નારીસંપદાઃ નાટક/અદલાબદલી

From Ekatra Wiki
Revision as of 03:04, 6 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨. અદલા બદલી

રંભાબહેન ગાંધી ‘સ્વપ્ન કે સત્ય?’ સંગ્રહમાંથી પુ. સ્વાતિ પ્રકાશન અમદાવાદ પ્ર. આ. ૧૯૬૨

પાત્રો: ગીતા, શેખર, લલ્લુ, અને મંગળા

(સાધારણ ઓરડો છે, બે રૂમનું ઘર છે. ફરનીચરમાં ટેબલ ખુરશીઓ વગેરે છે, નાનો રેડિયો છે. પડદો ઊઘડે છે ત્યારે ગીતા ઓરડો ઠીકઠાક કરતી ગાય છે.)

ગીતા : (ગાય છે) આકાશે આપ્યા ને ધરતી માએ ઝીલ્યા.
માએ ને બાપે ઉછેર્યા કે પરને સોંપવા.
શેખર : (અંદરથી હજામત કરતાં ડોકું બહાર કાઢીને) મા-બાપ બહુ જ ડાહ્યાં, જાણ્યું કે આ સાપનો ભારો પાલવવો અઘરો છે, એટલે બાંધી દીધો મારા જેવા ભલા માણસને ગળે.
ગીતા : એમ કહો કે પાળી પોષીને મોટાં કર્યાં, રૂડી રીતે ઉછેર્યાં પાછર્યાં ને કામ કરવા ટાણે તમને સોંપી દીધાં. ઉપકાર માનો એટલો ઓછો છે.
શેખર : (મોં લૂછતો બહાર આવે છે) શું કામ કરો છો તે કહેશો ગૃહરાણી? ખરાં રાણી બની બેઠાં છો, આખો દાડો હાથ જોડીને બેસી રહો છો ને ઉપરથી મારા ઉપર હુકમ કરો છો તે નફામાં.
ગીતા : નસીબની વાત છે. કોઈ શું કરે (હસીને )
શેખર : છોકરીઓને ખરેખર મજા છે. મા-બાપને ત્યાં પણ ખાય પીએ ને લ્હેર કરે. ઘેર પણ એશઆરામ કરે. મને તો પુરુષોની ખરેખર દયા આવે છે. બીચારાને ઑફિસમાંયે હુકમ ઉઠાવવાના ને ઘેર પણ એ જ દશા.
ગીતા : એ પણ નસીબની વાત છે ને ! કોઈ શું કરે ! (હસીને )
શેખર : (નિસાસો નાંખીને અરીસામાં જોઈને) શેખર દીકરા. I am really sorry for you. હે ભગવાન! એકવાર તો બૈરી તરીકે જન્મ દે કે વેરની વસુલાત કરી લઉં. આ અવતારે તો કાયા ઘસવાની છે, આવતે અવતારે જો...
ગીતા : આહાહા શું કાયા ઘસાઈ ગઈ છે ને? લગ્ન પછી પૂરા પંદર પાઉન્ડ વજન વધ્યું છે.
શેખર : મારું વજન વધ્યું છે? અને તે પણ તું આવ્યા પછી ! ગીતાદેવી! વાઘણ સામે બકરાનું વજન વધ્યું કદી સાંભળ્યું છે ખરું ?
ગીતા : પરમ દિવસે જ તમે કહેતા હતા કે વજન વધ્યું છે. લાવી આપું વજનનું કાર્ડ ?
શેખર : મશીન બગડી ગયું તું. તદ્દન ખોટું વજન દેખાડ્યું... જેમ તમે હિસાબ ખોટો દેખાડો છો તેમ...રૂ. ૧૦૦ આપું ને હિસાબ માંગું તો કહેશે કે પંદર આમાં, પંદર તેમાં, પંદર અડફ પંદર ગડફ ને ૪૦ અરચુરણ પરચુરણ. વાહરે ગૃહિણી શી કમાલ બુદ્ધિ છે તમારી.
ગીતા : તે તો છે જ, એની કોણ ના પાડી શકે એમ છે ? અરે પણ કેટલા વાગ્યા તે જોયું!
શેખર : ચા-લો લાગી જાઓ કામે રોજ એ જ ક્રમ... એ જ ઘડિયાળ, એ જ ટાઈમ, એ જ દોડાદોડી, એ જ ઘસડબોળો, ને એ જ જી હાં જી હાં નું રટણ. ખરું કહું છું બૈરાંને ખરી મજા છે. એ-યને ખાઈ પીને તાજામાજા થઈને નિરાંતે સૂઈ રહે. શું સ્થિતિ છે ને ? પુરુષને જેમ કામ વધે તે જ રેશિયોમાં બૈરાંને આરામ વધે....ઈર્ષા આવે એવું છે ગીતાદેવી !
ગીતા : નસીબની વાત છે. કોઈ શું કરે? ધણી જેમ વધારે કમાય, વધારે કામ કરે, વધારે ચિન્તા કરે, એટલાં જ પ્રમાણમાં બૈરી વધારે આરામ કરે, ગાડી ઘોડામાં ફરે, વધારે મોજમજાહ કરે.
શેખર : પુરુષનો આભાર માનો એટલું ઓછું છે.
ગીતા : આભાર શા માટે? એ બધું પહેરાવે, ઓઢાડે, બંગલામાં રાખે કે ગાડીમાં ફેરવે, તે પોતાના અહમને સંતોષવા કરે છે. બધું જ સ્વાર્થ ખાતર સમજ્યા?
શેખર : અરે ગીતાદેવી! પુરુષ સાથે રહો છો, એનું દીધેલું ખાઓ છો, આપેલું પહેરો છો પણ એક વાર એના વિષે સારું બોલો છો ખરાં? નહિ બોલે, કદી નહિ બોલે….. સ્ત્રીની જાત જ નગુણી .. ગુણ જોતાં જ આવડે નહિ... (ઘડિયાળ જોઈને) બાપરે આ કાંટો તો આગળ ચાલ્યો...કહું છું તું વાતો જ કરીશ કે જમવાની વ્યવસ્થા કરીશ?
ગીતા : અરે હમણાં જ બનાવી નાખુંને...આ દાળ ઓરતાં કે, ચોખા ધોતાં કે શાક કાપતાં કે લોટ બાંધતાં કે...
શેખર : હજી શરૂઆત પણ નથી કરી? મને ખાતરી છે કે તું મારી આવી સારી નોકરી જરૂર છોડાવીશ.
ગીતા : એમાં ગભરાવ છો શા માટે ! એક જશે તો બીજી મળશે.
