નારીસંપદાઃ નાટક/સ્વપ્ન

From Ekatra Wiki
Revision as of 02:39, 7 November 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. સ્વપ્ન

-મીતા બોપોદરા

હયાતી - જુન-સપ્ટેમ્બર ૨૦૦૨

એકાંકી વિશેષાંક
તં. હરીશ મંગલમૂ
પ્ર. ગુજરાત દલિત સાહિત્ય અકાદમી,

અમદાવાદ

પાત્રો

પરભુબ્રાહ્મણ ૧-૨-૩
બબૂ ગુરુ
મંગળપૌત્ર
ગ્રામજન ૧-૨-૩ માધો

(ફેઈડ ઈન થતાં ખાટલો, ફાટેલી ગોદડી ટુવાલ/લાલ અંગોછું ગોઠવેલાં છે. પરભુ અને બબૂ માથે ટોપલાં અને હાથમાં સાવરણા સાથે આવે છે. પરભુના હાથમાં લાડવા ભરેલું પોટકું ય છે પરભુ ટોપલો અને સાવરણો બાજુમાં મૂકે છે. બબૂ પછાડે છે અને ખૂણામાં પડેલી ડોલમાંથી પાણી લઈને ઘસી ઘસીને હાથ ધુએ છે)

પરભુ : એલી એ બબૂ હું થયું?
બબૂ : થવાનું હું વળી? આ તે કંઈ અવતાર સે? હવાર હવારનાં પો'રમાં ગામ આખાનું મેલું માથે ઉપાડવાનું? બળ્યું, ભગવાને ય કિયા પાપનો બદલો આલી રહ્યો છે? હવે તમે ન્યાં હું કરીને બેહી જયા સો? હાથ પગ ધોઈ લ્યો ત્યાં લગણ હું બે'ક રોટલા ઘડી નાંખું.
પરભુ : (હાથ ધોતાં) બબૂડી ?
બબૂ : હં?
પરભુ : તને આ, ગામનું મેલું ઉપાડવું નથી ગમતું ને?
બબૂ : તમને ગમે સે? ના, ના, હવાર હવારમાં જાણે હીરા-મોતીનાં હૂંડલા ઉપાડીવી સી! છી? આ જીવતે જીવત નરકની પીડા ભોગવવાની આપણે તો! આપણે હુ માણહ નથ? ને પાછું... "એ બબૂડી તારું ધ્યાન ક્યાં હોય છે? કાલ હરખું સાફ નો'તુ કર્યું. જરા દિલ દઈને ચોખ્ખું કરતી જા" આવડી મોટી જોખી જોખીને હંભળાવવાનું મન થાય છે. મને તો— ના ના ઈંવાની હાજતમાં દિલ પરોવવાનું?
પરભુ : (હસતાં) બહુ ખિજઠાણી છો ને આજ કાંઈ? વાં પોટકામાં લાડુ સે, જોઇતા ગોરને ત્યાંથી વધ્યું હશે તે રોટલો ઘડવાનું માંડી વાળ્ય ને હાલ ઈ જ ખાઈ લીએ.
બબૂ : હં (ગુસ્સાથી પરભુ હામે જુએ)
પરભુ : (સમજાવતાં) જો ઈમ મારી હામે ના જો. આ ગામને પાધર, ભવાયાનો વેશ આયો સે પસે જોવા જાઈ (મંગળકાકા ખોંખારો ખાતાં અંદર આવે છે. બબૂ માથે ઓઢે છે)
બબૂ : મારે નથી જોવો. ગામથી નોખા, દૂર... ગાઉ એક દૂર બેહીને વેહ જોવાનો? ના ચોખું ભળાય ના હંભળાય. હવે તમે ને બાપુ બે ય લાડુ ખાઇ લ્યો. હુ મારા વલે રોટલો ઘડી લઉં સુ.
પરભુ : કાં તું ય ખા ને !
બબૂ : મારે નથી ખાવો .
પરભુ : કાં ?
બબૂ : હવે કાં કાઉં કરીયા વના કરતાં હોય ઈ કરોની !
મંગળ : બબૂ, વહુ બેટા, બામણના ઘરનું વધેલું અન્ન તો ભગવાનનો પરસાદ કે'હવાય ખાઇ લે બેટા.
