નારીસંપદાઃ નાટક/સાવિત્રી

From Ekatra Wiki
Revision as of 01:51, 12 September 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
1
સાવિત્રી
પાત્રો

પુરુષ


અશ્વપતિ — ભદ્ર દેશનો રાજા
દ્યુમત્સેન — સાલ્વ દેશનો રાજા
સત્યવાન – દ્યુમત્સેનનો પુત્ર
મંડન — સત્યવાનનો મિત્ર
દેવર્ષિ નારદ
મહર્ષિ ગૌતમ

સ્ત્રી

અશ્વપતિની રાણી
દ્યુમત્સેનની રાણી
સાવિત્રી — અશ્વપતિની પુત્રી
માયા – સાવિત્રીની સખી
નિપુણિકા – સાવિત્રીની સખી
વૃદ્ધ તાપસી
તે ઉપરાંત અન્ય સખીઓ, પુરવાસીઓ, ઋષિબાળકો, સાલ્વ યોદ્ધાઓ વગેરે.

અંક પહેલો

પ્રસ્તાવના

[પડદો ઉઘડતાં નટી તથા સૂત્રધાર પ્રવેશ કરે છે.] (નટી મંગળાચરણ ગાય છે.) (‘જય જય ગરવી ગુજરાત’—નો રાગ)

જય જય જય ભારત માત (૨)
ઊગે ભાગ્ય પ્રભાત —જય.
સંતાનો તુજ શૂર બનીને સમરાંગણ ઘૂઘવશે,
કુરુક્ષેત્રનો ફરી રંગ મચાવી, ધર્મધ્વજ ઉડવશે;
પુણ્ય ભૂમિ સાક્ષાત્ —જય.
ધર્મધુરંધર વિખ્યાત
વળી કર્મવીરની માત
રામચંદ્ર ને બુદ્ધ સરીખા પ્રભુતાના અવતાર,
નરનારાયણે જન્મ લીધો જ્યાં, પરશુએ કીધ સંહાર;
કર્મભૂમિ સાક્ષાત્ —જય.
આદિ કવિની માત
ત્રિભુવનમાં પણ જ્ઞાત
કાલિદાસ ને ભવભૂતિ સમ શ્રી હર્ષ ને કવિ ભાસ,
કબીરે કંઈ ધૂન મચાવી તુલસી ને રામદાસ;
કાવ્યભૂમિ સાક્ષાત્ —જય.
વીર સતીનું શુભ ધામ
રાખ્યું ભારત તુજ નામ
દ્રુપદતનયા જનકનંદિની સાવિત્રી ઉમા માત,
ચિતોડસુંદરી પદ્મિની સમ વીરાંગના વિખ્યાત;
સ્વર્ગભૂમિ સાક્ષાત્ —જય.
એ સૌ પૂર્વનો પ્રભાવ
ગયો અંધકારની માંહ્ય
પૂર્વરંગ પુનઃ જામશે સત્વર જાગ ને માત,
કાળી રાત્રીનો પડદો ખોલી, આવે જો ઉષાનાથ;
ઊગે ભાગ્ય પ્રભાત્ —જય.

સૂત્રધાર : (પૂરું થતાં હસીને) કેમ, આપણા પૂર્વજોના દેવો ક્યાં ગયા કે આ નવીન પ્રકારથી આરંભ કરવાનો ? નટી : એ પૂર્વજોના દેવો આ જમાનામાં તો ખરે જ પથ્થરના બની ગયા છે. નથી એમનામાં ચેતન કે ચેતના જગાવે. આજે તો જ્યાં દેશદેશની ધૂન જાગી છે ત્યાં ‘શ્રી ગણેશાય નમ:'ને બદલે ‘શ્રી દેશાય નમઃ'થી શરૂ કરવાનું. સૂત્રધાર : દેવ પથ્થરના બન્યા તે તો પૂજારીનાં આચરણો જોઈ. નટી : વાંક તો જેનો હોય તેનો, પણ જે દેવના નામે અનેક લડાઈઓ જાગે, જે દેવના નામે ઊંચનીચના ભેદ રહે, જે દેવના નામે નાતિજાતિના ભેદ રહે, એ દેવો શા કામના ? ભારત દેશની વેદી પર તો આ સઘળા ભેદભાવોની આહુતિ અપાશે, પછી કોઈ બ્રાહ્મણ નહિ ને કોઈ અબ્રાહ્મણ નહિ; કોઈ હિંદુ નહિ ને કોઈ મુસલમાન નહિ — બધાં જ એક દેશનાં સંતાન. ભારતનાં સંતાનો ! સુણજો મમ હૃદયની સત્ય વાણી, દેશને દેવ કરશો, થશે ભેદભાવ તો સર્વ નષ્ટ. સૂત્રધાર : આ ઉમદા વિચારોને માટે તો ધન્યવાદ. ત્યારે તો આજે શ્રોતાવર્ગને માટે પણ કોઈ નવો જ નાટ્યપ્રયોગ બતાવવાનો હશે. નટી : (હસીને) ના, ના. નાટક તો સતી સાવિત્રીનું યોજવા ધાર્યું છે. સૂત્રધાર : વાહ ! એ પુરાણની કથા ક્યાંથી કહાડી ? આજના લોકોને તો કંઈ નવા વિચારોથી ભરપૂર નવી ઢબનું નાટક જોઈએ. દાસો બન્યા નૂતન કાળના સૌ, નિન્દા કરે પ્રાચીન ભાવનાની. નટી : એમ તો આપણા કાલિદાસ ને ભવભૂતિ જેવા કવીશ્વરોએ પણ જૂની વાત પર નાટકો રચ્યાં હતાં. વાસ્તવિક રીતે તો કંઈ નવું છે જ નહિ. ગીતામાં કહ્યું છે તેમાં वासांसि जीर्णानि यथा विहाय — આત્મા જેમ અવનવાં શરીરો ધારણ કરે છે તેમ વિચારો પણ નવે નવે રૂપે અવતરે છે. બાકી હમણાંના કેટલાએક કહેવાતા નવા વિચારો તો પાશ્ચાત્યની કચરાપટ્ટીમાંથી અહીં ઊડી આવેલા. પ્રાશ્ચાત્યની સૌ નકલો કરે છે બુદ્ધિ વિનાનો અનુકાર એેવો. સૂત્રધાર : એ તો ઠીક, પણ આજના વિદ્વાન શ્રોતાઓ તો બહુ જ સૂક્ષ્મ દૃષ્ટિવાળા છે. બધું જ ઝીણવટથી તપાસશે. એમને પટાવવા સહેલા નથી. દરેક નાટકનું ધ્યેય હોવું જોઈએ. નાટકના ધ્યેયની ઉત્તમતા અને વિચારની નવીનતા પર નાટકની સફલતાનો આધાર છે. નટી : ધ્યેય તો મેં ઉત્તમ રાખ્યું છે. જે દેશમાં સાક્ષાત્ શક્તિરૂપ સાવિત્રીએ સત્યવાનને જીવિતદાન આપ્યું તે જ દેશની સ્ત્રીઓ એ શક્તિ પાછી મેળવી, એ જ વીરતા, એ જ ધૈર્ય અને એ જ અડગતા રાખી આ મૃતપ્રાય જેવા ભારત દેશને પુન: સજીવન કરે એ જ મારા નાટકનો હેતુ છે. સૂત્રધાર : એ હેતુ તો પ્રશંસાપાત્ર છે. સાક્ષાત્ સરસ્વતી એમાં સહાય કરે એવી મારી શુભેચ્છા છે. નટી : એ સાહિત્ય, સંગીત અને કલાની દેવીની સહાયતાની ખરે જ આવશ્યકતા રહેશે.

વાણી રૂપ બની પશુગણ થકી, જુદા કર્યા માનવો,
વીણાના મધુરા સૂરો જગ વિષે, રેડી ભર્યો તેં રસ;
તારા વાહન પિચ્છના ભભકથી, રંગે પૂર્યું વિશ્વને;
દેવી શારદ માત ધન્ય કરજો, મારી કૃતિ અલ્પને.

અંક ૧લો

સ્થળ : મહર્ષિ ગૌતમના તપોવનથી થોડે દૂર આવેલા જંગલમાં.

સમય : શરદનો, એટલે લીલી લીલી ભૂમિ; સઘન વૃક્ષોની ઘટા વચ્ચે નાનું જલાશય. સત્યવાન તથા મંડન આવે છે, લાકડાના ભારા નીચે મૂકી સરોવર તીરે બેસે છે.

સત્યવાન : (આસપાસ નિહાળી એક ઊંડો નિશ્વાસ નાખી) કેવી સુંદર સંધ્યા ! કેવી અનુપમ શાંતિ ! સલૂણી સંધ્યા જો, બહુ શરમથી લાલ દીસતી, કરે ડોકું અસ્તાચળ પરથી ભીરુ ભય થકી. વહે મંદમંદં મલયગિરિની શીત લહરી, છવાયું શાંતિનું અતિ સુખદ સામ્રાજ્ય અવની. કેવું મધુર જીવન ! સંસારના કલહોની અહીં ગંધ સરખી પણ નહિ ! મંડન : દેવ !

સંસાર તો માનવનો ઘડેલો
કંકાસી ને છે કડવાશ પૂરો,
આ સૃષ્ટિ તો છે પ્રભુની રચેલી
સૌંદર્ય ને શાન્તિ સદા ભરેલી.

સત્યવાન : ઋષિમુનિઓ સંસારનો ત્યાગ કરી પ્રકૃતિની પાર્શ્વમાં આવી વસે એ વાસ્તવિક જ છે. આ મૃગો પણ કેવા આનંદથી નચિંતપણે વિચરે છે ! મંડન : દેવ ! તમારા મોંમાં પાણી નથી છૂટતું ? સત્યવાન : (હસીને) જે મૃગયા ખેલે તેના મોંમાં પાણી છૂટે. મને તો થાય છે કે આવાં નિર્દોષ પ્રાણીને મારવામાં શું વીરતા હશે ? ક્ષત્રિયોને તો બળવાન સિંહ —વ્યાઘ્રાદિનો શિકાર શોભે.

હરિણ કૂદતું ફાળો દેતું ધરા ડગ ના અડે,
ભય નીરખતાં ક્યાંનું ક્યાં એ જતું પળ એકમાં;
ચપળ નયનો પાછું ભાળે, સદા કરુણા’ર્ચતાં,
ગરીબ મૃગલું કેમે મારે દયા ન શિકારીને.
[એક મૃગ પાસે બેઠેલું તેને હેતથી પંપાળે છે.]

