સોનાની દ્વારિકા/પૂર્વકથન : વતનરાગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(No difference)

Latest revision as of 01:44, 25 June 2024

પૂર્વકથન : વતનરાગ
–હર્ષદ ત્રિવેદી

સુરેન્દ્રનગરથી માંડ પાંચેક કિ. મી. દૂર વઢવાણ તાલુકાનું ખેરાળી એ મારું ગામ. મિશ્ર પ્રકારની વસતિ, પણ સહુ સંપીને રહે. ગામના બે ભાગ. નાનોભાગ ને મોટોભાગ. વિચિત્રતા એવી કે નાનોભાગ વાસ્તવિક રીતે મોટો ને મોટોભાગ પ્રમાણમાં નાનો! ગરાસિયા ભાઈઓને મળેલા ભાગ મુજબ આવું બન્યું હશે. પણ હવે એવું રહ્યું નથી. છેલ્લાં ઘણાં વર્ષોમાં બંને ભાગનો સમાંતરે વિકાસ થતો રહ્યો છે. ગામમાં દરબારો ઉપરાંત નાડોદા, કણબી, બ્રાહ્મણ-સાધુ, સઈ-સુથાર, સથવારા, તળપદા-ચૂંવાળિયા કોળી, હરિજન-ભંગી, ખોજા-મુસલમાન એક-બે ઘર સિદી તથા બજાણિયાનાં. એ અર્થમાં પચરંગી વસતિનું ગામ-ગામમાં પ્રવેશવાનો મુખ્ય ઝાંપો પશ્ચિમ દિશામાં લીમલીને મારગે. આ લીમલી કયું? તો કહે, સહજાનંદ સ્વામી કહેતાં ભગવાન્ સ્વામીનારાયણ સગરામ વાઘરીન કૂબામાં રહેલા તે. આ ગામની બીજી ઓળખ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી! પંડિતજી લીમલીમાં જન્મ્યા, ધૂડી નિશાળે ભણ્યા, થોડો સમય દુકાનેય બેઠા. અચાનક શીતળા નીકળ્યાં ને આંખોના દીવા ઓલવાઈ ગયા. પછીથી બનારસ ગયા ને સંસ્કૃત-પ્રાકૃતના પ્રકાંડ પંડિત થયા એ વાત જાણીતી છે. મને મારા ગામ વિશે લખવામાં થોડી અવઢવનું કારણ પણ આ લીમલી! કેમ કે મારું વતન-ગામ ભલે ખેરાળી, પણ મારા બાપુજી સળંગ પચીસ વર્ષ લીમલીની બુનિયાદી શાળામાં આચાર્યપદે રહેલા, એટલે મને બંને ગામનો પૂરો ને પાકો લગાવ. હું આજે પણ નક્કી નથી કરી શક્યો કે મારું ગામ ખેરાળી કે લીમલી? કૃષ્ણને કોઈ પૂછે : તારું ગામ કયું, ગોકુળ કે મથુરા? તો કૃષ્ણ શો જવાબ આપે? મારી હાલત પણ કંઈક એવી જ છે. લીમલીની વાત લાંબી ને થોડો વિશેષ વિસ્તાર માગી લે એવી છે, એટલે આજે તો ખેરાળીની જ વાત માંડું. આથમણી દિશામાંથી એટલે કે લીમલીને મારગેથી ગામ તરફ પગ માંડો એટલે પહેલો આવે ચબૂતરો. પહેલાં લાકડાનો કોતરણીવાળો હતો, હવે એ જ જગ્યાએ પાકો સિમેન્ટનો! આજુબાજુની રેતીવાળી જગ્યા એટલે ઝોક. ઝોકમાં એટલી બધી રેત તે તમે સરખી રીતે ચાલી પણ ન શકો. ગામનું ધણ ત્યાં ભેગું થાય. રમો રબારી બધાંનાં ઢોરને