શેખર : ગીતાદેવી ! છોકરી મળવી રહેલી છે, નોકરી નહિ, સમજ્યા! ક્યારે અક્કલ આવશે તમારામાં! કેટલી વાર કહ્યું કે મારે સાડાદસની ગાડી પકડવી જ જોઈએ, પણ ધ્યાનમાં લે એ બીજા...(ગીતા હસે છે) હસે છે શું! વાત કંઈ અંદર ઊતરે છે કે રામ રામ? અરે પણ ચાલી ક્યાં?
ગીતા : રસોડામાં.
શિખર : ક્યારે તું બનાવે ને ક્યારે હું જમું? બહાર જમી લઈશ. મારો બુશકોટ ક્યાં ગયો ? ઇસ્ત્રી કરી કે નહિ ?
ગીતા : લીયો એ તો ભૂલી જ ગઈ—હમણાં જ કરી નાખું છું.
શેખર : ઓહ ભગવાન ! મેં લગ્ન નથી કર્યાં, એક આફત વોરી છે! આફત. કશું જ ઠેકાણું નહીં, ફક્ત શકલ સુરત જોઈને મોહ્યાં પણ આ શકલમાં અક્કલ છે કે નહીં તે જોવું જ રહી ગયું.
ગીતા : એ જોવા માટે જોનારમાં અક્કલ જોઈએ ને? (હસે છે)
શેખર : પ્રેમમાં પડીએ છીએ ત્યારે આંખ ને અક્કલ બન્ને બંધ થઈ જાય છે. માન્યું હતું કે ઑફિસથી થાક્યા પાક્યા આવશું ત્યારે કોઈ આંગણમાં હસતું ઊભું રહેશે કોઈ....
ગીતા : (તે હસું તો છું જ ને- હસે છે.)
શેખર : અત્યારે તો હસવા કરતાં કામની વધારે જરૂર છે. (નિસાસો નાંખીને) આ તો નમાજ પઢતાં મસીદ કોટે વળગી છે. લાવ્યા કંઈક ધારીને અને નીકળ્યું કંઈક. ખરેખર પરણીને પસ્તાવાનું જ થયું છે.
ગીતા : આ જાત અનુભવનો અર્ક બીજાને આપજો જેથી બીજા આવી ભૂલ ન કરે.
શેખર : લોકો મૂર્ખ છે. જાતે ભૂલ કરશે નહી ત્યાં સુધી માનશે નહીં. અને જ્યાં તારા જેવી રૂપાળી સ્ત્રીઓ હોય ત્યાં બિચારા મારા જેવા ચક્કર ખાઈ ને જ પડે છે, કેળાની છાલ પરથી પડે એમ જ. ને પડે તો એવા મોંભરીયા પડે કે પછી ઊભા જ ન થઈ શકે.
ગીતા : આ અનુભવનો એક લેખ લખીને છાપામાં આપો ને.
શેખર : જરૂર લખવાનો છું. બૈરી એ બલા છે. એ માયા છે. ને એ એવી માયા રચે છે કે ખુવાર થઈ જાઓ ત્યાં સુધી ખબર પડવા દેશે નહીં, તમે ચીમળાશો ને એ ખીલશે, તમે વૈંતરા કરશો ને એ ભોગવશે. ખોદે ઉંદર ને ભોગવે છે ભોરીંગ એમ. તમે ચોવીસ કલાક મજૂરી કરશો ને એ એશ આરામ કરશે ને મોટરુંમાં ફરશે, ટાપટીપ કરશે એ, ને ઉપરથી કહેશે કે કામ માત્ર એ જ કરે છે. (ઉપરની વાત દરમ્યાન બુશકોટ ઈસ્ત્રી કરે છે ગીતા)
ગીતા : લીયો આ તમારો કોટ. ઈસ્ત્રી થઈ ગયો. (આપે છે)
શેખર : (લેતાં) ભારે મોટું કામ કરી દીધું. જાણે સુએજ કેનાલ પસાર કરી દીધી, જાણે એવરેસ્ટ સર કરી દીધો. (પાટલુન પહેરે છે) જોયું, આ પાટલુન બાપાએ બાર વરસ પહેલાં કરાવી દીધું છે ને હજી પણ થઈ રહે છે ને તું કહે છે કે વજન વધ્યું છે.
ગીતા : પહેલાં એ કોથળા જેવું થતું હતું—હવે—જ ફીટ થાય છે.
શેખર : ફીટ નહીં અન ફીટ કહે, આ પાટલુન જોઈને તો ઑફિસનો દરવાન પણ હવે તો નાક ચડાવે છે. પણ મારી આ ગીતા ...ગીતામાં વર્ણવ્યા પ્રમાણે જ સ્થિત-પ્રજ્ઞ છે. એને એમ નથી થતું કે એક બે મહિના સાડીની ખરીદી ઓછી કરીને, વર નામના પ્રાણી માટે પાટલુન ખરીદીએ. ને મેલું પણ કેટલું છે તે જોયું?
ગીતા : તે આપી દીયોને ડ્રાયકલીનીંગ કરાવવા.
શેખર : કાકો છે ? મફત કરી દેશે ડ્રાયકલીનીંગ, ખાસો રૂપિયો દોઢ લઈ છોડશે. ને તું કરે છે શું આખો દિવસ ઘરમાં? આટલું પાટલુન પણ તારાથી ઘોઈ ન નંખાય?
ગીતા : વખત મળવો જોઈએ ને ?
શેખર : I see. તો તમને વખત મળતો નથી એમ? શું કામ કરો છો, ગીતાદેવી ?
ગીતા : કામ શું એક છે કે ગણાવું...ગણ્યાં ગણાય નહિ એટલાં કામ છે.
શેખર : બોલવા માટે. કરવા માટે નહિ. બાકી તું જેટલું કામ કરે છે એના કરતાં ત્રણગણું કામ હું ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી દઉં...ઘડીના છઠ્ઠા ભાગમાં સમજી?
ગીતા : ઓ...હો-હો-એ...મ?
શેખર : હા-હા-હા. એ... મ.
ગીતા : તો તમે જે કામ કરો છો ને, તે હું તો આંખના પલકારામાં પતાવી દઉં...આ-મ ચપટી વગાડતાં પતાવી દઉં સમજ્યા ?
શેખર : ઓ-હો-હો. એ...મ ?
ગીતા : હા હા-હા. એ...મ.
શેખર : તો ચાલ થઈ જાય આજ અદલાબદલી.
ગીતા : આપણે તો તૈયાર છીએ. બાકી તમે તો સાંજ પડ્યે ઢગલો થઈને પડવાના છો તે કહી રાખું છું.
શેખર : એ...મ?
ગીતા : એ...મ જ. ઊભા થવાની યે તાકાત નહિ રહે.
