ભારતીય કાવ્યસિદ્ધાંત/નિવેદન

From Ekatra Wiki
Revision as of 05:37, 26 August 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

(દ્વિતીય સંસ્કરણ વેળાએ)

અધ્યાપક તરીકેની કારકિર્દીના આરંભમાં જ તૈયાર કરેલા આ પુસ્તકને વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આ વિષયના જિજ્ઞાસુઓ તરફથી જે આવકાર મળ્યો છે તે ખૂબ ઉત્સાહ પ્રેરે એવો છે. પાંચેક વરસથી એ અપ્રાપ્ય હતું, પરંતુ આ વિષયનો અભ્યાસ આગળ વધતાં, આખોયે વિષય નવેસરથી અને વિસ્તારથી લખવાની યોજના મનમાં આકાર લેતી હતી તેથી એનું પુનર્મુદ્રણ કર્યું નહોતું. હવે એમ લાગ્યું કે આખાયે વિષયને નવેસરથી લખવાનું કામ જુદું, મોટું અને સમય માગે એવું છે. બીજી બાજુથી, આ પુસ્તક માટેની વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓની માગણી સતત ચાલુ જ હતી. તેથી હાલ તુરત આ પુસ્તકને પુનર્મુદ્રિત તો કરવું જ એવો કેટલાક મિત્રોનો આગ્રહ યોગ્ય જણાવાથી આ કામ હાથમાં લીધું. માહિતી, વિચાર કે અભિવ્યક્તિની દૃષ્ટિએ જે કંઈ સુધારાઓ અનિવાર્ય જણાયા તે કર્યા છે. એવા સુધારાઓ સાવ ઓછા નથી, છતાં નવી માહિતી કે નવા વિચારો ઉમેરવાનો લોભ ખાળ્યો છે. અમુક પ્રકારની ઉપયોગિતાને લક્ષમાં લઈને પુસ્તકનું અમુક પ્રકારનું સ્વરૂપ બંધાયું છે. એ સ્વરૂપ સચવાવું જોઈએ એવી અમારી લાગણી હતી. ધ્વનિ, વક્રોક્તિ ઔચિત્ય જેવા મુદ્દાઓ વિષે આમાં નોંધો ઉમેરી છે તે પણ પુસ્તકના સામાન્ય સ્વરૂપને લક્ષમાં રાખીને જ ઉમેરી છે. બહુ વીગતમાં કે ઊંડાણમાં જવાનું ઈષ્ટ ગણ્યું નથી. પ્રથમ આવૃત્તિના પ્રકાશનમાં જુદી જુદી રીતે સહાયભૂત થનાર પ્રા. ઉપેન્દ્ર પંડ્યા, ડૉ. ધીરુભાઈ ઠાકર, સ્વ. બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ) વગેરેનું કૃતજ્ઞભાવે સ્મરણ થાય છે. મુ. રાવળસાહેબે આ સંસ્કરણને પણ એમનાં આશીર્વચનનો લાભ આપ્યો છે એ માટે એમના પણ અમે ઋણી છીએ. અને આ પુસ્તકની ઉપયોગિતાના બોલતા પુરાવાઓ સમા અનેક વિદ્યાર્થીઓ, જિજ્ઞાસુઓ અને મિત્રોને કેમ ભુલાય? પ્રકાશકમિત્ર શ્રી કાંતિભાઈના આગ્રહ અને ઉત્સાહ વિના આ પુસ્તક આટલી જલદીથી અને આટલી સુંદર રીતે છપાઈને પ્રગટ ન થયું હોત.

વિજયાદશમી, ૧૦ ઑક્ટોબર, ૧૯૭૦
અહિંસાભવન, નગરશેઠનો વંડો,
ઘીકાંટા, અમદાવાદ-૧
જયંત કોઠારી
નટુભાઈ રાજપરા
 

