સંવાદસંપદા/હર્ષલ પુષ્કર્ણા : એક સંવાદ

From Ekatra Wiki
Revision as of 00:52, 23 June 2024 by Meghdhanu (talk | contribs) (added pic)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હર્ષલ પુષ્કર્ણા : એક સંવાદ

આરાધના ભટ્ટ

Harshal Pushkarna.jpg





વાર્તાલાપની શ્રાવ્ય કડી


હર્ષલ પુષ્કર્ણા એ નામ જો ગૂગલમાં ટાઇપ કરીએ તો એમનાં અનેક વ્યક્તિત્વો આપણી સામે ખડાં થાય. અમદાવાદના હર્ષલ પુષ્કર્ણા વિજ્ઞાન લેખક અને સંપાદક છે. તેઓ ‘સફારી’ સામયિકના લેખક અને તંત્રી હતા અને હર્ષલ પ્રકાશનના માલિક છે. ગુજરાતી ભાષામાં અનન્ય કહેવાય એવો લેખનનો ચીલો એમણે ચાતર્યો છે અને જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો તેઓ પ્રકાશિત કરે છે. તેઓ ગુજરાતી સામયિક ‘જિપ્સી ટ્રાવેલર’નું પ્રકાશન કરે છે તેમ જ અખબારી કૉલમ પણ લખે છે. આ ચીલા પર ચાલવાનું એમને ગળથૂથીમાંથી મળ્યું છે. ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર, લેખક, સંપાદક નગેન્દ્ર વિજયના તેઓ પુત્ર છે અને ગુજરાતમાં વિજ્ઞાનલેખનનો ચીલો ચાતરનાર વિજયગુપ્ત મૌર્ય એમના દાદા થાય. હર્ષલભાઈ એક સાહસિક અને દેશપ્રેમી પ્રવાસી છે અને યુવાનો માટે હિમાલયના ટ્રૅકિંગ કૅમ્પ પણ યોજે છે, જેથી દેશના યુવાનોમાં જ્ઞાનની સાથે રાષ્ટ્રવાદનાં બીજ રોપાય. તેમનું ગુજરાતી પુસ્તક ‘આ છે સિઆચેન’ અનેક ભાષાઓમાં અનૂદિત છે અને સિઆચેનનાં દુર્ગમ હિમશિખરોમાં ફરજ બજાવતા જવાનો સંદર્ભે તેઓ કેટલાક કાર્યક્રમો પણ હાથ ધરે છે. એમની સાથેનો આ સંવાદ એમના વ્યક્તિત્વનો પરિચય કરાવશે. પ્રશ્ન : હર્ષલભાઈ, તમારા વ્યક્તિત્વનાં અને કર્તૃત્વનાં અનેક પાસાંઓ છે. વિજ્ઞાનનો દૃષ્ટિકોણ તો છે જ, પણ એ સાથે વાંચન-લેખન, પ્રવાસ, સાહસ, દેશપ્રેમ, ટ્રૅકિંગ, પર્યાવરણ, શિક્ષણ, પત્રકારત્વ—આ બધી જ ભૂમિકા તમે એકીસાથે નિભાવો છે. મને લાગે છે કે આ બધાંનાં મૂળ તમારા બાળપણમાં, તમારા ઉછેરમાં તમને મળેલા વારસામાં હશે. તમારા પિતાજીનાં અને તમારા દાદાનાં તમારાં સંસ્મરણો અને તમારા ઉછેર વિશે કંઈક વાત કરશો? હું વાતની શરૂઆત આઇન્સ્ટાઇનથી કરીશ, કારણ કે, એ મારા વિજ્ઞાનગુરુ તો છે જ, પણ તત્ત્વજ્ઞાનના પણ એ મારા ગુરુ છે. બહુ ઓછા લોકો જાણે છે કે આઇન્સ્ટાઇનનો ફિલૉસૉફિકલ અપ્રોચ પણ બહુ ગજબનો હતો. એમણે જ્યારે થિયરી ઑફ રિલેટિવિટી આપી ત્યારે એમને પૂછવામાં આવ્યું કે જ્યાં કોઈની દૃષ્ટિ પહોંચી ન શકી ત્યાં તમારી દૃષ્ટિ કેવી રીતે પહોંચી? બ્રહ્માંડને આટલી સરળતાથી તમે કેવી રીતે રજૂ કરી શક્યા? ત્યારે એમણે બહુ સરસ જવાબ આપેલો કે બ્રહ્માંડમાં મારી દૃષ્ટિ એટલા માટે પહોંચી છે કે મારી આગળ કામ કરી ગયેલા દિગ્ગજ વિજ્ઞાનીઓના ખભે હું ઊભો હતો, એને કારણે મારી દૃષ્ટિ દૂર સુધી પહોંચી શકી. આમ, હું પણ આજે જે છું એમાં મારા દાદા વિજયગુપ્ત મૌર્ય અને મારા પિતા નગેન્દ્ર વિજયનો બહુ જ મોટો ફાળો છે. બેઉ જણાએ મને ક્યારેય કાન પકડીને કોઈ તાલીમ નથી આપી કે આમ લખવું જોઈએ કે આમ કરવું જોઈએ. હું જે શીખ્યો છું તે એમને જોઈને શીખ્યો છું. મારામાં એક સમન્વય એવો સર્જાયો છે કે હું મારા વ્યક્તિત્વને ત્રણ હિસ્સામાં વહેંચું છું. ૩૩.