સવાસો વર્ષની વાર્તાઓ/ઊજળો વસ્તાર

From Ekatra Wiki
Revision as of 02:35, 19 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઊજળો વસ્તાર

શ્રદ્ધા ત્રિવેદી

આજે રજનીની વર્ષગાંઠ હતી. સવારે સરલાબહેને પોતે જ સત્યનારાયણની કથા વાંચી, રજનીને એ પ્રસાદનો શીરો ખૂબ ભાવતો. ત્રણેય બહેનો અને મા – ચારેયે મળી બપોરે શાંતિથી પ્રસાદ લીધો, જમ્યાં ને થોડો આરામ કર્યો. રજની નર્સ હતી. તેને રાતના આઠથી બીજી સવારના આઠ સુધીની ડયુટી હતી. સાંજના છ વાગવા આવ્યા હતા. રજની, ઉષા અને પ્રભા - ત્રણેય બહેનો હીંચકે બેસી ગીતો ગાઈ રહી હતી. ત્યાં તો રજની સાથે સર્વિસ કરતી બે બહેનપણીઓ આવી – તેની ખાસ સખીઓ રમા અને શોભા! બંનેને ખબર હતી કે આજે રજનીની વર્ષગાંઠ છે. તેને માટે સરસ પર્સ લાવેલાં... વાતાવરણમાં નર્યો ઉમંગ છવાઈ રહેલો. રમા—શોભા તેને ખેંચી ગયાં હોટલમાં ને ત્યાંથી જ સીધાં ત્રણેય ડ્યૂટી પર જતાં રહેશે - એમ કહી ઘેરથી નીકળ્યાં. સરલાબહેને પ્રસન્ન મને જવા દીધાં : 'કેવી સરસ દીકરીઓ ભગવાને દીધી છે! ઉષા-પ્રભાનેય થયું : ‘મોટીબહેન કેટલું બધું કામ કરે છે! સારું થયું તેને આમ રમા-શોભા ખેંચી ગયાં તે—' ને બરોબર આઠના ટકોરે ત્રણેય દવાખાનામાં હાજર! આજે તેઓ ખૂબ આનંદમાં હતાં. કેટલાં વરસે આજે તે આમ બહાર ગઈ હતી? તે માંડ સાત—આઠ વરસની હશે ત્યારે પિતાજી એકવાર આખા ઘરને લઈને ગયેલા. પિતા ગયા ને સાથે ઘણું બધું ગયું. ત્રણેય જણ પોતપોતાના કામમાં લાગી ગયાં. રોજના ક્રમ પ્રમાણે દવાઓ અપાઈ ગઈ. બી.પી., ટેમ્પરેચર વગેરે મપાઈ ગયું. ને લગભગ બાર વાગ્યે તો બધું જ બરોબર પતી ગયું. ‘શોભા, આજે તો હવે રાતના કોઈનેય દવા આપવાની નથી. શાંતિથી સૂઈ શકાશે.' રજની બોલી. શોભા : 'હા. જો કોઈ ના આવે તો.’

‘શોભા, તું ને રમા અંદર સૂઈ જાવ. હું જરા વાંચું છું. થોડીવાર બેઠી છું. પછી અહીં ડ્યૂટીરૂમમાં જ સૂઈ જઈશ.'