બબૂ : તંઈ તો બાપા, આપણાં ઘરનો વધેલો ટુકડો તો રાખ્ખસનાં ઘરનો પરસાદ કે'વાય કાં? મને ઈ કોઈનો ય એંઠવાડ ખાવો નથી ગમતો. ઈ ઊંચા કુળના લોકોની આટ આટલી વેઠ કરવીસી તે હું ઓછું છે તે ઇવાનું બોટેલું ય ખાવું?
પરભુ : બાપુ, ઈ એની જઠ નહીં મેલે હાલો, આપણે જ ખાઈ લીએ. (હસતાં) ઈ બબૂડી લાડવાનું પોટકુ તો દેતી જાહે કે પછી રામ રામ!
બબૂ : રોમ રોમ હીના? ઈનાં વાંહેથી મેલેલા લાડવા રોજ માથે ઉપાડવી સી તયેં ઈના હાથે બનાવેલા લાડવાની કો કરો સી?
પરભુ : ખાવા ટાણે મૂંગી મરહે ! (પોટકું લાવી બંને પાસે મૂકે. બંને ખાવાનું શરૂ, કરે ત્યાં ડોલ પાહે જઈ... બબૂને ઉબકા આવે.) હું થાય સે?
બબૂ : (લાગણીથી) કંઇ નથી થાતું... પેટ પિંડ પડ્યો સે. કાલ થોડા ગાજરનાં બી લાવી દેજો એટલે પાર આવે.
પરભુ : હું? હું બોલી તું? તુ... તુ... મારો વારસ આવવાનો સે ને ઈને જનમ દેતાં પેલ્લાં જ ટૂંપી નાંખવો સે તારે? આજ બોલી ઈ બોલી, હવે બોલી સે ને તો ટોટો ભીસી નાખીશ હો.
મંગળ : પરભુ, બેટા શાંત થા. વહુ બેટા બાળક ઈ તો ભગવાનનો અવતાર કે'વાય. ને આપણા વંશનો વારસ.
બબૂ : ના બાપુ, આ આ હૂંડલા.... આ ગામ આખાની હાજત ઉપાડવાનાં હૂંડલાનો વારસ. આ પૂંછડા જેમ લબડતાં સાવેણાનો વારસ. ગળામાંના ગાળિયા જેવી આ આ કુલડીનો વારસ (રડી પડતાં) આનાથી, આનાથી વધુ હું આલી હકવાના આ આવનાર પિંડને?
(ફેઈડ ઈન થતાં પરભુ બબૂ તૈયાર થતાં નજરે પડે છે. મંગળ કાકા બાજુએ બેઠા છે)
પરભુ : બાપુ આજ તો શરદ પૂનમ. ગામ બા'રે ઉત્સવ થાહે અને આપણાં જેવામાંથી કોઈ એકને એક દિ' નાં બામણ બનવાનો લાભ મળેશે.
બબૂ : હા હોં, ભલુ થાહો એ ગુરુ સરવોત્તનું કે આ આપણાં જેવા હારુ આવો એક દિ તો રાખ્યો જ્યારે આપણને ય ઇવાંની હારોહાર રે'વાનો ને ઉત્સવ માણવાનો લાભ મળે સે. કેમ હું ક્યો સો બાપુ?
મંગળ : ઈમાં હું શું કવ બેટા ?
પરભુ : બાપા, કાંઈ કે'વુ ના હોય તો કાંઈ નહીં. પણ આ જ આ જ તો તમારે ઈ ઉત્સવમાં આવવાનું જ છે હો ! વખત સે ને કાંક તમારા કે મારા નામની ચિઠ્ઠી નીકળે ને એક દિ'ના બામણ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.
મંગળ : સૌભાગ્ય? ઈ તો આપણાં જનમ હારે જોડાયું છે. મને આ આપણાં કુળમાં જનમ થયો ને તેનો લગીરે ય વહવહો નથી.
બબૂ : શું? આ નરકથીય બદતર યાતનાનું તમને દુઃખ નથી. હું તો કવ સું ભગવાન દશમનને ય આ આપણાં વરણમાં જનમ નો દયે. આખો જલમારો દુર્ગંધ ને ઉકરડાં ઉલેચવામાં કાઢવાનો ઈનો અફસોસ ય નથી તમને ?
