રણ તો રેશમ રેશમ/મૃગજળમાં તરતો ઈશ્વરનો ચહેરો

Revision as of 00:48, 26 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


(૨) મૃગજળમાં તરતો ઈશ્વરનો ચહેરો

ઈ. સ. પૂર્વે ૨૦૦નું એ દૃશ્ય : અફાટ રણમાં વણઝારો ચાલી જાય છે. સફર ખૂબ લાંબી છે. છેક ચીનથી નીકળેલા એ કાફલા સાથે ઉત્તમ પ્રકારના માલ-સામાનથી લદાયેલાં પશુઓ છે. રેશમ અને ગાલીચા, હાથીદાંત અને અમૂલ્ય રત્નો, તો વળી મરી-મસાલા પણ ખરા! એક દેશથી બીજા દેશની સરહદો પસાર કરતા એ કાફલામાં વિવિધ સામગ્રી સાથે લોકો જોડાતા ગયા છે. ચીન ઉપરાંત તિબેટ, હિન્દુસ્તાન, જાવા-સુમાત્રાથી માંડીને અન્ય એશિયાઈ દેશોમાંથી, તો વળી પર્શિયા, અરબસ્તાન, ઇજિપ્ત વગેરે દેશોમાંથી પણ ભાત-ભાતનો અમૂલ્ય સામાન લઈને લોક ભળતું જાય છે. પગપાળા, તો ક્યારેક પશુઓની પીઠ પર, તો ક્યારેક પશુઓ સાથે જોડેલી વહેલમાં લોક-મહેરામણ ચાલ્યો જાય છે. આખોય કાફલો ચાલી નીકળ્યો છે, યુરોપના દેશો તરફ. સમયનું કોઈ બંધન નથી. રસ્તે વિસામા આવે છે. વણજારો જ્યાં પડાવ નાખે છે, ત્યાં જ્ઞાનનું ને માલસામાનનું, સંસ્કૃતિનું, માહિતીનું, અરે! વાનગીઓનું સુદ્ધાં આદાનપ્રદાન થતું રહે છે. ગામો, શહેરો અને વસ્તીઓ વટાવ્યા પછી હિમાલયનો પર્વતીય વિસ્તાર પણ પસાર થઈ ગયો; પછી રણપ્રદેશ શરૂ થઈ ગયો છે. હવે કોઈ વસ્તી તો નથી જ, પણ નિર્જન વેરાનમાં ચકલુંયે ફરકતું દેખાતું નથી. નિઃસીમ લાગતા રણમાં દેખાય છે બસ, અનંતની સફરે નીકળ્યો હોય તેવો, હાંફતાં ઊંટ સાથે દોડી જતો રેતીની ડમરી જેવો કાફલો! અચાનક જ્વાળા જેવું લપકતી રેતી સોંસરવું કોઈ કૌતુક મુસાફરોની નજરે પડે છે. ક્ષિતિજરેખ પર લીલીછમ હરિયાળી દેખાવા લાગે છે. કોઈ શમણાં જેવાં રૂપાળાં નગરનાં અણસાર નજરને રોકી લે છે. મુસાફર પોતાની જાતને ચીમટી ભરી જોઈ લે છે – રખેને એ કોઈ શમણું હોય! પોતાની દૃષ્ટિ પર પણ ભરોસો ન બેસે તેવું દૃશ્ય છે. કોઈ કહે છે : રેતાળ આંધીઓ વચ્ચે છળતી મૃગમરિચિકા આ તો! તો કોઈ કહે છે : ‘એ તો નર્યાં ઝાંઝવાંનાં જળ! અહીં આ પારાવાર વિસ્તરેલા રણમાં બીજું હોય પણ શું? મૃગજળ સમાન એ સ્થળની એેંધાણીએ કાફલો આગળ વધતો રહે છે, પરંતુ એની નજીક પહોંચતાં પથિકના અચંબાનો પાર રહેતો નથી. હા, અહીં તો સાચે જ લીલીછમ્મ ધરા છે, મીઠા જળના વીરડા છે, ને એની આસપાસ સાચે જ વસેલું છે, એક સપના જેવું ગામ. સૌના મોંમાંથી ઉદ્ગાર સરી પડે છે : બુહારો! અર્થાત્ મૃગજળની માયા. ઝોરાષ્ટ્રીયન ભાષામાં બુહ્-નો અર્થ થાય છે, ઈશ્વર અને ઑરો-નો અર્થ સૌંદર્ય. ઝોરાષ્ટ્રીયનો માને છે કે, ઈશ્વરના ચહેરા જેવું સુંદર હતું એટલે આ ગામ બુહ્ ઑરો – બુખારા કહેવાયું. ચીની લોકો કહે છે : અમારે ત્યાં મંદિરને પુ-હો કહેવાય, બુખારા શબ્દ એના પરથી આવ્યો છે; તો વળી હિન્દુસ્તાનીઓએ કહ્યું : આ તો બૌદ્ધ ધર્મસ્થાનક વિહારા પરથી પડેલું નામ બુખારા છે...! તાશ્કંદ છોડ્યું ને થોડી જ વારમાં અમારું હવાઈ જહાજ કોઈ સરોવર ઉપર ઉડાન ભરી રહ્યું હતું. જળનો લાંબો-પહોળો એ વિસ્તાર જોતાં સહુથી પહેલાં યાદ આવ્યું પેલું અરાલ સમુદ્રને નામે ઓળખાતું, પર્યાવરણના અસંતુલનને કારણે હવે સંકોચાતું જતું વિરાટ સરોવર. પણ પછી તરત જ ખ્યાલ આવ્યો કે, એ તો છેક ઉત્તર સરહદે ફેલાયેલું છે. બુખારા જવા માટે એટલે દૂર જવાની જરૂર નથી. તો પછી નક્કી એ હશે પેલું ઉઝબેકિસ્તાનની ગંગા સમાન નદી સિરદરિયા છલકાતાં સર્જાયેલું વિશાળ ઐદાર સરોવર. વિમાન નાનું હતું. નીચેની ભૂગોળ બતાવતું ઉપકરણ એમાં નહોતું. નકશામાં જોયેલાં સ્થળોનો તાળો અનુમાનથી જ મેળવવાનો હતો. પાણી ઉપર જરાક ઊડ્યા પછી રણપ્રદેશ દેખાવા લાગ્યો. રૂપેરી રેતીનો એકધારો અમાપ મહાસાગર જાણે! વનસ્પતિ કે મનુષ્યનો આછો અણસાર પણ ક્યાંય દેખાયો નહીં. આ અપરિમિત રણપ્રદેશ પરથી પસાર થતાં કલ્પના પણ ન આવી શકે કે રેતીના આ નિબિડ વેરાન વચ્ચે કોઈ વસ્તી પણ હોઈ શકે! અનંત સુધી વિસ્તરેલા ભાસતા એ રણ ઉપર લાંબો સમય ઊડ્યા પછી અચાનક રેતાળ પ્રદેશની વચ્ચોવચ લીલોતરીની કોર દેખાઈ ને એની વચ્ચે ઊપસી આવ્યું એક રૂપકડું ગામ! મનમાં ભજવાતાં યુગો પહેલાંની વણજારોનાં દૃશ્યો સાથે વિમાનમાંથી દેખાતું દૃશ્ય એકાકાર થઈ ગયું, ને મન ઉદ્ગારી ઊઠ્યું : બુહારો! બુહારો! અરે, આ તો મૃગજળમાં તરતો ઈશ્વરનો ચહેરો! બુખારાની ભૂમિ પર પગ મૂક્યો ત્યારથી એની વિદાય લીધી ત્યાં સુધી એ આદિકાળની વણઝારોના વિસ્મયે સાથ ન છોડ્યો. સ્કન્ડિનેવિયાના પેલા વાઈકિંગો નાનકડી હોડીમાં સાતેસાત દરિયામાં ઘૂમી વળ્યા, તો એશિયાના બહાદૂર મુસાફરો જમીન પર દુર્ગમ અરણ્યો તથા કઠોર રણ ઉપર વિજયપતાકા ફરકાવતા રહ્યા. મનુષ્યજાતિનાં અપાર સાહસ, એની અખૂટ હિમ્મત તથા એની અપરિમિત જિજીવિષાનું આ સાક્ષાત પ્રમાણ. ઈંધણથી ચાલતાં વાહનોનો એ જમાનો નહોતો. ચાર હજાર માઈલ તો આપણે આજે માપીને કહીએ છીએ, ત્યારે તો અમાપ એવા રસ્તા પર વરસોનાં વરસ નીકળી જતાં ખેપ પરથી પાછાં ફરતાં! ઈ. સ. પૂર્વે ૨૦૦ આસપાસથી