< ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું
ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/હરભાઈ દુર્લભજી ત્રિવેદી
એઓ ભાવનગર પાસે આવેલા વરતેજના મૂળ વતની અને જ્ઞાતિએ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ છે. એમનો જન્મ સં. ૧૯૪૯ના કાર્તિક વદ ૭ના રોજ વરતેજમાં થયો હતો. એમના પિતાનું નામ દુર્લભજી રૂઘનાથજી ત્રિવેદી અને માતાનું નામ જીવકુંવર છે. એમણે ઘણોખરો અભ્યાસ ભાવનગરમાં જ કર્યો હતો. તેઓ સન ૧૯૧૬માં બી. એ. થયા હતા. બી. એ.,ની પરીક્ષામાં એમનો ઐચ્છિક વિષય સંસ્કૃત તથા અંગ્રેજી હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે દોઢેક વર્ષ સુધી મુંબઇમાં શિક્ષક તરીકે રહેલા. બાદ તેઓ દક્ષિણામૂર્તિ ભવનમાં આજીવન સભ્ય તરીકે જોડાયા છે અને અદ્યાપિ ત્યાંજ શિક્ષકનું કામ કરે છે. આજે તેઓ વિનય મંદિરના આચાર્ય તરીકે કામ કરે છે. કેળવણી અને પ્રયોગિક માનસશાસ્ત્ર એ એમના પ્રિય વિષયો છે અને જાતીય પ્રશ્નની ચર્ચામાં પણ તેઓ ઉંડા ઉતરેલા છે. એમનાજ પ્રયત્નથી દક્ષિણામૂર્તિ ભવન સહ શિક્ષણ coeducationનો અખતરો અજમાવી રહ્યું છે; અને તેમાં સફળતા મેળવી શક્યું છે, વિદ્યાર્થીઓના નિત્ય સહવાસમાં તેઓ વસે છે, એટલે વિદ્યાર્થી માનસનું એમનું જ્ઞાન પણ ઉંડું છે.
એમના ગ્રંથોની યાદી:
તથાગત ઈ. સ. ૧૯૨૪
વિદ્યાર્થીઓનું માનસ ” ૧૯૨૪
શરીર વિકાસ ” ”
જાતક કથાઓ ” ૧૯૨૮
નૃસિંહ સાર
ગુજરાતી કવિતા વર્ષ, ૧, ૨, ૩, ૪, ” ”
જાતીય વિકૃતિનાં મૂળ ” ”
ડોલ્ટન યોજના ” ૧૯૨૯
ભયનો ભેદ ” ”
ગ્રામ પુનર્ઘટના ” ”