સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૩.૧ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યઃ ન વીસરવા જેવો વારસો

From Ekatra Wiki
Revision as of 12:00, 17 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિભાગ-૩ : મધ્યકાલીન સાહિત્ય વિશે

૩.૧
[મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય :] ન વીસરવા જેવો વારસો

બારમી સદીથી ઓગણીસમી સદી પૂર્વાર્ધ સુધીનું ગુજરાતી સાહિત્ય, જેને આપણે પ્રાચીન કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ એ આપણો એક ન વીસરવા જેવો, મૂલ્યવંતો વારસો છે. આમ કહેવાનું પ્રાપ્ત થાય છે તે એટલા માટે કે એ સાહિત્ય આપણે માટે હવે કેટલું પ્રસ્તુત રહ્યું છે એ વિશે આપણને શંકા છે અને શાળા-મહાશાળાના આપણા અભ્યાસક્રમોમાં એનું સ્થાન ઘટતું જઈ રહ્યું છે. મધ્યકાલીન સાહિત્ય એટલે ભક્તિવૈરાગ્યનું ગાણું અને ઊછરતી પેઢીને એના પાઠ ભણાવવાનું ઔચિત્ય કેટલું એવો પ્રશ્ન કરવામાં આવે છે અને મહાશાળાની કક્ષાએ પણ એના અભ્યાસની સાર્થકતા આપણને ઝાઝી વરતાતી નથી. શાળાકક્ષાનાં પાઠ્યપુસ્તકોમાં મધ્યકાલીન કૃતિઓનું પ્રતિનિધિત્વ અત્યારે ચારછ કૃતિઓ પૂરતું – પાઠ્યપુસ્તકના પાંચમા-છઠ્ઠા ભાગ જેટલું થઈ ગયું છે અને ગુજરાત યુનિવર્સિટીના દ્વિતીય વર્ષ બી.એ.ના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રશ્નપત્રમાં હમણાં જ નર્મદયુગને જોડી દઈને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસને પાંખો બનાવી દેવામાં આવ્યો છે. પાશ્ચાત્ય પ્રજાના સંપર્ક પછી, આપણને એવું લાગે છે કે, આપણાં જીવન અને સાહિત્યની દિશા એટલી બધી બદલાઈ ગઈ છે કે આપણે પૂર્વકાળથી જાણે વિચ્છિન્ન થઈ ગયા છીએ. આપણી રહેણીકરણી, આપણાં સાધનસગવડ, આપણાં વિશ્વાસો-માન્યતાઓ, આપણાં જ્ઞાનવિજ્ઞાન, આપણાં તંત્રો-સંસ્થાઓ – આ બધાંમાં ક્રાન્તિકારક પરિવર્તન આવ્યાં છે અને આપણા સાહિત્યે જુદાં જ આદર્શો, પ્રયોજનો અને રચનારીતિઓ ધારણ કર્યાં છે. પૂર્વકાળના સાહિત્યમાં રસ લેવાનું, તેથી, આપણે માટે બહુ ઓછું શક્ય રહ્યું છે અને એ સાહિત્યપ્રણાલિકા આજે આપણને કંઈ કામમાં આવી શકે એવું પણ આપણને ખાસ દેખાતું નથી. મધ્યકાલીન સાહિત્ય ધર્મના સંકુચિત વાડામાં બંધાયેલું છે – જીવનની વિશાળતા એમાં વ્યક્ત થતી જણાતી નથી, એ પરંપરાનિષ્ઠ છે – એમાં મૌલિકતાનો અનુભવ આપણને ખાસ થતો નથી, એ હેતુલક્ષી છે – એમાં કળાસર્જનની સ્વાયત્તતા પ્રતીત થતી નથી. એ વાત સાચી છે કે મધ્યકાલીન સાહિત્ય બહુધા કંઈક ને કંઈક ધાર્મિક- સાંપ્રદાયિક સંદર્ભ લઈને આવે છે. આનું કારણ એ છે કે મધ્યકાળમાં ધાર્મિક-સાંપ્રદાયિક સંસ્થાઓએ સાહિત્યને આશ્રય આપ્યો છે અને વધારે અગત્યનું તો એ છે કે મધ્યકાળમાં પ્રજાજીવન ધર્મસંપ્રદાયબદ્ધ હતું. કેટલીક વાર જૈન સાહિત્યને જ સાંપ્રદાયિકતાની છાપ લગાવવામાં આવે છે, જાણે કે જૈનેતર સાહિત્યમાં સાંપ્રદાયિકતા ન હોય. આ યથાર્થ દર્શન નથી. બ્રાહ્મણધર્મ કે હિન્દુધર્મનાં તત્ત્વો વિશાળ જનસમાજમાં ફેલાયેલાં છે અને ઇતર પ્રજાવર્ગોનેયે એટલાં બધાં પરિચિત છે કે એમાં સાંપ્રદાયિકતા ભાસતી નથી. જૈનધર્મીઓએ પણ એમાંનું કેટલુંક સ્વીકારી લીધું છે. ત્યારે જૈનધર્મનાં તત્ત્વો એટલાં અન્યપરિચિત નથી. નવકારમંત્રનો મહિમા, નવપદપૂજા, દાનમહિમા, કર્મવાદ, દીક્ષા વગેરેમાં સાંપ્રદાયિકતા છે. તો અવતારવાદ, અદ્વૈતવાદ, યજ્ઞયાગાદિ કર્મો, કૃષ્ણ-શિવ-શક્તિ-ભક્તિ, વર્ણાશ્રમધર્મ વગેરેમાં સાંપ્રદાયિકતા નથી એમ કેમ કહેવાય? શામળની કૌતુકરસપ્રધાન લોકવાર્તાઓમાં પણ આવી રેખાઓ તો જડવાની. હિંદુ સંસ્કાર બહુમતી સંસ્કાર છે, એનાથી અલિપ્ત બીજા પ્રજાવર્ગો ભાગ્યે જ રહી શકે. ત્યારે જૈન, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે