વાર્તાનું શાસ્ત્ર/લોકવાર્તાનું સાહિત્ય

From Ekatra Wiki
Revision as of 15:13, 2 November 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
પ્રકરણ અગિયારમું
લોકવાર્તાનું સાહિત્ય

પ્રત્યેક ભાષામાં વાર્તાનું સાહિત્ય અખૂટ છે. આજે આપણી દુનિયામાં જેટલું વાર્તાસાહિત્ય પ્રગટ થઈ ચૂકયું છે તેથી અનેકગણું વધારે સાહિત્ય લોકોને કંઠે છે. એ સઘળું કંઠસ્થ સાહિત્ય જ્યારે પુસ્તકાકારે પ્રગટ થશે ત્યારે તો લોકોને વાર્તાસાહિત્યનાં ખાસ પુસ્તકાલયો જ ઉઘાડવા પડશે. વાર્તા આબાલવૃદ્ધ સૌનો મીઠો મેરામણ છે. ઊંઘની ગોદમાં સરી જતા બાળકને વાર્તા મધુર સ્વપ્નભરી નિદ્રાનો રૂડો પ્રસ્તાવ છે. દર્દથી સળગી રહેલી પથારીમાં બેચેનીથી આમતેમ ગડથોલાં મારતા દરદીને મન વાર્તા એક ઠંડો લેપ છે. અનિદ્રાથી બળી રહેલ કોઈ દુઃખી કે નિરાશ આંખોની વાર્તા નિદ્રાદેવી છે. તલવારના ઘાથી ઘાયલ થયેલ સૈનિકનું વાર્તા અમોલ ઔપધ છે. વાર્તા વૃદ્ધને જુવાની બક્ષે છે, માને બાળકનું નિર્દોપપણું આપે છે અને જુવાનને પોતાની કુમારાવસ્થાનું પુનરાવર્તન કરાવે છે. રાજારાણીને વાર્તા મનોરંજક છે; થાકીપાકી ગયેલા મજુરને વાર્તા શ્રમવિહારક છે; વાર્તા વિદ્યાર્થીની સરસ્વતી દેવી છે ને પ્રવાસીનો મીઠોમોંઘો વિસામો છે. આ વાર્તાઓ કોણે કરી, કયારે કરી, કોણે કહી સંભળાવી, કોણે એનો પ્રચાર કર્યો એ ઈતિહાસનું પ્રકરણ હજી કોરું જ છે; અને જ્યાં સુધી વાર્તાઓ લોકોના જીવનમાં જીવંત છે ત્યાં સુધી તેનું ઐતિહાસિક પ્રકરણ કોરું જ રહેશે. એમ કહેવાય છે કે જ્યારે વસ્તુ મરી જાય, નિર્જીવ બને કે જીવનમાંથી ખસી જાય ત્યારે જ તેનો ઈતિહાસ બને, ત્યારે જ તે ઈતિહાસને ચોપડે જીવવા લાગે છતાં વાર્તાનું પિયર શોધવાનું રસિક કામ આપણે કોઈ કાળે પણ કરી શકીશું. કેટકેટલી વાર્તાઓએ દેશાંતર કર્યાં છે, કેટકેટલી વાર્તાઓએ ધર્માંતર કર્યાં છે, અને કેટકેટલી વાર્તાઓએ રૂપાંતર કર્યા છે તે શોધવામાં અપૂર્વ મજા રહેલી છે. જો વાર્તાની સાથે આપણે પણ ભટકતા મુસાફર બની જઈએ તો જે એક વાર્તા આપણને તિબેટમાં મળે તે જ વાર્તા મધ્ય આફ્રિકામાં દેખાવ દે; વળી એ જ વાર્તા બરફથી ખરડાયેલા શરીરે આપણને ધ્રુવમાં દર્શન આપે તો વળી અરબસ્તાનમાં ફરતા હોઈએ ત્યારે ત્યાંના ગરમ મુલકમાં બિલકુલ વસ્ત્ર વિનાની હોય તોપણ આપણે તેને ઓળખવાની ભૂલ ન કરીએ. કેટલીએક વાર્તાઓ વ્યવહારડાહ્યા માણસો જેમ દેશ તેવો વેશ રાખીને રહે છે, તો વળી કેટલીએક વાર્તાઓ એટલી સંકુચિત વૃત્તિવાળી હોય છે કે દુનિયા આખીમાં ભટકે પણ પોતાની હિંદુ શિખ કે મુસલમાની દાઢી કે ચીનનો ચોટલો છોડતી જ નથી. સ્વભાવવૈચિત્ર્ય અને રુચિભિન્નતા વાર્તાઓમાં પણ છે જ. કેટલીએક વાર્તાઓ વિશ્વબન્ધુત્વના સિદ્ધાંતની ઉપાસક હોય તેમ આખી દુનિયાને પોતાનું ઘર માને છે, અને જ્યાં સેવા કરવાની તક મળી જાય ત્યાં રહી જાય છે ને બીજાને સુખી કરીને સુખ માણે છે. કેટલીએક વાર્તાઓ પ્રેમને વશ થઈને જુદા જુદા દેશોમાં કાયમ વસી રહેલી છે; હવે તો તેઓ તે દેશની જ વાર્તાઓ તરીકે લેખાય છે; હવે તેઓ માત્ર ભાષાંતર દ્વારા બીજા દેશમાં જાય છે. આથી જ આપણે જાપાનની વાર્તાઓ, પંજાબની લોકવાર્તાઓ, મલાયાની જીવનકથાઓ કે કાઠિયાવાડની જૂની વાતો, એવા ખાસ નામે તેમને ઓળખવી પડે છે. છતાં કેટલીએક વાર્તાઓએ સંન્યાસીનું કામ કરેલું છે; અનેક ઠેકાણે તેમણે દેખાવ દીધો છે ને અનેક પ્રજાની તેઓ ગણાઈ છે, છતાં તેઓ પોતે તો નિરાળી જ રહી છે. આવી વાર્તાઓને ગ્રીસ જર્મનીની વાર્તા માને છે ત્યારે મોરોક્કોના હબસીઓ કહે છે કે એ વાર્તાઓ તો અમારી છે. સિયામવાળા કહે છે કે અમારી વાર્તા તમે લઈ ગયા છો તો ખાસી લોકો કહે