નારીસંપદાઃ નાટક/આ છે કારાગાર

From Ekatra Wiki
Revision as of 11:22, 14 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
5
આ છે કારાગાર


વર્ષા અડાલજા


લેખક વિષે

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યા અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી. 1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફેશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી. બીજી જ નવલકથા ‘તિમિરના પડછાયા' પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેના દેશ—પરદેશમાં ઘણા શો થયા. ‘મારે પણ એક ઘર હોય' નવલકથાને શ્રેષ્ઠ કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું અને દીર્ઘ લેખનયાત્રામાં અનેક પારિતોષિક, ઍવૉર્ડ્ઝ અને સન્માન મળ્યાં. તેમણે વણખેડાયેલા વિષયો પસંદ કરી, સત્યઘટના પ્રસંગો પાત્રોને નહીં સાંધો નહીં રેણ એ રીતે કલ્પનાથી રસીને એક પછી એક સામાજિક નિસ્બત ધરાવતી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપી છે. તેમની કલમ તેમને ક્યાં ક્યાં લઈ ગઈ છે ! લેપ્રસી કોલોની, જેલમાં, યુદ્ધના મેદાનમાં, તો મૅન્ટલી ચેલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, મધ્યપ્રદેશના ઘન જંગલમાં આદિવાસીઓ વચ્ચે. ‘ગાંઠ છૂટ્યાની વેળા' નવલકથા માટે દર્શકે કહ્યું હતું, આ કથાએ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે. નારાયણ દેસાઈએ કહ્યું, રક્તપિત્તગ્રસ્તોની કથા ‘અણસાર' નવલકથા તરીકે તો ઉત્કૃષ્ટ કલાકૃતિ છે જ પણ એથી વિશેષ પીડિત માનવતા માટે એક પૈગામ છે. તેમને અસંખ્ય પારિતોષિકો અને સન્માન પ્રાપ્ત થયાં છે. સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુ.સા. પરિષદ, ગુ.સા. અકાદમી અને મહારાષ્ટ્ર ગુ.સા. અકાદમીએ તેમનાં પુસ્તકોને પુરસ્કૃત કર્યાં છે. ગુ.સા. અકાદમી, મ.ગુ.સા. અકાદમી, નર્મદ સાહિત્ય સભા, સાંસ્કૃતિક અભિયાન, પ્રિયદર્શિની ઍવૉર્ડ જેવા લાઇફ ટાઈમ એચિવમેન્ટ સન્માન મળ્યાં છે. છેલ્લાં 50 વર્ષના રાજકીય સામાજિક બદલાવને પ્રતિબિંબિત કરતી તેમની બૃહદ યશસ્વી નવલકથા ‘ક્રોસરોડ’ને ગુ.સા. પરિષદનું સર્વોચ્ચ સાહિત્યકૃતિનું સન્માન સાથે બીજા અનેક ઍવૉર્ડ્ઝ મળ્યા છે. લાઇબ્રેરી ઓફ કૉંગ્રેસ અમેરિકાની, વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઈબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોના સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કવાઇઝમાં સાચવવામાં આવ્યાં છે. ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી. આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે. તેમની કથા પરથી ફિલ્મો, નાટકો અને ટી.વી. શ્રેણીઓ બની છે અને પારિતોષિકો મળ્યાં છે. 2009માં લંડન ઇન્ટરનેશનલ બુકફેરમાં ભારતની જુદી જુદી ભાષાના ડેલિગેશનમાં તેમની પસંદગી થઈ હતી, લિટરલી એકેડમી ઓફ નોર્થ અમેરિકાના આમંત્રણથી, કવિવર ટાગોરની જન્મજયંતી નિમિત્તે તેમને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું. તેઓ વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલાં છે. વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ. દિલ્હી સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ અને સાહિત્ય અકાદમીના ગુજરાતી પ્રાદેશિક બોર્ડ પર અત્યારે ત્રીજી ટર્મ માટે તેમની નિયુક્તિ થઈ છે. વર્ષો સુધી ઓલ ઇન્ડિયા રેડિયો — મુંબઈ પર લેખક—અભિનેત્રી તરીકે અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં ‘સુધા' અને ટાઈમ્સ ગ્રુપના ગુજરાતી 'ફેમિના’ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતાં. તેમના સર્જન પર અનેક વિદ્યાર્થીઓએ Ph.D. કર્યું છે, તેમનાં પુસ્તકો અભ્યાસક્રમમાં છે. પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow : Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં સ્પેરો લીટરલી ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સમાજના અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું કામ સર્જકનું છે.
વર્ષા અડાલજા



આ છે કારાગાર


બંદીવાન કેદીઓની જેલયાતનાનો



વર્ષા અડાલજા

</poem>




અર્પણ
વ્હાલાં માતાપિતાને

જેમણે શૈશવમાં રંગભૂમિ પર
પગરણ કરાવી, મુક્ત મને
વિહરવાનું સ્વાતંત્ર્ય આપ્યું.


"Aa Chhe Karagar will create a sensation with its great breakthrough exploding the Escapist Theater Fane to smitheteens."
Daily (3—2—84)


“‘આ છે કારાગાર' દ્વિઅંકી નાટક ગુજરાતી રંગભૂમિ માટે એક હરણફાળ છે. પાશવી ક્રૂરતાનો એક બૃહદકોશ છે.”
સમકાલીન (29—1—84)


"Drama gives the audience a taste of prison—life, so convincing that most of the audience is dazed when the show ends."
Times of India (20—3—84)


"કારાગાર જેવા વિવાદાસ્પદ નાટકને તખ્તા પર પૂરેપૂરા જોશ, જુસ્સા અને જુવાળ દ્વારા લાવવામાં દિગ્દર્શકે અનુભવ અને કોઠાસૂઝને સરસ કામે લગાડ્યાં છે. નાટકની પરાકાષ્ઠા તો પ્રેક્ષકોનાં હૃદયનો એક ધબકારો ચુકાવી દે છે.”
મુંબઈ સમાચાર (11—3—84)


અનુક્રમણિકા


1. જિંદગી જબ મૌન કારાગાર હો.
2. બંદીવાન સુરાવલી..
3. થોડું અંગત..
4. નાટકની ભૂમિકા.
5. અંક પહેલો.
6. અંક બીજો.


જિંદગી જબ મૌન કારાગાર હો...

તખતાના પડદા પાછળ પણ એક નાટક હોય છે જે સ્વયં લખાય છે અને સ્વયં જ ભજવાય છે. “હિન્દુસ્તાન ટાઇમ્સમાં ચાર લીટીના સમાચાર વાંચ્યા હતા. દિલ્હીની તિહાર જેલમાં ખૂની ચાર્લ્સ શોભરાજના ડ્રગ્સના ધીખતા કારોબાર સામે અવાજ ઉઠાવનાર આસિ. જેલર વેદપ્રકાશ ગર્ગની બદલી બિહારના એક ગામડામાં થઈ.” વાત બસ આટલી. એ સમયે દેશમાં ઇમર્જન્સીનો દોર હજુ ખતમ થયો હતો અને અખબારો, સામયિકો, પુસ્તકોમાં 'અંદર' જઈ આવેલા લેખકો, પત્રકારો, નેતાઓ, એક્ટિવીસ્ટો જેલના અનુભવો વિષે ખૂલીને લખતા હતા. એ સમયે ભાગલપુરની જેલમાં કેટલાય કેદીઓની આંખો, લાંબા તીક્ષ્ણ સોયાથી ફોડી તેમાં જલદ ઍસિડ રેડી તેમને અત્યંત ક્રૂર રીતે અંધ બનાવી દેવામાં આવ્યા હતા. પાછું આ ઍસિડને ‘ગંગાજળ’ નામ આપ્યું હતું. અંધીકરણની આ ભયંકર ઘટનાથી આખો દેશ ખળભળી ઊઠ્યો હતો. ‘બંદીવાન’ – જેલજીવનની યાતનાનો બૃહદકોશ જેવી નવલકથા લખવાનું એ મારું ટ્રીગર પોઇન્ટ. અમેરિકાએ વિયેટનામના નાના ગામ માયલાય પર બૉમ્બ ફેંક્યો હતો ત્યારે 300—400 બાળકોનો લોહી નીતરતો માંસનો ઢગલો ‘લાઈફ’ મૅગેઝિનમાં જોયો ત્યારે ‘આતશ’— વિયેટનામ વૉર પર નવલકથા લખવાનું એ મારું ટ્રીગર પૉઇન્ટ હતું. એ સમયે માહિતીના આટલા સોર્સ ક્યાં હતા ! ગુગલ તો સપનામાંય નહીં. જુદાં જુદાં અખબારો, મૅગેઝિન્સ, પુસ્તકો શોધવા ખાસ્સી રખડપટ્ટી કરી. ઘરમાં ઢગલો થાય. મુંબઈમાં રામાયણ જગ્યાની. રાત્રે મારું રસોડું ‘બંદીવાન’ની ઑફિસ. એમાંથી પ્રસંગો, પાત્રો શોધી, કલ્પનાથી મારી વાર્તામાં ગૂંથી, નહીં સાંધો, નહીં રેણ એવી નિતાંત સુંદર નવલકથાની લખવાની મારી નેમ. બંગાળી લેખક જરાસંધની નવલકથાનું ગુજરાતી ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ અને જેલજીવનની બિમલદાની ‘બંદિની' ફિલ્મ મને પ્રિય. પણ એમાં સમભાવ અને કરુણાનો ભાવ વિશેષ હતો. મારે તો જેલમાં કેદીઓ પરના અત્યાચારો, ભ્રષ્ટાચાર, ગુંડાટોળી, રાજકારણીઓ અને જેલના કર્મચારીઓની સાંઠગાંઠનું પૂર્ણ વાસ્તવિક ભયંકર ચિત્ર રજૂ કરવું હતું. જે કદાચ ભારતની અન્ય ભાષાઓમાં પણ આલેખાયું નથી. જાણીતા નાટ્યકર્મીઓ ગિરેશભાઈ દેસાઈ અને કાન્તિ મડિયા મારા કૉલેજકાળથી મિત્રો. અમે સાથે નાટકો કરેલાં. એમણે 'બંદીવાન'ના કથાવસ્તુ પરથી આગ્રહપૂર્વક આ નાટક લખાવ્યું. (નાટકનો મૂળ જીવ હવે નવલકથા લખે તે કેમ ચાલે ?) સૂચના સાથે કે બૉલ્ડ જ લખજો. પૈસા અને સેન્સરનું જોયું જશે. રિવૉલ્વીંગ સ્ટેજ અને આઠ સેટિંગ્સ સાથે 'આ છે કારાગાર' લખાયું. સેન્સરમાં અટવાયું પણ પછી થાળે પડી ગયું. ગુજરાતી અને મરાઠીમાં ભજવાયું. ખૂબ પ્રશંસા પામ્યું ('ફર્સ્ટ થિયેટર ઑફ કુયલ્ટી'), પણ કૉમર્શિયલી થોડા જ શો થયા. રવિવારે પોપકોર્ન ખાતાં અંધીકરણ અને અત્યાચારો જોવાનું કોને ગમે ! અત્યારે નવા વિષયોની ફિલ્મ્સ, વેબ સિરીઝથી માહોલ બદલાયો છે. કન્ટેન્ટ ઇઝ ધ કિંગ. ઘણી સંસ્થાઓ નાટકો ખરીદે છે. કૉર્પોરેટ હાઉસીઝ સ્પોન્સર કરે છે. થિયેટર ફેસ્ટિવલ થાય છે. એ હવા ત્યારે નહોતી. ઠીક. થયું તે થયું. નાટકના કલાકારો, ટૅક્નિશિયનો સહુને અફસોસ થયો. મારો નાયક દેવપ્રકાશ ગર્ગ, મહાવીર શાહ હેન્ડસમ, ગુજરાતી રંગભૂમિ અને હિંદી ફિલ્મોનો ઊભરતો યુવાન કલાકાર. તેને અને તેના પિતાને કોઈપણ ભોગે આ નાટક બીજી ભાષાઓમાં ભજવવાની હોંશ. મહાવીરના પિતા, મને ખાસ સંદેશો લખે. આ નાટક અને નવલકથા બન્નેની સિક્વલ લખો, મારો મહાવીર જ એ રોલ કરશે. મહાવીરનું અમેરિકામાં રોડ ઍક્સિડન્ટમાં અકાળે અવસાન થયું. આઘાતમાં પિતાએ પણ વિદાય લીધી અને વાત અટકી પડી. પછી ટી.વી. સિરિયલોની શરૂઆત થઈ. બેત્રણ પ્રોડ્યુસરોએ હામ ભીડી પણ સેન્સરના ડરથી, કૉમર્શિયલી ચાલશે કે નહીં એ ડરથી ફરી નાટક અટક્યું. એક પ્રોડ્યુસરે મહારાષ્ટ્રના કિલ્લામાં જેલનો સેટ કરી શૂટિંગ કરવા ધાર્યું, પણ ટી.વી. પર ફેમિલી ડ્રામાની બોલબાલા ત્યારે હતી, આજેય અકબંધ છે. ઘણા વખતથી આઉટ ઓફ પ્રિન્ટ હતું. મારી છેલ્લી કોપી પણ કોઈ ઉત્સાહી કૉલેજિયન લઈ ગયો, કોઈએ ઝેરોક્સ કોપી આપી. આ તેનો પુનર્જન્મ. સંપૂર્ણ નાટ્ય સ્ક્રિપ્ટ પ્રગટ કરવી હતી એટલે પ્રખ્યાત સંગીતકાર અજિત મર્ચન્ટ જેમણે નાટકનો બેકગ્રાઉન્ટ સ્કોર કર્યો હતો તેમણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર લેખ લખી આપ્યો, જે વિષે આપણે ભાગ્યે કશું જાણતા હોઈએ છીએ ! છેલ—પરેશે સેટ્સના ડ્રૉઇંગ્સ બનાવી આપ્યા. નાટકમાં દેવપ્રકાશ, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ (મૂળ નામ જ રાખ્યું છે) સંતોષ બાગ—40 નંબર, નીલમણિ, વકીલ મહેશ ખૈતાન, રિપોર્ટર રાજન, રામચંદ્ર બધાં જ સાચાં પાત્રો છે. ગાંધીજીના 'યરવડાના અનુભવ' નામથી 1925માં, જેલના ભયંકર અનુભવોનું પુસ્તક પ્રગટ કર્યું હતું, તેમાં પણ તેમણે જેલના અત્યાચારો, ગેરવહીવટ વગેરે વિષે લખ્યું છે. તે સમય 1925, 1984 અને અત્યારે 2021. થાય છે કાટ લાગેલું સમયચક્ર ફર્યું નથી. ફરી જોવા ચાહું છું ભારતની જેલોનું ચિત્ર કેવું છે ? હવે માહિતી માટે મારે રખડપટ્ટીની જરૂર નથી. ગુગલ ખોલતાં જ ક્રૂરતાનો બૃહદકોશનો ગંજાવર ચોપડો ખૂલી જાય છે. હા, જેલ સુધારણા સમિતિઓ રચાઈ છે. કોર્ટમાં પબ્લિક લેટીગેશન અપીલ થતી રહે છે, ક્યાંક સુધારણાનો ઝબકાર દેખાય છે અને ફરી અંધકાર. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો નોંધે છે, જગ્યાના અભાવે ભારતની જેલોમાં ઠાંસોઠાંસ કેદીઓ ભરેલાં છે. જેમાંનાં 2/3 અન્ડરટ્રાયલ છે જે રીતસર જેલોમાં સડી રહ્યા છે અને દેશને લૂંટતા ભાગેડુ શ્રીમંતો માટે સુવિધાજનક કોટડીઓ તૈયાર કરાય છે. અસંખ્ય પ્રસંગો છે, અત્યાચાર અને ભ્રષ્ટાચારના. નાગપુરની જેલમાં પુરુષ વૉર્ડનો સ્ત્રી કેદીઓને કહેતા, માસિકધર્મમાં છે ? ચાલ, ઉતાર કપડાં. નાગી થા. દેખાડ લોહી તો છ સાદા નેપકીન આપું. (પેડ નહીં.) એ તો એક જ દિવસમાં ખતમ ! સુપ્રીમ કોર્ટમાં જજ રંજના પી. દેસાઈ જેમણે ચેન્નાઈની ઑલ ઇન્ડિયા ફેડરેશન ઑફ વિમેન લૉયર્સની કૉન્ફરન્સમાં કહ્યું, “આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સ્ત્રીઓના અધિકારોની સુરક્ષા માટે સદંતર નિષ્ફળ ગઈ છે. જેલમાંથી છૂટ્યા પછી પુરુષ હજી પોતાનો રસ્તો કરી શકે છે પણ સ્ત્રીઓ માટે સર્વ દરવાજાઓ બંધ થઈ જાય છે. નૅશનલ ક્રાઇમ રિપોર્ટ પ્રમાણે લગભગ 20,000 જેટલાં બાળકો જેલમાં જ જન્મ્યાં છે. તેમને બહારની વિશાળ દુનિયા વિષે કંઈ ખબર નથી. કૂતરા—બિલાડીનો ફરક પણ તે જાણતાં નથી.” એમ તો જેલનાં બાળકો માટે ઘણી યોજનાઓ છે પણ મોટે ભાગે કાગળોમાં કેદ છે. અંદાજે દર વર્ષે 1 હજાર કેદીઓ જેલમાં મૃત્યુ પામે છે. છત્તીસગઢના દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં શેડ્યુલ કાસ્ટની માતા—શિક્ષિકા સોની સૂરીને પોલીસ લઈ ગઈ. સોનીએ કેમે કરીને સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો, “સુપ્રિન્ટેન્ડન્ટ મને સતત ઇલેક્ટ્રિક શોક આપે છે અને બધાંની સામે નગ્ન ઊભી રાખીને મારી ગંદી મશ્કરી કરે છે.” એક ભલા જેલરે જેલમાં પુસ્તકમેળો રાખ્યો, એક જ કલાકમાં 30 હજાર રૂપિયાનાં ગીતા, મહાભારત, રામાયણ જેવાં પુસ્તકો વેચાયાં. તોય ત્રાજવાનાં બે પલ્લામાં અંધારી કોટડીનું પલ્લું જ નીચું નમે. જેલજીવનની મારી જૂની ફાઇલ ખોલું છું, તેમાંથી કોઈ મૅગેઝિનનો ફાટેલો કવિતાનો અડધો કાગળ હાથમાં આવે છે,

તાર હૈ કંટીલે સે, પંખ હૈ થકે થકે,
દર્દકી દિવાર કૈસે પાર હો,

જિંદગી જબ મૌન કારાગાર હો,
એક ઉન્માદી ક્ષણ
જિંદગી ધૂલકા કણ.

નાટકમાં દેવપ્રકાશ છેલ્લે કહે છે, એક જગ્યાએ સૂરજ આથમે છે તો બીજી જગ્યાએ સૂર્યોદય થતો હોય છે. નવભારતનો સૂર્ય ક્યારે ઉદય પામશે ? 1/4/2021 — વર્ષા અડાલજા એ/2, ગુલબહાર મેટ્રો આઈનોક્સ થિયેટર પાછળ બૅરેક રોડ મુંબઈ — 400 020 ઈમેઈલ : varshaadalaja@gmail.com

બંદીવાન સુરાવલી

1983ના ડિસેમ્બરની શરૂઆતના દિવસોમાં ગિરેશભાઈ દેસાઈ મારે ઘેર આવ્યા. ઔપચારિક વાતચીત પત્યા પછી એમણે 'આ છે કારાગાર’ નાટકના પહેલા અંકની પ્રત આપતાં કહ્યું, “વર્ષા અડાલજાએ આ નાટક લખ્યું છે જેનું હું નિર્માણ તથા દિગ્દર્શન કરવાનો છું. સંગીત તમારે આપવાનું છે. ગણતરીના દિવસોમાં હું રિહર્સલ્સ શરૂ કરીશ; પણ તે પહેલાં તમે વાંચી જજો જેથી સંગીત માટે કંઈક વિચારી શકો.” ત્યાર બાદ ગિરેશભાઈએ નાટકના વસ્તુની આછી રૂપરેખા સંભળાવી અને બાકીના અંકોનું લખાણ તૈયાર થતું જશે તેમ તેમ પહોંચાડશે એની ખાતરી આપી. 'આ છે કારાગાર' નાટકના વસ્તુની વિગતો સાંભળી કે તુરંત, હજી હમણાં જ વૃત્તપત્રોમાં વાંચેલા તિહાર અને અન્ય કારાગૃહોમાં ચાલતા અત્યાચારોના અહેવાલોનો પડઘો મનમાં પડયો. નામચીન દાણચોરો, ગુંડાઓ, ગૉડફાધર્સ અને ડાકુઓએ કારાગૃહોની તોતિંગ દીવાલો પાછળ કેવી રીતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું એ વિષેના વિગતવાર રોમાંચક અહેવાલો Investigative પત્રકારોએ વૃત્તપત્રોમાં છાપી ખાસ્સો એવો ઊહાપોહ જગાવ્યો હતો. આ બધી વિગતો એકઠી કરી વર્ષા અડાલજાએ આ નાટક — Bold નાટક— લખ્યું છે એમ ગિરેશભાઈએ જણાવ્યું. હજી થોડા મહિના પહેલાં જ વર્ષા અડાલજા લિખિત ‘ગાંઠ છૂટ્યાની વેળા' વાંચ્યું હતું. મધ્યપ્રદેશનાં આદિવાસીઓનાં જીવન પર, અન્યથા શુષ્ક બની જાય તેવા વિષયને રસપ્રદ રીતે 'કલ્પન' (Fiction) સ્વરૂપે વર્ષાએ લખ્યું હતું અને હું તેનાથી પ્રભાવિત તો હતો જ. ‘આ છે કારાગાર'નો પહેલો અંક વાંચ્યો. ધીરે ધીરે આગળનાં પૃષ્ઠો જેમ જેમ મળતાં ગયાં તેમ તેમ વાંચતો ગયો અને મારી શંકા દૃઢ થતી ગઈ. મહારાષ્ટ્ર રાજ્યના તમાશા બૉર્ડના સભાસદો આ નાટક ભજવવા પર ચોક્કસ પ્રતિબંધ મૂકશે અથવા તો ભયંકર વાઢકાપ કરવાની ફરજ પાડશે. આવા સંજોગોમાં વર્ષાબહેન અને ગિરેશભાઈ નમતું નહીં જ આપે એ પણ મને ખાતરી હતી. તદ્—ઉપરાંત માત્ર મનોરંજન માગતા ગુજરાતી પ્રેક્ષકવર્ગને આ Bold નાટક રુચિકર થશે કે કેમ એવી બીજી શંકા પણ ઉદ્ભવી. 'આ છે કારાગાર'ના રિહર્સલ્સમાં હાજરી આપી અને સંગીત વિષે વિચારવા માંડ્યું. આજ સુધી લગભગ એકસો ને વીસ ગુજરાતી-મરાઠી નાટકોમાં સંગીત દિગ્દર્શન કર્યું છે. એક વ્યવસાયી સંગીતકાર તરીકે હું એટલું ચોક્કસપણે કહી શકું કે ચિત્રપટોમાં સાંભળવા મળતું સંગીત ભાગ્યે જ સર્જનાત્મક હોય છે. ચિત્રપટોમાં ગવાતાં ગીતોની તરજો બહુધા પશ્વિમી કે યુરોપિયન સંગીતમાંથી સ્વરશ: ઉઠાંતરી કરેલી હોય છે. સંગીતવ્યાસંગીઓને આ સર્વવિદિત છે; પણ ફિલ્મ્સ કે નાટકોના પાર્શ્વસંગીતમાં Creative કહી શકાય તેવા સંગીતસર્જનના સ્તુત્ય પ્રયાસો થયા છે અને થતા રહે છે. નાટક કે ફિલ્મ્સમાં આવતા પ્રસંગોપાત્ત સંગીતના ટુકડાઓને Incidental Music કહી શકાય. નાટક કે ફિલ્મની વાર્તાને ખ્યાલમાં રાખી, પાર્શ્વસંગીતની જરૂરત જણાય તેવા પ્રસંગો માટે અલગ અલગ પ્રકારના સંગીત ટુકડાઓ (Music Pieces) રચવા પડે છે. આ વિવિધ સંગીત—ટુકડાઓના ધ્રુવીભવન (Polarization) માટે વાર્તાના વસ્તુને અનુરૂપ એક સંગીત ધ્રુવપદ (Musical Phrase) જેને યુરોપીયન સંગીત પદ્ધતિમાં Lite Motiv (લાઈટ મોટિફ) કહે છે. તે પ્રથમ વિચારવું પડે છે. આ ધ્રુવપદને ફરી ફરીથી વાપરી સ્વૈર—વિહારો કરી, વિવિધતા આણી પ્રસંગાનુરૂપ પાર્શ્વસંગીત રચાય છે. જો આમ ન થાય તો વાર્તાના વસ્તુની સળંગતા જળવાય નહીં અને છૂટાછવાયા અર્થહીન સંગીતટુકડાઓ વાપર્યા હોય તેવું લાગે. 'આ છે કારાગાર' નાટકમાં પાર્શ્વસંગીતની જરૂરત પડે તેવા પ્રસંગો એકંદરે અત્યાચારના અને Excitementના હતા. મોટા ભાગનાં દૃશ્યોમાં ઑફિસનાં કે વૉર્ડનાં હતાં. દેવપ્રકાશના ઘર સિવાય સામાજિક કે કૌટુંબિક વાતાવરણનાં દૃશ્યો નહિવત્ હતાં. અત્યાચારોનાં દૃશ્યોમાં અલગ પ્રકારનું વાતાવરણ હતું. ફિલ્મ્સની શરૂઆતમાં જેમ Title Music આવે છે તેમ નાટકની શરૂઆતમાં આવતા સંગીતને Overture કહેવામાં આવે છે. નાટકના વસ્તુનિર્દેશનું સંગીત. આ Overtureમાં વાતાવરણ ખડું કરવા માટે સંગીત ધ્રુવપદનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો પડે છે. ‘આ છે કારાગાર’ નાટક માટે કારાગૃહની તોતિંગ દીવાલો પાછળ જ અનુભવવા મળે તેવી નીરવ ભયાનકતા Overtureમાં લાવવી પડશે એવો નિર્ણય લીધો. 1942ના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાંગફોડિયા પ્રવૃત્તિમાં પકડાયા બદલ મને જેલનો અનુભવ મળ્યો હતો. એ દિવસોની જેલની મહેમાનગીરી દરમિયાન કારાગૃહમાં સતત હાજર રહેતી નીરવ ભયાનકતાનો અનુભવ મને દર કલાકે થતા ઘંટારવમાં થતો. આ સિવાય 'ગિનતી’ના સમયે કે બૅરેકમાંથી ભોજનાલયના ખંડમાં કે હલનચલન કરતા કેદીઓના પગમાં રહેલી બેડીઓનો ખડખડાટ પણ યાદ રહી ગયો. Overtureમાં, જેલમાં થીજી ગયેલી નીરવ ભયાનકતાનો ખ્યાલ ઊભો કરવા Electronic Sythesisertના Key Boardમાં સ્વરબાંધણી કરી. સાથે અન્ય વાદ્યો જે ભયાનક વાતાવરણ ઊભું કરી શકે તે પણ વાપર્યાં. રેકર્ડિંગ દરમિયાન જેલના ટાવરમાં હર કલાકે પડતા મૃત્યુઘંટના ઘેરા ટકોરાઓનું સંમિશ્રણ કર્યું. અને તે માટે Tuber Bells નામના વાદ્યનો ઉપયોગ કર્યો. આ સાથે ઘસડાતી બેડીઓનો ખણખણાટ Superimpose કરી Overture બનાવ્યું. ધ્વનિમુદ્રિત કરતાં પહેલાં ગિરેશભાઈએ સાંભળ્યું અને માન્ય રાખ્યું. શરૂઆતના Theme Musicના ધ્રુવપદને નાટકમાં આવતા જુદા જુદા પ્રસંગો માટે અલગ અલગ તરીકાઓથી સ્વૈરવિહાર કરીને ‘આ છે કારાગાર'નું સંગીતસર્જન કર્યું. સ્વરલિપિમાં આ સંગીતદૃષ્ટાંતો લખવામાં આવે તો મારો સંગીત તરજુમો સહેલાઈથી સમજાવી શકાય; પણ સ્વરલિપિ વાંચી શકે તેવો વાચકવર્ગ કેટલો ? મેં કોઈ શ્રેષ્ઠ સંગીતસર્જન કર્યું છે તેવો દાવો હરગિજ કરતો નથી. માત્ર નાટકના વસ્તુને વફાદાર રહી, નાટકનાં દૃશ્યોમાં રહેલી ધારી અસરને સહાયભૂત થવા એક ઉપકરણ તરીકે જ મેં સંગીતસર્જન કર્યું છે અને છતાં એટલું ચોક્કસ કહીશ કે અત્યાર સુધી ઘણાં નાટકોમાં સંગીત આપ્યું છે; પણ આ નાટકનું સંગીત તૈયાર કરતાં મારા કલાકાર આત્માએ ખરેખર તૃપ્તિ અનુભવી છે. — અજિત મર્ચંટ

થોડું અંગત

એક નાટકનો અંતિમ શો ભજવાય, પડદો પડે પછી રહે છે સીમિત પ્રેક્ષકગણની સ્મૃતિમાં, સ્મૃતિદર્પણ પણ પછી ધૂંધળું થઈ જાય છે. નાટ્યરસિકોની એક આખી પેઢી, ના પછીની પેઢીઓ એ નાટકથી વંચિત રહી જાય છે. પણ નાટકની હસ્તપ્રતનું પ્રગટ થયેલું પુસ્તક નાટકને નવું જીવન આપે છે, નાટ્યઇતિહાસનું એક અંગ બને છે. એના સમયનું એ ડોક્યુમેન્ટેશન પણ. સિત્તેરના દાયકામાં દૂરદર્શન શરૂ થયું ત્યારે અમદાવાદ દૂરદર્શન માટે મેં જ્યોતિ, નારીકેન્દ્રી સિરીયલ માટે જુદા જુદા લેખકોની વાર્તાઓ પસંદ કરી તેનાં પટકથા સંવાદ મેં લખ્યાં હતાં. 1932માં લખાયેલા ઉમાશંકરના ગ્રંથસ્થ એકાંકિસંગ્રહમાંથી ‘સાપના ભારા'નું મેં ટેલિપ્લે લખ્યું હતું અને કાળવનને વીંધીને એ વિડીયો કેસેટ અસંખ્ય દર્શકો સુધી પહોંચી હતી. મારા દીર્ઘ એકાંકિ ‘મંદોદરી'ની આવૃત્તિઓ પ્રગટ થઈ અને એ નાટક અનેક સ્વરૂપે આકાશવાણીથી પૃથ્વી થિયેટર સુધી પહોંચી શક્યું. સ્કૂલ—કૉલેજની, બીજી અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યું. મારું પ્રગટ દ્વિઅંકી નાટક એક, 'આ છે કારાગાર' પણ બીજાં દ્વિઅંકી નાટકો ભજવાયેલાં અને ન ભજવાયેલાં નાટકો વીંગમાં તખ્તાપ્રવેશની રાહમાં છે. 1996માં લોકપ્રિય કલાકાર શફી ઈનામદાર મારે ઘરે આવ્યા અને લાઇફ બીગીન્સ એટ ફોર્ટી એ એક લાઇન પરથી, નારીકેન્દ્રી નાટક મારી પાસે લખાવ્યું, 'શારદા.' ફાઇનલ સ્ક્રીપ્ટ એ મારી પાસેથી લઈ ગયા અને થોડા જ વખતમાં એમનું અવસાન થયું. એ સ્ક્રીપ્ટ પછી હાથવગી થઈ જ નહીં. જૂના ડ્રાફટ પરથી નવો અવતાર કર્યો અને સંજય ગોરડિયાએ દેશ વિદેશમાં તેના ઘણા શોઝ કર્યા. પણ સ્ક્રીટસ્વૈરવિહારિણી ફરતી રહી અને એને પકડી લાવી, હસ્તપ્રત તૈયાર કરવી એમાં રહી તે રહી. બીજાં બે સફળતાપૂર્વક ભજવાયેલાં નાટકો પણ અપ્રગટ છે. મારી નવલકથા ‘તિમિરના પડછાયા' પરથી અનિલ મહેતાએ નાટક લખ્યું. ભારતમાં અને ટી.વી. પર ભજવાયું. ખૂબ લોકપ્રિય થયું. વર્ષો પછી પદ્મારાણીએ તેના લંડનમાં ફરી શોઝ કર્યા, વિષ્ણુભાઈ વ્યાસે 'રેતપંખી' નવલકથા પરથી દ્વિઅંકી નાટ્યાંતર કર્યું, એમના દિગ્દર્શનમાં રાજેન્દ્ર બુટાલા પ્રોડક્શને સફળતાપૂર્વક ભજવ્યું. આ બંને આમ તો મારાં જ નાટકો પણ મારી પાસે નથી, અપ્રગટ જ રહ્યાં. મારી 'અણસાર' નવલકથા પરથી લંડન પાટીદાર સમાજે ખાસ આગ્રહપૂર્વક દ્વિઅંકી લખાવ્યું, તેના અવેતન શોઝ કર્યા. એ પણ વીંગમાં પ્રતિક્ષામાં ઊભી છે. ફિલ્મ અને નાટકના પ્રતિભાશાળી કલાકાર વિજય દત્તે મારી રહસ્યકથા 'અવાજનો આકાર' પરથી તેમના યુવા પુત્ર પરાગ માટે ખાસ દ્વિઅંકી લખાવ્યું. પરાગનો તખ્તાપ્રવેશનો તેમને ખૂબ ઉત્સાહ હતો, દિગ્દર્શન પણ એ કરવાના હતા. પણ પરાગ તેની પત્ની અને પુત્રનું વિમાન અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. આ કરુણાંતિકા પછી વિજયભાઈ પણ ચાલી નીકળ્યા. એમના હસ્તાક્ષર હજી એ સ્ક્રીપ્ટ પર છે. વર્ષો પહેલાં લખાયેલું નાટક થોડો મોર્ડન ટચ માગે પણ મેં એ ફાઈલમાં મૂકી દીધું છે. એ જ રીતે ભારતીય વિદ્યાભવનના કમલેશ મોતાને ગુણવંતરાય આચાર્યની ‘હાજી કાસમ તારી વીજળી' પરથી તખ્તા પર દરિયાઈ નાટક કરવું હતું, તખ્તા પર વહાણ, તોફાન લાવીને મોટા ગજાનું નાટક કરવાનું સપનું હતું. કમલેશ કહેતો, આપણે ગુજરાતી રંગભૂમિ પર વીજળીનો ઝબકાર કરશું. એણે અચાનક એક્ઝીટ કરી. શફી ઈનામદારે ‘શારદા' લખાવ્યું. પછી મને બે નાટકો તૈયાર રાખવાનું કહ્યું, મેં ફર્સ્ટ ડ્રાફ્ટ મહેનતથી લખ્યા. શફીભાઈ કહે આપણે મિટિંગ કરી, તેની પર કામ કરીશું. શફીભાઈની પણ એક્ઝીટ. એ બન્ને ડ્રાફ્ટ પણ લાંબા સમયથી ફાઇલોમાં કેદ. પહેલાં રેડિયો માટે પછી ટી.વી. માટે નાટકો લખ્યાં, બીજાની કૃતિઓ પરથી નાટ્યાંતર કર્યું પણ ત્યારે ઝેરોક્સ નહીં એટલે ઉત્સાહમાં સ્ક્રીપ્ટ આપી દેતી. ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં લખાયેલાં નાનાંમોટાં નાટકો, સ્ક્રીપ્સ, કાળદેવતાને અર્પણ. થોડાં હાથ લાગ્યાં તેના બે એકાંકીસંગ્રહો, 'શહીદ' અને 'વસંત છલકે' પ્રગટ કર્યા. લાગે છે એક આખું વર્ષ નાટ્યદેવતાને ચરણે ધરવું પડશે. 'આ છે કારાગાર' નાટક વર્ષોથી આઉટ ઑફ પ્રિન્ટ હતું. એનાં નાનામોટા ખંડો ક્યાંક ભજવાતા રહેતા. હમણાં એની ઝેરોક્ષ કૉપી કોઈએ મને આપી એટલે આ તેનો યથાતથ પુનરાવતાર. ગિરેશ દેસાઈએ તો આગ્રહપૂર્વક ખર્ચાળ પ્રોડકશની સ્ક્રીપ્ટ લખાવી ને ખોટ ખાઈને ભજવ્યું. મરાઠીમાં ય ભજવ્યું. ગિરેશભાઈ, મડિયા, મહાવીર, અજિત મર્ચંટ સહુએ વિદાય લીધી એટલે આ મારું સ્મૃતિતર્પણ પણ છે. પણ હવે બદલાયેલા સમયમાં આવું ખર્ચાળ પ્રોડકશન સંભવ નથી. પ્રકાશન આયોજન અને સિમ્બોલિક સેટ્સથી ભજવી શકાય. જરૂર હોય તો એડીટીંગ કરી શકાય. નાટકનું કથાવસ્તુ અને સંઘર્ષ તો આજે પણ એટલા જ રીલેવન્ટ છે. નાટક કોપીરાઇટથી સુરક્ષિત છે. નાટક કે એના અંશોની ભજવણી કે બીજો કોઈ ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી જરૂરી છે. પણ નાટક ભજવવા માટે છે, સો વેલકમ.