શેખર : એ વાતમાં શું માલ છે? તો આજ લાગી...જોઈ લે તું પણ કે કેવા ઝપાટામાં ઘરનું કામ પતાવી દઉં છું તે... તારું અભિમાન ઉતારી ન નાખું તો કહેજે.
ગીતા : જોઈએ કોણ કોનું અભિમાન ઉતારી શકે છે તે.
શેખર : આખરે ઘરકામમાં એવું તે શું કરવાનું છે?
ગીતા : કપડાં ધેવાનાં.
શેખર : બે ચાર ધોકા આમ તેમ માર્યા કે ધોવાઈ ગયાં કપડાં.
ગીતા : સૂકાય પછી ઘડી વાળવાની.
શેખર : આમથી તેમ વાળ્યાં કે વળી ગઈ ઘડી.
ગીતા : રસેાઈ કરવાની
શેખર : એ...તો આ–મ (ચપટી વગાડીને) કરી નાખું. સગડી પેટી, કે આંધણ મૂક્યું કે દાળ વોરી કે શાક કાપ્યું કે મશાલા નાખ્યા કે રસોઈ તૈયાર. આજે તને દેખાડી આપું કે કામ કેમ થાય તે. ને તે પણ તારા જેમ ઉશ્કેરાટથી નહીં, શાન્તિથી છતાં ઝડપથી થવાનું.
ગીતા : તમે અને શાન્તિ...રામ રામ કરો ! ઉશ્કેરાટ વિના કોઈ કામ કર્યું છે જિન્દગીમાં?
શેખર : જોઈ લે, આજે તો તને અને તારી આખી જાતિને દેખાડી દઉં કે પુરુષ જો ધારે તો અને ઘરનું કામ માથે લે તો—
ગીતા : ઘરનો ઘાણ કહાઢી નાંખે.
શેખર : તું શું એમ માને છે કે કે ઘરનું કામ હું નહીં કરી શકું?
ગીતા : માનવાની વાત જ નથી, ગળા સુધી ખાતરી છે. શેક્યો પાપડ પણ તમારાથી ભંગાતો નથી.
શેખર : ત્યારે તું આજે જોઈ લે મારો સપાટો. બોલ છે તારી તૈયારી?
ગીતા : એકદમ. આપણે તો આ ચાલ્યા તમારું કામ કરવા....
શેખર : કરી શકીશ મારું કામ?
ગીતા : જોજો તો ખરા આવતી કાલે તમારો બોસ કહેવાનો કે હવે તમે આવતા બંધ થાઓ ને તમારાં મીસીસને જ ઑફિસમાં મોકલો કારણ કે એ વધારે efficient છે.
શેખર : ઓ-હો-હો આટલો બધો જાત પર ભરોસો છે?
ગીતા : સો એ સો ટકા.
શેખર : ઑફિસના કામમાં જરાએ વાંધો નહિ આવે ?
ગીતા : તમારા કામમાં એવું છે શું હં! આંખ મીંચીને ઉઘાડો કે કામ પતી ગયું. એક મતું અહીં માર્યું ને એક ત્યાં. બે કાગળ લખાવ્યા કે ચાર order book કર્યા. જુઓ તો ખરા મારો સપાટો. પણ હાં સાંજે ઘરે આવું ત્યારે તમારે બારણામાં હસતાં હસતાં ઊભા રહીને મને આવકાર આપવાનો…..(જવા લાગે છે)
શેખર : બારણામાં જ શા માટે રસ્તા પર આવીને ઊભો રહીશ.
ગીતા : ને હાં રસોઈ ગરમા ગરમ જોઈએ (જતાં જતાં)
શેખર : આંગળાં ચાટી ન જા તો કહે જે. (ગીતા જાય છે) જોજે મારી નોકરી જોખમમાં ન મૂકી દેતી... (ગીતા જાય છે... શેખર કસરત કરતો હોય એમ હાથ પગ છૂટા કરે છે ત્યાં ગીતા પાછી આવે છે) કેમ પાછી આવી? ઘરનો મોહ છોડાતો નથી?
ગીતા : એ કહેવા કે પેલી લટકાળી લાજુને પાછળથી ઘરમાં ન બોલાવતા.
શેખર : કઈ વળી લટકાળી લાજુ.
ગીતા : કેટલા અજાણ્યા થઈ જાય છે? આવી છે તો ચાર દાડાથી અહીં રહેવા પણ કેમ જાણે જગજૂની ઓળખાણ ન હોય એમ એની સાથે અગમ નીગમની વાતો કરો છો.
શેખર : ઓહ એ લાજુની વાત કરે છે ? She is really sport ...and smart...
ગીતા : એવાં પાટલુન પહેરે કે ઘોડાની પૂંછડી જેવા વાળ બાંધે એટલે sport ને smart થઈ ગઈ? તમારા કાન ભંભેરે છે. અને–
શેખર : આ મારું અપમાન છે. કોઈ મારા કાન ભંભેરી શકે જ નહિ.....
ગીતા : કાન શું આખાને આખા ભંભેરી મૂક્યા છે ને. એના કહેવાથી તો તમે કસરત કરવા માંડી છે. એના કહેવાથી તો...
શેખર : કહ્યુંને કોઈના કહેવાથી હું કશું જ કરતો નથી, અને તેમાંયે ખાસ કરીને સ્ત્રીના કહેવાથી તો નહિ, નહિ ને નહિજ...
ગીતા : હું તમને પગથી તે માથા સુધી ઓળખું છું. એણે જ તમને કહ્યું કે કસરત કરો તો ચરબી ઘટે. ને તો રૂપાળા કામદેવ જેવા લાગો.
શેખર : એ તો તું કહેતી હતી.
ગીતા : હું કહેતી હતી અને તમને? રૂપાળા કામદેવ જેવા લાગો એમ ?
શેખર : હાસ્તો.
ગીતા : અરીસામાં તમારું રૂપ જોયું છે?
શેખર : અરીસામાં નહીં, તારી આંખમાં જોયું છે. (ગીતા હસી પડે છે.) હવે તું જાય છે કે નહીં ?
ગીતા : આ ચાલી પણ ફરી કહેતી જાઉં છું કે એવીને રવાડે ચડતા નહિ હાં ! તમે તો ઠીક પણ તમારો પેલો લંગોટિયો દોસ્ત લલ્લુ પણ.
શેખર : કલ્પનાના ઘોડાને જરા થોભાવો તો સારું.
ગીતા : એ તમારો લલ્લુ આમ તો એક હાથ દૂર જોઈ શકતો નથી. ચાંદો ઊગે નહીં ત્યાં સુધી આકાશ જેવડું આકાશે ય એને સૂજતું નથી પણ છેટેથી પેલી લટકાળી લાજુને જુએ છે કે આંખ પર છત જેમ હાથ રાખીને લાજુબેન લાજુબેન કરતો દોડી જાય છે. (લલ્લુ કેમ છત જેમ હાથ રાખીને દોડે છે તેનો અભિનય કરે છે)
શેખર : લલ્લુની વહુ ભલી છે તે બીચારો જરા માણે છે. હવે જવું છે કે નહીં ?