છે કે હકીકત એમ છે કે એ વાર્તાઓનું આદિ ઘર અમારે ત્યાં હતું. પુરાતત્ત્વવેત્તાઓ આ કાર્ય પાછળ પોતાનું સમગ્ર જીવન પણ ખરચી નાખી શકે. અનેક દૃષ્ટિએ પ્રચલિત લોકવાર્તાઓને આપણે એકઠી કરવાની પૂરેપૂરી જરૂર છે. લોકસાહિત્ય સમાજજીવનનું આભલું છે. લોકજીવનને જાણવું હોય તો આપણે લોકસાહિત્યમાં પ્રતિબિંબ થયેલ લોકજીવનને જોવું. ગમે તેટલો દંભી સમાજ પોતાનુ આંતર જીવન લોકસાહિત્ય દ્વારા વ્યક્ત કરી બેસે છે. લોકસાહિત્ય શિષ્ટ જનોએ લોકજીવન ઉપર ઢાંકેલ પિછોડીને દૂર કરી નાખે છે અને લોકહૃદયને ખુલ્લેખુલ્લું બતાવી શકે છે. લોકનું બળાબળ, લોકના ભાવાભાવ, લોકના આશાભિલાપો, ટૂંકમાં લોકનું સાચું હૃદય લોકસાહિત્યમાં જ વસે છે. જ્યાં સુધી સમાજ સ્વાભાવિક છે ત્યાં સુધી લોકજીવન અને લોકસાહિત્યમાં સંગતિ ભાસે છે. પણ જ્યારે સમાજ ઢોંગી બની જાય છે ત્યારે લોકજીવન અને સમાજ વચ્ચે વિસંવાદ દેખાય છે. વિસંવાદ ખરેખર સાચો હોતો નથી, માત્ર દેખીતો છે, કારણકે સમાજ દંભી બનેલ છે. આવે વખતે સમાજને ઢોંગમાંથી બચાવવા માટે લોકસાહિત્ય તરફ સમાજની નજર પડે તેવો પ્રબંધ કરવાની આવશ્યકતા રહે છે. આવે વખતે સમાજે ઊભા કરેલા કૃત્રિમ સાહિત્યની પોકળતા તેની પાસે ઉઘાડી પાડવાની જરૂર છે. એકવાર જો સમાજ પોતાની સાચી સ્થિતિ સમજી જાય તો તે જ ક્ષણથી સમાજ અને તેના લોકસાહિત્યમાં સ્વાભાવિકતા અને નિખાલસતા આવી જાય; એટલું જ નહિ પણ તેનું શિષ્ટ સાહિત્ય પણ સાચા જીવનના પાયા ઉપર રચાય. લોકસાહિત્ય શિષ્ટ સાહિત્યનું ઉત્પત્તિકારણ છે. આથી જ જેટલું લોકસાહિત્ય નિર્મળ તેટલું જ શિષ્ટ સાહિત્ય પવિત્ર અને બળવાન હોય છે. ગમે તેટલો દંભ કરે તોપણ બગડેલી પ્રજાનું લોકસાહિત્ય અને શિષ્ટ સાહિત્ય બગડેલાં જ પ્રગટ થઈ જવાનાં. આપણે લોકજીવનમાં કયાં છીએ એ વિચારથી પણ પ્રેરાઈને લોકસાહિત્યને એકઠું કરવાની આપણી પ્રવૃત્તિ અતિ ઉપયોગી છે. લોકસાહિત્ય કયાં રહે છે એ પ્રશ્ન હવે પૂછવાની જરૂર નથી. જ્યાં જ્યાં સાચું લોકહૃદય હજી પણ ધબકે છે ત્યાં ત્યાં લોકસાહિત્ય અમર અક્ષરે લોકસ્મૃતિમાં લખાયેલું પડયું જ છે. રાજદરબારમાં શિપ્ટ સંગીત છે પણ લોકસંગીત તો એકાદ માર્ગી સાધુની ભજનમંડળીના તંબૂરાની ધૂનમાં અને માતાજીનાં મંજીરાંના રણકારમાં છે. એકાદ ગાયિકાના ગાનમાં શાસ્ત્રીય સંગીત છે પણ લોકસંગીત તો અજવાળી રાતે રાસડા લહેંકાવતી ખવાસણો કે લગ્નગીત ગાતી સપારણોના ગળામાં છે. પંડિતોની સભામાં કે પુરાણીની કથામાં શિષ્ટ કથાવાર્તાઓ છે, પણ લોકવાર્તાઓ તો ભાટચારણની જીભ ઉપર છે કે માણભટની માણ ઉપર છે કે માતાની હૂંફાળી સોડમાં છે કે ગોઠિયાની છાની છાની વાતોમાં છે. લોકસાહિત્ય જોઈતું હોય તો તે શાળાના શિક્ષક કે કૉલેજના પ્રોફેસર પાસેથી નહિ મળે; એ નહિ મળે રાજદ્વારી મુત્સદી પાસેથી કે વિલાયત કે અમેરિકા જઈને ખેતીવાડીનું શાસ્ત્ર શીખી આવેલ ખેડૂત પાસેથી. એ નહિ મળે સિનેમા કે નાટકનાં થિયેટરોમાંથી કે થોકબંધ પુસ્તકો છાપતાં મુદ્રણાલયો કે પ્રકાશનમંદિરોમાંથી. એ નહિ મળે મિલોનાં ભૂંગળાંમાંથી કે મોટરોના ભૂંકણમાંથી. નહિ મળે એ આર્ટ ગેલેરીમાંથી કે સંગીતશાસ્ત્રીઓના જલસાઓમાંથી. નથી એ મળવાનું પંચદશી અને પંચીકરણ વાંચનારા મહારાજો પાસેથી કે નથી એ મળવાનું વ્યાકરણના પાઠો ભણેલા શાસ્ત્રીજી પાસેથી. નથી એ રહેતું ખંડકાવ્યો કે એકભાવકાવ્યો કરનાર કવિ પાસે કે નથી એ રહેતું મુંબઈમાં બેઠાં બેઠાં ઐતિહાસિક નવલકથા લખનાર લેખકો પાસે. લોકસાહિત્ય તો રહે છે કોસ હાંકતા ખેડૂત પાસે કે ભાત દેવા જતી ભથવારી પાસે. કાં તો એ રહે છે પનઘટ જતી પનિહારીને બેડે કે કાં તો એ રહે છે કોઈ છાણાં વીણવા જતી જૂનીપુરાણી ડોશી