< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું
ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરા
જાતે તેઓ વડનગરા નાગર ગૃહસ્થ છે. એમના માતાનું નામ મહાકુંવર; વતન ગોંડલ અને જન્મ જામનગર–મોસાળમાં તા. ૮મી જાન્યુઆરી ૧૮૯૨ના રોજ થયો હતો. ગોંડલમાં સંગ્રામજી હાઇસ્કુલમાં શ્રીયુત ‘લલિત’ના સંસર્ગમાં આવ્યાથી, એમની કવિતા પ્રતિની રુચિ અને મમતા વિકસેલાં; એવીજ રીતે રાજકોટમાં ઑલ્ફ્રેડ હાઇસ્કુલમાં શ્રીયુત કૌશિકરામ વિ. મહેતા તરફથી પણ એમને પ્રોત્સાહન મળેલું. વળી એમના વડિલ બંધુ રા. વૈકુંઠપ્રસાદે પણ એ જાગૃત થયલા સંસ્કારોને પોષીને વિશેષ ઉત્તેજન આપ્યું હતું.
એમણે સન ૧૯૧૪માં બી. એ.,ની પરીક્ષા ઑનર્સ સાથે પુનાની ફરગ્યુસન કૉલેજમાંથી ઐચ્છિક વિષય તત્ત્વજ્ઞાન લઈ, પાસ કરેલી અને સન ૧૯૨૦માં એસ. ટી. સી. ડી;ની કેળવણી ખાતા તરફથી લેવાતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયલા. ફરગ્યુસન કૉલેજમાં પ્રો. ભાટેએ પણ એમના પર વિશેષ અસર કરેલી; ત્યારથી પ્લેટોની ફિલસુફી માટે પક્ષપાત બંધાયલો; અને એ અરસામાં સ્વર્ગસ્થ રણજીતરામના પરિચયમાં આવતાં, તેમણે એમને સાહિત્ય પ્રતિ ખેંચેલા, એટલુંજ નહિ પણ એમના જીવનપર ઉંડી છાપ પાડી હતી. આવી અનેકવિધ અસરોના કારણે, શાળા તથા કૉલેજમાં બીજી ભાષા ફ્રેન્ચ છતાં એમણે ઉપનિષદ્ સુધી સંસ્કૃત ગ્રંથના મહાસાગરમાં ઝંપલાવ્યું છે.
અત્યારે તેઓ સુરત મિડલ સ્કુલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયો કવિતા અને ફિલસુફી છે. જર્મન કવિ ગેટેના Sorrows of werther પરથી “અરવિન્દના આંસુ” એ નામનું એક પુસ્તક તૈયાર કર્યું છે, જે હજી અપ્રકટ છે; તેમજ એમના ગદ્ય લેખોનો એક સંગ્રહ થવા જાય છે, જે તેઓ ‘સ્મૃતિ મન્દિર’ એ નામથી પ્રકટ કરવાની અભિલાષા રાખે છે. એમનો કાવ્ય સંગ્રહ “ફુલ–હિન્ડોળ” નામે તુર્તમાં પ્રકટ થવા સંભવ છે. સન ૧૯૧૫થી લેખન વ્યવસાય શરૂ થાય છે; અને અવારનવાર જૂદાં જૂદાં માસિકોમાં એમના કાવ્યો, લેખો વગેરે આવે છે.