ચારવા લઈ જાય. અમારી ગાંડી ભેંસ ને રાતડી ગાય પણ એમાં. ઝોકની જમણી બાજુએ તળાવ. લગભગ આઠેક મહિના એમાં પાણી રહે. ચારે બાજુથી સુકાતું સુકાતું પાણી છેલ્લે વચમાં ખાબોચિયા જેવું બની રહે. તળાવને કાંઠે મઢી. મઢીમાં મગનીરામ બાપુ રહે. એમનો પરિવાર મોટો. ભગવાનનો તો પાર જ નહીં! મહાદેવ, માતાજી, શ્રીકૃષ્ણ, રામ-સીતા-લક્ષ્મણ, હનુમાનજી, ગણપતિ, બળિયાદેવ અને બીજી કેટલીય ખંડિત મૂર્તિઓનો ખૂણામાં ઢગલો. આજુબાજુમાં મગનીરામજીના પૂર્વજોની સમાધિ. તળાવની પાળે વૃક્ષોનો પાર નહીં, મોટે ભાગે વડ અને લીમડા. એક બે પીંપર પણ ખરી. તળાવની પાળે જ બધાં તીરથ. આ બાજુ શક્તિમાનો ઓરડો તો પેલી બાજુ બાળા પીર! તળાવને પેલે કાંઠે ખોલડિયાદને મારગે ચરમાળિયા ને સ્મશાન. આપણે ત્યાં તો સ્મશાનને પણ તીરથ જ માનવામાં આવે છે ને? ઝોકની પડખે વાવ. લગભગ બારે માસ પાણી રહે. આકરે ઉનાળે પાણી ઊંડાં, છેક કૂઈમાં ચાલ્યાં જાય. પણ આ વાવે ગામને કદી તરસ્યે રાખ્યું નથી. વહેલી સવારે બચુ પટેલ કોસ ઉપર કોસ ઠાલવે એટલે હવાડો ભરાઈ જાય. એક સાથે પસાચ-સો ઢોર પાણી પીતાં હોય. સૂર્યના આછા પ્રકાશમાં ડોલતાં શિંગડાંઓ જોવાની મજા પડતી. વાવથી જરા આગળ જઈએ કે તરત નવો કૂવો આવે. આખું ગામ ત્યાં નહાય અને કપડાં ધૂએ. એ પાણી થોડું ભાંભરું એટલે પીવામાં કામ ન આવે. તળાવની વચ્ચોવચ્ચ એક વડિયો કૂવો. એની પડખે એક આંકડિયો ને બીજો ઢેઢિયો. આજે આવું લખવું ગમે નહીં પણ એ કૂવો એ નામે જ ઓળખાતો. બીજો એક ખાલી કૂવો તળાવની માટીથી આખેઆખો પુરાઈ ગયેલો. માત્ર ચોરસ આકારમાં ત્રણેક ફૂટનું ચણતર દેખાય. ભર્યા કૂવાને ઠેકી ગ્યાં ને ખાલી કૂવામાં ડૂબી ગ્યાં! ગામની અંદર જાવ એટલે ડાબી બાજુ નવી-જૂની નિશાળ. હવે જોકે બેમાંથી એકેય રહી નથી. મને જૂની નિશાળ વધુ ગમતી. કારણ એટલું જ કે મેં ત્યાં એકડો ઘૂંટેલો. નિશાળની વચ્ચોવચ્ચ એક આંબલી. બાથમાં પણ ન આવે એવું એનું થડ. માથોડું ઊંચી ઓશરીએ અમે ભણતાં. કોફિન જેવી લાંબી પેટી લાંબા સમય સુધી મારે માટે રહસ્ય રહેલી. પછી ખબર પડી કે એમાં ગોળ ગોળ વાળેલા નકશાઓ છે. નિશાળના મુખ્ય ઓરડાનો એક ખૂણો એટલે પોસ્ટઑફિસ. મારા ત્ર્યંબકદાદા હેડમાસ્તર ઉપરાંત પોસ્ટ-માસ્તરેય ખરા. ગૌરીશંકર ટપાલી રોજ ટપાલના કોથળા લાવે ને લઈ જાય. દાદા ઇન્કપેન કે બૉલપેન ન વાપરે. લાલ અને કાળી શાહીના ખડિયા. લાંબાં હોલ્ડરોનો તો પાર નહીં. બોળી બોળીને નિરાંતે લખે. ક્યાંક વધારે શાહી પડી ગઈ હોય તો કાગળને સૂકવવા મૂકે અથવા એના ઉપર થોડી રેત ભભરાવે. થોડી વાર પછી ઠણકીઓ મારીને રેત ખંખેરી નાંખે! એમના અક્ષરો મોતીના દાણા જેવા. ગુલાબ છાપ છીંકણી સૂંઘતા જાય ને લખતા જાય. બ્રાહ્મણિયું કામકાજેય કરે. દાદા વાર્તાઓ બહુ કહેતા. હસાવે પણ ખૂબ. શરત એટલી જ કે એ સૂતા હોય ત્યારે અમારે એમના પગ દબાવવાના. સાદું જીવન ને જે મળે એમાં સંતોષ. ગામની મધ્યમાં એક ચોરો. રામજીમંદિર ને ઠાકુર દ્વાર. બબ્બે પાંચ- પાંચ મિનિટના અંતરે સવારે ને સાંજે આરતીઓ થાય. નગારાં ને ઝાલર ધણધણી ઊઠે. શંખનાદ થયા કરે. ચોરા પાસે જ પેમુભાનું હાટ. ઝીણી-મોટી ચીજવસ્તુઓ વેચે. પેમુભા પૈસા લઈને તો વસ્તુ આપે જ પણ તે ઉપરાંત બાજરી-ઘઉં-કપાસના બદલામાં પણ વસ્તુઓ દેતા. જેવી વસ્તુ ને જેવો ભાવ એ મુજબ ચીજ ભારોભાર કે અડધી કાઢીને દે! એમની દુકાનની પાછળ દરબારગઢ. સુરુભાબાપુનો એ ગઢ આજે તો પડીને પાધર થઈ ગયો છે, પણ એક જમાનામાં એમાં જાહોજલાલી નિવાસ કરતી. એના પડખામાં દરબાર મંગળસિંહની ડેલી. મંગળસિંહ એ જમાનાની જૂની કાર ચલાવતા. રોજ સવારે લાંબી ચાવી મશીનમાં ભરાવે. ક્યાંય સુધી ગોળ ગોળ ઘુમાવે પછી મોટર ચાલુ થાય. બાપુ મોટર ચલાવે ને અમે પાછળ ઊડતી ધૂળમાં એની પાછળ દોડીએ..… મોટા ભાગમાં લલ્લુભાઈ મેરાઈ રહે. ઘરે ઘરે એમનો સંચો ફરે. આ લલ્લુભાઈનો વટ. ત્રણ-ત્રણ મહિના અગાઉથી એમનું બુકિંગ થાય. કોઈને ઘેર લગ્ન હોય, આણું હોય કે પછી અમસ્થાં જ બાર મહિનાનાં કપડાં સિવડાવવાનાં હોય. લલ્લુભાઈનો સંચો ઘેર રહે જ નહીં. લલ્લુભાઈની વિશેષતા એ કે કદી મેજરટેપથી કોઈનું માપ ન લે. બે હાથમાં કપડું પહોળું કરીને પૂછે : ‘આમાંથી કોનું બનાવવાનું છે?’ ઘરધણી કહે આ છોકરાનું અથવા આનું કે તેનું! બસ વાત પૂરી. લલ્લુભાઈ નજરથી માણસનું માપ લઈ લે! એક હતા વાઘજી સુથાર. લાકડાની કોતરણીમાં એમનો જવાબ નહીં! પણ ખૂબ મનસ્વી. ધારે તો કામ કરે નહીંતર ચકારાણાની જેમ આંખે પાટા બાંધીને સૂઈ રહે. મને એમણે એક હાથી બનાવી આપેલો. પૈડાંવાળો. દોરી બાંધીને ચલાવ્યા કરો! બીજો એક પરિવાર ઓડનો. પાડા ઉપર ચામડાની મશકમાં પાણી વહાવ્યા કરે. વાવથી પાણી ભરીને ચણતર ચાલતું હોય એ ઘર સુધી એમનો