યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ

From Ekatra Wiki
Revision as of 01:47, 7 August 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ'''</big></big></center> {{Poem2Open}} યોગેશ જોષીની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે એમણે આપણી વાર્તાપરંપરાના સંસ્કાર બરાબર ઝીલ્યા છે. તેઓ લાગણીમાં તણાઈ જતા નથી ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
યોગેશ જોષીની વાર્તાસૃષ્ટિ

યોગેશ જોષીની વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે એમણે આપણી વાર્તાપરંપરાના સંસ્કાર બરાબર ઝીલ્યા છે. તેઓ લાગણીમાં તણાઈ જતા નથી કે કશું નવું, જુદું, કરવાના મોહમાં અટવાઈ જતા નથી. ઘટનાતત્ત્વના લોપનો મોહ રાખતા નથી ને સાથે સાથે ઘટનાના મેદને વધવાય દેતા નથી. આધુનિકતાની કે દુર્બોધતાની ફેશનમાં ફસાતા નથી. નરી ભાષાબાજીમાં રાચતા નથી કે કવિ હોવા છતાંય કવિતાઈ ગદ્યમાં લપસતા નથી. એમણે આધુનિકતાને ઓળખી છે, પરંપરાને પચાવી છે, વળી કલા બાબતે તથા સંવેદનના પ્રત્યાયન બાબતે, ભાષા અને બોલી બાબતે, સ્વરૂપ અને સામગ્રીના સંતુલન બાબતે તેઓ સ-જાગ સ-ભાન હોય એવું જણાય છે. આ વાર્તાકારે કહ્યું છે તે પ્રમાણે પોતે કવિ હોવાના કારણે ગદ્યમાં કામ કરી શકે છે, સુંદર ચરિત્રચિત્રણ કરી શકે છે, પાત્રોની ભીતરનાં સંવેદનોને રંગ-રૂપ-ઘાટ આપીને પ્રત્યક્ષ કરાવી શકે છે. આ વાર્તાકારના ઊડીને આંખે વળગે એવાં લક્ષણો જોઈએ તો – સહજતા, ક્યાંય બનાવટ કે ગોઠવણ ન લાગે, સૂક્ષ્મ નિરીક્ષણ, સામાજિક વાસ્તવની નક્કર ભોંયમાં નંખાયેલાં મૂળ, જીવતાં-ધબકતાં પાત્રો, ગમે તેટલું દુઃખ વેઠવા છતાંય, કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં મુકાવા છતાંય જીવનને ચાહવામાં જરીકે ઓટ ન આવે એવાં life forceથી ભર્યાં ભર્યાં પાત્રો, પાત્રોનું વૈવિધ્ય, વિષયવસ્તુનું વૈવિધ્ય, કશાયની આભડછેટ નહિ, બધાય દરવાજા-બારીઓ-આકાશ ખુલ્લાં, વાર્તાના વિષયવસ્તુની અનિવાર્યતા પ્રમાણે એમની પાસેથી આધુનિક વાર્તાય મળે, ફૅન્ટસીય મળે, અનુઆધુનિક વાર્તાય મળે, નગરચેતના-ગ્રામચેતના-દલિતચેતનાનીયે વાર્તા મળે. પ્રૌઢ પાત્રોના ચરિત્રચિત્રણ બાબતે તો એક જુદો લેખ કરવો પડે એવાં પ્રૌઢ પાત્રો – શારદામા, મહિપતરાય, ગંગાબા, શાંતાબા આદિ આ વાર્તાકાર પાસેથી સાંપડે છે. પ્રણયરાગ કે રતિરાગનું એમને વળગણ નથી. શ્રી રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે –

“એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘હજીયે કેટલું દૂર?' પ્રગટ થઈ રહ્યો છે ત્યારે જીવનને ધારી ધારીને જોવાની, બલકે ચાહવાની એમની દૃષ્ટિ તરફ સૌથી પહેલાં ધ્યાન જાય છે. કોઈ નવલેખક જીવનને સામા છેડાથી જોવાનું શરૂ કરે એ ઘટના વિલક્ષણ નથી? જીવનની માંસલતા માટેના રાગાવેગમાં ખેંચાવા કરતાં નીતર્યા જળમાં સ્થિર છબી જોવાનું એ વધુ પસંદ કરતા લાગે છે.”

(‘હજીયે કેટલું દૂર?’ – પ્રસ્તાવના પૃ.૭).

ભીતરનાં સંવેદનોને પ્રત્યક્ષ કરાવવા માટે પરિવેશનો વાર્તામાં વિનિયોગ, ઉત્તર ગુજરાતની લોકબોલી – એમાંય પાત્ર જો ઉચ્ચ જ્ઞાતિનું હોય તો બોલી જુદી, દલિત પાત્રની બોલી જુદી – આમ, પાત્રો તથા વાર્તાની જરૂરિયાત પ્રમાણે સર્જક-સભાનતા સાથે બોલીનો ઉપયોગ, વાર્તા રચવામાં ક્યાંય ઉતાવળ નહિ – સર્જકચેતનામાં લાંબો સમય ધારણ કરાયા બાદ નિરાંતે રચાયેલી વાર્તાઓ – આથી જ તો એમની વાર્તાઓ, ધોધમાર ઝાપટું પડે ને પાણી ધરતીમાં ઊંડે ઊતર્યા વિના વહી જાય એમ ભાવકને આંજી દઈને વહી જતી નથી, પણ ધીમે ધીમે લાંબા સમય સુધી વરસતા વરસાદનું પાણી જેમ ધરતીમાં ઊંડે સુધી ઊતરે તેમ આ વાર્તાઓ ભાવકચિત્તમાં ઊંડે સુધી ઊતરે એવી થઈ શકી છે. શ્રી રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે જ આ વાર્તાકારને સામગ્રી અને સ્વરૂપ વચ્ચે સમતુલા ધરાવતા રા. વિ. પાઠકની પરંપરાના વાર્તાકાર કહ્યા છે. આ વાર્તાકાર કવિ હોવાનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. કવિ હોવાના કારણે તેઓ હૃદયના ભાવોના પ્રત્યક્ષીકરણમાં મહદ્ અંશે સફળ રહ્યા છે. પાત્રો પ્રત્યેનું તાટસ્થ્ય, સમભાવ તથા કરુણા પણ મોટે ભાગે જોવા મળે છે. વાર્તાકારની ભીતર બેઠેલા કવિના કારણે વિશિષ્ટ ભાષાકર્મનો લાભ પણ એમની વાર્તાઓને મળ્યો છે. ‘મોટીબા' રચતાં નિર્મમ થઈ શકનાર આ વાર્તાકારની ભીતરનો કલાકાર, કોઈ કોઈ વાર્તામાં, થવો જોઈએ તેટલો નિર્મમ ન થઈ શક્યાનાં ઉદાહરણ પણ સાંપડે છે. તો ક્યારેક, અમળાતી-વમળાતી વેદનાને તીવ્રતમ નિરૂપવા જતાં ક્યાંક રંગો હોવા જોઈએ એના કરતાં ગાઢ થયા હોય એવુંયે બન્યું છે. સાથે સાથે આ મર્યાદાઓ ઓળંગીને વાર્તાકાર આગળ ગયા હોય એનાંય અનેક ઉદાહરણો સાંપડે છે. આ પુસ્તકના અંતે મૂકેલી કેફિયતમાંથી આ વાર્તાકારની કલાસભાનતા, ધૈર્ય અને સંયમ પરખાય છે. આ સંગ્રહમાં પસંદગી પામેલી વાર્તાઓ વિશે જોઈએ –

(૧)