લઘુમતી સંસ્કાર છે. એ અલગ પડી જવાના અને તેથી એમાં સાંપ્રદાયિકતા સહેજે પ્રતીત થવાની. સાંપ્રદાયિકતાનું ઓછુંવત્તું ભારણ એ જુદી ચીજ છે અને સાંપ્રદાયિકતાને વટી જતી બૌદ્ધિક પ્રતિભા અને કાવ્યશક્તિ પ્રવર્તે એ પણ જુદી બાબત છે. એથી કૃતિમાં ધાર્મિક-સાંપ્રદાયિક સંસ્કારની ભૂમિકા હોવાનું મિથ્યા થતું નથી. મધ્યકાળમાં પ્રજાજીવન ધર્મસંપ્રદાયબદ્ધ હતું એનો અર્થ એવો થતો નથી કે એ સમયના લોકો, મુનશી કહે છે તેમ, પરલોકપરાયણ થઈ ગયા હતા, ભક્તિવૈરાગ્યમય જીવન જીવતા હતા ને ઐહિક જીવનરસો પરત્વે અનાસક્ત હતા. પ્રજાજીવનના કેન્દ્રમાં ધર્મ હતો, પણ એની આજુબાજુ સંસાર – એના સર્વ રંગો સાથે – વિસ્તરેલો હતો. મધ્યકાળમાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં ગાણાં જ મળે છે એવું થોડું છે? આખ્યાનો લોકવાર્તાઓ, રાસાઓ આદિનું સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં મળે છે, જેમાં ઐહિક જીવનના ઘણા રસો વ્યક્ત થયા છે. ભલે એમાં ઓછોવત્તો ધાર્મિક સંદર્ભ રહેલો હોય અને ભક્તિસાહિત્ય – ખાસ કરીને કૃષ્ણભક્તિનું સાહિત્ય લૌકિક માનવભાવો – સહજ માનવસંવેદનોથી નથી ધબકતું શું? મધ્યકાલીન સાહિત્ય જીવનરસથી અનભિજ્ઞ પ્રજાનું સર્જન નથી જ. ભલે એના જીવનાદર્શો જુદા હોય. અને આપણું જીવન પાશ્ચાત્ય સંસ્કૃતિને રંગે શું એટલું બધું રંગાઈ ગયું છે કે આપણે મધ્યકાલીન સાહિત્ય સાથે કશો અનુબંધ ન અનુભવી શકીએ? આકાશવાણી વહેલી સવારમાં જ (અને પછીથી પણ) ભજનસંગીત રેલાવે છે. લોકસાહિત્યના ડાયરાઓમાં લોકો ઊમટે છે અને ગુજરાતી ફિલ્મ-ઉદ્યોગ મધ્યકાલીન કથાવાર્તા પર જ નભે છે એનું શું? સમાજનો એક મોટો વર્ગ કયા વાતાવરણમાં શ્વસે છે એનો એ સંકેત નથી શું? હિંદી ફિલ્મોમાં નિરૂપાતું પરંપરાગત કુટુંબજીવન અને એની સમસ્યાઓ લોકોને પોતીકાં નથી લાગતાં? વસ્તુતઃ આપણું આધુનિક જીવન પાશ્ચાત્ય સંસ્કારો અને પરંપરાગત ભારતીય સંસ્કારોના અજબ મિશ્રણ સમું છે. સંયોગોએ આપણા કુટુંબને વિભક્ત કર્યું છે, પણ વિચ્છિન્ન કર્યું નથી. હજુ આપણે સામાજિક પ્રસંગોથી, કર્તવ્યોથી, અપેક્ષાઓથી, ભાવનાઓથી બંધાયેલા રહ્યા છીએ અને સાંસારિક-સામાજિક-કૌટુંબિક સુખદુઃખોના અનુભવ આપણે માટે અશેષ થઈ ગયા નથી. આપણી જ્ઞાતિસંસ્થાનું અસ્તિત્વ મટ્યું નથી. એણે નવાં કાર્યો સ્વીકારી પોતાની જાતને ટકાવી રાખી છે. ધાર્મિક સંસ્થાઓ હજુ મજબૂત અને પ્રભાવક રહી છે અને ધાર્મિકતા-આધ્યાત્મિકતાનાં નવાં મોજાં પણ લહેરાતાં દેખાય છે. મધ્યકાલીન સાહિત્યની દુનિયા આપણે માટે સર્વાંશે પરાયી થઈ ગઈ હોય એવું લાગતું નથી. એમાં એવા અંશો જરૂર છે જેની સાથે આપણું ચિત્ત અનુબંધ જોડી શકે. ઊલટું, આધુનિક સાહિત્યના કેટલાક મનોભાવો બહુજનસમાજને પરાયા જેવા લાગે છે અને એમાં રસ લેવાનું એમનાથી થતું નથી. મધ્યકાલીન સાહિત્યમાં કેટલાક જીવનપ્રદેશો-અનુભવક્ષેત્રો બાકાત રહ્યાં છે જરૂર, પણ એની દુનિયા આપણે માની લીધી છે એટલી સાંકડી છે કે કેમ એ વિચારવા જેવું છે. સ્થૂળ રીતે જ જોઈએ તો જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યના વિપુલ પદસાહિત્ય ઉપરાંત એમાં ફાગુ-બારમાસા જેવાં કેવળ પ્રકૃતિવર્ણન ને મનોભાવવર્ણનનાં કાવ્યો છે, પૌરાણિક-લૌકિક-ઐતિહાસિક કથાકાવ્યો છે, ચરિતકાવ્યો છે, રૂપકકાવ્યો છે. તત્ત્વવિચારાત્મક ને ખંડનમંડનાત્મક કૃતિઓ છે, વિવાદકાવ્યો છે તથા અનેક પ્રકીર્ણ પ્રકારની કૃતિઓ છે. આપણા સાહિત્ય-ઇતિહાસો મધ્યકાળના સાહિત્યના સર્વ આવિષ્કારોની પૂરતી નોંધ ભાગ્યે જ લઈ શકે છે. જેમ કે આપણે ગણતર ઐતિહાસિક કાવ્યોની નોંધ લઈ, એ પ્રકારના સાહિત્યની ઓછપની ફરિયાદ કરતા હોઈએ છીએ, પણ જૈન કવિઓને હાથે શ્રેષ્ઠીઓ તથા સાધુઓનાં ચરિત્ર તેમ જ તીર્થયાત્રાઓ વર્ણવતા જે અનેક રાસાઓ રચાયેલા છે એમાં પડેલી ઇતિહાસસામગ્રી