મંગળ : બેટા, બાળકનાં મળમૂત્ર ધોતી માતાના મનમાં અસ્પૃશ્યતાનો વિચાર જ ક્યાંથી? ઈમ, સમાજનાં મળ-મૂત્ર ધોતાં અમ, અમ માબાપનાં મનમાં અસ્પૃશ્યતાનો વિચાર જ ક્યાંથી?
બબૂ : છતાં ય આપણે અસ્પૃશ્ય ? ને તો વ મળમૂત્ર ધોતાં જ રહેવાનાં? કારણ..?
મંગળ : કારણ એટલું જ બેટા કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી વ ન થાય.
પરભુ : બાપુ તમારી તો વાત્યું જ હમજાતી નથી મને તો.
મંગળ : અરે દિકરાવ, આપણને તો આખા સમાજનાં અરે ચારે ય વરણનાં માવતર બનવાનો અવસર આલ્યો સે ભગવાને. સેવા ઈ તો આપણો ધરમ ય સે ને ફરજ ય છે. તમારે બેઉને જવું હોય તો જાવ મારે નથી આવવું એ ઉત્સવમાં. મારે મન તો મારી હકીકત એ જ મારો હવન ને ઈ જ મારી પ્રજા તમે જાવ.
ફેઈડ -આઉટ
(ફેઈડ ઈન થતાં ....ભજન સંભળાય છે. ગ્રામજન - ૧, ૨, ૩, બેઠા છે.)
અવાજ : (મંગળકાકાનો) જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવુ શામળા. હલકે હાથે અંગને ચોળી લાડ લડાવું શામળા. અંગો લૂછી, આપું વસ્ત્રો પીળું પિતાંબર પ્યારમાં, તેલ સુંગધી નાખી આપું વાંકડીયા તુજ વાળમાં... જમુના જળમાં...
ગ્રામજન-૧ : આ માણહને દેવ હમજી સેવા કરનારા આ મંગળકાકામાં કેટલો ફરક પડી ગયો સે નહિ? હવે પત્થરનાં દેવને ય પૂજવા લાગ્યા છે.
ગ્રામજન-૨ : હા. પહેલાં જ્યારે એ આ શરદપૂનમના ઉત્સવમાં ભાગ નો’તા લેતા ત્યારે આપણે કરવી સી ને એ હંધાય કામ કરવાનાને પોતાનો ધરમ માનતા.
ગ્રામજન-૧ : અને આજે પૂજા માને સે. આ એક દિ'ના બામણ બનવાના ઉત્સવમાં જયારથી ભાગ લેવાનું શરૂ કર્યું ને એમાંયે નર્યો ભક્તિભાવ છલકાય છે.
ગ્રામજન-૩ : હા જાણો છો દિકરાવ. એ મંગળે હું હું વેઠ્યું સે? ઈ નાં એ દિ' મને ય ભૂલ્યાં ભૂલાતાં નથી તો એને તો કે'વાક આકરા લાગતાં હશે? (ફલેશ બેક)
બબૂ : હું સાચું કવ સુ. ભારે ચેપી રોગ સે આ. માની જાવ. આપણે ગામ મેલી બીજે જતાં રઇએ.
પરભુ : હું? હું બોલી તું? આ જે ગામમાં મરોા જનમ થયો એ મા ભોમકાને મેલીને ભાગી જાવું સે.
બબૂ : હવે ભોમકાનો મોહ મેલી ધ્યો. જીવતાં હશું ને તો ભોમકા માથે પાછા ય અવાશે પણ જીવથી ગયાં તો? મુ તો કવ સું મારા પંડ્યનો વચાર નો કરો તો કંઈ નહીં પણ આ આવનાર જીવ નો તો વચાર કરો.
પરભુ : અરે ભૂંડી, આવનારનો વચાર કરીને આ જગત માથે જે હાજર છે ઈ ને તો અન્યાય નો કરાય ને .