‘ચંદરવો’ એ શારદામાની ભીતરના Life forceની ધબકતી વાર્તા છે. ઉત્સવપ્રિય શારદામા ઘરડાં થયાં છે, પણ એમના જીવનરસમાં જરીકે ઓટ નથી આવી. રંગબેરંગી રેશમી ટુકડાઓ સાંધી સાંધી તેઓ જાણે જીવનનો ચંદરવો સજાવ્યે જાય છે. વાર્તાની શરૂઆતમાં ‘શિયાળુ તડકો' હૂંફનું પ્રતીક બનીને આવે છે. આસપાસ પડેલાં ‘રેશમી કાપડના નાનામોટા રંગબેરંગી ટુકડાઓ' એ શારદામાના જીવનના સુંવાળા રંગબેરંગી પ્રસંગોના દ્યોતક જણાય છે. ઘરમાં આવનારો પ્રસંગ – વહુને દીકરો જન્મે અને એને જનોઈ દેવાય – એ તો ખૂબ દૂરની વાત છે. શારદામા અંદરથી આ વાત જાણે છે. અંદરથી તેઓ આવનારા મરણની ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે અને આથી જ “વહુનં દા'ડા રે'શે નં છોકરો જ આવશે. અનં ઈનીં જનોઈ જોયા વના મનં મોત નીં આવઅ્.' (પૃ. ૧-૨). એમ કહેનારાં શારદામાને અંદરથી તો જાણ છે કે પોતે એટલું નહિ ખેંચે, અને અંતિમ વિદાય પહેલાં એકાદ પ્રસંગ તો ઉજવવો જ છે આથી તેઓ ‘જીવતક્રિયા’ ઉજવવાનું નક્કી કરે છે – ભર્યા ભર્યા જીવનનો અંત પણ તેઓ ભર્યો ભર્યો ઇચ્છે છે. જીવતક્રિયા ઉજવણીની કોઈ મણા રહેતી નથી. શારદામાએ બનાવેલો ચંદરવો પવનમાં ઝૂલે છે, રેશમી ટુકડાઓના રંગો તડકામાં ઝળહળે છે. ધામધૂમથી જીવતક્રિયા ઉજવાય છે. આરતી-પ્રસાદ પછી શારદામા સૂઈ જાય છે અને પરોઢિયે માળા કરતાં કરતાં ઢળી પડે છે. શારદામાના અવસાન પછી એમના દીકરાને કોઈ પૂછે છે, “બહાર છે એ રંગબેરંગી ચંદરવો ઉતારી દેવો છે?” “ના, ભલે રહ્યો.” — આ શબ્દો સાથે વાર્તા પૂરી થાય છે. શારદામાનું જીવંત ચરિત્ર, તળપદી બોલી, સૂક્ષ્મ નિરીક્ષણ અને આ બધાંથીયે અધિક તો શારદામાની જીવનની સમજ (અને એ દ્વારા પ્રગટતી લેખકનીયે જીવનની સમજ) આદિ આ વાર્તાને જીવનસભર, કલાસભર બનાવે છે. હરખભેર જીવતક્રિયાની ઉજવણીની ભીતર, સૂક્ષ્મ સ્તરે – મૃત્યુની પૂર્વતૈયારી તથા ઇચ્છામૃત્યુનાં વહેણ પણ પમાય છે. શ્રી હરિકૃષ્ણ પાઠકે આ વાર્તા વિશે નોંધ્યું છે – “ઉત્તર ગુજરાતની બોલીને વાર્તામાં સમુચિત રૂપે યોજી જાણતા લેખકની આ કૃતિમાં ‘ચંદરવો' શારદામાએ ટાંકે ટાંકે સીવેલા પોતાના જીવતરનું પ્રતીક બની રહે છે. લેખકને કશી સનસનાટી કે ચમત્કાર, અણધાર્યા વળાંકમાંયે રસ નથી, પણ જીવનને ધારીને જોવાની ને વિશેષે તો ચાહવાની તેમની દૃષ્ટિના કારણે શારદામાના જીવનના હર્યાભર્યા રંગોથી રચાયેલો ચંદરવો એવા જીવનના સમાપન પછીયે અન્ય માટે હર્યોભર્યો અને રંગીન શિરછત્ર બની શકે એવું સૂચવી જાય છે."

(અદ્યતન નવલિકા સંચય, સંપા. રઘુવીર ચૌધરી અને
હરિકૃષ્ણ પાઠક, પૃ. ૨૬૦).

શ્રી રઘુવીર ચૌધરીએ યોગ્ય રીતે નોંધ્યું છે –

“આ જે ચંદરવો બંધાયો છે એ શારદામાના જીવનના રંગોમાંથી રચાયો છે. એક જીવનનું સમાપન અન્ય માટે આવો હર્યોભર્યો વારસો બની શકે છે, રંગીન શિરછત્ર બની શકે છે. જેને ભારતીયતા આત્મસાત્ છે એવા લેખકને આવું પ્રતીક સૂઝે.”

(પ્રસ્તાવના - ‘હજીયે કેટલું દૂર?' પૃ. ૯).

(૨)

‘હજીયે કેટલું દૂર?' વાર્તા નિવૃત્તિ પછી પોતાના દીકરા-વહુ સાથે જીવન વિતાવતા વૃદ્ધ માતાપિતાની લાચાર પરિસ્થિતિનું કથાવસ્તુ લઈને આવે છે. જેના થકી સમાજના સૌ માતાપિતાના પ્રશ્નોને પણ વાચા મળે છે. આ વાર્તાના વૃદ્ધ નાયકના આંતરમનનું દૃશ્યાત્મક નિરૂપણ થયું છે. આથી વૃદ્ધ ભાવકોનું પણ તાદાત્મ્ય જોડાય એવું બને. પત્ની પુત્રવધૂ પાસે મંદિરમાં મૂકવા માટે પૈસા માગે છે અને પુત્રવધૂનો જવાબ કાને પડતાં મહિપતરાય અકળાઈ ઊઠે છે. તબિયત સારી ન હોવા છતાં તેઓ પોતાનું પેન્શન લેવા નીકળે છે. ઘરમાં થયા કરતી અવહેલનાની વેદના તેમના મનમાં ઘૂંટાતી જાય છે. ઘરમાં પોતે જાણે જૂનીપુરાણી ચીજવસ્તુ જેવા બની ગયા છે. “પોતાની કશી જ ગણના નથી; ન ઘરમાં, ન બહાર” આ પીડાને લેખકે નીચેના શબ્દોમાં વ્યક્ત કરી છે –

“ઘરમાં અમને બેને તો કોઈ ગણતું જ નથી... અમે જાણે ફ્રેમમાં મઢાવ્યા વિનાના, સુખડનો હાર પહેરાવ્યા વિનાના, ઘરમાં હરતા-ફરતા ફોટા!'

મહિપતરાય રિટાયર્ડ થયેલા ગાર્ડ છે. રેલવે સાથે એમને અતિ લગાવ. હાથમાં ઝંડી લઈને તેમણે ટ્રેન સાથે ફોટો પડાવેલો અને મઢાવીને દીવાનખંડમાં લગાવેલો. દીકરાની વહુ એ ફોટો ઉતારીને રેલવેની જૂની પેટીમાં મૂકી દે છે. ત્યાં વાર્તાકારે ફોટા પાછળના માળાનું સરસ ઇંગિત મૂક્યું છે. બહાર નહીં આવેલાં આંસુઓને વાર્તાકાર કઈ રીતે વર્ણવે છે – “મહિપતરાયનું આખું હૃદય જાણે ઝળઝળિયાંથી છલોછલ થઈ ગયેલું.” સંવેદનોને તીવ્રતમ બનાવનારું આવું ભાષાકર્મ આ વાર્તાકારમાં અવારનવાર જોવા મળે છે. ઝીણીઝીણી વિગતો, બારીક અવલોકનો તથા પરિવેશના નિરૂપણની શક્તિ વાર્તાને ધારદાર બનાવે છે. લેખક વાર્તાકાર ઉપરાંત કવિ પણ છે આથી મહિપતરાયનું ચરિત્રચિત્રણ સરસ ઘડાયું છે. આ વાર્તાના આંતરસ્તરમાં Loss of identi-tyની પીડા પણ સતત ઘુંટાતી રહે છે. પેન્શન લેવા જતાં મહિપતરાયના મનમાં વિખેરાતી identityનાં સ્મરણો જાગ્યા કરે છે અને મનોમન તેઓ વિખેરાતી જતી identityને ઝીલવા વ્યર્થ મથામણ કર્યા કરે છે. એમની બદલાતી જતી ઓળખ, વિખરાતી જતી ઓળખ જાણે ભૂતની જેમ જૂના identity cardમાં ભરાઈ રહી છે અને તેઓ આ identity cardમાંથી જ પોતાની ઓળખ મેળવવા મથ્યા કરે છે. એમની પત્ની એમને કહે છે, “મરશો તોય તમારો જીવ આ ક્યાડમોં જ રહેવાનો.” તેઓ પોતાની જુદી જુદી ઓળખમાં એમના નિજત્વને પામી શકતા નથી.

“જન્મ્યો ત્યારે ‘ગંગાના ભોણા' તરીકે ઓળખાતો. પછીથી બાપના દીકરા તરીકે, પરણ્યા પછી શાંતાનો વર, ફલાણાનો જમાઈ; નોકરી મળ્યા પછી મહિપતરાય ગ્યાડ... ને બાલમંદિરમાં હતો ત્યારે? મહિલો લેંટાળો! અને હવે? રમેશના ફાધર...

સુદર્શન ચૂર્ણનો કડવો ઓડકાર આવ્યો. કડવાશ દૂર કરવા એમણે પોતાને ગમતી ઓળખ યાદ કરી – પિન્કીના દાદા!” સહી મળતી ન આવવાથી કારકુન પહેલાં તો પેન્શન આપવાની ના પાડે છે પણ પછીથી આપે છે. આમ signature-ની ઓળખ પણ તેઓ ગુમાવી બેસે છે. પેન્શન લઈને પાછા ફરતાં શહેરમાં કર્ફ્યુ થઈ જાય છે. કર્ફ્યુમાં પોલીસ તેમને રોકે છે. મહિપતરાય તરત રૂઆબભેર પોતાનું જીર્ણશીર્ણ થઈ ગયેલું સાંધેલું આઇ-કાર્ડ બતાવે છે. પોલીસ આઇ-કાર્ડ ફાડીને ફેંકે છે. એ પછી મહિપતરાય identity cardના ટુકડાઓ વીણવા મથે છે. એ પછી વાર્તાકારે વાર્તાનો અંત નીચે પ્રમાણે નિરૂપ્યો છે –

“મહિપતરાયના રઘવાયા, ધ્રૂજતા, ધડકતા હાથ લંબાયા, પણ આઇડેન્ટિટી કાર્ડના એ ટુકડાઓ પવનમાં ઊંચકાયા ને ઘૂમરી ખાતા ઊડ્યા દૂર... મહિપતરાયનો ઊંચકાયેલો હાથ જાણે કહેતો હતો –

હજીયે કેટલું દૂર?!” આમ આ વાર્તા આઇડેન્ટિટીને પામવાની કથા પણ બની રહે છે. પોતાની આઇડેન્ટિટી – નિજત્વ – હજીયે કેટલું દૂર?!