— વર્ષા અડાલજા

નાટકની ભૂમિકા

જેલ, સમાજનો આ અંતિમ રહસ્યમય ખૂણો. કાળમીંઢ પથ્થરની ઊંચી દીવાલો, તોતિંગ લોખંડી દરવાજા, કેવળ ઘન અંધકારની બનેલી કોટડીઓમાં સબડતું માનવ—અસ્તિત્વ, વજનદાર બેડીઓમાં બંધ હાસ્ય અને આંસુ, સ્વપ્નાંઓ અને આકાંક્ષાઓ. જેલ શબ્દ માત્ર ભય અને કુતૂહલ પ્રેરે છે. કારણ કે એ શબ્દ સાથે સંકળાયેલા છે અત્યાચાર, ત્રાસ, ભ્રષ્ટાચાર, ઊંચી દીવાલોના લંબાતા પડછાયાનો ઓથાર માનવ—અસ્તિત્વના ગૌરવને કચડી નાંખે છે. રહે છે માત્ર એક જંતુ, જે જેલ નામના સડી ગયેલા જખમમાં બીજા હજારો જંતુઓ સાથે ખદબદ્યા કરે છે. ભારત સરકારે જેલ સુધારણા સમિતિની રચના કરી છે (જુલાઈ 25, 1980). સમિતિએ અનેક જેલોની મુલાકાત લઈ તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે ભારતની જેલોમાં 60 ટકા કેદીઓ અન્ડરટ્રાયલ છે. જેઓ તદ્દન મામૂલી ગુના માટે પકડાઈને જેલોમાં ધકેલી દેવાયા છે, અને ઘણા તો છેક જ નિર્દોષ છે, જે શા માટે જેલમાં છે એની નથી તેમને ખબર કે નથી સત્તાવાળાઓને ખબર. જેલવહીવટના કાયદાકાનૂન જેલની દીવાલો જેટલા જ જૂના અને નિષ્ઠુર છે. 1894નો પ્રિઝન ઍક્ટ હજી ભારતની જેલોને લાગુ પડે છે. જેલવહીવટના કાયદાકાનૂનોનું જેલ મેન્યુઅલ ભાગ્યે જ કોઈ જેલ પાસે હોય છે. જેની પ્રત સુપ્રિન્ટેન્ડેન્ટે જ જોઈ નથી ત્યાં કેદીની શી વાત કરવી ? સ્ત્રીઓ, બાળકો, પાગલો, મામૂલી ગુનેગારો અને રીઢા ગુનેગારો ખાસ વર્ગીકરણ વિના, કોથળામાંના અનાજની જેમ એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે કે ઘણાં રાજ્યોની જેલોમાં કેદીઓને વારાફરતી ઊંઘવા મળે છે. સુધારણા સમિતિએ દિલ્હીની તિહાર જેલમાં વ્યાપક પ્રમાણમાં ચાલતા ભ્રષ્ટાચારની આકરી ટીકા કરી છે. પૈસા આપીને કેદી અહીં બધી જ સગવડતાઓ ખરીદી શકે છે. મુખ્ય દરવાજેથી જ ભ્રષ્ટાચાર-ખાયકી શરૂ થઈ જાય છે. ‘મિલાઈ ખર્ચ’ (મુલાકાત મેળવવા આપવી પડતી રકમ), રેશન-ખરીદીનાં ખોટાં બિલો, તબીબી ખર્ચનાં અને દવાનાં ખોટાં વાઉચરો, કેદીઓ પાસેથી પડાવાતી રકમ — એ સઘળું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. અફીણ, ગાંજો, મેન્ટ્રેક્સની ગોળીઓ અંદર આરામથી 'ચના—કુલચા'ના નામે ઘુસાડી શકાય છે. જેલોમાં ચાલતો ગેરવહીવટ અત્યાર સુધી ખુલ્લું રહસ્ય હતો; પણ ભાગલપુરના અંધીકરણના બનાવે જેલોમાં થતા અમાનુષી અત્યાચારને છેક ઉઘાડો પાડી દીધો. ત્યારથી જેલ પર લખવાનું મનમાં ઘોળાયા કરતું હતું. અંધીકરણની ઘટનાને પડછે, જડ ઘાલેલી જમીનદારી પ્રથા, વકરેલું રાજકારણ, ખુલ્લેઆમ ડાકુગીરી, ભયંકર જુલમ અને સરાસર અન્યાય અંધારયુગના બિહારનું ચિત્ર પણ સાથે ઊપસતું ગયું. મુંબઈની આર્થર રોડ જેલમાં જવાની કોશિશો કરી જોઈ; પણ વ્યર્થ. પત્રકારો કે લેખકોને જેલના સત્તાધીશો શેના અંદર જવા દે ! પીએચ.ડી. માટે સ્ત્રી કેદીઓની સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ કરવો છે એ બહાને એક મજબૂત ભલામણચિઠ્ઠીથી જેલમાં અંદર જવા મળ્યું. થોડી સ્ત્રી કેદીઓ સાથે વાતો કરવાની તક મળી. જેલની ભૂગોળ નાટકની દૃશ્યરચના માટે અને નવલકથા માટે મને ઉપયોગી નીવડી. ધૂંધળા ચહેરાઓનું પ્રતિબિંબ મનમાં ઝિલાયું. એ દરમિયાન 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટર અશ્વિની સારીને જેલોની અંદરખાનેથી માહિતી મેળવવા, જાતે પકડાઈ હિંમતથી દિલ્હીની તિહાર જેલમાં ગયા પછીથી ‘ઇનસાઇડ જેલ' નામની લેખમાળા લખી ત્યારે જેલના સત્તાવાળાઓ ચોંકી ઊઠયા હતા. દિલ્હીની સાહસિક પત્રકાર કુમકુમ ચડ્ડાએ પણ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડી, તિહાર જવાની રજા મેળવી અને જેલોમાં થતા અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ લૉક—અપમાં થર્ડ ડિગ્રી ટોર્ચરની કમકમાટી ભરી વિગતો વિષે એણે પુસ્તક લખ્યું ‘ઇનસાઇડ જેલ.' શીલા બારસે અનેક સામાજિક સંસ્થાઓ, સરકારી રિમાન્ડ હોમ્સ અને જેલોમાં નિર્દોષ વ્યક્તિઓને ન્યાય અપાવવા એક વીરાંગનાની માફક ઝઝૂમતી રહી છે. આ બધાં પુસ્તકો, મૅગેઝિન્સ અને અખબાર કટિંગ્સની મોટી ફાઇલ બની. મનમાં નવલકથાનો ઘાટ ઘડાતો જતો હતો. સાચા પ્રસંગો, પાત્રોને કથારસમાં ઢાળીને મૂકવાં, એ વિચારમાં હતી ત્યાં અચાનક કથાનાયકનો મેળાપ પણ થઈ ગયો. તિહાર જેલમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ વેદપ્રકાશ ગર્ગ હતો. તિહાર જેલમાં ચાર્લ્સ શોભરાજ નામના આંતરરાષ્ટ્રીય ગુનેગારના એકચક્રી શાસનને ગર્ગે પડકાર્યું. આ હિંમતવાન અને પ્રામાણિક યુવાને ભારતીય જેલોના ઇન્સ્પેક્ટર જનરલને પત્ર લખીને જેલમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાણ કરી. પરિણામ એ આવ્યું કે એની બદલી થઈ ગઈ. એ વેદપ્રકાશ તે મારા નાટકનો નાયક દેવપ્રકાશ. કલકત્તાના 'ટૅલિગ્રાફ'ના તરુણ પત્રકાર બરૂન ઘોષે જોખમ વેઠીને પણ જેલમાં અત્યાચારથી થયેલા સંતોષ બાગ નામના કેદીના મૃત્યુનો અહેવાલ પ્રગટ કર્યો અને ખળભળાટ મચી ગયો. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય રાજેશ ખૈતાને કલકત્તા હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ પર પત્ર લખીને જેલમાં પ્રવર્તતી સ્થિતિ પર ધ્યાન દોર્યું. એ પત્રને અરજી તરીકે સ્વીકારી અમાનુષી સ્થિતિના અહેવાલોની ચકાસણી કરવા માટે 'ટેલિગ્રાફ'ના તરુણ ગાંગુલી અને ‘સ્ટેટ્સમેન'ના સેનગુપ્તાની કોર્ટના ખાસ અધિકારી તરીકે ન્યાયમૂર્તિએ નિમણૂક કરી તેમને જેલમાં તપાસ માટે મોકલ્યા. ભારતીય ન્યાયતંત્રની આ એક વિરલ ઘટના છે. ડમડમ જેલમાં સબડતાં નિર્દોષ બાળકો, કશા ગુના વિના જેલમાં જાનવરની જેમ ગોંધી રાખવામાં આવેલા પાગલોની કમકમાટીભરી તસવીરો અને અહેવાલ આ પત્રકારોએ રજૂ કરતાં ન્યાયમૂર્તિને એટલો આઘાત લાગ્યો કે તે જ ક્ષણે કોર્ટની કાર્યવાહી થંભાવી એ જાતે ડમડમ જેલમાં પહોંચી ગયા હતા. હાઈકોર્ટના પ્રતિબંધ છતાં આ તસવીરો ‘ટેલિગ્રાફ’ના તંત્રી એમ. જે. અકબરે પ્રથમ પાને પ્રગટ કરી; એટલું જ નહીં, તે તસવીરોનાં પોસ્ટરો બનાવી તેણે કલકત્તા શહેરની દીવાલો પર લગાડ્યાં. સાથોસાથ બસુ સરકારને આહ્વાન કર્યું. આ તસવીરો પ્રજાને બતાવવી ગુનો હોય, તો મને ભલે સજા થઈ જાય. એ તસવીરો સાથેના લેખનું મથાળું હતું: “મિ. બસુ, તમારી પાસે જો આંસુ હોય તો ડમડમ સેન્ટ્રલ જેલના આ કેદીઓ પર વહાવો.” બિપિન કોટકે આ કથાવસ્તુ પર નાટક ભજવવાની વાત કરી; એટલે નવલકથા અધૂરી રહેવા દઈ સમય, સ્થળ અને પ્રસંગોના વિશાળ પટમાં ફેલાયેલી કથામાંથી દોઢ કલાકનું પ્રયોગલક્ષી એકાંકી લખ્યું જે સેટ્સ વિના માત્ર પ્રકાશઆયોજનથી પૃથ્વી થિયેટરમાં ભજવવાનું હતું; પણ બિપિનની માંદગીથી અટક્યું. એક વખત ગિરેશ દેસાઈએ કહ્યું, તદ્દન નવા વિષયનું મૌલિક નાટક ક્યારે આપો છો ? તમારો તો તખ્તાનો અનુભવ છે જ. એમણે કહ્યું અને મેં કારાગારની સ્ક્રિપ્ટ આપી. એમને ખૂબ ગમી; પણ એક જ વાંધો હતો. રવિવારની સાંજે મોંઘી ટિકિટ લઈ મોટા થિયેટરમાં મનોરંજન માટે નાટક જોવા આવતો ગુજરાતી પ્રેક્ષકવર્ગ દોઢ કલાકનું સેટિંગ વગરનું નાટક સ્વીકારે નહીં. ગિરેશે કહ્યું, હું આ નાટક કરીશ જ. ભલે પાત્રોનો જમેલો રાખો, અને વધુ સેટિંગ્સવાળાં દૃશ્યો ઉમેરો. મેં ફરી નાટક લખ્યું. અમારા બંને માટે પડકાર હતો. 42 જેટલાં પાત્રો અને બે રિવૉલ્વિંગ સ્ટેજ પર આઠેક વખત બદલાતી દૃશ્યરચનાવાળું એક મોટા ગજાનું દ્વિઅંકી નાટક તૈયાર થયું. જાણીતા કલાકારો અને કસબીઓએ દિગ્દર્શક ગિરેશ દેસાઈ જેટલી જ નિષ્ઠાથી ઓછા વળતરે કામ કર્યું. પાટકર હૉલમાં પ્રથમ પ્રયોગ ખૂબ અસરકારક રીતે ભજવાયો. પ્રેક્ષકો અને વિવેચકોની દાદ મેળવી. છતાં આર્થિક નુકસાનને લીધે થોડા શોમાં નાટક બંધ કર્યું; પણ જેટલા શો ભજવાયા તેમાં પ્રેક્ષકો સીધી રીતે સંડોવાયાનું અનુભવી શકાતું. મને યાદ આવતું, અમે ‘રંગભૂમિ' તરફથી સ્વ. ૨. વ. દેસાઈનું ‘પૂર્ણિમા' ભજવેલું જેમાં મેં રાજેશ્વરીનું—એક ગણિકાનું પાત્ર કરેલું. મહેફિલના એક દૃશ્યમાં મને અભિનય કરતી અને મારી પર થતો જુલમ જોઈ પ્રેક્ષકગૃહમાં નાટક જોતા મારા પપ્પાને (સ્વ. ગુણવંતરાય આચાર્ય) એ સચોટ દૃશ્યનો એટલો આઘાત લાગેલો કે એમને ત્યાં જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જાણીતી અભિનેત્રી નિહારિકા ભટ્ટ મને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડેલાં. આ નાટકની ભજવણી વખતે પ્રેક્ષકોમાંથી રિઍક્શન આવતાં. દિગ્દર્શક ગિરેશ દેસાઈએ ખોટ ખાઈને પણ જે નિષ્ઠા અને સૂઝથી આ જલદ નાટક ભજવવાની હિંમત કરી તે માટે આભાર માનું તે માત્ર ઔપચારિક વિધિ માટે જ નહીં. કલાકારો અને નેપથ્યના કસબીઓને લીધે આ નાટક એક વાસ્તવિક હકીકત બની શક્યું તેનું અહીં સ્મરણ થાય છે. ધર્મયુગ, ઇલસ્ટ્રેટડ વીકલી, લોકસત્તા, જન્મભૂમિ પ્રવાસી, ઇન્ડિયન એક્સપ્રેસ, ઇન્ડિયા ટુડે, ટેલિગ્રાફ, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇવ્ઝ વીકલી, ફ્લૅશ, વગેરે અખબારો—સામયિકોમાંથી પણ મને ઉપયોગી માહિતી મળી છે. જાણીતા પત્રકાર અરુણ શૌરી, અશ્વિની સારીન, એમ. વી. કામથ, કુલદીપ નાયર, કુમકુમ ચડ્ડા, શીલા બારસે, બરૂન ઘોષ વગેરેનાં સંશોધનાત્મક વૃત્તાંતોમાંથી પણ પ્રસંગો, માહિતી મળ્યાં છે — જે સિવાય આટલી સચ્ચાઈ પ્રગટ ન થઈ શકત. આર્થર રોડ જેલના જેલર આર. એન. દાતીરનો જેલ પરનો મહાનિબંધ છે. મૅરી ટાયલરનું આત્મવૃત્તાંતનું પુસ્તક 'ફાઇવ યર્સ ઇન ઇન્ડિયન જેલ’ સ્ત્રી કેદીઓની અત્યંત કરુણ પરિસ્થિતિનો ચિતાર આપે છે. આ સર્વેની હું ઋણી છું.

—વર્ષા અડાલજા

એ/2, ગુલબહાર
મેટ્રો આઈનોક્સ થિયેટર પાછળ
બૅરેક રોડ
મુંબઈ — 400 020
દુતાંશની પૂર્ણિમા—1985
અંક પહેલો

[પડદો ખૂલે છે ત્યારે તખ્તા પર અંધકાર છે. માત્ર દેવપ્રકાશ પર પ્રકાશ છે. પ્રેક્ષકોને સંબોધીને.]

દેવપ્રકાશ : મારું નામ દેવપ્રકાશ. દેવપ્રકાશ ગર્ગ. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ, કુંદનપુર જેલ. કદાચ ભારતના નકશામાં, આ ગામનું નામ તમને શોધ્યું નહીં જડે, પણ આપણાં તમામ ગામનો ચહેરો આવો જ છે. હતાશ. ધૂળમાં ખરી પડેલા ફૂલ જેવો મલિન. [ધીમે ધીમે પ્રકાશ બન્ને રિવૉલ્વિંગ તખ્તા ફરે. એક થથરાવી મૂકતી કરુણ ચીસ ને વલવલતું રુદન... મને ન મારો... છોડો. કોઈ કેદી સાંકળથી જકડાયેલો, કોઈ ફાટેલી આંખોવાળો નીતર્યા ભયનો થીજેલો ચહેરો. દેવપ્રકાશ તખ્તામાં આગળ જ ઊભો છે, પાછળ આ જેલનું દૃશ્ય ફરે છે.] આ જેલ છે. ગુનેગાર ઠરેલો માણસ, સમાજમાંથી અછૂતની જેમ ફેંકાઈને અહીં આવી પડે છે, અને અહીં જેલની તોતિંગ દીવાલના મજબૂત પથ્થરો એનામાં રહેલા માણસને છૂંદી નાંખે છે. એના શરીર પરથી એનાં કપડાં સાથે નામ, ઇજ્જત બધું જ ઊતરડીને લઈ લેવાય છે ને પછી રહે છે એ એક નંબર, માત્ર નંબર. એણે કરેલો અપરાધ, શરીરે ચામડીની જેમ ચોંટી રહે છે. સજા ભોગવ્યા પછી પણ બળીને ભસ્મ થતો નથી. ભયંકર વારસાગત રોગની જેમ એના અપરાધનું કલંક એનાં બાળકોમાંય ઊતરે છે. એ બાળક જીવશે ત્યાં સુધી સૌ કહેશે, જુઓ આ જાય છે એનો બાપ ગુનેગાર હતો, જેલમાં હતો. [સળિયાવાળી બૅરેકના ભાગ પર આછો પ્રકાશ]

આ નાની ગંધાતી ખોલીઓ. અંધકારના કાળમીંઢ પથ્થરોથી જડેલી આ ઊંચી મજબૂત દીવાલો. બરફની ગુફા જેવી ભયાનક ઠંડી અને એ ઠંડીમાં થીજી ગયેલું વ્યથાનું ઘટ્ટ મૌન. આ તોતિંગ દીવાલોની અંદર કેદીઓની ચીસો ચામાચીડિયાની જેમ ભટકતી રહે છે, પણ આ દીવાલો ઓળંગી બહાર તમારા સુધી પહોંચતી નથી. લોખંડી પંજાથી એનું ગળું ઘોંટી દેવાય છે. આચાર્ય કૃપલાણી કહે છે તેમ, ભયંકર હિંસક પશુ પણ કુદરતના નિયમોને આધીન થઈને જ પોતાના શત્રુને તિરસ્કાર વગર ફાડી ખાય છે, પણ માણસ ! માણસ જ એવું એક પ્રાણી છે જે બીજા માણસ પર ઠંડે કલેજે અત્યાચાર કરે છે અને અહીં એ અત્યાચારકાયદાને નામે થાય છે. આ જુલ્મીઓને કોઈ આંગળી અડકાડી શકતું નથી, કારણ કે એણે કાયદાનું બખ્તર પહેર્યું છે.

અકબર અને બિરબલની વાત તમે જાણો છો ને ! અકબર બાદશાહે એક વખત હુકમ કર્યો કે હોજમાં સૌ પ્રજાજનો દૂધનો ઘડો ઠાલવી જાય. બીજે દિવસે હોજનું ઢાંકણું ખોલ્યું તો હોજ પાણીથી ભરેલો હતો. બિરબલે કહ્યું, બીજા લોકો દૂધનો ઘડો રેડશે એ આશાએ દરેક પ્રજાજને પાણી જ ઠાલવ્યું હતું.

પણ હું આ હોજમાં દૂધનો ઘડો ઠાલવવા માગું છું. એક માણસ તરીકે જીવવા માગું છું. મારી માગણી મોટી તો નથી ને ! પણ વિરાટ મશીનમાં એક નાનો ખીલો પણ ધાર્યું કામ ન કરે તો એને કાઢીને ફેંકી દેવાય છે. એ ખીલો હું છું.

આ છે સમ્રાટ અશોકની ભૂમિ. ભગવાન બુદ્ધ અને મહાવીરનાં ચરણોની ધૂળથી પવિત્ર થયેલી. ગાંધી અને જયપ્રકાશે જ્યાં પ્રાણની આહુતિ આપી એ ભૂમિ. ઈશુનાં જખમોમાંથી વહેતું પવિત્ર લોહી પણ આ દૂષિત ભૂમિને ધોઈ શક્યું નથી.

આ આપણી ધરતી. આ આપણાં બંધુઓ. આ છે કારાગાર. આપણા સમાજનો અંતિમ રહસ્યમય ખૂણો. અહીં એક માણસના જીવનનું નાટક બીજાઓએ પૂરું લખી લીધું છે. એવું નાટક, જેનો અંત કોઈ જાણતું નથી.

[દેવપ્રકાશ બોલી રહે છે ત્યાં રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય છે. તખ્તા પર સંપૂર્ણ પ્રકાશ. જેલની ઑફિસનું દૃશ્ય છે. દેવપ્રકાશ હાથમાંની ફાઇલ વાંચતો હોય છે. તખ્તાની જમણી બાજુના ટેબલ પર જેલર બલવંતસિંહ તિવારી બેઠા છે. તેની આગળ, ખૂણાની તરફ દેવપ્રકાશનું ટેબલ. પાછળ જેલમાંથી બહાર જવાનો મોટો મુખ્ય દરવાજો. એમાં નાની ડોકાબારી. જમણી તરફ મોટું ટેબલ. સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસના નામની ટેબલ પર તકતી. ડાબી બાજુ બન્ને ટેબલની પાછળ સળિયાવાળો દરવાજો જેલની અંદર જવાનો. લાલદાસના, દરેકના ટેબલ પાછળથી ઑફિસમાં અંદર જઈ શકાય. ટેબલ પર જૂની ફાઇલો, થોથાં પાછળ જૂના પુરાણા લાકડાના ઘોડામાં ફાઇલો, કાગળો, અવ્યવસ્થિત. એક તિજોરી. બે બ્લેક બોર્ડ. એકમાં કેદીઓની સંખ્યા, બીજામાં દિનચર્યા. ચોકનું લખાણ. અડધું ભૂંસાયેલું :

5—15 થી 5—30 પ્રાર્થના 5—30 થી 6—30 બૅરેક ખૂલે 6—00 થી 6—45 સવારનું કામ 6—45 થી 7—15 કસરત 7—15 થી 7—45 કાંજી 7—45 થી 8—15 કામસોંપણી 8—15 થી 10—45 કામ 10—45 થી 11—45 ખાવાનું, આરામ 11—45 થી 4—15 કામ 4—15 થી 5—15 જમવાનું 5—45 થી 6—45 પરેડ 6—15 થી 6—45 ગિનતી 7—0 થી 8—0 વર્ગ 8—0 થી 9—0 છાપાં 9—0 થી 9—30 પ્રાર્થના 9—30 થી — સૂવાનું]

દેવપ્રકાશ  : [ફોનની ઘંટડી વાગે છે.]

હલ્લો... યસ. ધીસ ઇઝ કુંદનપુર જેલ. યસ યસ. 213 નંબર તમારે ત્યાં ટ્રાન્સફર થયો ત્યારે અહીં એણે જમા કરેલી વસ્તુઓ પણ ત્યાં ટ્રાન્સફર કરી જ છે સર... ને રસીદ પણ... એ શું કહે છે ?…હં… એની સોનાની ચેન એમાં નથી ? પણ અહીં જમા હતી જ નહીં તો ત્યાં ક્યાંથી હોય ? …એણે જમા કરાવી હતી ? પણ સર અમારા રેકોર્ડ પ્રમાણે જમા નથી થઈ… હું તપાસ કરીશ. ઓ.કે. [ફોન મૂકે છે.] બલવંતસિંહ !

બલવંતસિંહ : યસ સર. દેવપ્રકાશ : 213 નંબર કહે છે કે .... બલવંત : એ જુઠ્ઠો છે સર. એ પકડાયો ત્યારે સોનાની ચેન પહેરી જ નહોતી. તો પાછી ક્યાંથી આપે ? આ બધાં ચોર અને લબાડ હોય છે સર. ત્યારે તો અહીં આવે છે. [દેવપ્રકાશ અંદરની ઑફિસમાં જાય. ટેલિફોનની વાતચીત દરમિયાન એક પોલીસ આવી ચાવીઓ લઈ જાય. સુંદર જેલમાંથી બહાર આવે છે, એ વાતચીત સાંભળી ખંધું હસે. સુંદર જનમટીપનો કેદી. અત્યારે વૉર્ડર. પીળો જૂનો લેંઘો, સફેદ બાંડિયું. માથે સફેદ ટોપી. આડી મૂકેલી. બલવંતનો ખાસ માણસ. જેલની ભાષામાં ખબરી. ચમચો. પગે જરા લંગડો. ખંધો અને બદમાશ. બલવંતસિંહ સામે બે—ત્રણ કાગળો મૂકે. એ સહી કરે.] સુંદર : સાહેબ, 213 નંબર સોનાની ચેન માગતો હતો ને ? બલવંત : એ સાલ્લો હરામખોર પીછો છોડતો નથી. સુંદર : શું કામ ચિંતા કરો છો તમે ! પુરાવા જ ક્યાં છે ? અસલી રસીદ તો મેં... [કાગળ ફાડવાનો અભિનય. બહારથી બે પોલીસ આવે. બલવંતને સલામ કરી જેલમાં અંદર જવા માટેના બારણાનું કડું ખખડાવે. ખૂલે. એ બન્ને અંદર જાય. બિહારી અને જગન્નાથ બહાર આવે.] સુંદર : એય બિહારી, ડ્યૂટી પૂરી ? આજે કઈ ફિલમમાં જવાનો ? જગન્નાથ : બિહારી આજે એકેય ફિલમ નહીં જુએ. સુંદર : પણ આજે એનો ફિલમનો દિવસ ! બિહારી : અરે કાલે નાઇટડ્યૂટી પર આખી રાત ફિલમ જ જોઈ. બલવંત : [ફાઇલમાં માથું ખોસેલું છે, પણ કાન અહીં છે.] સીધેસીધું ભસી મરને ! સવારના પહોરમાં બડબડ... જગન્નાથ : સર, પેલી બાઈ પુષ્પા છે ને, બાઈઓની બરાકમાં... બિહારી : સાંજે તમે નહોતા. તે કોર્ટમાંથી પાછી આવતી હતી, મેટ્રન એની તલાશી લેતી'તી ત્યાં જ સાહેબ... [અચકાય છે.] બલવંત : એ જાતે કપડાં કાઢીને નાગી થઈ, એમ જ ને ! સુંદર : હેં ! સાચેસાચ ! મા કસમ ? જગન્નાથ : અરે અમે કેટલાં બધાં હતાં. ત્યાં ફટાફટ કપડાં ઉતારી કાઢ્યાં. મેટ્રનને કહે, લે તલાશી. પછી હાથમાં જ કપડાં લઈ ઉઘાડી ઉઘાડી અંદર છેક બૅરેક સુધી ગઈ. બિહારી : જગન્નાથ, મરદોની જેલમાં જ અંદર બૈરાની જેલ હોય ને એટલે મજો આવી જાય. રોજ નીતનવીન બૈરાં જોવા મળે. સુંદર : અરે ગધેડા. સાહેબ નહોતા તો કાંઈ નહીં. હું તો અંદર મૂવો તો ને ! હાય હાય સાવ ઉઘાડી ! જગન્નાથ: ચૂપ મર. સુંદર : નસીબ જ વાંકું, બાકી બિહારી, મને ય તારી જેટલો ચસકો હતો ફિલમનો. નવી ફિલમ પડી નથી, ને બંદા વહુને લઈને ગ્યા નથી. જગન્નાથ : એમ ! બિહારી : એમાં એની ફિલમ ઊતરી ગઈ. જગન્નાથ : કેમ કોઈ હીરોઈન ભેટી ગઈ ? બિહારી : ના, હીરો. ડોરકીપર આની વહુને લઈ ભાગી ગયો. [ખી ખી હસી તાળી આપે] ને હિંદી ફિલમની જેમ આણે એ હરામખોરને રામપુરી ચાકુના ધડાધડ ઘા કરી પૂરો કર્યો. સુંદર : એ ઉપર ગ્યો. ને હું અહીં અંદર આવ્યો. બિહારી : ફિલમનો ધ એન્ડ. [દેવપ્રકાશ દાખલ થાય] દેવપ્રકાશ : કોનો ધ એન્ડ ? બિહારી : ન...ના ના. વાત એમ છે સાહેબ, પુષ્પા ખરી ને સાહેબ ! તે આખી રાત સેલમાં બેઠી બેઠી એવી જોરથી થાળી પીટતી હતી કે બધાંનું માથું ખાધું. રાત્રે બે વાગ્યે સુપ્રિન્ટેન્ડન્ટ પોતે ઉપરથી આવ્યા. જગન્નાથ : આખી રાત સેલમાં ઉઘાડી બેઠી'તી, તે અંદર જાય કોણ ? કાલે ઊઠીને કોરટમાં કેશે કે આણે મારી પર બળાત્કાર કર્યો'તો ? બિહારી : સુંદર એને ત્રણ દિવસ ખાવાનું નહીં. સાહેબે સજા કરી છે.

[બિહારી, જગન્નાથ બહાર જાય.]