૩૩ ટકાના સરખા ભાગે મારામાં મારા દાદાના ગુણો છે, મારા પિતાએ મને જે વારસો આપ્યો એ છે, અને બાકીના ૩૩ ટકા મારી સ્વતંત્ર વિચારસરણી છે, જેણે મને ઘણું બધું શીખવ્યું છે. મારા દાદા પાસેથી હું જે શીખ્યો અને એ એમણે મારા પિતાજીને પણ આપ્યું, એ છે કામ પ્રત્યેની નિષ્ઠા. જો પત્રકારત્વ તમારે ચલાવવું હોય અને જો એનાથી સંસારનું કંઈ ભલું નથી થતું તો પછી કલમ પકડવાનો તમને કોઈ અધિકાર નથી. એક એવા સમયમાં મારા દાદાજીએ જ્ઞાન-વિજ્ઞાન પત્રકારત્વમાં ઝંપલાવ્યું જ્યારે એની કોઈ ચોક્કસ દિશા નહોતી. પત્રકારત્વ એ વખતે રાજકારણ, ફિલ્મ, વગેરે પર ચાલતું હતું. એમણે એક જુદો ચીલો ચાતર્યો, જેના પર મારા પિતાજી ચાલ્યા, અને હવે હું પણ એના પર ચાલું છું. મારા પપ્પાની સાથે હું ૧૪ વર્ષની ઉંમરે જોડાયો. મને ૧૪ વર્ષે એ જ્ઞાન થઈ ગયું હતું કે આ ભણતર મારે માટે નથી અથવા તો આ ભણતર માટે હું નથી. મારે ભણવાનું છોડી દેવું હતું, છતાં મેં ભણતર પૂરું કર્યું. પણ હું ઑફિસમાં વધારે સમય વિતાવવા માંડ્યો, કારણ કે, ત્યાં મને ઘણું બધું વાંચવા મળતું હતું. અમારું અંગત પુસ્તકાલય બહુ જ સમૃદ્ધ હતું. એમ કરતાં કરતાં હું કામ કરતો ગયો અને ‘સફારી’માં હું એમની સાથે જોડાયો. એક દિવસ મને એમ થયું કે પપ્પાને કેવું સારું કે એ.સી કૅબિનમાં બેસીને લખવાનું અને હું લ્યુના પર બહાર આંટાફેરા કરીને ઑફિસનાં નાનાંમોટાં કામ કરું છું. તો મારે પણ એ.સી. કૅબિનમાં બેસીને લખવું છે. મારી ઉંમર એ વખતે માંડ ૧૫-૧૬ વર્ષની હશે. એટલે એક દિવસ મેં એમને કહ્યું કે મારે લખવું છે; તો મારા પિતા નગેન્દ્ર વિજયે મને એમ કહ્યું કે પહેલાં તું વાંચ. પણ મેં કહ્યું કે, ના, મારે તો લખવું છે. એમનો સ્વભાવ ખૂબ મૃદુ, અને એ જલ્દી પિત્તો ન ગુમાવે, અને મારો સ્વભાવ પણ એ પ્રકારનો. પણ એ દિવસે અમારા બંનેનો પિત્તો ફર્યો. એમણે કહ્યું કે હવે તું લખીને બતાવ, અને મેં કહ્યું કે હવે તો હું લખીને બતાવીશ જ. હું લેખ લખવા બેઠો. મારાથી ખાલી એક ફૂલ્‌સ્કૅપ પાનું ભરાયું. એ લેખ હું એમના ટેબલ પર મૂકવા ગયો ત્યારે એમણે એ પાનું જોયા વગર બાજુએ મૂકી દીધું. એમને એમ હતું કે આટલો નાનો લેખ હોઈ જ ન શકે. એમની પાસેથી હું જે શીખ્યો એનો મુખ્ય મુદ્દો એ હતો કે વાંચન ન હોય તો તમે લખી જ ન શકો, કોઈ પ્રશ્ન જ નથી. આજે હું મારી ઑફિસમાં બેઠો છું, તમે મને એમ કહો કે નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્રયાત્રા પર કોઈ પણ જાતનો રેફરન્સ લીધા વિના છ પાનાંનો એક લેખ લખી આપો, તો હું લખી શકું. આનું શ્રેય હું મારા પિતાજીને અને દાદાજીને આપું છું, કારણ કે, એમણે મને વાંચતો કર્યો. એમણે મને લખતો નથી કર્યો, એમણે મને વાંચતો કર્યો. એટલે, આ બંને વ્યક્તિઓનું મારા જીવનમાં બહુ મોટું યોગદાન છે અને હું નસીબદાર છું કે એ પરિવારમાં હું જન્મ્યો. પ્રશ્ન : ‘સ્કોપ’, ‘સફારી’, ‘ફ્લેશ’ની પરંપરાને હવે તમે આગળ વધારી રહ્યા છો. અંગ્રેજીમાં શબ્દ છે, ‘જનરેશન ગૅપ’. આપણે એને પ્રગતિશીલતા કહીએ કે પછી અનિવાર્ય પરિવર્તન કહીએ. એ પરંપરામાં તમે કેવાં પરિવર્તનો અથવા કેવી પ્રયોગશીલતા લાવી રહ્યા છો, જેથી તમે આજે યુવાનો સાથે જે રીતે સંકળાઈ રહ્યા છો એ રીતે સંકળાઈ શકો છો? પત્રકારત્વ હોય કે પછી બીજું કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં તમે પોતાની સ્થિરતા સાથે સમયના પ્રવાહમાં જો તમે આગળ વધી નથી શકતા તો પ્રવાહ આગળ નીકળી જશે અને તમે પાછળ રહી જશો. એક સમય હતો જ્યારે ગુજરાતી વાચકોને એક પ્રકારનું વાંચન જોઈતું હતું. એક સમય હતો જ્યારે ‘સ્કોપ’ સામયિકમાં મારા પિતા ૧૯-૨૦ પાનાંના લેખો આપતા હતા. એક સમય હતો જ્યારે અમે ‘સફારી’માં ૨૧ પાનાંનો લેખ આપ્યો છે. અને એક સમય એ પણ હતો જ્યારે ઉર્વીશ કોઠારીના ‘જલસો’ નામના સામયિકમાં મેં ૨૩-૨૪ પાનાંનો લાંબો લેખ લખ્યો હતો. હું લેખક છું એમ સંપાદક પણ છું, અને હવે એક સંપાદક હોવાના નાતે મારું એવું અવલોકન છે કે જે વર્ગને વિસ્તારમાં વાંચવું હતું એ વર્ગ ઘટી ગયો છે. નાબૂદ થઈ ગયો છે એવું હું નથી કહેતો; એ વર્ગ હજુ છે, પણ એ હવે મુઠ્ઠીભર રહી ગયો છે. તો હવે સમયનો તકાદો કેવો છે કે તમે થોડા શબ્દોમાં, થોડાં વાક્યોમાં જો વધુ માહિતી આપી શકો તો