મંડન : દેવ ! આશ્રમમાં રહી ઋષિઓના સંસર્ગમાં આવી આવું આવું બોલે છે. ક્ષત્રિયો હરણનો શિકાર કરે તે એની ચપળતા હરવા. હરણ અને નારી એ બે ચંચળ જાત છે. એનો શિકાર તો ક્ષત્રિયોએ ખેલવો જ જોઈએ ! સત્યવાન : (હસીને) એમાં જ ક્ષાત્ર સમાતું હોય તો મારે એ ના જોઈએ. હું રાજા હોઉં તો આવાં પ્રાણીને કદી મારું નહિ. પણ એ દિન ક્યાં ? મંડન : દેવ ! આટલા દિવસ રાહ જોઈ તો હવે થોડા વધારે. છેલ્લા સમાચાર તો બહુ આશાજનક હતા. શત્રુઓ આપને શોધી ન કહાડે એની જ ચિન્તા રાખવાની છે. સત્યવાન : આપણો વેશ તો સાંગોપાંગ ઊતર્યો છે. મહર્ષિ વિના બીજા કોઈને આપણે વિષે બહુ જ્ઞાન નથી. [એકાએક બધાં હરણો ભયથી આકુળ આમતેમ નાસતાં જણાય છે.] અરે, કોઈ અજાણ્યાં પગલાં આ તરફ આવતાં લાગે છે; નહિતર આ મૃગો આમ વ્યાકુળ ન થાય. મંડન : દેવ ! સાવધાન ! જુઓ, કોઈ સુંદરીસંઘ આવતો લાગે છે. સત્યવાન : ખરે જ, કોઈ વનદેવીઓ જેવી લાગે છે; અને વળી ધનુર્ધારિણીઓ છે. તેમાં સૌથી અગ્રેસર તો જો.

સખી જન થકી વીંટાએલી દીસે બહુ માનિની,
ઉડુગણ મહીં ચંદા જેવી સુધામય હાસિની;
ચપળ સઘળાં અંગો એનાં, યુવાતણી મોહિની,
લલિત લલના એવી કો છે મનોહર કામિની ?

મંડન : દેવ ! આપણે સંતાઈ જઈએ તો સારું. સ્ત્રીઓથી દૂર રહેવામાં જ લાભ છે. શંકરથી માંડી ભલભલાને એણે ભોળવ્યા છે. સત્યવાન : (હસીને) તને પણ સ્ત્રીઓનો ઠીક અનુભવ થયો લાગે છે ! હમણાં તો મને કહેતો હતો કે ક્ષત્રીએ નારીનો પણ શિકાર ખેલવો જોઈએ. મંડન : હા, પણ હમણાં તો તમે કઠિયારા છો. સત્યવાન : ખરે જ ભૂલ્યો. તારું કહેવું યથાર્થ છે. આપણે છુપાઈને જોઈએ કે કોણ છે. [બંને વનરાજિમાં સંતાય છે. સખીઓ સહ સાવિત્રી આવે છે.] સાવિત્રી : કેવો સુંદર વનપ્રદેશ ! કેવું મનોહર જલાશય ! ભૂલાં તો પડ્યાં છીએ. લગભગ અંધારું થવા આવ્યું છે. આગળ જવામાં અર્થ નથી. તો ચાલો, આપણે અહીં જ બેસી કોઈ અહીંથી આવતું—જતું હશે તેને રસ્તો પૂછીશું. [ઝાડીમાંથી સત્યવાન રસ્તો બતાવવાને ઉત્સુક બહાર નીકળવા જાય છે. તેને મંડન પકડી રાખે છે.] મંડન : દેવ ! આટલી ઉતાવળ શી ? એની વાતો તો સાંભળો, કોણ છે તે જાણીશું. અને જોજો ભૂલતા રખે કે તમે કઠિયારા છો. સત્યવાન : (હસીને) હવે યાદ રાખવું અઘરું પડશે ખરું. સાવિત્રી : અરે જો, આ કાષ્ઠના ભારા કોઈ મૂકી ગયું છે. જરૂર જેના હશે તે અહીં આવશે. [બધાં સરોવરતીરે નિરાંતે બેસે છે.] માયા : આ વન છે તો બહુ સુંદર, પણ જેમ ઘર પાસે આવે છે તેમ ત્યાં પહોંચવાનો ઉદ્રાવો વધે છે. હવે તો એક દિવસ પણ વધારે લંબાય તો મારો જીવ નીકળી જાય. સાવિત્રી : માતપિતાને મળવાની કોને ઉત્કંઠા ન હોય ? જેમ ઘર પાસે આવે છે તેમ મારી તો નિદ્રા જ જતી રહી છે.

વરસ એક પછી મળશું અમે,
વિવિધ ચિન્તન વ્યગ્ર કરે મન.
ક્યમ હશે મુજ માવડી ને પિતા,
નીરખવા તલસે મુજ ચક્ષુડાં

સત્યવાન : (સ્વગત) માતાપિતા કેવાં ભાગ્યશાળી ! માયા : બહેન, દૂર રહેવાથી સ્નેહીનો સ્નેહ સંભારી સંભારી આપણો સ્નેહ બમણો વધે. નિપુણિકા : પણ જે અર્થે તમને દેશાટન કરવા મોકલ્યાં તે હેતુ તો સફલ થયો નહિ. તેથી મહારાજ અને માતાજી બંનેને ખોટું લાગશે. સત્યવાન : (સ્વગત) શો હેતુ હશે ? સાવિત્રી : આ આર્યાવર્તમાં મારે માટે એક પણ જોડ નિર્માણ નહિ હોય. નિપુણિકા : બહેન, રાજાઓ ક્યાં ખોટા હતા ? આટલા બધાંમાંથી તમને એક પણ યોગ્ય ના લાગ્યો ? સાવિત્રી : રાજાઓ તો ખોટા નહિ હોય પણ મારા મનને ગમે એવું તો કોઈ જ ના જડ્યું. નિપુણિકા : મને તો લાગે છે કે તમને આટલું બધું વિદ્યાદાન આપવામાં પિતાજીએ મોટી ભૂલ કરી. સાવિત્રી : (હસીને) કેમ ? નિપુણિકા : તમને બધાંમાં કંઈ ને કંઈ ઊણપ લાગ્યા જ કરે છે. આમાં તો જોઈએ એટલું જ્ઞાન નથી; આમાં તો શૌર્ય નથી; આમાં તો આ નથી, ને આમાં તો તે નથી.

દીસે દોષો સૌમાં મન નવ તમારું ગુણ જુએ,
નથી આ તો જ્ઞાની, અપર વળી ગેહે બહુ શૂરો;
નહીં દાતા આ તો, કુરૂપ બહુ સંકોચ મતિનો,
ઘડ્યો દેવે કોને અતુલ ગુણવાળો તવ પતિ ?

સત્યવાન : (સ્વગત) ખરે, ઘડ્યો જ નહિ હોય ! સાવિત્રી : (દુ:ખિત સ્વરે) નિપુણિકે ! એ વાત પુનઃ સંભારી સંભારી શા માટે નિરર્થક દુઃખી કરે છે ? મારા ભાગ્યમાં જ કદાચ બ્રહ્મચર્ય લખ્યું હશે. નહિતર આટલા દેશો જોયા છતાં મારા આત્માએ કોઈને જ વરમાળ પહેરાવી નહિ ! એમાં ગુણ—દોષનો પ્રશ્ન જ ક્યાં છે ? આપણે પોતે જ અપૂર્ણ હોઈએ ત્યાં સંપૂર્ણતાનો આગ્રહ કેમ રખાય ? આત્મા સહચર્ય શોધે છે. સમાન ભાવનાવાળો જીવનસાથી જડતાં બીજા ગુણદોષ જોવાના રહેતા જ નથી.

નલિની સવિતા જ્યમ મિત્ર બન્યાં, વળી ચંદ્ર ચકોર થયાં પ્રણયી, નવ દોષ ગણે ન ગણે ગુણને, મમ આત્મન એ સહચાર ચહે.

માયા : (વાત ફેરવી નાખી) આ અંધારું તો વધતું જ ચાલ્યું ને હજી કોઈ ના આવ્યું. મંડન : (સત્યવાન બહાર નીકળવા જાય છે તેને અટકાવી) દેવ ! હજી ઊભા રહો, તપોવન ક્યાં બહુ દૂર છે ? વળી ચાંદરણી રાત છે, જરા મજા તો જોવા દો. ઘણે વખતે આ સૌંદર્યરાશિ જોવાનો લહાવો પ્રાપ્ત થયો છે. સત્યવાન : વાહ ! આપણે એ લોકોની ચેષ્ટા જોઈએ ને એ લોકો મનમાં ગભરાયા કરે ! મંડન : ધનુષ્યબાણ ધારણ કરે તેને ગભરાટ કેવો ? રાજકુમારીના મોં પર તો બીકનું નામનિશાને નથી. સાવિત્રી : ચાલો, બધાં મળી કંઈ ગાઈએ. ગીતનો અવાજ સાંભળી જરૂર કોઈ આવશે. [જુદાં જુદાં જૂથમાં વારાફરતી ગાય છે.] (બે—ચાર સખીઓ ગાય છે.)

અહો શોભા શી આ સુખદ રમણીયા શરદની !
ધરે લીલાં વસ્ત્રો નવલ ધરતી શું હરખથી;
કરી વર્ષાસ્નાનો વસન વિમલાં વ્યોમ ધરતું,
ખરે ભાસે સારું જગત સુખદાયી શરદનું.

(અન્ય સખીઓ)

નમ્યાં વૃક્ષો કેવાં સભર નિજ ભારે પરણના
કૂજે કુંજે કુંજે કલકલિત પંખી સુમધુરાં;
નદી ને નાળાં સૌ બહુ જલભર્યાં થાય ગરવાં,
વહે સ્રોતો મીઠા રસિક જનના રમ્ય રસના.

(અન્ય સખીઓ)

વર્ષાજલે વિમલ સૂર્યકરો થયાં છે,
તારાગણો ચમકતા સુવિશુદ્ધ તેજે;
ચંદા હસે મધુર હાસ્ય સુધા ઝરંતાં
ઉલ્લાસથી વદન સૃષ્ટિતણું સુદીપ્ત.

(બધાં સાથે)

ગયો અંધાર વર્ષાનો, નિર્મલા થાય સૃષ્ટિ ને;
દેતી આનંદ આનંદ, શારદી સર્વ લોકને.