સુંદર : સાહેબ, આ રાશનચિઠ્ઠી પર સહી કરી દ્યો. દેવપ્રકાશ : કોનું રાશન છે ? સુંદર : નવ નંબર વૉર્ડવાળો બી.ક્લાસ. કાચો કેદી. પટેલનો દીકરો. દેવપ્રકાશ : પટેલનો દીકરો ? સુંદર : આ અમારું પેશ્યલ બોલવાનું છે સાહેબ. હજી તમે આંહી નવા છો ને. પટેલ એટલે માલદાર. ખનખનિયાંવાળો. બહુ ભણ્યો છે. બૈરીનું ખૂન કર્યું ને કેસ ચાલે છે, એ જાતે રસોઈ પકાવે છે. દેવપ્રકાશ : 300 ગ્રામ આટો, 50 ગ્રામ મઠ, 30 ગ્રામ તેલ, બટેટા... ઠીક છે. [સહી કરે છે.] સુંદર : એક બાટલી કેરોસીનેય લખી દેજો. બલવંત : બાપનો માલ, સાલ્લા નાલાયક. [સુંદર જાય છે.] દેવપ્રકાશ : બલવંતસિંહ, ડૉ. નગેન્દ્રનાથે હજુ દવાનું બિલ આપ્યું નથી. ને મેડિકલ એક્સપેન્સીસનો રિપોર્ટ બાકી છે. અને હા, 87 નંબરનો પ્રોબેશન ઑર્ડર આવી ગયો ? બલવંતસિંહ : ના જી. [લાલદાસ સુપ્રિન્ટેન્ડન્ટ એના ટેબલના પાછલા ભાગની વિંગમાંથી પ્રવેશે છે. ઉંમર પચાસેક. કદાવર બાંધો. પ્રભાવશાળી વ્યક્તિત્વ. વર્ષોથી ભોગવેલી અમર્યાદ સત્તાનું પડળ એના ચહેરા પર છે. બન્ને ઊભા થઈ બેસી જાય છે.] લાલદાસ : બલવંતસિંહ, ભૂખ્યા બહુ બૂમાબૂમ કરે તો ખાલી કાંજી. બીજું કંઈ નહીં, દેવપ્રકાશ. દેવપ્રકાશ : યસ, સર. લાલદાસ : ફાઈલ ધીસ લેટર. આઈ. જી. પી. નો છે. બી પ્રીપેર્ડ ફોર એની ઇમર્જન્સી. 7મી તારીખે કિસાનોનું રેલરોકો ને રસ્તારોકો આંદોલન છે. પરિસ્થિતિ કેવો વળાંક લેશે કંઈ કહેવાય નહીં. વિરોધપક્ષોનો પણ મોરચો છે. એમાંય જો જેલભરો આંદોલન શરૂ થયું... દેવપ્રકાશ : એસ્ક્યૂઝ મી, સર. પણ આ કાગળ ડિસ્ટ્રિક્ટ જેલને ન મોકલવો જોઈએ ? સ્પેશ્યલ કેસની બે—ત્રણ સેલ સિવાય અહીં બધી સેલ ઠાંસોઠાંસ છે. પાણીની તંગી છે. સંડાસ ઓછા છે. બેડિંગ, અનાજ... લાલદાસ : બધી જ જેલોમાં કેદીઓ અનાજના કોથળાની જેમ ખડક્યા છે. એમાં આપણે શું કરીએ ? હરામજાદાઓ જેલમાં આવે છે, સાસરે નથી આવતા. દેવપ્રકાશ : પણ સર .... લાલદાસ : દેવપ્રકાશ, જેલની નોકરીમાં મને 23 વર્ષ થયાં, તમને એક વર્ષ પણ નથી થયું ત્યાં તિહાર જેલમાંથી તમારી અહીં બદલી પણ થઈ ગઈ. દેવપ્રકાશ : પણ સર, આ વાત તો તદ્દન... લાલદાસ : એન્ડ નેવર આર્ગ્યુ વીથ મી. તમે આવ્યા છો ત્યારથી જેલના વહીવટમાં માથું મારવાની કોશિશ કરો છો. તમે નોકરી કરવા આવ્યા છો, સમાજ સુધારવા નહીં. દેવપ્રકાશ : [ધીમેથી પણ મક્કમતાથી.] પણ સર, આ નોટિસ ટૂંકી છે. આટલા નાના ગામમાંથી તરત અનાજ મળવું શક્ય નથી. કૉન્ટ્રેક્ટર ત્રણ ગણા ભાવ લગાવશે. કેદીઓની મૂળભૂત જરૂરિયાતો તો મળવી જ જોઈએ ને ! આ... અન્યાય છે. લાલદાસ : અન્યાય ! દેવપ્રકાશ. ન્યાય અન્યાય જોવાનું કામ આપણું નથી. એ સઘળો ફેંસલો કોર્ટમાં થઈને આવે છે. આપણા માટે કેદી માણસ નથી, નંબર છે. માત્ર નંબર. એને કોઈ અધિકાર નથી કે નથી કોઈ લાગણી કે ઇચ્છા. આ વાત યાદ રાખજો. [ફોનની ઘંટડી વાગે છે.] દેવપ્રકાશ : હલ્લો... યસ. હાં. છે. સર ભાગલપુરની જેલમાંથી ફોન છે. લાલદાસ : યસ. ધીસ ઈઝ સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ સ્પિકિંગ. ઓહ યાદવ ! હં હં... બે કેદીઓની અહીં બદલી થઈ ? પણ મને હજુ સીધી ટ્રાન્સફર ઑર્ડર નથી મળ્યા... ઓહ આઇ સી. વેલકમ. આ લાલદાસને સ્વાગત કરતાં બરાબર આવડે છે. ખુદ ઉપરથી ચીફ મિનિસ્ટરની સ્વાગત કરવાની ભલામણ હોય પછી મહેમાનગતિમાં મણા રહેવા દઉં ? બોલ, બાકી શું નવીન છે ? આપણે તો સેઈમ ઓલ્ડ સ્ટોરી... પણ તમારી જેલની પેલી અન્ડરટ્રાયલ જાનકી દેવીનો કિસ્સો હમણાં બહુ છાપે ચડ્યો છે… યુ આર રાઈટ. હમણાં હમણાં છાપાંના ખબરપત્રીઓ સાલ્લા ચગ્યા છે. પોતે જ ઇન્વેસ્ટીગેશન કરી છેક કોર્ટ સુધી પહોંચે છે.... આઈ ટેલ યુ, રિપોર્ટર્સ આર રાસ્કલ્સ. પણ તમે શું કામ ચિંતા કરો છો ? જહન્નમમાં જાય અન્ડરટ્રાયલ્સ. અરે વર્ષો સુધી જેલોમાં અન્ડરટ્રાયલ્સ સબડ્યા કરે છે. કોણ ભાવ પૂછે છે એમનો ? ડોન્ટ વરી મિ. યાદવ... ડિપાર્ટમેન્ટ હંમેશાં આપણી પડખે ઊભું રહે છે. [ફોન મૂકે છે. પોલીસ આવે છે. સલામ કરે છે.] પોલીસ : સર, ઠાકુરસાહેબ આવ્યા છે. લાલદાસ : [આતુરતાથી, આનંદથી] ઠાકુરસાહેબ ? ...જા જા બાઘાની જેમ જુએ છે શું ? એમને જલદી લઈ આવ. [પોલીસ જલદી જાય છે. લાલદાસ બલવંતસિંહ અને દેવપ્રકાશ સામે જુએ છે. બલવંતસિંહ તરત સમજે છે. લાલદાસ સામે લુચ્ચું હાસ્ય કરે છે. જેલમાં અંદર જાય છે. દેવપ્રકાશ હવે સમજે છે. હાથમાંની ફાઇલ ઊથલાવતો એ પણ લાલદાસના ટેબલ પાછળની વિંગમાંથી અંદર ઑફિસમાં જાય છે. ઠાકુરસાહેબ પ્રવેશે છે. ચંદ્રજીત યાદવ, અત્યંત શ્રીમંત જમીનદાર. નઠોર, દરેક જાતના કાવાદાવાના ઉસ્તાદ ખેલાડી. કાળોતરા સાપ જેવા ભયંકર ને એની લિસ્સી ત્વચા જેવા દેખાવે મુલાયમ વ્યક્તિત્વવાળા. છુટ્ટી પાટલીનું ધોતિયું કે ચૂડીદાર. રેશમી પહેરણ. હીરાનાં બટન. મોતીની સેર. ચાંદીની મૂઠની લાકડી. ચંદનની ડબ્બીમાંથી પાન ખાવાની અને જય સિયારામ બોલવાની આદત.] લાલદાસ : ઓહોહો ! આવો આવો ઠાકુરસાહેબ. આજે અમારી ઑફિસ પાવન કરી. વાહ ! શું ભાગ્ય છે અમારા ! ઠાકુર : શું તમે પણ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ! અમે તો આવીયે. પણ તમને ક્યાં ફુરસદ મળે છે ? લાલદાસ : બસ કે ઠાકુરસાહેબ ! અમારી મશ્કરી કરશો ? અમારે તો તમારી મહેરબાની જોઈએ. અમારે હજી આ ગામમાં રહેવું છે હં ! ઠાકુર : જય સિયારામ. મહેરબાની તો ઉપરવાળાની જોઈએ. આપણે તો પામર મનુષ્ય. લાલદાસ : તમારી વાત ખરી. બોલો કેમ ચાલે છે જમીનદારી ? અરે હાં. સાંભળ્યું'તું તમારા ખેતરમાં આગ લાગી હતી અને તમે થાણા પર ફરિયાદ સુધ્ધાં ન લખાવી ? ઠાકુર : ચાલ્યા કરે લાલદાસ. એવી નાનીમોટી ફરિયાદ અમે થાણે લખાવતા જ નથી. જાતે જ હિસાબ પતાવી લઈએ છીએ. લાલદાસ : પણ થયું હતું શું ઠાકુરસાહેબ ? ઠાકુર : ભાઈ આજકાલ વેઠિયા મજૂરોનું માથું ફરવા માંડ્યું છે. સાલ્લા સાત સાત પેઢીથી નીચી મૂંડીએ અમારા ખેતરમાં કામ કરતા હતા. હવે ઊંચું જોઈ હિસાબ માગે છે ! લાલદાસ : શું વાત કરો છો ? ઠાકુર : આ માંગનવાનો દીકરો બદલુ. એક આંટો શહેરમાં મારી આવ્યો એમાં તો મારો બેટો કાયદાની વાત કરવા લાગ્યો. મને કહે, સરકારે વેઠ પ્રથા કાઢવાનો કાયદો કર્યો છે. લેબર ઇન્સ્પેક્ટરને લઈ આવ્યો. એ જ રાત્રે મારા ખેતરમાં આગ લાગી. લાલદાસ : નક્કી બદલુનું કામ. ફરિયાદ લખાવી હોત તો આપણા કાલાબઝાર પોલીસ લોકઅપમાં એક જ રાત વિતાવ્યા પછી એ જિંદગીભર તમારો ગુલામ બની રહેત. ઠાકુર: પણ ફરિયાદ કોની સામે લખાવું ? બદલુનો કોઈ પત્તો જ ન મળ્યો. બસ હવામાં જ ઓગળી ગયો. બિચ્ચારો, સિયારામ. [પાનની ડબ્બીમાંથી પાન લઈ મોંમાં મૂકે છે, લાલદાસને ધરે છે.] લાલદાસ : કમાલ કરી ઠાકુરસાહેબ. ન રહા બાંસ, ન બજેગી બાંસુરી. [બન્ને હસી પડે છે. દેવપ્રકાશ છુપાઈને બન્નેની વાત સાંભળે છે.] ઠાકુર : બોલો લાલદાસ, તમારી જેલની શું ખબર છે આજકાલ ? લાલદાસ : બસ ઉપરવાળાની મહેરબાનીથી ધીકતો ધંધો ચાલે છે અમારો. બોલો ઠાકુરસાહેબ, અમારે લાયક કંઈ કામસેવા હોય તો ફરમાવો. ઠાકુર : સેવા ! છી. છી. એ શબ્દ જ મને તો ગમતો નથી. આપણે તો દોસ્તો છીએ… અને દોસ્તીના દાવે... લાલદાસ : હાં જી, બોલો બોલો. ઠાકુર : તમારી જેલમાં બે મોંઘેરા મહેમાન આવી રહ્યા છે. લાલદાસ : ડાકુ મોહનરામ. જેના નામે પાંત્રીસ ખૂન ચડ્યાં છે, એ ભયંકર હત્યારો અને કોઈ એક શાલિગ્રામ... [ચમકીને અટકી જાય છે.] પણ તમને ક્યાંથી ખબર ? હજી કોઈ જાણતું નથી. ઠાકુર : કારણ કે તમારી જેલમાં એની ટ્રાન્સફર મેં જ કરાવી છે લાલદાસ. લાલદાસ : અચ્છા તો એમ વાત છે. ઠાકુર : ડાકુ મોહનરામ મારો જાની દુશ્મન છે. મારા કટ્ટર હરીફ મહંતની ઠાકુરવાડીની ગેંગનો મુખ્ય માણસ છે. એ મહંતે જ સરકારમાં મારી જમીન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એ છેક ઈન્કવાયરી કમિશન નીમવા સુધી વાત પહોંચી ગઈ હતી. લાલદાસ : એ મહંતના બચ્ચાની આટલી હિંમત ! ઠાકુર : લાલદાસ, ડાકુ મોહનરામ મારા માટે ઝેરીલો સાપ છે અને અમે જમીનદારો હંમેશાં સાપને જીવતો જ સાણસામાં પકડીએ છીએ. [રોષનો સ્વર બદલી ફરી ઠંડકથી, સ્વસ્થતાથી.] પણ જવા દો... આજકાલ લાલદાસ, તમે અમારાથી નારાજ છો કે શું ? અમારી હવેલી પર પધારતા નથી ? લાલદાસ : હોય કાંઈ ! આપનાથી નારાજ થઈને અમે ક્યાં જઈએ ? ઠાકુર : કામ તો ચાલ્યા જ કરે લાલદાસ. આવો આજે ફાર્મ હાઉસ પર. મારું વચન છે, જલસો થઈ જશે. બ... ધી... જ વ્યવસ્થા થઈ જશે. તમને લેવા ઘોડાગાડી આવી જશે. રાત્રે દસ વાગ્યે. [જવા માટે ઊઠે છે.] લાલદાસ : ભલે જરૂરથી. ઠાકુર : ચાલો ત્યારે જાઉં. અરે હાં, ઘરે બધાં મજામાં છે ને ! તમારી દીકરી હવે તો જુવાન થઈ ગઈ હશે. એનાં... લગ્નની કંઈ વાતો ચાલે છે ? લાલદાસ : હા જી ઠાકુરસાહેબ પણ... તમે... ઠાકુર : ભઈ તમે તો ખરી જુદાઈ રાખો છો ? કહેતા પણ નથી ? તમારી દીકરી એ અમારી દીકરી. તે દીકરીનાં લગ્નમાં દાગીના તો કરવાં જ પડશે ને ! લાલદાસ : આપનો આભાર ઠાકુરસાહેબ… આપનું ઋણ... ઠાકુર : ઋણ કેવું ? મેં કહ્યું ને આપણે તો દોસ્ત છીએ અને.... દોસ્તીના દાવે તમે ... મારા બન્ને મહેમાનોની પૂરી મહેમાનગતિ કરજો અને હું તમારી દીકરીની જવાબદારી પૂરી કરીશ. લાલદાસ : આપની મહેરબાની. દોસ્તીના દાવે મારી પણ એક ઇચ્છા છે ઠાકુરસાહેબ. ઠાકુર : અરે વાહ ! બોલતા કેમ નથી ? લાલદાસ : મારા આસિસ્ટન્ટ દેવપ્રકાશની કુન્દનપુર જેલમાંથી બીજે ટ્રાન્સફર કરાવી આપો. ઠાકુર: બસ કે ? તમારું કામ થઈ ગયું સમજો. અને જુઓ, રાતનું આમંત્રણ નહીં ભૂલતા. લાલદાસ : અરે શું વાત કરો છો ? આપનું આમંત્રણ કંઈ ભુલાય ? પધારજો ઠાકુર સાહેબ. ઠાકુર : સિયારામ. [ઠાકુરસાહેબ જાય છે. એ દરમિયાન બલવંતસિંહ પ્રવેશે છે.] લાલદાસ : બલવંતસિંહ ! બલવંતસિંહ: યસ સર. લાલદાસ : મેં તમને દેવપ્રકાશ વિષે સંપૂર્ણ માહિતી મેળવવાનું કહ્યું હતું ને ! બલવંત : હા જી સાહેબ. [બલવંતસિંહ-લાલદાસના સંવાદ દરમિયાન એ બન્ને જેલના સેટ પર ઊભા છે, અને બાજુનું બીજું રિવૉલ્વિંગ સ્ટેજ ફરે છે. પ્રકાશ થાય. આ દેવપ્રકાશનું ઘર. સાદું મામૂલી ફર્નિચર. દીવાલ પર ગાંધી, વિવેકાનંદની તસવીરો. એક સાદો સોફાસેટ, ટેબલ. ટેબલ પર લૅમ્પ. પુસ્તકો, ફાઇલો. પાછલા ભાગમાં પડદો છે તે ઘરની અંદરનો ભાગ. પત્ની ચંદન અને રિંકુની મોટી તસવીર ટેબલ પર. [બલવંતસિંહ અને લાલદાસ બોલે એમ અહીં દૃશ્ય ભજવાતું જાય.] બલવંતસિંહ : દેવપ્રકાશનું ઘર સાવ સીધુંસાદું છે. મામૂલી. એની પત્ની ચંદન દિલ્હીની છે. અહા ! ખૂબ સુંદર છે. મૉડર્ન છે સર. [ચંદન અંદરના ભાગમાંથી બહાર આવે. એ નારાજીથી અહીં રહે છે અને સમગ્ર વાતાવરણમાં ગોઠવાઈ નથી શકતી એવું પ્રેક્ષક અનુભવે છે.] લાલદાસ : ઓહ ! એમ ! બલવંત : અરે સર ભણેલીગણેલી હાઇસોસાયટીની છે. [ચંદન મૅગેઝિન ઊથલાવે. બારી પાસે ઊભી રહે છે.] લાલદાસ : હં. અને બાળકો ? બલવંતસિંહ : એક નાની દીકરી છે રિંકુ. [કમલાની આંગળી પકડી રિંકુ દાખલ થાય. દોડીને ચંદનને વળગી પડે. કમલા અંદરથી શાક લાવીને અહીં નીચે બેસી સમારે.] બલવંતસિંહ : અને આ દેવપ્રકાશનો બચ્ચો જેલના વિષય પર થિસિસ લખે છે. સાચું પૂછો તો સાહેબ, મને ડર એ વાતનો છે કે એ બહાને એ આપણી જેલની માહિતી ભેગી કરતો હશે, તો ! લાલદાસ: હં ....અ .... બલવંતસિંહ : એની બૈરીને દિલ્હી રહેવાનાં કોડ છે પણ દેવપ્રકાશ અહીંથી ખસવા માગતો નથી. શેષનાગ માથે ખીલો ઠોક્યો હોય એમ એને કુંદનપુર જેલ છોડવી નથી. લાલદાસ : [ખડખડાટ હસી પડે છે.] શેષનાગના માથામાંથી ખીલો હું ખેંચી કાઢીશ બલવંતસિંહ. તમે મને ઓળખતા નથી ! બલવંતસિંહ : યસ સર. બરાબર ઓળખું છું. [જેલના દૃશ્ય પર અંધારું. ઘરના દૃશ્ય પર પૂરો પ્રકાશ. જેલની ઑફિસના સેટવાળો રિવૉલ્વિંગનો બીજો ભાગ પણ ફરી જાય અને દેવપ્રકાશના ઘરનો સેટ સંપૂર્ણ બની જાય.] કમલા : કેમ બહેનજી ! આજે તબિયત બરાબર નથી ? આજે બોલતાં નથી. રિંકુ : મા તો હમણાં રોજ બોલતી નથી કમુ. ચંદન : ના. આ... તો જરા માથું દુઃખે છે. કમલા : લાવો દબાવી દઉં ? ચંદન : અ... ના ના. મેં ગોળી લીધી છે. મને સારું લાગે છે. રિંકુ : મા, કમુએ મને એવું સરસ માખણ ખવડાવ્યું ! માખણ મને બહુ ભાવે. તું બનાવને. કમલા : હું છું ને રિંકુબહેન, તમને રોજ મારા હાથનું માખણ ખવડાવીશ. રિંકુ : કમુ તું મને બહુ ગમે. તારે ઘરે રમવા આવું ? ચંદન : આખો દિવસ તો ત્યાં હતી. હવે કાલે જજે. કમલા : કાલે આવજો હોં ! તમારી નિશાળ ખૂલે એટલે તમને મૂકવા રોજ હું જ આવવાની છું. રિંકુ : કેવી મજા ! કમલા: લ્યો ત્યારે જાઉં બહેન. [કમલા જાય અને દેવપ્રકાશ દાખલ થાય. રિંકુ દોડીને વળગી પડે. દેવપ્રકાશ એને વહાલ કરે. એને ચોપડી કે રમકડું આપે.] દેવપ્રકાશ : આજે મૅડમ અમારી પર નારાજ લાગે છે ને ? રિંકુ : પપ્પા, એ તો મમ્મીનું માથું દુઃખે છે ને એટલે. ચંદન : ના ના. એ તો અમસ્તું. દેવપ્રકાશ : ચાલ બામ ઘસી આપું. રિંકુ : કંઈ જરૂર નથી. એ તો ગોળી લીધી છે. હવે સારું લાગે છે. ચંદન : ચલ, બદમાશ કહીંની. રિંકુ : પપ્પા, કમુ મને રોજ સ્કૂલે મૂકવા આવશે. ચંદન : દેવ, હું આજે રિંકુની સ્કૂલ પર ગઈ હતી. [દેવપ્રકાશ ટેબલ પરની ફાઇલ ખોલે છે અને કશોક કાગળ શોધે છે.] દેવપ્રકાશ : હં . અહીંથી નજીક જ છે. ચંદન : ગામમાં બીજી કોઈ સારી સ્કૂલ નથી ? દેવપ્રકાશ : કેમ ! આ સ્કૂલ શું ખોટી છે ? ચંદન : તમે ક્યારેય એ સ્કૂલ જોઈ છે ખરી ? દેવપ્રકાશ : કેમ ! તમે લોકો અહીં આવ્યા એની પહેલાં એડમિશન લેવા ગયો હતો ને ! ચંદન : તમે સ્કૂલને ધ્યાનથી જોઈ હોત તો ત્યાં રિંકુને કદી ઍડમીટ જ ન કરી હોત. દેવપ્રકાશ : [બેધ્યાનપણે] ચંદન : દેવ, હું રિંકુની વાત કરું છું. દેવપ્રકાશ : કેમ ! શું થયું રિંકુને ? ચંદન : ઓહ દેવ ! તમને અમારી કશી પડી જ નથી. દેવપ્રકાશ : [ચંદનની નજીક આવી મૃદુતાથી] તું અને રિંકુ તો મારું સર્વસ્વ છો ચંદન. તમારા વિના આ ઘર મને કેટલું સૂનું સૂનું લાગતું હતું ! ચંદન : પણ રિંકુના ભવિષ્યનું શું ? દેવપ્રકાશ : એને પરણાવવાની ઘણી વાર છે મૅડમ. ચંદન : દેવ ! આ હસી મજાકની વાત નથી. દિલ્હીની સારામાં સારી સ્કૂલમાં રિંકુ ભણતી હતી. ડાન્સિંગ, સ્વિમિંગ... મારાં પપ્પા—મમ્મી એનું કેટલું ધ્યાન રાખતાં હતાં ! ચાલો આપણે દિલ્હી ચાલી જઈએ દેવ. દેવપ્રકાશ : રીલેક્સ ચંદન. એ……. એ તો હજી અહીં નવું નવું લાગે છે. એક વખત ઓળખાણ થશે એટલે.... ચંદન : ઓળખાણ ? કોની સાથે ? અરે મારી વાત રહેવા દો, રિંકુની સાથે રમવા પણ અહીં કોઈ નથી. દેવપ્રકાશ : એની સ્કૂલ ખૂલી જાય પછી જોજે ને ? ઘણી બહેનપણીઓ થઈ જશે. ચંદન : ગરીબ, હલકી વસતીની અને કોણ જાણે કેવી છોકરીઓ ત્યાં ભણવા આવશે. રિંકુ એમની સાથે રમશે ? ગામમાં નથી કોઈ ક્લબ, લાઇબ્રેરી કે સારું થિયેટર. આ ધૂળિયા ગામડામાં આપણી સોશ્યલ લાઇફ શું ? [રાજીન્દર— કમલાનો વર— જેલનો નાઈટ વૉચમૅન પ્રવેશે છે.] રાજીન્દર : નમસ્તે બહેનજી. રિંકુબહેનને ફરવા લઈ જવા આવ્યો છું. ચંદન : [બૂમ પાડે] રિંકુ.... [રિંકુ દોડતી આવે અને રાજીન્દર એને વહાલથી તેડી લે] રિંકુ : આજે કેમ મોડું કર્યું રાજીન્દર ? રાજીન્દર : ક્યાં મોડું કર્યું છે બેબીબહેન ? જેલની ડ્યૂટી પર જતાં પહેલાં તમારી ડ્યૂટી પર હાજર થઈ ગયો. રિંકુ : આજે મારે આઇસક્રીમ ખાવો છે. રાજીન્દર : ચાલો બુધિયાની રેંકડીમાં સરસ કુલ્ફી મળે છે. ચંદન : નહીં રાજીન્દર, એવી રેંકડીની ગંદી ચીજો નહીં ખવડાવતો. ગમે તેવો રોગ થશે. રાજીન્દર : પણ બહેનજી, અહીં શહેર જેવી મોટી હોટલ તો ક્યાંથી હોય ? ચંદન : મને એની ખબર છે. રાજીન્દર : આજે આપણે મોર જોવા જઈશું. હોં ! [રાજીન્દર રિંકુને પીઠ પર બેસાડીને લઈ જાય છે.] ચંદન : દેવ ! તમારી થિસિસની નોટ હું આજે વાંચતી હતી. એ છપાઈને બહાર પડશે ત્યારે વિવાદનો વંટોળ ઊઠશે. અને આપણે એ વંટોળમાં ક્યાંય ફેંકાઈ જઈશું. સરકારની સામે થવાનું જોખમ શું કામ ઉઠાવો છો ? મને… મને ડર લાગે છે દેવ. દેવપ્રકાશ : કમ ઓન ચંદન. એમ કંઈ ડરીને આદર્શો માટે જિવાય ? તું અત્યારે અસ્વસ્થ થઈ ગઈ છે. આપણે નિરાંતે પછી આ વિષે વિચાર કરીશું. ચંદન : પછી... પછી કદાચ બહુ મોડું થઈ ગયું હશે દેવ. યાદ છે. તિહાર જેલમાં જે આંધળો કારભાર ચાલતો હતો, એ વિષે તમે અવાજ ઉઠાવવા ગયા અને એક ઝાટકે એ લોકોએ ત્યાંથી ઉખેડીને આ ખોબા જેવડા ગામમાં તમને ફગાવી દીધા. તમે શા માટે બીજા ઑફિસરોની જેમ ગોઠવાઈ શકતા નથી. કૉમ્પ્રોમાઈઝ કરી શકતા નથી ! તમારી અંદર વિદ્રોહની આગ સતત જલે છે અને અમને દઝાડે છે. દેવપ્રકાશ : આપણે સાથે ભણતાં ત્યાંથી મારા આ સ્વભાવને તું ચાહતી હતી ચંદન. ચંદન : [ભાંગી પડે છે. આક્રંદ કરી ઊઠે છે.] ત્યારે હું પત્ની નહોતી. મા નહોતી. મારે અહીં નથી રહેવું દેવ. આઈ હેઇટ ધીસ પ્લેસ. [દૃશ્ય પૂરું. જેલનું દૃશ્ય. થોડી ક્ષણના અંધકારમાં રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય. ફરી પ્રકાશ થાય] દેવપ્રકાશ : સર, ડાકુ મોહનરામની બધી વિગતો રેકર્ડમાં છે પણ આ શાલિગ્રામ કોણ છે એ... લાલદાસ : એ જાણવાની તમારે જરૂર પણ નથી. એની ધરપકડ થઈ છે એ આપણે માટે પૂરતું છે. મેં તમને એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું ને ! દેવપ્રકાશ : એ જ કામ કરું છું સર. સર, મેડિકલ બીલોમાં ગોટાળો છે. લાલદાસ : વ્હોટ ! દેવપ્રકાશ : યસ સર ! ડૉક્ટરે બનાવેલા બીલ પ્રમાણે મેં સ્ટૉક ચેકિંગ કર્યું પણ બીલ પ્રમાણેની દવાઓ સ્ટૉકમાં નથી. લાલદાસ : અ..આ... ડોન્ટ વરી કેદીઓ માટે વપરાઈ ગઈ હશે..

દેવપ્રકાશ : નો સર. ડૉક્ટરે કેદીઓને માટે લખી આપેલી દવાઓની યાદીની મેં અલગ ફાઇલ કરી છે. ગુમ થયેલી એક પણ દવા પ્રિસ્ક્રિપ્શનમાં ડૉક્ટરે લખી નથી.