પાસે. લોકસાહિત્ય રહે છે સોનીની કે લુહારની કોડે કે એ રહે છે કુંભારને ચાકડે. કોઈ વાર એ તંબૂરાને રણકારે રહે છે તો કોઈ વાર તો એ ચૂડલીઓના ઝણકારે રહે છે. ભાટચારણ અને જૂના જોગીજતિઓ લોકસાહિત્યનું માહેરઘર છે. ઘણી વાર તો એ રહે છે માતાજીને અર્પણ થયેલાં નરનારીઓની પાસે તો કેટલેક ભાગે એ વરેલું છે ભરવાડની જીભે. લોકસાહિત્ય શોધવું હોય તો શહેર છોડીને ગામડામાં જવું પડે કે ગામ છોડીને સીમમાં જવું પડે. વાસુ ગયેલો ખેડૂનો જુવાન દીકરો ને બાજુના ખેતરનો સંતતિ વિનાનો એકલદોકલ ઘરડો ડોસો જ્યારે સોરઠા, દુહા ને રામવાળા લલકારે ત્યારે જ લોકસાહિત્યની નદીઓ રેલે. ઘસાઈ ગયેલા કાઠિયાવાડના બાપુઓનો ડાયરો જામ્યો હોય, અફીણ બરાબર આવ્યું હોય ને પછી ગઢવી વાર્તા લલકારે ત્યારે જ ખરી ખૂબી જણાય લોકવાર્તાની. પરવારી કરીને દાંતે બજર દેતાં ડોશીમા નાનાં નાનાં છોકરાંની ઘીંઘરને વાર્તા કહેતા હોય ત્યારે જ ખબર પડે બાળવાર્તાના અદ્ભુત જાદુની. લોકસાહિત્યની શોધમાં નીકળ્યા હો તો જાઓ કોઈ ઈશ્કઘાયલ સોન કે હલામણ પાસે અથવા ઊજળી ને જેઠવા પાસે. તમે કોઈ ભટકતા વિજાણંદ અને શેણી પાસેથી અથવા કોઈ આશાભંગ સોનકંસારી કે રખાપત બાબરિયા પાસેથી લોકસાહિત્યની આશા રાખી શકો. એકતારો કે ભરથરી લઈને ભીખ માગવા નીકળેલ કોઈ બાવો તમને લોકગીતનો સારો સંગ્રહ આપશે. કાચબાકાચબીનું ભજન કે 'વીજળી વેરણ થઈ' એ ગીત તમને એમની પાસેથી જ સાંપડવાનાં. રઢિયાળી અજવાળી રાતે નવવધૂઓ અને વિરહિણીઓ વાર અને મહિનાઓ ગાઈ રહી હોય ત્યાં કાન માંડીને બેસો એટલે લોકગીતની ભૂખ ભાંગશે. અજવાળી રાતે ભાલનાં કે ઝાલાવાડનાં ગામડામાં કાલાં ફોલાતાં હોય કે મોટા વરાના ઘઉં વીણાતા હોય કે નદીકાંઠે શીતળા મા બેઠાં હોય કે ઘરની ભીંતે નાગ બાપજી કાઢયા હોય કે ગૌરીનાં વ્રતો કે પુરુષોત્તમ માસનાં વ્રતો આચરતાં હોય ત્યાં જઈને બેસો એટલે લોકવાર્તાના ઢગલેઢગલા મળશે. લોકસાહિત્યની કયાં ખોટ છે ? ચોરે ચોરે લોકસાહિત્યની લહાણી થાય છે; શેરીએ શેરીએ નાનાં બાળકો લોકસાહિત્ય વિના મૂલ્યે ફેલાવે છે; ઘરે ઘરે વૃદ્ધ માજી લોકસાહિત્યની છેલ્લી છેલ્લી પ્રસાદી આપતાં બેસે છે. લોકવાર્તા એ લોકસાહિત્યનું એક મોટું અંગ છે. સામાન્ય રીતે નીચેની બાબતો લોકસાહિત્યનાં અંગોમાં ગણી શકાય :-

૧. લોકવાર્તાઓ
૨. લોકગીતો
૩. લોકરૂઢિઓ
૪. લોકરમતો
૫. લોકકહેવતો
૬. લોકવહેમો અથવા લોકમાન્યતાઓ

આમાં લોકવાર્તા અને લોકગીતો લોકસાહિત્યનાં મહત્ત્વનાં અંગો છે, કારણકે એમાં લોકજીવનનું સાચું પ્રતિબિંબ છે એટલું જ નહિ. પણ લોકજીવનની ખરી તર છે. લોકવાર્તાઓ આપણને જ્યાં જ્યાં લોકસાહિત્ય મળી શકે છે તે તે સર્વ સ્થળે મળી શકે છે. લોકવાર્તાના અનેક પ્રકાર છે. લોકજીવનની સ્થિતિ સ્થિતિનાં ચિત્રોથી ભરપૂર અનેક લોકવાર્તાઓ આપણે એકઠી કરી શકીએ. લોકજીવનના જુદા જુદા વખતના અભિલાપોને પોપે તેવી વિવિધ પ્રકારની વાર્તાના અસ્તિત્વમાં જ લોકજીવનની ખૂબી છે. આબાલવૃદ્ધ સૌને માટે લોકવાર્તાના ભંડારમાં વાર્તાઓ છે જ. લોકવાર્તાના અફાટ અને વિશાળ મીઠા જળસમુદાય પાસેથી કોઈક જ તરસ્યો જતો હશે. જેને જેટલી જોઈએ તેટલી વાર્તા એ સરોવરોને કાંઠે પડેલી છે. શું બાળક, શું વૃદ્ધ, શું સ્ત્રી શું પુરુષ, શું રાય શું રંક, શું ગ્રહસ્થ શું સાધુ, શું વેશ્યા શું કુલાંગના, હરેક વ્યક્તિ લોકવાર્તાને મન સરખી છે, હરેક વ્યક્તિને મનગમતી વાર્તા તૈયાર જ છે. હાસ્યવિનોદીને હાસ્યપ્રચૂર વાર્તા જડે છે તો ગંભીર તત્ત્વવેત્તાને પણ એને ગમે તેવી વાર્તા નથી મળતી એમ નથી. આવી વાર્તાઓના પ્રકાર નીચે પ્રમાણે ગણાવી શકાય :- (૧) પ્રાણીઓની વાતો આવી વાતોના સંગ્રહોમાં ઈસપનીતિ, કેટલેક