બબૂ : અન્યાય? શીના અન્યાયની વાત કરો સો હેં? આપણને વળી ચ્યૉ ન્યાય મળી રહ્યો સે હે? આ પૂંસડાને, ને આ ગળામાં મંગળસૂત્રની હારોહાર કુલડી બાંધવાની અને આ બધાની ચાકરી કરતાં કાં'ક આપણને મરકી થઈ ગઈ તો? (મંગળકાકા ખોંખારતા પ્રવેશે)
મંગળ : વહુ બેટા, સેવા એ તો આપણો ધરમ સે ને ફરજ ય સે. સેવા કરવી એ જ આપણું જીવન છે. જીવનથી ભાગી ભાગીને કાં જવાના? અરે હાલ તો ભાગી જાહું! પણ પસે? જ્યારે આ મનખો આપણને કોરી ખાશે તે યે? લોક વાત્યું કરશે ને તો ઈ ને તો જવાબ દઇ દેવાશે પણ મ્હાયલો પોકારી પોકારી જવાબ માગસે તંઈ? પછે જેવી તમારી મરજી. (સાવરણો ને હૂંડલો ઉપાડતાં જાય છે.)
પરભુ : હું વિચારે સે ? હું થ્યું?
બબૂ : હાચું કવ ને તો પૈણીને આયાં આઈને તેઈએ મને થતું કે આ બીજા વરણની વહુઆરુના હાથની મેંદીનો રંગ મહિનાઓ સુધી લાલ રહે ઈ હારું સાસરિયા કેટલું જતન કરે સે ! જ્યારે આપણાં વરણમાં? મેંદી ભર્યો હાથ મેલું ઉપાડવાના કામમાં જોતરાઈ જાય છે. મને આજ દન સુધી આ કામ કરવા નથી ગમ્યા પણ...
પરભુ : બબૂ, બાપા ગમે તે કહે પણ જો તું કહેતી હોય ને તો આ ગામથી ઉચાળા ભરી જઈએ.
બબૂ : ના રે ! હવે તો ફરજથી ઉચાળા ભરવા ઈનાં કરતાં તો જીવતરથી જ ઉચાળા ભરવા હારા. હારો, પાણાના દેવને પૂજવાની લાયકાત તો ભગવાને આપણને નથી દીધી. ચામડીનાં બનેલા માણહની સેવાનો અવસર ઊજવી લઇએ.
પરભુ : બબૂ, તને બાપુએ કીધું એનું ખોટું તો નથી લાગ્યું ને !
બબૂ : ના રે ! બાપાની વાત હાચી સે. મને કમને ય ભાયગમાં આ જ કરવાનું લખાયું સે તો પછે.... આ કામને જ પોતીકું ગણી કાં ના કરવું. આ આપણો ગગો આવશે તંયે.
પરભુ : (હસતાં) લે તે કીમનું જાણ્યું કે ગગો જ અવતરહે? ગગી નહીં આવે?
બબૂ : નહીં મારે પેટ દીકરો જ અવતરહે જોજો ને ! અને આ આપણાં ગામમાં દર શરદપૂનમે એક દિ'ના બામણ બનવાની તક આપવામાં આવે સે ને !
પરભુ : હો વ્વે.. તે એક દિ' નો બામણ બનેશે ઈમ?
બબૂ : બામણ બનહે કી ની બનહે પણ બામણ બનવાની ઈસ્સા હારે જીવહે ને તોય હાંઉ. ને નહી હીનો બને? આ આપણે ઊંચા કુળની આટ આટલી સેવા કરવી સી તે ઈ ઉપરવાળો ભાળતો નહીં વોય? આ ઈનાં ભગતડાઓ જીવતા રહે ઈના હારુ ગામના ઢગલો'ક ઉકરડા ને ઉંમાય હવે તો ઉંદરડા ઉઠાવી ઉઠાવી ગામને હાજુ રાખવી સી તે.
પરભુ : હાલ... હાલ હવે વાતો ના વડા કરીઆ વના બામણ ફળિયામાં પાંચ-છ બામણને મરકી થઈ ને પૂજારી ય બિમાર સે.
બબૂ : અલ્યા પણ ઈનાં ઘરનાં તો સે ઈનાં કુટુંબ કબીલાને ઈની દરકાર ની હોય ! પણ બારે ચેપી રોગ સે ને મરકી તો! મારા વાલીડા એવડા ઈ આપણો ઓછાયો પડે તો ય ના'વા બેહી જાય સે ને આજ? આપણી પાહેંથી હંધુંય કામ કરાવતા હરમાતા ય નથ?
પરભુ : અરે ! પણ પછી અસનાન તો કરી લ્યે છે ને!
બબૂ : (હસતા) હા, અસનાન મનાન નહીં ગંગાજળનાં થોડાંક છાંટણાં નાંખી લ્યે છે અંગ પર (હસે)
પરભુ: એલી કભારજા લોકોની પીડા જોઈ તને હસવું આવે છે? બબૂ, કોઇની પીડામાં આનંદ થવો ને ઈ હારી વાત નથી.