લાલદાસ : હં. એ... પુટ ધેટ ફાઈલ ઑન માય ટેબલ. હું જરા જોઈ લઈશ. [પોલીસ એક કવર લઈને બહારથી આવે છે. સલામ કરી લાલદાસને આપે છે. લાલદાસ કાગળ વાંચે છે.] લાલદાસ : ઓહ આઈ સી. એને અંદર મોકલ. દેવપ્રકાશ : કોણ છે સર ? લાલદાસ : કોઈ મિ. રાજન છે. રિપોર્ટર ઑફ ‘ઇન્ડિયન ટાઇમ્સ’ એને જેલની મુલાકાત લેવી છે. [રાજન પ્રવેશે છે. હસમુખ, ચપળ, દૂબળો પાતળો યુવાન. ખભે થેલો. એમાં કૅમેરો અને થોડા અંકો. હાથમાં પેડ—પેન.] રાજન : આપ જ સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ ! રાજન હિયર. ગ્લેડ ટુ મીટ યુ. હું ઇન્ડિયન ટાઇમ્સનો રિપોર્ટર છું. [શેકહેન્ડ માટે હાથ લંબાવે છે. લાલદાસ અક્કડતાથી ખુરશી ચીંધે છે.] રાજન : [દેવપ્રકાશને] અને તમે ? દેવપ્રકાશ : આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગર્ગ. રાજન : ઓહ ગ્લેડ ટુ મીટ યુ. [દેવપ્રકાશ એની સાથે શેકહેન્ડ કરી લાલદાસના ટેબલની પાછળની વિંગમાંથી અંદર ચાલી જાય છે.] લાલદાસ : [મીઠાશથી] તમારા માટે શું કરી શકું મિ. રાજન ? રાજન : ડાકુ મોહનરાવની આ જેલમાં બદલી થઈ છે, અને… લાલદાસ : [ચમકીને, સાવધતાથી.] અરે ! તમને કેમ ખબર પડી ? રાજન : એક કહેવત છે સર. જ્યાં ન પહોંચે રવિ કે કવિ, ત્યાં પહોંચે જર્નાલિસ્ટ, રાઇટ ! લાલદાસ : તમારી વાત બિલકુલ સાચી છે મિ. રાજન, પણ એમાં હું થોડો સુધારો કરું ? જ્યાં ન પહોંચે રવિ, કવિ કે રિપોર્ટર એવી એક માત્ર જગ્યા છે આ જેલ. આ તોતિંગ, મજબૂત દીવાલો માત્ર કેદી ભાગી ન જાય, એટલે જ નથી બનાવવામાં આવી. રાજન : તો ? લાલદાસ : બહારની દુનિયાને અહીંની દુનિયાની ગંધ પણ ન આવે એટલા માટે આ પથ્થરની દીવાલો ઊંચી અને દરવાજાઓ લોખંડના મજબૂત બનાવવામાં આવ્યા છે, મિ.રાજન. રાજન : એનો અર્થ એ કે ડાકુ મોહનરામનો ઇન્ટરવ્યૂ લેવાની તમે મને રજા નહીં આપો ? લાલદાસ : [ખોટી નમ્રતાથી] અરે હોય, જુઓ મિ. રાજન, અંગત રીતે મને શો વાંધો હોઈ શકે ? એક સાચી વાત કહું ? હું તો ઇચ્છું છું કે આવા રીઢા ગુનેગારો, ખૂનીઓની સમસ્યામાં સમાજ ઊંડો રસ લે. રાજન : તમે ખરેખર એવું માનો છો ? લાલદાસ : ઑફ કોર્સ ! એટલે જ તો કેદીઓ પ્રત્યે મારું વલણ સહાનુભૂતિભર્યું હોય છે અને હું તો ઇચ્છું છું કે લોકો પણ એ જ રીતે સહાયભૂત થવાની કોશિશ કરે. રાજન : પણ કેદીઓને અમારાથી દૂર રાખો તો અમે સહાય કેમ કરી શકીએ ? લાલદાસ : પણ દુઃખની વાત એ છે કે મારા હાથ કાયદાથી બંધાયેલા છે, રાજન : જરા સ્પષ્ટતા કરશો ? લાલદાસ : કાયદો એવો છે કે કોઈ પણ વ્યક્તિને જેલની મુલાકાત લેવા દેવામાં નથી આવતી. આઈ એમ સોરી. બટ ધેટ ઈઝ ધ લો. રાજન : પરંતુ પુનાની યરવડા જેલમાં તો ફાંસી પામેલા કેદી મુનવ્વર શાહની મુલાકાતની વીસ—પચ્ચીસ સીટિંગ થઈ હતી. જેની ઉપરથી ‘યસ આઈ એમ ગિલ્ટી' પુસ્તક પણ પ્રસિદ્ધ થયું. લાલદાસ : હશે. મને એની ખબર નથી. રાજન : એ પુસ્તકે ઘણો વિવાદ જગાવ્યો હતો અને તમને એક જેલ સુપ્રિન્ટેન્ડન્ટને એની ખબર નથી ? લાલદાસ : મારે શેની ખબર રાખવી અને શેની નહીં એ મને જ નક્કી કરવા દો તો સારું. હું તમને કોઈ મુલાકાત લેવા નહીં દઉં. રાજન : પણ પંજાબ હોમગાર્ડ્ઝના મચ્છીસિંહ જેની ઉપર અઢાર ખૂન કર્યાનો આરોપ છે, એની ભટીંડા જેલમાં મુલાકાત લેવાની મને રજા મળી હતી. લાલદાસ : મળી હશે. રાજન : અને જર્નાલિસ્ટ કુમકુમ ચઢ્ઢા, એમણે તિહાર જેલમાં પાકિસ્તાની કેદી મકબુલ ભટ્ટની મુલાકાત લીધી હતી. લાલદાસ : એમાં મારો કોઈ વિરોધ નહોતો. રાજન : મિસ ચઢ્ઢાએ પુસ્તક લખ્યું છે 'ધ ઇન્ડિયન જેલ.' એમાં જેલમાં થતા જુલમ, અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિષે ખુલ્લંખુલ્લા લખ્યું છે. લાલદાસ : એમ ? મેં વાંચ્યું નથી. રાજન : પણ તમારા જેવા સહાનુભૂતિવાળા ઑફિસરોએ તો ખાસ વાંચવું જોઈએ. [ઝડપથી બગલથેલામાંથી પુસ્તક કાઢીને ધરે] લો, મારા તરફથી એક કોપી. લાલદાસ : થૅન્ક્યુ. આ બધું કહ્યા પછી પણ હું તમને કોઈની મુલાકાત લેવા નહીં દઉં. રાજન : તો આપની મુલાકાત લઈ શકું છું ? [બલવંતસિંહ ઇશારતથી લાલદાસને 'હા'નું સૂચન કરે. રાજન અને લાલદાસના આખા દૃશ્ય દરમિયાન બલવંતસિંહ આમ ચૂપ છે, ફાઇલમાં મશગૂલ હોવાનો દેખાવ કરે છે, પણ એના હાવભાવ અને હલનચલન દ્વારા એ આ દૃશ્યનો એક ભાગ છે જ.] લાલદાસ : [નારાજીથી] યસ. જલદી બોલો. આઈ એમ બીઝી. રાજન: [રાજન સમજે છે. લાલદાસ સાથેના આખા દૃશ્ય દરમિયાન એ ઝડપી અને આક્રમક પ્રશ્નો જારી રાખે છે.) થૅન્કયુ. ગયે વર્ષે તમારી જેલમાં ચાર કેદીઓનાં શકમંદ સંજોગોમાં મૃત્યુ થયાં હતાં.... લાલદાસ : એ ખોટી વાત છે. રાજન : [બગલથેલામાંથી તરત અંક બહાર કાઢે છે.] પણ ‘ઇન્ડિયા ટુડે'માં એ શંકાસ્પદ મૃત્યુની બધી વિગતો પ્રગટ થઈ હતી. એ વિષે તમારે શું કહેવું છે ? લાલદાસ : એ બધાં કેસની ઇન્કવેસ્ટ થઈ હતી અને બધાં કેસમાં મૃત્યુનું કારણ ટી.બી. હતું. રાજન: ઓહ વેરી નાઇસ. પણ જેલોમાં થતાં આવાં શંકાસ્પદ મૃત્યુમાં મોટેભાગે ટી.બી.નું જ કારણ આપવામાં આવે છે. એનું કંઈ કારણ ? લાલદાસ : ભારત જેવા પછાત ગરીબ દેશમાં ટી.બી. એક સામાન્ય રોગ છે એની તમને ખબર નથી મિ. રાજન ? રાજન : જરા નવાઈ જેવું કહેવાય. કારણ કે આધુનિક ડ્રગ્સની શોધ પછી આજના જમાનામાં ટી.બી.ને કારણે બહુ ઓછાનાં મૃત્યુ થાય છે. લાલદાસ : ટી.બી.ની દવાઓ નથી એવું મેં નથી કહ્યું. રાજન : તો એ દવાઓ કેદીઓને કેમ નહોતી મળી ? બાય ધ વે તમારી જેલમાં કેદીઓ પાછળ મેડિકલ એક્સપેન્સીસ કેટલો થાય છે ? લાલદાસ : તમારા સવાલનો જવાબ આપવાની જરૂર હું જોતો નથી. રાજન : સર, પણ થોડી વાર પહેલાં તો તમે કહ્યું ને કે કેદીઓની સમસ્યામાં સમાજે ઊંડો રસ લેવો જોઈએ. હું ‘ઊંડો’ રસ લઈ રહ્યો છું. લાલદાસ : તમે વિવેકની મર્યાદા ચૂકી જાઓ છો. રાજન : માત્ર તમારા શબ્દો ટાંકું છું. સોરી જવા દો. સર, આ 'લોકસત્તા'ના અહેવાલ પ્રમાણેઃ [બગલથેલામાંથી છાપું કાઢે] કાનપુર જેલમાં તદ્દન કુમળી વયનાં દોઢસો જેટલાં બાળકો વગર વાંકે સબડી રહ્યાં છે અને આવાં બાળકો હોમોસેક્સ્યુઆલિટી માટે ડાકુઓ અને રીઢા ગુનેગારોને પૂરાં પાડવામાં આવે છે. આ બાળકો ગુપ્ત રોગોથી પીડાતાં હતાં, જેની સુપ્રીમ કોર્ટે બહુ કડક શબ્દોમાં નોંધ લીધી છે. લાલદાસ: હા. તે હશે. મને શા માટે કહો છો ? રાજન : તમારી જેલમાં આવાં કેટલાં બાળકો છે ? લાલદાસ : આપણી મુલાકાત પૂરી થઈ. રાજન : એક છેલ્લો સવાલ પ્લીઝ, તમને ખબર છે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મુંબઈની આર્થર રોડ જેલમાં ગુનેગારોને ભાગી જવાની વ્યવસ્થા માટે મરચાંની ભૂકી પૂરી પાડવામાં આવે છે ! લાલદાસ : મને બીજી જેલની વાતોમાં રસ નથી. રાજન : તો તમારી જેલની વાત પૂછું ? તમારે ત્યાં ગુનેગારોને ભાગી જવાની કેવી વ્યવસ્થા કરી આપો છો ? લાલદાસ : તમે હવે જઈ શકો છો. જસ્ટ ગો. રાજન : તમે મને 'સહકાર' આપ્યો એ માટે તમારો આભાર. હું મારા લેખમાં એ નોંધ લઈશ. એન્ડ આઈ વીલ સેન્ડ યુ અ કોપી, નો પ્રૉબ્લેમ. તમારો એક ફોટોગ્રાફ... [કૅમેરો કાઢે છે. લાલદાસ તરત બોલી પડે છે.] લાલદાસ : નો. રાજન : તમને બીજા સરકારી અધિકારીઓની જેમ પબ્લિસિટીમાં રસ જ નથી લાગતો. કહેવું પડે. યુ આર ગ્રેટ. લાલદાસ : [હવે એ ઉશ્કેરાઈ ગયા છે.] તમે હવે જાઓ છો કે હું… રાજન : ઓહ. વેરી ગ્લેડલી સર. બાય ધ વે. સારું થયું તમે ફોટાની ના પાડી દીધી. નહીં તો હું તમારો અને ચંદ્રજીત ઠાકુરનો સાથે જ છાપી મારતને ! લાલદાસ : [ઘસી જાય છે.] યુ બાસ્ટાર્ડ, રાજન : [હસીને બોલે] જાઉં છું. જય સિયારામ ! [તત્ક્ષણ જેલની ઑફિસના ભાગ પર અંધકાર. જેલના મુખ્ય દરવાજા પાસેની ડોકાબારી પાસે પ્રકાશનું વર્તુળ. દેવપ્રકાશ ઊભો છે. દેવપ્રકાશ અને રાજનનું દૃશ્ય અહીં ભજવાય છે. આખા તખ્તા પર અંધકાર, માત્ર બન્ને પર પ્રકાશ] દેવપ્રકાશ : રાજન ! [રાજન ચમકે છે.] દેવપ્રકાશ : મેં તમારી વાત સાંભળી. રાજન : તમે ? જો હું ભૂલતો ન હોઉં તો, તિહાર જેલમાં સુખસાહ્યબીથી રહેતા પેલા સ્મગલર ચાર્લ્સ શોભરાજ સામે જેલર તરીકે વિરોધ નોંધાવનાર તમે જ હતા ને ! દેવપ્રકાશ : હા. જલદી મારી વાત સાંભળી લો. તમારો અને મારો ઉદ્દેશ્ય એક જ છે. આપણે એકબીજાને મદદ કરીએ. રાજન : તમે મને માહિતી આપો તો લેખ.. દેવપ્રકાશ : તમારામાં હિંમત છે ? રાજન : તૈયાર છું. મારે શું કરવાનું છે ? દેવપ્રકાશ : મારી પાસે પુરાવા છે, પણ સાક્ષી જોઈએ છે. રાજન : પણ હું... દેવપ્રકાશ : તમે કોઈ ગુનો કરો. માઇનોર ચાર્જ પર પકડાઈને જેલમાં આવો. બોલો થશે તમારાથી ? રાજન : [ઉત્સાહથી...] ઓહ માય ગૉડ ! ‘ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટરની જેમ ? ગુડ આઇડિયા પણ હું શું કરું ? દેવપ્રકાશ : કાલા બાઝાર પોલીસ સ્ટેશનની પાસે હાથમાં દારૂની બાટલી લઈ, પીધેલી હાલતની એક્ટિંગમાં રસ્તા પરનો ટ્રાફિક રોકવાની કોશિશ કરજો. થોડા જ વખતમાં તમે લોકઅપમાં હશો. સેક્સન 13 અને 17ની રૂએ તમારાં કાગળિયાં થશે. પોલીસ પીકઅપ વાન કોર્ટમાં લઈ જશે. જમાનત નહીં ભરતા એટલે ત્રણ—ચાર દિવસની જેલ કસ્ટડીનો મૅજિસ્ટ્રેટ હુકમ કરશે. બેસ્ટ લક. [દેવપ્રકાશ જલદી જવા માંડે છે. રાજન હજી સ્તબ્ધ છે. દેવપ્રકાશ અટકીને પાછો ફરે છે.] અંદર આવતા પહેલાં એક કામ કરજો. રાજન : હા, યસ યસ. દેવપ્રકાશ : પેટ ભરીને જમીને આવજો. [દેવપ્રકાશ અંદર જાય. તરત પ્રકાશ વિલીન] [ફરી પ્રકાશ. સુંદર બલવંતસિંહના ટેબલ પર ટપાલની થોકડી મૂકે છે.] સુંદર : સાહેબ, ટપાલ. બલવંતસિંહ : મારે બીજું કામ છે સુંદર. તું ટપાલ જુદી કરી સેન્સર કરી નાંખ. [બલવંતસિંહ ફાઇલ ઊથલાવે છે. સુંદર ખુશ થઈ જાય છે. ટપાલ જોતાં જોતાં જુદી પાડે છે. આજુબાજુ ચોરનજર કરી એક કાગળ બાંડિયામાં સેરવી દે છે.] બલવંતસિંહ : સુંદર, જેલની અંદરના શું હાલચાલ છે ? સુંદર : [ખંધાઈથી] આમ જુઓ તો ખબર ઘણી ને પાછી આમ જુઓ તો કાંઈ નહીં. આપણી હિંદી ફિલ્મની જેમ આમ આખી ફિલ્મ ને આમ પાછું ઈસ્ટોરી જેવું કાંઈ નહીં. બલવંતસિંહ : સીધું ભસી મરને ! સુંદર : એટલે એમ કે ધાબળાની ગિનતીમાં કમી આવે છે. આઠ નંબરના વૉર્ડનો નળ ખરાબ થયો છે. એટલે આપણા દેવપ્રકાશ સાહેબે કેદીઓને નાવાનો ટેમ વધારી આપ્યો ને 65 નંબર, પેલો ચરસી... એની બૈરી અને દીકરીની કાલે મુલાકાત હતી. આહા સાહેબ ! છોકરી જુઓ તો ગુલાબનું ફૂલ ! [ફૂલ સૂંઘવાનું કરે છે.] બલવંતસિંહ : પાછો પોતે ધતુરાનું ફૂલ. સુંદર : એની છોકરી કાલે શું રડે, શું રડે. તો સાહેબે પંદર મિનિટ વધારી દીધી. બલવંતસિંહ : [ચમકીને] એટલે ? [પૈસાનો આંગળીથી અભિનય] સુંદર : ના રે. એક દમડી નહીં. માથે વાઘ જેમ બેસી રહ્યો. એટલે હવાલદાર કે' મને ય કાંઈ મળ્યું નહીં. બલવંતસિંહ : દેવપ્રકાશ સાલ્લો એકએક વાતમાં માથું મારે છે. આજકાલ દેવ એનો પ્રકાશ સારો એવો પાથરવા લાગ્યો છે. સુંદર : [મીઠું ફૂંકીને ઝેરી કરડતા ઉંદરની જેમ અવાજ લડાવે છે. ટપાલ ટેબલ પર મૂકી ઊભો થાય છે અને બલવંતસિંહના ખભા, પીઠ દબાવે છે.] એનાથી ચેતજો હુજૂર. કાયદો ભણ્યો છે. એટલે તો તમારા હક્કની જગ્યા એને મળી ગઈ ને તમે જેલરના જેલર રહ્યા. બલવંતસિંહ : જાણું છું. સુંદર…… પણ હું પણ શકુનિની જેમ એવાં પાસાં ફેંકીશ કે આ ધર્મરાજાને જંગલમાં ભટકવું ન પડે તો મારું નામ બલવંતસિંહ તિવારી નહીં. સુંદર, કુંદનપુર જેલમાં આજ સુધી શું ચાલે છે એની દુનિયાને અમે ગંધ આવવા દીધી છે ? [સુંદર નીચે બેસી બલવંતસિંહના પગ દબાવે છે.] સુંદર : બધું જાણું છું સરકાર. જનમટીપ ભોગવું છું ને આપની કૃપાથી પહેલાં હેડ વૉર્ડર થયો ને હવે કિચનનો હેડ થઈ ગયો. બસ ચાલચલગતનો એવો જોરદાર રિપોર્ટ લખી નાંખો હુજૂર કે... બલવંતસિંહ : મને ખબર છે. સાલ્લા એકની એક વાત ! સુંદર : સાહેબ, 40 નંબરની છેક સંતનગરથી અહીં બદલી થઈ ગઈ છે. નસીબની બલિહારી. બલવંતસિંહ : ચલ ફૂટ હવે. ફાલતુ વાતો ન કર. સુંદર : ફાલતુ વાતો કોઈ દિવસ નથી કરતો સરકાર. બલવંતસિંહ : [સજાગતાથી.] એટલે ? સુંદર : બૅન્કમાંથી 30 લાખ રૂપિયાની ઉચાપતનો કેસ છે એની પર. અન્ડર ટ્રાયલ છે સરકાર. બે વર્ષથી કેસ નથી નીકળ્યો... અને 30 લાખ રૂપિયા... પોલીસને હજી એની પાસેથી મળ્યા નથી સરકાર. બલવંતસિંહ : [ચમકીને ઊભો થઈ જાય. આખી વાતનો મર્મ સમજાય છે.] સુંદર, ખરેખર ! સુંદર : હા, હવે સમજ્યા સાહેબ. બલવંતસિંહ : [બીભત્સ રીતે ખી ખી હસી પડતાં] એનો અર્થ એમ કે રૂપિયા એના કબજામાં છે અને એ આપણા કબજામાં છે. સુંદર : તો આજે રાત્રે સરકાર ? શાસ્ત્રોમાં કહ્યું છે ધરમના કામમાં ઢીલ કરવી નહીં. બલવંતસિંહ : આજે રાત્રે જ સુંદર. સુંદર : બંદા સેવામાં હાજર છે સરકાર. નાઈટ વૉચમૅન હવાલદાર બધાં મારી મુઠ્ઠીમાં છે સરકાર. તો આજ રાતકો. 30 લાખ. [બન્ને હસે છે. થોડા સમયના અંધકારમાં સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસના ટેબલવાળું એક રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય છે. સ્ટેજ લેવલથી એક બત્તીનો આ દૃશ્ય પર પ્રકાશ. અર્ધ અંધકાર—પ્રકાશમાં દૃશ્યની ક્રૂરતા વધુ સચોટ બને. લાકડાની નાની પાટ સિવાય તખતો ખાલી. એ ખાલીપણામાં પાત્રોના પડછાયા ભૂતિયા ઓળાઓ લાગે છે.] 40 નંબર : [ચમકી પડે છે. ગભરાટથી.] ક... કોણ છે ? [સુંદર એને જોરથી લાત મારે છે. એ ગબડી પડે છે.] સુંદર : તારો બાપ. સાલ્લા ખડૂસ. બેઠો થા. સાહેબ આવ્યા છે. બલવંતસિંહ : રૂપિયા ક્યાં છે ? 40 નંબર : ૨... ૨... રૂપિયા ક્યાં ? બલવંતસિંહ : બૅન્કમાંથી 30 લાખની ઉચાપત કરી છે. પૈસા ઓકી નાંખ, સાલ્લા. 40 નંબર : હું… હું… કાંઈ જાણતો નથી. મેં એક પૈસો ય ખાધો નથી, સાહેબ દયા કરો. સુંદર : [લાત મારે] ચોરી અને ઉપરસે જૂઠ ? કુત્તા… 40 નંબર : [વેદનાભરી ચીસ પાડી ઊઠે છે.] હું… હું કંઈ નથી જાણતો. બૅન્કના મૅનેજરે અને કેશિયરે પૈસા ખાધા અને મને ફસાવી દીધો. મારી દીકરીના સોગંદ સાહેબ...… બલવંતસિંહ : તારી દીકરી મરે કે જીવે મારે શું ? પૈસા ક્યાં છે ? જ્યાં સંતાડ્યા હોય ત્યાંથી કાઢી આપવાની તારી બૈરીને ચિઠ્ઠી લખી દે. સુંદર : [વાળ પકડી 40 નંબરને ઊંચો કરે છે.] જો, સાહેબ બહુ દયાળુ અને પ્રામાણિક છે સમજ્યો ? આ બાજુ તારા પૈસા અને આ બાજુ તારો કેસ સેશન્સ કમીટ કરાવી દેશે. બાકી જેલમાં તારા જેવા અન્ડર ટ્રાયલ વીસ વીસ વરસ વગર કેસે ગોંધાઈ રહે છે ને કોઈ ભાવ પણ પૂછતું નથી. [વાળથી ઊંચકી પછાડી દે છે. 40 નંબર દુ:ખથી ચીસો પાડે છે.] 40 નંબર : તું શેનો વચ્ચે બોલે છે ? કેદીઓની ઈધર ઉધર કરી વૉર્ડન બની બેઠો છે. સાલ્લો ચમચો. પણ યાદ રાખજે, અહીંથી છૂટી જશે. પણ ઉપરવાળાની કોર્ટમાંથી નહીં છૂટે. સુંદર : [દાંત ભીંસી, વાળથી પકડી એનું માથું પછાડે છે.] ઉપર જઈશ ત્યારે ચિતરગુપ્તનો ચોપડો ચીતરવા તને સાથે લઈ જઈશને. બલવંતસિંહ : બકવાસ બંધ. એક વાર કહ્યું ને મને વાતો પસંદ નથી. પૈસા કાઢ. [ક્રૂરતાથી વાળ પકડી માથું ખેંચે છે અને પગેથી લાતો મારે છે. અત્યંત કરુણાજનક દૃશ્ય છે. એના વાળ વીખરાયેલા અને ખમીસ ફાડી નાંખેલું છે. એ રડતો, કકળતો બલવંતના પગમાં આળોટી પડે છે.] 40 નંબર : સાહેબ, ઈશ્વર સાક્ષી છે, મારી પાસે એક ફૂટી કોડી નથી. સગાંવહાલાં મારી પત્નીનું મોંય જોવા તૈયાર નથી. બદનામીથી વાજ આવી દીકરીનેય નિશાળેથી ઉઠાડી લીધી છે. પત્ની પાસે હવે ટ્રેન ભાડાનાંય પૈસા નથી કે મળવા આવે. મારો સંસાર વીંખાઈ ગયો સાહેબ… રહેમ કરો સાહેબ... પત્નીનો કાગળ નથી… ને... [40 નંબરના રુદન પર સુંદરનું ખડખડાટ હાસ્ય. બાંડિયામાં હાથ નાંખી છુપાયેલો કાગળ બહાર કાઢે. બલવંત એ જોઈ ખુશ થાય—કમાલ કીયા સુંદર—એ કાગળ 40 નંબરને દૂરથી બતાવી ટટ્ળાવે, તરફડાવે. 40 નંબર જાનવરની જેમ એની પાછળ ઘૂંટણિયે ચાલતો, રઘવાયો થાય, રડે, કકળે.] સુંદર: આજને તારી બૈરીનો પ્રેમપત્તર ! [સુંદર કાગળ ફાડી કટકા ઉડાડે.] 40 નંબર : રમા... મારી રમાનો કાગળ… મારી દીકરીનો કાગળ... બલવંત તું... તું રાક્ષસ છે. નરરાક્ષસ છે. તું રૌરવ નરકમાં પડીશ... તારે શરીરે કીડા પડશે કીડા... બલવંતસિંહ : [રોષથી ભભૂકી ઊઠી ત્રાડ પાડે] સાલ્લા ભૂંડ. ખચ્ચરની ઓલાદ. શાપ આપે છે ? એમ સીધી આંગળીથી નહીં નીકળે. સુંદર, પકડ સાલ્લાને. [40 નંબર અત્યંત ભયભીત થઈ ચીસ પાડે... ના ના મને છોડી દો… હું નિર્દોષ છું… દયા કરો. સેટિંગના ખૂણામાં લાકડાની પાટ છે. તેની પાછળ 40 નંબરનું મોં રહે અને પગ થોડા પ્રેક્ષકોને દેખાય એમ સુંદર અને બલવંતસિંહ ભાગતા, ચીસો પાડતા 40 નંબરને પકડીને પાટ પાછળ નાંખે. બલવંતસિંહ પેટ પર એક પગ દબાવી રાખે. સુંદર 40 નંબરના છટપટતા શરીર પર બેસી જાય. એનું મોં બાંધે. બલવંતસિંહ રૂમાલ અને નાની દોરી એને આપે. 40 નંબરનો તરફડાટ વધે છે.] બલવંતસિંહ : હાં, હવે કર સાલ્લાના પગ પહોળા એટલે આ તીખાં તમતમતાં મરચાંવાલી લાકડી ખોસી દઉં અંદર. અબ્બે એય ! આ લાકડી જોઈ ? ભલભલા છાતીવાળાનું પાણી એ ઉતારી નાખે છે. આને હૈદ્રાબાદી ગોલી કહે છે. સમજ્યો ? બે—ચાર વાર આ બલવંત વૈદ્યની ગોળી ખાઈશ એટલે લોહીનાં ઝાડા—ઊલટી ને લોહીનો પેશાબ થશે. તારા પેટમાં આગ ઊઠશે. સુવ્વર, તારી બૈરીને તું ભોગવી નહીં શકે... લે લેતો જા... [આ સંવાદ દરમિયાન 40 નંબરનાં હાથ—મોં બંધાઈ જાય. આખા દૃશ્ય દરમિયાન ક્રિયા અને સંવાદ ઝડપી રહે. સુંદર એક ઝાટકે 40 નંબરની ચડ્ડી કાઢી નાંખી તખ્તા પર ઉછાળે. 40 નંબરના પગ પહોળા કરે. બલવંતસિંહ લાકડી લે. 40 નંબરની રૂંધાયેલી ચીસ. તરફડાટ. બલવંતસિંહ — સુંદરના ચહેરા પર પાશવી આનંદ અને ક્રૂરતા. તરત અંધકાર. રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય. ફરી પ્રકાશ. સવારનો સમય. જેલની ઑફિસનું દૃશ્ય ત્રણ—ચાર પોલીસો સાત—આઠ જણને ધક્કો મારતા, બૂમો મારતા ડોકાબારીમાંથી દાખલ થાય. ટોળાંમાં બે—ત્રણ છોકરાઓ છે, 12—13 વર્ષના. એક 16—17 વર્ષની વયનો — પુરષોત્તમ —છોકરો છે. દાણચોરીનો રાજા હાજી વલી મહમદ છે જે ઉસ્તાદને નામે ઓળખાય છે. 'ઇન્ડિયન ટાઇમ્સ'નો રિપોર્ટર રાજન છે. એણે લાલ મેલું શર્ટ, ગળામાં બાંધેલો રૂમાલ, જિન્સ પહેરેલા છે. વીખરાયેલા વાળ અને પીધેલો દેખાવ. એને કોઈ ઓળખી શક્યું નથી. ટેબલ પર બલવંતસિંહ ફાઇલો ખોલીને બેઠો છે. દેવપ્રકાશ અંદરથી ફાઇલ લેવા આવે છે. રાજનની સાથે નજર મળે છે. ફરી અંદર ચાલી જાય છે.] [ટોળું અંદરોઅંદર ઝઘડે છે. એકબીજા પર પડે છે. બાળકો ગભરાયેલાં છે.] પોલીસ : નવી ભરતી, સાહેબ. અને આ કોર્ટ ઑર્ડર. બલવંતસિંહ : ન્યુ ઍડમિશન રજિસ્ટર કાઢ. કેસ હિસ્ટ્રી લેજર અંદર સાહેબના ટેબલ પર મૂક. પોલીસ : સાલ્લે કૂત્તે ખડે હૈ ! દો દો કી લેનમેં બૈઠ જાઓ.

[બધાં અથડાતા કુટાતા બેસે છે. ઉસ્તાદ અદબ વાળી રુઆબથી છેલ્લે ઊભો રહે છે. ઉસ્તાદ બેઠી દડીનો છતાં પ્રભાવશાળી છે. રેશમી લુંગી, કૂરતું, હાથમાં હીરાની વીંટી]

ઉસ્તાદ : [દૂરથી] ક્યોં બે બલવંતસિંહ ? [બલવંતસિંહ ચમકીને ઊભો થઈ જાય છે. ઉસ્તાદ પર નજર પડતાં ચહેરો ખીલી ઊઠે છે.] બલવંતસિંહ : અરે ઉસ્તાદ તમે ? આવો આવો. બહુ વખતે અમારા મહેમાન બન્યા ? એય ગધેડા… એટલીય અક્કલ નથી ? જા એક કપ ફક્કડ ચહા લઈ આવ. [ઉસ્તાદને માટે પોતાના ટેબલની સામેની ખુરશી રૂમાલથી લૂછે છે. ઉસ્તાદ બેસે છે.] ઉસ્તાદ : ક્યૂં ભઈ બલવંતસિંહ કૈસે હો ? અરે ભઈ બર્કલી તો પિલાઓ. એમાં જે મજા છે, આ 555માં નથી. [આ દૃશ્ય દરમિયાન પોલીસો વારાફરતી ટોળામાંથી સૌની ઝડતી લે. ખિસ્સામાંથી પાકીટ, પેન એક લેતો જાય અને બીજો રજિસ્ટરમાં નોંધ કરતો જાય. રાજેનના ખીસામાંથી દસ દસની બે નોટ નીકળે પોલીસ લઈ લે, બીજાને બતાવે, રાજેન વિરોધ કરે, પોલીસ નોટ પોતાના ખીસામાં મૂકે. રાજન... અબ્બે એય કોરટમેં મૅજિસ્ટ્રેટ સાબને રખનેકું બોલા હૈ તું કાયકો... પોલીસ ચીડથી તમાચો ઠોકી દે છે.] બલવંતસિહ : જરૂર ઉસ્તાદ, અચ્છા કેમ ચાલે છે ધંધાપાણી ? આજકાલ કસ્ટમવાળા સોનું બહુ પકડી પાડે છે, શું વાત છે હેં ! ઉસ્તાદ : અરે ભઈ, પાલતુ કુત્તાને ટુકડા તો ફેંકવા પડે ને બલવંતસિંહ ! બાકી ધંધો તો ફર્સ્ટક્લાસ ચાલે છે. તમારા બધાંની કૃપા છે. બલવંતસિહ : કૃપા તો ઉપરવાળાની ઉસ્તાદ, [બન્ને હસી પડે છે.] બાકી હાઈ કમાન્ડમાં તો તમારા ઘણા દોસ્ત છે. ઇલેક્શન ટાઈમે તો તમારી જ પાસે આવવાના ને ! બોલો આજકાલ કયો કેસ ચાલે છે ? ઉસ્તાદ : કેસ તો ચાલ્યા કરે. એમાં અમારે શું ? વકીલો અને સરકાર આપસ આપસમાં લડ્યા કરે. બલવંતસિંહ : તમારો બંગલો બંધાતો હતો એનું શું થયું ઉસ્તાદ ? ઉસ્તાદ : બસ તૈયાર થઈ ગયો. અહાહા શું શાનદાર બંગલો બન્યો છે ! દમણના દરિયાકિનારે. જાણે મજબૂત કિલ્લો જોઈ લો. બલવંતસિંહ : વાસ્તુ થઈ ગયું ? ઉસ્તાદ : તમને લોકોને આમંત્રણ આપ્યા વિના વાસ્તુ થશે કંઈ ? આપણા ઉદ્યોગપ્રધાન જ ઉદ્ઘાટન કરવાનાં છે. [સુંદર ચા લઈને આવે. ભક્તિભાવથી આપે. પછી પગ પાસે બેસી જાય. ટોળામાં અંદરોઅંદર ઝઘડો.] ઉસ્તાદ : ક્યૂં સુંદર મજોમેં હો ? અબ્બે એય ગધે લોક ચુપ. ઈતના શોર ક્યૂં મચા રખ્ખા હૈ ? બાપકી બારાતમેં આયે હો ક્યા ? પુરુષોત્તમ : સાહેબ... પાણી... આ લોકોએ કાલનું પાણી પીવા દીધું નથી. સુંદર : [પુરુષોત્તમને ગળેથી ધક્કો મારી પાડી નાંખે] અબ્બે ખડૂસ. પાણી પીવું છે એમ ? મારો પેશાબ પી પેશાબ. ઉસ્તાદ : [પુરુષોત્તમ તરફ ધ્યાન જાય અને આકર્ષાય] એય લડકા. આવ આવ ઈધર આવ. બીએ છે શું ? આ જા. [પુરુષોત્તમ ગભરાતો નજીક આવે, સુંદર ખેંચીને સામે લાવે. ઉસ્તાદ એની દાઢી, ગાલ પર હાથ ફેરવે. ખુશ થાય. બલવંતસિંહ બીભત્સ રીતે હસે.] અરે ! તું તો બિલકુલ કચ્ચા લડકા હૈ. કાકડીકા માફીક. શું નામ તારું ? પુરુષોત્તમ : ૫... પુરુષોત્તમ. [ઉસ્તાદના વાસનાભર્યા સ્પર્શથી ગભરાય. ખસી જાય. સૌ હસે છે.] ઉસ્તાદ : હાય હાય. શું છોકરો છે ? હજુ તો દાઢી પણ કડક નથી થઈ ! બલવંતસિંહ : બિલકુલ ઉસ્તાદ. ઉસ્તાદ : અચ્છા બલવંતસિંહ, હમ તો અપને મુકામ ચલે. મારી સ્પેશ્યલ સેલ ખાલી છે ને ! સુંદર, સેલની સફાઈ કરી નાંખ. ને જુઓ, રાત્રે મારી કારમાં મારો સામાન આવશે. નાસ્તો, સિગરેટ, ટેબલ ફેન, વૉટર કુલર, ટી.વી. બધું મારી સેલમાં મુકાવી દેજો. બલવંતસિંહ : એમાં કહેવું પડે ઉસ્તાદ ? સુંદર : ટી.વી. ઉસ્તાદ ? જામી ગયું. રવિવારે સાંજે હિંદી ફિલ્મ ! ઉસ્તાદ : ને સુંદર, મારા માલિશ માટે કિસનભૈયાને મોકલજે. સુંદર : એ ગયે મહિને છૂટી ગયો સરકાર. ઉસ્તાદ : છૂટી ગયો ? અરે પણ તમે લોકોએ જવા કેમ દીધો ? કંઈ પણ આરોપ મૂકી એને પકડી લેવો હતો ને ! ક્યા માલિશ કરતા થા ? બલવંતસિંહ : દર વખતે એ છૂટે કે પકડી જ લેતા હતા ઉસ્તાદ. અહીંના મેતર છે હરિ ને ગણેશ. એને અમે સાત વરસથી ગોંધી જ રાખ્યા છે ને ! નહીં તો સંડાસ કોણ સાફ કરે ? પણ આ વખતે આ ભૈયાને કોઈ ગુરુ ભેટી ગયો. ઉસ્તાદ : એ નહીં તો એનો બાપ, બલવંતસિંહ, આજ રાત કો હો જાય. એય સુંદર પુરુષોત્તમને બરાબર નવડાવજે. સાબુ, પરફ્યૂમ બધું લઈ જજે મારી પાસેથી. સમજ્યો ? બલવંતસિંહ : સમજી ગયો. [સુંદર અને ઉસ્તાદ અંદર જાય. બલવંતસિંહ બરછટ સ્વરે] હવાલદાર, કેદીઓને રજિસ્ટર કર્યા ? હવાલદાર : યસ સર. પ્રૉપર્ટી જમા થઈ ગઈ. બલવંતસિંહ : સાલ્લા હરામજાદા ક્યાં ક્યાંથી ચાલ્યા આવે છે ? કેદીઓને અંદર લઈ જાઓ ને હવાલાતીઓને અહીં લઈ આવો. [હવાલદાર બેએક જણને મારતાં, ગાળો દેતાં અંદર લઈ જાય. નાનાં છોકરાંઓ બતાવે.] બલવંતસિંહ : આ કોણ છે ? પોલીસ : [નજીક આવી, ધીમેથી] સર, હમણાં જેલમાં કામ કરનારાની તંગી છે, તે મોટા સાહેબે કહ્યું હતું... બલવંતસિંહ : ટૂંકમાં બકરાં પકડી લાવ્યો... શાબ્બાશ... 1 છોકરો : સાહેબ... મારો કાંઈ વાંક નથી, હું તો ચીકુનો ટોપલો લઈ વેચવા બેઠો હતો. આ… પોલીસે પકડી લીધો. મને છોડી દ્યો સાહેબ... મને… મારી બહેન મારી રાહ જોતી હશે. [બલવંતસિંહને પગે પડી રડે. કકળે. બલવંતસિંહ ચિડાઈને લાત મારે. રાજેન દાંત ભીંસતો પરાણે રોષ પર સંયમ રાખે છે.] બલવંતસિંહ : સાલ્લા… સુવ્વર… ફેરિયો થઈ રસ્તામાં બેસે છે, લોકોને ત્રાસ આપે છે અને ઉપરથી કહે છે વાંક નથી મારો ? લઈ જાઓ સાલ્લાને અંદર. આને કિચનની ડયૂટી પર બેસાડી દો… અને એય... એય તને પૂછું છું. જનાબ તમે શું કરતા હતા ? છોકરો : સ... સાહેબ... કંઈ નહીં. હું તો પતંગ ઉડાડતો હતો... નંબર 2 : મારો કંઈ ગુનો નથી... મને છોડી દ્યો સાહેબ.. મારી મા કિસન કિસન કરતી મને ગોતતી હશે... [રડતો રડતો ભાગવા જાય. પોલીસ પકડી લે. બન્ને ખૂબ રડે ને છૂટવા તરફડિયાં મારે. પોલીસ બન્નેને ઢસડતી અંદર લઈ જાય.] બલવંતસિંહ : સસલાની જેમ ભાગે છે એમ ! સાલ્લાના પગમાં નાખ બેડી ને છછૂંદરને ફરસ સાફ કરવા બેસાડી દે. [દેવપ્રકાશ અંદરથી આવે, આ દૃશ્ય જોતા સ્તબ્ધ થઈ ગયેલા રાજેનને અચાનક ધક્કો મારી ફેંકે.] દેવપ્રકાશ : સાલ્લા હરામખોર. કુતુબ મિનારની જેમ ઊભો છે શું ? પી પીને ચાલ્યા આવે છે. બાપનો બગીચો છે કે ! લઈ જાઓ સાલ્લાને અંદર અને ઉસ્તાદની સેલ સાફ કરવા બેસાડી દે. [પોલીસ એને ધક્કા મારતો અંદર લઈ જાય છે. પ્રકાશ વિલીન.] [તખ્તા પર પ્રકાશ. બલવંતસિંહ ટેબલ પર ફાઇલોમાં ડૂબેલો છે. લાલદાસ એના ટેબલ પાછળની વિંગમાંથી પ્રવેશે છે.] દેવપ્રકાશ : સર, તમે એન્યુઅલ રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું તેનાં કાગળો તૈયાર થઈ ગયાં છે. હવે પેરોલ રિપોર્ટ બાકી છે અને મેડિકલ હિસ્ટ્રીના થોડા કેસ છે. સર, પેલી નિલમણી બિચારી બાર વર્ષથી અહીં જેલમાં સબડે છે. એ શું કામ અહીં છે, એની એને ય ખબર નથી. આપણી પાસે એનો કોઈ રેકર્ડ નથી, એને દીકરો જન્મ્યો એય બિચારો વગર વાંકે અહીં મોટો થાય છે, સર જિલ્લા મૅજિસ્ટ્રેટને અરજી... લાલદાસ : [અત્યંત રોષથી] વ્હોટ ડુ યુ મીન ! જેલનો વહીવટ કરવો રહેવા દો. જાણો છો આ જિલ્લાની સબોર્ડીનેટ અદાલતોમાં 70 લાખ કેસ પેન્ડિંગ પડ્યા છે. દેશની એક એક જેલમાં લાખો અન્ડર ટ્રાયલો સબડે છે. એમાં આપણે શું કરી શકીએ ? દેવપ્રકાશ : પણ સર પેલો મુસ્તફા તો પાગલ કેદી છે. મેન્ટલ હૉસ્પિટલને બદલે અહીં સબડે છે. લાલદાસ : દેવપ્રકાશ, 23 વર્ષથી જેલની નોકરી કરું છું. તમારી સલાહ વિના મારું ઍડ્મિનિસ્ટ્રેશન ચાલ્યું છે. માનવતાનો ઝંડો લઈ શહીદ થવાની કોઈ જરૂર નથી. મેં તમને રિપોર્ટનાં રૂટિન પેપર્સ તૈયાર કરવાનાં કહ્યાં હતાં, ને ? દેવપ્રકાશ : યસ સર એ જ કામ... લાલદાસ : તમારે હવે કરવાની જરૂર નથી. બલવંતસિંહ, રૂટિન રિપોર્ટ તૈયાર કરી નાંખજો. [કામમાં હોવાનો ડોળ કરતો બલવંતસિંહ, લાલદાસ દેવપ્રકાશ પર રોષે ભરાયો છે તેથી ખુશ છે. એ તરત આગળ આવી દેવપ્રકાશના હાથમાંથી કાગળો લઈ લે છે. બહાર પ્રિઝનવાન આવવાનો અને અટકવાનો અવાજ. ભારે પગલાં. બેડીઓનો ખણખણાટ. લાલદાસ ઘડિયાળમાં જોઈ લે. પોલીસ આવે અને લાલદાસ સામે કાગળો ધરે.] પોલીસ : સર, ડાકુ મોહનરામને લઈને ભાગલપુરથી વાન આવી ગઈ છે, ટ્રાન્સફર પેપર્સ. [સૌ ચમકે અને ભય અનુભવે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભયનું વાતાવરણ ઊભું કરે. મોહનરામ આવ્યા પહેલાં વાતાવરણ તંગ બને. અધખુલ્લી ડોકાબારી ધડાકા સાથે ખૂલે, અને આગળ પાછળના સશસ્ત્ર પોલીસને ધક્કો દઈ મોહનરામ એક થથરાવી નાંખતી ત્રાડ પાડતો દાખલ થાય. ઊંચો, પડછંદ અને બિહામણો લાલદાસ પર ધસી જાય. પોલીસો એને ઘેરી વળે. ડાકુ મોહનરામને હાથે—પગે બેડી છતાં પોલીસો એને માંડ જોર કરી નીચે નાંખે. એને પગની લાતોથી, બંદૂકના કુંદાથી દબાવી રાખવા જાય. એ ઘવાયેલા પશુ જેવી ચીસ નાંખે મોહનરામનાં પ્રવેશ સાથે જ ભય અને આતંકની હવા બંધાઈ જાય. આ દૃશ્ય એટલું અણધાર્યું અને ઝડપથી, એક પણ સંવાદ વિના ભજવાય કે પ્રેક્ષકો પણ અચાનક સંડોવાઈ ગયા હોય એવું અનુભવે.] લાલદાસ : [ફોન કરે] હલ્લો ભાગલપુર પ્રિઝન !.... યસ સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ બોલું છું. તમારા મોકલેલા બે કુત્તાઓ આવી ગયા છે. [ફોન મૂકતાં જ મોહનરામ ગરજી ઊઠે છે.] મોહનરામ : કુત્તો તારો બાપ. [લાલદાસ એના પર ધસી જઈને તમાચો મારે છે. મોહનરામ ખુન્નસથી ચિત્કારે છે. પોલીસો પ્રયત્નથી એને પકડી રાખે છે.] લાલદાસ : યુ બાસ્ટર્ડ, સુવ્વર, તું ખતરનાક ડાકુ છે તો હું લાલદાસ. તારા જેવા કંઈકને મેં મચ્છરની જેમ ચપટીમાં ચોળી નાંખ્યા છે. મોહનરામ : અને હું કોણ છું એ તું પણ બરાબર જાણે છે લાલદાસ. સો ચુનંદા ડાકુઓની મારી પોતાની ટોળી છે અને… લાલદાસ : જાણું છું. તું બે વાર જેલમાંથી અને ચાર વાર પોલીસ કસ્ટડીમાંથી ભાગ્યો છે. વેડછી, લાલપુર અને બિલાસપુરમાં તેં ને તારી ટોળીએ સો હરિજનોને જીવતા સળગાવી દીધા હતા. તારા ચૂંટેલા માણસો ધારાસભામાં બેસે છે. લક્ષ્મણપુરમાં તેં ગામની વચ્ચોવચ્ચ આદિવાસી સ્ત્રીઓને ઉઘાડી કરી, એમની પર પાશવી બળાત્કાર કર્યો હતો. તારાં કંઈક કરતૂકો જાણું છું મોહનરામ. મોહનરામ : અને તારાં કંઈક કરતૂકો હું જાણું છું લાલદાસ. મેં જેટલા ગેરકાયદે જુલમ કર્યા છે, એટલા જ તેં કાયદેસર જુલમ કર્યા છે. મારા ડાકુઓની ટોળી જેટલી જ આ તારા કુત્તાઓની ટોળી નીચ અને ઘાતકી છે. ચંદ્રજીત ઠાકુર પાસેથી કેટલો માલ મળે છે લાલદાસ ? લાલદાસ : એક અક્ષર આગળ બોલીશ તો તારી જીભ ખેંચી કાઢીશ, તારા જીવતા નખ ઉતારીશ મોહનરામ. [મોહનરામ ઉપહાસભર્યું ખડખડાટ હસે છે. એ હાસ્ય સર્પદંશ જેમ લાલદાસને ડંખે છે.] મોહનરામ : એમ બૂમો પાડવાથી સત્યનો અવાજ ગૂંગળાઈ નથી જતો લાલદાસ. સાચું તો એ છે કે તારા બધાં માણસોને ઠાકુરનું સાલિયાણું મળે છે. તારી એક એક વાત હું જાણું છું. આજે જ અહીં દાણચોરીનો બેતાજ બાદશાહ ઉસ્તાદ આવ્યો છે. આ તારા ટટ્ટુ બલવંતસિંહે એની સારી મહેમાનગતિ પણ કરી છે. અચ્છી બાત હૈ. [મોહનરામ પર લાલદાસ તૂટી પડે છે. સામનો કરતાં મોહનરામને પોલીસો બળજબરીથી પકડી રાખે છે.] લાલદાસ : સુવ્વર... ખડૂસ... મોહનરામ : એટલું યાદ રાખજે કે હું અંદર છું પણ મારા સો કૌરવોની ટોળી બહાર છે. તારી પૂરી ફાઇલ એમની પાસે છે. માટે એક ઈશારાથી એ ફાઈલ ક્યાંની ક્યાં પહોંચી જશે રાજધાની ધ્રૂજી ઊઠશે એવો ધરતીકંપ થશે. કંઈક ખુરશીઓ ગબડી પડશે. તું ને આ તારું મગતરું બલવંત ક્યાં ફેંકાઈ જશો એની ખબર પણ નહીં પડે સમજ્યો ! [લાલદાસ ગાળો બોલતો મોહનરામને લાતો મારે છે. મોહનરામ ધગધગતા રોષથી ચિત્કારી ઊઠે છે.] મોહનરામ : મારાથી દૂર રહેજે લાલદાસ. નહીં તો તારાં બૈરી—છોકરાં રઝળી પડશે. અનિલ યાદવનું નામ તો તેં સાંભળ્યું છે ને ? એના શિકારને એ પગથી માથા સુધી કટકે કટકે કાપે છે. એ મારો જમણો હાથ છે. લાલદાસ : કુત્તા ધમકી આપે છે ? મોહનરામ : ના. ચેતવણી આપું છું. લાલદાસ : લે જાઓ સાલ્લેકો, કાલાપાની બરાકમાં. મોહનરામ ! કાલાપાનીની સજાના કેદીઓને અંગ્રેજો ત્યાં રાખતા. એ કાળકોટડી છે મોહનરામ. [પોલીસો મોહનરામને ખેંચે છે, મોહનરામની ખૂની ત્રાડોથી એ લોકો પણ ભયભીત છે. ત્યાં મોહનરામથી દૂર એક દૂબળો પાતળો, ગભરુ યુવાન થરથર ધ્રૂજતો ઊભો છે. એ દોડી આવીને લાલદાસના પગમાં આળોટી પડે છે, રડારોળ કરી મૂકે છે.] શાલિગ્રામ : મ… મને છોડી દ્યો… દયા કરો… હું સાવ નિર્દોષ છું… મારી શાકની દુકાન… પોલીસે… એમ જ પકડી… લીધો. [મોહનરામ જતાં જતાં બૂમ પાડે છે... શાલિગ્રામ સસલું છે… એને હાથ ન લગાડતો લાલદાસ... એને ઢસડતાં ઢસડતાં અંદર લઈ જાય છે. દેવપ્રકાશ, બલવંતસિંહ અને પોલીસો બધાં જ અંદર જાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ બધાંને અંદર જતાં જોઈ રહ્યો છે. તખ્તા પર એ એકલો જ છે, ત્યાં લાલદાસના ટેબલ પાછળની વિંગમાંથી ચંદ્રજીત ઠાકુર પ્રવેશે છે અને ખુરશીમાં બેસે છે. લાલદાસ પોતાના ટેબલ તરફ ફરે ત્યાં ઠાકુરસાહેબને જોઈ ચમકી જાય. એના ચહેરા પરથી ગુસ્સો નીતરી જાય. આશ્ચર્યથી પાછળ એક નજર કરી લે, પોતાની ખાનગી ઑફિસના દરવાજેથી ઠાકુરસાહેબ દાખલ થયા છે, તે અંદાજ એને આવી જાય.] લાલદાસ : ઠાકુરસાહેબ, આપ ? ઠાકુર : નમસ્તે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ. લાલદાસ : આપના બન્ને મહેમાન આવી ગયા છે. ઠાકુર : બરાબર 19 મિનિટ પહેલાં. બરાબર ! કેવો મિજાજ છે એમનો ? લાલદાસ : ઠાકુરસાહેબ, મોહનરામ ભયંકર માણસ છે, તમારી અને મારી પૂરી હિસ્ટ્રીની ફાઈલ એની પાસે છે. ઠાકુર : હું જાણું છું. એટલે જ તો મેં કહ્યું હતું, એની પૂરી મહેમાનગતિ કરજો. લાલદાસ : એમ જ થશે. એને તરફડતો નહીં જોઉં ત્યાં સુધી હવે મને ચેન નહીં પડે. તમારે પણ મારું એક કામ કરવાનું છે. ઠાકુર : દેવપ્રકાશ ગર્ગ. લાલદાસ : હા. એની બદલી કરાવી આપો. મારે માટે પણ એ જીવતો સાપ છે. એને તમારે જીવતો સાણસામાં પકડી લેવાનો છે. ઠાકુર : પૂરી કોશિશ કરીશ. લાલદાસ : કોશિશ નહીં, મને વચન આપો. ખુદ ચીફ મિનિસ્ટર મિશ્રાજી તમારા દોસ્ત છે. હું તમારું કામ કરું, તમે મારું કામ કરો. ઠાકુર : મારું વચન છે. થઈ જશે તમારું કામ. બસ ! જય સિયારામ.