આપણા લક્ષ બહાર હોય છે. ઋષભદાસકૃત ‘હીરવિજયસૂરિ રાસ’માંથી મળતો મોગલકાળનો કેટલોક ઇતિહાસ આનો એક દાખલો છે. સમકાલીન પ્રજાજીવનની ઘણી રેખાઓ પણ આ રાસાઓમાં ગૂંથાયેલી હોય છે. વૈષ્ણવ આચાર્યોનાં કેટલાંક ચરિતકાવ્યોમાં પણ આવી સામગ્રી છે, જેને વિશે આપણે લગભગ કશું જાણતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સહજાનંદ સ્વામી વિશેનાં અનેક કાવ્યોમાંથી પણ આ પ્રકારની સામગ્રીનો અભ્યાસ કરવાનું હજુ બાકી છે. સાંસ્કૃતિક અધ્યયનની તો ભરપૂર સામગ્રી મધ્યકાલીન સાહિત્યમાં વેરાયેલી પડી છે. વર્ણકોને રૂપે એવી સામગ્રી સંચિત પણ થઈ છે. ભોગીલાલ સાંડેસરા-સંપાદિત ‘વર્ણક-સમુચ્ચય’ના બે ભાગમાં વર્ણકો ને એનો અભ્યાસ પ્રસ્તુત થયાં છે એ આના નમૂનારૂપ છે – એમાં આવરી લેવાયેલા વિષયો કેટલા બધા છે : ભોજનસામગ્રી, વસ્ત્રો, આભૂષણો અને સુશોભનો, રત્નો, વિદ્યાકલા અને મંત્ર, લિપિ, વાજિંત્ર-વાદ્ય, દેશપ્રદેશ સ્થાનવિશેષ આદિ, નગરરચના અને સ્થાપત્ય, રાજલોક અને પૌરલોક, રાજવંશ, શસ્ત્રાસ્ત્રો અને યુદ્ધસામગ્રી, અશ્વજાતિ, કરવેરા, નૌયાન, રોગ, વ્રત, લબ્ધિ. આ વિષયોની કેટલી વીગતો પ્રાપ્ત છે એ જોઈએ તો આશરે ૩૫૦ જેટલાં ખાદ્ય પદાર્થો અને વાનગીઓ નોંધાયેલ છે; પદાર્થોની જુદીજુદી જાતિઓ અને બનાવટો પણ એમાં છે, જેમ કે ચોખાની ૩૦ જેટલી જાતો, લાડુના ૫૦ જેટલા પ્રકારો અને ૧૦૦ જેટલાં શાક. કેટલીક વાનગીઓ કેમ બનાવાય છે તેની પ્રક્રિયા વર્ણવાઈ છે તેમ જ ભોજનની બેઠકવ્યવસ્થા અને પીરસણવિધિનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. આ વર્ણકો ઉપરાંતનો બીજો ઘણો રસિક સાંસ્કૃતિક સંભાર મધ્યકાલીન કૃતિઓમાં સચવાયેલો છે. પણ સામાન્ય રીતે એને બાજુ પર રાખીને જ કૃતિનો આસ્વાદ કરવા આપણે ટેવાયેલા છીએ તેથી ઘણી વીગતો આપણા લક્ષ બહાર રહે છે. નરસિંહ મહેતા જેવા આપણા પ્રિયતમ કવિનાં પદોમાં રહેલી વૈષ્ણવ પરંપરાની કેટલીક લાક્ષણિક સાંસ્કૃતિક રેખાઓને ઓળખવા આપણે પ્રયાસ કર્યો નથી ને એથી કાચાં અર્થઘટનો પર નિર્ભર અધૂરા કાવ્યાસ્વાદોથી આપણે રીઝ પામીએ છીએ. મધ્યકાલીન ગદ્યસાહિત્યની સમૃદ્ધિથી તો આપણે અજાણ જેવા છીએ. મોટા ભાગની કૃતિઓ તો હજુ પ્રકાશની રાહ જોતી હસ્તપ્રતભંડારોમાં દટાયેલી પડી છે. એમાં કથાવાર્તા, ચરિત્ર, તીર્થ-ઇતિહાસ, ગચ્છ-પરંપરા, ધર્મોપદેશ, આચાર-વિધિ, તત્ત્વજ્ઞાન, યોગ, ગણિત, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, શકુનશાસ્ત્ર, કોકશાસ્ત્ર, રમલતંત્ર, વૈદક, શિલ્પ, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, સંગીતવિદ્યા આદિ અનેક વિષયો ખેડાયેલા જોવા મળે છે. ગદ્યસાહિત્ય બહુધા બાલાવબોધો રૂપે – સંસ્કૃત-પ્રાકૃત- ગુજરાતીના કોઈ મૂળ ગ્રંથના વિવરણ રૂપે – જૈન સાધુકવિઓ પાસેથી પ્રાપ્ત થાય છે એટલે જૈન શાસ્ત્રોની એમાં પ્રધાનતા હોય એ સમજાય એવું છે. પણ ઉપર નોંધેલા વિવિધ વિષયોના અને ‘ભગવદ્‌ગીતા’, ‘અમરુશતક’ જેવી કૃતિઓના બાલાવબોધોનો પણ એમાં સમાવેશ છે, એ આ ગદ્યસાહિત્ય દ્વારા કેવી વ્યાપક જ્ઞાનોપાસના થઈ છે અને લોકશિક્ષણનો કેવો મોટો ઉદ્યમ થયો છે એ બતાવે છે. મધ્યકાલીન સાહિત્યની દેખીતી એકવિધતાની નીચે જિવાતા જીવનનાં અને જગતજ્ઞાનનાં કેવાં વૈવિધ્યોને અવકાશ મળ્યો છે એનું આ દિગ્દર્શનમાત્ર છે. હસ્તરતભંડારોમાં દટાયેલું મધ્યકાલીન સાહિત્ય હજુ બહાર આવશે અને એનો સૂક્ષ્મતાથી, ગહનતાથી અને સર્વાંગીપણે અભ્યાસ થશે ત્યારે એના વૈવિધ્યની આપણને કદાચ વધારે પ્રતીતિ થશે. બારમાથી ઓગણીસમા સૈકા સુધીના સાતસો વરસના ગાળામાં સૈકાવાર જે વિપુલ સાહિત્ય ગુજરાતી ભાષામાં મળે છે એ જગતસાહિત્યમાં એક વિરલ ઘટના છે. ભાષાવિકાસનું અને ભાષાભિવ્યક્તિની કલાનું એક સમૃદ્ધ ચિત્ર એમાંથી આપણને મળે છે. એનાં શબ્દરાશિ, રૂઢિપ્રયોગો, વાક્યછટાઓ, વાગ્ભંગિઓ – સર્વ કંઈમાં આપણા રસવિષય બનવાની ક્ષમતા છે. એ ભાષાજગતનો વિહાર કૌતુકભર્યો બને તેમ છે. આપણે અખાભગત કે પ્રેમાનંદની વાક્શક્તિને પિછાનીએ છીએ અને એના પર વારી જઈએ છીએ, પણ સાતસો વરસના સાહિત્યના ભાષાવૈભવને પ્રત્યક્ષ કરવો આપણે બાકી છે. એ મોટો પુરુષાર્થ માગે, પણ એ પુરુષાર્થનું પૂરતું વળતર મળી રહે તેવો એ વૈભવ છે. એના શબ્દજગતની કંઈક ઝાંખી અહીં રજૂ થયેલા મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશથી થશે, તો ભાષાવિકાસ, રૂઢિપ્રયોગો, વાગ્ભંગિઓ વગેરેનો એક નાનકડો દસ્તાવેજ હરિવલ્લભ ભાયાણીના ‘ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ’માંથી સાંપડશે; પણ અનેક પ્રકાશિત-અપ્રકાશિત કૃતિઓમાં સાવધાનપણે વિહરવું અને એના ભાષાવૈભવને ઝીલવો એ જુદી વાત છે. બાલાવબોધોની ગદ્યાભિવ્યક્તિ, જે વધારે જીવંત અને વાસ્તવિક છે એનો તો આપણને અંદાજ જ નથી. આપણે એમ માનીને ચાલીએ છીએ કે મધ્યકાળમાં ગદ્ય કાં તો ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ જેવું પદ્યકલ્પ ગદ્ય છે. કાં તો વિવરણનું શાસ્ત્રીય ગદ્ય છે. વાસ્તવિક વ્યવહારુ ગદ્ય તો જાણે પહેલી વાર જ ‘વચનામૃત’માં સાંપડે છે. પણ મધ્યકાળમાં શાસ્ત્રીય બાલાવબોધોમાં પણ – ખાસ કરીને એમાં આવતી દૃષ્ટાંતકથાઓમાં તળપદા શબ્દો ને રૂઢિપ્રયોગો તથા બોલાતી વાણીની લઢણો ધરાવતું જીવંત ગદ્ય આપણને મળે જ છે. બારમાથી ઓગણીસમા સૈકા સુધીનું જે વિપુલ સાહિત્ય આપણને મળે છે તે જૈન સંપ્રદાયે ઊભા કરેલા જ્ઞાનભંડારોને આભારી છે. સ્વાભાવિક રીતે જ એમાં જૈન સાહિત્ય વધારે સચવાયું હોય. પ્રાપ્ત મધ્યકાલીન સાહિત્યમાં જૈન સંપ્રદાયનો હિસ્સો ઘણો મોટો – લગભગ ૭પ ટકા જેટલો – છે એનું કંઈક કારણ એમાંથી આપણને જડી આવે છે. આ જૈન સાહિત્યમાંથી ઘણું આપણે સાંપ્રદાયિક ગણીને આપણા અભ્યાસની બહાર રાખ્યું છે. પણ તે ઉપરાંત પુષ્ટિસંપ્રદાયના સઘળા સાહિત્યને પણ આપણે લક્ષમાં લીધું નથી. ભલે નરસિંહ, મીરાં, દયારામ જેવાં કૃષ્ણભક્તિનાં કવિઓમાં આપણે ઘણો રસ લીધો હોય. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યનો આપણો અભ્યાસ બહુ થોડા સાધુકવિઓ પૂરતો મર્યાદિત છે, તો રવિસાહેબ જેવા કબીરપરંપરાના સંતકવિઓ, મુસ્લિમ સંતકવિઓ વગેરે અનેક ધાર્મિક-સાંપ્રદાયિક સાહિત્યપ્રવાહોના કવિઓનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો છે એવું કહેવાય એવું નથી. ખોજા કવિઓ ને અનેક રૂખડિયા સંતકવિઓ અને ભજનિકો તરફ તો આપણે નજર પણ કરી નથી. પ્રણામી સંપ્રદાયના પ્રવર્તક પ્રાણનાથસ્વામી અને એમના સાહિત્યિક પ્રદાનની હજુ હમણાં જ આપણને ખબર પડી છે. આવા અનેક નાનામોટા ધર્મસંપ્રદાયો અને પરંપરાઓએ મધ્યકાળના ગુજરાતી સાહિત્યનું ઘડતર કર્યું છે અને એમને જ્યારે યોગ્ય ન્યાય મળશે ત્યારે મધ્યકાલીન સાહિત્યનું આપણું દર્શન બદલાશે, પરિપૂર્ણ બનશે અને અનેક નૂતન પ્રાપ્તિઓ આપણને થશે. જયંત ગાડીત ઘણા વખતથી મધ્યકાળના ધાર્મિક-સાંપ્રદાયિક સાહિત્યપ્રવાહોનો અભ્યાસ કરવાની અભિલાષા સેવી રહ્યા છે, તે એમની અભિલાષા વેળાસર ફળીભૂત થાય એવું આપણે ઇચ્છીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પરંપરાગ્રસ્ત છે અને એમાં મૌલિક સર્જકતાનો અનુભવ ઓછો થાય છે એ ફરિયાદના સંદર્ભમાં બેત્રણ બાબતો લક્ષમાં રાખવી જોઈએ. એક તો એ કે ઔપચારિક શિક્ષણવ્યવસ્થા નહીંવત્‌ હતી એવા એ સમયમાં સાહિત્ય પર લોકશિક્ષણની અને પરંપરાના સાતત્યને નભાવવાની જવાબદારી આવી પડી હતી. આ કારણે મૌલિકતાનું આજના જેવું મૂલ્ય કે મહત્ત્વ એ વખતે ઊભું થયું નહોતું અને અનુસર્જન, અનુકરણ કે ઉછીનું લેવામાં કશો બાધ મનાતો ન હતો. પ્રેમાનંદ જેવા પ્રથમ પંક્તિના આખ્યાનકાર આખું ને આખું કડવું પુરોગામીમાંથી ઉઠાવી લેવામાં કશું અનુચિત ન