[ગાયન પૂરું થતાં સત્યવાન બહાર નીકળે છે. પાછળ મંડન.] સાવિત્રી : (પાંદડાંનો ખડખડાટ સાંભળી) જો, આપણી યુક્તિ સફળ થઈ. કોઈ પાછળ આવતું હોય એમ લાગે છે. (પાછળ જોઈ ચમકી) કોઈ દેવપુરુષ જેવો લાગે છે. માયા : ખરે જ કોઈ મહાપુરુષ લાગે છે. સાવિત્રી : (સાવધ થઈ) નિપુણિકે ! તું વ્યવહારકુશળ છે. પાસે આવે એટલે રસ્તો પૂછજે. [સત્યવાન ને પાછળ મંડન, આગળ આવે છે.] નિપુણિકા : (હાથ જોડી) મહાનુભાવ ! [મંડન પાછળથી સત્યવાનને કોણી મારે છે.] સત્યવાન : (જરા હસી) ભવતિ ! હું તો ગરીબ કઠિયારો છું. સાવિત્રી : (ન માનતી હોય તેમ થોડી વાર એની સામે જોઈ) ત્યારે તો આ ભારા પણ તમારા જ હશે. મંડન: દેવી ! એ લેવા તો અમે અહીં આવ્યા છીએ. નિપુણિકા : ભાઈ ! અમે રસ્તો ભૂલ્યાં છીએં. ગૌતમ ઋષિના આશ્રમની ઉત્તરમાં અમારો પડાવ છે. સત્યવાન : ઋષિનો આશ્રમ તો અહીંથી દૂર નથી. ચાલો હું આપની સાથે પડાવ લગી આવું. અંધકારમાં એકલા જવું સુરક્ષિત નથી. સાવિત્રી : આશ્રમ પાસે હોય તો તો સાથે આવવાની જરૂર નથી. રસ્તો બતાવશો એટલે બસ. અમે શસ્ત્રસજ્જિત છીએ એટલે એક કઠિયારાને અમારી વહારે ધાવું નહિ પડે ! સત્યવાન : (સાથે જવાની ઉત્કંઠાથી) રસ્તો જરા અટપટો છે. કદાચ ફરીને ભૂલાં પડાય માટે આપને ઋષિના આશ્રમ લગી મૂકી આવીશ. (મંડનને) તું આ ભારા સંભાળજે. [સત્યવાન તથા સ્ત્રીમંડળ જાય છે.] મંડન : અરે ભગવાન ! આમાં કંઈ નવાજૂની થવાની. રાજકુમારીએ ચોખ્ખી ના કહ્યા છતાં આ શી સાથે જવાની હઠ ! રસ્તો જરાય અટપટો નથી. (આમ તેમ ફરે છે.) રાજકુમારી દીસે છે તે સર્વ રીતે યોગ્ય. પણ હમણાં તો એવી કોઈ પણ ખટપટથી દેવ દૂર રહે તો સારું. અરે પુષ્પધન્વા ! જો કવખતે મારા ભોળા દેવને ઘાયલ કર્યા છે તો મારા બ્રહ્મતેજથી તને ભસ્મી.... સુભાગી કે તું અનંગ છે ! નહિતર અત્યાર લગણમાં કેટલાએ તને બાળ્યો હોત ! [થોડી વાર ફર્યા પછી] હજી દેવ આવ્યા નહિ. સીધા રાજકુમારીના પડાવ લગી ગયા હોય એમ લાગે છે. વૃદ્ધ માતાપિતા કાગને ડોળે રાહ જેતાં હશે. આજ લગણ તો જરા પણ મોડું થયે વહેલા વહેલા ઘર તરફ દોડતા ! [થોડી વાર વળી ફરે છે ત્યાં સત્યવાન અનેરા આનંદથી પગલાં ભરતો આવે છે.]

સત્યવાન : ક્ષમા કરજે મિત્ર ! તને અંધારામાં એકલો બેસાડી રાખ્યો. બીક તો નહોતી લાગી ને ? મંડન : ખરે જ, શસ્ત્રધારિણીઓની રક્ષા કરવા ગયા તેને બદલે મારા જેવા અશસ્ત્ર બ્રાહ્મણની રક્ષા કરવા રહ્યા હોત તો વધારે શોભતે. સત્યવાન : રાજકુમારીના આગ્રહથી મારે છેક પડાવ લગી જવું પડ્યું. મંડન : ખરેખર ! અહીંથી તો સાથે જવાનો બહુ આગ્રહ કર્યો નહોતો. પણ દેવ ! વાતમાં ને વાતમાં તમારાં ખરાં નામઠામ તો નથી આપી દીધાં ને ? મહાપુરુષોને હરાવવા દેવો પણ સ્ત્રીનો ઉપયોગ કરતા. તમારા દુશ્મનો પણ એ જ ઉપાય અજમાવે તો તેમાં આશ્ચર્ય નહિ. સત્યવાન : (હસીને) તને તો એના જ ભણકારા વાગે છે. ખરું પૂછે તો અમે રસ્તા પર કંઈ વાત જ નથી કરી. મંડન : વાત જ નથી કરી ? તમે તો કહો છો કે રાજકુમારીએ તમને પડાવ લગી જવાનો આગ્રહ કર્યો. સત્યવાન : (હસીને) એમાં તું શું સમજે ? પ્રેમ અવાક્ છે. એ તો નેત્રપલ્લવીથી વાતો કરે ! મંડન : પ્રેમ ! પ્રથમ દર્શને પ્રેમ ! આ તો સાંભળીએ છીએ ને વાંચીએ છીએ તે ખરું છે. અરે પુષ્પધન્વા ! તું આંધળો કહેવાય છે છતાં મારા જેવા પર તારાં બાણો ભાગ્યે જ પડતાં હશે ! સત્યવાન : (હસીને) તારા રસશૂન્ય એટલે કાષ્ઠવત્ હૃદય પર કુસુમશરો વાગે તોયે જણાય નહિ ! મંડન : ત્યારે શું રાજકુમારી પણ એક કઠિયારા સાથે પ્રેમમાં પડ્યાં છે ? સત્યવાન : ભલા માણસ, જ્યાં અંતરનાં દ્વાર ઊઘડે ત્યાં બાહ્ય સ્વરૂપનો કોણ વિચાર કરવા બેસે છે. મંડન : અરે રામ ! લોકો પ્રેમમાં કેમ પડતા હશે તે જોવાની મને બહુ ઇચ્છા હતી. પુસ્તકોમાં વાંચીએ છીએ કે સ્ત્રી લજ્જાવશ બની પૃથ્વી ખણવા માંડે કે પછી પગમાં કાંટો વગાડી, કે પાલવને ઝાંખરામાં ભેરવી, પ્રણયીને જોવાને માટે કંઈ ને કંઈ બહાનાં કહાડે. મને સાથે લઈ ગયા હોત તો આ બધું જોવાનું મળતે. સત્યવાન : ના, ના, ઊલટો તું નિરાશ થતે, કેમ કે,

ન ખોટી લજ્જાએ અવનત મુખી એહ લલના,
જરા આછું આછું સ્મિત મલકતું દિવ્ય અધરે;
વિરાજે પ્રજ્ઞાના લસલસિત તેજો નયનમાં,
૫ઢી લેતાં જાણે મમ હૃદયનાં ગુપ્ત કથનો.

[આઘેથી ‘સત્યવાન ! સત્યવાન !' સાદ સંભળાય છે.] સત્યવાન : (કાન દઈ) અરે, આ તો પિતાજીનો સાદ ! આટલું મોડું થયું હશે એ તો જાણ્યું જ નહિ. બિચારાને શોધવા નીકળવું પડ્યું. ચાલ, જલદી આપણે સામે જઈએ. [જાય છે.]


અંક બીજો

પ્રવેશ પહેલો

સ્થળ : રાજમાર્ગ (મદ્ર રાજધાનીનો)વેશ પહેલો

પહેલો પુરવાસી : અરે સાંભળ્યું કે ? કહે છે કે રાજકુમારી સાવિત્રી એક કઠિયારા સાથે લગ્ન કરવા ઇચ્છે છે. એક વૃદ્ધ પુરવાસી : અરે બાપુ, કળજુગ આવ્યો ત્યાં માણસોની મતિયે વિપરીત થાય. એક જુવાન : કળજુગમાં તો બુઢ્ઢાઓ બાળકીને પરણશે. કાકા, કળજુગ આવ્યો તો તમે શરૂઆત કરો ને. વૃદ્ધ પુરવાસી : (મારવા હાથ ઉગામી) વડીલોની મશ્કરી કરવી એ કળજુગ નહિ તો બીજું શું ? પહેલો પુરવાસી : અરે, તમારી મશ્કરી જવા દો ને. આ વાત જો ખરી હોય તો એકલા રાજકુટુંબને તો શું પણ આખા રાજ્યને માટે દુઃખી થવા જેવું છે. એક બ્રાહ્મણ : અરે હા રે, પ્રજાથી લગ્નનો લહાવો નહિ લેવાય. આપણે તો જાણતા હતા કે રાજકુંવરીના લગ્નમાં કેવો ઉત્સવ માણીશું; દરરોજ ભાતભાતનું ખાવાનું મળશે ! એક વણિક : અને વળી ભેટો મળશે તે જુદી ! બીજો પુરવાસી : એક રડે અન્નને, બીજો રડે ધનને. અલ્યા ખાઉધરા, તારા પખાલ જેવા પેટમાં દશ લાડુ ઓછા પડ્યા તેથી પેટ નાનું નહિ થઈ જાય. અને અલ્યા સ્વાર્થી, તારી સદાની બંધ કોથળીમાં થોડા પૈસા ઓછા પડ્યા તેથી કોઈને ગેરલાભ નથી. બ્રાહ્મણ અને વણિક : એ તો અમારી જગ્યાએ તમે હો તો અમારી લાગણીની ખબર પડે. જુવાન : ખરી વાત. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ? લાડુ તો બ્રાહ્મણ જ ખાઈ જાણે. લાડુ શબ્દ સુણી થાએ, બ્રાહ્મણોની પડાપડ; વણિકો દ્રવ્યને દેખી, દોડાદોડી ઘણી કરે. પહેલો પુરવાસી : સીધી વાત કરવા જાઉં છું ત્યાં કંઈ ને કંઈ આડું જ નીકળે છે. અરે ભાઈઓ ! સાંભળો. આવાં ક્ષુલ્લક કારણોનો વિચાર સરખેાયે નહોતો આવ્યો. રાજ્યને બીજી રીતે બહુ મોટો ગેરલાભ છે. બધાં : હેં શું ? પહેલો પુરવાસી : જુઓ ને, મહારાજે સંતાન—પ્રાપ્તિને માટે કેટકેટલાં વ્રત કર્યાં. આખરે બ્રહ્માપત્ની સાવિત્રીદેવીએ પ્રસન્ન થઈ પુત્ર કરતાંયે અધિક નીવડશે, એમ કહી પુત્રીરત્ન આપ્યું. મહારાજે પણ પુત્રને ન કરે એટલું લાલનપાલન કરી એને ઉછેરી. ગયે વર્ષે દેશપર્યટન કરવા મોકલ્યાં કે કુંવરી પોતાની મેળે કોઈ યોગ્ય વર શોધી લે. પુત્ર નહિ તો પૌત્ર રાજ્યગાદી પર આવે એવી મહારાજની ઇચ્છા આજે નષ્ટ થઈ બધાં : કેમ ? પહેલો પુરવાસી : અલ્યા, એટલુંયે નથી સમજતા કે રાજકુંવરી જો કઠિયારા જોડે પરણે તો એનો પુત્ર આ મહારાજ્યની ગાદી કેમ શોભાવી શકે ? બીજો પુરવાસી : ખરે જ, ત્યારે મહારાજ તો ઘેરા શોકસાગરમાં ડૂબ્યા હશે. પહેલો પુરવાસી : મહારાજને પોતાને તેમજ પ્રજાના ભવિષ્યનો વિચાર કરી ખેદ થાય જ. સાવિત્રીદેવી જો કઠિયારા સાથે પરણવાની હઠ લે તો પ્રજાહિતને માટે એનો ત્યાગ જ કરવો પડે. બીજો પુરવાસી : પ્રજાહિતને માટે રાજા રામચંદ્રે સીતાદેવીનો ત્યાગ કર્યો તો આ તો પુત્રી ! જુવાન : અરે, એ કઠિયારો તે કેવો છે કે ભલભલા રાજાઓને મૂકી કુંવરી એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે ? બીજો પુરવાસી : વળી કઠિયારો તે કેવો હોય ! વૃદ્ધ પુરુષ : પણ આ વાત ખરી છે કે ખોટી એનું કોણ સાક્ષી ? પહેલો પુરવાસી : એટલે જ આપણે રાજસભામાં જઈ ખબર કાઢીએ. જો વાત ખરી હશે તો શું પગલાં લેવાં તેનો વિચાર કરીશું. [સર્વે જાય છે]

પ્રવેશ બીજો

સ્થળ : રાજગૃહ.