[અંધકાર. બન્ને રિવૉલ્વિંગ સ્ટેજ ફરે. ફરી પ્રકાશ. દેવપ્રકાશના ઘરનું દૃશ્ય. બારણાની ઘંટી વાગે. ચંદન ખોલે. કમલા શાકની થેલી લઈને દાખલ થાય.]

કમલા : શાક તો લાવી બહેનજી, પણ ટામેટાં ક્યાંય ન મળ્યાં. ચંદન : આ ગામમાં તો કંઈ મળતું નથી, કમુ. [કમલા અંદર જાય. બટેટા અને થાળી લઈને બહાર આવે. નીચે બેસીને સમારે.] કમલા : કેમ બેબીબહેન દેખાતાં નથી ? ચંદન : રિંકુ સૂતી છે. કમલા : આજકાલ તમારી તબિયત સારી નથી રહેતી લાગતી, હેં બહેન ! ચંદન : નારે, મને શું થયું છે ? કમલા : સમજું છું હોં બહેન ! મોટા શહેરમાં એક વાર રહ્યા હો પછી આ નાનકડા ધૂળિયા ગામમાં ન ગમે. હું ય શહેરમાં રહી છું હોં બહેન ! પણ હવે આ ગામમાં મન લાગી ગયું છે. આજકાલ તો સાહેબને જેલમાં મોટા મહેમાન છે, કેમ ! ચંદન : મોટા મહેમાન ? કમલા : પેલો ખતરનાક ડાકુ છે ને મોહનરામ, એ હવે આવી ગયો છે ને અહીંની જેલમાં. ચંદન : [ગભરાઈ જાય.] શું ડાકુ મોહનરામ… આ…. આ જેલમાં છે ? કમલા : હા તે એ જ. જે જેલમાં જાય ત્યાં દંગલ મચાવે છે. અહીંયાંય તોફાને ચડ્યા વિના નહીં રહે જોજો. ચંદન : હવે ? હવે શું થશે કમુ ? કમલા : તમે નક્કામાં ગભરાઓ છો બહેન, સાહેબને કંઈ ન થાય. જેલમાં તો બહુ પોલીસ હોય પણ સાહેબની છાતી ગજબની. ચંદન : હું જાણું છું ને ! કમલા : એક વાર જેલમાં કેદીઓ વચ્ચે શું દંગલ મચ્યું ! મારો ધણી નાઇટ વૉચમેન રાજીન્દર ખરો ને ! એને કેદીઓએ બરાકમાં ઘેરી લીધો. સાહેબ તો સીધા બરાકમાં ધસી ગયા. વીસ કેદીની સામે પડી એનો જીવ બચાવ્યો. રાજીન્દર સાથે સાહેબે જ મારું ઘર મંડાવી દીધું'તું હોં બહેન ! ચંદન : તારાં લગ્ન એમણે કરાવી દીધાં હતાં કમુ ? કમલા : લ્યો સાહેબે નથી કીધું કેમ ! સાહેબ તો દેવતા છે. નહીં તો હું અભાગણી, મારા નસીબમાં સંસારનું સુખ ક્યાંથી હોય ? ચંદન : તારું કોઈ નથી કમુ ? કમલા : જનમ દઈને મા મરી ગઈ. સગ્ગા બાપે ઢગલો રૂપિયા લઈ ઘરડા વરને ગળે બાંધી દીધી. ત્યાં પોતાના માણસ કોને કેવા બહેન ? બીજે વરસે ધણી મરી ગયો. ગીધડા જેવા ઓરમાન દીકરાએ મને ચૂંથી નાંખી. એના જુગારનું દેવું ભરપાઈ કરવા મને શહેરમાં વેશ્યાવાડે વેચી મારી. [કમલા હૈયું ઠાલવતાં રડી પડે છે. ચંદન સ્તબ્ધ થઈ જાય. એક વેશ્યા સાથે સંબંધ ? એ વિચારથી કમલા પ્રત્યે ઘૃણા અને તિરસ્કાર થાય છે.] કમલા : અને એક દિવસ પોલીસે દરોડો પાડ્યો. બહેન આ જ જેલમાં મેં ચાર ચાર વરસ કાઢ્યાં છે. ચંદન : પછી ? કમલા : પછી શું બહેનજી ? જે દિવસે છૂટી એ દિવસે આ સામેની સડક પર બેસીને માથું ફોડીને રોઈ છું કાંઈ ? ચંદન : કેમ છૂટ્યાનો આનંદ નહોતો ? કમલા : છૂટીને ક્યાં જાઉં બહેન ? જેલમાંથી છૂટ્યા પછી સ્ત્રીને કોઈ સંઘરતું નથી. પુરુષ તો ગમે ત્યાં સમાઈ જાય. પણ સ્ત્રી… એને તો ઉપર આભ અને નીચે ધરતી. ચંદન : પછી તારાં લગ્ન એમણે કરાવી દીધાં ? કમલા : હા બહેન. સાહેબે તો નવું જીવન દીધું. મેં ભેંસ રાખી છે. દૂધ વેચું છું ને મને... સારા દિવસોય ચડ્યા છે. સાહેબે તો મારી જિંદગી બદલી નાખી બહેન. [શાકની થાળી લઈ ચંદન જવા જાય છે. રિંકુ અંદરથી આવે છે. કમલાને જોઈ એને વળગી પડે છે.] રિંકુ : કમુ આવી… કમુ આવી… ચલ કમુ. મારે તારી ભેંસ જોવી છે. કમલા : ચાલો રિંકુબહેન. [ચંદનને રિંકુ અને કમલાનો મનમેળ હવે બિલકુલ પસંદ નથી. એની નારાજી સ્પષ્ટ છે. કમલા ચંદનનું વલણ પારખે છે. દુ:ખ અને અપમાન, જાકારો અને રિંકુ પ્રત્યે ખેંચાણ—એનું મન ઊઝરડાય છે.] ચંદન : રિંકુ અહીં આવ. નાસ્તો આપું ચાલ. રિંકુ : ઊંહું. હું તો કમુને ઘેર જઈશ. કમુ તારા હાથનું માખણ મને દઈશ ને ? ચંદન : [રિંકુને ખેંચીને પોતાની પાસે લઈ લે છે.] ત્યાં નથી જવાનું, સમજી ? કમુ તું… તું. હવે જા. [કમલા ધીમે પગલે ચાલી જાય છે.] રિંકુ : કમુ કેમ જતી રહી મા ? મને… એને ઘેર જવું છે... ચંદન : એક વાર ના પાડીને ! [રિંકુ રડતી રડતી અંદર ચાલી જાય છે. ચંદન ધૂંધવાતી કોઈ મૅગેઝિનનાં પાનાં ઊથલાવે છે. કંટાળીને ફેંકે છે. દેવપ્રકાશ દાખલ થાય છે.] દેવપ્રકાશ : કેમ ચંદન ! અરે આજે અમારાં મૅડમ કંઈક ઉદાસ ઉદાસ લાગે છે. ચંદન : આ તે તમારું ગામ છે દેવ ! ક્યાંય ટામેટાં ન મળ્યાં. દેવપ્રકાશ : ચાલો, આજે આપણે ટામેટાં વિનાનું શાક ખાઈશું. બસ ! ચંદન : એમ તો અહીં બીજું ઘણું ઘણું નથી દેવ. દેવપ્રકાશ : મનમાં ઓછું ન આણ ચંદન. અહીંનાં લોકો ખૂબ ભલા અને પ્રેમાળ છે. એક કપ મૅડમના હાથની ફર્સ્ટક્લાસ ચા મળી જાય...

ચંદન : એક વેશ્યાના ઘરના દૂધની ચા પીશો દેવ ?

[દેવપ્રકાશનો ખુશનુમા મિજાજ ગંભીર બની જાય છે.] દેવપ્રકાશ : ઓહ ! તો કમુએ આજે તને એનો ભૂતકાળ કહ્યો લાગે છે ચંદન. ચંદન : અહીં મારો જીવ અકળાય છે દેવ. હું કંટાળી ગઈ છું. અને તમારા માથા પર જેલનું ભૂત સવાર થઈ ગયું છે. દેવપ્રકાશ : જેલ તો મારી દુનિયા છે ચંદન. બહારની દુનિયાથી તદ્દન નિરાળી. અહીં માણસ આવે છે, એ પ્રતિષ્ઠાની, માન આબરૂની, અહંની બધી ખાલ ઉતારીને આવે છે અને મને જેલર તરીકે એ માણસમાં રસ છે. ચંદન : ગુનેગાર આખરે ગુનેગાર જ રહે છે, દેવ. દેવપ્રકાશ : તો પણ એ હાડચામનો બનેલો જીવતો માણસ છે. એને મૂળસોતો સમાજમાંથી ઉખાડીને ફેંકી દેવાનો અધિકાર કોઈને નથી— ખુદ ઈશ્વરને પણ નહીં. [ધનુ પ્રવેશે છે. ટૂંકું ધોતિયું, જાકીટ, ઉઘાડા ધૂળિયા પગ, માથે ટૂંકા વાળ. ધનુ એક છૂટેલો કેદી છે. જેને દેવપ્રકાશે ઘરમાં આશ્રય આપ્યો છે. એના હાથમાં નાનું પોટલું છે. દેવને પગે લાગે છે, અંદર જવા જતી ચંદન એને જોઈ અટકી જાય.] દેવપ્રકાશ : આવી ગયો ધનુ ? જાત્રા થઈ ગઈ ? ધનુ : તમારી દયાથી બરાબર દરશન કર્યાં સાહેબ. પાય લાગું બાઈસાહેબ. દેવપ્રકાશ : લે ચંદન, તારી એક તકલીફ દૂર થઈ ગઈ. ધનુ ઘરનું બધું કામ કરે છે. અત્યાર સુધી મારી સંભાળ એ જ રાખતો હતો. ધનુ : (પોટકીમાંથી માટીનું એક નાનું રમકડું કાઢે છે.) બેબીબહેન કેમ દેખાતાં નથી ?

(રિંકુ અંદરથી ચડેલા મોંએ બહાર આવે છે. દેવપ્રકાશને જોઈ ખુશ થઈ દોડી જાય છે.)

રિંકુ : પપ્પા, ક્યારે આવ્યા ? દેવ : બસ હમણાં જ. ધનુ : લ્યો બેબીબહેન. [રમકડું જોઈ રિંકુ દોડી જાય છે. ચંદન નજીક આવી ઊભી રહે.] રિંકુ : પપ્પા, આનું નામ શું ? દેવપ્રકાશ : એનું નામ છે ધનુ. રિંકુ : એ મારી સાથે રમશે ? ધનુ : હં. અને બેબીબહેન, હું તમારો ઘોડો ઘોડો થઈશ. રિંકુ : એય કેવી મજા પડી ગઈ ! [ધનુ ઘોડો થઈ જાય, રિંકુ એની પીઠ પર બેસી જાય. બંને રમે છે અને ઓરડામાં દોડાદોડી કરે છે. રિંકુ ગબડી પડે છે. બંને હસી પડે છે.] ચંદન : આ કોણ છે દેવ ? દેવપ્રકાશ : [ચંદનનું અપરાધીઓ પ્રત્યેનું વલણ એ જાણે છે, તેથી ચંદન કશું કહી બેસે એ પહેલાં તેને સમજાવી લેવા માગે છે.] એનું નામ ધનુ. એ સાત વર્ષ જેલની સજા ભોગવીને છૂટ્યો છે. બિલીવ મી ચંદન… ધનુ ખૂબ સારો માણસ છે.... અને .... ચંદન : પણ એ જેલમાં હતો દેવ. દેવપ્રકાશ : હા ચંદન. પણ એની સારી વર્તણૂકથી એની ઘણી સજા માફ થઈ ગઈ હતી. હવે એ ખરેખર બદલાઈ ગયો છે ચંદન. હું બીમાર પડ્યો ત્યારે એણે મારી જીવના જતનથી ચાકરી કરી હતી. ચંદન : એને રજા આપી દો દેવ. ધનુ : ના, ના, માવડી. મને કાઢી ન મેલશો મારી મા. હું ધાડપાડુની ટોળીમાં હતો, એ વાત ખરી. પણ બાપદાદાનાં વેરઝેરને લીધે દુશ્મન ટોળીએ મારા આખા કુટુંબને વાઢી નાખ્યું હતું. મારી મા જંગલમાં રઝળી રઝળીને મરી ગઈ. હવે ગામમાં જઈશ તો ગામવાળા પત્થરે પત્થરે મને મારશે. સાહેબ સિવાય મારું કોઈ નથી મા... કોઈ નથી.... [ધનુ ચંદનના પગમાં પડે છે. ચંદન ખસી જાય છે. રિંકુ ડઘાઈ ગઈ છે.] રિંકુ : ધનુ તું રડે છે ? તું નહીં રડ હોં ! ચંદન : દેવ, તમે એક ડાકુને ઘરમાં રાખવા માગો છો ? એ નહીં બને. દેવપ્રકાશ : ચંદન, તું શાંતિથી વિચાર કર. ધનુને એક તક આપ. ચંદન : એનો હિસાબ ચૂકતે કરી દેજો. [રિંકુને પરાણે લઈ અંદર ચાલી જાય છે.] ધનુ : હિસાબ તો મારે તમને ચૂકવવો પડશે. મારી ચામડીના જોડા તમને પેરાવું તોય ઓછા પડે સાહેબ… હું જાઉં છું... દેવ : ધનુ, તને કંઈક કામ મળશે... ઘનુ : તમે ક્યાં નથી જાણતા સાહેબ ? છૂટેલા કેદીને કોઈ ટેકો નથી દેતું. દેવપ્રકાશ : ખરી વાત છે તારી ધનુ. પહેલો ગુનો માણસ જાતે કરે છે, પણ એને રીઢો ગુનેગાર અમે જ બનાવીએ છીએ. પહાડ પરથી પડી ગયેલો માણસ ફરી ઊભો થઈ શકે છે. પણ સમાજની નજરમાંથી પડી ગયેલો માણસ ફરી કદી ઊભો નથી થઈ શકતો. [ધનુ નિરાશ થઈ ધીમે પગલે જાય છે.] દેવપ્રકાશ : ધનુ, મને... મને અત્યારે તારી ખાસ જરૂર છે. ધનુ : [જતાં અટકી જાય છે.] મારી જરૂર સાહેબ ? [દેવપ્રકાશ ઝડપથી આજુબાજુ જોઈ બારણું બંધ કરી દે છે.) દેવપ્રકાશ : ધનુ, કુંદનપુર જેલનો અત્યાચાર મારે ઉઘાડો પાડવો છે. ધનુ : [આઘાતથી] સાહેબ ! દેવપ્રકાશ : હા ધનુ. લાલદાસ, બલવંતસિંહના અત્યાચારો ડાકુઓની ટોળીથી કમ નથી. ધનુ : ના ના સાહેબ, ઝેરી સાપના રાફડામાં હાથ ન નાંખો. એ બદમાશ લાલદાસની પીઠ પાછળ પેલો મૂઓ જમીનદાર ચંદ્રજીત ઠાકુર ઊભો છે. એ રાક્ષસના હાથ બહુ લાંબા છે. દેવપ્રકાશ : આ ડાહ્યાઓની દુનિયામાં કોઈકે તો ગાંડા થવું પડશેને ધનુ. ધનુ, નાઇટ વૉચમૅન રાજીન્દરને ત્યાં જા. એ સુંદર સાથે મળી ગયાનો દેખાવ કરે છે પણ એ મારો માણસ છે. ધનુ : કમુ સાથે એનું ઘર તમે જ મંડાવી દીધેલું, મને ખબર છે સાહેબ. દેવપ્રકાશ : એને ત્યાં છુપાઈને રે'જે ને રાજીન્દર સંદેશો આપે એ મને આપવાનો ધનુ, આ થોડા પૈસા છે. રાખી લે. તને કામ લાગશે. ધનુ : સાહેબ… સાહેબ. દેવપ્રકાશ : માણસ માણસ માટે આટલું ય ન કરે ધનુ ! અને જો આ ફાઇલ છે. એમાં અગત્યના કાગળો છે. રાજીન્દરને ત્યાં કોઈને જરાય ગંધ ન આવે એમ છુપાવી દેજે. ધનુ : મારા જીવ સાટે સાચવીશ, સાહેબ. [બારણાં જોરથી ધધડે છે. ધનુ ઝડપથી બહાર ચાલી જાય છે.] ચંદન : બારણું બંધ કરીને ધનુ સાથે શી વાત કરતા હતા ? દેવપ્રકાશ : તું ન જાણે એ જ સારું છે ચંદન. ચંદન : દેવ, હું કહીને થાકી. આપણે દિલ્હી ચાલી જઈએ, ચાલો. દેવપ્રકાશ : ચં—દ—ન ! ચંદન : હા દેવ, અહીંયાં છે પણ શું ? આ ભંગાર સરકારી ક્વાર્ટર્સ, આખો દિવસ નજર સામે દેખાતી જેલની આ તોતિંગ દીવાલો અને ખોબા જેવડું ધૂળિયું ગામ... આ.... આ નોકરી છોડી દો દેવ. દેવપ્રકાશ : ના, ના, ચંદન ! એ તે કેમ બને ? તને પૂર્વગ્રહ થઈ ગયો છે. અગર તું જો સ્ત્રી કેદીઓને મળે.. ચંદન : આ શું બોલો છો તમે ? દેવપ્રકાશ : હા ચંદન, એક એક ચહેરો એક સમસ્યા છે. એમના અપરાધ માટે જેટલી એ હતભાગિનીઓ જવાબદાર છે, એટલા જ આપણે બધાં જવાબદાર છીએ ચંદન. ચંદન : પોતાનાં કર્યાં પોતે ભોગવે એમાં કોઈ શું કરે ? દેવપ્રકાશ : જેટલી સ્ત્રી ગુનેગાર છે એમાંની 70 ટકા સ્ત્રીઓ પરણેલી હોય છે. એનો અર્થ સમજે છે ચંદન ! આપણી લગ્નસંસ્થામાં તેમના પર કેટલા અત્યાચાર થાય છે ! અને આ જ સ્ત્રીઓને આપણે લક્ષ્મી, સરસ્વતીનું બિરુદ આપીએ છીએ. ચંદન : એ બધી વાતો ભાષણોમાં શોભે દેવ, વ્યવહારમાં નહીં. [એ રડી પડે છે અને અંદર દોડી જાય છે. દેવ હતાશ છે. અંદરથી રિંકુ આવે છે.] રિંકુ : પપ્પા, મમ્મી કેમ રડે છે ? [દેવ રિંકુને ઊંચકી લઈ વ્યથિત થઈ છાતીસરસી ચાંપે છે.] રિંકુ : પપ્પા ! મમ્મી કહે છે અમે બે તો દિલ્હી જવાનાં. તમે આવશો ને પપ્પા ? તમે નહીં આવો તો હું નહીં જાઉં. [ફોનની ઘંટડી વાગે છે.] દેવપ્રકાશ : હલ્લો… હા, હું દેવપ્રકાશ. કોણ વકીલ મહેશ ખૈતાન ? હું તારા ફોનની રાહ જોતો હતો. જો સાંભળ… [ખાનગી વાત કરતો હોય એમ ધીમેથી વાત કરે ત્યાં ધનુ ગભરાયેલો દોડી આવે… સાહેબ… સાહેબ… દેવ ચમકીને એની પાસે જાય. તરત અંધકાર. બંને રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય. પ્રકાશ. જેલનું દૃશ્ય. ઉસ્તાદની ખોલી. નાનું કબાટ, પલંગ, ટી.વી., ટેબલ—ખુરશી. ટેબલ પર શરાબની બાટલી, ગ્લાસ, બરફ, સોડા વગેરે. ઉસ્તાદ અને બલવંતસિંહ પીવાની લિજ્જત લઈ રહ્યા છે. ગાનારી લહેકાથી, બેસીને ગાઈ રહી છે... પાન ખાય સૈયાં હમારો, સાંવરી સૂરતિયાં હોઠ લાલ લાલ... ઉસ્તાદ અને બલવંતસિંહને પીવાનો અને ગીતનો બેવડો નશો ચડ્યો છે. થોડી વારે એ ઊભી થઈ જરા નાચ કરે છે, બલવંતસિંહ એના હાથ પકડી નાચે છે. રાજેન નાસ્તાની રકાબી, સોડા, બરફ વગેરે અવાર—નવાર અંદરથી લઈ આવે છે. એ બાઘો દેખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જેલની અંદર આ બધું ચાલી રહ્યું છે એનાથી એ ખૂબ નવાઈ પામ્યો છે. રાતનો સમય. ઝાંખો પ્રકાશ. સંગીત ધીમું થઈ જાય છે. ગાનારી એક તરફ નીચે બેસી હાવભાવ કર્યા કરે છે. પણ હવે એ બન્નેનો રસ એનામાં ઓછો થઈ ગયો છે. ઉસ્તાદ પુરુષોત્તમ માટે અધીર બની ગયો છે.] ઉસ્તાદ : કમબખ્ત સુંદરને કેટલી વાર ? બલવંતસિંહ : બસ હવે આવતો જ હશે, આજ તો શાદીકી પહેલી રાત હૈ. ઇન્તઝાર તો કરના પડેગા ઉસ્તાદ. [અંદરથી સુંદર આવે છે. કોઈ હિંદી ફિલ્મની લીટી બેસૂરા સાદે ગણગણતો આવે, ગાનારી તરફ લોલુપતાથી જોઈ લે.] ઉસ્તાદ : પુરુષોત્તમને નવડાવીને તૈયાર કર્યો કે નહીં ? સુંદર : બિલકુલ ઉસ્તાદ. લક્સથી નાહ્યો છે સરકાર. પાવડર, સેન્ટ. અહાહ ! ક્યા દીખતા હૈ ! [ત્રણે જણાં ઘૃણાસ્પદ ખી ખી હસી પડે છે.] બલવંતસિંહ : રસોઈ થઈ ગઈ સુંદર ? સુંદર : બસ. હાંડી પક રહી હૈ સરકાર. ખીર થઈ ગઈ છે. ઉસ્તાદ : અરે ! મને ગરમ ગરમ ભજિયાં જોઈએ છે. બલવંતસિંહ : ક્યા જોક મારા ઉસ્તાદ. ઉસ્તાદ : સુંદરિયા, તું ને તારા સાહેબ આમ રાશન ચોરી ચોરીને રાત્રે હાંડી પકાવી જલસા કરો છો તો પકડાતા નથી ? સુંદર : ના રે ઉસ્તાદ, કોણ કોને પકડે ? સાહેબ જ પોલીસ અને સાહેબ જ ચોર. ઉસ્તાદ : અબ સબ બાત છોડ સુંદરિયા, પુરુષોત્તમને લઈ આવ. સુંદર : પણ હાંડી... ઉસ્તાદ : [નશામાં બૂમ પાડે છે.] પહેલાં મારી દુલ્હન લાવ. [સુંદર જાય. બલવંતસિંહ નશામાં ઝૂમતો ઊભો થઈ જાય.] બલવંતસિંહ : પહેલાં હું આવો નહોતો ઉસ્તાદ… હું… માણસ હતો..… સારો માણસ હતો... પહેલી વાર કેદીને માર ખાતાં જોયો... ત્યારે હું... ઊંઘી નહોતો શક્યો... પણ રોજ ખૂન... બળાત્કાર… ચોરી...… ચરસ—ગાંજો... ભ્રષ્ટાચાર માણસની ખરાબ બાજુ જોઈ જોઈને.. સાલ્લું.... તમારી અંદર અહીંયાં કંઈક મરતું જાય છે.. જવા દો... સાલ્લું લાંચરુશ્વત, ભ્રષ્ટાચાર ક્યાં નથી ?... તમે, ફૅક્ટરીનું લાઇસન્સ મેળવવા કેટલી લાંચ દીધી હતી બોલો. અને તમે… યુ ધેર... હાં તમે જ, તમારા દીકરાને મેડિકલમાં સીટ અપાવવા કેટલું ડોનેશન આપ્યું હતું ?.. અને જનાબ આપે તો ઇન્કમટૅક્સ ભરવાના કેટલા અખાડા કર્યા હતા ? પાર્ટી માટે નાણાં આપો. ચૂંટણીભંડોળ માટે નાણાં આપો..… નથી આપતા ? તો તમારે ઘેર રેડ પડશે… ધંધોપાણી સાફ થઈ જશે… એના કરતાં આપો, આપી દો… બાળી દો…. [છેલ્લા સંવાદ દરમિયાન ઉસ્તાદ પૈસા ધરે. બલવંતસિંહ લઈ લે. ગાનારીના માથા પરથી ઉતારી, થોડા પોતાના ખિસ્સામાં, બાકીના એને આપે. ગાનારી નારાજ છે. પણ બોલવાની હિંમત નથી. રાજેન એને બહાર લઈ જાય છે. સુંદર ગભરાયેલા ભયભીત થયેલા પુરુષોત્તમને ખેંચતો લઈ આવે છે. રાજેન આવી જાય છે અને છુપાઈને જુએ છે. પુરુષોત્તમ સુઘડ રીતે તૈયાર થયેલો છે.] સુંદર : લો ઉસ્તાદ, તમારી દુલ્હન. ઉસ્તાદ : હાય હાય ! આ ગઈ ? મેરી જાન. કાયકુ ગભરાતા હૈ ? આવ આવ. પુરુષોત્તમ : [છટકીને ભાગવા જાય છે. સુંદર ઉસ્તાદ તરફ એને ધક્કો મારે છે.] મ... મને શું.... કામ બોલાવ્યો છે ? બલવંતસિંહ : વારી જાઉં, ઉસ્તાદ આ તો ભોળું કબૂતર છે. ઉસ્તાદ : મારી મીનાકુમારી... મધુબાલા... [ઉસ્તાદ : આવેગથી પુરુષોત્તમને ઝપટ મારી પોતાની પાસે ખેંચી લે. પ્રકાશ ઝાંખો થઈ ગયો છે. પુરુષોત્તમની ચીસો બલવંતસિંહ ખડખડાટ હસી, ગ્લાસ હાથમાં લઈ આગળ આવી પ્રેક્ષકો સામે ધરે – ચિયર્સ.]

Template:Center'''