માને. સર્જકતા પરંપરાનો લાભ લઈને આગળ વધવામાં જાણે ધન્યતા અનુભવતી હતી. મૌલિકતા કરતાં પરિણામની ઉત્તમતા એને માટે જાણે વધારે મહત્ત્વની હતી. છેવટે, પરંપરાને ઝીલવાનાં સૂઝ-સામર્થ્ય હોય છે અને પરંપરાના સર્જનાત્મક-કલાત્મક વિનિયોગ જેવી પણ કોઈ ચીજ હોય છે, તેથી પરંપરાનિષ્ઠતા પોતે કોઈ અપમૂલ્ય નથી; જેમ કેવળ મૌલિકતા પણ, કદાચ, આપોઆપ કોઈ મૂલ્ય નથી. ‘વસંતવિલાસ’, જયવંતસૂરિકૃત ‘શૃંગારમંજરી’ અને ગણપતિકૃત ‘માધવાનલકામ- કંદલાપ્રબંધ’ પર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યપરંપરાનો પ્રબળ પ્રભાવ છે, પરંતુ આ પરંપરા તો બીજાઓ પાસે પણ હતી. આવું પરિણામ અન્ય કોઈ સિદ્ધ કરી શકતું નથી એ શું બતાવે છે? આ કૃતિઓના રચયિતાઓ પાસે પરંપરાની જે અભિજ્ઞતા અને રસજ્ઞતા છે તે કંઈક અનન્ય છે અને પોતાની સર્જકતાને એમણે પરંપરાની ભૂમિમાં રોપી છે એમ કહેવાય. અખાભગતમાં જ્ઞાનમાર્ગી કવિતાધારાનો, તો પ્રેમાનંદમાં આખ્યાન-કવિતાની પરંપરાનો ઉત્કર્ષ છે. અને દયારામ પાસે તો કૃષ્ણભક્તિની પરંપરાનો કેટલો લાંબો વારસો છે! પણ એ વારસાને, રામનારાયણ પાઠક કહે છે તેમ, એમણે દીપાવ્યો છે. ઉજાળ્યો છે. મધ્યકાલીન સાહિત્યે પરંપરાબદ્ધ રહીને પણ ભાવવિચારદ્રવ્ય, કથાઘટકો, વર્ણનરૂઢિઓ, પદ્યબંધો, પ્રાસ, ધ્રુવા, વાગ્ભંગિઓની જે સમૃદ્ધિ નિપજાવી છે એ અસાધારણ છે અને અખાભગત, પ્રેમાનંદ વગેરે થોડા કવિઓના જેવા પ્રતિભાવંત સર્જકો તો આજ સુધીના ગુજરાતી સાહિત્યમાં આપણને ગણતર જ સાંપડે છે. ગુજરાતી ભાષા જેમને માટે હંમેશાં ગૌરવ અનુભવી શકે એવા એ સાહિત્યસ્વામીઓ છે. બેશક, મધ્યકાલીન સાહિત્ય બહુધા હેતુલક્ષી છે – પછી એ હેતુ વૈચારિક મતની સ્થાપનાનો હોય, ધર્મબોધનો હોય, સાંપ્રદાયિક મહિમાગાનનો હોય કે લોકશિક્ષણનો હોય, મધ્યકાળના રચયિતાઓ પોતાને કવિ તરીકે ઓછું ઓળખાવે છે, એ ભક્તો છે. જ્ઞાનીઓ છે, સંતો છે, કથા કહેનારા ‘ભટો’ છે. કવિકર્મની સભાનતા એમનામાં કેટલી હશે એ કહેવું મુશ્કેલ છે, પણ એ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ પ્રકારની હેતુલક્ષિતાથી સાવ અલિપ્ત, કેવળ રસલક્ષી કહેવાય એવી થોડીક, ‘વસંતવિલાસ’ અને ‘માધવાનલ-કામકંદલાપ્રબંધ’ જેવી કૃતિઓ આપણને મધ્યકાળમાં મળે જ છે. જૈન સાધુકવિને હાથે પણ ‘વિરાટપર્વ’ કે ‘વસંત ફાગુ’ જેવી ધર્મબોધના ને સાંપ્રદાયિકતાનાયે સ્પર્શ વિનાની કૃતિઓ મળે છે. એવી તો અનેક કૃતિઓ મળે છે, જેની ભોંય ચોક્કસ ધર્મસંસ્કારની પરંપરાની હોય પણ સમગ્ર નિરૂપણ રસલક્ષી જ હોય. રાધાકૃષ્ણવિષયક બારમાસા વગેરે પ્રકારની ઘણી કૃતિઓ આમાં આવે, તો જયવંતસૂરિના ‘સ્થૂલિભદ્રકોશાપ્રેમવિલાસ ફાગ’ જેવી કૃતિમાં પણ વસ્તુ જૈન પરંપરાનું છે. એ બાદ કરીએ તો એ શુદ્ધ વિરહકાવ્ય જ બની રહે છે. એમાં જૈનત્વની બીજી કશી છાયા પડેલી નથી. અને ધર્મોપદેશનો કે એવો હેતુ ગૌણ કે આનુષંગિક બની જતો હોય અને કવિકૌશલનું પ્રવર્તન ને રસદૃષ્ટિ મુખ્ય બની જતાં હોય એવી કૃતિઓનો તો મધ્યકાળમાં તોટો નથી. આખ્યાનકવિતા અને જૈન રાસાઓ નિર્માયેલા તો છે કશાક ધાર્મિક-સાંસ્કૃતિક બોધ માટે, એવી સામગ્રી એમાં ઓછીવત્તી હોય છે, છતાં એની સાથેસાથે એમાં કથારસ, જનસ્વભાવરસ, વર્ણનરસ અને પદ્યરસ પણ વહે છે. શામળ ભટ્ટમાં કવિત્વ કંઈ ઊંચી કોટિનું નથી ને એમની વારતાઓનો એક મહત્ત્વનો હેતુ લોકશિક્ષણ છે. તેમ છતાં કથાકૌતુકરસથી એ વાર્તાઓ છલકાય છે અને આસ્વાદ્ય બને છે. કવિની પ્રતિજ્ઞા કે એના પ્રગટ હેતુથી આપણે ભ્રાન્તિમાં પડી એનાથી વિમુખ થઈ જવા જેવું નથી. છેવટે, સાહિત્યની શુદ્ધતા એ કંઈ કલાત્મકતાનો પર્યાય નથી અને હેતુનિષ્ઠતા કંઈ અનિવાર્યપણે કલાત્મકતાને અવરોધક નથી. જ્ઞાનવૈરાગ્યભક્તિના ભાવો ને ઉપદેશવૃત્તિ સુધ્ધાં કાવ્યોચિત વિષય હોઈ શકે છે. કાવ્યભાવની વ્યાખ્યા સંકુચિત કરવાની જરૂર