અંશે જાતકમાળા, પંચતંત્ર અને હિતોપ્રદેશ છે. પ્રાણીઓની વાર્તા દ્વારા સમાજને ધર્મનીતિ વગેરેની સમજણ આપવાની આ વાર્તાઓમાં શક્તિ રહેલી છે. અગાઉના જમાનામાં આવી વાર્તાઓને ધાર્મિક શિક્ષણના કાર્યમાં વાપરવામાં આવતી. આ સંગ્રહો એક વખતની પ્રચલિત લોકવાર્તાના જ સમૂહો છે. (૨) કુદરતનાં બનાવો અને દશ્યો સંબંધી વાતો સમાજના બાલ્યકાળથી તે જ્યાં સુધી વિજ્ઞાનનો નિર્મળ પ્રકાશ ચોમેર ફેલાયો ન હતો ત્યાં સુધી આવી વર્તાઓમાં લોકો ખૂબ રસ લેતા અને હજી પણ અજ્ઞાની લોકો આવી વાર્તાઓમાં આનંદ લઈ શકે છે. અજ્ઞાત પ્રદેશો સંબંધેની માહિતીના અભાવે આવી વાર્તાઓ બાળકોને અતિ પ્રિય લાગે છે. આવી વાર્તાઓમાં જે સઘળું અદ્ભુત છે, જે સઘળું અગમ્ય છે, તેનો લોકદષ્ટિ ને કલ્પનાએ ખુલાસો આપવાનો તેમાં પ્રયત્ન છે. આવી વાર્તાઓને અંગ્રેજી કુદરતની કથાઓ (Nature-myths) કહે છે. ઉંદર- બિલાડીને અને બિલાડીકુતરાને કુદરતી વેર કેમ છે, ચાંદામાં હરણ કેમ દેખાય છે. આકાશ ઊંચે કેમ છે, વીજળી થયા પછી મેઘ કેમ ગાજે છે, વગેરે કુદરતી બનાવોના ખુલાસારૂપે આવે નામે વાર્તાઓ છે. અંગ્રેજીમાં Nature Myths by Shovonadevi નામે આવી જાતની એક ચોપડી પણ છે. (૩) વનસ્પતિજીવનની વાતો આવી વાતો આપણા લોહસાહિત્યમાં ઘણી થોડી છે. અંગ્રેજી સાહિત્યમાં આવી જાતની વાતો ઘણી મળે છે. લજામણીને અડવાથી તેના પાંદડાં શા માટે નીચે જાય છે એ વાર્તા પણ આવા પ્રકારની છે. અંગ્રેજીમાં એસ્પન ઝાડનાં પાંદડાં શા માટે હલ્યા કરે છે ને પાનખર ઋતુમાં પણ અમુક ઝાડોનાં પાંદડાં શા માટે ખરી પડતાં નથી, વગેરે બાબતોની વાતો છે.

(૪) વારતહેવારોની વાતો વારતહેવારની વાતો આપણને ખૂબ જાણીતી છે. બોળચોથની, શીતળા સાતમની, ગણેશ ચોથની વગેરે વાતો આજે પણ આપણે સાંભળીએ છીએ. મી. કિન્કેઈડે તો 'દક્ષિણના ઘરની વાતો' (Deccan Nursery Tales) એ નામનો વારતહેવારની આ વાતોનો એક સંગ્રહ બહાર પાડેલો છે. વારતહેવારે મહારાજો પાસે બેસીને આપણી સ્ત્રીઓ હજૂ પ્રેમપૂર્વક વાતો સાંભળે છે. (૫) બાળવાર્તાઓ બાળવાર્તાઓનો પ્રકાર વળી નોખો જ છે. જે વાર્તાઓમાં પ્રધાનપણે બાળકો જ મજા લઈ શકે છે તે વાર્તાઓ બાળવાર્તાઓ છે. સાદી અને ટૂંકી વાર્તાઓ બાળકોને અત્યંત પ્રિય છે. પોતાની આસપાસ બનતા બનાવોનું પ્રતિબિંબ, પશુપક્ષીઓનો વ્યવહાર, ટૂંકાં અને જલદી મૉએ થઈ જાય એવાં ને વારંવાર બેવડાય એવાં જોડકણાં વગેરે બાળવાર્તાનાં લક્ષણો છે. આપણી ભાષામાં આવી વાર્તાઓના સંગ્રહો બહુ થોડા છે. વાર્તાને બાળવાર્તા કહેવાથી તે બાળવર્તા બની જતી નથી. બાળવાર્તાનાં લક્ષણોનો પૂરો ખ્યાલ ન હોવાથી ઘણા લોકો બીજા પ્રકારની વાર્તાઓને ભૂલથી બાળવાર્તા કહી બેસે છે; એથી ચેતવાનું છે. (૬) કહેવતનું મૂળ બતાવનારી વાતો કેટલીએક એવી વાતો છે કે જે વાતો આપણામાં પ્રચલિત કહેવતોનો રહસ્યાર્થ-તત્ત્વાર્થ આપણા હાથમાં મૂકી આપે છે. જ્યાં સુધી કહેવત સાથી બની તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી કહેવતોનો ખરો અર્થ અને તેનો વપરાશ આપણે સમજીએ નહિ. તમામ કહેવતોનું કંઈક મૂળ તો હોય જ છે. આવી મૂળ બતાવનારી કહેવતોની વાર્તાઓનો એક જુદો જ સંગ્રહ થઈ શકે. આવો એક સંગ્રહ શ્રી ગણેશજી જેઠાભાઈએ બહાર પાડીને લોકસાહિત્ય ઉપર ઉપકાર કર્યો છે. એ સંગ્રહનું નામ 'કૌતુકમાળા' છે. આવી વાર્તાઓ અંગ્રેજી સાહિત્યમાં જોવામાં આવી નથી. ગુજરાતી ભાષાના લોકસાહિત્યની આ એક વિશિષ્ટતા અને તવંગરપણું છે. આવી વાર્તાઓ લોકસાહિત્યની દષ્ટિએ ખાસ અભ્યાસ કરવા યોગ્ય છે. જૂના લોકો કેવા પ્રકારના જીવનમાં ખૂબ રસ લેતા, કેવી જાતની રહેણીકરણી તેમને આકર્ષક લાગતી, તેમની નીતિરીતિની