[તખ્તા પર પ્રકાશ. દેવપ્રકાશ ટેબલ પર લખી રહ્યો છે. ટેબલ પર થોડાં પુસ્તકો, અખબાર, સામયિકો પડ્યાં છે. ધનુ બારીમાં દેખાય છે. એણે શાલ માથે ઓઢી લીધી છે. સિસકારો કરીને બોલાવે છે] ધનુ : શી ... શ ... સાહેબ ..... દેવપ્રકાશ : કોણ ધનુ ? અંદર આવ. [રસોડાનું બારણું બંધ કરે છે. બહારનું બારણું ખોલે છે. ધનુ ઝડપથી દાખલ થઈ ફરી બંધ કરે.] દેવપ્રકાશ : તને અહીં આવતાં કોઈએ જોયો નથી ને ! ધનુ : ના. સાહેબ. દેવપ્રકાશ : કંઈ સમાચાર છે ? ધનુ : સાહેબ, 40 નંબરને હૈદ્રાબાદી ગોલી કરી હતી ને, બલંવતસિંહે એના ફરી બૂરા હાલ કર્યા છે. દેવપ્રકાશ : પુરુષોત્તમ કેમ છે ? ધનુ : [કમકમી ઊઠે છે.] કંઈ કહેવા જેવું નથી. દેવપ્રકાશ : હં. રાજીન્દરને કહેજે 40 નંબર પર નજર રાખતો રહે. તક મળે ત્યારે એનું સ્ટેટમેન્ટ લઈ લે. એની સહી લેવાનું ન ભૂલે. ધનુ : હા જી સાહેબ. ને કાલે રાત્રે સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ ઠાકુર ચંદ્રજીત યાદવની વાડી પર ગયા હતા. દેવપ્રકાશ : [વિચારમાં પડી જાય છે.] લાલદાસ જમીનદારના ફાર્મ પર... ધનુ : ઠાકુરની વાડીમાં વેઠે કામ કરતી બાઈ સુખિયા સાથે કમુએ બહેનપણાં કરી લીધાં છે. એટલે સુખિયાને મદદ કરવાનું બહાનું કાઢી કમલા પણ વાડીએ ગઈ હતી સાહેબ… અને... અને સાહેબ... મને... હું... દેવપ્રકાશ : કેમ અટકી ગયો ? ધનુ : હું પણ વાડીએ ગયો હતો સાહેબ. દેવપ્રકાશ : ધનુ, તને કેટલીવાર ના પાડી છે, એવું જોખમ નહીં ખેડવાનું. લાલદાસ ઓળખી ગયો તો... ધનુ : ના ના સાહેબ, હું તો દૂર એક ઝાડ પર લપાઈને બેઠો હતો. સાહેબ બે—ત્રણ જણા ખાદીનાં કપડાંવાળા ય પીતા'તા ને નાચ જોવા બેઠા હતા. દેવપ્રકાશ : હં. બીજા કોણ કોણ હતા ? ઘનુ : સાહેબ, હાજી વલી મહમદ પણ હતો. હું એને ઓળખું છું. દેવપ્રકાશ : ઓહ ! ધેટ કિંગ ઓફ સ્મગલર્સ ! ગોવાની જેલમાંથી થાપ આપીને નાસી છૂટ્યો છે એ અહીં ? ધનુ : ફર્સ્ટ ક્લાસ સફેદ ગાડીમાં આવ્યો'તો. શું નાચતો હતો ! દેવપ્રકાશ : તો એમ વાત છે. ધનુ : સાહેબ, તમારી પણ વાત થતી હતી. લાલદાસ ઠાકુરસાહેબને અહીંથી તમારી બદલી કરવા ભારે દબાણ કરતો'તો. સાહેબ... સાહેબ. એને નક્કી તમારી પર વહેમ આવી ગ્યો લાગે છે. દેવપ્રકાશ : અત્યારે અમારી બે વચ્ચે ઉંદર—બિલાડીની રમત ચાલે છે ધનુ. ધનુ : લાલદાસ ઠાકુરને કહે, આ દેવનો બચ્ચો મારા રસ્તાનો પથ્થર છે એને હટાવી દ્યો. તો પેલો હાજી વલી મહમ્મદ ! એક નંબરનો બદમાશ. એ કહે, અમારા દરિયાનાં પાણી ઊંડાં છે એમાં જ એને પધરાવી દઉં. સાહેબ… સાહેબ…દાઝ તો એવી ચડી એ લાલિયા કુત્તા પર કે કૂદી પડું, બધાંની વચ્ચે ને મરડી નાખું ડોક મરઘીની જેમ. દેવપ્રકાશ : [ચમકી પડે છે.] ધનુ ! ધનુ : આ હાથે બહુ નિર્દોષ લોકનાં ખૂન થઈ ગયાં છે. ભલે ફાંસી થઈ જાય. મરતાં મરતાં આ હાથે એક પુણ્યનું કામ તો થઈ જાય સાહેબ. મારું માનો તમે અહીંથી જતા રો સાહેબ, આ કાળીનાગની સામે બાથ ભીડવી રેવા દ્યો સાહેબ. દેવપ્રકાશ : ના ધનુ, હવે મારાથી ન જવાય. આ સત્ય—અસત્યની, પાંડવો—કૌરવોની લડાઈ છે ને સત્ય આપણે પક્ષે છે. ધનુ : પાંડવો સાચા હતા તો ય એમને વનવગડે રઝળવું પડ્યું હતું ને ! જ્યારે આ તો... આ તો કળજુગ છે સાહેબ. દેવપ્રકાશ : ચિંતા ન કર ધનુ. ને જો કમલાને કહેજે મોં બંધ રાખે. સુખિયાને કંઈ પૂછે નહીં. ધનુ : એ જ વાત છે ને સાહેબ. રાજીન્દરે કેટલી પઢાવીને મોકલી હતી. પણ તમારી વાત નીકળી એટલે કમુ સુખિયાને કંઈ ને કંઈ પૂછ્યા કરતી'તી. દેવપ્રકાશ : કમુએ મોટી ભૂલ કરી. આ લોકો લોહી ચાખેલા દીપડા છે. એમને જરા પણ ગંધ આવી… તો… એમ કર ધનુ, કમુને કહેજે કે આજુબાજુ પાડોશમાં કહેતી ફરે કે એ બહારગામ જાય છે. સામાન બાંધવા માંડે. ધનુ : પણ... પણ એ બિચારી ક્યાં જશે ? એનું કોઈ નથી. દેવપ્રકાશ : હું જાણું છું. જો મોડું થાય છે. તું જલદી વાત સાંભળ. તું રાત્રે મોડેથી કમુને અહીં લાવ. રસોડાના માળિયા પર છુપાવી રાખીશ. કાલે એ બેયને અહીંથી બીજે મોકલી દઈશ. રાજીન્દરને કહેજે રજાની અરજી બલવંતસિંહને આપી દે. ધનુ : ભલે સાહેબ. [શાલ ઓઢી લે. જતાં જતાં અટકીને દેવપ્રકાશને જોઈ રહે. દેવપ્રકાશ હસીને એને જવાની નિશાની કરે. એ ડોકું ધુણાવી જલદી નીકળી જાય છે. એક યુવાન અંદર ધસી આવે છે. પ્રેક્ષકો તરત ઓળખી શકતા નથી, પછી ખ્યાલ આવે છે એ રાજન છે. ગંદો, મેલો—ઘેલો. દાઢી વધી છે. થાકેલો છે. સોફામાં પડતું મૂકે છે.] દેવપ્રકાશ : વેલકમ હોમ રાજેન, તમારી જ રાહ જોતો હતો. બરાબર એક કલાક પહેલાં તમે જેલમાંથી છૂટ્યા ખરું ! ક્યાં ગયા હતા ? રાજન  : ઓહ માય ગૉડ ! ઇટ વોઝ અ હેલ. ચાર—પાંચ દિવસ મેં જેલમાં કાઢ્યા છે, બાપરે ! જીવતું દોજખ. તમે માનશો ? જેવો છૂટ્યો એવો જ સામેના ધાબામાં ઘૂસી કંઈ ખાધું છે, ખાધું છે. દેવપ્રકાશ : રાજન, બધી જેલોમાં હજારો લાખો કેદીઓ વગર ટ્રાયલે વર્ષોથી સબડે છે. રાજન : [ધૃણાથી, અધીરાઈથી.] મેં જે જોયું છે, સાંભળ્યું છે, થાય છે કે હમણાં જ ટાઇપરાઇટર પર ધડાધડ તીખો તમતમતો લેખ લખી નાંખું. મારો તંત્રી અખબારને પહેલે પાને લેખને ચમકાવશે. ઓહ દેવપ્રકાશ ! ભારતભરમાં ધરતીકંપ મચી જશે. દેવપ્રકાશ : અને છતાં રાજન, રાજધાનીના લાલકિલ્લાની એક કાંકરી પણ નહીં ખરે. રાજન : દેવપ્રકાશ ! દેવપ્રકાશ : રાજન, પત્રકાર થઈને ભૂલી ગયા ? આ ભારત છે. હજી હમણાં તો ભારત જુલમગારની એડી નીચે કચડાયેલું હતું. વિરોધનો જબરજસ્ત વંટોળ ફૂંકાયો. છતાં કોનાં સત્તાનાં સિંહાસનો ડોલ્યાં ? ક્યારે પ્રલય થયો ? રાજન : હા, તમારી વાત સાચી છે દેવપ્રકાશ. તો શું કશાનો અર્થ નથી ? દેવપ્રકાશ : છે રાજન. કર્તવ્ય, ફરજ, માનવતા એવા થોડા શબ્દોના ચલણી સિક્કા ઘસાઈ ગયા છે. છતાં આપણે એ વાપરશું. એમને ઉછાળી જોઈશું. એનો રણકાર બોદો છે કે નહીં તે નાણી જોઈશું. રાજન : આઈ એમ રેડી. [બૂટમાંથી, શર્ટની અંદરથી છુપાવેલા કાગળો કાઢે છે.] આ છે પુરુષોત્તમનું સ્ટેટમેન્ટ. રાજીન્દર મને છૂપી રીતે કાગળો પહોંચાડી ગયો હતો. પુરુષોત્તમની સહી માટે તકલીફ પડી. બળાત્કારને લીધે એની એવી ખરાબ હાલત થઈ ગઈ કે એને જુદી સેલમાં લઈ ગયા. મારે બીજા કોઈને વિશ્વાસમાં લીધા સિવાય છૂટકો નહોતો. દેવપ્રકાશ : તમે રાજીન્દરને કહ્યું હોત... રાજન : એની ડ્યૂટી બદલાઈ ગઈ હતી. મારો તો મામૂલી ગુનો ને મને રાખેલો રીઢા ગુનેગાર શિવનાથ સાથે, એ ખબર છે તમને ? દેવપ્રકાશ : પછી ? રાજન : એને હૈયે રામ વસ્યા. એણે મને પુરુષોત્તમની સહી મેળવી આપી. અને આ છે સંતોષ બાગનો કાગળ. દેવપ્રકાશ : સંતોષ બાગ ? રાજન : આ જ તો જેલની ખૂબી છે સાહેબ. તમારી જેલની ભાષામાં 40, નંબર એની સ્થિતિ ખૂબ ખરાબ છે. એની ગુદાનો ભાગ પાકીને સડી ગયો છે અને એમાં જીવડાં પડ્યાં છે. ઓહ ભગવાન ! દેવપ્રકાશ : આ કાગળો ખૂબ ઉપયોગી થશે રાજન. રાજન : હવે મારો અહેવાલ મારે તૈયાર કરવાનો છે. આંખો દેખા હાલ, યસ. સુંદર વૉચમૅન બિહારી પાસે મેન્ડ્રેક્સ અને ચરસની ગોળીઓ મગાવે છે અને શિવનાથને સપ્લાય કરે છે. શિવનાથ કેદીઓને છૂટથી વેચે છે. ઉસ્તાદ પૈસાથી બધી જ સગવડો જેલમાં ખરીદી શકે છે. સુંદર અને બલવંતસિંહની રેશનની ચોરી, અને પેલા તદ્દન નિર્દોષ નાના છોકરાંઓનાં પગમાં બેડી હતી દેવપ્રકાશ ! દેવપ્રકાશ : હવે તમે અહીંથી જલદી જાઓ. શાકભાજી માર્કેટની પાછળની નાની ગલી છે. એમાં ત્રીજું મકાન, શિવશંકર સનાતન હાઉસ. ત્યાં જઈ ચૌબેજીને મારું નામ આપજો. એ તમને કમરા નંબર નવમાં લઈ જશે. ત્યાં મહેશ ખૈતાન તમારી રાહ જુએ છે. રાજન : પણ આ મહેશ ખૈતાન કોણ … ? દેવપ્રકાશ : વકીલ છે. મારો મિત્ર છે. બંધારણની 21મી કલમને આધારે એણે કલકત્તા હાઈકોર્ટમાં ફર્સ્ટ હ્યુમન રાઇટ્સ કેસ દાખલ કર્યો છે. એ તમને કહેશે તમારે શું કરવાનું છે. [રાજન જલદી જવા જાય છે. બારણા પાસે અટકી દેવપ્રકાશને એક નજર જોઈ લઈ પાછો આવે છે. હાથ લંબાવે છે. દેવ તેનો હાથ પકડી લે છે. તરત રાજન બહાર નીકળી જાય છે. ફોનની ઘંટડી વાગે છે.] દેવપ્રકાશ : હલ્લો મહેશ, તારા ફોનની રાહ જોતો હતો. હમણાં જ, જેની તું રાહ જુએ છે એ ત્યાં આવશે. યસ... હા... અહીં હજુ સુધી કશી ખબર પડી નથી, એમ હું માનું છું... પણ મારા ફોન પર મને હવે વિશ્વાસ નથી… પ્લીઝ મહેશ નો નેમ્સ... સમયસર જેલ પર પહોંચી જજો..… હલ્લો હલ્લો... [દેવપ્રકાશ ફોનને તાકી રહે છે, લાઈન કપાઈ ગઈ છે. રસોડાનું બારણું ધધડે છે. દેવપ્રકાશ ખોલે છે. રિંકુ દોડી આવે છે. ચંદન ચિડાયેલી છે.] ચંદન : તમે હંમેશાં બારણું બંધ કરીને શી વાતો રોજ કર્યા કરો છો, મને એ જ સમજાતું નથી. દેવપ્રકાશ : ખાસ કંઈ નહીં ચંદન… એ તો.... ચંદન : તમારે ન કહેવું હોય તો હૂ કેર્સ ? આમ પણ તમારી જિંદગીમાં કંઈ કહેવાનો અધિકાર તમે મને ક્યાં આપ્યો છે ? દેવપ્રકાશ : પ્લીઝ ચંદન, ગેરસમજ ન કર. તું જેટલું ઓછું જાણે એ તારા માટે સારું છે. રિંકુ : પપ્પા, મારે તો અહીં કોઈ ફ્રેન્ડ્ઝ જ નથી. ચાલોને પપ્પા આજે આપણે પિકનિક પર જઈએ. દેવપ્રકાશ : આજે ? ના રિંકુ બેટા, આજે નહીં. આજે મારે ખૂબ કામ છે. રિંકુ : તમારે તો રોજ કામ હોય છે. આજે ચાલો ને ! દેવપ્રકાશ : તને કહ્યું ને રિંકુ, કાલે ચોક્કસ લઈ જઈશ. આજે નહીં. આ.. .જે.. તો... ચંદન : રિંકુ, હું તને આજે લઈ જઈશ. રિંકુ : [જીદ કરે છે.] ના પપ્પા... પપ્પા જોઈએ, ચાલો ને પપ્પા... દેવપ્રકાશ : [દેવપ્રકાશ ચિડાઈને બૂમ પાડી ઊઠે છે.] સ્ટોપ ઇટ. ના પાડીને એક વાર ! [રિંકુ આઘાતથી સ્તબ્ધ થઈ જાય છે. રડતી, પગ પછાડતી અંદર ચાલી જાય છે. દેવપ્રકાશનું પોતાનું મન ઉઝરડાય છે. પોતાની જાત પર રોષે ભરાય છે.] ચંદન : તમારા મનમાં આ શેની આગ ભડકી રહી છે તે હું નથી જાણતી દેવ. એ તમને તો બાળી રહી છે, પણ સાથે હું અને રિંકુ પણ... દેવ : આઇ... એમ સોરી ચંદન. ચંદન : તમારી જિંદગી પર શું મારો કે રિંકુનો કોઈ અધિકાર નથી ? ચાલો દેવ, છોડી દો આ બધું. ચાલો આપણે દિલ્હી ચાલી જઈએ. દેવ : ચંદન ! ચંદન : હા દેવ, તમે એટલું તો વિચારો આવા ધૂળિયા, પછાત ગામમાં રિંકુનો ઉછેર કરીશું ? એના ભવિષ્યનું શું ? દિલ્હીની સારામાં સારી સ્કૂલમાં રિંકુ ભણતી હતી. ડાન્સિંગ, પેઇન્ટિંગ, સ્વિમિંગ કેટલી પ્રવૃત્તિઓ કરતી હતી ! દેવપ્રકાશ : કમ ઓન ચંદન, તું જરા વિચાર તો— ચંદન : મેં વિચાર કરી લીધો છે. હવે તમે વિચાર કરો. મારા પપ્પાએ આપણે માટે કાર ખરીદી રાખી છે. બંગલો બાંધવા માટે એમના બંગલાની નજીક પ્લૉટ પણ લઈ રાખ્યો છે. એમનો આટલો મોટો બિઝનેસ... દેવપ્રકાશ  : હું તારી સાથે આવીશ એવું તેં શા પરથી માની લીધું ચંદન. ચંદન : તો આવી સાવ મામૂલી નોકરીના થોડી હજાર રૂપરડીના પગારમાં આપણો શો ઉદ્ધાર થાય દેવ ? ત્યાં બધું જ છે. પૈસા, પોઝિશન, હાઈ સોસાયટી…. દેવપ્રકાશ : તારી હાઈ સોસાયટીમાં અપરાધીઓ નથી હોતા, ચંદન ? ચંદન : દેવ ! દેવપ્રકાશ : ત્યાં પણ લાંચ, રુશ્વત, ભ્રષ્ટાચાર, અનીતિ શું નથી ? ચંદન : બસ કરો દેવ, આજ સુધી તમારો ઉપદેશ ઘણી વાર સાંભળ્યો છે. રિંકુનું ભવિષ્ય બગાડવાનો તમને શો અધિકાર છે ? દેવપ્રકાશ : ચંદન, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, માત્ર શહેરના શિક્ષણથી જ બાળક ઘડાય છે ? ચંદન : રિંકુ મોટી થશે ત્યારે એનું ભવિષ્ય બગાડવા માટે તમને ધિક્કારશે દેવ ! દેવપ્રકાશ : અને એ દંભી, સ્વાર્થી અને પોકળ વ્યક્તિ બનશે તો હું મારી જાતને માફ નહીં કરું. ચંદન : ઓ પ્લીઝ દેવ, મારી હઠ, વિનંતી, આગ્રહ જે ગણો તે છોડી દો આ બધું. ચાલો મારી સાથે. દેવપ્રકાશ : સૉરી, ચંદન, અહીં તો હું જેલર છું પણ ત્યાં તો હું કેદી બની જઈશ — તારી સંપત્તિનો, મિથ્યાભિમાનનો અને... અને તારા પપ્પાના સોશ્યલ સ્ટેટસનો. ચંદન : દેવપ્રકાશ ! દેવપ્રકાશ : સૉરી ચંદન, તને ગમે કે ન ગમે, આ એક વાસ્તવિક્તા છે. ચંદન : તમે મારા પપ્પાની ભાવનાનું અપમાન કરો છો. દેવપ્રકાશ : અને તું મારી લાગણીઓની ઉપેક્ષા કરે છે. હકીકત તો એ છે કે આપણે એવા વળાંક પર ઊભાં છીએ કે જ્યાંથી આપણા રસ્તા જુદા પડે છે. ચંદન : આ શું બોલો છો તમે ? દેવપ્રકાશ : ઘણા સમયથી એ વાત પામી ગયો હતો ચંદન, અને એટલે જ કદાચ આજે આટલો સ્વસ્થ છું. હું અહીં જ રહીશ. અને મારા આદર્શો માટે જિંદગી જીવીશ. તું તારે જે માર્ગ પસંદ કરવો હોય તે કરી શકે છે. હું એમાં ક્યારેય વચ્ચે નહીં આવું. નેવર. ચંદન : અને મારાથી પણ અહીં નહીં રહેવાય, દેવ, નહીં રહેવાય. [કાલુ પ્રવેશે છે. કાલુ જલ્લાદ. પિસ્તાલીસની આસપાસ વય. સજ્જન, નમ્ર અને હસમુખ. એકવડિયું શરીર, ધોતિયું, હાફકોટ અને ટોપી પહેરેલાં છે. કપાળે તિલક.] કાલુ : નમસ્તે સાહેબ. [ચંદન તરત મોં ફેરવી દેખીતી રીતે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે.] દેવપ્રકાશ : અરે કાલુ તું ? આવ આવ ક્યારે આવ્યો ? કાલુ : બસ ઝાંસીથી સીધો જ ચાલ્યો આવું છું સાહેબ. તમે કેમ છો ? આ....આ... દેવપ્રકાશ : એ છે તારાં ભાભીજી. કાલુ : ઓહોહો ! નમસ્તે ભાભીજી. ચલો અચ્છા હી હુઆ આપ આ ગઈ. સાહેબ એકલા હતા, જાતની સંભાળ નહોતા રાખતા. બસ હવે તમે સાહેબને સંભાળી લો. [ચંદન અને દેવપ્રકાશ એકમેક તરફ અર્થપૂર્ણ દૃષ્ટિથી જોઈ લે છે.] કાલુ : હંમેશાં તો સાહેબ ચા બનાવીને મને આપે છે, આજ તો તમારા જ હાથની ચા પીવી છે ભાભીજી. દેવપ્રકાશ : હં... હાં કાલુ... જરૂર… આ તારું જ ઘર છે ને !.. ચંદન... જરા કાલુ માટે... [ચંદન ચૂપચાપ અંદર ચાલી જાય છે.] દેવપ્રકાશ : બેસ કાલુ, તારો બિઝનેસ કેમ ચાલે છે ? કાલુ : સબ અચ્છા હૈ. સૂપડાં બનાવવાનું કામ પણ ઠીક ચાલે છે. દેવપ્રકાશ : સારું થયું. કાલુ : બસ, સબ ભોલેનાથની કીરપા છે. દીકરો જુવાન થઈ ગયો. એ બધી ઝંઝટ કરે છે. હું તો દીકરાને એમ જ કહું, નીતિથી ધંધો કરજે. પૈસા કમ મળે તો કંઈ નહીં. [ચંદન ચાની ટ્રે લઈને આવે છે. ટિપાઈ પર મૂકે છે. દેવપ્રકાશને એક કપ આપે છે.] કાલુ : ભાભીજી બીટિયારાની નથી દેખાતી ? આજે જોયા વિના નહીં જાઉં, હાં, એના માટે મીઠાઈ લાવ્યો છું. જાતે બનાવી છે. [મીઠાઈનું પેકેટ ટિપાઈ પર મૂકે છે. દડિયામાંથી પ્રસાદ કાઢીને ધરે છે.] કાલુ : ભાભીજી, લો પ્રસાદ. પાછું કાલે તો દિલ્હી જવું છે. જૈન ખૂનના આરોપીની ફાંસી છે ને ! [ચાનો કપ આપતાં ચંદન હાથ લંબાવે છે. ફાંસી શબ્દ પર જ કાલુ એ હાથમાંથી ચા લે છે. ચંદન અચાનક જ આ શબ્દ સાંભળતાં ધ્રૂજી જાય છે. ચા છલકાય છે. એ હાથમાં કાલુ પ્રસાદ મૂકે છે. પણ ચંદન અણગમાથી એવી ચમકી ઊઠી છે, પ્રસાદ મોંમાં મૂકી શકતી નથી. એક જલ્લાદ એના ઘરમાં ? — એ વિચાર માત્રથી એ ભડકી ઊઠી છે.] દેવપ્રકાશ : શું થયું ચંદન ? ચંદન : અ... કંઈ નહીં. ફાંસીની શી વાત કરતા હતા ? કાલુ : [હસી પડે છે.] ફાંસીની જ વાત કરું ને ! જલ્લાદ જો ઠહરા. પચ્ચીસ સાલ સે હાં. ચંદન : પણ... પણ... ફાંસી જેવું હલકું કામ. કાલુ : તમે ય આમ બોલશો ભાભીજી ? ઈમાનદારીથી કરો તો કોઈ કામ હલકું નથી. બધું જોઈ વિચારી કાયદાએ જેને મૉતની સજા કરી છે, એને ફાંસી આપું છું. મૈં ખૂન થોડા હી કરતા હૂં ! દેવપ્રકાશ : કાલુ તો શંકરનો ભક્ત છે ચંદન. શરાબને કદી અડતો નથી. અરે ગામલોક મંદિરમાં જવા નથી દેતા એટલે એની બિરાદરી માટે નવું મંદિર બાંધે છે. કેમ કાલુ ? કાલુ : હાં સાહેબ, ભગવાન તો સબકા હૈ. મંદિરમાં ગાય ખરીદવી છે, ગોસેવા થશે. બસ્તીનાં છોકરાંઓને દૂધ પણ મળી જશે. ચંદન : પણ... ફાંસી... ફાંસી તો ભયાનક પાપનો ધંધો છે. કાલુ : આ તો અમારા કુટુંબનો બાપદાદા વખતનો ધંધો છે ભાભીજી. મારા પિતાજી વજીરા, ચાચા લછમન બધાં જલ્લાદ હતા. હું ફાંસીનું કામ ન કરું તો બીજું શું કરું ? બોલો. ચંદન : અં... આ... કંઈ પણ... નાનું મોટું... બીજું કામ... કાલુ : [હવે એના સ્વરમાં કડવાશ છે.] બીજું કામ ? જાતનો ચમાર છું ને !.. એ મારો ગુનો. ક્યા કરું બોલો. પાનબીડીનો ગલ્લો… કે પછી ચા પાણીની દુકાન ? કોણ આવશે મારી દુકાને ? કોણ અડશે અમને ? અરે મોટી મોટી વાતો કરતાં નેતા ચૂંટણી વખતે અમારી બસ્તીમાં આવે, અમને ચા પાય અને અમારી નજર સામે ચાના કપ ઉકરડામાં નાંખી દે… કહે છે ભગવાને બધાં માણસ સરખા બનાવ્યા છે, તો ય અમને મરેલા ગંધાતા ઉંદરડાની જેમ પૂંછડી પકડી સમાજમાંથી ફેંકી દે છે. ક્યા વો પાપ નહીં હૈ ? ગાંધી જેવા મહાત્માએ જીવ આપી દીધો તો ય અમે હરિનાં જન ન થયાં. ઢેડનાં ઢેડ રહ્યાં ભાભીજી. હરિ ૐ હરિ ૐ.... [કાલુ જવા માટે ઊઠે છે. એના ચહેરા પર વ્યથા અંકિત છે. ચા એમ જ પડી રહી છે. રિંકુ ઊંઘમાંથી જાગી ગઈ છે અને બહાર દોડી આવે છે.]

રિંકુ  : મમ્મી, મને ભૂખ લાગી છે.

[એ બોલતાં જ એની નજર પડે છે કાલુએ આણેલા મીઠાઈના પડીકા પર. એ ખોલવા લાગે છે. દેવપ્રકાશ પડીકું ખોલી પેંડો એને આપે છે. જતાં જતાં કાલુની નજર પડે છે, ખુશ થાય છે.] રિંકુ : પપ્પા, કોણ પેંડો લાવ્યું ? દેવપ્રકાશ : તારા કાલુચાચા લાવ્યા છે. રિંકુ : થેન્ક્યુ કાલુચાચા. પેંડો ફાઈન ફાઈન છે. [ચંદન ધૂંધવાય છે. કાલુ જાય છે એ સાથે જ એ રિંકુ પાસે ઝડપથી દોડી જાય. એના હાથમાંથી ખાધેલો પેંડો ઝૂંટવી લે. મીઠાઈનું પડીકું, કાલુની ચાનાં કપ—રકાબી બધું ઊંચકીને બારી બહાર આવેશથી ફેંકી દે છે.] રિંકુ : મમ્મીએ મારો પેંડો લઈ લીધો. ચંદન : શટ અપ ! દેવપ્રકાશ : કાલુ એક તો ચમાર ને પાછો જલ્લાદ. એના હાથની મીઠાઈ ન ખવાય ખરું ને ! તારાં કપ—રકાબી અભડાઈ ગયાં. ચંદન : હા હા ને હા. હવે કંઈ કહેવું છે ? દેવપ્રકાશ : અચ્છા ચંદન, એક વાત કહે. તું દિલ્હી—કલકત્તાની ફાઈવ સ્ટાર હોટલમાં ડીનર લે છે, કોકટેલ પાર્ટીઓમાં જાય છે. ત્યારે તને પૂરી ખાતરી હોય છે કે એના શેફ, બેરર, વેઈટરર્સ બધાં જ ઊંચી જ્ઞાતિનાં લોકો હોય છે ? ચંદન : દેવપ્રકાશ, હું એ બાબતે કોઈ ચર્ચા કરવા નથી માગતી. ડાકુ, ખૂની, વેશ્યા અને જલ્લાદ...ના ના હું અહીં નહીં રહી શકું. દેવ.. હું અહીં નહીં રહી શકું. દેવપ્રકાશ : પ્લીઝ, ચંદન, મારી વાત સાંભળ. તું ઉતાવળે નિર્ણય લે છે. જો તું મને... ચંદન : ના દેવ, હું જાણતી હતી આમ જ થશે. મેં પપ્પાને દિલ્હી કાગળ લખ્યો હતો અને એમણે અમને લઈ જવા માણસ પણ મોકલ્યો છે. દેવપ્રકાશ : ના ના, પ્લીઝ ચંદન. રિંકુ : [એક તરફ સ્તબ્ધ ઊભી છે. ગભરાઈને રડવા લાગે છે.] મમ્મી… પપ્પા, તમે લડો નહીં ને… મને બીક લાગે છે... દેવપ્રકાશ : ચંદન ! પ્લીઝ તું થોડા દિવસ રોકાઈ ન શકે ? ચંદન : સીધેસીધું કહેતા કેમ નથી દેવ. પેલી વેશ્યા કમુને ઘરમાં છુપાવવી છે એટલે મને રોકાવાનું કહો છો ? મેં તમારી ધનુ સાથેની વાત સાંભળી છે. બોલો ખરી વાત છે ને ! બોલો હવે ચૂપ કેમ છો ? દેવપ્રકાશ : હું. .. એને એટલે કે... ઑલરાઇટ… મારે કમુને ઘરમાં થોડો સમય છુપાવવી પડશે. ચંદન : અને એટલે જ તમને મારી જરૂર છે. એક પત્નીને માટે આથી વધુ મોટું અપમાન બીજું શું હોઈ શકે ? દેવપ્રકાશ : ચંદન.. ચંદન.... માત્ર થોડા દિવસ... ચંદન : તમને તમારી જાત માટે, પ્રેમ માટે મારી જરૂર નથી દેવપ્રકાશ, એક વેશ્યાને છુપાવવા એક સ્ત્રીની જરૂર છે. [રિંકુ જોરથી રડે છે. ચંદન પાસે જાય છે. ઊકળી ઊઠેલી ચંદન ધક્કો મારે છે. ચંદન એના રોષના આવેશના અંતિમ બિંદુ પર જાત પરનો કાબૂ ગુમાવી વીફરી બેઠી છે.] દેવપ્રકાશ : શાંત થા ચંદન... પ્લીઝ થોડા દિવસ...મારે ખાતર ... ચંદન : તમારે ખાતર ! અને મારે ખાતર તમે ક્યારેય શું કર્યું છે ? મારી આશાઓ, સ્વપ્નાંઓ, લાગણીઓ એનું શું ? પત્ની તરીકે શું મારો તમારા પર જરા યે અધિકાર નથી ? આ મારા સ્ત્રીત્વનું અપમાન છે દેવપ્રકાશ. મારાથી તમારી સાથે નહીં રહેવાય. હું જઈશ અને આજે જ જઈશ, આ જ ક્ષણે. દેવપ્રકાશ : ના ચંદન, હું તને એમ નહીં જવા દઉં. તું અત્યારે ભાનમાં નથી... ચંદન : ના દેવપ્રકાશ, અત્યાર સુધી હું ભાનમાં નહોતી. હવે ભાનમાં આવી છું. અને એટલે જ અહીં રહેવા નથી માગતી. મારાં સ્વપ્નોનું તમે ખૂન કર્યું છે. તમે ગુનેગાર છો. એ માટે તમારા કાયદામાં છે કોઈ સજાની જોગવાઈ ? [ગભરાયેલી, રડતી રિંકુને તેડી લે છે.] યાદ રાખજો દેવપ્રકાશ, તમારી અને મારી વચ્ચે આ જેલની ઊંચી તોતિંગ દીવાલો સદાય રહેશે. કારાગારના આ લોખંડી સળિયાની એક તરફ તમે અને બીજી તરફ હું. રિંકુ : પપ્પા ... [દેવપ્રકાશ નજીક જવા જાય છે, ચંદન રિંકુને પરાણે તેડી રાખી ખસી જાય છે. આવેશ—સમજાવટ—વિનંતી એ બધાં પછી હવે દેવપ્રકાશને પરિસ્થિતિનો પૂરો ખ્યાલ આવે છે. ક્યારેક આવશે— એમ કલ્પેલી વિદાયની ક્ષણનો મોંમેળાપ આમ અચાનક ધાર્યો નહોતો. એ ભાંગી પડે છે.] ચંદન : હતાશ થવાનું નાટક શા માટે કરો છો ? અમારા ચાલ્યા જવાથી તમને ખરેખર દુઃખ થતું હોત તો બધું છોડીને મારી સાથે આવત. મારે ખાતર નહીં તો, રિંકુને ખાતર. યાદ રાખજો દેવપ્રકાશ, તમે જે આદર્શો ખાતર મારું જીવન ધૂળ ભેગું કરી રહ્યા છો, એ જ આદર્શો એક વાર તમારું જીવન ધૂળમાં મેળવી દેશે. દેવપ્રકાશ, સત્ય હંમેશાં બલિદાન માગે છે. અને એ પહેલું બલિદાન તમારું લેશે. [ઝડપથી જાય છે. રિંકુ દેવપ્રકાશ તરફ જોઈને રડે છે.] હું અહીંથી કશું નથી લઈ જતી કારણ કે મારું અહીં કશું નથી. [દેવપ્રકાશ દોડી આવે છે. રિંકુને તેડી લેવા જાય છે. ચંદન એક ઝટકા સાથે રિંકુનો હાથ છોડાવી બહાર નીકળી જાય છે. કમલા બધું સાંભળી રહી છે.] રિંકુ જોઈતી હશે તો આપણે કોર્ટમાં મળવું પડશે દેવપ્રકાશ. [ચંદન ચાલી જાય છે. પપ્પા... રિંકુની બૂમ પાછળ ફંગોળાઈ જાય છે. દેવપ્રકાશ ધીમે પગલે પાછો આવે છે. રિંકુ—ચંદનનો ફોટો ટેબલ પરથી ઊંચકીને તાકી રહે છે. કમલાએ ચંદનના શબ્દો સાંભળ્યા છે. એ આઘાતથી મૂઢ બની ગઈ છે. ઘરમાં રહેવું ન રહેવુંની મથામણમાં એ ચૂપચાપ ચાલી જવા જાય છે. પોટલું એના હાથમાંથી પડી જાય છે. અવાજ થતાં દેવપ્રકાશ ચમકે છે. સ્વસ્થ થવા મથતા....] દેવપ્રકાશ : આવ કમલા. કમલા : ના ના સાહેબ... હું... દેવપ્રકાશ : તારો સંકોચ હું સમજું છું. તું અંદર જા. કમલા : ના ના મારે લીધે જ બહેનજી... દેવપ્રકાશ : ના. એવું કંઈ નથી કમલા. તું મનમાં ઓછું ન આણ. તું તો માત્ર નિમિત્ત બની છે. ક્યારેક તો આમ બનવાનું જ હતું. કમલા : હું જ અભાગણી છું. સાહેબ જ્યાં જાઉં છું ત્યાં મારું ફૂટેલું નસીબ આગળ જાય છે. એક તમે જ એવા માણસ મળ્યા સાહેબ, જેણે મને ચપટી સુખ દીધું અને… તમારા જ....સંસારમાં મે મૂઈએ આગ લગાડી. દેવપ્રકાશ : તું દુઃખી ન થા કમુ, અંદર જા. ને જો બહાર નીકળતી નહીં. કંઈક રસ્તો જરૂર નીકળશે. [કમલા અંદર જાય છે. દેવપ્રકાશ ટેબલ પાસે આવીને રિંકુ—ચંદનની તસવીર જોઈ રહે. ધીમેથી પ્રકાશ વિલીન. અંધકારમાં રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય. ફરી પ્રકાશ. જેલની ઑફિસનું દૃશ્ય. બલવંત રજિસ્ટર ખોલીને બેઠો છે. એક તરફ થોડાં ટિફિન, ડબ્બાઓ, થેલીઓ વગેરે પડ્યું છે. બે—ત્રણ માણસો ટેબલ પાસે ચિઠ્ઠી લઈ ઊભા છે. સુંદર એકના હાથમાંથી ટિફિન લઈ ખોલે છે. અંદર આંગળી નાખી ચાટે છે. ખુશ થાય છે. ફરી આંગળી બોળી ચાટે છે. પીઠ ફેરવેલી છે, છતાં એ માણસની નજર પડી જાય છે.] માણસ : એય ! ખાવાનું એઠું શું કામ કરે છે ? સુંદર : અરે વાહ ! એક તો ઘરનું ખાવાની તારા સગલાને રજા આપીએ છીએ ને વળી પાછો દમ મારે છે ? બલવંત : અબ્બે એય, બકવાસ બંધ. ચલ, બહાર નીકળ. ફૂટ ફૂટ. માણસ : ટિફિન લાવું છું તો કાયદેસર લાવું છું સમજ્યા ! કંઈ મારી પર ઉપકાર નથી કરતા તમે બધાં. [સુંદર પીઠ ફેરવી, ઝડપથી ખિસ્સામાંથી સિક્કો કાઢી ખાવાનામાં નાખી દે. પછી બલવંતસિંહ પાસે દોડી આવે.] સુંદર : સાહેબ, સાહેબ ચિઠ્ઠી પર સહી નહીં કરતા, જુઓ દાળમાંથી સિક્કો નીકળ્યો. દાળમાં કાળું હોય, આ તો મારું બેટું ધોળું છે. હરામખોર પાછી કાયદાની વાત કરે છે ?