(૩)

‘ટાઢ'માં સંવેદનશીલ નાયકનાં મનોસંચલનો દ્વારા દારુણ ગરીબીનાં ચિત્રો વક્રતાપૂર્વક આલેખાયાં છે. વાર્તામાં ઘટના આટલી અમથી છે – માનું અવસાન થાય છે. માને સ્મશાને લઈ જવાય છે. માની ચિતા સળગે છે. ઠરીને ઠીકરું જઈ જવાય તેવી ટાઢમાં ડાઘુઓની સાથે સ્મશાનવાળો તથા એનાં બૈરી-છોકરાંયે ચિતાની સાવ નજીક ઊભાં રહે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. ઝીણી ઝીણી વિગતોને juxtapose કરીને વિરોધી સંવેદનોને સાથે સાથે મૂકીને વાર્તાકારે વાર્તાને ધારદાર-ચોટદાર કરી છે. નાનો હતો ત્યારથી નાયકને અનેક અભાવો વચ્ચે માની હૂંફ મળતી રહી છે – “નાનો હતો ત્યારથી મા પોતાને કેવો ગોટમોટ વીંટી ખોળામાં લઈ, છાતીસરસો ચાંપી પાલવ ઓઢાડતી!” મરણ બાદ પણ માની ચિતાની જ્વાળાઓ અસહ્ય ટાઢમાં પુત્રને તથા અન્યને હૂંફ આપે છે. નાયકના સચ્ચાઈભર્યા નિર્મળ મનોસંચલનો નોંધપાત્ર છે. માના મરણનો નાયકને સખત આઘાત લાગ્યો છે. નનામીને કાથી બંધાતી જોઈને નાયકને થાય છે – ક્યાંક માના ગળે વાગશે, છોલાશે. આમ છતાં દારુણ ગરીબીને કારણે નાયકને એવાય વિચારો આવે છે કે મિલમાં હડતાલ છે ને મા મરી ગઈ એ સારું થયું, રજા તો નહિ બગડે... મા મરી ગઈ એટલે હવે એની દવાનો ખર્ચ નહિ... હવે આ ટાઢમાં એ આખો દિવસ શાલ નહિ માગે... માનું કારજ કરવા લોકો કદાચ ઉધાર પણ આપશે... વગેરે. સાથે-સાથે એવોય વિચાર આવે કે મિલ ચાલુ થાય ને પગાર મળે એટલે પહેલી મા માટે શાલ... પણ ત્યાં જ એને યાદ આવે “ઓહ! મા તો હવે ગઈ! નનામી તો ખભે જ છે. એના ભારથી ખભોય દુઃખે છે તોય સાલું કેમ ભૂલી જવાયું કે મા મરી ગઈ...” માના મૃતદેહ પર ઘી ચોપડાતું જોઈ – “આમાંથી એકાદ તોલી ઘી ભરી લીધું હોય તો... કોરા રોટલા પર ચોપડવા થાય...” સ્મશાનવાળો અગ્નિદાહ અગાઉ કહે છે – “હાલ્લો કાઢી લઉં? બળી જાહે ઈના કરતાં મારી વઉનં પેરવા થાહે....” સ્મશાનવાળાને એ હાલ્લો તો નથી મળતો, પણ માની ચિતાની જ્વાળાઓ દ્વારા એને, એના પરિવારને થીજી જવાય એવી ટાઢમાં હૂંફ જરૂર મળે છે. સામાજિક વાસ્તવનું મનમાં જડાઈ જાય તેવું ચિત્રાત્મક- દૃશ્યાત્મક નિરૂપણ અને નાયકની મનોદશાને મૂર્ત કરતાં મનોસંચલનો આ વાર્તાને સુંદર ઘાટ આપે છે.

(૪)

‘ગંગાબા’ ચરિત્રપ્રધાન વાર્તા છે. ચરિત્રચિત્રણનો કલાકસબ તથા સ્વાનુભવ એ આ વાર્તાનાં ચાલક બળ છે. ગમે તેવા દુઃખને વેઠીને, કોઈ પણ પરિસ્થિતિ સ્વીકારીને, કરુણતાને છુપાવીને, સતત વાત્સલ્ય વરસાવતાં, જીવનના સંધ્યાકાળે પહોંચેલા ગંગાબાનું ઘેઘૂર વડલા જેવું જીવનબળ એ આ વાર્તાનું ઊજળું પાસું છે. જીવંત હૃદયસ્પર્શી ચરિત્રચિત્રણ ઉપરાંત ગંગાબાના મુખે ઉત્તર ગુજરાતની લોકબોલીનો વિનિયોગ તથા લેખકની ચિત્રાત્મક શૈલી નોંધપાત્ર નીવડે છે. ભાવકચેતનામાં આ વાર્તા ધીમે ધીમે ઊંડે સુધી ઊતરે છે, ઠરે છે. આથી, લાઘવથી કામ લઈ શકાયું હોત એવી ફરિયાદ રહેતી નથી. પ્રકૃતિ તથા ગ્રામજીવનના બદલાયેલા પરિવેશનાં વર્ણનો વાર્તાના વાસ્તવને ઘૂંટવામાં મદદરૂપ થાય છે. ગંગાબાનું ચરિત્ર ભાવકને હંમેશાં યાદ રહેશે. ૧૯૮૨માં પ્રગટ થયેલી આ વાર્તામાં વાર્તાકારની સારા નવલકથાકાર બનવાની ક્ષમતા પણ દેખાય છે.

(૫)

‘અંતિમ ઇચ્છા’ એ ઇચ્છામૃત્યુ કરતાંયે વિશેષ તો મર્સીકિલીંગની વાર્તા છે. મર્સીકિલીંગને અત્યંત નાજુકાઈથી કાવ્યાત્મક રીતે વ્યક્ત કરાયું છે. મર્સીકિલીંગ માટેની નિષ્ઠુરતાની સાથે સાથે હૃદયની ઋજુતા અને આંતરસંઘર્ષ ઘૂંટાઈને વ્યક્ત થયા છે. શાંતાબાની જીવાદોરી ખતમ થવામાં છે પણ અંતિમ ઇચ્છાના શિવ-સંકલ્પના બળે તેઓ ટકી રહ્યાં છે. તેઓ કહે છે – “દાક્તરો ભલઅ્ છૂટી પડ્યા, પણ હું જિમીની જનોઈ જોયા વના જવાની નથી.” વાર્તાકારે વાર્તાની શરૂઆતમાં જ આવનારા મૃત્યુનાં ઇંગિતો મૂક્યાં છે – ‘ક્રાં...ક્રાં...’ કરતો કાગડો તથા આકાશમાં અર્ધગોળ ચકરાવો લઈને વધારે ઊંચે ચાલી જતી સમડી! – સમડી જાણે ‘જીવ’ લેવા આવી તો ખરી પણ ભોંઠી પડીને ચાલી ગઈ! પૌત્ર અનિલના દીકરા જિમીની જનોઈ પછી શાંતાબાને જીવન સમેટી લેવું છે. પોતાને ઇચ્છામૃત્યુનું વરદાન હોય એમ તેઓ કહે છે: “નં જનોઈ પતઅ્ ઈંના બીજા દા'ડઅ્ હું યમરાજને કયે ક લે હેંડ અવઅ્ તનં ની રોકું, લઈ જા.” એમણે મરણને સ્વીકારી લીધું છે, જવાની પાકી તૈયારી કરી લીધી છે. કમૂરતાં પતે ત્યાં સુધી શાંતાબા ખેંચે તેમ નથી. આથી કમૂરતામાં જ જિમીની જનોઈ ગોઠવાય છે. મરણ નજીક ને નજીક આવતું જાય છે. શાંતાબાને રીબાતાં જોઈને અનિલને મર્સીકિલીંગના વિચારો આવે છે. અનિલના દાદાએ ખરીદેલા ડંકાવાળા – લોલકવાળા ઘડિયાળનો વાર્તાકારે સરસ ઉપયોગ કર્યો છે. એ ઘડિયાળના ડંકાના રણકાર શાંતાબાની ભીતરની હવેલીના ખાલીપણાનેય ભરતા રહ્યા છે. એ ઘડિયાળના ટક્ ટક્ અવાજને શાંતાબાના ધબકારા સાથે સાંકળી લેવાયો છે. એ ઘડિયાળ બંધ પડતાં જ જાણે શાંતાબાના ધબકારાયે બંધ પડવાના છે. મરણપથારીએથી શાંતાબા વારે વારે જુએ છે – ઘડિયાળ બંધ તો નથી પડી ને? અનિલ વારે વારે ઘડિયાળને ચાવી આપે છે. શાંતાબાની મરણ-પીડા અસહ્ય બનતાં અનિલ મર્સીકિલીંગ માટે ઇંજેક્શન તૈયાર કરે છે, પણ પોતે ડૉક્ટર હોવા છતાં સૈદ્ધાંતિક રીતે મર્સીકિલીંગમાં માનતો હોવા છતાં ઇંજેક્શન આપતાં એનો જીવ ચાલતો નથી. શાંતાબાનો અંતિમ તરફડાટ જોઈને અનિલને મન થઈ આવે છે – લોલક અટકાવી દેવાનું. પણ એ લોલક અટકાવી શકતો નથી; છેવટે બાપુજી હાલતા લોલકને અટકાવી દે છે. શાંતાબાની આંખોમાંથી જીવ ચાલ્યો જાય છે. અનિલ શાંતાબાની ખુલ્લી રહી ગયેલી આંખો બંધ કરે છે. પછી ઘડિયાળ પાસે જઈ લોલકને તર્જનીથી ધક્કો મારે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તાના વિષયવસ્તુ ઉપરાંત લોલકનો પ્રતીકાત્મક વિનિયોગ વગેરે – વાર્તાની બાંધણી-ગૂંથણી, પાત્રાલેખન આદિ નોંધપાત્ર બની રહે છે. ‘સર’ : આ વાર્તામાં લેખકે બે નારીપાત્રો – સુમન અને ઇલાબહેન દ્વારા સરના ચરિત્રને ઓળખવાનો – પામવાનો પ્રયત્ન કર્યો છે અને માનવ માત્રના ભીતરની સંકુલતાને ઉપસાવી છે. સર દસેક વર્ષથી મૃત્યુ પામ્યા છે. પરદેશથી આવેલી સુમનનાં સ્મરણો દ્વારા વાર્તા કહેવાતી, આલેખાતી, ઊઘડતી જાય છે. ‘સર’ એક પ્રોફેસર, મોટા નાટ્યલેખક, દિગ્દર્શક છે. સુમનના મનમાં ‘સર’ એક આદર્શ છે. સુમન સર માટે, એમની વિદ્વત્તા તથા ચારિત્ર્ ય માટે ખૂબ ઊંચા અભિપ્રાય ધરાવે છે. ‘સર’ પર એ મુગ્ધ છે. સુમન તથા ઇલાબહેન – બેયને ‘સર’ સાથે ઘરોબો હતો. સુમન વિદેશથી આવ્યા પછી ઇલાબહેનને મળે છે તો એને સખત આઘાત અને આશ્ચર્ય વચ્ચે જાણ થાય છે – એક સમયે ‘સર’ સાથે ઘરોબો ધરાવતાં, પોતાની અંગત વાત ‘સર’ને કોઈ જ ખચકાટ વગર કરી શકતાં, સર માટે અપાર સ્નેહ, આદર ધરાવતાં, ઇલાબહેન સરના અવસાનના દસ વર્ષ પછીયે એમને ધિક્કારે છે! સુમનની સર માટેની મુગ્ધતા, આદર અને ઇલાબહેનનો સર માટેનો ધિક્કાર – આમ સામસામા છેડેથી સરના ચરિત્રની સંકુલતા ઉપસાવાઈ છે. સુમન સાથેની એક સમયની નિકટતા છતાં ઇલાબહેન સુમનનેય ઓળખવાની ના પાડી દે છે. સુમન તીવ્ર જિજ્ઞાસાથી, કુતૂહલથી ઇલાબહેનના ઘરે જાય છે ને સર માટેના આટલા ધિક્કારનું કારણ જાણવા મથે છે તો તરત ઇલાબહેન ગુસ્સે થઈને કહે છે – “સરનું નામ ન લેશો મારી આગળ...” સરની શક્તિઓથી એ સમયે ખૂબ પ્રભાવિત, મુગ્ધ, સરથી અત્યંત નિકટ એવાં ઇલાબહેનના મનમાં સર માટે એમના અવસાનનાં આટલાં વરસો પછીયે આટલો બધો ધિક્કાર કેમ છે? એનું કારણ જાણવા સુમન જીદે ચડે છે. આવેશમાં આવીને ઇલાબહેનને ખભામાંથી પકડી હચમચાવીને પૂછે છે – “સર માટે આટલી નફરત કેમ? મારે આનો જવાબ જોઈએ, જોઈએ ને જોઈએ.” તો ગુસ્સાથી ભડકો થઈ ઊઠેલાં ઇલાબહેન જવાબમાં સુમનને એક જોરદાર તમાચો ચોડી દે છે. સુમન ડઘાઈ જઈને ત્યાં ને ત્યાં જ ખોડાઈ જાય છે. કારણ નહીં દર્શાવીને લેખકે સરના ચરિત્રની, કહો કે માણસના ચરિત્રની સંકુલતા ઘૂંટી છે અને રહસ્યને વધુ ઘેરું બનાવ્યું છે. સહૃદય ભાવકના મનમાંય કારણ જાણવાની ઉત્સુકતા જાગે અને વાર્તા પૂરી થયા પછીયે ભાવકના ચિત્તમાં રહસ્યનાં વલય વિસ્તરતાં રહે છે. ‘સર'ના સંકુલ ચરિત્ર ઉપરાંત સુમન તથા ઇલાબહેનનાં ચરિત્ર પણ સંવેદનોની સચ્ચાઈ સાથે ઉઘાડ પામ્યાં છે. વાર્તાની શરૂઆતમાં જ વાર્તાકારે સૂચક ઇંગિતો મૂક્યાં છે – ‘છેલ્લું દૃશ્ય’, ‘છેલ્લો સંવાદ’, ‘સ્ટેચ્યુ', ‘પરદો પડવો' આદિ. આ વાર્તા વિશે શ્રી સુમન શાહે નોંધ્યું છે –

