યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/‘ગતિ’ વિશે...

From Ekatra Wiki
Revision as of 15:02, 9 August 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


‘ગતિ' વિશે
બાબુ ધવલપુરા


યોગેશ જોષી રચિત ‘ગતિ’ એક તણાવગ્રસ્ત કર્મચારીની ચેતન-અવચેતન ચિત્તની ગતિવિધિને સ્પર્શની ચેતોહર વાર્તા છે. વાર્તાના પ્રારંભે કોઈ કંપનીના કાર્યાલયમાં નોકરી કરતા પાર્થનો ધૂંધવાટ અને અદમ્ય રોષાવેશ તેની આ સ્વગતોક્તિમાં જોવા મળે છે: “રજા ના તો શું આપે? જોઈ લઈશ... બધી હેરાનગતિ સીધા માણસોને.... ચમચાઓ તો જલસા કરે જલસા... અહીં કામ કરી કરીને તૂટી મરીએ તોય કશી કદર તો ઘેર ગઈ પણ ઊલટાનું કોઈ ને કોઈ બહાને મેમો ને ચાર્જશીટ... વગર કારણે વાતવાતમાં ફાયરિંગ...” (નવનીત-સમર્પણ, નવેમ્બર, ૧૯૯૯, પૃ. ૧૭૩). પાર્થની દૃષ્ટિએ, તેના કામની કદર કરવાને બદલે બૉસ તેને અકારણ હેરાન કર્યા કરે છે; પોતે સીધી લાઇનનો નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ કર્મચારી હોવા છતાં બૉસ વિના કારણે મેમો ને ચાર્જશીટ આપી ખોટી રીતે પજવ્યા કરે છે. બૉસની કૃપાદૃષ્ટિને કારણે ચમચાઓ જલસા કરે; લોકલ હોવા છતાં તેઓ ઑફિસમાં રોજ મોડા આવે તોપણ તેમની અનિયમિતતા નભી જાય; પણ બહારગામથી અપ-ડાઉન કરતો પાર્થ ટ્રેન મોડી પડવાને કારણે કોઈ વાર સમયસર ઑફિસે પહોંચી ન શકે તો તેનો ખુલાસો માગવામાં આવે અને અનિયમિતતા ચલાવી નહિ લેવાય તેવી ચીમકી પણ તેને આપવામાં આવે. પંદર પંદર વરસથી એક જ ઠેકાણે જામી પડેલા ચમચાઓને ઊની આંચ ન આવે; પણ પાર્થની બીજા સ્થળે ટ્રાન્સફર કરવામાં આવે. જી.એમ. તેની ફરિયાદ કાને ન ધરે અને યુનિયનવાળા પણ બૉસના મળતિયા હોવાથી તેની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરે! પાર્થે ‘એક ઓળખીતા ધારાસભ્ય મારફતે જી.એમ.ને દબાણ કર્યું તો (એણે મારા બેટાએ) પૉલિટિકલ પ્રેશર લાવ્યાનું કારણ ધરીને અપાવી દીધી ચાર્જશીટ! તે પ્રમોશનનેય ધક્કો વાગશે. ગ્રહો જ ખરાબ, બીજું શું?...' નોકરીના નવા સ્થળે પણ ઑફિસમાં મોડા આવવા સબબ બૉસ તતડાવે છે: “અપ-ડાઉન નહિ કરવા દઉં, તમે ઘર રાખી લો.” આ અપ-ડાઉનનો ત્રાસ પણ એવો અસહ્ય છે કે “શરૂઆતમાં તો ઊંઘમાંય જાણે ટ્રેનો મગજમાંથી ધસમસતી પસાર થતી ને ટ્રેનની ભીડ મગજમાંય માતી નહિ.... ને ટ્રેનમાં શરીરે હાલે એમ પથારીમાંય ઊંઘમાંય શરીર જાણે હાલ્યા કરતું! ઊંઘમાંય ટ્રેન આવી ગયા ને ચૂકી જવાયાના ભણકારા વાગતા... ઊંઘમાંય સિગ્નલો દેખાતા...” (પૃ. ૧૭૪). પાર્થની બહિર્ગત પ્રતિકૂળ પરિસ્થિતિ અને તજ્જન્ય મનઃસ્થિતિનું વાર્તાના પૂર્વાર્ધમાં સૂક્ષ્મતાપૂર્વક થયેલું આલેખન તેની અંતર્ગત અસ્વસ્થતાનું દ્યોતક છે. આવી અજંપાભરી અકળામણથી ખળભળી ઊઠેલા પાર્થને તેનો સહકર્મચારી જાણ કરે છે કે “...