બબૂ : હું? હું બોલ્યા તમે? મને ગામની પીડામાં આનંદ નહીં થતો પણ ઈવાના આડંબરને જોઈ હસવું આવે છે. ઠાલો દેખાડી કરે સે હંધાય આ આપણા ઘરે પારણું બંધાય ને તંયે આ ઈના પર ગંગાજળના છાંટણાં નાંખી દેવડાવજો એટલે આ આભડછેટનું મેણું ભાંગી જાય. (શેડોમાં પરભુ ને બબૂ સેવા કરતાં નજરે પડે.)

ગીત

અમથી અમથી વાતે કીધી
અળગાં રાખ્યાં સૌથી
સૂકો રોટલો ને ખારાં આંસુ
પેટ ભર્યું અમે ગમથી... અમથી
નરને કહેતાં વાલ્મીકિ
ને નારી બની આજ રૂખી
નામ વિધ વિધ દેતાં રહેતાં
તો ય જીંદગી સૂકી... અમથી
વેદ શાસ્ત્ર કે ગીતામાં ક્યાંય નથી વર્ણો
પછી શીદને અમને નોખ્યાં પાડ્યા.
જવાબ દો સવર્ણો... ૨. અમથી અમથી

(પરભુ અને બબૂ કચરો વાળતાં નજરે પડે છે. બબૂ પડી જાય છે)
પરભુ : શું થયું?
બબૂ : કાંઈ નથી થયું આ તો જરા...
પરભુ : હેં... આ ગાંઠ બબૂ તેં મને કીધું ય નહીં!
બબૂ : (ફિકું હસતાં) લ્યો, તે મારી એકલીનાં પંડ્ય માથે જ બોર થોડા ઊગ્યા સે? તમારાં ફાટેલાં પહેરણમાંથી ય મરકીની ગાંઠ ડોકાય છે. ઈ તો જુઓ.
પરભુ : હં (ઢાંકતા) આ આ તો ખાલી મટી જાહે. આ તો શરૂઆત જ સે વૈદનાં ઓસડિયાં લઇશ ને એટલે.
બબૂ : હં હં વૈદના ઓહડિયા? હારુ પણ બાપુ ક્યાં સે? ઓહ! (પીડા ઊપડે)
પરભુ : હું થાય સે?
બબૂ : (ફિકું હસતાં) કપાળ તમારું. ઈનાં આવવાનો સમય થઇ ગ્યો સે.
પરભુ : હેં (આડો ખાટલો મૂકે, ગોદડી નાંખે)
બબૂ : (અવાજ) હાંભળો આ જનમે ને કે તરત ઓલા ગુરુને બોલાવશો ને? ઇને પવિત્ર કરે ને ત્યાં લગણ હાથ નહીં લગાવતા. મારે મારા દીકરાને ઊંચા કુળનો બનાવવો છે.
પરભુ : હા હા.... બોલાવી લાવીશ(બાળક ના રડવાનો અવાજ ને પરભુની ચીસ) નહીં.... બબૂ નહીં.. બબૂ તું તું મને, મને છોડીને હાલી નીકળી. (મંગળ આવે)
મંગળ : એલા પરભા.. હેં અરે! અરે! (રડવા જેવો થાય)
પરભુ : બાપુ બબૂ હાલી નીકળી (બાળકના રડવાનો અવાજ ) મંગળ ખાટલા પાછળ બાળકને ઉઠાવવા જાય) નહીં નહીં બાપુ એ ઈનાં પર આપણો ઓછાયો ય ના પડવા દેશો.
મંગળ : બેટા?
પરભુ : બાપુ બબૂની ઈસ્સા હતી કે ઈને ગુરુ સર્વન્તિ ગંગાજળ છાંટી પવિત્ર બનાવે. બાપુ તમે ગુરુને બોલાવી લાવો ને.
મંગળ : હેં? હા બેટા પણ...
પરભુ : જાવ બાપુ..
મંગળ : પણ બેટા આ ગંગાની હેઠ કીડીયારું ઉભરાયું છે.
પરભુ : હા, પણ તમે જાવ.
મંગળ : (જાય છે પરભુ ફૂંક મારીને કીડીઓ ભગાડવા મથે છે.)