ગીતા : આ ચાલી, પણ જોજો પાછી આવું ત્યારે મારું આ ઘર છે એ હાલતમાં જ મને પાછુ સોંપજો. ઘરને માથે ધોલકું ન કરતાં. (ગીતા જાય છે, શેખર બારણાં બંધ કરે છે. બહાર દસના ડંકા થાય છે. ઘડિયાળમાં જુએ છે, બંધ છે, ચાવી આપવા જાય છે ત્યાં ધડાક દેતાં સ્પ્રીંગ તૂટે છે, ઘડિયાળ મૂકી દે છે. સામે પડેલાં ડમ્બેલ્સ પર નજર જાય છે ને કસરત કરવા લાગે છે, અરીસામાં જુએ છે, મસલ્સ જુએ છે ત્યાં બારણે ટકોરા થાય છે ખોલે છે. લલ્લુ આવે છે, એણે હદ બહાર જાડાં ચશ્માં પહેર્યાં છે.)
લલ્લુ : ગીતાબેન ઘરમાં નથી કે તું ખોલવા આવ્યો?
શેખર : ના. એ ઑફિસ ગઈ છે. (કસરત ચાલુ છે)
લલ્લુ : ઑફિસ !
શેખર : હા આજે એની સાથે શરત લગાવી છે.
લલ્લુ : શરત? શેની?
શેખર : અમે કામની અદલા બદલી કરી છે. જોઈએ કોણ હારે છે તે....
લલ્લુ : તું પણ—કંઈક કંઈક આવા તુત ઊભા કરે છે હં!
શેખર : તું આવ્યો છે તે થોડી મદદ તો કરીશને ?
લલ્લુ : જરૂર, કહે તે મદદ કરું. આપણે તો તને જિતાડવો દોસ્ત.
શેખર : પહેલાં પેલી ઘડિયાળને ચાવી આપ, જા.
લલ્લુ : (ઘડિયાળ પાસે જતાં રસ્તામાં પડેલ સ્ટુલને ઠેબે લે છે... ઘડિયાળ એકદમ નાક સુધી ઘસીને જુએ છે) એલા ઘડિયાળ તો તદ્દન બંધ પડી છે.
શેખર : દુનિયા ઊંઘી છે... તારા જેવાએ ચાલવું ન જોઈએ, એ ચાલે છે. ઘડિયાળને ચાલવું જોઈએ. એ બંધ થઈ જાય છે, ગીતાએ વખતસર ચાવી નહીં દીધી હોય તું દઈ દે ચાવી...(લલ્લુ ચાવી આપવા જાય છે ત્યાં સ્પ્રીંગ બહાર નીકળી પડે છે તે જોઈને ઘડિયાળ એકદમ એમને એમ જ મૂકી દે છે) કેમ અલ્યા! બોલ્યા ચાલ્યા વિના એકદમ મૂકી દીધું? ભાંગી બાંગી નાખ્યું કે શું?
લલ્લુ : હું તો અડ્યો પણ નથી. તું જ ચાવી દેજે... બીજું કામ હોય તો બતાવ...(ગાવા લાગે છે) “સંધ્યાની સુરખીમાં સલુણીનો સાળુ...ઊડતો જોઈ જોઈ મન થાય આળું”
શેખર : (કસરત પૂરી કરીને-ઘડિયાળ પાસે જતાં) કેમ અલ્યા! આંખો ગઈ પણ સલુણીનો સાળુ ન ગયો કેમ? (ઘડિયાળ હાથમાં લઈને સ્પ્રીંગ બહાર કહાઢીને) જોઈ આ ઘડિયાળની હાલત કરી તે... તારા હાથ જ કોણ જાણે કેવા ગોરીલા જેવા છે. લે હવે શું જોઈ રહ્યો છું... કામમાં મદદ તો કર...
લલ્લુ : પણું શું કરું, બતાવને?
શેખર : પેલી બાલ્દીમાં પાણી ભરી લાવ.
લલ્લુ : (જાય છે ખુરશીમાં અથડાય છે) જ્યાં હોય ત્યાં બધું વચમાં મૂકે છે.
શેખર : એલા સંભાળીને લાવજે ઘર ઠીકઠાક કરે છે. ત્યાં લલ્લુ સલુણીના સાળુ વાળું ગીત ગાતો ગાતો આવે છે....ને આવતાં શેખરે રસ્તામાં જ મૂકેલી ખુરશીમાં ભટકાય છે. ને પાણી ઢોળાય છે) અલ્યા તને નહોતું કહ્યું કે સંભાળીને ચાલજે.
લલ્લુ : પણ તેં આ ખુરશી વચમાં શા સારુ મૂકી? કામ પોતે બગાડે છે ને નામ મારું દે છે? બોલ હવે શું કરું?
શેખર : તું ભલો થઈને સામા ખૂણામાં બેસી જા ચૂપચાપ...આ રીતે જો તું મદદ કરશે ને તો સાંજ પડતાં આખું ઘર સફાચટ થઈ જશે, એક વસ્તુ સલામત નહીં રહે. (ઘર ઠીક કરતાં ઈસ્ત્રી ઊંચકે છે. ઈસ્ત્રી ગીતા કરી ગઈ ત્યારથી ચાલુ જ હતી તેથી દાઝે છે ને ચીસ મારે છે) ઓ-બા-પ રે... મરી ગયો...ઓ...રે
લલ્લુ : શું થયું?
શેખર : બળી ગયો... દોડ જોઈ શું રહ્યો છું? અંદરથી જલદી બર્નોલ લાવી દે.
લલ્લુ : તે ઈસ્ત્રી એમ ચાલુ મુકાતી હશે? મૂરખ છે. મૂરખ. (અંદર જાય છે)
શેખર : એ જ મૂકી ગઈ...ઓ...રે... (પ્લગ કહાઢી લે છે) એલા હજી ત્યાં શું કરે છે!
લલ્લુ : (અંદરથી જ) બર્નોલ શોધું છું.
શિખર : સામે જ દવાના કબાટમાં તો પડ્યું છે. જોજે પાછું કંઈ હડફેટમાં ન લેતો, ઓ...બાપરે બહુ બળે છે. એલા મળ્યું કે નહીં?
લલ્લુ : ( અંદરથી જ) એ... મને તો કંઇ દેખાતું નથી.