તમે તમારા વાચકોને એન્ગેજ કરી શકો. હવે તો એ પણ મને થોડું વાસી થતું જણાઈ રહ્યું છે, કારણ કે, લોકોને વાંચવું પણ નથી. વાંચનને બદલે યુવાનોએ પાંચ મિનિટની વીડિયો જોઈ લેવી હોય છે. એમાં પણ એક પેટાવર્ગ એવો છે જેને માત્ર રીલ્સ જ જોવી છે, અને ઘણી વખત તો એની ધીરજ નથી રહેતી તો ૩૦ સેકંડની રીલ પૂરી થાય એ પહેલાં તો એ સ્વાઇપ કરી નાંખે. વાચકો નથી બદલાતા, બદલાય છે સમય. અને જો સમય સાથે આપણે બદલાઈ નથી શકતા, તો સમય આપણને ભુલાવી દેશે. આ તો સનાતન સત્ય છે. હું બહુ જ અન્ડરલાઇન કરીને આ વાત કહી રહ્યો છું કે ભારતની નવી પેઢી એ ડાઇનમાઇટ જેવી છે. એમનામાં પ્રચંડ શક્તિ છે, પ્રચંડ ઊર્જા છે. પ્રશ્ન એ છે કે એમને એ કરવા માટે કે એમને એ વિચારવા માટે મોકળું મેદાન નથી મળતું. તમે એમને થોડીક દૃષ્ટિ આપો તો એ લોકો ચમત્કાર કરી શકે એમ છે. હું એ બાબતે બહુ જ આશાવાદી છું. હું તમને એક સાદો દાખલો આપું. હું એમને ડાઇનમાઇટ કેમ કહું છું? ડાઇનમાઇટનો ધડાકો તમે કોલસાની અથવા સોનાની ખાણમાં કરો તો તમને કોલસો અથવા સોનું મળે. એટલે કે કંઈક સારું ઉપયોગી મળી રહે. એ જ ડાઇનમાઇટનો ધડાકો કાશ્મીરમાં થાય છે ત્યારે શું થાય છે એ આપણે બધાં જાણીએ છીએ. ડાઇનમાઇટ એ જ છે, માત્ર એનો ઉપયોગ જુદો છે. તમે જ્યારે છોકરાંઓને બહાર લઈ જાઓ અને એમની સાથે અમુક વિષયોની ચર્ચા કરો છો ત્યારે એ લોકો ખીલે છે અને આપણને એ જ જોઈએ છે કે ભારતનાં છોકરાંઓ ખીલે. એ ખીલશે તો જ આગળ જતાં સારું કામ કરી શકશે. તો મેં આ શરૂ કર્યું છે. ‘જિપ્સી આઉટડોર્સ’ – હું એમને હિમાલયમાં લઈ જાઉં, ૬-૭ દિવસ એ લોકો મારી સાથે રહે, હું એમની અંદર રહેલી શક્તિઓનો એમને ખ્યાલ અપાવું કે આ પર્વત આપણે યેન કેન પ્રકારેણ ચડવાનો છે. કોઈ નબળી વાત નહીં, કોઈ નેગેટિવ વાત નહીં, અને આખા દિવસનું ટ્રૅકિંગ પૂરું થાય એટલે સાંજે એમની જોડે હું જ્ઞાનગોષ્ઠી કરું. તો આ પણ શિક્ષણ છે. મારી આગળની પેઢીઓ જે લખીને કરતી આવી છે એ કામ હવે હું મૌખિક રીતે કરું છું. એનાથી છોકરાંઓને મજા પડે છે. પછીથી એ લોકો મને પત્રો લખે છે. એ પત્રો એટલા સરસ હોય કે આપણને ફરી વખત આવા ટ્રૅક કરવાની પ્રેરણા મળે. એટલે, હું આ રીતે બદલાયો છું. આપણે જ્ઞાન આપવાનું જ છે, ભલે માધ્યમ બદલાઈ જતું. તો આ મારી વિચારસરણી છે. પ્રશ્ન : આપણે ફરી પાછા તમારાં લેખન, પ્રકાશન, અને સંપાદન તરફ જઈએ. પ્રવાસોની વાત પછીથી કરવા હું ધારું છું. આપણે સમય સાથે બદલાવાની વાત કરી અને લેખનની વાત કરી તો એમાં ભાષાનો મુદ્દો પણ આવે છે. ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે, યુવાનો સાચું અને સ્પષ્ટ ગુજરાતી બોલતાં પણ નથી, અને તમે કહ્યું એમ એમને વાંચવાની ઇચ્છા નથી થતી. ગુજરાતી ભાષા સાથેના તમારા અનુસંધાનની વાત કરો, અને યુવાન ગુજરાતી વાચકો સાથેના તમારા અનુભવો કેવા છે? તમારી વાત સાચી છે કે ગુજરાતી ભાષા જે રીતે બોલાવી જોઈએ એમાં ઉચ્ચારણથી માંડીને શબ્દપ્રયોગો વગેરે ઘણી બાબતોમાં આપણને સમસ્યા જોવા મળે છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે આપણાં શસ્ત્રો હેઠાં મૂકી દઈએ. આપણે આપણી રીતે જો પ્રયાસો ચાલુ રાખીએ તો સારાં પરિણામ આવી શકે એમ છે. દાખલા તરીકે ૨૦૨૩ના મે મહિનામાં અમે ઉત્તરાખંડમાં એક ટ્રૅક કર્યો. છોકરાંઓ માટેનો ટ્રૅક હતો. છેલ્લા દિવસે અમારી એક સામાન્ય પ્રથા પ્રમાણે એ લોકો એમના અનુભવોની વાતો અમને કરે. છૂટાં પડતી વખતે મેં બધાં બાળકોને કહ્યું કે હવે ઘેર જઈને તમે મને એક પત્ર લખજો, અને એ પત્ર મને ગુજરાતીમાં જોઈએ. કેટલાંક બાળકોએ કહ્યું કે એમને ગુજરાતી નથી ફાવતું, તો મેં એમને કહ્યું કે તમારાં માતા-પિતાની મદદ લો, પણ મને ગુજરાતીમાં લખીને મોકલો, તો મને