શોભા-રમા અંદરના ઓરડામાં સૂઈ ગયાં. ને રજની હોસ્પિટલના જનરલ વોર્ડની બાજુમાંની નાનકડી ડ્યૂટીરૂમમાં ખુરશી પર બેઠી. બધાં જ પેશન્ટો ને એમનાં સગાં ઊંઘી ગયાં હતાં. ડિમ લાઈટનો આછો પ્રકાશ પથરાઈ રહ્યો હતો. નીરવ શાંતિ હતી. આજે રજનીનું ચિત્ત શરદપૂનમની શીતળતા અનુભવતું હતું. તે લગભગ સૂવાની તૈયારી કરતી હતી ને હોસ્પિટલના દરવાજા પાસે એક કાર આવીને ઊભી રહી. તે ચમકી, પત્યું, હવે રાતનું જાગરણ...!' તે દોડતી બહાર ગઈ. દરવાજો ખોલ્યો. મોટરમાંથી ડ્રાઇવર અને આયાને સહારે એક પ્રૌઢ સ્ત્રી આવી રહી હતી. તે ખૂબ અશક્ત લાગતી હતી. તે વ્હીલચેર લઈ ગઈ. ને જેવી તે સ્ત્રીની નજીક પહોંચી કે... 'અરે! આ તો લલિતાકાકી?' તે ઊંચે જીવે તેમને અંદર લઈ ગઈ. લલિતાબહેન જાણે મડદું બેઠું હોય તેમ ખુરશીમાં બેઠાં હતાં. તેણે તરત જ સ્ટ્રેચર પર તેમને સુવાડયાં. ગ્લુકોઝનો બાટલો ચઢાવી દીધો. શોભા-રમાને ઉઠાડ્યાં. ડોક્ટરને ફોન કરી દિધો. ડૉક્ટર નજીક જ રહેતા હતા. તે આવ્યા. પેશન્ટને તપાસી જે તે સૂચના રજનીને આપી દીધી : “ચિંતા કરવા જેવું નથી; પણ રજની! જરા જાગતી રહેજે. પેશન્ટ કોમામાં સરી પડે તો મને તરત જ બોલાવજે, આ ગોળીઓ દર ત્રણ કલાકે આપજે. ને આ ઈન્જેક્શન વહેલી સવારે પાંચ વાગ્યે. તું છે એટલે મને નિરાંત છે. હું જાઉં છું હો— કહી તે ઘેર ગયા. રજનીએ સૂચના મુજબ કરવા માંડ્યું. લલિતાબહેન લગભગ બેભાન હતાં. શોભા-રમાએ ખાસ્સી મદદ કરી. પછી રજનીએ જ કહ્યું : 'તમે લોકો અત્યારે ઊંઘી જાવ. હમણાં હું જાગું છું. પછી તમને ઉઠાડીશ. ને આમેય બે-ત્રણ કલાક તો ખાસ કશું કામ નથી.' તેઓ ગયાં. રજની એકલી પડી. તે પલંગ પર સૂતેલાં લલિતાકાકીને જોઈ રહી... હા… એ જ કાકી છે જેણે… શું ઈશ્વરે જ કાકીને મારી પાસે સામેથી મોકલ્યાં નહીં હોય?... આ જ તક છે... મા સાથેના આજ સુધીના અન્યાયોનું વેર વાળવાની!... તેની નજર ઈન્જેકશનની સિરિંજ પર પડી. તે ઘડીમાં કાકી ને ઘડીમાં સિરિંજ સામે જોવા લાગી. તે જાણતી હતી કે જો અમુક દવાને વધારે પ્રમાણમાં ઇન્જેક્શનમાં આપી દેવામાં આવે તો પેશન્ટ... ને કાકીની હાલત એવી છે કે આજે કે કાલે જો એમ કરી દઉં તો... કોઈને અણસાર સુધ્ધા નહીં આવે. આ કાકી... કેવું ખડખડ હસતાં હતાં.. પોતાનું નામ એમણે જ પાડેલું ને! ‘સરલા, તારી આ દીકરીનો વાન તો જો! એની રાશિ તુલા છે ને! તો તેનું નામ રજની જ પાડીએ.’– માએ પોતાને એકવાર આ વાત કરેલી. માને તો 'રાધા' નામ પાડવું હતું. પણ ઘરમાં કાકીનું જ રાજ હતું. ઘણાં કારણો હતાં : કાકી પિયરનાં સુખી! વળી કાકાની આવક સારી! ને વળી રાજકુમાર જેવા રૂપાળા બે દીકરા! મોટીબા પણ જ્યારે ને ત્યારે, જેને ને તેને કહ્યાં કરે? મારી લલિતાવહુ તો ભારે નસીબદાર છે! ઊજળો વસ્તાર! જરાય ચિંતા નહીં.’ ને આ સરલાવહુ તો? આ બે માતાઓ હતી. ત્રીજી વાર દહાડા રહ્યા ત્યારે હતું કે દીકરો આવશે… પણ… રહેવા દે ને બાઈ! એમાંય પૂન જોઈએ પૂન.’ અચાનક બહારનું વાતાવરણ પલટાયું. સાંજે તો ઠંડો શીતળ પવન હતો. ને અત્યારે વાવાઝોડું ફૂંકાવા લાગ્યું… રજનીએ ફટાફટ બધાં બારીબારણાં વાસી દીધાં. દરવાજે સૂતેલો ચોકીદાર પણ મોટું બારણું બંધ કરી અંદર આવી ગયો ને દરવાજા પાસે સૂઈ ગયો. વીજળીના કડાકા થવા લાગ્યા ને થોડીવારમાં તો વરસાદ તૂટી પડ્યો... કાચની બારીઓ વાસી દીધી તેથી અવાજો તો સંભળાતા બંધ થયા હતા પણ બહાર થતી વીજળીના ચમકારા તે જોતી રહી. તોફાન… પવન... વરસાદ... ચાલુ હતાં... રજની ઊઠી. ઇન્જેક્શન હાથમાં લીધું. શીશીમાંની દવા સિરિંજ વાટે ભરી... બસ! કાકી આ જ લાગનાં છે. કેટકેટલી ઘટનાઓ તેની સામે ઘૂમરાવા લાગી!… દાળમાં જાણીબૂઝીને વધુ મીઠું નાખી દાદીમા પાસે માને વઢે ખવડાવતાં કાકી! સાબુના ગરમ પાણીમાં પપ્પાનો બૂટ નાખી માને પપ્પા દ્વારા લઢ ખવડાવતાં કાકી! વાસણનો ઢગ પડ્યો હોય, કામવાળી ન આવી હોય ત્યારે જ પેટમાં કે માથું દુઃખવા આવે તે કાકી!... સવાર કે સાંજ... સમયે સમયે કાકીનાં કારસ્તાનો તેની નજર આગળ પસાર થવા લાગ્યાં! પાણીનાં ટીપાં... ને પછી ધાર... તેમ પ્રસંગોની વણજાર... ધીમે રહી ડયુટીરૂમની બહાર આવી.. દોઢ વાગવા આવ્યો હતો. ડ્રાઇવર તો તુરત જ પાછો જતો રહેલો. આયા કાકીની પથારી પાસેની ખુરશીમાં બેઠી બેઠી ઊંઘતી હતી. તેણે ચારે બાજુ જોયું. બધાં જ ઘરાઘસાટ ઊંઘતાં હતાં. દવાખાનામાં સન્નાટો છવાઈ ગયો હતો. તે મલકી : 'વાહ ઈશ્વર! તુંય જબરો ચાલબાજ છે! તેં મને સરસ અનુકૂળતા કરી આપી... !' તે ધીમે રહી કાકી પાસે પહોંચી... ઓઢાડેલો ચોરસો જરાક ખસેડયો.. ત્યાં તો તેનો પગ નીચે મૂકેલી થૂંકદાનીને વાગ્યો. ખખડાટ થતાં આયા જાગી ગઈ. 'શું થયું?' 'કંઈ નહીં.' રજનીએ ઇન્જેક્શન ખિસ્સામાં સંતાડી દીધું. આ તો જરા ટેમ્પરેચર જોવા આવી હતી—” કહી તેણે કાકીના કપાળે હાથ મૂકી જોયું ને... પછી તુરત પાછી વળી ગઈ.

'બાસાહેબ ઘસઘસાટ ઊંઘી ગયાં છે, નહીં?' 'હા.” કહી, ચોરસો સરખો કરી, રજની જતી રહી. આયા પાછી ઊંઘી ગઈ. રજનીએ બારી તરફ જોયું. એક બારી સરખી બંધ થઈ નહોતી... પવનના સુસવાટા... સૂમ... સૂમ... દૂર દૂર ક્યાંક વીજળી ત્રાટકી એવું રજનીને લાગ્યું... તે ગભરાઈ ગઈ... ચોકીદારને ઉઠાડ્યો... ચોકીદાર : ‘બેન, ખરેખર તોફાન તો ભારે ચાલે છે. આ પવન ને વરસાદ! આવું તો ક્યારેક જ થાય છે! આ તોફાનમાં ઝૂંપડાં ને કાચાં ઘર પડી જવાનાં! અમારું એક ખોરડું ગામડે હતું... ખખડી ગયેલું… તે ત્રીજા વરસે આવા તોફાનમાં પડી ગયેલું.... ‘સારું હવે, તું આ બારીને સરખી બંધ કર. જોને, આટલી થોડીક જ ખુલ્લી રહી છે તોય તેમાંથી કેટલો બધો કચરો અહીં આવી ગયો? રજનીએ કહ્યું. પણ બેન, આની તો સ્ટોપર વસાતી નથી.” ‘તે લે આ દોરી. હેંડલ સાથે બારીના સળિયામાં બાંધી દે.’ ચોકીદારે થોડી ઠોકાઠોક કરી... બારી વાસી દીધી. ને બેઠો. “જા, હવે તું સૂઈ જા. હું આ પેશન્ટને દવા આપી સૂઈ જઈશ.' ‘બેન, તોફાન બહુ છે બહાર હોં!. બી તો નહીં જાવ ને! જોજો, બીકનાં માર્યાં આ પેશન્ટને એકને બદલે બીજી દવા ના આપી દેતાં!' હસતાં હસતાં તે બોલ્યો. 'ઠીક, ઠીક, હવે ડહાપણ બતાવ્યા વગર સૂઈ જા— ને ચોકીદાર તો પોતાની પથારીમાં પડ્યો કે ઊંઘ્યો. રજની ડ્યૂટીરૂમમાં આવીને બેઠી. સિરિંજમાંની દવા કાઢી નાંખી. બેઝિનમાં વહેવા દીધી... પાણી સાથે ફરી બધું સ્ટરીલાઈઝ્ડ કર્યું. ને ખુરશીમાં બેઠી. શું કરું? આ કાકીને સવાર પડતાં પહેલાં જ પતાવી દઉં. મને ને મારી માને પજવવામાં જરાય બાકી રાખ્યું નથી. પરીક્ષા હોય ત્યારે જ તેમને ઘર સાફ કરવાનું સૂઝે... ને મને કામમાં રગદોળે જ! માને તાવ હોય તોય રાંધવાનું તેણે જ!... શું યાદ કરું?... યાદ કરવાનું રહેવા દઈ અત્યારે જે કરવા જેવું છે તે જ કરવા દે. આજ ઠીક લાગ આવ્યો છે? લોકોને ખબરેય નહીં પડે... જ્યારે ને ત્યારે સરલા, તારી છોકરીઓ... છોકરીઓ... ને ક્યારેક તો વળી ‘છોડીઓ’... ને પોતાના તો જાણે સોનાના દીકરા!... પોતાના દીકરાઓને ભણાવવામાં પાછું ન જોયું ને અમારાં ભણાવવાની વાત આવી કે?... બરોબર છે કે મારા એ ભાઈઓ રૂપાળા ને ભણેલા... તેથી નાતમાંથી જ સારાં માગાં આવ્યાં. આ કાકીએ કાકાની ઉપરવટ જઈ બેઉના વિવાહ કરી દીધેલા. મોટો દીકરો તો સસરાના પૈસે પરદેશમાં સ્થિર થઈ ગયો હતો. કાકીને તેનુંય અભિમાન હતું. બિચારા કાકા! આવું બધું ગમતું તો નહીં; પણ કરે શું? ને નાનો દીકરો જ્યારે સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેવા ગયો કે તેમનું હાર્ટફેઈલ થઈ ગયું. બેય દીકરાને સાસરું પૈસાદાર મળેલું… આવું કહેતાંય તે કેટલું પોરસાતાં?... અરે! મારે તો બેઉ દીકરાને એવાં ઘર મળ્યાં છે કે એક કહેતાં એકવીસ હાજર થાય... હા, પણ કાકી આજે? બે દીકરા, બે દીકરા કહેતાં હતાં. તમારી પાસે કોઈ ના રહ્યું... હા... મારા ભાઈઓએ તમારે માટે આયા જરૂર રાખી છે, હોં! ને મારી માની સ્થિતિ?! પિતા એવી કોઈ મૂડી મૂકી નહોતા ગયા... ને તેથી જ માએ એનાં ઘરેણાં વેચીને પોતાને ભણાવેલી… ને તેમાંય જ્યારે પોતાને નર્સિંગનું ભણવા મોકલી ત્યારે?... ત્યારે આ કાકી... શું કહેલું કાકીએ?