માણસ : ના ના. સાહેબ, આ ખોટું બોલે છે. મેં નથી નાખ્યો, એણે જ નાખ્યો હશે. સાહેબ દયા કરો... ટિફિન અંદર મોકલો... મારો ઘરડો બાપ બિચારો જેલનું ખાઈ નહીં શકે... [એ કરગરતો રહે છે, એની ચિઠ્ઠી ફાડી પોલીસ એને ગાળો દેતો, ધક્કા મારતો બહાર કાઢી મૂકે છે. સુંદર લુચ્ચું હસતો એ ટિફિન લઈ લે છે, બીજી થેલીઓ અને ટિફિન લઈ સુંદર અને પોલીસ અંદર જાય. બલવંતસિંહ ટેબલ પર મૂકેલી ટપાલ ખોલે છે. લાલદાસ પ્રવેશે છે. બલવંતસિંહ કવર ખોલતાં જ ખુશ થઈ જાય છે.] બલવંતસિંહ : સર, સર ગૂડ ન્યૂઝ. [દેવપ્રકાશ પ્રવેશે છે.] દેવપ્રકાશ : ગૂડ ન્યૂઝ ? જેલમાં ? લાલદાસ : શું છે બલવંતસિંહ ? બલવંતસિંહ : સર, પેલા રામચંદ્રને છોડી મૂકવાનો રિલીઝ ઑર્ડર છે. લાલદાસ : ખરેખર ! આ તો ચમત્કાર કહેવાય. દેવપ્રકાશ : કોણ રામચંદ્ર ? પેલો 30 વર્ષથી જેલમાં સબડે છે એ ? બલવંતસિંહ : હાં, એ જ. નથી ક્યારેય એની પર કેસ ચાલ્યો કે નથી એને સજા થઈ. સાહેબે એના વતી અરજી કરાવેલી. એનો આ રિલીઝ ઑર્ડર છે. લાલદાસ : બુઢ્ઢો થઈ ગયો છે સાલ્લો. હવે કંઈ કામનો નથી રહ્યો એટલે એને કાઢ્યો. એ ને આપણે બન્ને છૂટીએ. દેવપ્રકાશ : [સહજ લાગે એ રીતે છતાં કટાક્ષથી] તો એટલા માટે તમે અરજી કરેલી સર ? લાલદાસ : [પળભર એને તાકી રહીને, પછી કટાક્ષનો જવાબ કટાક્ષથી આપતાં] હા, એ બહાને અમારે હાથે એક સારું કામ તો થયું. એથી તમારે ખુશ થવું જોઈએ, દેવપ્રકાશ. આ રિલીઝ ઓર્ડર લઈ તમે જ એની પાસે જાઓ. [બલવંતસિંહના ચહેરા પર લુચ્ચું સ્મિત છે. કમને દેવપ્રકાશ અંદર જાય છે. લાલદાસના ટેબલ પાછળની વિંગમાંથી આજુબાજુ જોતાં ઠાકુરસાહેબ ઝડપથી આવે છે. બલવંતસિંહ અને લાલદાસ આશ્ચર્ય પામતાં ઊભા થઈ જાય છે.] ઠાકુરસાહેબ : સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, જલદી કરો. શ્રી. રેવતીનારાયણ મિશ્રા આવી પહોંચ્યા છે. ચાલો ચાલો, એમને લઈ આવીએ. [લાલદાસ અને ઠાકુરસાહેબ મુખ્ય દરવાજાની ડોકાબારી ખોલાવી ઉતાવળે બહાર જાય છે. બહારથી મોટેથી અવાજો આવે છે… આવો આવો પધારો… ઓહોહો તમે…… જય... જય...લાલદાસ હાંફળાફાંફળા દાખલ થાય, તેની પાછળ ફોટોગ્રાફર. ત્યારબાદ રેવતીનારાયણ દંભી સ્મિત અને દંભી પ્રણામ પ્રેક્ષકોને કરતાં કરતાં દાખલ થાય છે. અવારનવાર રાજકારણીઓ જ કરી શકે તેવું સ્મિત ફોટોગ્રાફર તરફ ફેંકી જુદા જુદા પોઝમાં ફોટાઓ પડાવતા રહે છે. દૃશ્યની અધવચ્ચેથી ફોટોગ્રાફર ચાલ્યો જશે. રેવતીનારાયણ યુવાન છે; સુંદર છે; દંભી અને પોકળ છે. નાટક ભજવતી વખતે તત્કાલીન રાજકીય વાતાવરણ, વિવિધ રાજકીય પક્ષોની પરિસ્થિતિ અને જુદા જુદા નેતાઓનાં વિચાર, વાણી અને વર્તનનું પ્રતિબિંબ પડે, અને તેમની ઠઠ્ઠા કરી ઉઘાડા પાડી શકાય એ પ્રમાણેનો રેવતીનારાયણનો પોષાક, અભિનય અને સંવાદોમાં યોગ્ય ફેરફાર જરૂરી બને.] ઠાકુર સાહેબ : લાલદાસ, આ છે આપણા મુખ્યપ્રધાન મિશ્રાજીના કનિષ્ઠ પુત્ર રેવતીનારાયણ. રેવતી : હજી હું એટલો કનિષ્ઠ થયો નથી, કોશિશ કરું છું. એટલે તો રાજકારણમાં ઝંપલાવું છું. મેન મસ્ટ બીકમ પરફેક્ટ. લાલદાસ : [અહોભાવથી.] બોલો સાહેબ, આપની શું સેવા કરી શકું ? રેવતી : સેવા કરવા તો હું નીકળ્યો છું. વાત એમ છે કે મિ… લાલદાસ : લાલદાસ, સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ... રેવતી : હાં તો મિ. લાલદાસ, વાત એમ છે કે જનતાની એવી ઇચ્છા થવાની છે કે મારે એમની સેવા કરવા રાજકારણમાં ઝંપલાવવું, એટલે મને પાર્લામેન્ટમાં ટિકિટ મળે એવી તજવીજ આપણા ઠાકુરસાહેબ કરવાના છે. ઠાકુરસાહેબ : ભાઈ લાલદાસ, રેવતીનારાયણના પિતા મિશ્રાજી મુખ્ય પ્રધાન, એના પિતા ને એનાય પિતા મુખ્ય પ્રધાન. એટલે સ્વાભાવિક છે, આપણી વંશવારસાની નીતિને અનુરૂપ આપણે જ ગાદી સંભાળવી પડે, નહીં તો દેશનું શું થાય ? લાલદાસ : તો આપ જેલની મુલાકાત માટે પધાર્યા છો ?... અરે બલવંતસિંહ, સાહેબને જરા... રેવતી : નહીં નહીં. તમે સમજ્યા નહીં. અમે જેલમાં રહેવા માગીએ છીએ. લાલદાસ : જુઓને સાહેબ, આમ તો કોઈને જેલમાં રહેવાની સગવડ અપાતી નથી. કારણ કે આ કંઈ હોટલ થોડી છે સાહેબ ? પણ આપ તો મિશ્રાજીના પુત્ર છો... રેવતી : કનિષ્ઠ. લાલદાસ : હા કનિષ્ઠ. એટલે મારાથી ના તો કેમ પડાય ? અને આમ જુઓ તો આ જેલ.. ઠાકુરસાહેબ : તમે સમજ્યા નહીં. આ જેલ છે એટલે જ તેઓ રહેવા માગે છે. લાલદાસ : મને કંઈ સમજાયું નહીં. ઠાકુરસાહેબ : જુઓ, ખરી વાત એમ છે.. રેવતી : રહેવા દો. અમે સમજાવીશું. કોઈ પણ કૅરિયર લેતા પહેલાં એ વિષયનો અનુભવ, અભ્યાસ કરવો જરૂરી છે બરાબર ! રાજકારણમાં પ્રવેશ કરવા માટે પણ અમુક ક્વૉલિફિકેશનની જરૂર છે. અને આમ જુઓ તો સ્કૂલના દિવસોથી હું બીજા ગુણ કેળવતો આવ્યો છું. ઠાકુરસાહેબ : નાનપણથી જ એમણે મારા—તારાનો ભેદ રાખ્યો નથી. સ્કૂલમાં બીજાની વસ્તુઓ હંમેશાં પોતાની સમજીને જ વાપરતા હતા. પરીક્ષામાં પણ બીજાના લખેલા ઉત્તર—પત્રો જ એમણે લઈ લીધા હતા. રેવતી : પણ મારો એ ઉચ્ચ આદર્શ પ્રિન્સિપાલ ન સમજી શક્યા ને મને કાઢી મૂક્યો. લાલદાસ : આમ પણ મહાન થવા સર્જાનારા માણસોને આવા તુચ્છ ભણતરની શી જરૂર ? રેવતી : [ઠાકુરસાહેબને સંબોધીને] આ માણસ કંઈક બુદ્ધિશાળી લાગે છે. પછી મુંબઈ જઈ ત્યાંની બેસ્ટ કંપનીમાં નોકરી કરી. લાલદાસ : ઓહોહો ! ટાટામાં હતા કે બિરલામાં ? રેવતી : બેસ્ટ કંપનીની બસમાં કંડક્ટર હતો. ઘણા અનુભવ મેળવ્યા. દારૂ, જુગાર, દાણચોરી વિવિધ પ્રવૃત્તિ કરી જોઈ. યુ.સી. બિલકુલ નિર્મોહી બનીને. માત્ર અનુભવ જ મેળવવા પરદેશની અનેક સફરો ખેડી. ઠાકુરસાહેબ : અરે એક પ્લેન પણ હાઇજેક કર્યું હતું ! રેવતી : માત્ર અનુભવ મેળવવા; પરંતુ પૂ. બાપુ ન હોવાને કારણે એક ખામી રહી ગઈ. [એકદમ ઊભા થઈ વંદન કરે] વંદન હો એ પ્રાતઃસ્મરણીય વિભૂતિને ! લાલદાસ : છતાં હજી મને કંઈ સમજાયું નહીં. રેવતી : અરે ભાઈ! પૂ. બાપુ ક્યાં છે કે સ્વાતંત્ર્ય ચળવળની હાક મારે ને અમે યુવાનો જેલમાં જઈએ ? ઠાકુર સાહેબ : લાલદાસ, રેવતીનારાયણમાં નેતા બનવાની બધી લાયકાત છે પણ એ કોઈ દિવસ જેલમાં ગયા નથી. મિનિસ્ટર બનવાનું એ મોટામાં મોટું ક્વૉલિફિકેશન એક ખૂટે છે. રેવતી : [આગળ આવી ભાષણ કરતાં હોય એમ જુસ્સાભેર] એટલે જ હું રાષ્ટ્રના નવનિર્માણની હાકલ પાડવાનો છું. સમગ્ર દેશની સુષુપ્ત યુવાશક્તિને ઢંઢોળીને જગાડવાની ભગીરથ પ્રતિજ્ઞા કરવાનો છું. એક જુદો રાષ્ટ્રીય યુવા મંચ સ્થાપવાનો છું. પક્ષના નેતાના હાથ મજબૂત કરવાના. એ માટે હું હંમેશાં માલિશનું તેલ સાથે જ રાખું છું. ચાલો, અમને અંદર લઈ જાઓ. લાલદાસ : બલવંતસિંહ, ઉસ્તાદ તો જામીન પર છૂટી ગયા. એમની સેલમાં શ્રી રેવતીનારાયણને... રેવતી : એક મિનિટ. મારી સેલ ગાંડાઓની સાથે રાખવાની. ઓહોહો ! મને કેટલી જબ્બર પબ્લિસિટી અને સહાનુભૂતિ મળે ! લાલદાસ : ના ના સાહેબ. એ અમારી ખરાબમાં ખરાબ સેલ છે. ત્યાં રહીને તમે પૂરા ગાંડા થઈ જશો. બલવંતસિંહ : વેરી કરેક્ટ. પણ સર, એક નાનકડી સમસ્યા છે. આપણે કયા ચાર્જ પર એમની પર કાગળો કરીશું ? ઠાકુરસાહેબ : નો પ્રૉબ્લેમ બલવંતસિંહ. હું એ બધી વ્યવસ્થા કરીને જ આવ્યો છું. રેવતીનારાયણની મચ્છીમાર સંઘના લીડર તરીકે ધરણાં કરતાં ધરપકડ થઈ છે. બલવંતસિંહ : મચ્છીમાર સંઘ ! અરે પણ આપણી આસપાસ માઈલો સુધી કોઈ દરિયો જ નથી ! લાલદાસ : બલવંતસિંહ ! એ પ્રશ્ન ભૂગોળનો છે, રાજકારણનો નહીં. રેવતી : દરિયો નહીં હોય તો બનાવી આપીશું, એ ભારતની પ્રજાને મારું વચન છે. ગરીબોની સેવા કરવાનું મેં વ્રત લીધું છે. આપે જો ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે તો તમને ખબર હશે કે તેઓ કેવા મહાન હતા. અને... તેઓ કહેતા કે... ઠાકરુસાહેબ : રેવતીનારાયણ ! એ ભાષણ જેલમાંથી છૂટીને કરવાનું છે. હમણાં નહીં. રેવતી : તો ભાઈઓ અને બહેનો, ગાંધીજીએ શું કહ્યું હતું એ તમારે જાણવું હોય તો પરમ દિવસે બાર વાગ્યે હું જામીન પર છૂટું પછી મારી પ્રેસ કૉન્ફરન્સમાં પધારજો. જયહિંદ ! પ્રેસ કૉન્ફરન્સ ક્યાં રાખી છે ઠાકુરસાહેબ ? ઠાકુરસાહેબ : પૅલેસ હોટલમાં છે. તમારું ભાષણ કાલે મળી જશે. બરાબર મોઢે કરી લેજો. રેવતી : કૉન્ફરન્સ પછી હું સીધો દિલ્હી જઈશ. લાલદાસ : તિહારમાં સગવડ એ—વન મળશે. રેવતી : ના. પૂ. બાપુની સમાધિને મારે ગંગાજળથી ધોઈને પવિત્ર કરવી છે. પછી ત્યાં જનતાની સેવાનાં સોગંદ લઈશ. ત્યારબાદ માથે મુંડન કરી ત્રિવેણીસંગમમાં સ્નાન કરી દક્ષિણમાં અમિતાભની જેમ સાબ્રીમાલાની યાત્રા કરીશ. ને પછી સીતાના અગ્નિપ્રવેશની જેમ હું ચૂંટણીપ્રવેશની જાહેરાત કરીશ. ઠાકુરસાહેબ : હોટલ અશોકામાં ફરી પ્રેસ કોન્ફરન્સ અને ટી.વી. કવરેજ નક્કી થઈ ગયું છે. તમારો ઇન્ટરવ્યુ લેવાશે. રેવતી : ઈન્ટરવ્યુ ? ઠાકુરસાહેબ : ગભરાઓ નહીં, જવાબો ટાઇપ થઈને મળી જશે. રેવતી : ગૂડ. જેલમાંથી છૂટીને અમારા પોષાકનું શું નક્કી કર્યું છે ? ઠાકુરસાહેબ : ચૂડીદાર, ઝબ્બો, નેહરુ જૅકેટ કે રાજીવ શાલ. જુઓ લાલદાસ, રેવતીનારાયણ કામના માણસ છે. એમને બધી સગવડ મળવી જોઈએ. રેવતી : કાગળો અને પેનની સગવડ તો ખાસ. બલવંતસિંહ : આપ લેખક પણ છો ? રેવતી : ના. પણ થઈ જઈશ. મારે પણ મારાં સંસ્મરણો લખવાં પડશે ! ચાલો ત્યારે અમે જેલપ્રવેશ કરીએ ! ઠાકુર સાહેબ : ના જી. જ્યોતિષીએ કાઢી આપેલા મુહૂર્તમાં હજી દોઢ મિનિટ ત્રણ સેકંડ બાકી છે. લો, આ તાંત્રિકે આપેલી લાલ રંગની વીંટી અને રુદ્રાક્ષની માળા. લાલદાસ, રેવતીનારાયણ માત્ર સાત્ત્વિક આહાર જ લે છે. હાથે છડેલા ચોળા, કાળી ગાયનું ઘી—દૂધ. સવારે નાસ્તામાં કેસરનું દૂધ અને બદામ—પિસ્તા. લો, આ એમને જોઈતી ચીજવસ્તુની યાદી મંગાવી લેજો. [લાંબો કાગળ આપે છે. દેવપ્રકાશ અંદરથી બહાર આવે છે. સાથે એક વૃદ્ધ, તનમનથી ભાંગી પડેલો, લકવાથી ધ્રૂજતો માણસ આવે છે. અચાનક શું બની રહ્યું છે તેથી એ હેબતાઈ ગયો છે.] લાલદાસ : રામચંદ્ર, તને હવે છોડી મૂકીએ છીએ. ખુશ થયો ને ! રામચંદ્ર : [લાલદાસના પગમાં પડી જાય છે ને કકળી ઊઠે છે.] સાહેબ… સાહેબ શું કામ મને કાઢી મૂકો છો ? મારો કંઈ વાંકગુનો ? [દેવપ્રકાશ એની અસહાયતા સમજી શકે છે.] દેવપ્રકાશ : રામચંદ્ર, તું... તું આજથી છુટ્ટો છે, સ્વતંત્ર છે. બહારની દુનિયામાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. રામચંદ્ર : પણ... પણ હું ક્યાં જાઉં ? કોની પાસે જાઉં ? બલવંતસિંહ : તારે ઘરે. બીજે વળી ક્યાં ? રામચંદ્ર : ત્રીસ ત્રીસ વરસથી આ જ મારું ઘર છે. બહાર મારું કોઈ નથી બાપલા. મને અહીં જ પડી રે'વા દ્યો સાહેબ, ભગવાન તમારું ભલું કરશે. [રામચંદ્ર આક્રંદ કરે છે. રેવતીનારાયણ ઝોકું ખાઈ લે છે.] લાલદાસ : ઇડિયટ, સમજતો નથી. તને અહીં ગેરકાયદેસર મારાથી શી રીતે રખાય ? રામચંદ્ર : સાહેબ, ન વાંક ન ગુનો. ત્રીસ વરસ આંહીં ગોંધાઈ રહ્યો ત્યારે કાયદો ક્યાં ગયો હતો ? બલવંતસિંહ : એ... એ... વાત જુદી હતી. સાહેબનો ઉપકાર માનવાને બદલે આવી વાત કરતાં શરમાતો નથી ? આજના જમાનામાં કોઈની પર દયા કરવા જેવું નથી. ચલ જા જલદી. રામચંદ્ર : ક્યાં જાઉં બાપલા ? એય ખબર નથી. બૈરી—છોકરાં ક્યાં છે ? જીવે છે કે મરી ગયાં છે ? બહાર કોણ જાણે આટલાં વરસમાં કેવી દુનિયા બદલાઈ ગઈ હશે ? હું ક્યાં રહીશ ? શું ખાઈશ ? બાપલા, મને પડી રેવા દ્યો એક બાજુ. મને કાઢી ન મૂકશો... કાઢી ન મૂકશો... દેવપ્રકાશ : સર… રિલીઝ ઑર્ડરમાં કંઈ ટેક્નિકલ વાંધો કાઢીને પાછો મોકલી દેવાશે… એ ભલે ને પડી રહેતો... લાલદાસ : કેમ, મારી પાસે ગેરકાયદેસર કામ કરાવવું છે ? આ જેલ છે, પાંજરાપોળ નથી. નીલમણિને છોડાવવાની વાત તો તમે જ કરતા હતા ને ? દેવપ્રકાશ : સર, નીલમણિની તો આખી જિંદગી હજી બાકી છે અને આ મરવાને વાંકે જીવે છે. લાલદાસ : ઓર્ડર ઇઝ ઓર્ડર. લઈ જાઓ આને, કાઢો બહાર. [રડતા કકળતા રામચંદ્રને પોલીસ ધક્કા મારી બહાર કાઢે છે. રામચંદ્ર બહાર જાય] ઠાકુરસાહેબ : અંદર ચાલો, રેવતીનારાયણ ઊઠો. શુભ ચોઘડિયું શરૂ થઈ ગયું છે. [રેવતીનારાયણ ઝબકીને ઊઠે. તરત હોંશભેર વીંટી અને માળા પહેરી લે અને સૌને પ્રણામ કરતાં કરતાં અંદર જાય. લાલદાસ એની સાથે જાય. ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ની ધૂન સંભળાય. ઠાકુરસાહેબ મુખ્ય દરવાજેથી બહાર જાય. બલવંતસિંહ એની જગ્યાએ કાગળોમાં મશગૂલ. દેવપ્રકાશ પોતાના ટેબલ પરથી બે—ત્રણ કાગળો લઈ વાંચે છે, ત્યાં લાલદાસ અંદરથી બહાર આવે છે અને બહાર જવા જાય છે.] દેવપ્રકાશ : સર ... લાલદાસ : શું છે ? હું ઉતાવળમાં છું. દેવપ્રકાશ : સર 40 નંબરની સ્થિતિ ગંભીર છે. સેપ્ટિક થઈ ગયું છે. અને પેશાબમાં લોહી પડે છે. એને હૉસ્પિટલમાં તાત્કાલિક ખસેડવો પડશે. સર, પુરુષોત્તમને ખૂબ તાવ છે એને ઇંજેક્શન... [બલવંતસિંહ ચમકે છે. પણ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે. લાલદાસ બલવંતસિંહ તરફ નજર કરી તરત ફેરવી લે છે. બલવંતસિંહ કામમાં હોવાનો ડોળ કરે. નજરની આ અદલાબદલ દેવપ્રકાશના ધ્યાનમાં છે, અત્યારે એ બીમાર કેદીઓની હાલતથી ચિંતિત છે, એથી લાલદાસની નરી નિર્લેપતાને એ પોતાના આક્રોશ વડે ભેદવા ચાહે છે.] લાલદાસ : પેપર્સ મારા ટેબલ પર મૂકી દો. હું અત્યારે ઉતાવળમાં છું, પછી હું જોઈ લઈશ. દેવપ્રકાશ : [ધીમેથી પણ મક્કમતાથી] નહીં સર, અરજન્ટ છે. સહી કરી આપો. એટલે હું 40 નંબરને હૉસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરું. લાલદાસ : મેં કહ્યું તે સાંભળ્યું નહીં ? પેપર્સ ટેબલ પર મૂકી દો. મારે અત્યારે તાલુકા હાઈકોર્ટમાં જવાનું છે. [દેવપ્રકાશ એ રીતે આગળ આવીને ઊભો રહે જેથી લાલદાસ જલદી જઈ ન શકે.] દેવપ્રકાશ : સર, ઇટ ઇઝ અ મેટર ઑફ લાઇફ ઍન્ડ ડેથ. સર.... સર... પ્લીઝ કોઈનો જાન જોખમમાં છે. તમે સહી કરી આપોને, બે મિનિટ. લાલદાસ : [અત્યાર સુધી દેવપ્રકાશ પરના દબાવેલા રોષની હવે ધાર નીકળી આવે છે અને હવે પછીનાં દૃશ્યોમાં બંને સતત સીધા સંઘર્ષમાં આવ્યા જ કરે છે.] દેવપ્રકાશ યાદ રાખજો, તમારી આવી વર્તણૂક અને જિદ્દનું પરિણામ તમારે ભોગવવું પડશે. મેડિકલ પેપર્સ મારા ટેબલ પર મૂકી દો. [લાલદાસ ઝડપથી મુખ્ય દરવાજેથી બહાર જાય છે. 40 નંબરની સ્થિતિ સાંભળી ગભરાયેલા બલવંતસિહને, દેવપ્રકાશના અપમાનથી હૈયે ટાઢક થાય છે. દેવપ્રકાશ નિષ્ફળ રોષથી સૂનમૂન થઈ જાય છે. પછી આજુબાજુ જોઈ પેપર્સ પોતાના ખિસ્સામાં સેરવી દે છે. અધીરતાથી ઘડિયાળ તરફ જુએ છે અને લાલદાસના ટેબલ પાછળની વિંગમાંથી એ અંદરની ઑફિસમાં જાય છે. એવામાં જેલની અંદરથી બૂમાબૂમ અને ચીસાચીસ સંભળાય છે. એટલું અચાનક, અને એટલું તીવ્રતાથી આ બને છે કે તરત જ ભય અને ત્રાસ અનુભવાય. વાસણો ફેંકવાના, સાંકળો ખખડાવવાના, અને દોડાદોડીના ઉપરાછાપરી અવાજો આવે. કેદીઓની ભયભરી ચીસો પકડો… પકડી લો મોહનરામને સાલ્લાને… ડાકુ છૂટી ગયો… પોલીસની વ્હીસલો....ખતરાની ઘંટી જોરથી વાગી ઊઠે છે. મોહનરામનું ખડખડાટ ભયાનક હાસ્ય... આવી જાઓ સામે… છે કોઈ માઈનો લાલ ?… બલવંતસિંહ હાંફળો—ફાંફળો છે. પણ અંદર એકલો જતાં ડરે. સુંદર ને બે પોલીસો અંદરથી બહાર ગભરાટમાં, ડરેલા દોડતા આવે.] સુંદર : સાહેબ... સાહેબ, ગજબ થઈ ગયો. મોહનરામ તોફાને ચડ્યો છે. બરાક બહાર નીકળી ગયો છે. સાહેબ… દેવપ્રકાશ : [દોડતો આવે.] બલવંતસિંહ, સાહેબ હમણાં તાલુકા કોર્ટે ગયા છે. તમે જલદી એમની પાછળ જાઓ, બોલાવી લાવો. [બલવંતસિંહ મુખ્ય દરવાજેથી બહાર જાય. દેવપ્રકાશ અને પોલીસો અંદર જાય. સુંદર એમની સાથે જવાનો દેખાવ કરી, પાછળ રહી જાય. ખૂબ ડરેલો છે અને લાલદાસના ટેબલ નીચે ભરાઈ જાય છે. બન્ને રિવૉલ્વિંગ સ્ટેજ ફરે. તખ્તો ખાલી છે. પથ્થરની દીવાલોની અર્ધ અંધકારભરી ખાલી બૅરેક, પ્રેક્ષકોની ડાબી તરફથી મોહનરામ ધસી આવે છે. ભયંકર છે એનો દીદાર. ચહેરા પર ખુન્નસ અને લોહી. એક પોલીસને ગળચી પકડી પોતાની આડે ઢાલની જેમ ધરી રાખ્યો છે. એક વિકરાળ ત્રાડ પાડી એ જમણી બાજુ એક લાકડાની પાટ છે તેની પર ચડી જાય છે. એની પાછળ જ બે—ત્રણ પોલીસ રાઈફલ તાકતા ધસી આવે છે. દેવપ્રકાશ દોડતો આવે છે. બીજા બે પોલીસો દોડતા મોહનરામની પાછળના બીજા પ્રવેશદ્વારેથી દોડતા આવે છે. સ્ટેજ લેવલથી છેક ડાબી બાજુના ખૂણેથી એક બત્તી મોહનરામ પર છે. આથી દીવાલો પર લંબાતા ઓળાઓ આખા દૃશ્યને ત્રીજું પરિણામ બક્ષે છે. તેજછાયાની પરિપાટી પર આખું દૃશ્ય ભયાવહ ઊપસી આવે છે.] મોહનરામ : તમારામાંથી એક પણ જણ એક ડગલું આગળ ભરશે કે એક ઝટકામાં આ મુરઘીની ડોક મરડી નાંખીશ. [સપડાયેલો પોલીસ ત્રસ્ત બની ચીસ પાડી ઊઠે છે.] દેવપ્રકાશ : મોહનરામ ! આ શું તોફાન માંડ્યું છે ? છોડી દે એને. મોહનરામ : અબ્બે જા, એમ મફતમાં છોડી દેવા નથી પકડ્યો સમજ્યો ? તારા જેવા બહુ જોયા. દેવપ્રકાશ : મોહનરામ હજુ કહું છું. આનું પરિણામ સારું નહીં આવે. છોડી દે એને. [મોહનરામ ખડખડાટ હસી પડે છે. પોલીસને વધુ ભીંસે. એ ચીસ પાડતો તરફડી ઊઠે છે.] મોહનરામ : ફાંસી તો થવાની જ છે. એક આ ડોક મરડી નાંખું એટલે બે વાર ફાંસી નહીં થાય સમજ્યો ! દેવપ્રકાશ : પણ આણે તારું શું બગાડ્યું છે ? છોડી દે એને મોહનરામ અને સીધેસીધો બરાકમાં જા. મોહનરામ : પહેલાં તારા હરામખોર ચમચાઓને પૂછ, શું થયું છે ? લાલદાસ : સુવ્વર... તારી જાતના... [લાલદાસ આંધળા રોષમાં ધસી આવે છે. પાછળ બલવંતસિંહ છે.] દેવપ્રકાશ : યુ શટ અપ. મોહનરામ : અરે વાહ બહાદુર જવાન, લાલદાસને શટ અપ કહેનારો એક માત્ર તને જોયો. [લાલદાસ મોહનરામની પાછળ સરકી જવાની કોશિશ કરે છે. મોહનરામ ચેતી જઈ ત્રાડ પાડે છે.] મોહનરામ : લાલદાસ, ખબરદાર ચાલાકી કરી છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ જીવ લેતાં મને વાર નહીં લાગે. લાલદાસ : મારી જેલમાં તોફાન ! ? મોહનરામ, યાદ રાખજે તને લોહીને આંસુએ રડાવીશ. દેવપ્રકાશ : સર, પ્લીઝ, લેટમી હેન્ડલ ધીસ. [મોહનરામ ખડખડાટ હસે છે. એનું હાસ્ય ચાબુકની જેમ વીંઝાયું હોય એમ લાલદાસ સમસમી જાય છે. હવે પછીના સંવાદો સામસામા ઝડપથી શટરકોકની જેમ ફેંકાતા જાય અને વાતાવરણ તંગ બનતું જાય.] દેવપ્રકાશ : મોહનરામ, મારી સાથે વાત કર, હું તારી વાત સાંભળવા તૈયાર છું. આ બિચારાને છોડી દે. તું તો સિંહ છે ને ! સિંહ મરેલાનો શિકાર નથી કરતો. મોહનરામ : હાં અબ કુછ બાત બની. આને છોડી દઉં, એક શરતે. દેવપ્રકાશ : બોલ. લાલદાસ : યુ ફૂલ, એક ડાકુ સાથે વાત કરે છે ? જોઈ શું રહ્યા છો બધાં ? તૂટી પડો આ સાલ્લા સુવ્વર પર. ખતમ કરો. [પોલીસની ચીસ... મને બચાવો... બચાવો દયા કરો. દેવપ્રકાશ હાથ પહોળા કરી મોહનરામની આડે ઊભો રહી જાય છે.] દેવપ્રકાશ : ખબરદાર. કોઈએ હાથ ઉપાડ્યો છે. એક નિર્દોષ માણસનો જીવ એના હાથમાં છે. લાલદાસ : દેવપ્રકાશ, મારી સામે થાઓ છો ? દેવપ્રકાશ : વીલ યુ કીપ ક્વાયેટ ! સૉરી સર. બોલ મોહનરામ, તારી શું શરત છે ? મોહનરામ : મારી કોટડી બદલી નાંખ. લાલદાસ : મોહનરામ, મારી જેલમાં મારી સામે દાદાગીરી ? દેવપ્રકાશ : સર, એની સાથે હું વાત કરું છું, પ્લીઝ. બોલ, શું કહેવું છે તારે. મોહનરામ : મારી કોટડીમાં સંડાસની બાલદી ભરેલી પડી રહે છે. આખી કોટડી મળમૂત્રથી ભરેલી છે; વંદા, મચ્છર, માંકડ. જીવતું દોજખ છે. મારી કોટડી બદલ અને આ ગદ્ધા વૉર્ડરોને કાબૂમાં રાખ. દેવપ્રકાશ : એટલે ? મોહનરામ : સાલ્લાં ભૂંડ. રોટલી પર થૂંકીને મારી પર ઘા કરે છે. સુંદરે કાલે મરેલો ઉંદર ફેંક્યો હતો. દેવપ્રકાશ : તારી બન્ને શરત પૂરી કરવાનું કબૂલું છું. આને છોડી દે. લાલદાસ : દેવપ્રકાશ ! દેવપ્રકાશ : સર, મોહનરામની વાત વ્યાજબી છે. મોહનરામ : બાપના બોલથી શરત પાળીશ ? દેવપ્રકાશ : બાપના બોલથી. મોહનરામ : તેરી બાતકુ માનતા હૈ. આ... લે... [અચાનક પકડી રાખેલા પોલીસને પોલીસોના ટોળા પર ફેંકે છે. એ જ તકની રાહ જોતો લાલદાસ મોહનરામ પર ધસી જાય છે. પોલીસો એની પર તૂટી પડે છે. દેવપ્રકાશ વચ્ચે પડવા જાય છે. લાલદાસ ધક્કો મારે છે. મોહનરામ સામે થવા જાય છે, પણ પોલીસોથી ઘેરાઈ જાય છે. એની ત્રાડ, લાલદાસની ગાળો, પોલીસોનો માર... અંતે મોહનરામને ઢસડીને અંદર લઈ જાય છે, પોલીસો અને બલવંતસિંહ જાય છે.] લાલદાસ : લઈ જાઓ સાલ્લા ખડૂસને. એ જ કાળકોટડીમાં એ જ જીવતા દોજખમાં ફેંકી દો નરાધમને મળમૂત્રની ગટરમાં. મારી જેલમાં તોફાન, દાદાગીરી ! હું… હું, સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ ભલભલા ગુનેગારોને મેં સીધા દોર કરી નાંખ્યા છે. દેવપ્રકાશ : સર... સર... આ તમે ખોટું કરો છો. આપણે એને વચન આપ્યું હતું કે... લાલદાસ : [ધગધગતા અવાજથી] તમે દેવપ્રકાશ, મેં નહીં. આઇ વીલ નેવર ફરગીવ યુ. આખા સ્ટાફની દેખતાં તમે મારી સામે થઈ ગયા ! હાઉ ડેરયુ ? દેવપ્રકાશ : આઈ એમ સોરી સર. પણ એક નિર્દોષ માણસનો જીવ એના હાથમાં હતો. લાલદાસ : મરી જાત તો સાલ્લો એક ઓછો થાત. આઈ વીલ રિપોર્ટ ધીસ મેટર ટુ ધ ઑથૉરિટી, યુ વીલ પે ફોર ધીસ. દેવપ્રકાશ, મોહનરામના આખા વૉર્ડને ત્રણ દિવસ ખાવાનું આપવાનું નથી. દેવપ્રકાશ : અરે સર એ... લાલદાસ : અને કોઈની પણ કોટડી ત્રણ દિવસ સાફ કરવાની નથી. બાકીનું અઠવાડિયું રેશન અડધું. દેવપ્રકાશ : પણ સર, મોહનરામના ગુના માટે બીજાને શું કામ સજા કરો છો ? પાડાને વાંકે પખાલીને ડામ ? લાલદાસ : તમે જાણો છો મને દલીલો ગમતી નથી, પણ આ મારી દુનિયા છે. આ લોકોનો ભગવાન પણ હું, યમદૂત પણ હું.

[પ્રકાશ વિલીન રિવૉલ્વિંગ સ્ટેજ અંધકારમાં ફરી જાય. ફરી પ્રકાશ. જેલની ઑફિસનું દૃશ્ય લાલદાસના ટેબલ નીચે સુંદર સંતાઈને બેઠો છે. બલવંતસિંહ પ્રવેશે છે અને એની જગ્યાએ 	બેસે છે. એને જોઈ સુંદર તરત બહાર નીકળી કામ કરતો હોય એમ સાફસૂફી કરવા લાગે છે. લાલદાસ પ્રવેશે એની પાછળ દેવપ્રકાશ છે. દેવપ્રકાશ એના ટેબલ પાસે જાય,  ખુરશીમાં બેસે. બન્ને ચૂપ છે પણ બન્નેની અવારનવાર મળતી નજરમાંથી તણખા ખર્યા કરે. દેવપ્રકાશ અધીરાઈથી ઘડિયાળ અને મુખ્ય દરવાજો જોયા કરે.]