પરભુ : હર.. હર... (બાળકનો સતત રડવાનો અવાજ ગુરુ અને મંગળ આવે)
પરભુ : (પગે લાગતાં) પરણામ, તમે ત્યાં? મારો હમણાં જ જન્મેલો છોરો સે. ગુરુદેવ મી કે ઈની માયે ઈ ને હાથ સુધ્ધાં નથી લગાડ્યો. ઈની માની ઈસ્સા હતી કે ઈને તમે પોતાનો બનાવી હો... ઝટ કરો ઈની... કીડીઓનો દર સે. ઈને કયડી ખાહે.
ગુરુ : (શાંતિ થી) પરભુ મંગળભાઈ હું તમારી લાગણી અને વ્યથા સમજી શકું છું.
મંગળ : (થોડા ગુસ્સાથી) ઈ બધી વત્યું પછે કરજો પહેલાં ઈને ગંગાજળ તો છાંટી દ્યો તો ઉઠાવી લેવાય!
ગુરુ : તમે મારી વાત સાંભળો. હું તમારા કહેવા મુજબ ના કરી શકું. નિયમ એટલે નિયમ. પૂરા એક વર્ષની જેમ સવર્ણોની જેમ વર્ત્યા હોય અને ચિઠ્ઠીમાં એનું નામ આવે ત્યારે જ તેને બ્રાહ્મણ બનવાનું સૌભાગ્ય મળે.
મંગળ : હવે આના પર ગંગાજળ છાંટો નહીં તો કીડીઓ એને હુજાડી દેહે (ઉઠાવા જાય)
પરભુ : (મોટેથી) નહીં. રહેવા દો બાપુ. આપણી જેમ જીવન આખું ડંખ સહેવા કરતાં આ ઘડીક ભલે હેરાન થતો.
મંગળ અરે...પણ....
પરભુ : બાપુ (ગુસ્સા અને રડવાના કારણે અવાજ ફાટી જાય અને ઢળી પડે)
મંગળ : બેટા નહીં ! (ગુરુને દૂરથી પગે પડતાં) ગુરુદેવ આ તો તાજું ફૂલ જેવું બાળક છે એને બે છાંટણાં છાંટી આજના એક દિ' માટે તો પવિત્ર બનાવી દયો. ઈના બાપની ઇસ્સા પૂરી કરો. ગુરુદેવ !
ગુરુ : હું વિવશ છું ભાઈ.
મંગળ : પણ મારા પરભુ અને બબૂની અંતિમ ઇચ્છા ય પૂરી નહીં થાય?
ગુરુ : જુઓ મંગળભાઈ, આ રીતની તમારી માગણી અનુચિત છે. હું નિયમનાં બંધનોથી બંધાયેલો છું અને કવચિત તમારું માની આ બાળકને પવિત્ર કરું તોય તે ઊછરવાનો તો તમારા જ કુળમાં ને તમારા ખાનદાનમાં જ ને?
મંગળ : હં... અ હ હા.
ગુરુ : એટલે એ તમારા જેવો જ કહેવાય. માટે જીદ મૂકી દો. (ગુરુ જાય બાળકના રડવાનો અવાજ.. મંગળ છોકરાને ઊંચકી લે અને પોક મૂકી રડી પડે.)
(ફલેશ બેક પૂરો.)
ગ્રામજન-૩ : અને એ દિ થી આજ દન સુધી કાયમ મંગળ આ ઉત્સવમાં ભાગ લ્યે છે. આ આજે આજના ઉત્સવમાં તો બામણ બનવામાં ઈનુ જ નામ નીકળે તો હારુ.
ગ્રામજન-૧ : હા હોં આ એક દિ' ના બ્રાહ્મણ બનવાનો હાચો હકક તો ઈનો જ છે.

દૃશ્ય:૨

(ગ્રામજન ૧. ૨. અને ૩ બેઠાં છે.)
અવાજ : વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડા પરાઈ જાણે રે...
ગ્રામજન ૧- : ભારે મીઠો અવાજ છે મંગળકાકનો, નહીં! અને દરદ ઘૂંટ્યો એમનો અવાજ સાંભળીને લાગે કે ભગવાને ય એમને નીચા કુળમાં જનમ દેવાની ભૂલ કરી દીધી છે.