—‘સરલા, બહુ થયું. છોકરીની જાતને વળી વધારે ભણાવવાની શી જરૂર છે? છેવટે તો તે પારકી થાપણ જ ને! પાછું ભણાવીએ તો એવો વર શોધવાની માથાકૂટ ને પછીયે તેણે સંભાળવાનું તો રસોડું જ ને! ને સરલા! તારી પાસે એવી તે શી મિલકત છે કે છોકરીને ભણવા મૂકી? હજી તો તારે પાછળ બીજી બે તૈયાર જ છે! ને ભણવાનું તે આવું? હોસ્પિટલમાં કેવાં કેવાં માણસો આવે?… રાત પડેય નોકરી માટે જવું પડે. છોકરીની જાતને કેમ પોસાય? એ તો તારે વિચારવું જોઈએ ને! તારે કાંઈ ઓછો મારી જેમ ઊજળો વસ્તાર છે કે કોઈ ચિંતા જ નહીં!' રજનીએ બારીના કાચમાંથી જોયું. તોફાન એવું જ ચાલુ હતું. તે પાછી ઊઠી... બેના ટકોરા થયા... હવે માત્ર બે જ કલાક પાસે છે. જે કરવું હોય તે અત્યારે જ કરવું જોઈએ... બસ, એવું ઇન્જેક્શન આપી દઉં કે કાકી સદાય માટે આમ જ ઊંઘતાં રહે... તેણે ખૂબ સાવચેતી રાખી. એક હાથમાં થર્મોમિટર લીધું ને બીજા હાથમાં ઇન્જેક્શન. તે દબાતે પગલે લલિતાબહેન પાસે ગઈ. ધીમે રહી ચોરસો ખસેડ્યો ને હાથ લંબાવ્યો કે લાઇટ ગઈ. ચારેબાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. માત્ર ડ્યૂટીરૂમના એક ખૂણામાં નાના ટેબલ પર મૂકેલ માતાજીના ફોટા પાસેનો તેણે કરેલો દીવો ધીમો ધીમો ટમટમી રહ્યો હતો. તે રોજ સાંજે પરવારીને દીવો કરતી. તે સ્તબ્ધ થઈ ગઈ! હળવે હળવે તે દીવાના અણસારે ડ્યુટીરૂમમાં આવી ગઈ. ‘શું આ દ્વારા માતાજી મને કંઈ કહેવા માગે છે? શું મને તે રોકી રહ્યાં છે?... તેનું મન કહી રહ્યું : 'તું શું આ માટે નર્સ બની છે? તું નર્સ બની ત્યારે તારી માએ શું કહ્યું હતું તે યાદ કર...’ ‘મારી રજની નર્સ થઇ કેટલાયના દુઃખદર્દ દૂર કરશે. બેટા ! નર્સ ને ડૉક્ટર તો આ દુનિયાના માંદા માણસોના ભગવાન છે ભગવાન! તારા બાપુજીનું જે રીતે મરણ થયું ત્યારે જ મેં નક્કી કરેલું. મારી દીકરી નર્સ થશે. હજારોની સેવા કરશે. તને ડૉક્ટર કરવાનું મારું ગજુ નહોતું. પણ નર્સ તો કરી શકી. બેટા ! જિંદગીમાં સદાય સૌને મદદ કરજે. બસા એમાં જ પ્રભુ રાજી થશે.'

ત્યાં તો એક-બે પેશન્ટ પંખો બંધ થવાથી જાગી ગયાં. તેણે ઇમરજન્સી લાઇટ કરી. બારીમાંથી જોયું. પવનનું જોર ઘટ્યું હતું. તોફાનનું જોર શમતું હતું. તેણે એક બારી થોડી ખોલી. હવાની અવરજવર થવાથી ઓરડીમાં સારું લાગ્યું. એક પેશન્ટ તો ઊંઘી પણ ગયું. એક જાગી ગયેલ. રજની તેની પાસે ગઈ. તોફાનની વાતો કરી. ને  શાંતિથી ઊંઘી જવાનું કહી પાછી ખુરશીમાં આવીને બેઠી. તેની આસપાસ જાણે એક ચકડોળ ઘૂમી રહ્યું હતું. એક બાજુ કાકી હતાં. બીજી બાજુ મા... આ કાકીએ મને, મારી બહેનોને કે મારી માને ઉતારી પાડવામાં ક્યારેય પાછું વળીને જોયું નથી...