આત્મીયતા લાગશે. અને ઘણાં છોકરાંઓએ ગુજરાતીમાં પત્ર લખ્યો પણ ખરો. તો આ એક નાનું પગલું છે. તો મને એમ થાય કે ફરિયાદ કરવા કરતાં આપણે એના ઉકેલ તરફ કેમ આગળ વધી ન શકીએ. ગુજરાતી ભાષાનો ક્ષય ધીમે ધીમે થઈ રહ્યો છે એ બરાબર છે, બોલચાલમાં, વાંચનમાં, વગેરેમાં. પણ એ બાબતે આપણે નાનું તો નાનું, પણ કોઈક યોગદાન આપી શકીએ તો એની ફરિયાદ કરવાને બદલે કોઈ નક્કર પરિણામ આપણે લાવી શકીએ. ઘણું થઈ શકે એમ છે, પ્રશ્ન માત્ર એટલો છે કે મા-બાપની તૈયારી બહુ જ ઓછી હોય છે. છોકરાંઓને ગુજરાતી ફાવતું નથી તો એ માત્ર છોકરાંઓની મર્યાદા નથી, એ મર્યાદા ઉછેરની છે. રોજ રાત્રે મા-બાપ એમને ગુજરાતી પુસ્તક વાંચી આપી શકે કે નહીં? આવું વચન હું મા-બાપ પાસે લેતો હોઉં છું. કેટલાંક મા-બાપ મને કહે છે કે રોજ રાત્રે અમે તમારા ‘પરમ વીર ચક્ર’ પુસ્તકમાંથી એક દેશપ્રેમીની વાત અમારાં બાળકોને વાંચીને કહીશું. તો આટલું પણ થાય તો ભયો ભયો. આનાથી એક વાત એ થાય છે કે એ છોકરાંઓ ભલે ગુજરાતી વાંચતાં નથી પણ સાંભળે તો છે, અને એ રીતે એમનું ગુજરાતી શબ્દભંડોળ સમૃદ્ધ થાય છે; અને બીજું એ કે એમનામાં દેશપ્રેમ ખીલે છે. આટલું તો આપણે કરી જ શકીએ, અને એમ કરીએ તો એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ આપણે નિભાવી ગણાય. પ્રશ્ન : હવે તમારા પ્રવાસોની વાત કરીએ. આપણે હમણાં જ ચર્ચા કરી એમ તમારા પ્રવાસો કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવું કે કંડક્ટેડ ટૂરમાં ફરવું એવા નથી હોતા. તમારા પ્રવાસો “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” એ પ્રકારના છે. એને માટે જરૂરી સાહસ અને શારીરિક તેમ જ માનસિક સૌષ્ઠવ કેવી રીતે કેળવાય? તમે પોતે એને માટે શું કરો? એની શરૂઆત કેવી રીતે થઈ? એના અનુભવો? અનુભવો તો પુષ્કળ છે. અને હું સહેજ પણ અતિશયોક્તિ વિના એમ કહીશ કે મારી બે માતાઓ છે. એક માતા જેણે મને જન્મ આપ્યો અને બીજી માતા જે મને એના ખોળામાં કેળવે છે એ માતા કુદરત-માતા—પ્રકૃતિ. હું જ્યારે પણ હિમાલયમાં આવો એકાદ પ્રવાસ કરું છું અને હું ઘણા દૂરના પ્રદેશોમાં પણ ગયો છું, પણ ક્યારેય હવામાનથી માંડીને બીજી કોઈ પણ તકલીફો નડી નથી. પાણીના એક ટીપા માટે હું તરસી જતો હોઉં, નજીકના ૧-૨ કિલોમીટરમાં પાણી ક્યાંય ન હોય અને અચાનક કોઈ વ્યક્તિ પાણી લઈને હાજર થઈ જાય અને પાણી જ નહીં, પણ મને ચા-નાસ્તો પણ કરાવે. આવા ચમત્કાર મારી સાથે થયા છે. એ આખી પ્રસંગાવલી મારા ‘ચાલો લદ્દાખ’ પુસ્તકમાં મેં લખી છે. મને શું લાભ થાય છે? આમ તો મારા પ્રવાસો બે પ્રકારના હોય છે. પહેલો તો મારો પ્રવાસ શારીરિક હોય છે, એટલે કે હું પર્વતોમાં ચાલતો હોઉં છું. કુદરતની સુંદરતા, શાંતિ એ બધું હું માણતો હોઉં છું. બીજો પ્રવાસ મારા અંદરખાને ચાલતો હોય છે, અને એ બહુ મહત્ત્વનો છે. કારણ કે, એ મારા મનમાં જાણે-અજાણે જે ગ્રંથિઓ થઈ ગઈ હોય એનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. એ મને બતાવે છે કે હું કોણ છું અને એ પર્વતો સામે કે એ ધસમસતી નદીઓ સામે મારી હેસિયત શું છે. એનાથી મારો પગ જમીન પર ટકી રહે છે અને એ બાબતનો મને બહુ આનંદ છે. મજા પણ આવે છે, અવનવા અનુભવો થાય છે. પહાડોમાં અમુક દૂર-દરાજના પ્રદેશોમાં તો એવા સરસ અનુભવો થયા છે! આપણને એમ થાય કે આપણે જે કહીએ છીએ કે આપણે સુખ-શાંતિથી જીવીએ છીએ, આપણી પાસે સુખ-સગવડ છે અને આ લોકો પાસે કંઈ નથી અને છતાં સુખનો જો ગ્રાફ દોરી શકતા હો તો એ લોકો આપણા કરતાં ક્યાંય ઉપર છે. આપણે વૈરાગ્ય ધારણ કરીને દૂરનાં પહાડી ક્ષેત્રોમાં વસી જવાની જરૂર નથી; પણ આવા લોકોને મળીએ ત્યારે જીવનમાં એક સંતુલન રાખવાની વૃત્તિ ખીલે છે. રહી વાત સાહસ અને શરીર સૌષ્ઠવની. મારા દરેક ટ્રૅકમાં હું પહેલા દિવસે જ્યારે બધા ટ્રૅકરને સંબોધન કરું ત્યારે એમને એક અદૃશ્ય ચશ્માં પહેરાવું છું. એ ચશ્માં નજરનાં નથી, દૃષ્ટિનાં છે. આ દૃષ્ટિ શું છે? આ દૃષ્ટિ એ છે કે તમારું મન તમારા શરીરનું નિયમન કરશે. જો તમે મનમાંથી મોળા પડી જાઓ તો તમારા પગ નહીં ચાલે. અત્યારે ‘જિપ્સી’ની સફળતાનો આંક ૯૯.