ગ્રામજન ૨- : આ વખતે આ એક દિવસના બામણ બનવામાં મંગળદાદનો વારો આવે તો સારું.
ગ્રામજન ૩- : હા આ એક દિ ના બામણ બનવાનો હાચો હક્ક તો ઈ નો જ છે. હો બાપલિયા, ઈની ટેક અડગતા ભલભલા સંતોના તપને ય ઝાંખાં પાડી દયે તેવાં છે.
ગ્રામજન ૨- : પણ આ ધરણીધર ભગવાનેય જાણે ઈનાં આયખાની કસોટી લેવા બેઠા છે. આ આપણાં વરણની અંદર અરે, આખા જગતમાં ઈનાં જેવી ધાર્મિક વૃત્તિવાળો મનખો શોધ્યો ય ના જડે. અગ્યારસ પૂનમ શિવરાત્રી સાતમ-આઠમ... કેટ કેટલાં વ્રત બ્રાહ્મણને ય શરમાવે એમ પૂરી શ્રદ્ધાથી કરે છે.
ગ્રામજન ૧- : હા હોં, પણ ભગવાને ય ભગવાનમાંથી ભરોહો ઊઠી જાય ને એવાં કામ કરે છે. બિચારો મંગળદાદા વર્ષોથી આ અહીંના ઉત્સવમાં ભાગ લે છે.
ગ્રામજન ૩- : હા, આઈનો દિકરો પરભુ ને ઈની બાયડી બબૂ બને ય ને મરકી થઈ ને મરી ગ્યા. વાંહે નાનો પોરિયો મેલી ગ્યા. મંગળને તો બાયડીનું સુખ ય ઝાઝું ન'તું ટક્યું.
ગ્રામજન ૨-: આ આટઆટલી વિપદા છતાંય એમની બામણ બનવાની ઇચ્છા તો એવી જ અડીખમ છે.
ગ્રામજન ૧- : હા હોં, આ સમયની થપાટોએ એમને વધુ સહનશીલ અને શ્રદ્ધાળુ બનાવ્યા છે. એમની આ શ્રદ્ધા જોઈને તો થાય છે કે આ ફેરા તો આ બામણ બનવાની ચિઠ્ઠીમાં એમનું જ નામ નીકળે તો હારું. મંગળદાદા જ બામણ બને તો હારું(ઠક..ઠક..લાકડીના ટેકે મંગળદાદા અને એનો પૌત્ર આવે છે)
પોત્ર : દાદાજી આપણે માણેહ છીએ તે હું ખોટું છે તે તમારે બામણ બનવું છે?
મંગળ : બેટા, એક દિવસ જરૂર હું આ ભોમકા માથે બામણ બનીશ. મારે મારે ભવનું, કુળનું મહેંણું ભાંગવું છે. દિકરા. (મંગલદાદા સ્ટેજ વચ્ચે જઈ ત્યાંની ધૂળ ઉપાડી માથે ચઢાવે છે) આ આ જગ્યા પર એક દિન જરૂર બામણ બનીને બેસીશ. એક દિ' સૌ મને પૂજશે. હું બ્રહ્મભોજન કરાવીશ. આ ભોમકાનો અહીંનો ઊંચા કુળનો દીકરો બનીશ. (મંગળકાકા ગ્રામજનો વચ્ચે આવીને બેસે છે. નેપથ્યેથી શ્લોકનો અવાજ સંભળાય)
અવાજ : યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ઈન્દ્રિયાણામ અદિષ્ઠાપી ભૂતાનાં । અખિલેષુ યા ભૂતેષુ સતત તસ્યૈ વ્યાપ્તિદેવ્યૈ નમો । નમ: ચિત્તિરૂપેણ યા કૃત્સ્ત્રમેતદવ્યાપ સ્થિતા જગત નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ (હાથમાં એક એક દીપ સાથે બ્રાહ્મણો પ્રવેશે છે. અને આવી બિરાજે છે. ॐ ॐ ॐ...)
મંગળદાદા : ચૂપ : આજ? આજ તો ચિઠ્ઠીમાં જરૂર મારું નામ નીકળશે. અને એક દિવસનાં બામણ બનવાનું સૌભાગ્ય મળશે જ. આ જ મારું વર્ષો જૂનું સ્વપ્ન છે.