તો આ ૪૦૦૦ માઈલની લાંબી સફરમાં છેક ચીનથી નીકળતી વણઝારોના નક્કર પુરાવા મળ્યા છે; પરંતુ ઇતિહાસકારો માને છે કે, એથીય પહેલાં લગભગ એકાદ હજાર વર્ષથી આ માર્ગ પર ત્રૂટક ત્રૂટક રીતે વ્યાપાર-વાણિજ્યનું અસ્તત્વ હતું, અને ત્યાર પહેલાંથી આ રણદ્વીપ પર માનવવસાહતનું અસ્તિત્વ હતું! એટલે તો છેક આદિકાળથી આ નગર વાણિજ્ય અને સંસ્કૃતિઓના આદાનપ્રદાનથી નિરંતર સમૃદ્ધ થતું રહ્યું છે. છઠ્ઠીથી તેરમી સદીની વચ્ચે આ વ્યાપારયાત્રા એની ચરમસીમા પર હતી. છેક એ સમયથી બુખારા વિશ્વનું અગત્યનું વિદ્યાધામ પણ હતું. અહીં મહેલો ઓછા ને ભવ્ય મદરેસાઓ વધુ છે. લોકો રાજાઓની ઓછી ને કલા તથા કવિતાની વધારે વાત કરે છે. બુખારામાં ફરતાં ખ્યાલ આવ્યો કે એના હેરતભર્યા ભૌગોલિક સ્થાન કરતાં પણ એનો ઇતિહાસ વધુ હેરતભર્યો છે, એનાથી પણ હેરતભર્યો છે, અહીં થઈ ગયેલા મનુષ્યોનો પુરુષાર્થ અને એમની જ્ઞાનપિપાસા. કોણ કલ્પી શકે કે, અફાટ રણ વચ્ચે વસેલ આ સ્થળ સહસ્રાબ્દીઓ પહેલાં પણ ઇસ્લામિક જગતનું અગત્યનું વિદ્યાધામ હતું. ૯મી અને ૧૦મી સદી અહીંનો ગોલ્ડન પિરિયડ અર્થાત્ સુવર્ણકાળ ગણાય છે. એ સમયમાં અહીં સામાની વંશના રાજાઓ હતા. તેમાં ઇસ્માઈલ સામાની અહીં અત્યંત પૂજનીય રાજવી છે. કારણ કે, સાતમી અને આઠમી સદીમાં અહીં ઇસ્લામનું આક્રમણ થયું હતું. તે સમયે અહીં આવી ચડેલા આરબ મુસ્લિમો અત્યંત ક્રૂર હતા. શાંતિથી રહેતી અને મુખ્યત્વે જરથોસ્ટ્રીયન ધર્મ પાળતી આર્ય પ્રજાને એમણે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને મુસ્લિમ બનવા મજબૂર કરી. હારીને ઇસ્લામ સ્વીકારવા છતાં મનમાં તથા આચરણમાં પોતાના મૂળ સંસ્કાર જાળવી રાખતી આ પ્રજાને નવમી સદીમાં આ રાજા ઇસ્માઈલ સામાનીએ આરબોથી મુક્તિ અપાવી સ્વતંત્ર કરી. એણે અહીં પોતાનું રાજ્ય સ્થાપી પ્રજાના કલ્યાણ અર્થે અનેક કાર્યો કર્યાં; તેમાં કલા, સાહિત્ય તથા વિજ્ઞાનના વિદ્વાનોને રાજ્યાશ્રય આપી, એમના જ્ઞાનને સાચવવાનું કામ મુખ્ય હતું. ક્રૂર હોવા છતાં, આરબોમાં પણ ગણિતશાસ્ત્રના તથા ખગોળશાસ્ત્રના વિદ્વાનો હતા. સામાનીએ એમના પ્રત્યે પણ સદ્ભાવ દાખવ્યો. આમ તે સમયગાળામાં ધર્મનિપેક્ષ જ્ઞાનનો સુવર્ણકાળ અહીં સર્જાયો. કુરાન પછી બીજા નંબરનો મુખ્ય ઇસ્લામિક ધર્મગ્રંથ ‘હદીથ’ કે જેમાં પયગંબર મુહમ્મદના આદેશો લખેલા છે, તેના સર્જક ઇમામ અલ બુખારી એ સમયમાં અહીં થઈ ગયા. ‘અલ-જબર’ના નામથી ગણિતના નિયમો ધડનાર ગણિતજ્ઞ અલ ખ્વારિઝ્મી