[સાવિત્રી શણગાર સજતી. સખીઓ એને મદદ કરે છે.] માયા : બહેન ! સત્યવાનને પરણશો, પછી આ બધાં વૈભવનો ત્યાગ કરવો પડશે. સાવિત્રી : (હસીને) સેવકોના બંધનમાંથી છૂટીશ ! માયા : એ કઠિયારા સાથે જંગલી જીવન ગાળવું કેમ ગમશે ? સાવિત્રી : જંગલમાં રહેવામાત્રથી જંગલી કહેવાઈએ તો બધાં ઋષિમુનિઓ પણ જંગલી જ ગણાય. સત્યવાન ભલે કઠિયારો હોય, પણ એના સંસ્કાર તો ભલભલાને પાણી પાય તેવા છે. નિપુણિકા : માત્ર એને એક જ વાર જોવાથી આ ક્યાંથી જાણ્યું ? સાવિત્રી : પહેલાં તો મારા આત્માએ જ સાક્ષી પૂરી. સંસ્કારી આત્મા અસંસ્કાર તરફ ઢળી કેમ શકે ? મારો આત્મા જેના તરફ ખેંચાય તેને હું નીચ કેમ માની શકું ? જો ને, કાદવકીચડમાં ઊગે પણ કમળનું ફૂલ તે તો કમળનું જ ફૂલ. કાદવમાં જન્મેલી, પણ સૌ દેવતાને, બહુ વહાલી; શંકર વિષ્ણુ—લક્ષ્મી, સદા હૃદયે રમતી, એ પદ્મિની. એનો વિશાલ ભાલપ્રદેશ, એનો તેજસ્વી મુખપ્રતા૫ શું જંગલી અનઘડ આત્મા સૂચવે છે ? વળી તને યાદ છે, આપણે જંગલમાં ભૂલાં પડ્યાં હતાં ત્યારે આપણે એમને રસ્તો પૂછેલો, ત્યારે તેં જ એમને ‘મહાનુભાવ’ કહીને ઉદ્દેશેલા ? માયા : ને એમણે હસીને કહ્યું હતું કે ‘હું તો ગરીબ કઠિયારો છું.’ નિપુણિકા : એ તો ઠીક બહેન, પણ સંસારમાં રહીએ ત્યાં સંસારના નિયમોનું પાલન કરવું જોઈએ. સાવિત્રી : સંસારને એવા નિયમોથી જકડી લીધાથી જીવનનો રસ ને જીવનની નૂતનતા જતાં રહે છે. સંજોગો આવે કેટલીક વાર એવા નિયમો ભાંગવા પણ જોઈએ. બ્રાહ્મણ કન્યા દેવયાની યયાતિ રાજાને પરણી ત્યારે સંસારનો નિયમ કેમ લાગુ ન પડ્યો ? માયા : પણ બહેન, મહારાજ કદાચિત્ પિતા તરીકે તમને લગ્ન કરવાની પરવાનગી આપે, પણ રાજપિતા તરીકે તો એમને ના જ કહેવી પડે. આજે જ સવારે પુરવાસીઓ રાજસભામાં આ વિશે જાણવા આવ્યા હતા. સાવિત્રી : મહારાજ પિતા તરીકે કે રાજપિતા તરીકે મને અન્ય સાથે બળાત્કારે પરણાવી તો ના જ શકે ને ! મારે ક્યાં માતપિતાની ઇચ્છા વિરુદ્ધ કરવું છે? જો સત્યવાન સાથે પરણવાની ના કહેશે તે હું અખંડ બ્રહ્મચારિણી રહીશ. નિપુણિકા : પછી રાજ્યનું શું ? મહારાજને તો એનો પણ વિચાર કરવાનો ને ? તમારો પુત્ર રાજ્યાસન પર બેસે એવી એમની આશા નિષ્ફળ થશે. સાવિત્રી : પ્રેમ વિનાનાં લગ્ન કરવાં એટલે પ્રેમ વિનાની સંતતિ ઉત્પન્ન કરવી. એવાં બાળકો પૃથ્વી પર અવતરે તેના કરતાં વસુંધરા વંધ્યા રહે તે સારી. [એકાએક અશ્વપતિ રાજા ગભરાટમાં હોય તેમ પ્રવેશ કરે છે. પાછળ રાણી તથા નારદ ઋષિ આવે છે.] રાજા : સાવિત્રી ! સાવિત્રી ! ક્યાં છે ? સાવિત્રી : બાપુ ! આ રહી. [આગળ આવી નમન કરે છે.] રાજા : જો આ દેવર્ષિ વળી એક નવીન ખબર લાવ્યા છે, એ સાંભળીને તો જરૂર તું તારો વિચાર ફેરવશે. સાવિત્રી : (નારદજીને) ભગવન્ ! પ્રણામ કરું છું. નારદ : વત્સે ! સુખી રહે ને તારી મનકામના પૂર્ણ થાવ ! રાજા : દેવર્ષિ કહે છે કે સત્યવાન અલ્પાયુષી છે. આજથી બરાબર એક વર્ષે એનું મૃત્યુ છે. સાવિત્રી : (ફિક્કી પડી જઈ) ભગવન્ ! આપના હંમેશના સ્વભાવ પ્રમાણે મારી મશ્કરી તો નથી કરતા ને ? નારદ : આવી મશ્કરી હજી સુધી કરી નથી. સાવિત્રી : (દુઃખિત સ્વરે) તો પછી વિધિ બળવાન છે; લલાટના લેખ કંઈ મિથ્યા થતા નથી. રાજા : એટલે ? સાવિત્રી : બાપુ ! મારા ભાગ્યમાં જ વૈધવ્ય લખ્યું હશે તો બીજા સાથે લગ્ન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થવાનું નથી. રાણી : પણ વત્સે ! જાણીજોઈ ખાડામાં પડવાનું કંઈ કામ ? સાવિત્રી : ઈશ્વર ડાહ્યો છે કે મનુષ્યને ભવિષ્ય જાણવાની શક્તિ આપી નથી, નહિતર આપણે એક પગલું પણ આગળ ભરતાં બીએ. રાણી : પણ વત્સે – સૌભાગ્ય આર્ય અબલા જનને જ વ્હાલું, જીવિત તું ક્યમ ધરીશ પતિ વિનાનું. – સાવિત્રી : પહેરાવી આત્મ વરમાળ શિરે જ જેના, તોડે ન લગ્ન તણી એ શુભ ગ્રંથી આર્યા. મા ! સત્યવાન સાથે હું તો પરણી ચૂકી છું. એ લગ્ન ફોક કેમ કરું ? એના મૃત્યુ પછી તો ક્યાં મારે જીવવું છે ? નારદ : સાવિત્રી ! તને મરણનો જરા પણ ભય નથી ? સાવિત્રી : (ફિક્કું હસી) લોકો નાહક મરણથી બીએ છે ને બીજાને બિવરાવે છે. વૃથા બીએ શાને, મરણ ભયથી માનવ અરે, ન એમાં બીવાનું, મરણ સુખદાયી ગણ ખરે; ખસેડે અંધારું, દિવસ તમસાનું જ્યમ સદા, ખસેડે અંધારું, જીવન તમસાનું મરણ રે. ભગવન્ ! મને તો મરણની જરાયે બીક નથી. જરૂર પડે મરવું એ વીરોનું કામ છે. હું ક્ષત્રિયાણી, મને કેમ શીખવવું પડે ? નારદ : રાજન્ ! આ મુખ્ય વાંધો સાવિત્રીને ના હોય તો લગ્ન કરવાને બીજી હરકત તો મને જણાતી નથી. રાણી : ભગવન્ ! આ૫ આવી શિખામણ આપો છો ? નારદ : સાવિત્રી એથી સુખી થાય તો પછી બીજો શો વિચાર કરવાનો હોય ? સંતાનના સુખની આડે આવવું એ માતપિતાનું કર્તવ્ય નથી. વળી ભવિષ્યમાં ખરેખર શું થશે તે કોણ જાણે છે ? રાજા : ૫ણ ભગવન્ ! મારાથી તો આ લગ્નમાં ભાગ નહિ લઈ શકાય. મારા પુરવાસીઓ આ લગ્નની વિરુદ્ધ છે. મારા પુરોહિતો પણ એ લગ્નને સંમતિ આપશે નહિ. નારદ : રાજન્ ! તારા ધર્મનું બરાબર પાલન કરે છે જાણી મને સંતોષ થાય છે. રામચંદ્ર જેવી તારી પણ ત્રિશંકુ સમાન ગતિ થઈ છે. પરંતુ પ્રજાનો વિચાર એ રાજાનો પહેલો ધર્મ છે.

પ્રજાના ભાવિનું, સતત મનમાં ચિન્તન કરે,
પ્રજાના શ્રેયાર્થે, નિશદિન રહે તત્પર બની;
પ્રજાની ઇચ્છાઓ, પૂરિત કરવા મંત્ર જપતા,
મહીપાલો સાચા, અવર ગણવા ભાર ભૂમિના.