ત્યાં જ વીજળી આવી ગઈ… તે ઊભી થઈ ને બેઝિન પાસે હાથ-મોં ધોવા લાગી. ‘હું નર્સ! મારે હાથે મરતું માણસ જીવતું થાય ને હું આ શું કરવા બેઠી હતી?... વેર વાળવા? અરે રજની, ધૂળ પડી તારા ભણતરમાં ને માના ઉછેરમાં! રજની, સાંભળ, રજની, તું... તું આખી નર્સ જાતિનું કલંક છે! તારાથી કોઈને જિવાડાય નહીં તો કંઈ નહીં પણ આમ?..…ડોક્ટરે મૂકેલા ભરોસાનું આ પરિણામ? માએ ઘરેણાં વેચી ભણાવી તે આ માટે? તું કાકીને બચાવી ના શકે તો ફેંકી દે આ સિરિંજ ને છોડી દે આ નોકરી! તેને ચક્કર આવવા માંડ્યાં… વળી પાછું મોં ધોયું. ઘડિયાળમાં પાંચના ટકોરા થયા. ડ્યૂટીરૂમની લાઇટ કરી… અરીસામાં જોયું…… બહાર એકદમ શાંતિ પથરાયેલી હતી. દૂર દૂર દૂર સૂર્યના આગમનની છડી પોકારતી ઉષા ઊગી રહી હતી. તેણે કાકી તરફ જોયું. તેને કાકીમાં માત્ર એક પેશન્ટ દેખાયું. તેણે સાહેબના કહ્યા પ્રમાણે ઇન્જેક્શન તૈયાર કર્યું... ચકડોળમાં બેઠેલી મા ખુશ છે એમ તેને લાગ્યું. તેય મલકી ઊઠી. તે એકદમ હળવી થઈ ગઈ. કાકી પાસે ગઈ. કાકીને જરાય દુઃખ ના થાય તેમ ઇન્જેક્શન આપ્યું. પછી શોભાને ઉઠાડી… તે અંદરના ઓરડામાં ગઈ ને થોડી જ વારમાં નિરાંતે ઊંઘી ગઈ. ત્યારે દૂર સૂર્ય ઊગી રહ્યો હતો. પછીના બે-ત્રણ દિવસ તેણે લલિતાબહેનની એવી કાળજી લીધી કે તે મોતના મોંમાંથી બહાર આવી ગયાં. ને ચોથે દિવસે તો તે સાંજે જ્યારે થોડી વહેલી આવી ત્યારે કાકી પથારીમાં બેઠાં હતાં. આજે રજનીની સાથે સરલાબહેન પણ આવ્યાં હતાં. સરલાબહેન સીધાં લલિતાબહેન પાસે ગયાં. લલિતાબહેનને આવી સ્થિતિમાં જોઈ તેમની આંખ ભરાઈ આવી: ‘ભાભી, આ શું થઈ ગયું? મને તો રજનીએ આજે જ વાત કરી. તે મળવા આવી ગઈ.” લલિતાબહેન પણ ગળગળા થઈ ગયાં. થોડીવારે બોલ્યાં : 'સરલા, આયાએ મને કહ્યું કે રજની કેવી સરસ રીતે મારી કાળજી લેતી હતી. સરલા, મારે બે દીકરા...પણ સાચો દીકરો તો રજની જ હો…. છેલ્લી ત્રણ રાતથી રજની જે રીતે મારું ધ્યાન રાખે છે કે... શું કહું?' 'કાકી... હવે ગઈ ગુજરી ભૂલી જવાની. તે ગઈ. અત્યારે તમારે કશું જ વિચારવાનું નહીં હોં... લો, મમ્મી તમારે માટે મોસંબીનો રસ લાવી છે તે લો...' કહી તેણે પ્યાલામાં રસ કાઢ્યો, ને લલિતાબહેનના મોં પાસે પ્યાલો લઈ ગઈ. ને લલિતાબહેનને બરડે હાથ ફેરવી પિવડાવવા લાગી. લલિતાબહેનની આંખો ભીની થઈ ગઈ. તે ધીમે ધીમે રસ પી ગયાં. ‘મા, તું કાકી સાથે વાતો કર. હું જરા બધાં પેશન્ટોને જોઈ આવું.' કહી રજની ગઈ. લલિતાબહેન: 'સરલા, તને આજે સાચું કહું છું. મને પહેલાં અભિમાન હતું ને મારાં ઊજળા વસ્તાર પર પણ... માત્ર દીકરા હોવા તે ઊજળો વસ્તાર નહીં હોં! ખરેખર તો સંસ્કારી અને ખાનદાન સંતાન હોય તે ઊજળો વસ્તાર... દીકરો કે દીકરી એવા ભેદ ના હોય!… તારી આ દીકરી… સરલા… ઊજળી હું નથી… તું છે.. ઊજળો વસ્તાર તારો હોં!' સરલાબહેન લલિતાબહેન સામું જોઈ જ રહ્યાં...