૯ ટકા જેટલો છે. ગયા ડિસેમ્બરમાં ભરશિયાળે અમે એક ટ્રૅક કર્યો, એમાં રાત્રે દોઢ વાગ્યે ટ્રૅકિંગ શરૂ કરવાનું હતું. દોઢ વાગે તો બેઠો ઠાર હોય, છતાં બધા ઊભા થઈ ગયા હતા. આગલી સાંજે મેં આપણા સિઆચેનના જવાનોની વાત એમને કહી હતી. અમારે એ દિવસે જે શિખર પર પહોંચવાનું હતું ત્યાં એ બધા જ પહોંચી શક્યા. ‘જિપ્સી આઉટડોર’ આમ મને એક સરસ પ્લૅટફૉર્મ પૂરું પાડે છે, ખાસ કરીને ગુજરાતીઓ જે સુંવાળા પ્રવાસો કરવા ટેવાયેલા છે એ લોકો એમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. પ્રયાસ નાનો છે, પણ પરિણામ બહુ મોટાં છે. પ્રશ્ન : તમે ‘સિઆચેન’ પુસ્તકનો ઉલ્લેખ કર્યો, હું પણ એ પુસ્તક વિશે જાણવા માંગું છું. એ પુસ્તકને સારો એવો આવકાર મળ્યો, એના અનુવાદો પણ થયા. તે ઉપરાંત તમે સિઆચેન વિશે એક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છો. આ બંને વિશે કંઈક વાત કરો. દરેક વ્યક્તિના જીવનમાં એવો કોઈક પ્રસંગ આવતો હોય છે, જો એ વ્યક્તિ બધી રીતે જાગૃત હોય તો. એ પ્રસંગને એ પોતાના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ કહેતો હોય છે. મારા જીવને જે સુખદ વળાંક લીધો એ મારી સિઆચેનની યાત્રા હતી. એ હું કરીને આવ્યો પછી જીવનમાં મને કોઈ સમસ્યા સમસ્યા જ નથી લાગતી. કોઈ પણ સમસ્યા આવે તો હું મારા એ જવાનોને યાદ કરું છું જે લોકો કેવા વાતાવરણમાં રહે છે એને મેં મારી નજર સામે જોયા છે. ઉનાળામાં શૂન્યથી નીચે ૨૦ ડિગ્રી અને શિયાળામાં શૂન્યથી નીચે ૨૫થી ૫૦ ડિગ્રી તાપમાનમાં, અને એવી એકલતા કે તમે વિચારી પણ ન શકો. તો સિઆચેનમાં મને જે શીખવા મળ્યું તે કર્તવ્યનિષ્ઠા. બધી જ પ્રતિકૂળતાઓની સામે, આટલા વિષમ વાતાવરણમાં આપણા જવાનો કેવી રીતે રહે છે. રોજના ૧૫-૧૭ કિલોમીટર એ લોકો પેટ્રોલિંગ કરે છે. હિમ ઝંઝાવાત થાય, ખાવાનું ભાવે નહીં, ચક્કર આવે, સ્મૃતિભ્રંશ થઈ જાય—કેટકેટલી શારીરિક સમસ્યાઓ સામે એ લોકો રોજેરોજ ઝઝૂમે છે. હું ત્યાં એક મહિનો રહ્યો એ દરમ્યાન કોઈ પણ જવાનના મોઢે કોઈ હતાશા-નિરાશા કે કોઈ ફરિયાદ મેં સાંભળી નથી. તમે પહેલો એક પ્રશ્ન કરેલો કે સમય સાથે પરિવર્તન માટે હું શું કરું છું, તો એ સંદર્ભે પણ આ વાત કરું કે એ પુસ્તક થયું, એના અનુવાદ થયા, એ પુસ્તક બધે ફેલાયું, પછી મને વિચાર આવ્યો કે ગુજરાતમાં તો એવા ઘણા લોકો હશે જેમને વાંચનનો શોખ નથી અને એ લોકો વાંચનથી દૂર છે, તો શું એ લોકોને આપણા જવાનોની વાત ન કરવી જોઈએ? એટલે મેં ‘સિઆચેન જન જાગૃતિ ઝુંબેશ’ નામનું મિશન ઉપાડ્યું. અને એ મિશન અંતર્ગત મેં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિના મૂલ્યે ૫૦ પ્રોગ્રામ કર્યા. એટલે એ રીતે મેં એ લોકોને અવગત કર્યા કે આપણા જવાનો ત્યાં કેવી રીતે રહે છે. સરેરાશ એક પ્રોગ્રામમાં ૫૦૦ લોકો તો હોય જ છે. વલસાડમાં એક કાર્યક્રમમાં તો ૩,૫૦૦ લોકો આવ્યા હતા. તો આ લોકોમાંથી દસ ટકા લોકો પણ આમાંથી કંઈક સારો સંદેશો લઈને જાય અને એમના જીવનમાં કંઈ પરિવર્તન આવતું હોય તો મારો પ્રયાસ સફળ છે. એમાં હું માત્ર વક્તવ્ય આપવાથી અટક્યો નહીં, એમાં હું એક ડગલું આગળ વધ્યો. આપણા સીમાપ્રહરીઓ માટે મેં વાર્ષિક રાખડીનું અભિયાન શરૂ કર્યું. એ મિશનનું નામ છે ‘એક રાખી ફૌજી કે નામ’. એ અંતર્ગત મારી પાસે હવે ભારતભરમાંથી રાખડીઓ આવે છે. એ રાખડીઓ સરહદ પર અમુક ફૉર્વર્ડ પોસ્ટનાં સરનામાં છે ત્યાં હું મોકલું છું અને છેલ્લાં ૬-૭ વર્ષમાં અમે આ રીતે ૧૬-૧૭ લાખ રાખડીઓ સરહદ પર મોકલાવી છે. હવે, દાખલા તરીકે, તમે એક રાખડી મોકલો છો એ સિઆચેન પહોંચશે, નાથૂલા પહોંચશે અથવા તો આસામમાં ક્યાંક પહોંચશે, અને ત્યાંથી જવાન તમને ફોન કરશે. એ મને ફોન નહીં કરે પણ તમને ફોન કરશે. પ્રશ્ન : તમારી બધી જ પ્રવૃત્તિઓમાં જે આમેજ થયેલો છે અને તમારી વાતોમાં જે સ્પષ્ટ સંભળાય છે તે તમારો દેશપ્રેમ. આનાં મૂળ ક્યાં છે? આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ જ્યારે દેશના મોટા ભાગના યુવાનો વિદેશ તરફ મોં રાખીને બેઠા છે. દરેકને તક મળે તો વિદેશ જઈને સ્થિર થવું છે. આ આખી પરિસ્થિતિને અને એ સંદર્ભે તમે જે કરી રહ્યા છો એને તમે કઈ રીતે જુઓ છો? હું બે વાતોને જુદી પાડવા માંગીશ. પહેલું તો એ કે, જે યુવાનો બહાર જાય છે એને તમે આપણા પક્ષે મર્યાદા ગણો, અથવા તો એને એક એવી સ્થિતિ ગણો જેને આપણે નિવારી નથી શકતા. હું વિજ્ઞાનનું લખું છું, સાથે મારો વિષય અર્થશાસ્ત્ર પણ છે, અને એ જોતાં મને લાગે છે કે હવે ભારત માટે સારા દિવસો આવી રહ્યા છે. હવે પછીનાં ૧૦ વર્ષ અને એ પછીનાં વર્ષોનો આખો સમયગાળો ભારતનો છે. કારણ કે, ભારત હવે બહુ મોટું ગ્લોબલ માર્કેટ થઈ ગયું છે, ભારતમાં હવે બહુ નવીનીકરણ થઈ રહ્યું છે અને મોકળું મેદાન મળી રહ્યું છે. બે પ્રકારના વિદ્યાર્થી છે—જેને એમ છે કે હું અમેરિકા, ઑસ્ટ્રેલિયા કે યુ.કે. જઈને રાતોરાત કરોડપતિ થઈ જઈશ. પણ એવું નથી હોતું. આ વિચારસરણીને કારણે એવું થાય છે કે એ ભારત છોડીને બીજા દેશમાં જાય છે ત્યારે એને સખત સંઘર્ષ કરવો પડે છે. કોઈ ચોક્કસ પ્રકારની આવડત હોય અને ત્યાં જાય તો એ બરાબર છે. પણ ત્યાં જઈને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ કેટલી હદે જાળવી રાખવો એ તેમની વિચારસરણી પર આધાર રાખે છે. રહી વાત ભારતની, તો હું મારા વાચકોને, મારા ટ્રૅકર્સને, હું જ્યારે પ્રોગ્રામ કરતો હોઉં ત્યારે મારા શ્રોતાઓને એક સૂચન કરતો હોઉં છું, અને આજે આ સૂચન તમારી મારફત પણ કરું છું. તમારા ઘરમાં તમે મંદિર રાખતા હો અને એમાં રામ કે હનુમાન કે ગણેશની કે કૃષ્ણની મૂર્તિ રાખતા હો તો એ બધું જ બરાબર છે. એની સાથે એ જ મંદિરમાં તમે એક નાનો સરખો ત્રિરંગો કેમ ન રાખી શકો? આપણાં સંતાનો રોજ જુએ છે કે મમ્મી રોજ સવારે નાહીધોઈને મંદિરમાં પૂજા કરે છે. તો બાળક જ્યારે નાનપણથી જોશે કે ત્રિરંગાની પણ પૂજા થાય છે તો એને માટે જેમ કૃષ્ણ, ગણેશ કે હનુમાન અથવા રામ માટે જે પ્રેમ હશે એવો જ પ્રેમ એને દેશ માટે પણ આવશે. હું ૨૦૧૫-૧૬થી આ સૂચન બધાંને કરું છું કે ઘરમાં એક ત્રિરંગો રાખો. બીજું મારું સૂચન એ હોય છે કે ભારતીય લશ્કરમાં જેમણે અપ્રતિમ સાહસો કર્યાં છે એવા ૨૧ પરમવીરો છે. એમની કથા વાંચો, કયા માધ્યમથી વાંચો છો એ મહત્ત્વનું નથી. એમાંના કોઈ એક પરમવીર જેની વાત તમને સૌથી વધુ સ્પર્શી હોય એની એક સરસ તસ્વીર મઢાવીને તમારો દીકરો કે દીકરી જ્યાં ભણતાં હોય ત્યાં મૂકી દો. એના પર જ્યારે કોઈ પણ પ્રકારનું ભારણ આવશે ત્યારે એ તસ્વીર એને માટે પ્રેરક બનશે. એમના પ્રિય સિનેતારકોના કે ક્રિકેટરના ફોટા ભલે હોય પણ સાથે એક પરમવીરનો કેમ નહીં? ઘણા લોકો આનો સરસ રીતે અમલ પણ કરતા હોય એનો મને બહુ જ આનંદ છે. પ્રશ્ન : તમે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી છો એવું તમે કહ્યું. એને સંલગ્ન એક પ્રશ્ન છે કે તમે આટલા પ્રવૃત્ત છો, તો વ્યવહારજીવન અને કુટુંબજીવન કેવું છે? પરિવાર સાથે સમય મળે છે? જીવનનું અર્થતંત્ર પણ જોવાનું હોય છે. સમય ન હોય એવું કોઈ કહે તો એ જુઠ્ઠું બોલે છે એમ કહી