ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/રા. બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા

From Ekatra Wiki
Revision as of 02:45, 11 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રા. બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા

—સાહિત્ય માર્તંડ—

તેઓ ઉમરેઠના વતની; પણ નિવાસસ્થાન વડોદરા લાંબા સમયથી. જાતે વીસા ખડાયતા વણિક અને જન્મ દિવસ ઇ. સ. ૧૮૪૯, સંવત ૧૯૦૦, અષાડ વદ પાંચમ. તેમની માતાનું નામ જમુનાબાઈ હતું.

નાની વયમાં ગુજરાતીનું ઉંચું જ્ઞાન મેળવી તેમજ ગણિત, ભૂમિતિ, બીજગણિત અને ત્રિકોણમિતિનો સારો અભ્યાસ કરી અમદાવાદ ટ્રેનિંગ કૉલેજમાં દાખલ થયલા. તે વખતે ટ્રેનિંગ કૉલેજને વર્નાક્યુલર કોલેજ કરવાથી તેમને ઉંચા પ્રકારનું જ્ઞાન દેશી ભાષા મારફત મેળવાને સારી તક મળી હતી. તે સાથે તેમણે સંસ્કૃત, મરાઠી, ઉર્દૂ અને ઇંગ્રેજીનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. શરૂઆતમાં તેઓ પ્રેકિટસિંગ સ્કુલમાં જોડાયેલા પણ રા. સા. મહીપતરામભાઈની સલાહ અને સૂચનાથી ઇંગ્રેજીનો વધુ અભ્યાસ કરી મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેથી એમનો ભાગ્યોદય જલદી થયો. રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલનો હોદ્દો મળ્યો અને તે પછી સર માધવરાવે તેમની સેવાની માંગણી કરતાં સન ૧૮૭૫–૭૬માં તેઓ વડોદરા રાજ્યના કેળવણી ખાતામાં જોડાયા અને લાંબી મુદત સુધી તે રાજ્યની એકનિષ્ઠાથી અને વફાદારીથી ચાકરી કરી.

ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી માસિકોમાં લખાણ કરવાનો શોખ લાગેલો જે અદ્યાપિપર્યંત ચાલુ છે. સન ૧૮૬૪માં ‘પાણીપત’ નામનું વીર રસથી છલકાતું કાવ્ય બહાર પાડ્યું હતું, જે ખૂબ પંકાયેલું. તે પછી શાળોપયોગી પુસ્તકો એમના મિત્ર સ્વ. લાલશંકર સાથે લખ્યાં, જેવાં કે, “ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવું અંકગણિત, લેખ પદ્ધતિ, નામાની પદ્ધતિ. રાજકોટમાં હતા તે વખતથી સ્વદેશી માટે ખરો પ્રેમ લાગેલો; ત્યાં એક પ્રદર્શન ઉભું કરેલું અને તદર્થ ‘દેશી કારીગરીને ઉત્તેજન’ એ નામનાં બે પુસ્તકો પણ રચ્યાં હતાં.

શાસ્ત્રી નાથાશંકર પુંજાશંકરને મદદમાં લઈ પ્રાચીન કાવ્યના છુટક ગ્રંથોને પછીથી ત્રિમાસિકની યોજના શરૂ કરેલી, જે પાછળથી વડોદરા રાજ્ય તરફથી પ્રકટ થયલી પ્રાચીન કાવ્યમાળામાં પરિણમી.

કાવ્યો એડિટ કરી પ્રસિદ્ધ કરવા ઉપરાંત એમણે કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા, ભૂતળવિદ્યા, મહીસુરની મુસાફરી, સંસાર સુધારો, સ્ત્રીજાતિનાં કર્ત્તવ્ય તેમજ વાર્તાનાં પુસ્તકો, અંધેરી નગરીનો ગર્ધવસેન, બે બ્હેનો અને રાણી રૂપસુંદરી એ પુસ્તકો લખેલાં છે.

વળી તેમણે વડોદરા રાજ્યમાં મિલિટરી સેક્રેટરી તરીકે પણ કેટલોક સમય કામ કર્યું હતું.

સન ૧૯૦૩માં એમના કાર્યની કદર બુજીને સરકારે એમને રાવ બહાદુરનો ઈલ્કાબ આપ્યો હતો. સન ૧૯૦૫માં તેઓ લુણાવાડાના દિવાન નિમાયા હતા.