લાલદાસ : બલવંતસિંહ, આજે તાલુકા કોર્ટમાં વિષ્ણુ ખૂન કેસનું હિયરિંગ છે ત્યાં હવે તમારે જવું પડશે. આઈ વોન્ટ ટુ રીમેન હિયર. બલવંતસિંહ : [યસ સર, કહી મુખ્ય દરવાજેથી બહાર જાય. લાલદાસ એની ખુરશીમાં બેસી ફાઇલ ખોલવા જાય ત્યાં બલવંતસિંહ ખૂબ ગભરાયેલો, દોડતો મુખ્ય દરવાજેથી ફરી પાછો આવે છે.] બલવંતસિંહ : સર... સર... પેલો... લાલદાસ : અરે બલવંતસિંહ તમે ? શું વાત છે ? બલવંતસિંહ : સર... સર... પેલો રાજન હતો ને ! લાલદાસ : કોણ રાજન ? શું છે આ બધું ? તમે કોર્ટમાં જાઓ. બલવંતસિંહ : સર પેલો રાજન રિપોર્ટર આવે છે. એની સાથે બીજું કોઈ પણ છે. લાલદાસ : બલવંતસિંહ, એક રિપોર્ટરથી આટલા ગભરાઈ ગયા ? ને પાછા આવ્યા ? હું એને ભગાડી મૂકીશ. એક મગતરાથી ડરવાનું શું ? નોનસૅન્સ. બલવંતસિંહ : ઓહ સર… તમને ખબર નથી. એની પાસે જેલમાં દાખલ થવાનો હાઈકોર્ટની સ્પેશ્યલ પરમિશનનો પાસ છે. લાલદાસ : [એકદમ ચમકી પડે] વ્હોટ ? બલવંતસિંહ : હા હા. સર, મેં જાતે મારી આંખે જોયો છે. અને એટલે જ તો તમને કહેવા દોડ્યો... [રાજન અને મહેશ ખૈતાન—વકીલ—પ્રવેશે છે. મહેશ ઊંચો, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ધગશવાળો યુવાન છે. દેવપ્રકાશ પોતાનું ધ્યાન નથી એમ વર્તન કરે.] રાજન : ગૂડ આફટરનૂન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, હિયર વી મીટ અગેઇન પૃથ્વી કેવી ગોળ છે નહીં ! હાં.. હાં.. બધું જાણું છું કે તમે મને અંદર નહીં જવા દો. કેદીઓની મુલાકાત લેવાની પત્રકારોને રજા મળતી નથી. લાલદાસ : તો પછી શું કામ આવ્યા ? ગેટ આઉટ, મને મારું કામ કરવા દો. રાજન : હું જાણું છું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, તમે કેટલા ચુસ્ત અને કર્તવ્યનિષ્ઠ છો. તમે કોઈ કામ ગેરકાયદેસર કરવામાં માનતા નથી. એટલે જ યુ. સી. હું બધી કાયદેસર વ્યવસ્થા કરીને જ આવ્યો છું. લાલદાસ : એટલે ? રાજન : કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મિ. બરૂઆએ કુંદનપુર જેલમાં દાખલ થવાનો સ્પેશ્યલ પરમિશન ઑર્ડર આપ્યો છે. બલવંતસિંહ : જોયું, હું કહેતો હતો ને સર, કે એની પાસે પરમિશન... લાલદાસ : તમે ચૂપ રહો. [રાજન સુપ્રિન્ટેન્ડન્ટને કાગળ આપે છે. તરત સુપ્રિન્ટેન્ડન્ટ ચિડાઈને ફાડી નાંખે છે.] રાજન : એ ઝેરોક્ષ કોપી હતી. ઑરિજિનલ મારી પાસે છે. હાં, તો હું કહેતો હતો કે... લાલદાસ : અચાનક કલકત્તા હાઈકોર્ટ ચીફ જસ્ટિસને કુંદનપુર જેલમાં કેમ રસ પડી ગયો ? રાજન : એ બધું આમને લીધે. ઓહ માય ગૉડ ! મારા મિત્રની ઓળખાણ આપવાની તો ભૂલી ગયો. સોરી, આ મારા મિત્ર છે. વકીલ છે. મિ. મહેશ ખૈતાન. લાલદાસ : વકીલ ? રાજન : એમ.પી. પણ છે. કહેવું પડે. બહુ બાહોશ અને ધગશવાળા છે. મળવા જેવી વ્યક્તિ છે. લાલદાસ : પણ મારા પ્રશ્નનો જવાબ તમે ન આપ્યો. ચીફ જસ્ટિસને કુંદનપુર જેલમાં શું કામ રસ પડ્યો ? આ પાસ તમે કઈ રીતે મેળવ્યો ? મહેશ : એનો જવાબ હું આપી શકીશ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ. લાલદાસ : તમે ? મહેશ : ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં એક અજોડ અને વિરલ ઘટના બની છે. લાલદાસ : [દબાયેલો રોષ હવે ઊછળી આવે છે.] મને ન્યાયતંત્રની કોઈ વિરલ ઘટનામાં રસ નથી અન્ડરસ્ટેન્ડ ! ચીફ જસ્ટિસને આ જેલમાં... મહેશ : ...આ જેલમાં ચાલતો ભ્રષ્ટાચાર, કેદીઓ પરના જુલમ, એ બધી વિગતો સાથે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને એક પત્ર લખવામાં આવ્યો હતો. લાલદાસ : [રાજનને] અને એ પત્ર લખવાની હિંમત તમે કરી હતી કેમ ? રાજન : [અત્યાર સુધી કોઈનું ધ્યાન ન જાય એમ એક તરફ ચૂપચાપ ઊભા રહેલા દેવપ્રકાશને રાજન ઝડપથી આગળ ખેંચી લાવે છે.] રાજન : એ પત્ર લખવાની હિંમત દેવપ્રકાશે કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ. લાલદાસ : [ઝનૂનથી દેવપ્રકાશ તરફ ધસી જાય છે.] દેવપ્રકાશ તમે ? તમે મારા વિરુદ્ધ પત્ર લખ્યો હતો ? દેવપ્રકાશ : હા. એ પત્ર મેં લખ્યો છે. લાલદાસ : એનું પરિણામ જાણો છો દેવપ્રકાશ ? મહેશ : પણ તમે એનું પરિણામ જાણો છો મિ. લાલદાસ ? ચીફ જસ્ટિસે અપીલ ગણીને ઍડમિટ કરી છે. લાલદાસ : વ્હોટ નૉનસૅન્સ ! એક વ્યક્તિ એક અમથો એવો પત્ર લખે ને ચીફ જસ્ટિસ અપીલ ગણે... મહેશ : એટલે જ મેં તમને પહેલાં કહ્યું ને મિ. લાલદાસ, કે ભારતીય ન્યાયતંત્રની આ અજોડ ઘટના છે ! તમારા સડેલા વહીવટતંત્રના અને કેદીઓની અવદશાના સઘળા કિસ્સા વાંચીને ચીફ જસ્ટિસ એટલા અસ્વસ્થ થઈ ગયા કે જેલની પરિસ્થિતિનો વિગતવાર રિપોર્ટ એમને સબમીટ કરવા કોર્ટના અધિકારી તરીકે રાજનની અને મારી નિમણૂક એમણે કરી છે. દેવપ્રકાશ : કેદીઓ અને પોલીસોની મુલાકાતની સાથે રાજન, ફોટોગ્રાફ્સ ભૂલતા નહીં. રાજન : [કૅમેરા, ટેપરેકર્ડર થેલામાંથી કાઢીને બતાવે.] બધી તૈયારી કરી છે, મિ. ખૈતાન. સૌથી પહેલાં દિવસરાત ગૃદ્ધામજૂરી કરતાં, પગમાં બેડીવાળાં પેલાં નાનાં નિર્દોષ ભૂલકાઓના ફોટા લેવાના છે, અને આઠ નંબરના વૉર્ડની પાછળ ઢોરનાં ધણની જેમ પૂરેલા પાગલ કેદીઓ.... લાલદાસ : તમને આ બધી ક્યાંથી ખબર ? રાજન : મને ક્યાંથી ખબર ? કમાલ છે. આ બંદા અંદર હતા એટલે. ત્રણ દિવસ, અલબત્ત કેદી તરીકે સાહેબ. લાલદાસ : બલવંતસિંહ, આ.. આ શું બકે છે એ ? રાજન : તમે એને નાહકના વઢો છો સાહેબ. એમનો કોઈ વાંક નથી. હું જ્યારે દારૂ પીને ધાંધલ કરવા માટે પકડાઈને અંદર આવ્યો ત્યારે તમે પેલા દાણચોરીના રાજા ઉસ્તાદની ખાસ મહેમાનગતિ કરવામાં એવા પડી ગયા હતા કે ખબર જ ન પડી કે હું અંદર ઘૂસી આવ્યો હતો. અરે અપુન ભી, ઉસ્તાદકી ચાકરી કિયા હૈ, અહાહા… ક્યા ઉસકા સેલ થા. જૈસા હોટલકા રૂમ. મહેશ : અચ્છા તો રાજન, અંદર જઈશું ? દેવપ્રકાશ તમે પણ અમારી સાથે ચાલો. દેવપ્રકાશ : [સુપ્રિન્ટેન્ડન્ટ સામે જોતાં જોતાં] યસ, ચાલો. [ત્રણેય અંદર જાય છે. સુપ્રિન્ટેન્ડન્ટ રોષથી ચીસ પાડતો કચરાની ટોપલીને લાત મારે છે.] લાલદાસ : દેવપ્રકાશ, હવે તને હું જોઈ લઈશ. આ લાલદાસ જિંદગીમાં કદી હાર્યો નથી અને હારશે પણ નહીં. આ આખરી યુદ્ધ પણ લાલદાસ જ જીતશે. બલવંતસિંહ : [જિંદગીમાં કદાચ પહેલી જ વાર ડરી ગયો છે.] ઠાકુરસાહેબે આની બદલી જલદી કરાવી આપી હોત તો આપણે બચી જાત. લાલદાસ : એમ પોચકાં ન મૂકો બલવંતસિંહ. બલવંતસિંહ : હવે, હવે આપણે પૂરા સપડાયા સર. મને તો છટકવાનો કોઈ રસ્તો દેખાતો નથી. એમની પાસે સાક્ષી છે. બાકી હશે તે હવે બધું મેળવી લેશે. ઓહ ગૉડ ! લાલદાસ : દેવપ્રકાશના ઘરમાંથી કંઈ મળ્યું ? કાગળો... ફાઇલ... બલવંતસિંહ : ના સર, એક ચબરખી સુધ્ધાં નહીં. આ વકીલિયાને જો આપી દીધું હશે અને એણે જો કલકત્તા પહોંચાડી દીધું હશે... તો સર વગર મોતે મરી ગયા. લાલદાસ : બલવંતસિંહ એમ પોક ન મૂકો. દૂઝણી ગાયનું દૂધ પીવું છે તો લાત ખાવાની તૈયારી રાખવી પડે. પણ જો એક ઝાટકે ગાયને જ ખતમ કરી નાંખી હોય તો… બલવંતસિંહ, અહીં ગામમાં દેવપ્રકાશના કોઈ મિત્રો ? બલવંતસિંહ : બાબરા ભૂતની જેમ એકલો રહે છે. ધનિયો ડાકુ અહીંથી છૂટી એને ત્યાં કામ કરતો હતો. દેવપ્રકાશની બૈરીએ એને કાઢ્યો. એ ધનિયો રાજીન્દરને ત્યાં આવતો, એમ જગન્નાથ કહેતો હતો. લાલદાસ : વ્હોટ ! રાજીન્દરને ત્યાં ? બલવંતસિંહ : હા, રાજીન્દરની બૈરી પેલી વેશ્યા કમલા અને આ ડાકુ ધનિયો. આ નપાવટ લોકના શંભુમેળામાં કંઈ દમ નહીં. [લાલદાસ પોતાની ગણતરી કરવા લાગે છે. અચાનક નિર્ણય લઈ લીધાની મક્કમતા ચહેરા પર છે. બલવંતસિંહને નજીક બોલાવી ધીમેથી વાત કરે. બલવંતસિંહની ડરની મારી આંખો ફાટી જાય છે.] લાલદાસ : બલવંતસિંહ, બોલો છે હિંમત ? બલવંતસિંહ : ના... ના... સર. આ તો ભયંકર... લાલદાસ : આમ પણ તમે સપડાયેલા જ છો બલવંતસિંહ બધાં કરતૂતો તમારા હાથે થયાં છે. બલવંતસિંહ : પણ સર તમે… તમે બધું જાણતા હતા. તમારા કહેવાથી જ તો... લાલદાસ : પણ પુરાવા તમારી વિરુદ્ધમાં છે બલવંતસિંહ ! થઈ જાઓ તૈયાર. બલવંતસિંહ : ઑલરાઇટ. હું… હું તૈયાર છું. [તરત પ્રકાશ વિલીન, માત્ર સમય પસાર થયો છે એ દર્શાવવા પૂરતો થોડી ક્ષણ માટે. અંધકારમાં લાલદાસ પોતાની ઑફિસમાં અંદર ચાલ્યો જાય અને બલવંતસિંહ પોતાની જગ્યા પર બેસતાં જ તરત ફરી તેના પર આછો પ્રકાશ. રાતનો સમય. બલવંતસિંહ અધીરાઈથી ઘડિયાળ જુએ. ઊઠી જાય. ફરી બેસે. ફાઈલ ખોલે. ફરી બંધ કરી દે. એ થોડો ઢીલો થઈ ગયો છે. લાલદાસ બહાર આવે છે. ધીમે ધીમે બલવંતસિંહ ફરી એના અસ્સલ મિજાજમાં આવતો જશે.] લાલદાસ : બલવંતસિંહ, તૈયારી થઈ ગઈ ? બલવંતસિંહ : હા જી સર. લાલદાસ : પેલા અંદર ઘૂસેલા હરામખોરો ગયા ? બલવંતસિંહ : હા જી સર. ખાસ્સું અંદર ગોંધાઈ રહ્યા હતા. પેલો નખ્ખોદિયો રાજન ફટાફટ ફોટા પાડતો હતો. એની તો... લાલદાસ : મતલબ કે મેદાન સાફ છે. બલવંતસિંહ : યસ સર. રાજનનો બૉસ છે ને, ‘ઇન્ડિયન ટાઇમ્સ'નો માલિક એ કાચોપાકો નથી, સર. પાટનગરની પટરાણી સામેય શિંગડાં ભરાવે એવો ધરખમ છે. લાલદાસ : બલવંતસિંહ, માણસ ધરખમ નથી, સત્તા ધરખમ છે. સુંદર નાયક, હવાલદાર બધાં તૈયાર છે ને ! બલવંતસિંહ : એ તો મારી ચાવી દીધેલાં રમકડાં છે. કોઈ ચૂં કે ચાં નહીં કરે, સર. લાલદાસ : ગૂડ. જોઈતી વસ્તુઓ આવી ગઈ ? બલવંતસિંહ : યસ સર. લાલદાસ : વસ્તુઓ ખરીદવા આપણો માણસ તો ગયો નથીને ! બલવંતસિંહ : ના જી. તમારી સૂચના મુજબ પૂરી કાળજી રાખી હતી બિહારીનો ભાઈ ગયો હતો. સુંદર : [અંદરથી હાંફળોફાંફળો આવે છે.] સાહેબ… સાહેબ… 40 નંબરની સ્થિતિ સારી નથી. લાલદાસ : કાલે એને હૉસ્પિટલમાં ઍડમીટ કરીશું. અત્યારે સમય નથી. એનાં મેડિકલ પેપર્સ મળ્યાં ? બલવંતસિંહ : બધે શોધી વળ્યો. ક્યાંય નથી. લાલદાસ : દેવપ્રકાશ, હવે બધો હિસાબ સાથે જ ચૂકવજે. સુંદર મોહનરામને ઉઠાડ અને બૅરેક બહાર કાઢ. એને કહે એને ઘરેથી તાકીદનો સંદેશો આવ્યો છે. એની દીકરી બીમાર છે. [લાલદાસ પ્રેક્ષકોની સામે ઊભો રહી ખડખડાટ હસે.] હવે ઑપરેશન ગંગાજળ શરૂ. [બલવંતસિંહ ઍસિડની બાટલી અને સોયો ટેબલ પરથી લે. સુંદર અને બલવંતસિંહ અંદર જાય અને બલવંતસિંહની ઑફિસના ભાગનું એક જ રિવૉલ્વિંગ સ્ટેજ ફરે. અંધકાર. તરત પ્રકાશ. નીચેના લેવલથી એક જ બત્તી. જેલના મુખ્ય દરવાજા પર આછા અંધકાર—પ્રકાશમાં દૃશ્ય કમકમાટીભરી રીતે ઊપસી આવે. તખ્તો ખાલી છે. તરત જ સુંદર મોહનરામ સાથે વાતો કરતો બહાર આવે.] સુંદર : હમણાં જ તાર આવ્યો. તારી દીકરી બહુ માંદી છે. [મોહનરામ ચિંતાગ્રસ્ત બેધ્યાન છે ત્યારે અચાનક સંતાઈ રહેલા બે પોલીસો પાછળથી મોહનરામને પકડી નીચે નાંખી દે. સુંદર, પોલીસો એને મોં પર રૂમાલ બાંધે. જકડી રાખે. તરત મોહનરામની ગાળો અને ચીસો. બલવંતસિંહ આવે. મોહનરામનાં શરીર પર પગ પહોળા કરી ઊભો રહે, પછી બેસી જાય. બલવંતસિંહ સોયો ઊંચો કરી ધરી રાખે છે.] બલવંતસિંહ : મોહનરામ, તેં જિંદગીમાં ક્યારેય ભગવાન યાદ નહીં કર્યા હોય. આજે કરી લે. આજે તારા સો કૌરવની ટોળીમાંથી એક પણ તને બચાવવા નહીં આવે. તારી આંખ હંમેશ માટે આજે ખતમ. [બલવંતસિંહ જોરથી સોયો ખોસવા હાથ ઊંચો કરે, અને બૂમ પાડે — સુંદર ઍસિડ ડાલો. એ સાથે જ અંધકાર. મોહનરામની ગૂંગળામણવાળી તીણી ચીસ. રિવૉલ્વિંગ સ્ટેજ ફરી જાય. ફરી જેલનું દૃશ્ય. તરત પ્રકાશ. લાલદાસ એના ટેબલ પાસે ઊભો છે. હાથમાં લોહિયાળ સોયો અને બાટલી લઈ બલવંતસિંહ પ્રવેશે છે. એની સામે જોયા વિના તીખી ધારવાળા અવાજે.] લાલદાસ : બલવંતસિંહ, લાઇટ આઉટ થઈ ગઈ ? બલવંતસિંહ : યસ સર. લાલદાસ : ગંગાજલ ડાલ દિયા ? બલવંતસિંહ : યસ સર. [લાલદાસ હવે બલવંતસિંહ તરફ ફરે છે. બન્ને સામસામે ક્ષણભર જોઈ રહે છે.] લાલદાસ : બલવંતસિંહ, હવે ઑપરેશન નંબર ટુ શરૂ. રાજીન્દર અને ધનુ ? બલવંતસિંહ : બ...ધું કામ તમામ થઈ ગયું છે. [બલવંતસિંહ જેલ એલાર્મની સ્વિચ ચાલુ કરે. તીણી ઘંટડી વાગી ઊઠે છે. એ ફોન કરે છે. ફોનમાં વાત કરતાં સોયાને જોયા કરે.] બલવંતસિંહ : હલ્લો... હલ્લો મિ. દેવપ્રકાશ ? ઓહ થૅન્ક ગૉડ તમે મળી ગયા. સર... સર તમે જલદી અહીં આવો.. હાં હાં... જેલ પર... મોહનરામ તોફાને ચડ્યો છે… ના ના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ઘરે નથી... પ્લીઝ… મામલો એકદમ જોખમી છે.... જલદી. [ફોન મૂકે છે. એલાર્મની સ્વિચ બંધ કરે છે. બલવંતસિંહ ખડખડાટ હસે છે.] લાલદાસ : બલવંતસિંહ, તમારી ફિંગરપ્રિન્ટ્સ. [બલવંતસિંહ કાળજીથી સોયાનો પાછલો ભાગ લૂછે છે, અને ટેબલ પર નજર પડે તેમ મૂકે છે. સુંદર ફાટેલી આંખે દોડતો આવે છે.] સુંદર : હૂજુર... હૂજુર... ગજબ થઈ ગયો. લાલદાસ : શું છે ? સુંદર : અરે... સાહેબ..… બલવંતસિંહ : ભસી મર સુંદરિયા. સુંદર : સાહેબ 40 નંબર ! આપઘાત કર્યો સાહેબ. બલવંતસિંહ : ઓ ગૉડ ! લાલદાસ : તમે જલદી અંદર જાઓ. [બલવંતસિંહ અને સુંદર ઝડપથી અંદર જાય. લાલદાસ ફોન કરે. અધીરાઈથી ઘડિયાળ સામે જુએ છે. નંબર લાગતો નથી – ડેમ ઇટ. ચિડાઈને ફરી ફોન કરે છે.] લાલદાસ : હલ્લો હલ્લો મિ. ભુગ્તાન છે ?… હાં હાં ખૂબ અર્જન્ટ કામ છે. એમને બોલાવો પ્લીઝ… સૉરી ટુ ડીસ્ટર્બ યુ એટ ધીસ અવર... મારે આપનું અર્જન્ટ કામ છે. થોડી વારમાં હું આવું છું… પ્લીઝ યસ..… થેંક્યું. [બલવંતસિંહ અને સુંદર પ્રવેશે છે.] લાલદાસ : બલવંતસિંહ, 40 નંબરની લાશ છુપાવી ? બલવંતસિંહ : યસ સર, પાણીની ટાંકી પાછળ. લાલદાસ : સુંદર, યાદ છે ને શું કરવાનું ? સુંદર : બિલકુલ, સાહેબ. [બલવંતસિંહ ઝડપથી જેલમાં અંદર જાય. લાલદાસ એમની ઑફિસમાં અંદર જાય. સુંદર ટેબલ પાસે ટૂંટિયું વાળી સૂઈ જાય. ટોપી મોઢા પર ઢાંકી નસકોરાં બોલાવતો ઊંઘવાનો ડોળ કરે. એકદમ શાંતિ. દેવપ્રકાશ મુખ્ય દરવાજેથી ગભરાટમાં અધીરતાથી દોડી આવે છે. ઉતાવળમાં યુનિફૉર્મને બદલે પેન્ટ—બુશશર્ટ પહેરેલા છે. આવતાંવેંત નવાઈ પામી ચારેબાજુ જુએ છે. સુંદરને ઉઠાડે છે. ઊંઘમાંથી ઊઠતો હોય એમ બગાસાં ખાતો સુંદર ઊઠે છે.] સુંદર : સાહેબ, આટલી મોડી રાત્રે ? તમે ? કાં શું વાત છે ? દેવપ્રકાશ : મને બલવંતસિંહે ખાસ ફોન કરી બોલાવ્યો, કહે મોહનરામ તોફાને ચડ્યો છે... અને અહીં તો… સુંદર : કાંઈક ભૂલ થાતી હશે તમારી સાહેબ. એ ડાકુ તો એય ને ઊંઘે એની બરાકમાં. [દેવપ્રકાશ શંકાશીલ બને છે. સાવચેત બની ચારે તરફ જુએ છે. ટેબલ પાસે આવે છે. વિસ્મિત બની લોહીવાળો સોયો અને બાટલી ઊંચકે. બલવંતસિંહ અંદરથી આવે. લાલદાસ એની ઑફિસમાંથી બહાર આવે. દેવપ્રકાશની પાછળ ચાર પોલીસો ગોઠવાઈ જાય. આ બધું ચૂપચાપ ઝડપથી બને છે.] લાલદાસ : આ તમારા હાથમાં શું છે દેવપ્રકાશ ? દેવપ્રકાશ : હું.. હું. મને ખબર નથી. લાલદાસ : તો હું તમને કહું. આ બારદાન સીવવાનો સોયો છે. જેના વડે તમે મોહનરામની આંખો ફોડી અને એમાં ઍસિડ રેડી એને આંધળો કર્યો. આ સોયા પર મોહનરામનું લોહી છે અને એ સોયા પર ને બાટલી પર તમારાં આંગળાંની છાપ છે. દેવપ્રકાશ : [સોયો એના હાથમાંથી પડી જાય. બલવંતસિંહ રૂમાલથી ઊંચકી ટેબલ પર મૂકે છે.] મેં... મેં મોહનરામની આંખો ફોડી ? લાલદાસ : આ બધાં જ એના સાક્ષી છે.

દેવપ્રકાશ : [આક્રોશ કરી ઊઠે છે] 

નહીં.. આ જૂઠું છે... હળાહળ જૂઠું છે. હું તમારા લોકોનાં કરતૂતોની આડે આવતો હતો એટલે... લાલદાસ : સત્ય હંમેશાં હળાહળ ઝેર હોય છે. અને તમે તો સત્યના પૂજારી છો. દેવપ્રકાશ : ના. આ ખોટું છે લાલદાસ. આ તારી ચાલબાજી છે, કાવતરું છે. તારા માલિક ચંદ્રજીત ઠાકુર માટે તેં મોહનરામની આંખ ફોડી. પણ યાદ રાખ, કોર્ટમાં હું તારા એક એક જુલમ ઉઘાડા પાડીશ. લાલદાસ : કોર્ટમાં તો હું તને લઈ જઈશ. મારો વાળ પણ વાંકો નહીં થાય. બહુ બહુ તો અહીંથી મારી બદલી થઈ જશે, ને ! તો જ્યાં જઈશ ત્યાં મારું સામ્રાજ્ય ફરી ઊભું કરીશ અને બરતરફ કરશે તો મારી ત્રણ પેઢી ખાય એટલો દલ્લો મારી પાસે છે. મને તો દયા તારી આવે છે દેવપ્રકાશ, તારું શું થશે ? દેવપ્રકાશ : મને શું થવાનું હતું ? મેં… મેં કંઈ કર્યું નથી. હું નિર્દોષ છું. લાલદાસ : મારા જેટલા ગુના તેં પણ કર્યાં છે દેવપ્રકાશ. 40 નંબરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો એ પણ તારે લીધે. દેવપ્રકાશ : લા—લ—દા—સ. લાલદાસ : [પોતાની ઠંડી સ્વસ્થતાથી દેવપ્રકાશને એ ઉશ્કેરી રહ્યો છે.] બિચારા 40 નંબરની સ્થિતિ ગઈકાલથી ખરાબ થઈ ગઈ હતી. અર્જન્ટ હૉસ્પિટલમાં દાખલ કરવાનો હતો છતાં તમે બેદરકાર રહ્યા. એ બિચારો એટલો રિબાયો કે અંતે એણે ગળે ફાંસો ખાધો. દેવપ્રકાશ : લાલદાસ, એનાં મેડિકલ રિપોર્ટ્સ મારી પાસે છે અને એ..… લાલદાસ : એક્ઝેટલી. એ પેપર તેં મારી પાસે રજૂ જ નથી કર્યા. એને દબાવી દીધા. એ પેપર્સ પર મારી સહી ક્યાં છે ? દેવપ્રકાશ : બલવંતસિંહે 40 નંબર પર જુલમ કર્યો, એનું સ્ટેટમેન્ટ રાજન પાસે છે અને એની પર ખુદ 40 નંબરની સહી છે. લાલદાસ : એ તાવમાં બેભાન હતો ત્યારે એને ફોસલાવીને રાજને એની સહી લઈ લીધી. દેવપ્રકાશ : તું ગમે એટલી છટકવાની કોશિશ કરે તને નહીં ફાવવા દઉં લાલદાસ. મારી પાસે પુરાવા છે, નક્કર પુરાવા છે. તેં કરેલાં ખૂનો, કેદીઓ પર કરેલા જુલમ, અત્યાચાર, દવા, અનાજ, કપડાંના હિસાબની ગોલમાલ.. મારી પાસે બધાં પુરાવા છે.

[ફોનની ઘંટડી. બલવંતસિંહ ફોન લે છે]

બલવંતસિંહ : હલ્લો... હા... હા... અરેરે ! શું વાત છે ? ગજબ થઈ ગયો... બિચ્ચારો... લાલદાસ : શું થયું બલવંતસિંહ ? બલવંતસિંહ : બહુ ખોટું થયું છે સર. આપણો નાઇટ વૉચમૅન રાજીન્દર ખરોને ! એનું ઘર બળીને ખાખ થઈ ગયું. ઝૂંપડાને બળતાં વાર શી. હેં સર ! દેવપ્રકાશ : [ચીસ પાડી ઊઠે છે.] નો ! લાલદાસ : બિચ્ચારો એક તો ગરીબ માણસ, ને એમાં ઘર બળી ગયું. એ પોતે તો સલામત છે ને ? બલવંતસિંહ : ના સાહેબ, આખો બળીને લોચો થઈ ગયો છે. બચે કે નહીં ભગવાન જાણે. અરેરે બહુ ખોટું થયું. દેવપ્રકાશ : યુ રાસ્કલ. બલવંતસિંહ : મનેય એની પર તમારા જેટલી લાગણી હતી હોં સર. કહે છે ઘર બળતું હતું એમાં એ દોડી ગયો હતો.… મારા કાગળો... ફાઇલ... માથા કૂટતો હતો. સાહેબ, પેલો ડાકુ ધનુ ખરો ને ! એય બિચ્ચારો... દેવપ્રકાશ : ધનુ ? ધનુને શું થયું છે બોલ… જલદી બોલ. લાલદાસ : મને થાય છે દેવપ્રકાશ, રાજીન્દર જેવા ગરીબ ઝૂંપડાવાસીને વળી મહત્ત્વનાં કાગળો ને ફાઇલ કેવી ? હશે. જે થયું તે બહુ ખોટું થયું. દેવપ્રકાશ : ધનુને શું કર્યું છે તેં ? બોલ. નીચ, હલકટ. બલવંતસિંહ : અરેરે સાહેબ ! તમે ગાળો બોલો છો ? તમે ? દેવપ્રકાશ : [ચીસ પાડી ઊઠે છે] ધનુને શું કર્યું છે તેં ? બલવંતસિંહ : એ બાપડો રાજીન્દરને બચાવવા પાછળ દોડ્યો ને કે છે એના હાથ—મોં બધું બળી ગયું છે. જીવશે કે નહીં એ કોણ જાણે…… જીવશે તોય… અરેરે ! દેવપ્રકાશ : [ઉત્તરોઉત્તર વધતા નિષ્ફળ રોષ અને અસહાયતાથી એ પોતાને ઘેરાયેલો અનુભવે છે. આ ઠંડી ક્રૂરતા અને ઘાતકીપણાથી એ ઉશ્કેરાઈને ત્રાડ પાડતો લાલદાસ પર તૂટી પડે છે, એની ગળચી પકડમાં લઈ લે છે] અધમ... હત્યારા... લાલદાસ… લાલદાસ હું તને નહીં છોડું. બલવંતસિંહ : પકડો… પકડો એને જોઈ શું રહ્યા છો ?

[પોલીસો ઝનૂને ચડેલા દેવપ્રકાશને પકડી લઈ લાલદાસને છોડાવે છે. તરત લાલદાસ દેવપ્રકાશના કમ્મર પટ્ટામાંથી પિસ્તોલ ખેંચી લે છે. દેવપ્રકાશ ચીસો પાડતો પોલીસોના હાથમાંથી છૂટવાની કોશિશ કરે છે. લાલદાસ ઠંડકથી એને જોયા કરે છે, બલવંતસિંહને ઈશારતથી ફોન કરવાનું કહે છે.]

[બલવંતસિંહ ફોન જોડીને લાલદાસને આપે છે.] લાલદાસ : હલ્લો... હલ્લો કાલાબઝાર પોલીસ સ્ટેશન ?.. કોણ ઇન્સ્પેક્ટર... જગતાપ ? ...પ્રિઝન સુપ્રિન્ટેન્ડન્ટ લાલદાસ હિયર. લીસન. સરકારી કર્મચારી વી. બી. લાલદાસ પર પ્રાણઘાતક હુમલો કરવાના અને એમને ફરજ બજાવતા રોકવાના ગુના માટે મેં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશની ધરપકડ કરી છે. તમે જલદી આવો અને તમારા ગુનેગારનો કબજો લઈ લ્યો... હં. હં.. હા. ભલે. ઓકે. દેવપ્રકાશ : લાલદાસ, તારા જેવા કુત્તાને પિંજરામાં પૂરવા માટે બધું કાયદેસર કરવાની રાહ જોતો રહ્યો, અને તેં ! બધું જ ગેરકાયદેસર કરી એને કાયદાનો સિક્કો મારી દીધો. લાલદાસ, બલવંતસિંહ, તમે લોકો સિંહ નથી. ઝેરી નાગ નથી. માણસની યોનિમાં પણ નથી, પણ શયતાન છો. લાલદાસ : [દેવપ્રકાશને થપ્પડ મારે છે.] યુ બાસ્ટર્ડ, મોં સંભાળીને બોલ. આ જેલની બહાર તારો કહેવાતો સભ્ય સમાજ પણ એક વિશાળ ઘનઘોર જંગલ છે. અને જંગલનો કાયદો છે, હુમલો કરે તેનો શિકાર અને ખાય તેનું મારણ. જાઓ, ગરમ કરો સાલ્લાને. ટેઇક હિમ. [ચીસો પાડતાં, છૂટવા માટે કોશિશ કરતાં દેવપ્રકાશને પોલીસો અંદર લઈ જાય છે. બલવંતસિંહ જોડે અંદર જાય છે. લાલદાસ એના ટેબલની કિનારી પર સ્વસ્થતાથી બેઠો છે. થોડી ક્ષણનો પોઝ. બલવંતસિંહ પ્રવેશે છે.] બલવંતસિંહ : સર, એને તો ઇન્સ્પેક્ટર જગતાપ સંભાળી લેશે. પણ 40 નંબરની લાશનું શું કરવું ? લાલદાસ : મેં વાત કરી લીધી છે. મારે તરત નીકળી જવું પડશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન્સ મિ. ભુગ્તાન પાસેથી લાશનો પોસ્ટમૉર્ટમ ઑર્ડર મેળવી લેવો પડશે. એ દરમિયાન આપણા ડૉક્ટર પાસેથી તમે નેચરલ ડેથનું સર્ટિફિકેટ મેળવી લ્યો. બે જ કલાકમાં બધું પતાવી નાંખવું પડશે. સગાંઓને પત્તો નથી કહી તરત લાશનો નિકાલ થઈ જવો જોઈએ. બલવંતસિંહ : થઈ જશે, સર. આપણે કરતાર અને હરબંસના કેસમાં... લાલદાસ : શટ અપ. મડદાંને બેઠાં કરવાની તમારી ટેવ આપણને ક્યારેક ભારે પડશે બલવંતસિંહ. બલવંતસિંહ : સૉરી સર, અને મોહનરામ ! લાલદાસ : એનો જવાબ મારે કે તમારે નથી આપવાનો... દેવપ્રકાશે આપવાનો છે. [રાજન મુખ્ય દરવાજેથી પ્રવેશે છે. એને અચાનક આવેલો જોતાં બલવંતસિંહ અને લાલદાસ ચમકી જાય છે.] રાજન : હિયર વી મીટ અગેઇન. મેં તમને શું કહ્યું હતું. મિ. લાલદાસ, કે દુનિયા ગોળ છે ! હાં હાં તમારી ગ્રેટ સિક્યોરિટી પોલીસનો કશો વાંક નથી. હાઈકોર્ટનો સ્પેશ્યલ પરમિશન પાસ જોતાં જ… લાલદાસ : પણ અત્યારે રાત્રે શું છે ? રાજન : મને પણ એ જ નવાઈ લાગે છે મિ. લાલદાસ. આજે નાઈટ ડ્યૂટી પર તમે બધાં જ જેલમાં હાજર છો એટલે કઈ ઇમર્જન્સી છે કે કોઈ મોટા મહેમાન આવવાના છે ? લાલદાસ : તમે શું કામ આવ્યા છો ? રાજન : સાચું પૂછો તો મને પણ અહીં આવવાની બિલકુલ ઇચ્છા નહોતી મિ. લાલદાસ. પણ શું કરું ? લાલદાસ : હવે શું કામ છે એ જલદી ભસી મરો ને. રાજન : ભઈ સૉરી, તમારી ભાષામાં વાત કરતા નથી આવડતું. લાલદાસ : યુ બાસ્ટાર્ડ. રાજન : હું દેવપ્રકાશ ગર્ગને ત્યાં ગયો હતો, પણ એ ઘરે નહોતા. આખું ઘર ફેંદાયેલું હતું એટલે અહીં દોડી આવ્યો. એમને મળી શકું છું ? [લાલદાસ બલવંતસિંહને ઇશારો કરે છે. એ અંદર જાય બારણું ખોલે છે. દેવપ્રકાશ એક ધક્કા સાથે મરણતોલ હાલતમાં સ્ટેજ પર ગબડી પડે છે. રાજન સ્તબ્ધ બની જાય છે.] લાલદાસ : મિ. રાજન, મળી લો તમારા દેવપ્રકાશ ગર્ગને. રાજન : ઓ માય ગૉડ ! એને શું કર્યું છે તેં ? બોલ... એને...શું કર્યું છે તેં ? લાલદાસ, યુ વીલ હેવ ટુ પે ફોર ધીસ. તને નહીં છોડું. લાલદાસ : મોસ્ટ વેલ કમ. બિચારો દેવપ્રકાશ કાયદાનો માણસ. મારી પર, એક સરકારી કર્મચારી પર હુમલો કર્યો, ડાકુને આંધળો કર્યો, 40 નંબર પર એટલો જુલમ કર્યો કે એણે આપઘાત કર્યો. લિસ્ટ લાંબું છે. રાજન : જૂઠું છે, આ સરાસર જૂઠું છે. લાલદાસ : મારી પાસે સાક્ષીઓ છે. રાજન : આ બધાં તારા ચમચાઓને તેં સાક્ષી તરીકે ઊભા કર્યા છે. પણ હું તને નહીં છોડું. તારા એકએક કરતૂત છાપામાં ઉઘાડા પાડીશ. લાલદાસ : તેથી શું થશે મિ. રાજન ? કદાચ થોડો ઊહાપોહ થશે. લોકસભામાં એકબે પ્રશ્ન પુછાશે. પણ મારો વાળ વાંકો થવાનો નથી. રાજન : પત્રકારની કલમની તાકાત તને ખબર નથી લાલદાસ. લાલદાસ : અરે આ કંઈ અમેરિકા છે કે એક વૉટર ગેટ કૌભાંડથી આખી સરકાર ખતમ થઈ જાય ?

[ઇન્સ્પેક્ટર પ્રવેશે છે.]

ઈન્સ્પેકટર : ઇન્સ્પેક્ટર જગતાપ સર. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ દેવપ્રકાશ ગર્ગની ધરપકડનું મારી પાસે વોરંટ છે. [દેવપ્રકાશને વૉરંટ બતાવે.] યુ આર અન્ડર ઍરેસ્ટ. [દેવપ્રકાશને બેડી પહેરાવે છે. દેવપ્રકાશ લથડિયાં ખાતો માંડ ઊભો થાય છે.] રાજન : દેવપ્રકાશ, તમે ગભરાતા નહીં. હું તમારી સાથે છું. હું આને ચેનથી બેસવા નહીં દઉં. ઈન્સ્પેકટર : સૉરી મિ. દેવપ્રકાશ, ઇટ ઇઝ માય ડ્યૂટી. તમારે પણ મારી સાથે થાણા પર આવવું પડશે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ. [મુખ્ય દરવાજાની ડોકાબારીમાંથી શિરસ્તેદાર પ્રવેશે છે. એની પાછળ ચીફ જસ્ટિસ પ્રવેશે છે.] રાજન : અરે ! નામદાર ચીફ જસ્ટિસ આપ ? અહીં ? [બધાં ચમકી જાય છે. લાલદાસ પહેલી વાર થોડો અસ્વસ્થ. બલવંતસિંહ અત્યંત ગભરાય છે. ખુરશી આગળ લાવીને મૂકે છે.] રાજન : કુંદનપુર જેલના ગેરવહીવટ માટે દેવપ્રકાશે જેમની કોર્ટમાં પીટીશન કરી છે તે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નામદાર મીટ મિ. બરૂઆ. આ છે દેવપ્રકાશ. આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ. જસ્ટિસ : તમે જ મિ. દેવપ્રકાશ, આઈ કૉન્ગ્રેચ્યુલેટ યુ. [શેઇક હેન્ડ માટે હાથ લંબાવે છે ત્યારે દેવપ્રકાશની બેડી એની પીંખાયેલી હાલત, ઇન્સ્પેક્ટરની હાજરી, બધું ખ્યાલમાં આવે છે.] પણ... આ... બધું શું છે ? લાલદાસ : મારી પર એક સરકારી કર્મચારી પર હુમલો કરવા માટે, કેદીઓને ભડકાવવા માટે દેવપ્રકાશની ધરપકડ કરવામાં આવી છે. દેવપ્રકાશ : પણ આપ, અત્યારે ? અહીં જેલમાં ? જસ્ટિસ : આ જેલનો સડેલો વહીવટ, કેદીઓ પર અત્યાચાર, પાગલ કેદીઓની કમકમાટી ભરી હાલત. વી.ડી.થી રિબાતાં નાનાં બાળકો, એનો ટેપ કરેલો અહેવાલ અને મિ. રાજનના ફોટોગ્રાફ્સ કોર્ટમાં રજૂ થયા. આ બાબતમાં પ્રોમ્પ્ટ ઍક્શન લેવા માટે, આ સમયે પણ આઈ કેઈમ પર્સનલી ટુ હેન્ડ ઓવર ધ ઑડર્સ. મિ. લાલદાસ, પ્રથમદર્શી પુરાવા પરથી હાઈકોર્ટે તપાસપંચ યોજનાનો નિર્ણય લીધો છે. એ દરમિયાન બલવંતસિંહને બરતરફ કરવામાં આવે છે અને લાલદાસ, યુ આર ટ્રાન્સફર્ડ એન્ડ ઓન ફોર્સ્ડ લીવ. દેવપ્રકાશની હાથકડી કાઢો. આ હુકમ આજની તારીખથી અમલમાં આવે છે. [જસ્ટિસ સંજ્ઞા કરે છે. શિરસ્તેદાર બંનેને કવર આપે છે. પોલીસ બેડી કાઢે છે.] દેવપ્રકાશ : લાલદાસ, આ દુનિયા ગોળ છે. એક જગ્યાએ રાત થાય છે. ત્યારે એ જ વખતે ક્યાંક બીજે સૂર્યોદય પણ થતો હોય છે. [દરેક પાત્ર જે જગ્યાએ, જે ક્રિયામાં છે એમાં સ્થગિત થઈ જાય છે.]

બીજો અંક સમાપ્ત.