બીજા બધાંનો વિરોધ હોય તો હું પોતે જ એની લગ્નક્રિયા કરીશ. સાવિત્રીને હમણાં જ મારી સાથે મોકલો. રાણી : ભગવન્ ! એ તો બહુ ઉતાવળ કહેવાય. સાવિત્રીના લગ્નની તૈયારી કરવી જોઈએ. નારદ : (હસીને) વનમાં જવાને તે શી તૈયારી કરવાની હોય. માત્ર આ આભૂષણો ઉતારે એટલી વાર. વળી વિલંબ થયે પુરવાસીઓ ધાંધલ કરશે. રાણી : (રડવા જેવી થઈ) પુત્રીને લગ્નની પહેરામણી તો બાજુએ રહી; આ તો એના અલંકારો ઉતારવાના ? સાવિત્રી : (આશ્વાસન આપતી) મા ! વનમાં તો વલ્કલ જ શોભે. [એક બાજુએ અલંકારો ઉતારવા માંડે છે. શોકગ્રસ્ત રાજા આમતેમ ફરે છે.] રાણી : સંતાન નહોતું ત્યારે એનું દુઃખ હતું; હવે સંતાન છે ત્યારે એના વિરહનું દુઃખ. [રડે છે.] નારદ : દેવી ! ધૈર્ય રાખો. રાણી : ભગવન્ ! આટલા જતનથી ઉછેરી. હવે અજાણ્યાના હાથમાં સોંપતાં હૈયું કેમ હાથ રહે ? નારદ : દેવી ! એ તો સૃષ્ટિનો ક્રમ છે. પક્ષીઓ પણ પાંખ આવતાં પોતપોતાના માળા બાંધવા ઊડી જાય છે. રાણી : મને તો એ મોટી થઈ હોય એમ લાગતું જ નથી. નાની બાલા, હરિણ શિશુશી, કૂદતી યાદ આવે, મીઠાં હાસ્યો, કિલ કિલ હજી, કાનમાં ગુંજતાં રે; કાલા કાલા, અમરતસમા, બોલ બોલી હસાવે, એ તો આજે, નિજ ઘર તજી, પારકે ઘેર જાયે. સાવિત્રી : (એક બાજુએ) માયે ! આ મારો રત્નજડિત હાર તને આપું છું. તારા વૈભવમાં કોઈ વાર મારું સ્મરણ કરજે. માયા : (રડતાં) બહેન ! એને તો મારો હૈયાહાર બનાવીશ. સાવિત્રી : નિપુણિકે ! આ મારા હીરાનાં કંકણો તારું સૌભાગ્ય સાચવશે. નિપુણિકા : (ડૂસકાં ખાતાં) તમારું સૌભાગ્ય અખંડ રહે તેની હું અહોનિશ પ્રાર્થના કરીશ. રાજા : ભગવન્ ! રાણી ખરું કહે છે. આના કરતાં અસંતાનિયતનું દુઃખ સારું. તપ ને વ્રત કરી દેવને સંતતિ આપવાની ફરજ પાડી તો મારે આ અનુભવવાનું રહ્યું ! પારકે ઘેર જવાનું તો ઠીક પણ આ તો મૃત્યુને જ સોંપવાનું. નારદ : રાજન્ ! તમે જ આમ બોલશો તો રાણીને કોણ સાંત્વન આપશે ? (મોટેથી) સાવિત્રી ! આપણે જઈશું ? [સાવિત્રી આગળ આવે છે. રાણીને રડતાં જોઈ એને ગળે બાઝી રડે છે.] નારદ : સાવિત્રી ! તું આટલી ધૈર્યવાળી ! આપણે જવામાં વિલંબ થાય છે. સાવિત્રી : (રડતાં) મા ! રજા લઉં છું. તારા અનહદ ઉપકારો સંભારી સંભારી મારો સ્વાર્થ આગળ તરી આવે છે ને એક ડગલુંયે ઉપાડાતું નથી. રાણી : વત્સે ! સ્ત્રીઓના ભાગ્યમાં જ એવું છે : યુવાન વયે માતા તજવાની, મોટપણે પુત્રીને છોડવાની. નારદ : (સ્વગત) ખરે જ ઈશ્વર ! તારો કેટલો અન્યાય.

અન્યાય તેં બહુ કીધો પ્રભુ નારીને હે,
શાં શાં દુ:ખો શિર પરે પ્રભુ લાદિયાં તે;
એ સંકટો સહી સહી ઘટી શક્તિ એની,
આખેર નારી સબળા, અબળા બની છે.

સાવિત્રી : (પગે ૫ડી) મા ! જાઉં છું. રાણી : પુત્રીના કલ્યાણ વિના માની બીજી શી આશિષ હોય ? [મસ્તકે હાથ મૂકી ભેટે છે.] સાવિત્રી : (રાજાને) તાત ! તમારો આશીર્વાદ માગું છું. [પગે લાગે છે.] રાજા : વત્સે !

પાળીપોષી તને બહુ જતનથી, દીધું રૂડું જ્ઞાન રે
તારા સૌ અભિલાષ પૂરણ કર્યા, દૂભ્યું ન તારું મન;
તારાં ભાવિ વિષે વિચાર કરતાં, પ્રેમે બની અંધ રે
જાણ્યું આજ ન ભાવિ સંતતિતણું માતા—પિતા હાથ રે.

વત્સે ! તારું ભવિષ્ય તું તારે હાથે ઘડી લે છે. હું શું આશિષ આપું ? સાવિત્રી : તાત ! ગુરુઓના આશીર્વાદ, બાળકના પુણ્યસંચયમાં વધારો કરે છે. આપની શુભેચ્છાયે બહુ છે. રાજા : વત્સે ! વિધિ તારા પર પ્રસન્ન રહે. લલાટે કો લખ્યું ભૂંસે, બ્રહ્મા વિણ સમર્થ છે; વિધાતા સાહ્ય થાજો ને, પૂર્ણ થાજો મનોરથો. [સાવિત્રી પગે લાગે છે. નારદ ઋષિની પાછળ બહાર જાય છે. રાણી શોક સાગરમાં ડૂબે છે. વિષાદગ્રસ્ત રાજા જનારાંની પાછળ જોઈ રહે છે.)

અંક ત્રીજો

પ્રવેશ પહેલો

[સ્થળ : ગૌતમ ઋષિના તપોવનમાં ઋષિ અને વૃદ્ધ તાપસી વાતો કરતાં જણાય છે.]

વૃદ્ધ તાપસી : ભગવન્ ! સાવિત્રી તો અવધિ કરે છે. એને કંઈ કહો તો સારું. ઋષિ : (હસીને) શું સાવિત્રીએ કોઈનો અપરાધ કર્યો છે ? આશ્રમવાસીનું અપમાન કર્યું છે ? વૃદ્ધ તાપસી : ના, ના, ભગવન્ ! એવી ફરિયાદ નથી. સાવિત્રી તો આશ્રમવાસીઓનાં હૃદયની અધિષ્ઠાત્રી બની છે. ખરે જ, શરૂઆતમાં તો મને લાગતું હતું કે રાજકુમારી તરીકે જેણે આટલાં સુખ વૈભવ ભોગવ્યાં છે તેનાથી અહીં કેમ રહેવાશે ? ઋષિ : રાજકુમારી તો સાચા શિક્ષણથી અલંકૃત છે. કાલે ઊઠીને એ રાણી થાય તો રાજ્ઞીપદ પણ દીપાવે. સંજોગો પ્રમાણે જીવન ગોઠવવું એ જ ખરું શિક્ષણ. પણ ત્યારે શેની ફરિયાદ છે ? વૃદ્ધ તાપસી : એણે તો કંઈ આકરું વ્રત આદર્યું છે : બે દિવસથી તો સખ્ત ઉપવાસ કરે છે. એને સમજાવું તો કહે છે કે આવતી કાલે ચંદ્રગ્રહણ છે, પછી મારા વ્રતની પૂર્ણાહુતિ છે, પછી ઉપવાસ છોડીશ. આવાં કઠિન તો વ્રતો તાપસોને પણ આકરાં. તમે કંઈ સમજાવો તો સારું. (રડવા જેવી થઈને) એની માતા છાની છાની ખબર પુછાવે છે તેને હું શું જવાબ દઈશ ? ઋષિ : (ગંભીર થઈને) મહદ્ કાર્યને માટે તે મહાન ઉદ્યોગ જોઈએ. ને સાવિત્રીએ તો મહાયજ્ઞ આરંભ્યો છે. વૃદ્ધ તાપસી : ખરેખર ! આપ તો ત્રિકાળજ્ઞાની છો એટલે આ વિશે જ્ઞાન હોય ! ઋષિ : વિધિના લેખ પ્રમાણે સત્યવાનનું આવરદા આવતી કાલે સમાપ્ત થશે. સાવિત્રીએ વિધિ સામે યુદ્ધનો ઉદ્યોગ આદર્યો છે. વૃદ્ધ તાપસી : ભગવન્ ! એ તો બાલિશતા. ઋષિ : એમ માનવું એ જ મનુષ્યની બાલિશતા છે. છઠ્ઠીના લેખ મિથ્યા ન થાય એમ માની માથે હાથ દઈ બેસી રહેવું એ કાયર પુરુષનું કામ છે. વિધિની સામે યુદ્ધ ખેલવું એ ખરો પુરુષાર્થ છે. સત્યાગ્રહથી તો દેવો પણ હારે. વૃદ્ધ તાપસી : સત્યવાનને આ વાતની ખબર છે ? ઋષિ : જરા પણ નહિ. એને ખબર હોત તો લગ્ન જ કેમ કરત ? [આઘેથી સત્યવાન ને સાવિત્રી આનંદથી વાતો કરતાં આવે છે.] વૃદ્ધ તાપસી : (ઉમળકાથી) શી પ્રેમગોષ્ઠી કરતાં આવે છે ! બન્નેનાં મોં પર કેવો આનંદ છે ! હાય ! હાય ! કાળ તો માથે ભમે છે, છતાં સાવિત્રીના મોં પરથી તો લાગે પણ નહિ. એનું હૃદય કેટલુંયે રડતું હશે ! ઋષિ : સ્ત્રીના અંતરના ભાવો કોણ જાણી શકે ?

વહે નેત્રો વાટે કદી હૃદય આનંદઝરણું,
કદી હાસ્યો એના વ્યથિત મનના તીવ્ર પડઘા;
રડે શાને એ તો ? હસતી વળી શાને ? જગતમાં,
નહીં નારી કેરું હૃદય કદી જાણે અવર તો.

[બન્ને જાય છે. સત્યવાન—સાવિત્રી આવે છે.] સત્યવાન : (હસીને) દેવી ! આજે તો સાંભળ્યું છે કે કંઈ અદ્ભુત સમારંભ માંડ્યો છે ! આ તપજડ વનવાસીઓનાં હૃદયમાં ઠીક ઊલપાથલ મચાવી છે. સાવિત્રી : કાલે પૂર્ણિમાએ તો ગ્રહણ છે. એટલે આ નિષ્કલંક ચાંદનીનો આજે લાભ લેવાનો વિચાર કર્યો છે. (સ્વગત) કાલે શું થશે તે કોણ જાણે છે ? દુનિયામાં હઈશું કે નહિ. હે ઈશ્વર ! મારી લાજ રાખજે. સત્યવાન : (જરા દુ:ખી અવાજે) પણ આ ઉત્સવ પ્રસંગે આ આકરા ઉપવાસ શેના ? સાવિત્રી : (હસીને) અરે મારા કાષ્ઠહારી રાજ ! લગભગ આખું વર્ષ ધીરજ રાખી તો એક દિવસ તો વધારે રાખો. કાલે મારું વ્રત પૂરું થશે, પછી એનું રહસ્ય સમજાવીશ. સત્યવાન : કાલ ક્યારે પડશે તેની મને તો અધીરાઈ આવી છે. સાવિત્રી : (સ્વગત) મને તો થાય છે કે કાલ પડે જ નહિ. [ઋષિ—બાળકો—બાળિકાઓ ફૂલથી શણગારાયેલાં ગાતાં ગાતાં પ્રવેશ કરે છે.] સર્વે

અમોલાં સૃષ્ટિનાં, મધુર સુમનો બાલક અમે,
જનોનાં આનંદે, પુલકિત થતાં ચિત્ત અમથી.
કેતકી
હું કામિની બહુ સુવાસિત કેતકી છું,
કાંટા છતાંય ધરતા જન ધ્યાન મારું.
બકુલ
બકુલ કુસુમ નાનું, કોડથી છું ભરેલું,
જગત નજર ના જો, આવતું આવતું હું;
તદપિ સકલ લોકો, ઇચ્છતા સૌ મને ને,
સુલલિત લલનાના, શોભતું કેશમાં હું.
ચંપા
રંગે રૂપ સુગંધમાં નવ હશે ચંપા સમી માનિની,
આવે ના રસચોર તોય નિકટે મારા પ્રભાવે કદી.
પારિજાત
પારિજાત પૃથ્વીને, હું દિવ્ય સુવાસની, ધરું ભેટ,
અદીર્ધ જીવન મારું, દેવતણું પુષ્પ છું, વસું સ્વર્ગે.
કમલિની
રાજ્ઞી છું કમલા સદા સુમનની, હું શ્રેષ્ઠ એ સર્વમાં,
મારા શીતલ સ્પર્શથી જનતણાં, દુઃખો થતાં નષ્ટશાં.
સર્વે
અમોલાં સૃષ્ટિનાં, મધુર સુમનો બાલક અમે,
જનોનાં આનંદે, પુલકિત થતાં ચિત્ત અમથી.

સાવિત્રી : તમે બધાં ઉત્સવ માટે તૈયાર પણ થઈ આવ્યાં ? બાળક : દેવી ! બધું તૈયાર થઈ ગયું છે. હવે આપની જ વાર છે. સત્યવાન : (સાવિત્રીને) તમે બધાં જતાં થાઓ. હું અહીં મંડનની રાહ જોઉં છું. અમે સાથે આવી પહોંચીશું. [સાવિત્રી તથા બાળકો જાય છે.] આજે મંડને શત્રુના સમાચાર લાવવાનું કહ્યું હતું. મને આ જ ઠેકાણે મળવા કહ્યું હતું. હવે તો આવતો હશે. [આમ તેમ ફરે છે] સાવિત્રીએ આવું અસિધારા વ્રત શેને માટે લીધું હશે ? ખરેખર, આ એક વર્ષનું કઠિન બ્રહ્મચર્ય એ જ પાળી શકે ! શું કઠિયારા સાથે લગ્ન કર્યાં તેના પ્રાયશ્ચિત્તરૂપે તો આ નહિ હોય ? (હસીને) ના ના, એમ તો ના હોય. કાલે વ્રત પૂરું થશે એમ કહે છે, એટલે કંઈ બીજું જ કારણ હશે. ગમે તેમ હોય, પણ મારો ઇતિહાસ તો હું એને કહી દઈશ. કઠિયારો છું એ ભ્રમમાં તો હવે નહિ જ રાખું. [મંડન આવે છે.] મંડન : જય જય દેવ ! સમાચાર સારા છે. સત્યવાન : ઈશ્વરનો અનુગ્રહ. મંડન : આપની પ્રજા તો શત્રુથી બહુ જ કંટાળી ગઈ છે. ચાલતે દહાડે કોઈ સ્વહસ્તે એને સ્વધામ પહોંચાડે તો આશ્ચર્ય નહિ. દ્યુમત્સેન રાજાને પાછા બોલાવવા બધાં અધીરા થઈ ગયા છે. પણ એક વાતની હવે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. સત્યવાન : કેમ શેની ? મંડન : શત્રુ જાતે જ આટલામાં આવી પહોંચ્યો છે. એને વહેમ ગયો છે કે આપણે અહીં છીએ. આ ગૌતમ ઋષિના તપોવનમાં તો આવવાની ધૃષ્ટતા નહિ કરે, પણ આપણે જરા સંભાળવું જોઈએ. સત્યવાન : અરે રામ ! ક્યાં લગી આ ઢોંગમાં રહેવું ! આમ તેમ કંઈ નિર્ણય આવી જાય તોયે સારું. મંડન : સાવિત્રીદેવીને આ ભય જણાવવો જોઈએ. સત્યવાન : (હસીને) એ તો હજી જાણે છે કે હું કઠિયારો છું. મંડન : (નવાઈ પામતો હોય તેમ) ખરેખર ! શું તમે એને કંઈ જ કહ્યું નથી ? સત્યવાન : મારી તો ઘણીએ ઇચ્છા હતી પણ એણે જ ના કહ્યું. મંડન : એ તે માની જ કેમ શકાય ? સ્ત્રીની જિજ્ઞાસાની તો અવધિ ! ન જાણવાની વાત પણ જાણવાનું મન ! બીજાના પેટમાંથી વાત કઢાવવી ને પોતાના પેટમાં ટકે નહિ ! આપણે જ્યારે શરૂઆતમાં અહીં આવ્યા ત્યારે આમાંની કેટલીક તાપસીઓએ જે પ્રશ્નાવલિની પરંપરાથી મને ઘાયલ કર્યો હતો તે ઈશ્વર જ જાણે છે. આ તો કંઈ નવું જ – તમે કહેતા હો તોયે અટકાવે ! સત્યવાન : (હસીને) મિત્ર ! તારા અનુભવ તો સાધારણ સ્ત્રીઓના લાગે છે. મને કહેવાની ના કહે છે તે એમ કહીને કે ‘જ્યાં લગી મારા વ્રતનો ભેદ કહી ના શકું ત્યાં લગી તમારો ભેદ જાણવાનો મને અધિકાર નથી !’ તું સ્ત્રીઓને ચડસીલી કહે છે, પણ મને તો એના વ્રતનો ભેદ જાણવાની એટલી તલપાપડ થઈ છે કે ન પૂછો વાત. મંડન: તમને કહેવાની મનાઈ હોય તો ભ્રમ મારે જ ફોડવો પડશે. [બે—ત્રણ બાળકો આવે છે.] બાળકો : આપને કેટલી વાર છે એમ દેવી પુછાવે છે. સત્યવાન : મંડન ! આજે તો મોટો ઉત્સવ છે. તારે પણ એમાં ભાગ ભજવવાનો છે. મંડન : મિષ્ટાન્ન તો મળશે ને ? [જાય છે.]

પ્રવેશ બીજો

[સ્થળ—પ્રથમ અંકનું સ્થાન. પૂર્ણ ચંદ્ર આકાશમાં મહાલતો. સૃષ્ટિ શાન્ત છે. આકાશમાં છૂટીછવાઈ કાળી વાદળીઓ. વર્ષાની ફોરમમાં તરત નહાઈ ઊઠેલી પૃથ્વી ભીની જણાય છે. સત્યવાન ને સાવિત્રી આવે છે.] સાવિત્રી : (કરગરતા અવાજે) દેવ ! હવે અહીંથી દૂર ન જશો. આ જલાશયને કિનારે જ બેસીએ. સત્યવાન : (આસપાસ જોઈ) આ તો આપણું પ્રિયતમ સ્થાન. યાદ આવે છે ? સાવિત્રી : (નિસાસો નાંખી) કોને યાદ ન આવે ? સત્યવાન : આપણો પ્રથમ મેળાપ. અબોલ છતાંયે આપણાં નયનોએ શી શી ગોષ્ઠી કરી હતી ! ને તેં મને કઠિયારો જ ધારેલો ? સાવિત્રી : (હસીને) મારું હૃદય તો તમને કોઈ દિવસ કઠિયારા માનતું જ નહોતું. સત્યવાન : (હેતથી સાવિત્રીનું મુખ ઊંચું કરી, હસીને) પણ ક્યાં તે વખતની શસ્ત્રધારિણી સાવિત્રી ને ક્યાં આજની બીકણ સાવિત્રી ! સાવિત્રી : (મંદ ફિક્કું હસી) દેવ ! પ્રેમ મનુષ્યમાત્રને દુર્બલ બનાવે છે. સત્યવાન : પણ કંઈ પણ ભય વિના શેની બીક ? મંડનની વાત સાંભળીને દુશ્મનની તો બીક નથી ને ? સાવિત્રી : એવા ભયને માટે બીક રાખવી એ ક્ષત્રિયાણીને ના શોભે. સત્યવાન : (હસીને) ત્યારે આજે મને ઘરમાં કેમ પૂરી રાખ્યો ? અને અત્યારે મહાપરાણે બહાર જવાની રજા આપી, તે પણ સાથે આવવાની શરતે ! સાવિત્રી : (મંદ વ્યથિત સ્વરે) જુઓ ને, આજે તો સૃષ્ટિ પણ સવારથી આંસુ સારી રહી હતી. આકાશનું મુખ પણ કેટલું શોકમલિન ! ચંદ્રનું હાસ્ય પણ કેટલું ફિક્કું ! સત્યવાન : કદાચ આજે ગ્રહણ છે માટે ! એ બધી ભ્રમણા, એ બધાં વહેમ નબળા મનની નિશાની. આ વ્રતો ને ઉપવાસો કરી, શરીર સાથે મનને પણ દુર્બળ કરી નાંખ્યું છે ! (ઘણા જ હેત ભરેલા અવાજે) સાવિત્રી ! આ બધું શેને માટે ? સાવિત્રી : (વાત ઉડાવતાં હસીને) હજી મારું વ્રત તો પૂરું થવા દો. (સ્વગત) અરે પ્રભુ ! કેમ થશે ? સત્યવાન : (આળસ મરડતાં) આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાથી મને આજે આળસનો નશો ચડ્યો છે. એવી નિદ્રા આવે છે કે ન પૂછો વાત. સાવિત્રી : (જરા ગભરાઈ) ત્યારે ચાલો આપણે પાછાં ફરીએ. સત્યવાન : ના, ના ! હવે તો અહીં રહીને જ ચંદ્રગ્રહણ જોઈશું. લગભગ તૈયારી છે. (સાવિત્રીના ખોળામાં માથું મૂકી સૂવે છે.) તારું પ્રિય ગીત ગા, ને જો ગ્રહણ થતાં પહેલાં ઊંઘ આવી જાય તો ઉઠાડજે. સાવિત્રી : (એને માથે હાથ ફેરવતાં ફેરવતાં ગાય છે.)

પામે ક્યાંથી પ્રભુ અવનવા રંગ સંસારના કો
થાયે રાજા ક્ષણ, ક્ષણ પછી રંક એ માનવી તો
આપી શાને હરણ કરતો, માનવીનું ફરીને,
કેવા આ છે જગતકરતા ! ઢંગ તારા અરે રે !