એ સમયમાં અહીં થઈ ગયો. કહેવાય છે કે, અલ ખ્વારિઝ્મી પોતાના પુસ્તક ‘અલ-જબર’ની માહિતી એકઠી કરવા ભારત આવેલો. એણે ભારતમાં પ્રચલિત સિદ્ધાંતો તથા પોતે વિકસાવેલી પદ્ધતિનો સમન્વય કરીને આ પદ્ધતિ સમજાવતું પુસ્તક લખ્યું. એણે આ જ્ઞાન રોમનોને વહેંચ્યું. આમ આ પુસ્તકના નામ ‘અલ-જબર’ પરથી પશ્ચિમમાં ગણિતનો એ સિદ્ધાંત એલજિબ્રા કહેવાયો તથા પુસ્તકનો રચયિતા અલ ખ્વારિઝ્મી ‘ફાધર ઓફ એલજિબ્રા’ કહેવાયો. ગણિતશાસ્ત્રમાં અલ્ગોરિધમ નામ પણ ખ્વારિઝ્મીના નામ પરથી પડેલું મનાય છે. એ સમયખંડનો બીજો એક નોંધપાત્ર વૈજ્ઞાનિક હતો હુસૈન ઈબન્સિનો. એનું બીજું નામ હતું મદાદિસીનો. એ ચિકિત્સાશાસ્ત્રનો નિષ્ણાત હતો. એક વાર રાજા બિમાર થઈ ગયો. કોઈ ઉપાય કારગત નીવડતો હતો, ત્યારે આ મદાદિસીનોને બોલાવવામાં આવ્યો. એણે આપેલ ઔષધીઓથી રાજા સારો થઈ ગયો. બદલામાં રાજાએ એેને મનગમતું વરદાન માગવા કહ્યું. ઈબન્સિનોએ કહ્યું : ‘મારે બીજું કાંઈ જોઈતું નથી, માત્ર મને રાજ્યની લાઇબ્રેરીનો છૂટથી ઉપયોગ કરવા મળે, તેવું ગોઠવી આપો.’ એ સમયની બુખારાની લાઇબ્રેરી વિશ્વના ખૂણે-ખૂણેથી આણેલાં જ્ઞાનનાં હજારો પુસ્તકોથી સમૃદ્ધ હતી. મદાદિસીનોએ એ તમામ ઉપાજિર્ત જ્ઞાન સાથે પોતાના મૌલિક જ્ઞાનનો સમન્વય કરીને ચિકિત્સાશાસ્ત્રની રચના કરી, જે ‘માદાદિસીનો’ના નામ પરથી મેડિસીન કહેવાયું. ભૌતિકશાસ્ત્ર, ખગોળવિજ્ઞાન, ગણિત, તથા ભૂગોળનો જ્ઞાતા તથા સંસ્કૃત, હિબ્રૂ સહિત અનેક ભાષાઓ જાણનાર વિદ્વાન બિરૂની પણ સુવર્ણકાળમાં અહીં રહી ગયો હતો. આ એ જ બિરૂની છે, જેણે આપણા સંસ્કૃત જ્ઞાનભંડારનો અરેબિકમાં તથા અરેબિક જ્ઞાનનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો. ભારતના જ્ઞાનનો પરિચય ઇસ્લામિક આલમને કરાવવા માટેનું માન આ બિરૂનીને ફાળે જાય છે. ઉમર ખય્યામ સહિત અનેક અમર સાહિત્યકારો પણ એ જ સુવર્ણકાળમાં અહીં રહ્યા હતા. આમ જ્ઞાનપિપાસાનો જે ઉછાળ એ સમયે અહીં આ અફાટ રણ વચ્ચે ઊભેલી એકાકી ભૂમિમાં સર્જાયો, તે વિસ્મયજનક છે. આજે પણ જ્ઞાન-ઉપાર્જનની એ પરંપરા અહીં કાયમ છે. બુખારા આજે પણ એક અગત્યનું વિદ્યાધામ તથા સંસ્કારકેન્દ્ર ગણાય છે. આ વાતની પ્રતીતિ અમને ઇમામ અલ બુખારીના સ્મારકને જોઈને થઈ. અહીં સુન્નીઓના ધર્મપુસ્તક હદીથના રચયિતા ઇમામ અલ બુખારીની સ્મૃતિમાં સર્જાયેલું સ્મારક પુસ્તકના આકારનું છે! આ નગર બુખારા નામે ઓળખાયું, તે માટે વિવિધ દેશ-જાતિના લોકોના પોતાની