ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૭) સાધારણીકરણ સાધતી શક્તિ

From Ekatra Wiki
Revision as of 15:28, 1 September 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પરિશિષ્ટ

(૧) શબ્દસંકેત : (પૃ.૧૫) :

(૧૭) સાધારણીકરણ સાધતી શક્તિ : (પૃ.૯૨) :

ભાવકત્વવ્યાપારથી વિભાવાદિનું સાધારણીકરણ થાય છે અને ભાવત્કવવ્યાપાર દોષના અભાવ અને ગુણાલંકારની ઉપસ્થિતિ કે ચતુર્વિધ અભિનયને કારણે પ્રવર્તે છે એમ ભટ્ટ નાયકે સ્પષ્ટ રીતે કહ્યું છે. એટલે કે એમના મતે શબ્દાર્થની કોઈક શક્તિને કારણે વિભાવાદિ સામાજિકને સાધારણરૂપે પ્રતીત થાય છે. ભટ્ટ નાયકના ભાવકત્વ અને ભોજકત્વ એ બે વ્યાપારો અંગે પ્રો. જે . જે. પંડ્યા લખે છે : ‘શબ્દની આ બે શક્તિને શબ્દની શક્તિ કલ્પવા કરતાં ચિત્તનો વ્યાપાર કે શક્તિ સ્વીકારથી વધુ યોગ્ય છે.’૧[1] પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાધારણીકરણ વ્યાપારમાં લેખકે કે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એમ કહી ‘શબ્દની શક્તિમાં કિંવા તટસ્થની (વિભાવના, અનુભાવન રૂપની) સંવેદનશક્તિમાં એ અંતર્ગત છે’ એમ જણાવે છે.૨[2] જોકે ભાવકે કશું સિદ્ધ કરવાનું નથી એટલે એની પાસે કશી અપેક્ષા રાખવામાં નથી આવતી એમ નહિ, ‘સાહિત્યકળાનો આસ્વાદ ભાવકની કલ્પનાશક્તિ, વેદનશીલતા (sensibility), સમભાવની શક્તિ (sympathy), સત્ત્વની અપેક્ષા સર્વત્ર રાખે છે.’૩[3] એટલે તો એક સ્થળે તેઓ ‘સાધારણીકરણ’ને બદલે ‘કલ્પનાવ્યાપાર’ નામ સૂચવે છે.૪[4] શ્રી રામનારાયણ પાઠક પણ ભાવનાવ્યાપારમાં કલ્પનાવ્યાપારને સમાવિષ્ટ કરે છે.૫[5] આપણે આ બધા અભિપ્રાયોનો સમન્વય કરી શકીએ. કાવ્યની દોષાભાવ-ગુણાલંકારસમૃદ્ધિ સામાજિકને આ જગતના સંબંધોથી મુક્ત કલ્પનાજગતમાં વિહરાવે છે, પણ સાથે સાથે લેખકનો અનુભવ સંપૂર્ણપણે પોતાનો કરવા માટે એણે પણ આ જગતની મર્યાદાઓથી મુક્ત થઈ, અલૌકિકભાવે એ કલ્પનાજગત તરફ વળવાની દૃષ્ટિ કેળવેલી હોવી જોઈએ. સાધારણીકરણ પરત્વે લેખકને કશું જ કરવાનું નથી હોતું? પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ના પાડે છે. આચાર્ય ડોલરરાય માંકડ લખે છે : ‘સંસ્કૃત રસશાસ્ત્રની ચર્ચા ભલે ભાવક પૂરતી જ હોય, પણ એનાં તત્ત્વો સર્જકને પણ લાગુ પાડી શકાય. ખરી રીતે, જેટલા પ્રમાણમાં સર્જકનો પોતાનો અનુભવ સાધારણીભૂત અને સાક્ષાત્કૃત હોય તેટલે જ અંશે અને તેટલી જ કોટિએ ભાવકનો અનુભવ સાધારણીભૂત અને સાક્ષાત્કૃત બનશે...’૧[6] પ્રો. એબરકોમ્બી પણ કહે છે : સર્જકે અનુભવને માત્ર અનુભવરૂપે નિરપેક્ષભાવે લીધો હશે તો જ શુદ્ધ કલાકૃતિનું નિર્માણ થશે. વર્ડ્ઝવર્થ કવિતાને ‘emotion recollected in tranquility’ કહેલી, જેમાં સર્જકે તટસ્થભાવે ઊર્મિને આસ્વાદવાની છે તેવું સૂચન રહેલું છે. રસસૃષ્ટિના સર્જનની ડી જવાબદારી લેખકપક્ષે પણ છે. આમ, અલૌકિકભાવે જગતના અનુભવોનો સાક્ષાત્કાર કરતો કવિ શબ્દશક્તિ દ્વારા એ અનુભવને એના એ રૂપે ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, અને જો ભાવકની લૌકિક અહંમૂલક મર્યાદાઓ આડે ન આવે તો એ ત્યાં સુધી પહોંચે પણ છે. એટલે કે સંપૂર્ણ રસાસ્વાદ શક્ય બને છે, સર્જક, શબ્દ અને ભાવક એ ત્રણેના સહકારથી.


  1. ૧. ‘સોળમું ગુ. સા. પ. સં. અહેવાલ તથા નિબંધસંગ્રહ : પૃ.૧૪૭
  2. ૨. ‘પરિશીલન’ પૃ.૫૨
  3. ૩. એજન : પૃ.૩૩
  4. ૪. એજન : પૃ.૪૪
  5. ૫. ‘આકલન’ : પૃ.૧૧૦ પરની પાદટીપ.
  6. ૧. ‘કાવ્યવિવેચન’ : પૃ.૧૪