zoom in zoom out toggle zoom 

< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું

ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા

From Ekatra Wiki
Revision as of 02:17, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા ઉર્ફે કુસુમાકર

જાતે તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના માતાનું નામ મહાકુંવર; વતન ગોંડલ અને જન્મ જામનગર–મોસાળમાં તા. ૮મી જાન્યુઆરી ૧૮૯૨ના રોજ થયો હતો. ગોંડલમાં સંગ્રામજી હાઇસ્કુલમાં શ્રીયુત ‘લલિત’ના સંસર્ગમાં આવ્યાથી, એમની કવિતા પ્રતિની રુચિ અને મમતા વિકસેલાં; એવીજ રીતે રાજકોટમાં ઑલ્ફ્રેડ હાઇસ્કુલમાં શ્રીયુત કૌશિકરામ વિ. મહેતા તરફથી પણ એમને પ્રોત્સાહન મળેલું. વળી એમના વડિલ બંધુ રા. વૈકુંઠપ્રસાદે પણ એ જાગૃત થયલા સંસ્કારોને પોષીને વિશેષ ઉત્તેજન આપ્યું હતું.

એમણે સન ૧૯૧૪માં બી. એ.,ની પરીક્ષા ઑનર્સ સાથે પુનાની ફરગ્યુસન કૉલેજમાંથી ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન લઈ, પાસ કરેલી અને સન ૧૯૨૦માં એસ. ટી. સી. ડી;ની કેળવણી ખાતા તરફથી લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયલા. ફરગ્યુસન કૉલેજમાં પ્રો. ભાટેએ પણ એમના પર વિશેષ અસર કરેલી; ત્યારથી પ્લેટોની ફિલસુફી માટે પક્ષપાત બંધાયલો; અને એ અરસામાં સ્વર્ગસ્થ રણજીતરામના પરિચયમાં આવતાં, તેમણે એમને સાહિત્ય પ્રતિ ખેંચેલા, એટલુંજ નહિ પણ એમના જીવનપર ઉંડી છાપ પાડી હતી. આવી અનેકવિધ અસરોના કારણે, શાળા તથા કૉલેજમાં બીજી ભાષા ફ્રેન્ચ છતાં એમણે ઉપનિષદ્ સુધી સંસ્કૃત ગ્રંથના મહાસાગરમાં ઝંપલાવ્યું છે.

અત્યારે તેઓ સુરત મિડલ સ્કુલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયો કવિતા અને ફિલસુફી છે. જર્મન કવિ ગેટેના Sorrows of werther પરથી “અરવિન્દના આંસુ” એ નામનું એક પુસ્તક તૈયાર કર્યું છે, જે હજી અપ્રકટ છે; તેમજ એમના ગદ્ય લેખોનો એક સંગ્રહ થવા જાય છે, જે તેઓ ‘સ્મૃતિ મન્દિર’ એ નામથી પ્રકટ કરવાની અભિલાષા રાખે છે. એમનો કાવ્ય સંગ્રહ “ફુલ–હિન્ડોળ” નામે તુર્તમાં પ્રકટ થવા સંભવ છે. સન ૧૯૧૫થી લેખન વ્યવસાય શરૂ થાય છે; અને અવારનવાર જૂદાં જૂદાં માસિકોમાં એમના કાવ્યો, લેખો વગેરે આવે છે.

સાકરલાલ અમૃતલાલ દવે.

જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ; વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ અંગેની ગર્લ્ઝ હાઇસ્કૂલ અમદાવાદમાં શિક્ષક છે.

પુનાની ડેકન કૉલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઇંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એેવો, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટૉયના ‘The Christian Teaching’ પુસ્તકનો અનુવાદ ‘જીવનસિદ્ધિ’ એ નામથી છપાવ્યો છે.

સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે.



એમના ગ્રંથોની યાદી:

અનુવાદ મૂળ ગ્રંથ પ્રકાશનની સાલ
અનંગભસ્મ Prof. Bain's “The Ashes of a God” સને ૧૯૧૬
નીલનેની “A Draught of the Blue.” ” ૧૯૧૭
જીવનસિદ્ધિ Tolstoy's “The Christian Teaching” ” ૧૯૨૯