નથી. ભારતીય કાવ્યશાસ્ત્રે ભાવો(સંચારિભાવો)ની લાંબી યાદી કરી છે અને આપણે એમાં ઉમેરો કરી શકીએ. ભક્તિનો ભાવ તો મધ્યકાળમાં વારંવાર હૃદયંગમ અભિવ્યક્તિ પામ્યો છે અને જ્ઞાનવિચારને પણ અખાભગત જેવામાં કેવા અદ્‌ભુત મૂર્તતા સાંપડી છે! હેતુનિષ્ઠતા હોવા છતાં અને કવિપણાનો દાવો ન કરવા છતાં મધ્યકાલીન સાહિત્યના રચયિતાઓએ એ અનેકવિધ પ્રકારનાં કવિકર્મો અને કાવ્યસિદ્ધિ પ્રગટ કર્યાં છે તે કાવ્યરસિકોને માટે મોટી વસ સમાન છે ને અંકે કરી લેવા જેવાં છે. માણિક્યસુંદરના ‘પૃથ્વીચંદ્રચરિત’ની ગદ્યલીલા, જયવંતસૂરિના ભાવપ્રવણતા અને સુભાષિતકૌશલ, ગણપતિના ‘માધવાનલકામકંદલા-પ્રબંધ’નો વર્ણનવૈભવ, વિશ્વનાથ જાનીના ‘પ્રેમપચીશી’ની નાટ્યગીતાત્મક ભાવાભિવ્યક્તિ, યશોવિજયજીનું બુદ્ધિચાતુર્ય અને અલંકારચાતુર્ય – આવું તો કેટકેટલું, મધ્યકાલીન સાહિત્યસૃષ્ટિમાં આપણે આપણી કાવ્યરસિકતાને મોકળી મૂકીએ ત્યારે, આપણી સામે આવે છે! બેશક કોઈ પણ સમયની ચોક્કસ સાહિત્યિક પરિપાટીઓ હોય છે અને એનો આસ્વાદ એની શરતોએ જ લેવાનો હોય છે. મધ્યકાળનાં પ્રાસચાતુર્ય, ધ્રુવાનાવીન્ય, પદ્યગાનછટાવૈવિધ્ય વગેરે કેટલાંક કવિકૌશલો પણ છે અને એમાં આપણે રસ લઈ શકીએ તો મધ્યકાલીન સાહિત્યનો આપણો આસ્વાદ વધારે સમૃદ્ધ બને. આપણે જાણીએ છીએ કે મધ્યકાલીન સાહિત્ય કંઈ એકાંતમાં અંગત વાચન માટેનું સાહિત્ય ન હતું. પ્રત્યક્ષ રજૂઆત અને સમૂહભોગ્યતાની દૃષ્ટિથી એ રચાતું હતું અને એનો એના સ્વરૂપનિર્માણમાં મહત્ત્વનો ફાળો હતો. લોકોની મધ્યકાલીન સાહિત્યના સર્જનમાં પરોક્ષ સામેલગીરી હતી. લોકોની વિવિધ જરૂરિયાતો સંતોષવા નિર્માયેલું, સર્વ પ્રકારનાં કાવ્યચાતુર્યોનો આશ્રય લેતું અને ગાનાદિ કળાને પણ પોતાની સહાયમાં લેતું મધ્યકાલીન સાહિત્ય શુદ્ધ સાહિત્ય નહોતું પણ, કહો કે, સંપૂર્ણ સાહિત્ય હતું. હા, જેમ સંપૂર્ણ રંગભૂમિ (ટોટલ થિયેટર) જેવી કોઈ વસ્તુ છે, તેમ સંપૂર્ણ સાહિત્ય (ટોટલ લિટરેચર) જેવી કોઈ વસ્તુ પણ હોઈ શકે. મધ્યકાલીન સાહિત્યને સંપૂર્ણ સાહિત્યનાં ધોરણોથી માણવું-નાણવું જોઈએ. મધ્યકાળથી આપણે આજે ઠીકઠીક દૂર પડી ગયા છીએ. આજે આપણે જુદી હવામાં શ્વસીએ છીએ. મધ્યકાળના સાહિત્યનો રસ માણવામાં, તેથી, આપણને અવશ્ય કેટલાંક વિઘ્નો નડે – ભાષાપ્રયોગોથી માંડીને સાંસ્કૃતિક પરિવેશ સુધીનાં, તેમ છતાં આ વિઘ્નોનું આપણે નિવારણ ન કરી શકીએ એવું નથી, કેમ કે એ આપણી જ પૂર્વપરંપરા છે. સંસ્કારભૂમિકાની કેટલીક સમાનતા એની સાથે આપણે શોધી શકીએ, એની સાથે આત્મીયતા સાધી શકીએ તેમ જ એનો રસ માણી શકીએ. જરૂર છે માત્ર એના પ્રત્યે અભિમુખ થવાની. અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત કવિ કાન્તને એક વખતે પ્રેમાનંદ માત્ર પદ્યજોડુ લાગેલા, પરંતુ ન્હાનાલાલે એમની પાસે પ્રેમાનંદનાં આખ્યાનો વાંચ્યા પછી એમનો અભિપ્રાય બદલાયેલો. આધુનિક બોધના ગુજરાતી આદિકવિ નિરંજન ભગત હમણાં મધ્યકાલીન કવિઓ વિશે નિયમિત રીતે વ્યાખ્યાનો આપી એમને પોતીકી રીતે પ્રકાશિત કરી રહ્યા છે અને આપણા આધુનિક કવિ લાભશંકર ઠાકર પણ પ્રેમાનંદના આખ્યાનના પઠનના જાહેર કાર્યક્રમો કરી લોકોને એનો રસાસ્વાદ કરાવી રહ્યા છે ને એ રીતે મધ્યકાલીન સાહિત્યવારસાની મૂલ્યવત્તા સ્થાપિત કરી રહ્યા છે. સર્જકો માટે તો મધ્યકાલીન સાહિત્ય ખરેખર એક અખૂટ ખજાનો છે. આજે આપણા સર્જકો લોકભાષા, લોકજીવન અને તળપદી સાહિત્યપ્રણાલીઓનો કાર્યસાધક વિનિયોગ કરી પોતાનાં સર્જનોમાં તાજગી અને નૂતનતા નથી આણી રહેલા દેખાતા? તો એ રીતે મધ્યકાલીન સાહિત્યપરંપરાનો પણ નૂતન સર્જનાત્મક વિનિયોગ જરૂર થઈ શકે. એનાં શબ્દરાશિ, રૂઢિપ્રયોગો ને વાક્છટાઓમાંથી તો ઘણું પુનર્જીવિત કરવા જેવું મળી રહે. મેં અખાભગતના છપ્પાઓના અર્થવિચારના લેખો લખેલા એમાં આધુનિક સાહિત્યના