શકાય. સમયનું મૅનેજમેન્ટ કરવાનું હોય છે. અત્યારે હું કુલ ૭ પ્રવૃત્તિઓ કરું છું. અને હંમેશાં પ્રવૃત્તિ એ જ કરું છું જેમાં મને સખત આનંદ મળે. મને કંઈક નવું જાણવા, શીખવા, અને કરવા મળે. ઉત્તરાખંડના અમુક પહાડી વિસ્તારોમાં આજની તારીખે સડક નથી પહોંચી શકી. એક ટ્રૅક પરથી હું આવતો હતો અને ખોટો માર્ગ લેવાઈ ગયો અને હું ભૂલો પડ્યો. હું એક ગામમાં આવી પડ્યો. ત્યાં મેં જોયું કે અહીંના લોકો પાસે પ્રાથમિક સુવિધાના નામે કશું જ નથી. એ વખતે મેં વિચાર કરેલો કે ભવિષ્યમાં અહીં આવીને કંઈક કામ કરવું છે. અને એ કામમાં હું મારી પત્નીને લઈને ગયા વર્ષે ગયો. ગાડીમાં આખી મેડિકલ કિટ લઈને અમે બંને જણાં ઉપર ગયાં. ઉત્તરાખંડમાં મારો ગ્રાઉન્ડ સ્ટાફ છે એમની મદદથી અમે બધાં ખોખાં લઈને ચાલીને ગામમાં ગયાં અને દરેક ગામવાસીને આખી મેડિકલ કિટ અને છોકરાંઓને પેન્સિલ, કલરિંગ બુક જેવું બધું આપ્યું. મારું જે પ્રણ હતું એ મેં પૂરું કર્યું, પણ મારી પત્નીને પણ બહુ જ રાજીપો થયો. એટલે મારી પત્ની મારી બધી પ્રવૃત્તિઓમાં મારી સાથે હોય છે, ‘જિપ્સી આઉટડોર’માં પણ એનો બહુ મોટો ફાળો છે. એટલે કામ માટે પણ અમે સાથે હોઈએ છીએ અને આમ પણ પરિવાર માટે હું સમય કાઢી લઉં છું. પ્રશ્ન : ક્યારેય કોઈ નિષ્ફળતા આવી હોય, કોઈ જાતની નિરાશા થઈ હોય આવા પ્રસંગો પણ બન્યા હશે. સંઘર્ષો પણ આવ્યા હશે. મારા જીવનમાં ૨૦૧૮માં સંઘર્ષ આવ્યો. એના વિશે હું બહુ વિગતે વાત નહીં કરી શકું, પણ સંઘર્ષ એ મારે માટે એક એવો સંચો છે જે આપણી બુદ્ધિ, ક્ષમતા, ધીરજ, સહનશીલતા એ બધાની અણી કાઢી આપે છે. એ અણી કાળક્રમે ધીમે ધીમે બુઠ્ઠી થઈ જતી હોય છે. પણ આવો સંઘર્ષનો તબક્કો આવે એટલે એ અણી પાછી ધારદાર થઈ જાય અને પછી જે પરિણામ આવે એ અદ્‌ભુત હોય છે, જે અત્યારે હું ભોગવી રહ્યો છું. ૨૦૧૮થી શરૂ કરીને એક તબક્કો મારે માટે બધી રીતે પડકારરૂપ રહ્યો પણ મેં એને સ્વીકાર્યો, મારે એમાંથી બહાર નીકળવાનું હતું. બીજું, મારું ફિલૉસૉફિકલ વાંચન પહેલેથી ખાસ્સું રહેલું છે. અને એનાથી મને ઘણી મદદ મળે છે, મને એમાં ઘણો સધિયારો મળે છે. હું પૂજા-પાઠ કે ભક્તિમાં લીન છું એવું હું નથી કહેતો, મેં જુદા પ્રકારનો માર્ગ અપનાવ્યો છે, જે જ્ઞાનમાર્ગ છે. હું વાંચન પછી મનન પણ ખાસ્સું કરું છું. અને બીજું, મેં પહેલાં જે કહ્યું એ કે, માતા કુદરત પાસે હું જ્યારે જાઉં છું ત્યારે હું કંઈક નવું શીખીને આવું છું. એ ઓપન યુનિવર્સિટીએ મને જે જીવનનાં મૂલ્યો શીખવ્યાં છે, નૈતિકતા, ધૈર્ય, અને મૌન આ બધાંએ મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢ્યો છે. પ્રશ્ન : તમારી વાતોમાંથી તમારું અધ્યાત્મ સમજાય છે, પણ પ્રકૃતિ સાથેના તમારા અનુસંધાનમાંથી તમને થતી અનુભૂતિઓ વિશે થોડી વધુ વાત કરશો? એવું થાય છે કે જ્યારે પ્રકૃતિમાં જઈએ ત્યારે મનમાં જે બધું સંઘરેલું હોય છે અધ્યાત્મ વિશે અથવા જે ફિલૉસૉફિકલ દૃષ્ટિબિંદુ હોય છે એનો ગુણાકાર થતો હોય છે. અમુક લોકોને મળીએ, એમની જીવનશૈલી જોઈએ, એમનો સ્પિરિટ જોઈએ ત્યારે આપણને એમ થાય કે આની પાસેથી કેટલું બધું શીખવા જેવું છે, ભલે એ વ્યક્તિ અભણ છે. બીજું, મારી સાથે ૨-૩ વસ્તુ બહુ સારી રીતે થાય છે. હું કોઈ પણ સારું પુસ્તક લઉં અને એનું કોઈ પણ પાનું ખોલું તો મારી નજર એકાએક ત્યાં જ અટકે છે જે હિસ્સો મારે ખાસ વાંચવા જેવો હોય. આવું કુદરતી રીતે મારી સાથે બને છે. હું પહેલાં મેડિટેશન કરતો, હમણાં નથી કરતો. પણ એને કારણે મારામાં કુદરતી રીતે આવું કંઈક થયું છે કે મને બિનજરૂરી સંભળાતું નથી. જે મારા કામનું નથી એ મારા મનમાં ફીડ નથી થતું. કોઈક સારી જ્ઞાનવર્ધક વાત થતી હોય તો ભલે એ મારાથી ૧૫ ફૂટ દૂર થતી