“સરળ શૈલીની આ રચના વાચકને માનવસંબંધોની એવી મુશ્કેલ અસ્તિત્વશીલ ચિંતનભૂમિકાએ મૂકી આપે છે એમાં એની વશેકાઈ છે.”

(પ્રસ્તાવના: અધખૂલી બારી, પૃ. ૧૯).

(૭)

‘આરોહણ' વાર્તા માટે સુમન શાહે નોંધ્યું છે તેમ જનકરાયની એક સાઇકિક ટ્રિપ લેખે તથા તેના સાવયવ નિરૂપણ લેખે આ મહત્ત્વની રચના છે. ફૅન્ટસી અને વાસ્તવ – બેયના તાણાવાણા ગૂંથીને વાર્તાકારે આ સાઇકિક ટ્રિપનું પોત વણ્યું છે, ગૂંથ્યું છે અને એ દ્વારા વૃદ્ધોની મનોદશાનું તથા પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ કરવામાં વાર્તાકાર સફળ થયા છે. વૃદ્ધ જનકરાય રીસાઈને, ઘર છોડીને નીકળી ગયા છે. દૂર નીકળી ગયેલા જનકરાયને જાણે એમનાં મૃત પત્ની રેવા પાછા જવા સમજાવે છે. જનકરાય પાછા વળે છે. ફૅન્ટસીના તાણા ગૂંથાતા ચાલે છે – પોતે તો પાછા વળ્યા પણ પોતાનો પડછાયો ત્યાં જ રહી ગયો કે શું? સમાંતરે જનકરાયનું ચરિત્રચિત્રણ અને ઘરમાં, સમાજમાં એમની દશા (એ દ્વારા જાણે મોટા ભાગના વૃદ્ધોની દશા) નિરૂપાતી ચાલે છે. જનકરાયને થાય છે – “આ ઝાડનો પડછાયો તો પડે છે.. આ થાંભલાનોય પડછાયો પડે છે... તો પછી મારો જ પડછાયો કેમ નહીં?! હું અશરીરી બની ગયો છું કે શું?” સંવેદનશીલ જનકરાય ભૂતકાળમાં કવિતા લખતા. એમની મનોચૈતસિક સફરમાં તારસ્વરે વેદના ઘૂંટાતી રહે છે. પાછળ સૂરજ છે આથી બધી વસ્તુઓના પડછાયા આગળ તરફ લંબાયેલા છે. પણ જનકરાયને પોતાનો પડછાયો પાછળ એકાદ મીટર દૂર રહી ગયેલો દેખાય છે! પડછાયો એમની પાછળ પાછળ આવે છે. પાછળ પાછળ આવતા પડછાયાને તેઓ પોતાના દુઃખની વાત કરવાનું વિચારે છે ને પાછળ જુએ છે તો પડછાયો સફેદ! ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં છેવટે જનકરાય એમના બ્લોક સુધી આવી ચડે છે. એમનું ઘર ચોથા માળે છે. પગથિયાં ચડવાનું શરૂ કરે છે. માંડ માંડ થોડાં પગથિયાં ચઢ્યાં પછી જનકરાય ઊંચે જુએ છે – કેટલાં પગથિયાં બાકી રહ્યાં?

“ઊંચે જોયું તો સીડીનો કોઈ છેડો જ નહોતો! ઉ૫૨ ને ઉપર, ઉપર ને ઉપર, નજર પહોંચે ત્યાં સુધી પગથિયાં જ પગથિયાં, ઊંચે ને ઊંચે જતાં, નાનાં ને નાંનાં થતાં જતાં ને છેવટે અંધારામાં ભળી જતાં...”
પગથિયાં ચડતી વેળાનું જનકરાયનું વર્ણન જુઓ –
‘‘ઢીંચણના સાંધામાં તો જાણે કડાકા સાથે વીજળીઓ થતી, શરીરમાંથી થોડી થોડી માટી જાણે નીચે ખરતી જતી, પગ ધીમે ધીમે થોડા થોડા જાણે પાણીમાં ફેરવાતા જતા, સખત હાંફથી પાંસળાંય હમણાં તરડ કરતાં તૂટી પડશે એવું લાગતું...”

જનકરાય શિવસંકલ્પ કરે છે – “શરીરમાંથી પંચમહાભૂત તત્ત્વો છૂટાં પડતાં જાય તો ભલે... પણ ઉપર તો ચઢવું જ રહ્યું.” પછી તેઓ હિમાલય અને હાડ ગાળવાની વાત યાદ કરે છે. પ્રતીકાત્મક બનતી જતી ફૅન્ટસી પરાકાષ્ઠા તરફ ગતિ કરે છે પગથિયાંની પહોળાઈ ઘટતી જાય છે, ઊંચે સીડી અંધારામાં અદૃશ્ય થતી ને નીચે જોતાં સીડીનો છેડો હવામાં નિરાધાર લટકે! “હવામાં નિરાધાર લટકતી નિસરણી! જાણે અનંત લંબાઈની ઠાઠડીને જ ત્રાંસી ઊભી ન કરી દીધી હોય અવકાશમાં!” “આ અશરીરી એવા જનકરાયને અંતે થાય છે – હજીયે કેટલાં પગથિયાં બાકી રહ્યાં? ઊંચે જુએ છે તો આગળ પગથિયાં નથી, નીચે જુએ છે તો નીચેય સીડી જ નથી! પેલો પડછાયોય નથી, માત્ર અવકાશ છે, નર્યો અવકાશ... અહીં વાર્તા પૂરી થાય છે. ફૅન્ટસી તથા વાસ્તવના તાણાવાણા ગૂંથીને વૃદ્ધોની દશાનું, મનોદશાનું, ચેતનાનું પ્રતીક દ્વારા કરેલું પ્રત્યક્ષીકરણ ભાવકના ચિત્તમાં ઊંડે સુધી ઊતરશે.