સંસ્કૃતિ સાથેના સંબંધના દાવા એટલે જ અહીં અવાસ્તવિક લાગતા નથી. અહીંનાં સ્થાપત્યો પર તથા લોકજીવન પર, ખાસ કરીને એમના રીતરિવાજો તથા કલાકારીગરી પર અનેક સંસ્કૃતિઓના સંમિશ્રણની ઝલક જોવા મળે છે. અસલના સમયમાં ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઈરાન, ઇરાક, સિરિયા, જોર્ડન, ઇઝરાયલ, પેલેસ્ટાઈનથી માંડીને છેક પ્રાચીન ઇજિપ્ત સુધીનો આખોય આ પ્રદેશ પર્શિયા તરીકે ઓળખાતો, ત્યારે બુખારા પર્શિયન પ્રદેશનું અગત્યનું કેન્દ્ર હતું. ત્યાર બાદ ત્યાં રશિયન રજવાડાંનાં રાજ હતાં, અને તે પછી એ સામ્યવાદી સોવિયત યુનિયનનો એક ભાગ બની રહ્યું. ૧૯મી સદીના અંતમાં સામ્યવાદનો લાલ તારો તૂટ્યો, ને રશિયા આખું અનેક નાના નાના ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું. આમ, છેક હમણાં સન્ ૧૯૯૧માં સોવિયત યુનિયનથી છૂટું પડી સ્વતંત્ર થયેલ આજનું આ ઉઝબેકિસ્તાન એક ઉદારમતવાદી પ્રગતિશીલ મુસ્લિમ રાષ્ટ્ર તરીકે ઓળખાય છે, અને બુખારા એનું અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર; પરંતુ પર્શિયન મૂળના ઝોરાષ્ટ્રીયન અનુબંધની સાબિતી એના કણકણમાં જોવા મળે છે. ઈ. સ. પૂર્વે ૫૦૦થી માંડીને સાતમી સદીમાં આરબોના અતિક્રમણ સુધીના જરથોષ્ટ્રી સંસ્કારો આજે પણ લોકજીવન પર તથા સ્થાપત્યો પર વાંચી શકાય છે. સૌપ્રથમ એ વાતની અનુભૂતિ અહીં થઈ ગયેલા સામાની વંશના સુન્ની રાજા ઇસ્માઈલ સામાનીની કબરને જોઈને થઈ. નવમી સદીના અંતમાં બંધાયેલ આ સ્થાપત્ય મધ્ય એશિયાનાં સૌથી નોંધપાત્ર સ્થાપત્યોમાંનું એક છે. ઇસ્લામકાળ પહેલાંની એશિયન સ્થાપત્યકલાનું પ્રતિનિધિત્વ કરતું આ મહાલય પત્થરોમાંથી નહીં, ઈંટોથી બનાવાયું છે. રેગિસ્તાનની રેતમાંથી બનાવેલ ઈંટોમાંથી સર્જેલ કલાત્મક આકારો અદ્ભૂત છે. અહીંની રેતીના કણોમાં સ્ફટિકો છે, જે સૂર્યપ્રકાશમાં રંગ બદલે છે, માટે એમાંથી બનાવેલ ઈંટોમાંથી રચેલું આ સ્થાપત્ય દિવસના દરેક પ્રહરમાં રંગ બદલે છે. સવારના આછા સૂર્યપ્રકાશમાં એ સફેદ લાગે છે. બપોરના તાપમાં એ પીળું લાગે છે અને ઢળતી સાંજના ભૂંસાતા અજવાસમાં ગુલાબી દેખાય છે! ઈંટકલાથી સર્જાયેલી એની જાળીઓની બારીકી લાજવાબ છે. અને નવાઈની વાત એ છે કે, એક મુસ્લિમ રાજાની કબર ઉપરના આ સ્થાપત્યની ઈંટકલામાં છુપાયેલ આકારોમાં ઇસ્લામિક પ્રતીકો નથી. એમાં સર્જેલાં પ્રતીકો ઝોરાષ્ટ્રીયન સંસ્કૃતિની યાદ અપાવે છે. ઈરાની અનુબંધની પ્રતીતિ કરાવતાં એ પ્રતીકો – અગ્નિ, પાણી, આકાશ, વરુ, વગેરે અમારા ગાઇડે અમને એ જાળીઓમાં બતાવ્યાં. ઈરાની વણઝારાઓ અહીંના અસલ વતની ગણાય છે. સાતમી સદીમાં આરબોએ આખોય પ્રદેશ કબજે કર્યો. તે સમયે આ જરથોસ્ટ્રી ધર્મ પાળતા લોકોને ધર્માંતર કરવા લલચાવાયા. જે પૈસાની લાલચમાં ન આવ્યા, તેમના પર ધાકધમકી અને બળજબરી અજમાવવામાં આવી. કહેવાય છે કે, મજબૂરીમાં ઇસ્લામ સ્વીકારનાર મોટી ઉંમરના જરથષ્ટ્રીયનો પોતાની પાસે કટાર રાખતા અને આરબો જ્યારે નમાજ માટે નમે, ત્યારે એમની પીઠમાં એને ખોસી દેતા. પણ આખરે બળ અને સંખ્યા પાસે સૌને નમવું પડ્યું. અને એમ સમગ્ર પ્રદેશ પર ઇસ્લામનું આધિપત્ય પ્રવર્ત્યું. અહીંના મૂળ વતની એવાં ઈરાનીઓના અને આપણા પૂર્વજો તે આર્યો. આશ્ચર્યની વાત છે કે, ઇસ્લામ સ્વીકાર્યા પછી સદીઓ વીતી ગઈ, છતાં પણ બુખારાની પ્રજાએ આર્ય સંસ્કાર જાળવી રાખ્યા છે. અમારા ગાઇડે સમજાવ્યું : ‘આર્ય કૂળના આપણે સૌ. આપણી સંસ્કૃતિઓ વચ્ચે ઘણી સમાનતા છે. જેમકે, અમારે ત્યાં પણ વર પરણવા જાય, ત્યારે નાચતા-ગાતા દોસ્તો સાથે વાજતે-ગાજતે કન્યાને બારણે જાય છે. કન્યાના ઘરે એક વેદીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે, અને વર કન્યાને ઊંચકીને આ અગ્નિ ફરતે સાત ફેરા ફરે! માત્ર બુખારામાં જ આવી પ્રથા છે. આખાય ઉઝબેકિસ્તાનમાં બીજે ક્યાંય આવું તમને જોવા નહીં મળે.’ મુસ્લિમ રાષ્ટ્રની મુસ્લિમ ધર્મ પાળતી પ્રજાને ત્યાં અગ્નિ ફરતેના સાત ફેરાના રિવાજની વાત સાંભળીને નવાઈનો પાર ન રહ્યો! ચકિત કરી દે, તેવી હકીકત એ છે કે; બુખારાનું એકેએક સ્થપત્ય પોકારી પોકારીને કહે છે કે, આ શહેર આજકાલનું નથી, એ તો વિષમ મરુભૂમિની વચ્ચે સહસ્રાબ્દીઓથી અડીખમ ઊભેલું છે. છેક ચીન, જાપાન અને હિન્દુસ્તાનથી અફાટ રણને વીંધીને ચાલ્યા આવતા કાફલાનાં પગલાં અહીંની રેતીએ સાચવ્યાં છે. એક સમયે દેશ-વિદેશની વસ્તુઓના વ્યાપાર-વાણિજ્યથી ધમધમતું એ બજાર ઉઝબેક પ્રજાએ હજીય એવું ને એવું જ સાચવ્યું છે. અહીંના પ્રવાસન વિભાગે એવી ગોઠવણ કરી છે કે, બુખારાના પુરાણા સ્થાપત્યોને જોવા હોય, તો એ બજાર સોંસરવું પસાર થવું જ પડે. આજેય ત્યાં બેસીને લુહારો કલાત્મક કાતર, સૂડી, ચપ્પુ જેવાં ઓજાર તથા તલવાર, કટારી જેવાં શસ્ત્રો ટીપે છે. કારીગરો જાતે બનાવેલ પરંપરાગત વાજિંત્રો વેચે છે. ચિનાઈ માટીનાં રમકડાં, ભૂરા રંગનું નકશીકામ કરેલા કાચના પાત્રો, પત્થરનાં આભૂષણો વગેરેની હાટ લાગેલી જોઈને સિલ્કરૂટ પર વ્યાપાર અર્થે નીકળેલી વણજારો તાદૃશ થઈ જાય છે. આ વણજારો બુખારાની સીમમાં પડાવ નાખતી. ગામની સાંકડી ગલીઓમાં મોટી મોટી વણજારોનો સમાવેશ થવો શક્ય નહોતો, એટલે એમના પડાવ ગામની બહાર રહેતા. નિયમિત રીતે અહીં આવતા વિવિધ પ્રદેશના લોકોએ ગામની ફરતે પોતપોતાની સરાઈઓ બનાવી. આ પોઠોના ઉતારા હજીય બુખારાની સીમમાં સચવાયેલાં છે. દરેક મુલકના લોકોની અલગ અલગ સરાઈ. ગામની ફરતે વર્તુળાકારે એ પુરાણા સમયના ઉતારા આજેય પારખી શકાય છે. વણજારોમાં આવતા કેટલાક લોકોને આ સ્થાન ગમી ગયું હશે કે પછી અહીંની કોઈ હૂરના પ્રેમમાં પડીને કોઈએ અહીં વસવું પસંદ કર્યું હશે? કારણ જે હોય તે, પરંતુ એ હકીકત છે કે, અહીં હિન્દુસ્તાનીઓ પાંચ હજાર વર્ષથી વસેલાં છે! એવું જ બીજું અચરજ અહીં યહૂદીઓનો મહોલ્લો – જૂઈશ ક્વાર્ટર તથા એમનું પ્રાર્થનાસ્થાન – સાયનાગૉગ જોઈને થયું. શહેરની મધ્યમાં એક નાનકડું જળાશય છે. હા, પુરાણા સ્થાપત્યો વચ્ચે સ્થિત આ એ જ તળાવ છે, જ્યાં લાંબી સફરનો થાક ઉતારવા મુસાફરો ઊંટ પલાણતા હશે, ને વ્હેલ પરનાં પશુઓને છોડી, એમને પાણી પિવડાવતા હશે. અહીં જ સમી સાંજે મશાલો પ્રજ્વળી ઊઠતી હશે, ને પછી ખંજરી અને ડફલી જેવાં વાદ્યોની સંગતમાં રણઝણી ઊઠતા તંતુવાદ્યોના મધુરા સૂર રણની રેતીમાં નર્તનની લહેર સર્જતા હશે. સંગીતને તાલે ઝૂમતી હવાના સ્પર્શે કોઈ નૃત્યાંગના પોતાના મનને રોકી નહીં શકતી હોય ને એની પાનીઓ સ્વરલહેરીમાં તણાતી ઠેઠ આ તળાવના કાંઠે ઊભેલા ચોક સુધી વહી આવતી હશે. સંગીતની તર્જ પર વળ ખાતા મુલાયમ શરીરનું કાતિલ નાગનૃત્ય, બુલંદ તાલે થરકતા શરીર પર લસરી જતી ચમચમતી તલવારનું શૌર્યનૃત્ય કે પછી ઝળહળ દીવડા સાથેનું તેજસ્વી દીપનૃત્ય – કદરદાનોની સંગતમાં નૃત્ય એની પરાકાષ્ઠાએ પહોંચી જતું હશે. લાંબી સફરનો થાકેલો મુસાફર નૃત્યસંગીતની સંગાથે રણની વિષમતાઓ ભૂલીને બે ઘડી નિજાનંદમાં લીન થઈ જતો હશે! આજે પણ આ મધ્યસ્થ સ્થળ પ્રવાસીઓની ચહલપહલનું મુખ્ય કેન્દ્ર છે. હું ભરબપોરે શાંત ચિત્તે એ તળાવકાંઠે ઊભી હતી. તળાવ પરથી ઊઠતી શીતળ લહેરખીના સ્પર્શે વાતાવરણ જાણે અચાનક ધૂમિલ થઈ ગયું. યુગયુગાન્તરથી પસાર થઈ રહેલી વણજારોના ભણકારા કાનમાં ગુંજવા લાગ્યા. સમયથી મુક્ત થઈ ગયેલું એ દૃશ્ય ફરી સજીવન થઈ ગયું. એક ક્ષણ માટે લાગ્યું કે, આ સ્થળ, આ માહોલ, કશુંય અજાણ્યું નથી. રણ વીંધીને ચાલી આવતી કાલાતીત વણજારો સાથે આદિકાળથી પસાર થતી રહી છું અહીંથી!