પરંતુ દેશ અને સ્વદેશી માટે પ્રથમથી પ્રેમ એટલે ઉદ્યોગ તરફ પણ એમનું લક્ષ રહેતું; અને એ વૃત્તિના પરિણામે વડોદરામાં એમણે મીલ સ્થાપવાનું સાહસ ખેડેલું, તે ફતેહમંદ નિવડ્યું છે.

નિવૃત્ત થયા પછી પણ તેઓ શાન્ત બેસી રહ્યા નથી. કેવળપુરી કૃત કવિતા, વિશ્વની વિચિત્રતા, ગૃહ વિદ્યા વગેરે પુસ્તકો સવડે લખી પ્રસિદ્ધ કર્યા છે; અને એમની ટચુકડી સો વાતોના પાંચ ભાગ માટે બાળકવર્ગ એમને સદા આભારપૂર્વક યાદ કરશે.

સન ૧૯૨૦માં તેઓ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયલા અને થોડાજ વખત પર શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે એમની લાંબી અને યશસ્વી સાહિત્યસેવાની કદર કરી ‘સાહિત્ય માર્તંડ’ નામક સુવર્ણ ચંદ્રક પહેલવહેલો એમને અર્પ્યો છે.

વળી તેમની સખાવત પણ બહોળી અને સર્વદેશી છે. સાહિત્ય પરિષદને જેમ રૂ. ૧૦૦૦૦) આપ્યા તેમ પોતાના ઇષ્ટદેવના ભંડોળ ખાતે રૂ. ૩૦૦૦) ભેટ ધર્યા હતા; તેમજ જ્ઞાતિના તથા અન્ય કેળવણી મંડળોને સારી રકમ આપવાનું વિસર્યા નથી.

એમના મોટા પુત્ર મટુભાઈ મીલ એજન્ટ હોવા ઉપરાંત “સાહિત્ય” નામનું માસિક છેલ્લાં ૧૭ વર્ષથી ચલાવે છે, તેમાં વખતોવખત એમના લેખો આવતા રહે છે અને તેમાંનો પ્રાચીન કાવ્ય વિભાગનું તંત્ર તેમનાજ હાથમાં છે.

સારા કેળવણીકાર, સાહિત્ય સેવક, સુધારક અને દેશપ્રેમી અગ્રેસર તરીકે એમણે સારી પ્રતિષ્ઠા અને નામના મેળવ્યાં છે અને આજે ૮૬ વર્ષની ઉમ્મરે પણ એક યુવકને પાછો હઠાવે એવી નિયમિતતાથી ઉદ્યમ કરે છે.

એમના ગ્રંથોની યાદી:

નાત સુધારો
નીતિ અને લૌકિક ધર્મ
નીતિ ધર્મ
પાણીપત અથવા કુરુક્ષેત્ર.
દેશી કારીગરીને ઉત્તેજન ભાગ ૧
ભા. ૨
મહીસુરની મુસાફરી
ભૂતળ વિદ્યા (પાઠ્યપુસ્તક–વડોદરા તથા ઇંગ્રેજી રાજ્ય)
બે બહેનો
અંધેરી નગરીનો ગર્ધવસેન
સંસાર સુધારો
કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા ભા. ૧
ભા. ૨
લઘુ વ્યાકરણ
મોટું વ્યાકરણ
અંકગણિત ભા. ૧
અંકગણિત ભા. ૨
લેખ પદ્ધતિ
નામાની પદ્ધતિ
કન્યાવાચનમાળા (પાઠ્ય પુસ્તક ઇંગ્રેજી રાજ્ય) પુસ્તક ૧, ૨, ૩
બાળા જ્ઞાનમાળા પુ. ૧, ૨, ૩. (વડોદરા રાજ્ય પાઠ્ય પુસ્તક)
પ્રાચીન કાવ્યમાળા–૩૫ ભાગ
રાણી રૂપસુંદરી
સ્ત્રી જાતિનાં કર્તવ્ય
ઉદ્ધવ કૃત રામાયણ
ટચુકડી સો વાતો ૫ ભાગમાં
કેવળપુરી કૃત કવિતા
વિશ્વની વિચિત્રતા
ભાલણ કૃત દશ્મસ્કંધ
સામળશાનો મોટો વિવાહ
ગૃહવિદ્યા...વગેરે