious effort has been made to demand a new poetics to go with the emergence of a new writing and critical awareness in respect of modern Indian literature in different Indian languages.’ (ઇન્દ્રનાથ ચૌધરી, ઇસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ. ૩)

[‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’ ૧૯૮૮, પૃ. ૯૦- ૯૨)

*