શિખર : ઓરડામાં જમણા હાથે દવાનું કબાટ છે તેમાં નીચેના ખાનામાં જ છે ડાબી તરફ પડ્યું છે. દેખાયું ?
લલ્લુ : (અંદરથી) કબાટ શોધું છું. ક્યાં છે કબાટ ?
શેખર : તારા માથામાં (આ વખતે કપ રકાબી પડવાનો અને ફૂટવાનો અવાજ આવે છે) અલ્યા! ઘનચકકર શેનો ઘાણ વાળ્યો? ઓ...રે...
લલ્લુ : દવાના કબાટ પાસે કપ રકાબીનું સ્ટેન્ડ હતું ને એને હાથ અડી ગયો ને…
શેખર : અલ્યા ત્યાં શું દાટ્યું તું તે ગયો તો...આખું ને આખું સ્ટેન્ડ પાડ્યું કે શું!
લલ્લુ : ના સ્ટેન્ડ તો ચોટેલું જ છે. કપ જ પડ્યા છે.
શેખર : તું ભલો થઈને બહાર આવ મને શું સૂજ્યું કે તને અંદર મોકલ્યો. તને તો એક જગ્યાએ બેસાડી રાખવો જોઈએ. કહું છું કે બહાર આવ. ભલો થઈને.
લલ્લુ : બર્નોલ લઈને આવું છું. (એમ કહેતા ઓ……રે કરીને ચીસ મારે છે.)
શેખર : પાછું શું થયું?
લલ્લુ : તારું નખોદ જાય... હજામતની બ્લેઈડ આમ તે મુકાતી હશે? મારી આંગળી કાપી નાખી. (લોહી નિતરતો બહાર બહાર આવે છે.) તારા પાપમાં મારી આંગળી વઢાઈ ગઈ.
શેખર : પણ ત્યાં ક્યાં ભેખડે ભરવા ગયોતો...બર્નોલ લાવ્યો કે નહિ?
લલ્લુ : ના ફોડી લે તું તારું. હું કંઈ જ કરવાનો નથી. ઓ...રે...
શેખર : તારી પાસેથી મદદની આશા રાખી એ જ મેં મૂર્ખાઈ કરી.
લલ્લુ : હવે તો માન્યું ને કે તું મૂર્ખ છે. ઓ રે...
શેખર : ભલો થઈને તું ચૂપ રહીશ? ઓ..
લલ્લુ : હવે હું મારો તંબુરો કેમ વગાડી શકીશ? ઓ...રે.
શેખર : ઓ...રે ઓ રે શું કરે છે. લે આ રુમાલ...બાંધી દે આંગળી ઉપર. (આપે છે.) લુલી વાસીદું વાળેં ને ચાર જણા કેડ ઝાલે એવું છે. ચાલ હું જ બર્નોલ લાવું ને તારા માટે મરકયુરીક્રીમ લઈ આવું. તદ્દન અડબંગ છે (જાય છે અંદર લેવા—ને લલ્લુ ઊઠે છે ને ઇસ્ત્રી સાથે ભટકાય છે.)લલ્લુ : ઓરે....બા-પલીયા રે.....
શેખર : (અંદરથી) પાછું શું થયું! શાની બૂમ મારે છે?
લલ્લુ : દાઝયો.....ઈસ્ત્રી તારાથી ઉપર નહોતી મુકાતી....ઓ-બાપ રે....હવે જલદી લાવને બર્નોલ ને મરકયુરી ક્રીમ, (શેખર લાવે છે. લગાડે છે. ને પાઘડી જેવો પાટો બાંધે છે.)
શેખર : એક ઠેકાણે બેસી રહેતા શું થતું'તું.... મદદ કરવાને બદલે ઉપાધિ કરાવી...(પાટો બાંધી લે છે.)
લલ્લુ : અલ્યા પણ પાટો તો જરા સરખો બાંધ, શું આમ પાઘડી જેવો બાંધે છે?
શેખર : બાંધી લે તારી મેળે. (બહાર અગિયારના ડંકા થાય છે.) સાંભળ્યું કેટલા વાગ્યા તે! ને હજી એક કામ થયું નથી?
લલ્લુ : તું કહેતો હો તો હું ઝાડુ કહાઢી દઉં.
શેખર : જોજે પાછો ઝાડુ જ ન દઈ દેતો બધે.
લલ્લુ : અરે તું જો તો ખરો દોસ્ત. બાપાની દુકાન રોજ સવારે ખોલીને હું જ ઝાડુ દેતો હાં ! તું અંદર કામ પતાવ. ને હું અહીં પતાવી દઉં. (શેખર અંદર જાય છે. લલ્લુ ઝાડુ દે છે પેલું ગીત ગાતો. ને પછી કટકો લઈને ફરનીચર ઝાપટે છે...ત્યાં અરીસો પાડે છે. તે અવાજ સાંભળતાં જ)
શેખર : પાછું શું કર્યું ? (આવીને જોઈને) બા-૫ રે અરીસાનો ઘાણ કહાઢ્યો ?
લલ્લુ : તે મને શી ખબર કે અરીસો ટાંગ્યો હશે.
શેખર : એલા દેખાતું નથી તો શા સારુ બધે બાચકા ભરવા જાય છે? હવે કંઈ બાકી રહ્યું હોય તો ભાંગી નાંખ કે પત્યું.
લલ્લુ : આટલી બધી બૂમો શા સારુ પાડે છે? થયું ન થયું કંઈ થોડું જ થવાનું છે? (કાચ વાળવા લાગે છે)
શેખર : તું આઘો ખસ. હું કાચ લઈ લઉં છું (લેવા જાય છે ત્યાં જ પગમાં ઘૂસી જાય છે) ઓ-બા-પ રે
લલ્લુ : શું થયું!
શિખર : તારું કપાળ...કાચ ઘૂસી ગયો
લલ્લુ : તને કહ્યું તો ખરું કે તું એક તરફ બેસી રહે. અલ્યા મરક્યુરી ક્રીમ લાવી આપું?
શેખર : ના ભાઈ ના...થોડી ઘણી રકાબીઓ બાકી છે તેનો પણ ઘાણ કહાઢીશ.
લલ્લુ : પણ ભઈલા ! આ રીતે તો શરત હારી જઈશ. વખત વીતતો જાય છે ને કામ તો હજી કંઈ થયું નથી.
શેખર : ક્યાંથી થાય તારા જેવા કરનારા હોય ત્યાં.
લલ્લુ : વાંક મારો નથી તારો છે, ઈસ્ત્રી સાથે ભટકાવા તું ગયો. ને આ ઉપાધિ ઊભી થઈ.
શિખર : હવે કંઈ કામ કરીશ કે વાતો જ કરીશ ?
લલ્લુ : એમ કર હું રસોઈ કરી નાખું ને તું અહીં બધું પતાવી દે.
