સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/ગુણરીતિવિચાર

From Ekatra Wiki
Revision as of 14:50, 4 July 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ગુણરીતિવિચાર

વામનાદિના ગુણવિચારને ધ્વનિવિચારમાં ખાસ સમાસ નથી મળ્યો એ સાચી વાત છે. વામનના દશ શબ્દગુણોને દશ અર્થગુણોનો પછીના આચાર્યોએ પરિહાર કર્યો છે ને ત્રણ રસવ્યંજક ગુણોનો સ્વીકાર કર્યો છે. સંભવ છે કે આજના આપણા શૈલીવિવેચનમાં પ્રાચીન પરંપરાની ગુણવિચારણા ફલપ્રદ રીતે કામમાં લઈ શકાય. હરિવલ્લભ ભાયાણી એવું માને છે ને એમણે ગુણવિવેચનના થોડા પ્રયોગો પણ કર્યા છે. પણ આ વિષયમાં કંઈ કહી શકું એવો મારો અભ્યાસ નથી ને મેં આ દિશામાં કંઈ વિચાર્યું નથી. પોતે કરેલા ધ્વનિનિરૂપણ પછી રીતિ અપ્રસ્તુત થઈ જાય છે એમ આનંદવર્ધન માને છે અને એમણે ત્રણ રીતિને સ્થાને ત્રણ પ્રકારની સંઘટના મૂકી છે તથા એને પદોની સામાસિકતા તરીકે ઓળખાવી છે. વામનાદિની ત્રણ રીતિઓ ગુણઆધારિત છે પણ એનાં મૂળ પ્રદેશવિશેષની ખાસિયતમાં છે ને તેથી જાણે એની તાર્કિક વ્યાખ્યા થઈ શકી ન હોય એવું લાગે છે. પણ એમના ગુણવિચારને આપણે આજના સાહિત્યવિવેચનમાં આણી શકીએ એટલે અંશે એ રીતિવિચાર પણ સમર્થિત થયો લેખાશે.