કલ્પના કેવી હતી તેનો સાચો ખ્યાલ આવી વાર્તાઓ આપે છે. કહેવતો સમાજમાનસનું એક બાજુનું એક પ્રકારનું કિંમતી ચિત્ર છે. કહેવતો પોતે જ લોકસાહિત્યનું અંગ છે એટલે કહેવતો સમજાવનારી વાતોની કિંમત અમૂલ્ય છે. (૭) વિનોદની વાતો અને ચાતુરીની વાતો આપણા લોકોનો વિનોદ ચાતુર્યપ્રધાન માલૂમ પડે છે. સમાજની વૈશ્યવૃત્તિને અનુકૂળ ચાતુર્ય અને વિનોદ આવી વાર્તાઓમાં ઠારોઠાર નજરે પડે છે. ઘણા વખતથી ગુલામીમાં સબડતા લોકોમાં ચાતુરીની વાતો જ સાહસની વાતો કરતાં વધારે નીકળી શકે. કોઈથી ઠગાઈ નહિ જવામાં, અને બને તો બીજાને ઠગવામાં લોકોનું વલણ જે વખતે વધી ગયું હશે તે વખતના લોકોના જીવનની સાક્ષીભૂત આવી વિનોદમય ચાતુરીની વાતો છે. એ વાર્તામાં બુદ્ધિકૌશલ્ય છે તેમ મીઠી મજા પણ છે. પણ એ બધા કરતાં એમાં સ્વરક્ષણનો વિચાર વધારે છે. છતાં આવી બુદ્ધિચાતુર્યભરેલી વાતો બહુ જ કુશળ મગજમાંથી નીકળી હોવી જોઈએ. એ વાર્તાનો રચનાર પ્રજાના બુદ્ધિવૈભવ માટે તો આપણે તેને માન આપીએ જ. 'બાદશાહ ને બીરબલ'ની વાતો આવી વાર્તાઓનો ભંડાર છે. 'ટચુકડી સો વાતો' તે બાળવાર્તાઓ નથી પણ ચતુરાઈનો મહિમા ગાનારી વાર્તાઓનો સંગ્રહ છે. એક રીતે 'કૌતકમાળા'ની વાર્તાઓ પણ આવા જ પ્રકારની છે. (૮) પૌરાણિક વાતો ખુદ પુરાણની વાતો અને તે ઉપરથી જુદો જુદો વેશબદલો કરીને ચાલતી વાતો પૌરાણિક વાતો કહેવાય. આવી વાર્તાઓનો તોટો નથી. આનો એક સારો એવો સંગ્રહ આવશ્યક છે. આપણાં પુરાણો તો વાર્તાઓની કામધેનુ કે કલ્પવૃક્ષ છે. એમ કહેવામાં ખોટું નથી કે પુરાણો વાર્તાઓનું માહેરઘર છે. ઘણી ઘણી લોકવાર્તાઓ પુરાણોમાંથી ઉદ્ભવેલી છે. (૯) શૂરાઓની વાતો કાઠિયાવાડ જેવા અદ્ભુત પહાડી મુલકમાં શૂરાઓની વાતો ન હોય તો બીજે કયાં હોય ? ચાતુરીની વાતો કાઠિયાવાડના વ્યવહારકુશળ વાણિયાના મોંમા જેટલી શોભે છે તેટલી જ આ શૂરાઓની વાતો કાઠિયાવાડના વીરનરોનું ગુણગાન ગાનારા ભાટચારણોને મોઢે શોભે છે. કાઠિયાવાડનો એક એક પાળિયો શૂરાતનની વાત કહી રહ્યો છે. એ શૂરાતનની વાતો આજે પણ ગઢવીઓ પાસે, લડતી વખતે નીકળેલા લોહી જેવી તાજી ને તાજી છે. રજપૂતો એ વાર્તા સાંભળતાં સાંભળતાં આજે પણ પોતાની જૂની તલવારનાં કાતાં ખેંચવા લાગી જાય છે ને બંધાણી ગરાસિયા મૂછે તાલ નાખી ખોંખારી ઊઠે છે. આવી વાર્તાઓનો સંગ્રહ થવાની પૂરી જરૂર છે. કવિતો, દુહાઓને સોરઠાથી ભરપૂર ચારણી ભાષામાં ગોઠવાયેલી વાર્તાઓ તો કાઠિયાવાડને જ વરેલી છે. જેવાં એનાં એક કાળનાં અદ્ભુત પરાક્રમો છે એવી જ એની વાતો છે. (૧૦) પ્રેમકથાઓ ગુજરાતી ભાષાને પ્રેમકથાઓ તો કાઠિયાવાડે જ આપી છે. દુનિયાના સાહિત્યમાં આ પ્રેમકથાઓ અદ્વિતીય છે. સદેવંત સાવળિંગા અને હલામણ જેઠવો પ્રેમની અદ્ભુત કથાઓ છે. પણ એવી એકબે કથાઓ જ કાઠિયાવાડના લોકસાહિત્યમાં નથી; એવી તો અનેક વાતો છે. કઈ વાર્તાને માન આપવું અને કઈનું અપમાન કરવું એ જ સવાલ છે. શ્રી કહાનજી ધર્મસિંહે કાઠિયાવાડી સાહિત્યનાં બે પુસ્તકો બહાર પાડી એ પ્રેમશૌર્યઅંકિત સાહિત્યની વાનગી ચખાડી છે. કાઠિયાવાડી જવાહિરમાં પણ કાઠિયાવાડની અમૂલ્ય વાર્તાની કણિકાઓ વેરેલી છે. છેલ્લી બહાર પડેલી 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' એ જ સાહિત્યનો મીઠો રસ આપણને ચખાડી રહેલી છે. શ્રી. ધીરસિંહ ગોહિલે આપણને આ અદ્ભુત સાહિત્યની ઠીક ઠીક ઓળખાણ કરાવી છે. એમનામાં નવલકથાકારને બદલે લોકસાહિત્યરસિકની દૃષ્ટિ હોત તો એમનું કામ વધારે દીપી નીકળત. કાઠિયાવાડ એટલે આજનો કાઠિયાવાડ નહિ; રેલવેથી જકડાયેલો કાઠિયાવાડ નહિ. કાઠિયાવાડ એટલે આજના આપણા જેવા વીર્યરહિત જનોનો કાઠિયાવાડ નહિ. એ કાઠિયાવાડ તો આવી કથાઓમાં છે. એ કાઠિયાવાડ વાઘેરોનાં કે મૂળુમાણેક અને બાવાવાળાનાં પરાક્રમોમાં અને શેણી ને ઊજળી ના પ્રેમપ્રવાહમાં છે. કાઠિયાવાડનો ઈતિહાસ આપણે હજી હવે જાણવાનો છે. (૧૧) ભક્તોની વાતો ભક્તોની વાતો ઐતિહાસિક હોવા છતાં તેમાં એવી ચમત્કૃતિઓની ગૂંથણી થયેલી છે કે આ વાર્તાઓ અત્યારે લોકવાર્તાઓના રૂપને જ પામી ગઈ છે. આવી વાર્તાઓનો એક સંગ્રહ ભક્તલીલામૃત અને ભક્તમાળાના ગ્રંથમાં છે. નરસિંહ અને મીરાં, પીપો અને ધનોજી, રોહીદાસ અને લાલો. ને છેવટે મસ્તરામના કાઠિયાવાડમાં ભક્તની વાતોનો પાર નથી. એ વાતો અદ્ભુત હોવાથી જ લોકવાર્તામાં પેસી ગઈ છે; હવે તે નીકળી શકે તેમ નથી. (૧૨) સતીઓની વાતો સતીઓની વાતો એટલી બધી પુરાણી છે ને એટલી બધી અદ્ભુત અને સુંદર છે કે તે વાતોને પણ લોકવાર્તાના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. રાણકદેવી, નાગમતી અને જસમાની વાતોએ તો લોકસાહિત્યના દુહા ને સોરઠાને ઓપ આપેલો છે. આજે પણ રાણકદેવી ને જસમાની વાતો ગુજરાતમાં ઠાર ઠાર ગવાય છે ને કહેવાય છે. હજી પણ ઘણી અજાણ સતીઓના પાળિયા પાતિવ્રત્યના પાવિત્ર્યની અને અબળાના બળની એક એક નવી નવી મોહક વાર્તા કહી રહેલા છે. લોકવાર્તાના સંગ્રહકારોએ એ પાળિયા, એ પગલાં ને એ સતીઓના હાથોને હજી ઘણું ઘણું પૂછવાનું છે. (૧૩) ઐતિહાસિક દંતકથાઓ અને સ્થાનબદ્ધ કથાઓ ઇતિહાસની હકીકતની ઓથે લોકસાહિત્યકારો ને કવિઓએ કંઈ કંઈ અદ્ભુત કૃતિઓને જન્મ આપ્યો છે. ગામડાના લોકો ઇતિહાસનું એક પણ પુસ્તક ભણતા નથી છતાં આ દંતકથાઓને લીધે એમને એમના પૂર્વજોનો સારો એવો પરિચય થઈ જાય છે. કાકુની વાત જેટલી રસિક થાય છે તેના કરતાં ધૂંધળીમલ બાવાની વાત લોકોને વધારે ઐતિહાસિક, વધારે તાદશ અને વધારે સાચી લાગે છે. આપણી ભૂમિ હજી પણ એવી છે કે જ્યાં સ્થળે સ્થળે લોકઇતિહાસ લખેલો છે. ચમારડીનો ઈશાળવો એક વાત કહે છે તો વઢવાણની માધાવાવ બીજી વાત કહે છે; ગુંદી- કોળિયાકનાં ખંડેરો ઐતિહાસિક વાર્તાઓ કહે છે તેનાથી વધારે લોકવાર્તાઓ કહે છે. રૂવાપરી માતા એક લોકવાર્તાની દેવી છે; દૂણો બીજી લોકવાર્તાનું સ્થળ છે; ઘોઘા અને પીરમમાં કેટલાયે મોખડાજીની વાતો ચાલે છે; ગિરનાર અને બરડાને પથ્થરે પથ્થરે એક એક સ્થાનબદ્ધ ઐતિહાસિક દંતકથા કોતરેલી છે. પથ્થર ઉપરથી કાગળ ઉપર એ કથાઓ જ્યારે આવશે ત્યારે આપણે તેનો મર્મ સમજશું. (૧૪) ભૂતપ્રેતની વાતો રાક્ષસો અને ભૂતપ્રેતની વાતો દરેક દેશના લોકસાહિત્યમાં દેખા દે છે. ગુજરાતનું માનસ પણ ભૂતપ્રેત વિનાનું નથી. ભૂતપ્રેતની વાતો માટે લોકસાહિત્યે પૌરાણિક ધર્મશાસ્ત્રોનો ઉપકાર માનવો ઘટે છે. દરેક ધર્મે પોતાનું બળ સ્વર્ગ અને નર્કની ભાવના ઉપર રચવાનો એક પ્રયત્ન કરેલો છે. એ પ્રયત્નમાંથી આ ભયંકર લોકસાહિત્ય પ્રગટયું છે. બાબરાભૂતને તો આપણા શિષ્ટ સાહિત્યમાં પણ કરણઘેલાએ અમર કર્યો છે. વળાનો મામો, થાનનો બાંડિયો બેલીને એવા ઘણા ભૂતો આજે પણ લોકોની અક્કલને ભમાવી રહ્યા છે. આટલા સુધર્યા છીએ એમ કહેવાનો દાવો કરીએ છીએ; વેદવેદાન્ત ધર્મને માનવાવાળા હોવાનો હક્ક ધરાવીએ છીએ; છતાં આ ભૂતપ્રેતની વાતોમાં માનનાર અને રસ લેનાર જનતાનું માનસ હજી જંગલી પ્રજાના માનસથી ઊંચે ચડયું નથી કે તેના તરફ વિચારભરી આપણી નજર ગઈ નથી એ આશ્ચર્ય જેવું છે. અથવા તો એ બધી યોનિઓને સાબિત કરવા માટે જે વૈજ્ઞાનિક બુદ્ધિબળ ને નીડરતા આપણામાં જોઈએ તેની ખામી આપણે બતાવી આપી છે. (૧૫) કૌટુંબિક વાતો આવી વાર્તાઓનો આપણા સાહિત્યમાં પાર નથી. એ વાર્તાઓમાં આપણે સંયુક્ત કુટુંબજીવનની કડવીમીઠી છાયા ભારોભાર છે. ઉપરથી સ્વાતંત્ર્ય ને સુધારાનાં કપડાં પહેર્યા છે. છતાં કુટુંબની સ્થિતિ અને