તમારી સી.એલ. સાહેબે ગ્રાન્ટ નથી કરી.” બૉસે પોતાના સિવાય બીજા બધાની સી.એલ. મંજૂર કરી છે, એ વિગત જાણ્યા પછી તે પોતાની નામંજૂર થયેલી સી.એલ.વાળી અરજી લઈને ધૂંઆપૂંઆ થતો સાહેબની ચૅમ્બરમાં ધસી જઈ જાણે હુકમ ફરમાવતો હોય એમ કહે છે: “સર, આમાંથી Not ચેકી નાખો.” સાહેબ તેને આ જાતની ઉદ્ધત અવિનયી રીતભાત બદલ ટોકે છે, તેથી પાર્થ જરા નરમ પડીને રજા મંજૂર કરવા વીનવે છે. પણ સાહેબે તેની વિનંતી ઠુકરાવી દીધી, તેથી સમસમી ઊઠેલો પાર્થ નાફરમાનીના મિજાજમાં સાહેબની સત્તાને પડકારે છે: “રજા ગ્રાન્ટ કરો કે ના કરો... હું તો દિવાળીના ચાર દિવસ નથી આવવાનો... જાઓ, થાય તે કરી લેજો.” (પૃ. ૧૩૪) અને આગળ-પાછળનો કશો વિચાર કરવા સહેજે રોકાયા વિના, રિક્ષા પકડીને સીધો રેલવેસ્ટેશને પહોંચી જાય છે. પાછળથી તેને ખ્યાલ આવે છે કે બૉસની રજા લીધા વિના પોતે ઑફિસમાંથી વહેલો નીકળી ગયો તેથી હવે C.R.માં એડવર્સ એન્ટ્રી નક્કી. પ્રમોશન અટકવાનું. પણ ‘પડશે એવું દેવાશે.’ – એવી દેખીતી બેફિકરાઈનું કવચ સજીને તે રોજની અપ-ડાઉનવાળી ટ્રેનની રાહ જોવાને બદલે બીજી, કલાક લેટ ચાલતી ટ્રેનમાં આંધળૂકિયાં કરીને, હાંફળોફાંફળો ઘૂસવા માટે રેલવેટ્રેક ઓળંગવા રઘવાયા મુસાફરોના ટોળા સાથે દોડવા માંડે છે, અને તારમાં પગ અટવાઈ જતાં લથડિયું ખાઈ પ્લૅટફૉર્મની ધાર સાથે પટકાય છે. પ્રથમ દૃષ્ટિએ આકસ્મિત ભાસતી આ ઘટના ઈજાગ્રસ્ત પાર્થના જાગ્રત-અજાગ્રત-અર્ધજાગ્રત ચિત્તની ગતિના આલેખન માટે જાણે સ્પ્રિંગબોર્ડની ગરજ સારે છે. સહપ્રવાસીઓની સમભાવયુક્ત વર્તણૂક અને કામચલાઉ સારવારથી સહેજ હાશ અનુભવતો પાર્થ મોં અને માથે થયેલી ઈજાથી ઘવાયો હોવા છતાં તેમની સાથે જ એક ડબ્બામાં ધક્કામુક્કી કરી રહેલા ટોળાની ગતિ અને ધક્કાથી આગળ હડસેલાઈને ઘૂસે છે. પણ એ લગેજના ડબ્બામાં ખીચોખીચ મહામુશ્કેલીએ ઊભેલા મુસાફરોની ભીડ એવી સજ્જડ છે કે તેની તૂટી ગયેલી વૉટરબૅગ પણ અધ્ધર જ રહી જાય છે. ‘જાણે ગયા જન્મે રણની રેતમાં મોત ન થયું હોય' એવી સાવધાનીપૂર્વક તે રેલવેસ્ટેશનના નળેથી ભરેલી બૅગ છાતીસરસી પકડી રાખે છે, અને ‘બીજા હાથથી હથેળી પાકીટ પર એવી રીતે દબાવી રાખી કે જાણે આ પાકીટને આવતા જન્મ માટેય સાથે ન લઈ જવાનું હોય! એને લાગ્યું કે જાણે એ બે જન્મ વચ્ચેની ભીડમાં ન ઊભો હોય!” ટ્રેનના છાપરે બચેલી જગ્યાય મુસાફરોથી ભરાઈ ગયા પછી ઊપડેલી ટ્રેનની ગતિ વધી તોપણ અતિ વેગે દોડતી એ ટ્રેનમાં એટલીય જગ્યા ખાલી નથી કે પવન બહારથી અંદર પ્રવેશીને પાર્થના