(૮)

‘બીજો સંન્યાસ' વાર્તામાં લેખકે ‘સંસાર' અને ‘સાધુઓના સંસાર'ને પાસપાસે તથા સામસામે મૂકીને સાચી સાધુતાનું દર્શન તાગ્યું છે, સંન્યાસધર્મની સામે માનવધર્મ, સ્વધર્મનો મહિમા કર્યો છે. સ્વામી નિત્યાનંદના ગુરુજીના દેહત્યાગની ઘટના ઘટે ત્યાં કોઈ સંસારી જણ આવીને નિત્યાનંદને કહે છે – “તમારા બાપુજી હવે જાય એવા છે. ડૉક્ટરોએ બે-ત્રણ કલાક કહ્યા છે... છેલ્લે દર્શન કરવાં હોય તો હૉસ્પિટલ આવી જજો.” તો, પહેલાં નિત્યાનંદને થાય છે સંન્યાસ લીધા પછી કોણ મા ને કોણ પિતા? પણ પછી તેઓ બાપુજીને જોવા જાય છે. પોતાના સાધુ થઈ ગયેલા નાનકા દીકરામાં જાણે જીવ ભરાઈ રહ્યો હોય એમ, નિત્યાનંદના આવ્યા પછી બાપુજીનો જીવ જાય છે. માંદી રહેતી મા નિત્યાનંદને – ના, એમના નાનકાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. નાનકાને ભણાવ્યો, ગણાવ્યો, ડૉક્ટર બનાવ્યો એ પછી ડૉક્ટર દીકરો સંસારધર્મનો ત્યાગ કરીને સંન્યાસ લે છે. ગુરુજીના દેહત્યાગ પછી કેટલાક સાધુઓ પણ સંસારીઓની જેમ રડવા લાગે છે, ગુરુજીના અગ્નિદાહ દેવાનો લહાવો લેવા માટે પડાપડી કરે છે, પરચૂરણ તથા અસ્થિફૂલ વીણવાય પડાપડી, ઝૂટમ્ ઝૂટ કરે છે – રાજકારણીઓની જેમ બે-ત્રણ શિષ્યો ગાદીપતિ થવા માટે દાવપેચ શરૂ કરી દે છે – આ બધું જોઈ નિત્યાનંદને થાય છે – “સાધુઓનો પણ આ એક સંસાર જ છે ને?!” ત્યાં વળી પેલો સંસારી જણ આવીને કહે છે – “બાપુજીના ગયા પછી માંદાં બાને રાખવા કોઈ તૈયાર નથી.” બાએ કહેલું – “મારો નાનકો મને સંઘરશે. હું મારે આશ્રમના એક ખૂણામાં પડી રહીશ...” આ સાંભળી ગાદીપતિ થવા દાવપેચ રમતા સ્વરૂપાનંદ કહે છે – “સંસાર છોડ્યા પછીયે વળી માનું વળગણ કેવું? અને આશ્રમમાં કોઈ સ્ત્રીને રાખવાનું તે કેમ વિચારાય?!” નિત્યાનંદ ધ્યાનમાં બેસે છે. ગુરુજીને પ્રશ્ન કરે છે – “અત્યારે મારો સ્વધર્મ શો?” પછી તેઓ પહેરેલાં વસ્ત્રોમાં જ આશ્રમનો ત્યાગ કરે છે. આશ્રમના ઉંબર પર ઘડીક અટકે છે, થાય છે – આ ભગવાં ત્યજી દેવાં?! તો અંદરથી જવાબ આવે છે – શ્વાસ ભગવા થઈ જાય પછી વસ્ત્રો ગમે તે હોય શો ફેર પડે છે? ધીમા, પણ મક્કમ ડગ ભરતાં તેઓ આશ્રમ છોડીને ચાલી નીકળે ત્યાં આ વાર્તાનો અંત આવે છે. સુમન શાહે નોંધ્યું છે – “આશ્રમ છોડી નિત્યાનંદ ક્યાં ગયા તે નહીં દર્શાવીને તથા શ્વાસ ભગવા રંગના થવા જેવો કશોક આધ્યાત્મિક વિકાસસંકેત રચીને લેખકે વાર્તાને મનુષ્યના વધારે કઠિન સંકલ્પોના ક્ષેત્રમાં સરી જવા દીધી છે તે વધારે કલાત્મક થયું છે. બે પ્રસંગોની તુલનાલક્ષી નિરૂપણામાં લેખકનો વીગત વીગતમાં વાસ્તવને આકારનારો કસબ સર્વથા આસ્વાદ્ય નીવડ્યો છે અને એ સફળતા ઠાલો વિલાસ ન રહેતાં આવા અન્તને પોષક અને ઉપકારક પુરવાર થઈ છે.”

(પ્રસ્તાવના : અધખૂલી બારી, પૃ. ૨૦-૨૧)

‘બારમું’માં શોકના કંઈક દંભી પરિવેશમાં, lighter veinમાં વાર્તાકારે જીવનની વાત કરી છે, આખી વાર્તામાં જેરામભૈની લાડુ ખાવાની ઇચ્છા, તીવ્રતર થતી જાય છે અને અંતે દામ્પત્યજીવનની મીઠાશ એની હળવી મહેક સાથે ખૂલે છે. થોડા થોડા સમયે સગાનાં મૃત્યુ થતાં રહ્યાં હોઈ શોકના કારણે જેરામભૈને બાર મહિનાથી ગળ્યું ખાવા નથી મળ્યું. સાળાના બારમા નિિમત્તે જેરામભૈની નજર સામે લાડવા બને ત્યાંથી વાર્તા શરૂ થાય છે. પછી વિજયા કેવા લાડવા બનાવતી એની રીતનું સેન્દ્રિય વર્ણન ભાવકના મોંમાંય પાણી લાવી દે એવું થયું છે. રસોઈની દેખરેખનું કામ જેરામભૈને સોંપાયું છે. નજર સામે લાડવા બને છે તો પણ સાળાના શોકના કારણે પોતે લાડુ ખાઈ શકવાના નથી. લાડુ ખાવાની લાલસા ક્રમશઃ વધતી જાય છે. કથરોટમાંથી ઊછળીને નીચે પછડાઈને ધૂળવાળો થયેલો એક લાડવો રસોઇયો પાછો કથરોટમાં ગોઠવી દે છે પણ જેરામભૈની શિકારી જેવી નજરમાંથી એ બચી શકતો નથી. જેરામભૈ કહે છે – “એ લાડવામાં કોકને કચર કચર નહીં થાય?” આથી રસોઇયો એ લાડવો કથરોટમાંથી લઈને એક ગોખલામાં આઘો મૂકી દે છે. લાડુ પીરસવાનું કામ પણ જેરામભૈના ભાગે આવે છે અને જેરામભૈની તવણી તીવ્ર બનતી જાય છે. સેન્દ્રિય વર્ણન જુઓ : “લાડુ ભરેલા થાળને એવી નજરથી જોતાં જાણે હાથને બદલે નજર લંબાવીને આખેઆખો લાડવો ઉઠાવીને આંખમાં ન આરોગતા હોય!” જમવા બેઠા ત્યારે જેરામભૈને થાય છે કે સાળા કરતાંં પોતે છ મહિના મોટા છે એની પીરસનારાઓને ક્યાં ખબર છે? પણ ત્યાં તો જેરામભૈની સામે સાક્ષાત્ વિજયા પ્રગટ થાય છે ને કહે છે – ‘એમના ભાણામાં લાડવા ના મૂકશો. એ તો મોટા ભૈ કરતાં છ મહિને મોટા.' બધું આટોપાઈ ગયા પછી વિજયા જેરામભૈને રસોડામાં આંટો મારવા મોકલે છે – “કંઈ રે'તું કરતું નથી ને?” જેરામભૈ જુએ છે તો રેતીવાળો થયેલો પેલો લાડવો હજી ત્યાં ને ત્યાં જ હતો! જેરામભૈને થાય છે – “થોડું કચર કચર થશે એ જ ને?” કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરી જેરામભૈ એ હાથમાં લે છે – લેખકે વર્ણવ્યું છે “...આંગળીઓ વચ્ચે નાનકડો લાડુ આમતેમ ગોળ ગોળ ફરવા લાગ્યો; આંગળીઓનાં ટેરવાંય જાણે લાડુ આરોગતાં હતા.” પણ જેરામભૈ લાડુ આરોગે એ પહેલાં તો સાક્ષાત્ વિજયા પ્રગટ થાય છે. ચોરી પકડાઈ જવાની ક્ષણ સાથે વાર્તાનો અંત આવતો નથી. પણ વિજયા પાલવ નીચે છુપાવીને, ચોરીને જેરામભૈ માટે લાડવો લઈ આવે છે ત્યાં વાર્તાનો અંત આવે છે ને ભાવક પણ લાડવાની મીઠાશ સાથે સાથે દામ્પત્યજીવનની મીઠાશ પણ માણી રહે છે. જેરામભૈનું ચરિત્રચિત્રણ પણ ધ્યાનાર્હ બન્યું છે.

