ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ

From Ekatra Wiki
Revision as of 02:35, 9 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જયેન્દ્રરાય ભગવાનલાલ દૂરકાળ

જ્ઞાતિએ તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ ખેડા જીલ્લામાં ઠાસરા ગામે તા. ૧લી સપ્ટેમ્બર ૧૮૮૧ના રોજ થયો હતો. એમનું વતન સ્થાન અમદાવાદ છે. શરૂઆતનો પ્રાથમિક અભ્યાસ કાઠિયાવાડમાં ગોંડળમાં કરેલો; પછીથી માધ્યમિક કેળવણી વડોદરા હાઇસ્કુલમાં લીધેલી; અને ઉંચી કેળવણી વચમાં એક વર્ષ બહાઉદ્દીન કૉલેજ સિવાય ગુજરાત કૉલેજમાં; જ્યાંથી સન ૧૯૦૬માં બી. એ;ની પરીક્ષા પાસ કરેલી. સન ૧૯૧૦માં એમ. એ; થયેલા; અને સને ૧૯૦૮ના વર્ષમાં નારાયણ પરમાનંદ યુનિવરર્સિટી નિબંધ ઇનામ મેળવેલું.

આમ અભ્યાસ પૂરો થતાં, કલકત્તામાં ગુજરાતીઓની અઁગ્લો વર્નાક્યુલર હાઈસ્કુલના હેડમાસ્તર તરીકે નિમાયલા. અહિ પણ એમની સાહિત્ય પ્રવૃત્તિ ચાલુ હતી. The Review–ધી રિવ્યુ–નામનું એક ઇંગ્રેજી માસિક સન ૧૯૧૨માં ઇંગ્રેજી રિવ્યુ ઑફ રિવ્યુઝ–Review of Reviews–ની ઢબે કાઢેલું. બી. એ. થયા પછી તેમનાં ઈંગ્રેજી લખાણો પણ બોમ્બે ગેઝીટ અને ટાઇમ્સ ઑફ ઇંડિયામાં અવારનવાર આવતાં. સન ૧૯૧૫માં એમનાં માતુશ્રી ગં. સ્વ. જસબા, જેઓ બહુ સંસ્કારી અને ધર્મનિષ્ઠ બાઈ છે, જેમનો વેદાંતનો અભ્યાસ અને વકતૃત્ત્વ ઉંચી શ્રેણીનાં છે, એમનાં કાવ્યોનો સંગ્રહ “હરિરસ ગીત” નામથી ઊપોદ્ઘાત સહિત એમણે પ્રસિદ્ધ કર્યો હતો. કલકત્તાથી તેઓને અમદાવાદ સન ૧૯૧૬માં પાછા આવવાનું થયું, અહિં તેઓ ધાર્મિક પ્રવૃત્તિમાં ગુંથાયા. પણ સન ૧૯૨૦માં મગનલાલ ઠાકોરદાસ આર્ટસ કૉલેજ સુરતમાં ગુજરાતી અને ઇંગ્રેજીના અધ્યાપકની જગોપર નિમાતાં તેઓ હાલ ત્યાજ છે; અને સુરતની સાહિત્ય અને ધર્મવિષયક પ્રવૃત્તિમાં સારો ભાગ લે છે. સન ૧૯૨૭માં એમના છુટક લેખોનો સંગ્રહ “થોડાંક છુટાં ફૂલ” નામથી પ્રકટ થયલો અને એ ફુલોની ફોરમ આલ્હાદક નિવડેલી. તે પછી સત ૧૯૨૮માં “ઝરણું–ટાઢાં અને ઊન્હાં” એ નામનો એમની કવિતાઓનો સંગ્રહ બહાર પડ્યો, અને હમણાં સન ૧૯૨૯માં “પોયણાં” નામનું જૂદા જૂદા વિષયોનું રમુજી અને હળવી શૈલીમાં, છતાં ગંભીર અને તાત્ત્વિક વિચારો રમતિયાળ તથાપિ મામિક રીતે ચર્ચાતા નિબંધોનું પુસ્તક છપાયું છે.

તેમને બનારસના ભારત ધર્મ મહામંડળ તરફથી ‘ધર્મ વિનેાદ’ની અને જગન્નાથ પુરીના શ્રી શંકરાચાર્ય તરફથી ‘વિદ્યાવારિધિ’ની પદવી મળેલી છે.

આ સિવાય વખતોવખત ગુજરાતી તેમજ ઇંગ્રેજીમાં લેખો તેઓ લખતા રહે છે. સાહિત્ય, કેળવણી અને ધર્મના વિષયોમાં તેઓ પ્રવૃત્ત રહે છે; અને જીવનનું સમગ્ર દર્શન એ એમના અધ્યયનનો પ્રિય વિષય છે.

એમના ગ્રંથોની યાદી:

૧ થોડાંક છુટાં ફૂલ. ઇ. સ. ૧૯૨૭
૨ ઝરણ ટાઢાં ને ઊન્હાં. ઇ. સ. ૧૯૨૮
૩ ધર્મની ભૂમિકા. ઇ. સ. ૧૯૨૮
૪ Indian Education. ઇ. સ. ૧૯૨૮
૫ પોયણાં. ઇ. સ. ૧૯૨૯