પરસેવે રેબઝેબ ચહેરાને સ્પર્શી શકે! એકધારી ત્વરિત ગતિએ ગામ-કસબાનાં સ્ટેશન-ફાટક અને ખેતર-વગડાને વટાવતી ટ્રેન એવી રીતે દોડ્યે જાય છે, કેમ જાણે ક્યાંય થોભવાની જ ન હોય! ટ્રેનની ગતિ સાથે પાર્થનું શરીર ગતિમય-ગતિરૂપ બનતું જાય છે, મન-મગજ જાણે બહેરું થતું જાય છે. અર્ધબેભાન પાર્થને બહારથી મુસાફરોની ભીડ એવી ઘેરી લે છે કે બહાર કશું દેખાતું નથી અને ઊતરવાનું સ્ટેશન ચાલ્યું જાય છે. હવે ટ્રેન કયા સ્ટેશને થોભશે, પરત આવવાની ટ્રેન ક્યારે મળશે, ઘરે ક્યારે પહોંચાશે? માથાનો દુખાવો દુ:સહ બની જાય છે; અને હવે શું થશે, એવી ચિંતાગ્રસ્ત મનોદશામાં પાર્થને ટ્રેનમાં પણ હવે કાળમીંઢ અંધારું જ દેખાય છે. ટ્રેન થોભતાં તે મહામુસીબતે દ૨વાજા સુધી પહોંચી શક્યો, પણ પાછળથી મુસાફરોનો જોરદાર ધક્કો આવતાં બહાર પ્લૅટફૉર્મ પર ફેંકાઈ ગયો... સાનભાન ખોઈ બેઠેલો પાર્થ જુએ છે તો ક્યાંય સ્ટેશન, રેલવેના પાટા, ઝાડઝાંખરાં કે કોઈ માણસ નહીં પણ ચોતરફ અફાટ રણ જ દેખાય છે. ‘પાછલા અનેક જન્મોની તરસ જાણે લાવાની જેમ' ઊભરાઈ રહી હોય એવી તરસથી પીડાઈ રહેલા પાર્થને વૉટરબૅગનું પાણી ખલાસ થઈ ગયેલું હોવાથી તેને તોડી નાખીને ‘અંદરની દીવાલો પર ચોંટેલું પાણી જીભ ફેરવી ફેરવીને' ચાટવાનું મન થાય છે. આવી તૃષાગ્રસ્ત અવસ્થામાં ભયંક૨, વાવાઝોડામાં ઊડતી રેતીની ડમરીઓ ‘તેને અધ્ધર ઉઠાવી ગતિ કરવા લાગી, ઊંચે ને ઊંચે, કશેક...' અને અફાટ રણમાં ઊંધું પડી રહેલું શરીર રેતીની નીચે દટાઈ જતાં તેનાથી હવે તો જોઈ શકાતું પણ નથી... રણના સ્પર્શક્ષમ સાક્ષાત્કારક પરિવેશનિર્માણ દ્વારા થયેલું પાર્થની આંતરચેતનાની ગતિનું આલેખન આ વાર્તાનું આસ્વાદ્ય અંગ છે. ભાનમાં આવ્યા પછી પાર્થ તેની આસપાસ ઊભેલાં આપ્તજનોના ‘હાશ' અનુભવતા ચહેરાઓ પર નજર ફેરવે છે, એ વેળાએ તેને પોતાનાં માતા-પિતા, પત્ની અને બહેન-બનેવી ઉપરાંત પેલા ‘સી.એલ. ગ્રાન્ટ નહીં કરનારા એના બૉસ પણ...' દેખાય છે, એ વિગત અતિ સૂચક છે. પ્રથમ દૃષ્ટિએ ક્ષુલ્લક લાગે તેવી આ પાર્થના બૉસની ઉપસ્થિતિની ઘટનાનો સૂચિતાર્થ એ છે કે આત્મલક્ષી દૃષ્ટિએ જ બધું જોવા ટેવાયેલા માણસને બીજાના નાના રાઈના દાણા જેવા દોષ પણ ખૂબ મોટા, અને પોતાના પહાડ સમા દોષ ઘણી વાર ખૂબ નાના ભાસે છે, અણગમતી વ્યક્તિઓ કે સંસ્થાઓની નીતિરીતિ વિશેના તેના પૂર્વગ્રહો પણ ક્યારેક ભ્રામક હોય છે. આ વિષયવસ્તુની રણના સક્ષમ પ્રતીકધર્મી કલ્પન દ્વારા થયેલી માવજતમાં અને વ્યંજનાગર્ભ સમાપનમાં તરી આવતી કર્તાની કળાસૂઝ અને કલ્પકતા સવિશેષ ધ્યાનપાત્ર લેખાય તેવી છે. (‘વાર્તાગોષ્ઠિ', બાબુ ધવલપુરા, પ્ર. આ. ૨૦૦૭માંથી, પૃ. ૧૫૮-૧૬૦).