હોય, મને એનો એકેએક શબ્દ ઝિલાઈ જાય છે અને એ વાત મને યાદ રહી જાય છે. પણ કોઈ સામાજિક વાતો થતી હોય તો એ મને યાદ નથી રહેતી, કારણ કે, એ મારા મનમાં બેસતી જ નથી. આ સમસ્યાને કારણે મારી પત્ની ઘણી વાર ફરિયાદ કરે છે. બીજું કે, ઓશો રજનીશનું એક વાક્ય છે, એમણે કહ્યું છે કે મન એક અરીસો છે, એની રોજ સફાઈ થવી જોઈએ. જો મનના અરીસાને આપણે રોજ લૂછી શકતા હોઈએ તો માનવું કે આપણે આપણા વિચારોને ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ. એટલે રોજ રાત્રે સૂઈ જતાં પહેલાં મારા મનમાં જે બિનજરૂરી ડેટા ભૂલેચૂકે પણ આવી ગયો હોય એ બધો નીકળી જાય છે, આપણે કૉમ્પ્યૂટરમાંથી ડેટા ડિલીટ કરીએ એમ. જે સારા મુદ્દાઓ મારા જોવા–વાંચવા કે સાંભળવામાં આવ્યા હોય એના પર હું મનન કરું છું. મારી નિંદર થોડી ઓછી છે અને કાચી પણ છે, પણ મને લાગે છે કે એને કારણે જ હું રાત્રે આત્મચિંતન માટે વધારે સમય ફાળવી શકું છું. એટલે મારી સાથે જે પણ થઈ રહ્યું છે એને માટે હું આભારી છું. પ્રશ્ન : આટલું બધું કરો છો, પણ હવે પછી બીજું શું કરવા ધારો છો? અને સમાપનમાં બીજો પણ એક પ્રશ્ન કે તમારા અનુભવોના આધારે તમે યુવાનોને શું કહેશો? ઘણા એમ કહે છે કે જીવન એક કસોટી છે, ઘણા કહે છે કે જીવન એક પડકાર છે, ઘણા એમ કહે છે કે જીવન એ પ્રેમસંબંધો પર આધારિત છે. મારે માટે જીવન એક ઉત્સવ છે. સુખ અથવા આનંદ બે પ્રકારના હોય છે—એક તો, કોઈ ટુચકો કહે અને આપણે ૨-૫ મિનિટ હસીએ અને મજાક કરીએ. બીજો પ્રકાર તે તમારી સાથે, તમારા હૃદયમાં અને મનમાં સતત રહે છે. અને જો સતત એ સ્થિતિમાં રહી શકીએ તો બધી સમસ્યાઓ આપોઆપ ઊકલી જતી હોય છે. રોજ કંઈક નવું શીખવા માટે આપણને ઈશ્વર તરફથી કે કુદરત તરફથી એક દેણ મળેલી છે. યુવાનો માટે, તમે જે કહો છો એ, મારી પોતાની ફિતરત એવી છે કે રોજ રાત્રે સૂતી વખતે હું મારી જાતને પ્રશ્ન પૂછું છું કે આજે હું નવું શું શીખ્યો. અને આ પ્રશ્ન પૂછવાની આદત મને મારા પિતાએ નાખી હતી. એમણે કહ્યું હતું કે દિવસના અંતે જો એવું લાગે કે આજે હું કશું નવું નથી શીખ્યો, તો માનવું કે આજનો દિવસ બાતલ ગયો છે. હવે આ એક નેમ જો યુવાનો લઈ લે, તો પેલી ડાઇનમાઇટવાળી વાત બની શકે એમ છે. આપણને કરોડો એવાં યુવાનો અને યુવતીઓ નથી જોઈતાં કે જે માત્ર ડિગ્રીધારી છે, પણ આપણને એવા લોકો જોઈએ છે જે લોકો વિચારક છે. તો, બાળકોમાં વિચારશક્તિ ખીલવવા માટે શું થઈ શકે એના તો ઘણા બધા ઉપાયો છે. બાળકોનું ઘડતર મા-બાપ કેવી રીતે કરે છે એના પર બધો આધાર છે. દાખલા તરીકે, છેલ્લાં ૨૫ વર્ષથી મારે ત્યાં ટીવી જોવાનો રિવાજ જ નથી—મારે ત્યાં ટીવી જ નથી. ઘણા મને પૂછે છે કે તમે પત્રકાર છો અને સમાચાર નથી જોતા? પણ હું કહું છું કે ટીવી વગેરે તો હમણાં આવ્યાં, તે પહેલાં છાપાં તો હતાં જ ને, તો હું છાપાં વાંચું છું. યુવાનોને કેળવવા માટે સૌથી પહેલાં મા-બાપે પોતાની થોડી કેળવણી કરવાની જરૂર છે, બસ. બીજો તમારો પ્રશ્ન, જે ભાવિ વિશે છે. આટલું કરું છું પછી પણ સમય તો રહે જ છે. એટલે હજુ બીજી બે પ્રવૃત્તિઓ ઉમેરાશે તોપણ મને ગમશે. પણ હવે હૃદયના ઊંડાણથી તમને કહું છું કે નાનાં છોકરા-છોકરીઓ માટે કે યુવાઓ માટે કંઈક કરી છૂટું એવી મારી ઇચ્છા છે. હમણાં જ મેં જે વાત કરી એ, કંઈક એવું કરું કે એમની વૈચારિક ક્ષમતા ખીલે અને એક ઘરેડમાંથી એ લોકો બહાર નીકળે. એ લોકો ફૅશન કરે, ૩૦ સેકંડની રીલ જુએ એનો મને વાંધો નથી; એ વાંધો લેનાર હું કોઈ છું પણ નહીં. બસ, મારી વાત એક જ છે કે ૨૪ કલાકમાંથી માત્ર એક કલાક વાંચન અને વિચાર પાછળ એ લોકો ફાળવે. એટલે એક ભારતીય તરીકે હું મારો રાષ્ટ્રપ્રેમ આ રીતે વ્યક્ત કરવા માંગું છું કે હું નવી પેઢી માટે કંઈક કરું.