(પહેલી આવૃત્તિના નિવેદનમાંથી) * આ પુસ્તકના લખાણનો મુખ્ય આધારભૂત ગ્રંથ મમ્મટનો ‘કાવ્યપ્રકાશ’ છે. પણ જરૂર લાગી ત્યાં કાવ્યશાસ્ત્રના બીજા ગ્રન્થોનો ઉપયોગ કરવાનું પણ અમે ઈષ્ટ ગણ્યું છે. વિષયક્રમ ‘કાવ્યપ્રકાશ’નો નથી રાખ્યો, પણ કાવ્યતત્ત્વવિચારની દૃષ્ટિએ જે ક્રમ અમને વધુ તાર્કિક અને સગવડભર્યો લાગ્યો તે સ્વીકાર્યો છે. કાવ્યશાસ્ત્ર જેવા ગહન વિષયને વિદ્યાર્થીભોગ્ય બનાવવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે. વિષયનિરૂપણ દરમિયાન મૂળનાં સંસ્કૃત સાહિત્યનાં ઉદાહરણો આપવા ઉપરાંત શક્ય બન્યું ત્યાં ગુજરાતી સાહિત્યમાંથી પણ ઉદાહરણો આપીને સિદ્ધાંતચર્ચા બને તેટલી વિશદ કરવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાકરણ અને દર્શનશાસ્ત્રની ઘેરી અસર ભારતીય કાવ્યશાસ્ત્ર પર પડી છે. પણ એવા અકાવ્યશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચામાં ઊતરવું અમને ઉચિત નથી લાગ્યું. આથી એવાં તત્ત્વોને કાં તો ટાળ્યાં છે અથવા જુદાં તારવી કાઢ્યાં છે. આપણી પ્રાચીન સાહિત્યપ્રણાલી અને આજની સાહિત્યપ્રણાલી વચ્ચે સારો એવો ભેદ છે; એટલે આજની દૃષ્ટિએ કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા જતાં અનેક મુદ્દાઓ ઉપસ્થિત થાય. અહીં અમારો ઉદ્દેશ ભારતીય કાવ્યશાસ્ત્રને માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ અવલોકવાનો નહિ, પણ એની તાત્ત્વિક ભૂમિકા સમજવા-સમજાવવાનો છે; એટલે એવા મુદ્દાઓની ચર્ચાને અહીં અવકાશ આપ્યો છે. વળી, આ બધી ચર્ચા દરમિયાન સ્વાભાવિક રીતે જ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા પણ નજર સમક્ષ રહી છે, તેથી કાવ્યશાસ્ત્રના અનેક પ્રશ્નો છણતી વખતે અનેક સ્થાને પૂર્વ-પશ્ચિમની સાહિત્યચર્ચાનાં સામ્યભેદ નિર્દેશવાનું થઈ શક્યું છે. પણ આ બધું કરતી વખતે વિદ્યાર્થીઓની કક્ષાને લક્ષમાં રાખી છે; એટલે જ કાવ્યશાસ્ત્રમાંની કેટલીક વ્યાકરણશાસ્ત્રીય ચર્ચાઓ, કાવ્યશાસ્ત્રના કેટલાક મુદ્દાઓની નવેસરથી વિચારણા અને પાશ્ચાત્ય સાહિત્યવિવેચનની સમાંતરરેખા - આ બધું, સામાન્ય રીતે, જુદા પરિશિષ્ટમાં જ સમાવ્યું છે. ગ્રન્થના મુખ્ય ભાગમાં નિરૂપિત પ્રસ્તુત વિષયને સ્પર્શતી વિશેષ ચર્ચા કરતા પરિશિષ્ટનો ક્રમાંક, તે તે સ્થાને [ ] આ જાતના કૌંસમાં મૂક્યો છે. * ભારતીય કાવ્યશાસ્ત્ર પરનાં અનેક વિદ્વાનોનાં લખાણોનું ઋણ આ પુસ્તક પર હોય એ સ્વાભાવિક છે. પ્રો. ગજેન્દ્ર ગડકર, ડૉ. સત્યવ્રતસિંહ અને શ્રી રામનારાયણ વિ. પાઠક તથા શ્રી રસિકલાલ છો. પરીખનાં ‘કાવ્યપ્રકાશ’નાં સંપાદનો અને આચાર્ય આનંદશંકર ધ્રુવ, શ્રી રામનારાયણ પાઠક, પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, આચાર્ય ડોલરરાય માંકડ આદિનાં કાવ્યશાસ્ત્રવિષયક લખાણોનો અમે ઉપયોગ કર્યો છે અને શક્ય હોય ત્યાં બધે એનો ઉલ્લેખ કર્યો છે. અહીં એ સૌના ઋણનો સ્વીકાર કરતાં અમને આનંદ થાય છે.

લેખકો
અમદાવાદ  : ૨૨ માર્ચ, ૧૯૬૦