શેખર : ના રસોડામાં તને ફેરવવો એટલે તો bull in the china shop જેવું જ થાય—તું અહીં પતાવ, હું રસોઈનું પતાવું છું.
લલ્લુ : ભલે—બાકી મને એમ કે મને બહુ દેખાતું નથી, ને એમાંયે આજે તો ખૂબ વાદળાં છે. એટલે અંધારું જ લાગે છે.
શેખર : અંધારું લાગે તો બત્તી કરીને કામ કરજે.
લલ્લુ : તે તું જ બત્તી કરી દેતો જાને...(શેખર બત્તી કરવા જાય છે પણ થતી નથી) કેમ એલા બત્તી થતી નથી?
શેખર : ના—ફયુઝ ગયો લાગે છે.
લલ્લુ : ફયુઝ શેનો જાય! ઇસ્ત્રી ગરમ હતી ને બલ્બ બગડી ગયો હશે. ઘરમાં બલ્બ હોય તો લાવ, નાખી દઉં.
(શેખર બલ્બ લેવા જાય છે એટલી વારમાં લલ્લુ સ્ટુલ ગોઠવે છે... એકાદ ચીજ સાથે અફળાય છે. ને સ્ટુલ ઉપર ચડે છે. શેખર બલ્બ લઈને આવે છે)
શેખર : તું રહેવા દે, હું નાખી દઉં છું. નકામો ક્યાંઈ...
લલ્લુ : તું મને સમજે છે શું હં? લાવ બલ્બ, (શેખર આપે છે. લલ્લુ નાંખવા જાય છે. દેખાતું નથી આમતેમ ડોલે છે)
શેખર : એલા ! કહું છું ઊતર હેઠો, લાવ હું નાખી દઉં...દેખાય નહીં ને.
લલ્લુ : હું એટલો આંધળો નથી. આ આ નાખી (એટલું કહે છે ત્યાં સ્ટુલ પડે છે ને ઉપરથી એ પડે છે, ચશ્માં ઊડીને દૂર પડે છે ને ચીસ મારે છે.) ઓ...રે...
શેખર : તને હજારવાર ના કહી પણ ન માન્યો.
લલ્લુ : તે સ્ટુલ પણ કેવું રાખ્યું છે ઘરમાં–ઓ–બા—પ રે. કેડ ભાંગી નાંખી એલા ઊભો શું રહ્યો છું મને ઊભો તો કર, મારાં ચશ્માં ક્યાં ગયાં?
શેખર : (ગુસ્સામાં છે મદદ નથી કરતો) એ પડ્યાં પેલી ખુરશી નીચે.
લલ્લુ : ક્યાં છે ખુરશી?
શેખર : સામી દીવાલ પાસે.
લલ્લુ : (બેસીને જ ખસે છે હાથ ફેલાવે છે) એલા દીવાલ ક્યાં છે?
શેખર : ખરો આંધળો છે... (લાવી આપે છે. લલ્લુ ચશ્માં પહેરે છે)
લલ્લુ : હા.શ હવે કંઈક સૂઝ પડી. ભઈલા મને ઊભો તો કર... કેડ ભાંગી ગઈ છે. (શેખર એને ઊભો કરે છે. કેડ દબાવે છે ને થોડી વારે પૂછે છે) બોલ હવે શું કામ કરું?
શેખર : એક જ કામ કર...ને તે એ કે તું અહીંથી ભલો થઈને જા. હમણાં ગીતા આવશે ને તારા ને મારા અધ્યાય વંચાશે. (બારણે ટકોરા થાય છે) આ-વી ચોક્કસ એ- આવી... ઘર આમ જોશે ને પૂરી ફજેતી થશે.
લલ્લુ : હાથે કરીને ઊઠ પાણા પગ પર જેવું કર્યું છે તે, શા સારુ આવી શરતું કરી? પેટ ચોળીને પીડા ઊભી કરી એ આનું નામ... (બારણે ટકોરા) એલા બારણું ખોલને મરદ જેવો મરદ થઈને બૈરીથી ડરે છે? તું ખોલે છે કે હું ખોલું? (ખોલવા જાય છે)
શેખર : (લલ્લુને રોકીને) ભલો થઈને તું રહેવા દે. પાછું કંઇક ઠેબે લઈશ ને રહ્યા સહ્યા ફરનીચરનોયે ઘાણ કહાઢીશ.
લલ્લુ : તો ખોલ તું (શેખર ખોલવા જાય છે. લલ્લુ બોલે છે કે, “જેના કામ જે કરે. આવી તે વળી શરતું મરાતી હશે?” બારણું ખોલે છે ત્યાં મંગળાને જોઈને )
શેખર : ઓહો તમે? આવો આવો.
લલ્લુ : (દૂરથી) અલ્યા ! કોણ આવ્યું? (હાથ આંખ પર છત જેવો કરીને) લાજુબેન આવ્યાં કે શું!
મંગળા : ના...હું આવી તમારી ઘરવાળી ઉર્ફે મંગળા.
લલ્લુ : ઓહ તું આવી! સારું કર્યું. મને એમ કે પેલી લટકાળી લાજુ દોડી આવી કે શું !
શેખર : (હસીને) લલ્લુ ! આંખ ઓછી ચાલે છે પણ ભેજું બરાબર ચાલે છે હં ! ભાભી ! વાત ફેરવવામાં આ પાક્કો લાગે છે.
લલ્લુ : મંગળા ! મારા મનુડાની બા ! એની વાત તું ધ્યાનમાં લેતી જ નહી હં ! એ તો આંખમાં કમળો એ પીળું ભાળે—બાકી તેં કોઈ દિવસ એવું જોયું છે હં ! તારા સિવાય-બીજી બધી મા-બહેન
મંગળા : સતા થવું રહેવા દેજો, હવે નકામું મારાથી કંઈક બોલાઈ જશે, (ઘર જોઈને) શેખરભાઈ ઘરની દશા આવી કેમ? ગીતાબેન ઘરમાં નથી ?
લલ્લુ : એ ઑફિસે ગયાં છે.
મંગળા : ઑફિસે ?
લલ્લુ : હાં ભણેલાં મીયાં-બીબીએ કામની અદલા બદલી કરી છે.
મંગળા : કામની અદલા બદલી !
લલ્લુ : હાં . ને શરત મારી છે. જોઈએ, કોણ જીતે છે તે.
મંગળા : (હસે છે) શેખરભાઈ ! આવી શરતું તે કરવાની હોય ભાઈ? (ઘરને જોઈને) આ જોતાં તમારી જીત થાય એવું લાગતું નથી. (હસે છે)
શેખર : જીત થાત પણ (લલ્લુને બતાવીને) આણે આવીને બધો ઘાણ કહાઢ્યો.
મંગળા : તમે એમ એમનું ખરાબ બોલો એ મને ન ગમે હાં. ગમે તેવા તોયે મારા મનુડાના એ બાપુ... પાસે જાય છે ને આંગળીએ પાટો જોઈને) આ પાટો શાનો બાંધ્યો છે? કંઈ વાગ્યું તો નથીને?
લલ્લુ : બ્લેઈડ ઘૂસી ગઈ.
મંગળા : અરર...જોઉં ! પણ આમ બ્લેઈડ હાથમાં શી રીતે ઘૂસી ગઈ.
લલ્લુ : આને મદદ કરવા ગયો ત્યાં મરી ગયો………(ઊઠે છે ને કેડે હાથ દે છે) ઓ-રે.
મંગળા : કેડે શું થયું?
લલ્લુ : પડી ગયો.
મંગળા : ક્યાંથી?
લલ્લુ : સ્ટુલ પરથી (શેખર હસી પડે છે)
મંગળા : હસો છો શું ભાઈ. (લલ્લુને ) બહુ દુઃખે છે ?
લલ્લુ : ઉપરથી પડે તે દુઃખે નહીં ? (ઓરે...)
મંગળા : ચાલો ઘેર શેક કરીશ. (શેખરને) આ તમે શું લગાડ્યું છે હાથે?
શેખર : દાઝયાનો મલમ...
મંગળા : અરર. દાઝ્યા શાથી ભાઈ ?
શેખર : ઈસ્ત્રીથી...
મંગળા : ને..આ આંગળીએ પાટો.
શેખર : કાચ વાગ્યો.
મંગળા : ક્યાંથી?
શેખર : અહીંથી!
મંગળા : શેનો?
શેખર : આણે ફોડેલા અરીસાનો. (મંગળા ખડખડાટ હસી પડે છે.)
મંગળા : ભાઈ ખરી શરત લગાવી છે (હસે છે ખૂબ.) હાથે કરીને ફજેતી કરી છે...(ખૂબ હસતાં જ બોલે છે. એને હસતી જોઈને લલ્લુ શેખર પણ હસી પડે છે.)
શેખર : ભાભી ! મારી લાજ રાખવી તમારે હાથ છે.
મંગળા : લાજ તે રાખી લઉં... પણ એક શરતે.
શેખર : પાછી શરત ?
મંગળા : હા. ને તે એ કે હવે કદી આવી અદલાબદલી કરવી નહિ. કદી આવી શરત લગાડવી નહિ, બોલો છે કબૂલ?
શેખર : કબૂલ.
મંગળા : તો જાઓ તમે જરા બહાર ફરી આવો, ને હું હમણાં બધું પતાવી દઉં છું.
શેખર : પણ રસોઈનું?
મંગળા : બધું થઈ પડશે. જાઓ આમને સાથે લેતા જાઓ...ને હાં એમનું જરા ધ્યાન રાખજો, આમ ચારે તરફ ઘવાયેલા સિપાઈ જેવા જોઉં છું ને મારો તો જીવ બળી જાય છે.
શેખર : લલ્લુ ખરો નસીબદાર છે.
લલ્લુ : આંખનો જ આંધળો છું. કરમનો નથી ખરું ને મંગળા. (પ્યાર કરવા જાય છે.)
મંગળા : હવે આઘા ખસો...આવડા થયા તોયે...
શેખર : તોયે રસિયો ન મટ્યો. (સૌ હસે છે. શેખર લલ્લુ જાય છે... મંગળા હાથમાં ઝાડુ લે છે... રેડિયો મૂકે છે. એમાં ગીત આવે છે…ને પડદો પડે છે. એ ગીત ચાલે છે. થોડો સમય જાય છે ને પડદો ઊંચકાય છે ત્યારે બધું વ્યવસ્થિત દેખાય છે, ને ઘરમાં એકલી ગીતા થાકેલી, હારેલી બેઠેલી દેખાય છે... થોડી વારે બારણે ટકોરા થાય છે ને મંગળા પ્રવેશે છે.)
ગીતા : મંગળાભાભી તમે! અત્યારે કંઈ?
મંગળા : થયું કે જરા નવા-જૂની જાણી આવીએ. કેમ શેખરભાઈ હજી નથી આવ્યા?
ગીતા : ના.
મંગળા : ઑફિસેથી તો રોજ અત્યારે આવી જાય છે કાં?
ગીતા : હા...પણ આજે ઑફિસે નથી ગયા.
મંગળા : શેખરભાઈ ઑફિસે નથી ગયા ? કેમ તબિયત બરાબર નહોતી?
ગીતા : તબિયત તો ઠીક હતી...પણ...
મંગળા : કેમ અટકી ગયાં? કંઈ ન કહેવા જેવું છે કે શું? શેખરભાઈ અંદર છે?
ગીતા : ના...કોણ જાણે ક્યાં ગયા છે? મને તો ચાવી તમારા મનુએ આપી. કહે મને આપી ગયા છે.
મંગળા : હં, હં સમજી. તમે બહાર ગયાં હશો. (કપડાં જોઈને) હું યે કેવી છું કપડાં બહાર પહેરવાનાં પહેર્યાં છે તેય જોતી નથી. મનુને પૂછી આવું શેખરભાઈ ક્યાં ગયા છે તે ?
ગીતા : ના...
મંગળા : ગીતાબેન ! આજ શું થયું છે ? આમ ઉદાસ કેમ છો ! રોજ જેમ મજાન હસતાં બોલતાં નથી...કંઈ બે વચ્ચે ચડભડ...કે...
ગીતા : ના. ના. એવું તો કંઈ નથી... પણ…
મંગળા : પાછાં અટકી ગયાં? શું છે મારા સમ ન કહો તો.
ગીતા : ત…મે નહિ સમજો ભાભી !
મંગળા : સમજાવો તો બધુંયે સમજીએ વળી. શું છે હેં ! ચકમક ઝરી છે હં!
ગીતા : આજે અમે એક શરત મારેલી.
મંગળા : શરત? શેની વળી?
ગીતા : કામની અદલા બદલીની.
મંગળા : શું કહો છો? પછી શું થયું? તમે જીત્યા?
ગીતા : ઉં હું...એકદમ ભોપાળું.
મંગળા : ઑફિસનું કામ ન કરી શક્યાં?
ગીતા : ઉં હું.
મંગળા : શું થયું ?
ગીતા : કહેવા જેવું નથી. એમની નોકરી ન જાય તો સારું.
મંગળા : પણ આવું ડહાપણ કરવાનું કહ્યું'તું કોણે ?