[સત્યવાન નિદ્રાવશ થાય છે.] સાવિત્રી : (નિસાસો નાંખી) રે પ્રભુ ! આજ દિવસ કેટલો લાંબો કર્યો ને રાત પણ કીડીના વેગે ચાલે છે ! (આકાશ તરફ જોઈ) આ ચંદ્ર હસે છે. માનવીઓ છો રડતાં, માનવીઓ છો મરતાં, એને કંઈ છે ? અને આ રજની શી લજ્જાહીન મહાલે છે ! થોડી ક્ષણમાં તો એનો હૃદયનાથ રાહુના વિકરાળ મોંમાં અલોપ થઈ જશે. (થોડી વાર વિચારી) ખરે જ પણ એને તો પળનો જ વિયોગ. એને ક્યાં મારા જેવું દુઃખ છે ? ના, પણ સત્યવાન વિના મારે ક્યાં જીવવું છે ? પરલોકમાં તો મળીશું, કદાચ નારદજીનું કહેવું ખોટું હોય તો ? (હસીને) આશા ! હતાશને પણ ઉત્તેજિત કરનારી આશા ! આશા ને પ્રેમરૂપી ગુરુત્વાકર્ષણ શક્તિ ના હોત તો, તો પ્રભુ ! તારું જગત ઉથલપાથલ થઈ જાત. આવા દુઃખી સંસારમાં રહેત જ કોણ ?

આશા અને પ્રેમશી આશિષો તેં
સુધા સમી માનવ કાજ કીધી
ભગ્નાશ ઉત્તેજિત થાય એથી
એના પ્રતાપે જગ જીવતું છે.

પરલોકમાં મળવાની આશા ! અરે પ્રભુ ! એ તારી કૃતિ છે કે માયાનું આશ્વાસન ? મૃત્યુ પછી શું થશે તે કોણ જાણે છે ? પરલોક હશે કે કેમ ? આ સંદેહ કોણ ટાળે ? [ધીમે ધીમે ગાય છે.] ભૂલી હું ભમતી ભવારણપથે ના પંથ કો સૂઝતો દેખાડે નવ વાટ કો તમ વિના થાઓ પ્રભો ! દર્શક નૌકા જીવનની અગાધ જલમાં, ના પાર કો દીસતો ઉતારે નવ પાર કો તમ વિના. તારો મને હે પ્રભો ! [આકાશમાં એકદમ અંધકાર છવાય છે. ચંદ્ર પર કાળો પડછાયો પડે છે. સાવિત્રી સત્યવાનને ઉઠાડવા જાય છે ત્યાં એક સૌમ્ય મૂર્તિ સામે ઊભેલી દેખાય છે. સાવિત્રી ગભરાય છે ને સત્યવાનને સત્વર ઉઠાડવા હાથ લાંબો કરે છે. મૂર્તિ અટકાવે છે.] સૌમ્ય મૂર્તિ : (ગંભીર અવાજે) એને નહિ ઉઠાડવામાં જ ફાયદો છે. સાવિત્રી : (ભયભીત સ્વરે) આ૫ કોણ છે ? સૌ. મૂ. : (મન્દ હસીને) જગતને માયાવી નિદ્રામાંથી જગાડનાર જાદુગર, હું યમરાજ છું. સાવિત્રી : ભગવન્ ! આપને મારા નમસ્કાર. જગત તો આપને જુદું કલ્પે છે. મહિષ વાહનવાળા, રાત્રી જેવા કાળા, રુદ્રસ્વરૂ૫; એટલે મેં ઓળખ્યા નહિ, તો ક્ષમા કરશો. યમરાજ : દેવને જેવા કલ્પો તેવા દેખાય. જેને મૃત્યુનો ભય નથી તેને હું સૌમ્ય સ્વરૂપ જ દેખાઉં છું. [સાવિત્રી સત્યવાનનું મસ્તક નીચે મૂકી યમરાજ પાસે આવી એના ચરણ પકડે છે.] સાવિત્રી : દેવ ! આપ સત્યવાનને લેવા આવ્યા છો ? યમરાજ : માનવ આત્માને દેહપિંજરમાંથી મુક્ત કરવો એ મારું કર્તવ્ય છે. સાવિત્રી : દેવ ! આત્મા તો જીર્ણ દેહનો ત્યાગ કરે છે. સત્યવાન તો હજી ઊગતી યુવાવસ્થામાં છે. જીવનની કંઈ કંઈ આશાઓ હજી પૂર્ણ કરવાની છે. કંઈ કંઈ મનોરથો પ્રાપ્ત કરવાના છે. શાં શાં કાર્યો કરવા એણે ધાર્યાં છે. દેવ ! આ આત્માનાં બાળકો જન્મ્યા પહેલાં જ એને આપ કચડી નાંખશો ? યમરાજ : વત્સે ! મનુષ્યોના મનોરથોનો કંઈ અંત છે ? સ્વપ્નાંઓ જોવાં, હવાઈ કિલ્લાઓ બાંધવા એ જ એમનું જીવન છે. એ વ્યાપાર તો જીવનના અંત લગી ચાલ્યા જ કરે છે. એ સ્વપ્નાંઓ તાદૃશ્ય થાય પછી જ એમનું આવરદા પૂરું કરવું એવો નિશ્ચય કરીએ તો મનુષ્યો યાવચ્ચંદ્રદિવાકરૌ જીવે. વત્સે ! ખરા ભાગ્યશાળી જ પોતાના મનોરથો પૂર્ણ થતા જુએ. સાવિત્રી : દેવ ! સત્યવાનને બદલે આપ મને લઈ જાઓ તો ? યમરાજ : એકને બદલે બીજાને લઈ જવાથી નિયમનો ભંગ થાય. મનુષ્યોને માટે નિયમો છે તેવા દેવોને માટે પણ છે. સાવિત્રી : દેવ ! આપના નિયમમાં અપવાદને સ્થાન નથી ? શું યંત્રની માફક વર્તો છો ? મનુષ્યોય સારા કે વખત આવે નિયમનો પણ ભંગ કરી શકે છે. યમરાજ : (હસીને) નિયમનો ભંગ કરવો એ પ્રસંગ ઉપર આધાર રાખે છે. સાવિત્રી : દેવ ! સત્યવાનને લઈ જવાથી આપ એક પ્રહારે ચાર જણનો વધ કરશો. મારાં અંધ સાસુ—સસરા, એમની સેવા કોણ કરશે ? રાજપાટ વિનાનાં થયાં પણ પુત્રની આશાએ જીવ્યાં. દેવ ! એ આશા જતાં એમનું કોણ ? એ ટળવળી પ્રાણ છોડશે. આપ એમના ઘાતક થશો ? યમરાજ : (ગંભીર થઈને) અરે કલ્યાણી ! તને એ બાબતનો ભય હોય તો એ રાજદંપતી એમનાં ચક્ષુ પુનઃ મેળવશે, રાજ સંપત્તિ પુનઃ મેળવશે. રાજ્યની ખાતર તો જીવશે ને ? સાવિત્રી : દેવ ! આપની કૃપા. પરંતુ મારાં માતપિતાનું શું ? અનેક વ્રતો કરી પુત્રીરૂપી ફળ મેળવ્યું. એને પ્રાણરૂપ ઉછેરી. તેને જ શોકમાં ડૂબેલી જોતાં એ કેમ જીવી શકશે ? દેવ ! મારી માતા તો પુત્રીનું દુઃખ જોઈ પ્રાણ છોડશે. આ૫ એમના પણ ઘાતક થશો ? યમરાજ : વત્સે ! તારા પુણ્યબળે તારાં માતપિતાને ત્યાં અનેક પુત્રો ઉત્પન્ન થશે. પુત્રોને ઉછેરવામાં પુત્રીનું દુઃખ ભૂલશે. સાવિત્રી ! દેવ ! આપે તો વગર માગ્યાં વરદાન આપ્યાં તેથી જેટલો ઉપકાર માનું એટલો ઓછો. આપ સુખેથી સત્યવાનને લઈ જાઓ. હું પણ નિરાંતે મરીશ. યમરાજ : વત્સે ! સત્યવાન વિના તને જીવનમાં બીજી આશા નથી ? સાવિત્રી : (શોકગ્રસ્ત) બીજી શી આશા હોય ? યમરાજ : વત્સે ! જીવન વિશાળ છે. તું યુવાન છે. સમય શોકને ભુલાવે છે. જે જગત આજે વેરાન લાગે છે, ત્યાં કાળ જતાં નવા અંકુરો ફૂટી ફૂલવાડીઓયે ઊગે. વત્સે ! મૃત્યુનો મોહ શા માટે કરે છે ? જગતમાં રહી મનુષ્યો કેટલાંયે સત્કૃત્યો કરી શકે. સાવિત્રી : દેવ ! જગત તો મિથ્યા છે. યમરાજ : (હસીને) જળમાં રહેતું માછલું જેમ પાણીનો તિરસ્કાર કરે તેમ મનુષ્યો જગતને ધિક્કારે છે. જગત એ તો માનવીનું જીવન છે. એને માયા ભલે કહો પણ મિથ્યા નહિ; પુરુષ ને પ્રકૃતિ તેમ ઈશ્વર ને માયા. વત્સે ! માયામાં અંધ બની ઈશ્વરને ન ભૂલો, પણ માયા ઈશ્વરની ગણી જગતનો અનાદર પણ ન કરો. જગતમાં પણ ઈશ્વરનું જ સૌંદર્ય ભર્યું છે. શું જીવનનો તિરસ્કાર કરી મૃત્યુના કાળમુખમાં આવવું પસંદ કરશે ? સાવિત્રી : દેવ ! સત્યવાન વિના જીવવું એ મારે મન મૃત્યુ સમાન છે. મને પણ સાથે લઈ જવાથી આપ મને જીવિતદાન આપશો. યમરાજ : શું તારો નિશ્ચય નહિ જ ફરે ? ધન, સંપત્તિ, અનેક વૈભવો આપી તને જગતમાં રહેવાને લલચાવી શકું તેમ નથી ? સાવિત્રી : (ડોકું ધુણાવી) દેવ ! મારે એક જ વરદાન જોઈએ છે, તે આપ આપી શકો તેમ નથી. યમરાજ : દેવી ! તારી અચળતા જેઈ હું પ્રસન્ન થયો છું. સત્યવાનના જીવન વિના જે માગવું હોય તે સુખેથી માગ. સાવિત્રી : (હાથ જેડી) દેવ ! સત્યવાનથી મને સંતાન થાય એ જ મારી વિનંતી છે. યમરાજ : (કાને હાથ દઈ) અરેરે ! આ શું માગ્યું ? દેવી ! તારી બુદ્ધિએ મને મ્હાત કર્યો. દેવનું વચન મિથ્યા ન થાય. તથાસ્તુ. (અંતર્ધાન થાય છે.) શ્રમિત સાવિત્રી અચેતન સત્યવાનના શરીર પર ઢળી પડે છે. સત્યવાન એકદમ ઝબકીને ઊઠે છે. સાવિત્રીને બેહોશ જોઈ શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કરે છે. જળાશયમાંથી પાણી લાવી એના મોં પર છાંટે છે. સત્યવાન : અરેરે ! હું કેવો સ્વાર્થી ! બિચારી ઉપવાસથી શ્રમિત, તેને આરામ આપવાને બદલે હું જ સૂતો. [સાવિત્રી થોડી વારે આંખ ઉઘાડે છે.] સાવિત્રી : (આસપાસ જોઈ) ગયા ? સત્યવાન : (એનું માથું ખોળામાં લઈ) હું તો અહીં જ છું. સાવિત્રી : તમે નહિ. સત્યવાન : ત્યારે ? સાવિત્રી : યમરાજ ! સત્યવાન : (એ શું કહે છે તે નહિ સમજી શકવાથી) સાવિત્રી, તું શુદ્ધિમાં છે ? સાવિત્રી : (હસીને) પૂર્ણ શુદ્ધિમાં છું દેવ ! ઈશ્વરનો ઉપકાર માનો કે તમને બચાવ્યા. [બધી હકીકત કહે છે.] સત્યવાન : (ગળગળો થઈ) ઈશ્વરનો અનુગ્રહ કે દેવી ! તારો ? સાવિત્રી : દેવ ! મેં તો મારા સ્વાર્થ ખાતર જ કર્યું છે. ઉપકાર તો ઈશ્વરનો જ માનવાનો. સત્યવાન : ના, ના. પુરુષપ્રયત્ન હોય તો જ દેવ કંઈ કરી શકે, માટે તારો તો પહેલો જ ઉપકાર. સાવિત્રી : (હસીને) એ તકરાર જવા દો ને ચાલો ઘર તરફ; માતપિતા રાહ જોતાં હશે. સત્યવાન : આવી સ્થિતિમાં તારાથી હમણાં ને હમણાં ઘેર જવાય જ નહિ. આજની રાત અહીં જ આરામ લે. (એનું માથું હેતથી દબાવી) દેવી ! તારાં ઉપવાસવ્રતોથી શ્રમિત મુખ પર પણ અવર્ણનીય આનંદ દેખાય છે. સાવિત્રી : જુઓ ને નિશાપતિ પણ પુનર્જીવન મળતાં કેવો મત્ત જણાય છે ! સત્યવાન : તારે કેટલાં કષ્ટો મારી ખાતર ભોગવવાં પડ્યાં ! આ વ્રતો ને આ ઉપવાસો ! સાવિત્રી : એ વ્રતો ન કર્યાં હોત તો યમરાજાને જોવાની શક્તિ મારામાં ન હોત, તો એની સાથે બોલવાની તો ક્યાંથી જ ! સત્યવાન : અને એ ચિન્તામાં એક વર્ષ વિતાડવું ! દેવી ! તને માનુષી કેમ કહેવાય ? સાવિત્રી : (હસીને) હું માનુષી છું એ સિદ્ધ કરવું હોય તો થોડાં વનફળ લાવો. પછી જોજો, મારો ઉપવાસ કેમ ભાંગું છું. સત્યવાન : (ઊઠીને) હું વનફળ લેવા જાઉં છું. આપણે મોટા ઉત્સવથી તારા વ્રતની પૂર્ણાહુતિ કરીશું. [સત્યવાન જાય છે.] [પડદો પડે છે.]