સુમન શાહે નોંધ્યું છે –
“અન્તે ચોટથી આકર્ષક બનતી રચનાઓમાં ‘બારમું' નામ કાઢે તેવી થઈ છે એમ જ કહેવું રહે – કેમ કે સામાન્ય ચોટ-સિદ્ધિથી આગળ વધીને અહીં અ-સામાન્ય ચોટ સાધી શકાઈ છે.” “સાવ જ સંતુલિત અને પારદર્શક શબ્દસૃષ્ટિથી સિદ્ધ આ રચનાને હું આપણી એવી વાર્તાઓના વર્ગમાં પહેલી હારમાં બેસાડું.” (પૃ. ૨૧-૨૨)

(પ્રસ્તાવના, અધખૂલી બારી, પૃ. ૨૧-૨૨)

(૧૦)

આ વાર્તાકાર કલા બાબતે સભાન છે પણ સંકુચિત નથી. ક્યારેક કશુંક ‘લોક’ સુધી પહોંચાડવા માટે તેઓ વાર્તાને જરી ‘લાઉડ' પણ થવા દે છે એનું ઉદાહરણ છે ‘કાચનું બાળક'. ગુજરાત હિમોફિલિયા ઍસોસિયેશન દ્વારા કેટલાક સાહિત્યકારો સાથે એક સેમિનાર યોજાયેલો. જેમાં હિમોફિલિયા વિશે awareness વધે એ હેતુથી કશુંક સર્જન કરવા અપીલ કરાયેલી. જેના પરિણામે ‘કાચનું બાળક' વાર્તા રચાઈ છે, જેમાં હિમોફિલિયાથી પીડિત બાળકની તથા એનાં માતાપિતાની સંવેદના ઘૂંટાઈને પ્રગટ થઈ છે. જોસેફ મેકવાને આ વાર્તા તથા વાર્તાકાર વિશે નોંધ્યું છે –

“ભાઈ યોગેશ જોષી એક સિદ્ધહસ્ત વાર્તાકાર છે. એમની ‘ટાઢ’ સુધીની વાર્તાઓ મેં વાંચી છે. માનવમનમાં વમળાતી વેદનાને એ સૂક્ષ્મ એટલી જ તીવ્રતમ નિરૂપી શકે છે. કલા એમને હૃદયગત છે એટલે એ અનાયાસે જ નીતરી આવે છે. એ ‘કાચના બાળક'ની જ નહિ એના જનક-જનનીની વેદનાને એ વાચકની સહાનુભૂતિ સંપડાવે છે. ને વેદના ક્યારેય બોલકી નથી બનતી, ભલે એ સગી માની ચેહના તાપે ‘ટાઢ’ ઉડાડવાની કામના કરતા દીકરાની હોય. ‘લોક’ સુધી વાત પહોંચે એ જ – એમની ચરમ સિદ્ધિ છે. ભલે તે ‘લાઉડ’ હોય પણ ‘ઓનેસ્ટ’ છે એ અદકું છે.”

('અમર સંવેદનકથાઓ'ના સંપાદકીયમાંથી)

(૧૧)

‘બડી દૂર નગરી’ એ દલિત ચેતનાની વાર્તા છે. શરીફા વીજળીવાળાએ નોંધ્યું છે: “ બડી દૂર નગરી' જરાય બોલકી બન્યા વગર તાર સ્વરે દલિત વર્ગની વેદના વ્યક્ત કરી શકી છે.” વાર્તાનું શીર્ષક સૂચક છે. સરસ ચરિત્રચિત્રણ દ્વારા, ભાષા દ્વારા, વાર્તાકાર દલિત પાત્રને જીવંત કરી શક્યા છે. દલિત પાત્રને અનુરૂપ ભાષાકર્મ જુઓ: “માથે ‘મેલું' પડ્યું હોય એમ જીવણને ધ્રાસકો પડ્યો." વાર્તામાં ઘટના માત્ર આટલી જ છે – સ્વીપર તરીકે કામ કરતા દલિત નાયક – જીવણને એક પ્રોગ્રામમાં સ્ટેજ પર ગાવાની તક મળી છે પણ પ્રોગ્રામ મોડો શરૂ થવાના કારણે અંતે ટૂંકાવવો પડે છે, આથી જીવણને ગાવા મળતું નથી. વાતાવરણ, પરિવેશનું વર્ણન નોંધપાત્ર છે. સંવેદનો રજૂ કરતી બોલી વાર્તાની ઝીણી ઝીણી નસોમાં લોહીને વહેતું રાખે છે. એક ઉદાહરણ: “છેલ્લી હરોળમાં બેઠેલા એક ડોસાની છાતીનું પાંજરું ગર્વથી ફૂલતું હતું – મુંય જીવલા જેવડો હતો તારઅ્ હવારમાં ભલઅ્ મેલું ઉપાડતો પણ રાર્તી તો વાહમોં એવોં ભજન ગાતો! વાહનું લોક ‘ભગત ભગત' કહીનં બોલાવતું... જીવલો કેવો નસીબદાર! સરકારમોં ‘સીપર’ની નોકરી નં વળી મોટા મોટા વોંણિયા-બોંમણનં પોંણીય પાય!” સમય સાથે બદલાયેલી દલિત વર્ગની પરિસ્થિતિ, સરકારી નોકરી... પણ શોષણ તો હજીય થતું રહે. ધીરે ધીરે પડદો પડે છે, બધા પ્રેક્ષકો ચાલવા લાગે છે ત્યારે જીવણનો નાનકડો દીકરો – કાનિયો માને પૂછે છે – “મા... ચમ બધોં હેંડવા મોંડ્યો? બાપા ચ્યાણં ગાશી?" મા કશું બોલતી નથી. પણ કાનિયો બાપાની જેમ ભજન ઉપાડે છે. ત્યાં વાર્તા આશાના એક બળ સાથે પૂરી થાય છે.

(૧૨)