ગીતા : એમણે ચેલેન્જ ફેંકી ને મેં સ્વીકારી લીધી. (ઘર જોઈને) એમણે તો બધું જ કામ કરી નાખ્યું છે...એટલે.
મંગળા : એ તો જીત્યા જ વળી... શા સારુ હાથે કરીને હારવું પડ્યું? ચાલતું તેમ ચાલવા દેવું'તું ને. તમેય તે...(બારણે ટકોરા થાય છે) રહો હું ખોલું. એમાં ગભરાવાનું શું છે ? પુરુષો પાસે આપણે રોજનાં હારેલાં જ છીએ ને હં ! (બારણું ખોલે છે. ને શેખર તથા લલ્લુ પ્રવેશે છે)
શેખરઃ કેમ! શ્રીમતીજી ! સિંહ કે શિયાળ? બોલતાં કેમ નથી?
મંગળા : મૌન જ. જવાબ નથી? સિંહ હોત તો તાડૂકીને જવાબ ન દેત?
લલ્લુ : બસ! ગીતાબેન! હારી ગયાં? ધન્ય છે ને મારા મિત્રને- જોયું, ઘર? છે ને? છણછણ છીંકો આવે એવું.
શેખર : મોટે ઉપાડે શરત લગાડવા આવ્યાં. જોયું ને ! આ બંદાએ તો કહ્યું તે પ્રમાણે કરી બતાવ્યું.
લલ્લુ : ને તમે હાર્યાં. કરો કબૂલ...બોલો કબૂલ.
ગીતા : (કહેવા જાય છે ત્યાં ગીતાનું ધ્યાન ફૂટેલા બલ્બ તરફ ફૂટેલા અરીસા તરફ જાય છે. ઊઠે છે, જુએ છે, ઘડિયાળ હાથમાં લે છે તૂટેલી જુએ છે. પેલા બધા ગભરાય છે અંદર જાય છે.)
લલ્લુ : માર્યા...પકડાયા.
શેખર : આવી બન્યું...
મંગળા : પોલ ક્યાં સુધી ચાલે?
ગીતા : (બહાર આવીને) હું હારી ને તમે જીત્યાં કાં? મારા કપ રકાબીનું શું થયું ?
લલ્લુ : નવા લેવાની યોજના કરી. (હસે છે.)
ગીતા : આ બલ્બનું શું થયું? પેલો અરીસો ક્યાં? આ ઘડિયાળની સ્પ્રીંગ કોણે તોડી નાખી? આ...
શેખર : એક સામટા કેટલા સવાલ પૂછે છે? એક પછી એક પૂછ. બધા જ જવાબ આપું.
ગીતા : (શેખરના હાથ પર પાટો જોઈને—જે શેખરે પાછળ હાથ રાખીને છુપાવ્યો હતો.) હાથ પર આ પાટો શાનો?
લલ્લુ : તમારી ભૂલનો ભોગ બન્યો છે બિચારો. ઈસ્ત્રી આબાદ ચોંટી ગઈ છે. (કેડે હાથ દઈને ઊઠે છે.)
ગીતા : ને તમે કેમ લૂલા ચાલો છો ?
લલ્લુ : આને મદદ કરતાં પટકાયો... પેલો બલ્બ જોયો? ત્યાં લટક્યોતો (સૌ હસે છે.)
ગીતા : (સોફા નીચે કાચ જોઈને) અરર આ કાચનો ઢગલો શાનો?
શેખર : (જોઈને) એ અરીસાનો …મંગળાભાભી આ………
મંગળા : શું કરું ભાઈ ક્યાં નાખવા જાઉં ! સોફા નીચે બધું ઘૂસાડી દીધું.
ગીતા : હં! તો ઘર મંગળાભાભીએ સાફ કર્યું છે સમજી. આટલો ઘાણ કહાઢ્યો, બબ્બે જણની મદદ લીધી, છતાંયે કહો છો તમે જીત્યા એમ?
શેખર : નથી કહેતા, બસ? હવે તો રાજી ને?
ગીતા : અને ગરમાગરમ રસોઈનું શું? હસતાં હસતાં સામે આવીને ઊભા રહેવાનું હતું તેનું શું?
લલ્લુ : અલ્યા ! એવી પણ શરત મારેલી?
મંગળા : એ પણ ક્યાં ઓછા રસિયા છે! ગીતાબેન રસોઈ મારે ત્યાં તૈયાર છે. ચાલો જમવા. બન્ને ભૂખ્યાં થયાં હશો. (હસે છે.)
લલ્લુ : ન થાય ભૂખ્યાં. આખો દિવસ એમણે ઑફિસનું કામ કર્યું. ને આણે ઘરમાં...
મંગળા : ભાંગ ઢોળ કરી. (સૌ હસે છે.) ચાલો જમવા. પણ હા એક શરતે.
ગીતા : પાછી શરત?
શેખર : ભાભીની શરત તારા જેવી નહિ હોય! બોલો ભાભી શું શરત છે?
મંગળા : કે ભવિષ્યમાં કદી આવી અદલાબદલી કરવી નહિ.
શેખર ગીતા }: કબૂલ છે.
ગીતા : હવે શું અભાગ લાગ્યા હોય તે અદલાબદલી કરે, એક દા'ડામાં મારા ઘરનો ઘાણ કહાઢી નાખ્યોને.
શેખર : ને મારી નોકરીનું તો કાલ થાય તે ખરું.
ગીતા : આવડે કંઈ નહિ ને નીકળ્યા'તા શરત મારવા.
શેખર : આવડતનું નામ નહીં ને ઊપડ્યાતા ઑફિસ જવા.
ગીતા : શેક્યો પાપડ તો ભાંગી શકે એમ નથી ને....
શેખર : ને તું તો જાણે કે...
મંગળા : (એકદમ) બ...સ. બસ બસ. બાકીનો ભાગ આવતી કાલ પર
લલ્લુ : કાલની વાત કાલું હોય તે કરે. આજે જ પૂરું થવા દીયો. (બેસે છે) આપણને મજા આવે છે. ચલાવો આગળ.
શેખર : તારા ખાતર અમે લડી મરીએ એમને?
ગીતા : ને અમારી લડાઈમાં તમે મહાલો એમને? નથી લડતાં, જાઓ. (બેસી જાય છે)
મંગળા : લડો નહીં પણ જમશો તો ખરાં ને.... ચાલો મોડું થાય છે (સૌ જમવા ઊઠે છે જવા લાગે છે. ત્યાં લલ્લુ પેલું ગીત ગાય છે સલુણીવાળું ને એક ટેબલને ઠેબે લઈને ફલાવરવાઝ પાડતો જાય છે... ને શેખર એને કહે છે કે “હવે તો દયા કર મા-બાપ "...એમ કહીને એને ખેંચી જાય છે ને પડદો પડે છે.)