વિચારસરણીમાં કશો મહત્ત્વનો ફેર નથી પડયો, એ વાત આ વાર્તાઓના અદ્યાપિ પર્યંતના સ્વીકારથી સાબિત થાય છે. આજે તો કુટુંબજીવનનું સુખ ગયું છે અને વ્યક્તિગત જીવનના નવા પ્રયોગોને પૂરી નિષ્ફળતા મળી છે. એમ આજનું લોકજીવન આપણને કહી રહ્યું છે. આવી વાર્તાઓના સંગ્રહ વધારે ઉપયોગી છે કારણ કે એથી જ આપણે આપણા જીવનને વધારે ઓળખશું ને આપણી વર્તમાન સ્થિતિથી ચોંકી ઊઠશું. (૧૬) કામણટૂમણની વાતો એમ કહેવાય છે કે કામણકૂટણ કે જાદુમંતરની વાતો કામરુ દેશમાંથી આવી છે. ગમે તેમ હો, પરંતુ આપણી બાજુના ધોળાં કપડાંવાળા ગોરજીઓને અને કામણટૂમણને સારો એવો સંબંધ છે. ગોરજીઓ અને કામણટૂમણને લગતી વાતો મેં નાનપણમાં સાંભળ્યાનું મને સારી પેઠે યાદ આવે છે. પણ આ કામણકૂટણની વાતો અરેબિયન નાઈટ્સમાં કહેલી જાદુમંતરની વાતો જેવી નથી; એટલી બધી આ વાર્તાઓ અદ્ભુત પણ નથી. કદાચ આ વાર્તાઓ અરેબિયન નાઈટ્સની વાર્તાઓ કરતાં વધારે સાચી છે એટલું માની શકાય છે. વળી આ વાર્તાઓ યુરોપિયન દેશોની જાદુની વાતોથી પણ એટલી જ નિરાળી છે. આ વાર્તાઓનો જન્મ આપણે ત્યાંના ગોરાજીઓ અને બીજાઓ જેઓ પ્રેતવિદ્યા અને બીજી વશીકરણવિદ્યા જાણે છે ને જેઓ તેનો દુરુપયોગ કરે છે તેમાંથી થયેલો છે. આવી વાર્તાઓ હવે બહુ થોડી સાંભળવામાં આવે છે. (૧૭) લોકવાર્તાઓ ઉપર લખી બધી જાતની વાર્તાઓ એક રીતે લોકવાર્તાઓ જ છે. છતાં જે વાર્તાઓ ઉપલા પ્રકારમાં સામાન્ય રીતે નથી આવતી તે વાર્તાઓને લોકવાર્તાના વિભાગમાં મૂકવામાં હરકત નથી. બધી લોકવાર્તાઓ અનેક રસે ભરપૂર છે, અનેક રંગે રંગેલી છે અને લોકજીવનને અનેક રીતે ચીતરનારી છે. દેશ દેશની અને પ્રાંત પ્રાંતની લોકવાર્તાઓ દેશ દેશના અને પ્રાંત પ્રાંતના માણસોની ખાસિયતોની પેઠે જુદી જુદી છે. પંજાબની, બંગાળની અને હિન્દુસ્તાનની લોકવાર્તાઓ અને ગુજરાતની લોકવાર્તાઓમાં કયાંઈ કયાંઈ સામ્ય જણાય છે, જ્યારે મલાયન લોકવાર્તા અને ગુજરાતની લોકવાર્તાની વચ્ચે મેળ ખાતો નથી. હવે થોડુંએક લોકવાર્તાઓ એકઠી કરનારા દૃષ્ટિબિંદુ સંબંધે. લોકસાહિત્ય ઉપર જણાવ્યા પ્રમાણે છૂટે હાથે જ્યાં ત્યાં વેરાયેલું છે છતાં તેને એકઠું કરવાનું કામ ઘણું મુશ્કેલ છે. આજે લોકસાહિત્યના ભંડારીઓ અને એના સંગ્રહકર્તાઓની વચ્ચે કૃત્રિમ અંતર ઘણું પડી ગયેલું છે. ભંડારીઓ માની બેઠા છે કે હવે તેમના દિવસો ગયા છે, સમાજમાં તેમને પદવી નથી ને તેમનું જ્ઞાન સમાજને નિરુપયોગી છે. સંગ્રહકર્તાઓ પણ એવું જ માને છે કે પોતાનો વર્ગ વધારે વિદ્વાન છે, વધારે સમજદાર છે ને ભંડારીવર્ગ જેવા અજ્ઞાનવર્ગ પાસેથી લોકસાહિત્ય જેવી કિંમતી વસ્તુ પહેલી તકે લઈ લેવાની તેમની ફરજ છે. સંગ્રહકર્તાઓ હંમેશ વિદ્વાનવર્ગના અથવા અધિકારી વર્ગના હોવાથી ઉભય વર્ગ સંગ્રહના કાર્યમાં લગભગ નિષ્ફળ જાય છે; ને જ્યાં કંઈ થોડી ઘણી સફળતા મળે છે ત્યાં સાહિત્યભંડારનાં ખરાં રત્નોની શોધની નહિ પણ ખોટાં અને કાચનાં રત્નોની શોધની. આથી જે બહિર દેખાવ ને રીતભાતથી ગામડિયા લોકો, વૃદ્ધજનો ને અશિક્ષિત સ્ત્રીપુરુષોને આપણે સુધરેલા લાગીએ છીએ, અને જે કારણથી એ લોકો એમ માની બેસે છે કે ભણેલાઓ તો આપણને હરહંમેશ દરેક બહાને બનાવવાની તક લે છે, તે બહિર દેખાવ, શિપ્ટ રીતભાત અને તે સઘળાં કારણોનો ત્યાગ કરી આપણે એમની નજરે એમની જેવા જ દેખાવું જોઈએ. તેમ જ આપણો ઉદ્દેશ એમને સમજવાનો, એમની કદર કરવાનો અને એમને આપણી સાથે લેવાનો છે એમ એમને સ્પષ્ટતાથી દેખાઈ આવવું જોઈએ. દ્રવ્યબળથી, હોદ્દાથી અથવા કોઈ અન્ય યુક્તિથી આપણે એમના હૃદયભંડારો પૂરેપૂરા ઉઘાડી શકશું નહિ અથવા તો ખરી આત્મા પિછાની શકશું નહિ. જ્યારે આપણે એમના જીવનમાં