‘ગતિ’ એક ફૅન્ટસી – કાલ્પનિકા છે. ‘આરોહણ' વાર્તાનું પોત વાસ્તવ અને કલ્પનાના તાણાવાણા ગુંથાઈને રચાયું હતું જ્યારે ‘ગતિ’ની સંરચના જુદી છે. ફૅન્ટસીની ફ્લાઇટ અગાઉ, ટેક-ઓફ અગાઉ દીર્ઘ રન-વેની જેમ નક્કર વાસ્તવ રચાયું છે. ઝીણું ઝીણું કાંતીને આવનારી ફૅન્ટસીને અનરૂપ થાય તેવું પાત્રોનું મનોવાસ્તવ રચવામાં પણ લેખક સફળ રહ્યા છે. ત્યાર બાદ ફૅન્ટસીનું ઉડ્ડયન અને અંતે નર્યા વાસ્તવની ભૂમિ પર લૅન્ડિંગ. ટ્રેનમાં અપ-ડાઉન કરતા પાર્થને દિવાળી વખતેય બૉસ રજા આપતા નથી. આથી પાર્થનો ધૂંધવાટ વધતો જાય છે. “...જાઓ, થાય એ કરી લેજો... તોડી લેજો.” – કહેતો પાર્થ ઑફિસમાંથી નીકળી જાય છે. પાર્થના અપ-ડાઉન કરવાના અનુભવને વાર્તાકારે કેવી સેન્દ્રિયતાથી અભિવ્યક્ત કર્યો છે – “અપ-ડાઉનની શરૂઆતમાં તો ઊંઘમાંય જાણે ટ્રેનો મગજમાંથી ધસમસતી પસાર થતી ને ટ્રેનની ભીડ મગજમાંય માતી નહીં..." “...ટ્રેનમાં શરીર હાલે એમ પથારીમાંય, ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું!” પછી આવનાર ફૅન્ટસીના ઇંગિતો વાર્તાકાર અગાઉથી આપતા જાય છે. રેલવે સ્ટેશને પહોંચીને વૉટરબૅગ ભરતા પાર્થને થાય છે — “ઊંટની જેમ પોતેય પાણીને પેટમાં ‘સ્ટોર' કરી શકતો હોય તો કેવું સારું! રસ્તામાં રણ પસાર કરવું પડે તોય વાંધો ન આવે...” રેલવે સ્ટેશને પાટા ઓળંગતાં, કોક તાર પગમાં આવવાથી પાર્થ પડે છે. પ્લૅટફૉર્મની ધાર સાથે માથું જોરથી અથડાય છે. ટ્રેન આવતાં પાર્થ ‘રઘવાયું-હડકાયું' ટોળું પોતાને હડફેટમાં ન લે માટે વૉટરબૅગ સંભાળતો ઊભો થાય છે. ટોળાની ગતિ અને ધક્કાથી એ લગેજના ડબ્બામાં ઘૂસે છે. માણસો જાણે લગેજમાં ફેરવાઈ ન ગયા હોય! ટ્રેનમાં ચડતાં વૉટરબૅગનો પટ્ટો તૂટે છે. પાર્થ વૉટરબૅગ છાતીસરસી દાબી રાખે છે. અહીં વળી આવનારી ફૅન્ટસીના સંકેત મળે છે. – “...વૉટરબૅગ એવી રીતે છાતીસરસી દાબી રાખી કે જાણે ગયા જન્મે રણની રેતમાં અસહ્ય તરસના કારણે મોત થયું ન હોય! બીજા હાથની હથેળી પાકીટ પર એવી રીતે દાબી રાખી કે જાણે આ પાકીટને આવતા જન્મ માટેય સાથે ન લઈ જવાનું હોય! એને લાગ્યું કે જાણે એ બે જન્મ વચ્ચેની ભીડમાં ન ઊભો હોય! બે જન્મ વચ્ચેના અવકાશમાંય આવી ભીડ!” પાર્થના માથામાં અંદર દુખાવો વધતો ચાલે છે. ટ્રેન અતિ વેગે દોડતી રહે છે એનું વર્ણન જુઓ – “ટ્રેન અતિ વેગે દોડતી રહી... નદી-નાળાં, જંગલ-ઝાડી, ગામ-કસબા, નાનાં સ્ટેશન-ફાટક-ઝૂંપડપટ્ટી-ખેતર-વગડો-ટેકરીઓ વટાવતી જાણે ક્યાંય થોભવાની જ ન હોય એમ, વચ્ચેનાં સ્ટેશન તો શું અંતિમ સ્ટેશન પણ જાણે એનું લક્ષ્ય ન હોય એમ ટ્રેન એકધારી દોડી રહી હતી – જાણે ગતિ એ જ એનું લક્ષ્ય ન હોય!” માથામાં વાગવાના કારણે લગભગ બેભાન જેવા થઈ ગયેલા પાર્થની ચૈતસિક સ્થિતિ લેખકે આ રીતે પ્રત્યક્ષ કરી બતાવી છે – “પાર્થને ભાન નહોતું કે કયું સ્ટેશન આવ્યું કે કેટલાં સ્ટેશન ગયાં કે સમય કેટલો ગયો કે... મન અને શરીર જાણે સ્થિતિ અને ગતિ વચ્ચે ઝૂલણામાં ઝૂલ્યા કરતું...” “સપાટીથી તળિયા તરફની ને તળિયેથી સપાટી તરફની ગતિય ચાલ્યા કરે – કોક આરોહ-અવરોહ સાથે...” પાર્થને થાય છે – “ટ્રેનમાં કેમ દેખાય છે કાળમીંઢ અંધારું? એમાં બાકોરું પાડ્યું હોય તો? બાકોરામાંથી જઈ શકાય અજવાળાના ઘે૨?!"? પાર્થની ચૈતસિક સ્થિતિ પ્રત્યક્ષ કરાવતું ભાષાકર્મ ઉલ્લેખનીય બની રહે છે. પાર્થ જુએ છે તો સ્ટેશન નથી, પાટાય નથી. આજુબાજુ માણસ, પશુ-પંખી, ઝાડ-ઝાંખરાં, કંઈ કહેતાં કંઈ જ નથી...! ચારેતરફ – નજર પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી છે. વાર્તાકારે અફાટ રણનું સુંદર વર્ણન કર્યું છે. પાર્થ રણ પાર કરવા વાવાઝોડામાં ઝઝૂમતો ચાલે છે. રેતીમાં ઊંધા મોંએ 
પડે છે. એ પછી વાર્તાકારે એવું વર્ણન કર્યું છે કે પાર્થ અને એનું શરીર – બે અલગ હોય – “રેતીમાં ઊંધા પડેલા એના શરીરને એ જોઈ રહ્યો.” “પોતે જાણે વાવાઝોડાનું કેન્દ્ર હોય એમ, રેતીની મસમોટી ડમરી ઊઠીને પોતાની આજુબાજુ ઘૂમરીઓ લેવા માંડી... ને પોતે કંઈ સમજે એ પહેલાં તો પોતાને અધ્ધર ઉઠાવી, ઘૂમરાતી, ગતિ કરવા લાગી, ઊંચે ને ઊંચે, કશેક...” “અફાટ રણમાં ઊંધું પડી રહેલું ને રેતી નીચે દટાતું જતું એનું શરીર ધીમે ધીમે નાનું ને નાનું થતું ગયું ને છેવટે દેખાતું બંધ થઈ ગયું...” અહીં ફૅન્ટસી પૂરી થાય છે પણ વાર્તાનો અંત નર્યા વાસ્તવ સાથે આવે છે – પાર્થને ભાન આવે છે તો એ હૉસ્પિટલમાં છે. ‘હાશ’ અનુભવતા બધા ચહેરાઓ પર પાર્થની નજર ફરે છે – “પત્ની, મા, પિતા, બહેન, બનેવી... ને એના બૉસ પણ...” આમ ‘ગતિ’ વાર્તા ગુજરાતી વાર્તાઓમાં અલગ ભાત પાડતી ફૅન્ટસી વાર્તા બની રહે છે.

(૧૩)

‘કિલ્લો’ વાર્તા એની માવજત, પાત્રોનાં સંવેદનોને અનુરૂપ એવા પરિવેશનો કલાત્મક વિનિયોગ અને વિશિષ્ટ, વિલક્ષણ ભાષાકર્મના કારણે નોંધપાત્ર નીવડે છે. કિલ્લાનાં તથા રણનાં કાવ્યાત્મક વર્ણનો પાત્રોનાં સંવેદનોને, પાત્રોના ભીતરને વ્યક્ત કરવામાં તેમજ સાંપ્રત પરિસ્થિતિની વેદનાને ધાર કાઢવામાં ઉપકારક નીવડે છે. વાર્તાનું કથાવસ્તુ સામાન્ય છે – લોકગીતો ગાનારા કલાકારોનું અને કળાનું રાજાઓ દ્વારા એક સમયે સન્માન થતું. વાર્તાનાયક રૂપસિંહના દાદાના દાદાના દાદા રાજા સામે ગાતા, ને રાજાના ગળામાંથી સાચા મોતીની માળા માન-સન્માનપૂર્વક પામતા. પણ પેઢી દર પેઢી હાલત કથળતી ગઈ અને રૂપસિંહને પેટનો ખાડો પૂરવાનાય ફાંફા છે. ટીવી ચેનલોવાળાએ એકાદ વાર થોડા પૈસા આપી લોકગીતો રેકોર્ડ કરી દીધાં છે, જે અવારનવાર ટીવી પર આવે છે ખરાં, પણ રૂપસિંહને ખાવાનાય ફાંફા છે. તબિયત પણ ઠીક રહેતી નથી. કિલ્લાના દરવાજે બેસી લોકગાન ગાઈને હવે કુટુંબનું પૂરું થાય એવું લાગતું નથી. રૂપસિંહ દ્વારા આવા લોકગાયકોની વેદનાને આ વાર્તા દ્વારા વાચા મળી છે. મારવાડી બોલીની છાંટ પણ પાત્રોને જીવંત બનાવવામાં ઉપયોગી થાય છે. વાંદરાના બચ્ચાને નચાવીને પેટનો ખાડો પૂરતા મદારીનું વર્ણન પણ સૂચક છે. રૂપસિંહ મદારીની નજીક આવીને પૂછેય છે – “ઈસ બંદરિયા કો કિતને મેં ખરીદા થા?” આ વાર્તામાં કિલ્લો તથા રણનો પરિવેશ અને ભાષાકર્મનાં ઉદાહરણ જોઈએ તો – વાર્તાનું પહેલું જ વાક્ય – “રૂપસિંહના ગળામાં જાણે રણની રેત બળબળતી હતી." “ગાતી વખતે એવું લાગ્યું કે રણને આગળ વધતું રોકવા વાવેલા ગાંડા બાવળનો છોડ જાણે ગળામાં ઉપર નીચે થાય છે... ને એના કાંટાથી જાણે ગળું જ નહીં, સૂર પણ છોલાય છે.” “ખવાતા જતા, ખૂણે-ખાંચરેથી તૂટતા જતા ઝરૂખા – જાણે ધીરે ધીરે તૂટ્યા કરતી પ્રતીક્ષા.” “ક્ષિતિજરેખાના વલય પર રેતરેખા ચળકતી રહી.” “એના ગળામાં જાણે ધીમે ધીમે રણની રેતીનો ઢૂવો જમા થતો હતો ને થીજતો જતો હતો... લાગતું હતું, હવે બીજું ગીત ગવાશે નહિ... ઊંચે જતાં જ સૂર દાંતી પડેલા પતંગના દોરાની જેમ જ તૂટશે.” “રણની બળબળતી રેત જેવી સૂકી ખાંસી કેમેય અટકતી નહોતી... લાગતું, ગાંડો બાવળ ગળામાં ફસાઈ ગયો છે ને ફેફસાંમાં તો જાણે અસંખ્ય બાવળ!” કાવ્યાત્મક-રૂપકાત્મક-પ્રતીકાત્મક ભાષા અને પરિવેશનો વાર્તામાં અસરકારક વિનિયોગ એ આ વાર્તાનું જમા પાસું છે.