પ્રવેશ ત્રીજો

[બીજે દિવસે પ્રભાતે એક તરફ ચંદ્ર અસ્ત થાય છે. બીજી તરફ સૂર્યનો ઉદય. સાવિત્રી ને સત્યવાન જળાશયને કિનારે હસ્તમાં હસ્ત રાખી આ કુદરતનું દૃશ્ય જેઈ રહ્યાં છે.] સત્યવાન : અસ્ત અને ઉદય એ સૃષ્ટિનો ક્રમ ગણાય છે. પરંતુ જગતવ્યોમમાંથી અસ્ત થતા મનુષ્યરૂપી તારલાનો ફરી ઉદય નથી જ. મારે નસીબે તો એ ઉદય પણ ભોગવવાનો (સાવિત્રી તરફ સપ્રેમ જોઈ) દેવી ! તારા જ પુણ્ય બળથી. સાવિત્રી : દેવ ! આજે આપણું જીવનપ્રભાત ઊગે છે એને પ્રેમથી વધાવીએ. [બન્ને જણાં હસ્ત જોડી ગાય છે.]

મંગલમય પરમ જ્યોત જો પ્રગટે પ્રાચી
ઉષાના પુનિત પાય, કંકુવર્ણ પૂર્વ માંહ્યા.
દીપ્તિમંત વ્યોમકાય, પ્રણમું શિષ નામી—મંગલ.
સુપ્રભાત ઉદિત ભયો, જીવનનો આરંભ થયો.
અંધકાર ગર્વ ગયો, પ્રણમું તમસારિ—મંગલ.

[ત્યાં 'સત્યવાન સત્યવાન'ના ઘોષથી જંગલ ગાજી ઊઠે છે.] સત્યવાન : આ તો પિતાજી આપણી શોધમાં નીકળ્યા લાગે છે ! [સામો સાદ આપે છે.] [દ્યુમત્સેન, પાછળ રાણી, ગૌતમ ઋષિ વગેરે આવે છે.] દ્યુમત્સેન : સત્યવાન ! તમે ક્યાં હશો, શું થયું હશે તેની ચિંતામાં આખી રાત ગાળી, ભગવાન ગૌતમે ધૈર્ય ન આપ્યું હોત તો પ્રાણ છોડતે. બેટા ! કંઈ વિઘ્ન તો નડ્યું નહોતું ને ? અમને તો અદ્ભુત ચમત્કાર થયો ને અમારાં ચક્ષુ ઊઘડી ગયાં–તમારી મદદે આવવા જ જાણે ઈશ્વરે પાછાં ન આપ્યાં હોય. ગૌતમદેવે અટકાવ્યાં ન હોત તો આખું જંગલ શોધી વળતે. બેટા ! કાંઈ વિઘ્ન તો નડ્યું નહોતું ને ? સત્યવાન : (સર્વેને પ્રણામ કરી) અમારે લીધે રાત ચિન્તામાં ગાળવી પડી તેથી ક્ષમા ચાહું છું. વિઘ્ન તો મોટું નડ્યું. બધાં : હેં ! શું ? સત્યવાન : ખુદ યમરાજ પોતે મને પરલોકમાં લઈ જવા આવ્યા હતા. આ કલ્યાણીના પુણ્યપ્રતાપે મને પુનર્જીવન મળ્યું ને આપને આપનાં ચક્ષુઓ પાછાં મળ્યાં. બીજા ચમત્કારો થશે તે વળી જુદા. [સત્યવાન સલજ્જ સાવિત્રીને આગળ કરે છે ને બધી હકીકત કહે છે.] વૃદ્ધ દંપતી : ખરાં જ અમે ભાગ્યશાળી કે આવી પુત્રવધૂ મળી. [ત્યાં અશ્વપતિ રાજા, એની રાણી વગેરે આવે છે. સાવિત્રી માતાપિતાને આવતાં જોઈ સામે જઈ ભેટી પડે છે.] રાજા તથા રાણી : (સાવિત્રી—સત્યવાનને કુશળ જેઈ વિસ્મય પામતાં) વત્સે ! તું કુશળ છે ને ? સાવિત્રી : આપની કૃપાથી આનંદમાં છું. પણ આપ અહીં ક્યાંથી ? રાણી : વત્સ સત્યવાનના આયુષ્યની કાલે મુદત ગઈ. વત્સે ! તારા દુ:ખમાં ભાગ લેવા મન અધીર થઈ પડ્યું હતું. અંતે ન રહેવાયું એટલે આવ્યાં. સાવિત્રી : (માને બરાબર નિહાળી) મા ! બહુ ક્ષીણ થયેલાં લાગો છો. રાણી : હું તો વૃદ્ધ થઈ, પણ આ તારું શરીર તો જો. સત્યવાન : (આગળ આવી બન્નેને પગે લાગી) એક વર્ષની અડગ તપશ્ચર્યાથી એણે દેહલતા કરમાવી મને પુનર્જીવન આપ્યું છે. રાજા તથા રાણી : (સાશ્ચર્ય, સાનંદ) હેં, એ કેમ થયું ? [સત્યવાન બધી વાત કહે છે ત્યાં મંડન સહ કેટલાએક સાલ્વી યોદ્ધાઓ આવે છે.] સાલ્વી યોદ્ધાઓ : દ્યુમત્સેન મહારાજનો જય થાઓ ! મહારાજ, આપના શત્રુને એના પાપનું પ્રાયશ્ચિત્ત મળ્યું છે. હવે તો પ્રજા ચાતકની જેમ આપની પ્રતીક્ષા કરે છે. [અશ્વપતિ તથા રાણી વિસ્મિત જોઈ રહે છે.] દ્યુમત્સેન : મારા સરદારો ! હું તો હવે વૃદ્ધ થયો. મારાથી આ વાનપ્રસ્થ છોડીને સંસારમાં ફરી પગ ન મુકાય. સાલ્વ દેશને યુવાન લોહીની જરૂર છે. રાજા ગમે તેટલા સારા હોય પણ વૃદ્ધ થતાં આગળ વધતી પ્રજાનું તંત્ર ચલાવવા નાલાયક જ બને છે. આ સત્યવાન યુવાન છે. મારે બદલે એને તમારો નેતા બનાવો. સરદારો : જેવી મહારાજની ઇચ્છા. અશ્વપતિ તથા રાણી : (સાવિત્રીને ભેટી) વત્સે ! તું ખરી ભાગ્યવાન, તારું સૌભાગ્ય અખંડ રહ્યું ને વળી રાજ્યરાણી થશે ! અમારાં કુળ તાર્યાં તે જુદાં. બ્રહ્માપત્નીનો આશીર્વાદ ફળ્યો. ખરે જ, તું પુત્ર કરતાં અધિક નીવડી. [ત્યાં નારદ ઋષિ આવી ચઢે છે.]

બધાં : દેવર્ષિ ! વંદન. નારદ : આજના આનંદોત્સવમાં હું પણ ભાગ લેવા આવ્યો છું. સત્યવાન ! એક વખત લગ્ન—તિલક કરવા આવ્યો હતો, આજે તને રાજ્ય—તિલક કરીશ. અણી ચૂક્યો સો વર્ષ જીવે. હવે તારું આયુષ્ય મોટું છે. તારી સહધર્મિણીને સાથે રાખી તારા દેશને ને જગતને તારજે. [રાજ્ય—તિલક કરતાં] ધનસંપત્તિ બધું મળ્યું; હવે કંઈ બાકી હોય તો આજે મંગળ પ્રસંગે માગી લે. સત્યવાન : ભગવન્ ! મારે પોતાને માટે તો બીજી શી ઇચ્છા હોય ? પણ— જેના પુણ્ય બળે મને જીવનની, આ લ્હાણ પાછી મળી, તે આર્યા તણી નામના જગવિષે, ચિરંજીવી થાય રે. સાવિત્રી સમ નારીઓ અવતરી, આ આર્યભૂમિ તણી, કીર્તિજ્યોત સદા જ્વલંત બળતી, રાખે સુકૃત્યો વડે. [તથાસ્તુ]