રસ અને આનંદ લેતા એમને દેખાઈશું, અને એમની નજરે એમના જેવા જ સ્વાભાવિક અને સરળ લાગશું તે વખતે એમનો લોકસાહિત્યનો ભંડાર આપણી સમક્ષ આપોઆપ ખૂલી જશે; ત્યારે જ આપણે લોકસાહિત્યની સમૃદ્ધિની પૂરી પ્રાપ્તિ કરી શકીશું. આટલું કરવા માટે આપણી મોટપનું અભિમાન આપણે છોડવું પડશે. આપણે આપણાં દીવાનખાનાં, ઓફિસો અને કલબો છોડી ચોરે, ભરવાડના નેસમાં અથવા પાણી પાતા સાથીની પાસે બેસવું પડશે, બાળરમતો ખેલતાં બાળકોની રમતોમાં આપણને રસ આવવો જોઈશે, ને રાતે રાસડા લલકારતી લલનાઓનાં ગીતો સાંભળવા આપણા કાન લંબાવવા પડશે; વૃદ્ધ માજીઓ પાસે જઈને આપણે બેસવું પડશે, તેમના જૂના તારને અડકવું પડશે ને પછી તેમાંથી થતા રણકારની ભાષાને નોંધવી પડશે. પરંતુ કાને કલમ ખોસી, નાકે ચશ્માં ભરાવી લોકસાહિત્ય એકઠું કરવા જઈશું તો કોઈ એક અક્ષરે નહિ આપે. એ તો નાનાં છોકરાંઓને જમાવીને એક વાર્તા કહેશો તો તેઓ સામે દસ વાર્તાઓ કહેશે; એકામાં બેઠા બેઠા એક દુહો લલકારશો તો એકાવાળાની દુહાની નદી આપોઆપ વહેવા લાગશે. જે કોઈ ભંડારી લોકસાહિત્યનો તમારો પ્રેમ એકવાર જાણશે તે તો પોતાનું હૃદય ચોરશે નહિ. ભણેલા લોકોમાંના જે લોકો સમાજના પરિચયમાં વધારે આવે છે તે લોકો લોકસાહિત્ય એકઠું કરવામાં સારી મદદ કરી શકે. ગામડાના વૈદો, મહેતાજીઓ, કોટવાળો કે ગામોટો આ કામમાં ઘણા ઉપયોગી છે. સ્વ. રણજિતરામભાઈએ મહેતાજીઓનો સારો ઉપયોગ કર્યો હતો. સારી રીત એ છે કે સંગ્રાહકોએ જે લોકોનું સાહિત્ય એકઠું કરવું હોય તેમની સાથે અમુક વખત એકઠા રહેવું જોઈએ. લોકજીવનના પ્રસંગે પ્રસંગે તેમને લોકસાહિત્ય આપોઆપ મળી જશે. પણ તેમ ન બને ત્યાં તો ઉપર કહેલા પરિચિત માણસો મારફતે લોકસાહિત્યના ભંડારીઓને મળવાનું છે. એવા માણસો ભજન- મંડળીમાં, મેળામાં, માતાજીના મઠમાં, રાંદલની માંડવી આગળ, શીતળામાની દેરીએ, ગામને ગોંદરે, ચરમાળિયા પાસે, ધણમાં કે નેસમાં ખીલે છે. અશિક્ષિત સ્ત્રીઓ પાસેથી લોકસાહિત્યનાં રત્નો લેવાનું કામ અતિ મુશ્કેલ છે. સ્ત્રીસુલભ સ્વભાવને લીધે તેઓ આપણી પાસે વાર્તા કહેવા કે ગાવા નહિ બેસે. પણ અજવાળી રાતે જ્યારે લોકગીતની રેલ રેલાય ત્યારે દૂર બેઠાં બેઠાં એમાં પુણ્યસ્નાન કરવાની કોઈને મના નથી. આપ્ત સ્ત્રીજનો આવા કામમાં વધારે સારી મદદ કરી શકે. અને એમાં એવું પણ છે કે જો એકવાર આવા શરમાળ વર્ગને પણ લાગે કે તમારો ઉદ્દેશ નિર્મળ છે તો તેઓ લાંબે વખતે પોતે જ સંકોચ છોડી તમારી પાસે પોતાનું હૃદય ખુલ્લું કરે પણ ખરા. અજ્ઞાની લોકો તરફ ખૂબ મમતા અને પ્રેમ બતાવવાથી તેઓ પોતાનું હૃદ્ગત કહેવાના જ. તેમને એટલી ખાતરી થવી જોઈએ કે આપણે તેમને હસી કાઢતા નથી અથવા આપણો ઉદ્દેશ તેમને કે તેમના સાહિત્યને બદનામ કરવાનો નથી આવા લોકો ઈનામને વશ થઈને લોકસાહિત્ય આપશે એવું માનવાની ભૂલ કદી કરવી નહિ. તેમ જ અધિકારબળે મળેલું લોકસાહિત્ય કેટલું સાચું છે તે પણ વિચારવા જેવું છે. સારો અને સાચો બદલો તો એ લોકોની પ્રેમપૂર્વક કદર એ જ છે; અને તે જ સાધન આપણે વાપરવું જોઈએ. આ વિષય જેટલો મહત્ત્વનો છે તેટલો જ તે વિશાળ છે. આજે તો લોકવાર્તાનું સાહિત્ય કયાં છે, તેના કેવા કેવા પ્રકાર છે અને તેને કેમ મેળવવું તે વિષે થોડુંએક કહ્યું છે. આ વિષય પરત્વે આપણે ઘણું ઘણું કહી શકીએ. લોકસાહિત્ય એટલે શું? એના અભ્યાસની શી જરૂર છે? એનો અભ્યાસ શી રીતે થઈ શકે એ વિષયો એક પ્રકારના છે. લોકગીતનો પ્રદેશ વળી એવડો જ છે અને એટલો જ સુંદર અને રસિક છે. લોકસાહિત્યનાં બીજાં અંગોના પ્રદેશો પણ કાંઈ નાનાસૂના અને ઓછા ઉપયોગી નથી. પરંતુ આ બધાને પ્રસ્તુત સાથે નિકટનો સંબંધ નથી એટલે અત્યારે અહીં જ વિરમું છું.