(૧૪)

‘આસ્થા’ એ અલગ દૃષ્ટિથી લખાયેલી એક દલિત વાર્તા છે. આથી ગુજરાતી દલિત વાર્તાઓમાં આ વાર્તા નોખી તરી આવે છે. આ વાર્તાની દલિત જ્ઞાતિની નાયિકા આસ્થાને દલિત હોવાના અર્થનીયે કશી જાણ નથી. પિતા કર્ણાટકમાં કલેક્ટર. કલેક્ટર બંગલામાં રહેવાનું અને સેન્ટ્રલ સ્કૂલમાં ભણવાનું. પછી એન્જિનિયરીંગ બેંગલોરમાં અને એમ.બી.એ. દિલ્હીમાં. ત્યાર બાદ ઊંચા હોદ્દા પર નોકરી – આવી નાયિકા આસ્થાનું પાત્રાલેખન સુંદર થયું છે. દલિતો પરના અત્યાચાર કે શોષણની બાબત પણ એણે કોઈ આર્ટ ફિલ્મમાં જ જોઈ છે. કશા રહસ્યની જાણ ન થાય માટે પિતાએ એને દલિત વાતાવરણમાં જવા નથી દીધી. નાનીના અવસાન નિમિત્તે ગામડે જવાનું થાય છે ત્યારે આસ્થા દલિતો પરના અત્યાચાર, શોષણની વાતો સાંભળે છે... ને એના ચિત્તમાં જાણે પથરા પડતા રહે છે ને કૂંડાળાં થતાં રહે છે. એ પછી પોતાની નાની પર શું શું વીત્યું હતું એની જાણ થતાં એ અંદરથી હલબલી ઊઠે છે. એની દલિત ચેતના બળવો પોકારે છે. નાનીના રહસ્યની જાણ થયા પછી એને સમજાય છે કે પપ્પા વતન જવા માટે માને કેમ હંમેશાં ના જ પાડતા... પોતાનો રંગ અંગ્રેજ જેવો ને સ્ટ્રક્ચર ઇન્ડિયન જેવું, જ્યારે માનો તો રંગ પણ અને સ્ટ્રક્ચર પણ અંગ્રેજ જેવું કેમ છે?! એના ચિત્તમાં વમળો જાગે છે. એના ચિત્તમાં પ્રતિશોધની લાગણી ઘુમરાય છે... અંદરના આ ઘમસાણમાંથી આસ્થા કઈ રીતે મુક્ત થાય છે અને એની સમજ કેવી વિસ્તરે છે એ વાર્તાકારે દૃશ્યાત્મકતાથી બતાવ્યું છે. નાનીની પાછળ કરેલી નાત દરમિયાન ‘શાહુકારી’ ઉઘરાવી, ફરી એના લાડવા વળાવીને આસ્થા પોતાની સાથે લેતી આવી છે. ઑફિસ જતાં આ લાડવાનો ડબ્બો સાથે લે છે. આસ્થાની માના મનમાં લખલખાની જેમ એક વિચાર દોડી જાય છે – શું આસ્થા ઑફિસમાં બધાને આ શાહુકારીના લાડવા ખવડાવશે?!!! પણ અંતે આસ્થા એ લાડવાનો ડબ્બો પૂરઝડપે ગાડી દોડાવતી હાઇ-વે પર અવાવરું તળાવ પાસે આવે છે. હાથમાં એક પથ્થર લઈ તળાવના પાણીમાં જોરથી ઘા કરે છે. વાર્તાનો અહીં અંત નથી આવતો. પછી આસ્થા પેલા ડબ્બામાંથી એક પછી એક લાડવા લઈ દૂ...ર દૂ... ર પાણીમાં જોરથી ઘા કરતી રહે છે ને પાણીમાં વમળો ઊઠતાં અને શમતાં રહે છે. ત્યાં વાર્તાનો અંત આવે છે. હાઇ-વે પર ઔડા વિસ્તાર પૂરો થવા આવે ત્યાંનું અવાવરું તળાવ સૂચક બની રહે છે. વાર્તાકાર આસ્થાના ચરિત્ર ઉપરાંત એની ચૈતસિક ભૂમિકાનું નિરૂપણ કરવામાં પણ સફળ રહ્યા છે. વાર્તાકારની મનોવિજ્ઞાનની સૂક્ષ્મ સૂઝ-સમજ વ્યંજનાપૂર્વક ઊઘડતી આવે છે.

(૧૫)

‘સોનેરી પિંજર’માં શહેરોમાં, કોઈ ને કોઈ ફ્લૅટોમાં અવારનવાર બન્યા કરતી ઘટનાનો આધાર લેવાયો છે – કોઈ ફ્લૅટમાં અનૈતિક ધંધો ચાલતો હોય અને કોઈ સમયે પકડાય – આ ઘટનાનો આધાર લઈ કલાકીય માવજત દ્વારા, વળ પર વળ ચડાવતા જઈને ભાવકોને વાર્તારસમાં જકડી રાખીને, ઝીણી ઝીણી વિગતોનો વાર્તાના ધ્વનિ તરીકે વ્યંજનાત્મક વિનિયોગ કરીને જાનીસાહેબને જ નહીં સહૃદય ભાવકનેય વિચારતા કરી મૂકે એવી આ વાર્તા રચાઈ છે. ગાંધીવાદી જાનીસાહેબ ટ્યુશન કરતા હોય ત્યાં બહાર હોબાળો મચી જાય છે. કશું ગંભીર લાગતાં જાનીસાહેબ જાય છે તો એમના કાને અવાજો પડે છે – ઘરાક નાસી ગયો. છોકરી હજી અંદર છે, મકાનમાલિકની પિટાઈ ચાલે છે. વગેરે... જાનીસાહેબ એ ફ્લૅટમાં પહોંચે છે. છોકરી પોલીસને સોંપવાથી બધું છાપે ચગે ને સોસાયટીની આબરૂ જાય – એવું આગેવાનો વિચારે છે. જાનીસાહેબના આવ્યા પછી છોકરીનું રુદન વધી જાય છે અને એ ચહેરાને અને જાતને ઢાંકવા-સંતાડવા મથે છે. કોઈ બહેને એ છોકરીએ એના ચહેરા પર ઢાંકેલા હાથ હટાવી લીધા કે જાનીસાહેબ સ્તબ્ધ! જાનીસાહેબની શાળાની જ વિદ્યાર્થિની! બારમામાં ભણતી! જાનીસાહેબને થાય છે કશીક મજબૂરી હશે, કોકે ફસાવી હશે, નહીંતર વૈશાલી ક્યારેય આવું ન કરે. હવે એક વધુ વળ ચડે છે. જાનીસાહેબને થાય છે, પોલીસ ન બોલાવી એ સારું થયું, નહીંતર સોસાયટીની સાથે પોતાની શાળાની આબરૂય ધૂળધાણી થઈ જાત. છેવટે સોસાયટીના આગેવાન, એમની પત્ની અને જાનીસાહેબ કારમાં 
એ છોકરીના ઘરે મૂકવા નીકળે છે. દરમિયાન જાનીસાહેબના મનમાં ઘમસાણ ચાલે છે – વૈશાલી જેવી ડાહી છોકરી આવા રસ્તે ચડી જ કઈ રીતે શકે? આઠમામાં હતી ત્યારે જાનીસાહેબ અન્ય શિક્ષકો સાથે એના ઘેર ગયેલા. નાનકડી ચાલીમાં એક રૂમ-રસોડું. સાત સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ. ઘર અને પરિસ્થિતિની ઝીણી ઝીણી વિગતોવાળું નકશીકામભર્યું સુંદર વર્ણન અહીં મળે છે પણ અત્યારના ઘરે કાર પહોંચે છે તો જાનીસાહેબનું મોં આશ્ચર્યથી પહોળું થઈ જાય છે. પગાર ઉપરાંત ટ્યુશન કરવા છતાં આવા પોશ એરિયામાં પોતેય આવો ફ્લૅટ લઈ શકે તેમ નથી. જાનીસાહેબનો આઘાત વધતો જાય છે. નવા ઘરે પહોંચતાં જાનીસાહેબ વૈશાલીનાં મમ્મીના ચહેરા સામે જોઈ જ રહે છે. વૈશાલીના પપ્પાના અવસાન વખતે જોયેલા ચહેરા સાથે આ ચહેરાનો મેળ ખાતો નથી! ઘરમાં પણ શો-કેસમાં મોંઘી ક્રોકરી, શરાબ પીવા માટે વપરાય તેવી કાચની પ્યાલીઓ અને અંદરના રૂમમાં ડબલ બેડ બાજુની ટિપોઈ પર એશ-ટ્રે!! ગાંધીવાદી, કેળવણીવાદી જાનીસાહેબના મગજમાં કશું બેસતું નથી. એમને સખત આઘાત લાગે છે ને થાય છે – વૈશાલીને મેં શું કેળવણી આપી? શિક્ષક તરીકે નોકરી કરવાનો મને નૈતિક અધિકાર નથી... અહીં વાર્તાનો અંત નથી આવતો. વ્યંજનાપૂર્વક ધીરે ધીરે બધું આછું આછું ઊઘડતું જાય છે અને વાર્તાને અંતે વળી એક વળ, વળી જાનીસાહેબ પર એક સખત ઘા, આઘાત – વૈશાલીની મમ્મી જાનીસાહેબને કહે છે – “તમારો આ ઉપકાર અમે ક્યારેય છે નહિ ભૂલીએ...” પછી ઉમેરે છે, “વૈશાલી તમારી ‘કોઈ પણ સેવા' માટે...” પછી વાક્ય અધૂરું છોડી મીઠો મલકાટ કરતી રસોડા ભણી જાય છે ને જાનીસાહેબ જાણે પથ્થરની મૂર્તિ બની જાય છે. જાનીસાહેબને લાગતા આઘાત પર આઘાત ભાવકચેતનાનેય હલબલાવી દે છે ને ભાવકને વિચારતો કરી મૂકે છે. આમ યોગેશ જોષીની વાર્તાઓમાં સામાજિક ચેતના, નક્કર વાસ્તવ, દલિત ચેતના, ગ્રામચેતના, નગરચેતના, ફૅન્ટસી, ભાષાકર્મ, લોકબોલીનો વિનિયોગ આદિનો એક મોટો વ્યાપ ઉજાગર થાય છે. આ સંચયના સુંદર પ્રકાશન માટે નવભારત સાહિત્ય મંદિર પરિવારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

– સંપાદકો

આ પુસ્તકના ઇ-પ્રકાશન માટે શ્રી અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો આભાર. ઇ-પ્રકાશનમાં અંતે આ પુસ્તકનું અવલોકન તથા ‘યોગેશ જોષી ઃ જીવનવહી અને સર્જનયાત્રા’ ઉમેર્યાં છે.

– સંપાદકો