પાડો આવ-જા કર્યા કરે, લથબથ! ગામની પ્રજા પચરંગી, પણ ખટરાગ નહીં. હરિજન હોય કે મુસલમાન-ફકીર, ક્યારેય કોઈની સાથે ઊંચાં મન ન થાય. સહુ સહુનું કામ કર્યા કરે. મારીબા તો હરિજન વાસના વડીલોની પણ લાજ કાઢતાં. છૂતાછૂતી હતી પણ પ્રગટ નહીં. છાંટ લઈ લેવાથી કામ ચાલતું. એકબીજાની આમન્યા હતી. સારેમાઠે પ્રસંગે સહુ એક થઈ જતાં. આમેય અમારું ગામ થોડું ઉત્સવઘેલું તો ખરું જ. કોઈ તહેવાર એવો નહીં જે એમ ને એમ ચાલ્યો જાય. દિવાળી-નૂતન વર્ષથી માંડીને મકરસંક્રાન્તિ સુધીના તહેવારો ઉજવાતા રહે. પ્રત્યેક તહેવારમાં જે કંઈ કર્મકાંડ કરવાનાં હોય એમાં કોઈ પાછું ન પડે. વાવરતુલાં ચાલ્યા જ કરે. મુખ્ય તહેવારો જેવા કે મહાશિવરાત્રી, હોળી-ધૂળેટી, અષાઢી બીજ, રક્ષાબંધન, નવરાત્રી વગેરેમાં આનંદ ઉલ્લાસ દેખાયા કરે. દેવું કરીને પણ લોકો ઘી પીએ. એકેય ઉત્સવ લૂખો નહીં જેવી જેની શક્તિ એ પ્રમાણેની ભક્તિ! નવરાત્રિના ગરબા પતે પછી સાડા બાર એકે ચૉરાવાળા ચૉકમાં ભવાઈવેશ થાય. નવેનવ દિવસ ભવાઈ ખેલાય. દશેરાએ મહાકાળીનો વેશ નીકળે. આ બધા ભવાઈવેશો, એમાંનાં પાત્રો, એમની વાસ્તવિક જિંદગી, ગીતો અને સંવાદોની રમઝટ વિશે લખવા બેસું તો એક જુદું પ્રકરણ થાય. એ સમયે પુરુષો જ સ્ત્રીવેશ ધારણ કરતા. બોથાભાઈ અને કરસનના અભિનયનાં કામણ હજીયે આંખમાં જેમનાં તેમ અકબંધ છે. હનુમાનજીને સો વરસ થયાં ત્યારે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરેલી. આખું ગામ ધુમાડાબંધ! જળઝીલણી એકાદશીએ મઢીમાંથી, ચૉરામાંથી અને સ્વામીનારાયણ મંદિરમાંથી પાલખી નીકળે. ભગવાન ઘેર ઘેર દર્શન આપવા નીકળે. ભાવિકો પોતાને ઘેર પધરામણી કરાવે. આરતી પ્રસાદ ને આખું ગામ ગુલાલ ગુલાલ! ડુંગરદાદા કેડ ઉપર દોકડ બાંધીને નાચતા જાય ને ગવરાવતા જાય. અવાજ બહુ સારો નહીં પણ દોકડ અને એમની હલકનો મેળ ઘણો. બાકીનાં બધાં કાંસીજોડાં, મંજીરા અને કરતાલો વગાડ્યા કરે. જાગરણ, વ્રતના દિવસો અને રાતોની પવિત્રતા જ જુદી. ભગવાન શ્રીકૃષ્ણનાં ગીતો અસલ લયઢાળમાં આખી રાત ગવાય. સવિતાભાભી, રાજુભાભી અને ખીમાદાદાનાં વહુના અવાજમાં જે હલક હતી એ આજે ટેલિવિઝન પર ડાયરામાં ગાતી બહેનોના અવાજમાં શોધવાના પ્રયત્નો, પ્રયત્નો જ રહે છે! ‘વા વાયા ને વાદળ ઊમટ્યાં. ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા’થી લઈને, ‘હાં હાં રે ઘડૂલિયો ચડાવ્ય રે ગિરધારી!’ કે ‘ગોકુળ આવજો રે મહારાજ!’ જેવાં ગીતો લગભગ બધી શેરીમાં સંભળાય. આખું ગામ ખેતી ઉપર નભે. વેપારધંધા ખાસ તે વખતે નહીં. ગામના એક-બે જણ મિલમાં જતા. બીજા બે-ચાર જણ કારખાને જતા. બાકીના છૂટક મજૂરી કરે. સુરેન્દ્રનગર જવું હોય તો ઘોડાગાડીમાં જવું પડતું. સાઈકલ તો ભાગ્યે જ કોઈના ઘરમાં હોય. મોટે ભાગે લોકો પગપાળા નીકળી પડે. નાનાં છોકરાંવાળી સ્ત્રીઓ પીઠ પાછળ ખોઈમાં બાળકને સુવડાવીને ઉતાવળે પગલે જતી હોય તો પુરુષો એમનાથી વીસ-પચીસ ડગલાં આગળ ખબડખબડ જતા હોય એવાં દૃશ્યો સામાન્ય હતાં એ વખતે. છોકરાંઓની રમતો પણ કેવી? મોટે ભાગે પકડદાવ, આંબલી-પીપળી, લંગડી ને એવું બધું. જેમાં શારીરિક કસરત ખૂબ થતી. રમવાનાં સાધનોમાં ઠીંકરાં ને પથ્થર! પછી ધીમે ધીમે ભમરડા, ગૂંથેલા દડા, કોડી, લખોટીઓ, ગંજીપત્તાં ને પ્લાસ્ટિકનાં રમકડાં આવતાં થયેલાં. બેઠાં બેઠાંની રમતોમાં ઇસ્ટીચુમ્માલ, ભરત, નવકૂંકરી વગેરે રમતાં. ચોપાટ તો વરસમાં એક-બે વખત. આઠમની રાતે અથવા જાગરણની રાતે! રંગીન સોગઠાંઓને સ્પર્શવાનો ગજબ રોમાંચ હતો. ઈશ્વરદાદાનાં આઢમાં અમે કાલાં ફોલવા જતાં. કાલાંમાંથી કંટાળીએ એટલે કપાસ ખૂંદવા જવાનું! આ આઢ પણ અદ્ભુત જગ્યા! કશું જ છાનું નહીં, બધું છતરાયું! આઢની થોડીક ક્ષણો મેં વાર્તામાં પકડી છે, એ વિશે અહીં વિસ્તારથી લખવું શક્ય નથી. મારા ગામ ખેરાળીનું આ ચિત્ર મેં મારી તેર-ચૌદ વર્ષની આંખે આલેખ્યું છે. એ પછી તો બંને પક્ષે ઘણું ઘણું બદલાયું હોય એ સ્વાભાવિક છે. ખેરાળી અને લીમલી બંનેને મેં મારી અંદર ઊછરતાં જોયાં છે એમ એણે પણ મને ઊછરતો જોયો છે. અત્યારે હું ત્યાં જાઉં તોય કશું એક અર્થમાં નવું નથી લાગતું ને બીજા અર્થમાં એમાનું કશું દેખાતું પણ નથી! મને ગામની ઇંટેઇંટ ને કાંકરેકાંકરો યાદ છે. આટલે વર્ષે પણ એ સમયના એક પર ચહેરાને હું ભૂલ્યો નથી. નામમાં ગરબડ થાય પણ બદલાયેલા ચહેરાનીય મૂળ રેખા ઓળખવામાં થાપ ન ખાઉં! જોકે આમાં કંઈ નવાઈ નથી. આ બધું મારી રગેરગમાં એવી રીતે ઊતરી ગયું છે કે આટલી જગ્યામાં તો માત્ર વિગતો જ આપી શકાય. બંને ગામના માહોલનો સર્જનાત્મક ઉપયોગ આવનારાં વર્ષોમાં કદાચ થાય તો થાય! *

(* ‘વહાલું વતન’ (સંપા. રોહિત શાહ)માંથી સાભાર.)

***