સર્જક કોઈકોઈ કવિમિત્રોએ રસ લીધાનું મેં જાણ્યું ત્યારે પહેલાં તો મને આશ્ચર્ય થયેલું. પણ પછી એ સ્વાભાવિક લાગેલું (જોકે એ લેખોનું, ૧૯૮૯ના વર્ષના વિવેચનવિષયક સન્ધાન ક્રિટિક્સ ઍવૉર્ડને પાત્ર બનેલું પુસ્તક ઘણું ઓછું વેચાય છે ને એનું કશે અવલોકન થયું નથી એ પણ એક વાસ્તવિકતા છે). આ સંદર્ભમાં ભૃગુરાય અંજારિયાએ યુવાકવિ હરીન્દ્ર દવેને આપેલી શીખ યાદ આવે છે : “તમે નવીન કવિઓનું જ વાચન કરો છો. એથી બહુ તો આ જમાનાની કાવ્યપ્રતિભાના અનુયાયી (કૅમ્પ-ફૉલોઅર) બની શકો. તમે જો નરસિંહ, પ્રેમાનંદ, અખો, દયારામ બરાબર વાંચી શકો તો સારું. અર્વાચીનમાં ઠાકોર, કાન્ત અને ન્હાનાલાલ. મધ્યકાલીન કવિતા બને તેટલી કાવ્યદોહનનાં પુસ્તકો દ્વારા વધારે વાંચો.” બધા જ લોકો મધ્યકાલીન સાહિત્યમાં રસ લેતા થાય કે એનો અભ્યાસ કરતા થાય એવી અપેક્ષા રાખવાની ન જ હોય, પણ સાહિત્યના રસિયાઓ અને અધ્યેતાઓ પાસે એ ઓછુંવત્તું રહે એવી ઇચ્છા રાખવામાં કંઈ વધુ પડતું નથી. શિક્ષણમાં મધ્યકાલીન સાહિત્યનું સ્થાન ટકી રહેવું જોઈએ –અલબત્ત, વિવેકપૂર્વકનું અને સૂઝબૂઝપૂર્વકનું. હમણાં ધોરણ ૧૧ અને ૧૨નાં ગુજરાતી પાઠ્યપુસ્તકોના મધ્યકાલીન વિભાગ જોવાનો પ્રસંગ ઊભો થયો હતો. ધોરણ ૧૧મામાં તો છાપભૂલો ને પાઠદોષો એટલાં બધાં હતાં કે આમાં ભણનાર-ભણાવનારનું શું થાય એ પ્રશ્ન ગંભીરપણે ઉપસ્થિત થતો હતો. તે ઉપરાંત બન્ને પાઠ્યપુસ્તકોમાંથી બીજા મહત્ત્વના મુદ્દા પણ સામે આવતા હતા. આપણે મધ્યકાલીન સાહિત્યકૃતિની પસંદગી કેવી રીતે કરીએ છીએ? જૂનાં પાઠ્યપુસ્તકોમાંથી કૃતિઓ ઉપાડી લઈએ છીએ કે નવેસરથી શ્રમ કરીને યોગ્ય કૃતિઓ ખોળીએ છીએ? હાથમાં આવી તે વાચના સ્વીકારી લઈએ છીએ કે શુદ્ધ અને ઉત્તમ વાચનાનો આગ્રહ રાખીએ છીએ? પસંદ કરેલી કૃતિઓમાં અર્થઘટનની કોઈ મૂંઝવણ નથી એની આપણે ખાતરી કરી હોય છે? વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભટકવાનું ન થાય એ માટે શબ્દાર્થની પર્યાપ્ત સહાય પૂરી પાડેલી હોય છે? મેં જોયું કે કદાચ સંપાદકો પણ સંતોષકારક રીતે અર્થ ન કરી શકે એવી પંક્તિઓ આ સંપાદનોમાં નજરે પડતી હતી. શબ્દાર્થ ને સમજૂતી ક્યાંક ખોટાં હતાં, તો આપવા જોઈતા ઘણા શબ્દાર્થો અપાયા ન હતા, કેટલાક શબ્દોની મધ્યકાળની વિશિષ્ટ અર્થછાયા પકડી શકાઈ ન હતી. આ રીતે તો આપણે મધ્યકાલીન સાહિત્ય પ્રત્યેની અભિમુખતા નહીં, વિમુખતા કેળવવામાં જ ફાળો આપી શકીએ. શાળાકક્ષાએ મધ્યકાલીન કૃતિઓને કેવી રીતે રજૂ કરવી એ પણ હવે નવેસરથી વિચારવા જેવું લાગે છે. ધોરણ ૧૨ના પાઠ્યપુસ્તકમાં રાજેનું એક પદ રમેશ જાનીના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સંપાદનમાંથી લેવાયેલું. રમેશ જાનીએ ઉક્ત સંપાદનમાં હસ્તપ્રતનાં જે ગ્રામ્ય ઉચ્ચારણ-લેખન મળ્યાં તે યથાવત્‌ રાખેલ છે. ઘણા શબ્દો એમાં એવા સ્વરૂપે મળે છે જે મધ્યકાળમાં પણ માન્ય કે વ્યાપક હતા એમ ન કહેવાય. એથી અવબોધમાં મોટો અંતરાય ઊભો થાય છે ને અભ્યાસીએ પણ જરા વિચાર કરવા થોભવું પડે એવું થયું છે. વિશાળ શિક્ષકવર્ગનું તો આમાં શું ગજું? આપણે શબ્દાર્થની મદદ પૂરી પાડીએ, પણ એ શ્રમ પછીયે શું? મૂળ કૃતિ સાથે મનનો મેળ રચાવો મુશ્કેલ. આ કક્ષાએ તો કૃતિને માન્ય શબ્દસ્વરૂપોથી જ રજૂ કરવાનું ઇષ્ટ નહીં? અંગ્રેજી ભાષામાં તો શેક્‌સ્પિઅર પણ શાળાકક્ષાએ આધુનિક લેબાસમાં ને સંક્ષિપ્ત રૂપે રજૂ થાય છે. આપણે મધ્યકાલીન સાહિત્યને પણ થોડા સંમાર્જન-સંપાદનપૂર્વક ન મૂકવું જોઈએ? અલબત્ત, મધ્યકાલીન સાહિત્યની મધ્યકાલીનતા નષ્ટ ન થાય એની કાળજી રાખવી જોઈએ. વધારે જૂનાં કે ગ્રામ્ય ઉચ્ચારણરૂપોને સ્થાને પાછળના સમયનાં ઉચ્ચારણરૂપો સ્વીકારી શકાય, પરંતુ મધ્યકાલીન શબ્દોને સ્થાને અર્વાચીન શબ્દોનું ભરણું ન કરી શકાય. દુર્બોધ રહેતા અંશોને છોડી દઈ શકાય, પણ અણસમજમાં કંઈ અગત્યનું નીકળી ન જાય એની કાળજી રાખવી જોઈએ. સરેરાશ શિક્ષક સહેલાઈથી ગતિ કરી શકે અને વિશાળ વિદ્યાર્થીવર્ગનું મન જેમાં લાગી શકે એવાં મધ્યકાલીન કૃતિઓનાં સંપાદન-રજૂઆત હોવાં જોઈએ. આ અધિકાર ગમે તે વ્યક્તિને ન જ હોઈ શકે, એ કામ એ માટેની સજ્જતા અને સૂઝ ધરાવતી વ્યક્તિને હાથે જ થવાનો આગ્રહ રાખવો જોઈએ. કૉલેજ અને યુનિવર્સિટી-કક્ષાએ, અલબત્ત, મધ્યકાલીન કૃતિઓની શાસ્ત્રીય રીતે સંપાદિત થયેલી અધિકૃત વાચનાઓ જ નિયત કરવી જોઈએ. કૉલેજકક્ષાએ મધ્યકાલીન સાહિત્યના એક પૂરા પ્રશ્નપત્રમાં કાપ ન જ મૂકી શકાય. એ પગલું તો મધ્યકાલીન સાહિત્યની વિશાળતાથી આપણે બેખબર છીએ એમ જ બતાવે. મધ્યકાલીન સાહિત્યાભ્યાસને સાંસ્કૃતિક અભ્યાસ સાથે સાંકળી એને જીવંત બનાવવો જોઈએ અને મધ્યકાળના નાનામોટા સર્વ સાહિત્યપ્રવાહોની અભિજ્ઞતા કેળવાય એવો પ્રયત્ન કરવો જોઈએ. પાંચ-છ મોટા કવિઓના અભ્યાસમાં જ મધ્યકાલીન સાહિત્ય સીમિત થઈ જાય છે એ નિવારવું જોઈએ. આમ કરવા જતાં કદાચ એક પ્રશ્નપત્ર પણ ઓછું પડે એવો સંભવ છે. તો એ માટે પણ કંઈક વ્યવસ્થા વિચારવી જોઈએ. પણ મધ્યકાલીન સાહિત્યની વિશિષ્ટ તાલીમ પામેલો એક નાનકડો વર્ગ આપણે ઊભો નહીં કરી શકીએ તો ઉપર સૂચવેલી વ્યવસ્થાઓ પાર પડવા સંભવ નથી. જેમની પાસે સંસ્કૃત-પ્રાકૃત એ પૂર્વપરંપરાનું પણ જ્ઞાન છે એવી મધ્યકાલીન સાહિત્યની પારંગત પેઢી તો હવે લુપ્ત થવામાં છે. નવ-અભ્યાસીઓ ઘણા ઓછા પ્રાપ્ત થઈ રહ્યા છે, એમની સજ્જતા પાંખી પડી રહી છે — ઊણી ઊતરી રહી છે ને સૂંઠને ગાંગડે ગાંધી ગણાઈ જવાય એવી સ્થિતિ પ્રવર્તવા માંડી છે. વિદેશોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકૃતિઓનાં સંપાદનો થાય છે, મધ્યકાલીન પરંપરાઓ વિશે પરિસંવાદો યોજાય છે અને મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની સગવડો પણ ઊભી થાય છે ત્યારે આપણે આપણા આ સમૃદ્ધ વારસા પરત્વે જાણે ઉદાસીન છીએ. હજુ તો હસ્તપ્રતભંડારોમાં અભ્યાસીઓની રાહ જોતું વિપુલ સાહિત્ય પડેલું છે. એનો ઉદ્ધાર કોણ કરશે? આનો કંઈક નક્કર ઉપાય આપણે વિચારવો જોઈએ. એમ લાગે છે કે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસને જ વરેલી એક વિદ્યાસંસ્થા જોઈએ અને યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-કક્ષાએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બે પ્રશ્નપત્રોનો – ભલે વૈકલ્પિક રૂપે પણ – અલાયદો અભ્યાસક્રમ જોઈએ. એમાં હસ્તપ્રતવાચન, પાઠસંપાદન, ભાષાવિકાસ, સંસ્કારપરંપરાઓ, પદ્યબંધો અને અન્ય સાહિત્યપ્રણાલીઓના ઊંડા ઝીણવટભર્યા અભ્યાસનો સમાવેશ હોય. મધ્યકાલીન કૃતિઓના અને એને વિશેના અભ્યાસોના પ્રકાશનની એક માતબર વ્યવસ્થા જોઈએ અને નવ-અભ્યાસીઓના ઉદ્યમને સત્કારતું, નાનીનાની મધ્યકાલીન કૃતિઓને તથા અભ્યાસલેખોને પ્રકાશિત કરતું એક સામયિક પણ જોઈએ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક વખતે પ્રાચીન ગૂર્જર ગ્રન્થમાળાની પ્રવૃત્તિ સદ્ધર રીતે ચાલી હતી એ આજે તો એક રોમાંચક સ્મરણ અને ભવિષ્યનું સ્વપ્ન બની ગયેલ છે, એને પુનર્જીવન મળવું જોઈએ. શબ્દકોશાદિ સાધનો પણ ઊભાં થવાં જોઈએ. હા, અહીં રજૂ કરેલી અપેક્ષાઓ શમણાંઓ સમી ભાસે એમ છે. પણ મધ્યકાલીન સાહિત્યના સમૃદ્ધ વારસાને આપણે વીસરવા ન માગતા હોઈએ તો એ શમણાંઓ સાચાં પાડવાં પડશે. ભલે એ દિશામાં એક પછી એક નાનાંનાનાં ડગ ભરીએ. આ મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ પણ એ દિશામાં એક નાનકડું ડગ છે. એ મધ્યકાલીન સાહિત્યના અવબોધમાં સહાયરૂપ થશે અને મધ્યકાલીન સાહિત્યના આપણા અભ્યાસોને વધુ અર્થપૂર્ણ બનાવશે તો એમાં એની સાર્થકતા હશે.

૧૪ માર્ચ ૧૯૯૫ [‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ : પ્રાસ્તાવિક લેખ]

*