ગ્રામજન ૧-: દાદા હું આવડોક હતો ને તમે ત્યારથી દર શરદ પૂનમે આપણે આ ચીઠીયું ઊપડે ત્યારે આવીએ છીએ. પણ કાંઈ વળતું નથી.
ગ્રામજન ૩-: મંગળ, આવો, આ એક દિ'ના બામણ બનવાનો મોહ મેલી દયે. ભગવાને આપણને જે બનાવ્યા ને ઈજ ઠીક છે.
મંગળદાદા : નહીં ભાઈ, આ વર્ણો તો માણહે પાડ્યા સે. ને હું હું એક દિવસ બ્રાહ્મણ બનીને બતાવીશ.
બ્રાહ્મણ : ॐ... ॐ... ॐ...
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુર ૨ દેવો મહેશ્વર । ગુરુસાક્ષાત્ પર બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ । (શંખ નાદ થાય ગુરુ પ્રવેશે. ..શંખ નાદ થાય ગુરુ પ્રવેશે.. આશિષ આપે.)
બ્રાહ્મણ ૧- : આજે શરદ પૂનમનાં સાયં કાળના પ્રથમ ચરણમાં હવે દર શરદ પૂનમની જેમ આખું વરસ સંપૂર્ણપણે બામણની જેમ વર્ત્યા હોય તેવી વ્યક્તિઓના નામની ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવશે, અને જેનું નામ નીકળશે તેને સ્નાન કરાવી શાસ્ત્રોચ્ચાર દ્વારા શુદ્ધ કરી બ્રાહ્મણ બનવાનું સૌભાગ્ય પ્રદાન કરવામાં આવશે, અને તે વ્યક્તિ આજથી આવતી કાલ સાંજ સુધી બ્રાહ્મણો વચ્ચે રહી શકશે તેમજ શાસ્ત્રોચ્ચાર હવન યજ્ઞ કરી મન શુદ્ધિ, દેહ શુદ્ધિ પણ કરી શકશે. અને એક દિવસ માટે તે આપણાં સૌનું ગુરુપદ ધારણ કરશે.
ગુરુ : હે માતા સરસ્વતી, પૃથ્વી પર દરેકનાં કાર્ય પ્રમાણે વર્ષ પાડીને બધાના કામ વહેંચવામાં આવ્યાં છે. પરંતુ સમયકાળે જેતે વર્ણનાં વારસોને તે જ વર્ણના ગણવામાં આવી રહ્યા છે, ત્યારે આ પાપમાંથી મુક્તિ મેળવવા વર્ષોથી અમે સવર્ણ બનવાની ઇચ્છા ધરાવતાં સંપૂર્ણ એક વર્ષ સુધી બ્રાહ્મણની જેમ વર્ત્યા હોય તેવી વ્યક્તિઓના નામની ચિઠ્ઠીઓમાંથી એક ચિઠ્ઠી ઉપાડીએ છીએ. હે માતા સરસ્વતી, મા વિધાતા મા લક્ષ્મી, યોગ્ય પસંદગી કરવામાં અમને સહાયભૂત થજો.
બ્રાહ્મણ : સત્યમં વદ્ । ધર્મ ચર:| સ્વાધ્યાયાત ન પ્રમદિવ્યમા. માતૃ દેવો ભવઃપિતૃ દેવો ભવઃ।આચાર્ય દેવો ભવઃ। અતિથી દેવો ભવઃ।
ગુરુ : સઘળાં ગ્રામજનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ કૃપાળુ પરમાત્મા અને વૈકુંઠ ધામના અધિપતિ એવા દયાળુ પરમેશ્વરની કૃપાથી આજના દિવસ માટે બ્રાહ્મણ બની પોતાની કાયાનું કલ્યાણ કરવાની તક જેને સાંપડી છે એ સૌભાગ્યશાળી વ્યક્તિનું નામ જાહેર કરું છું તે વ્યક્તિનું નામ છે (નગારાનો અવાજ.) તે સૌભાગ્યશાળી વ્યક્તિનું નામ માધા ધના..
માધો : ગુરુદેવ આ આટ આટલાં વર્ષથી હૈયામાં એક માત્ર અભિલાષા સાથે જીવતા આ મંગળદાદાનું નામ મારા બદલે રાખો. આ એક દિવસના બામણ બનવાની તક મારા બદલે એમને આપો એવી મારી વિનંતી છે. મારી સામે તો આ સૌભાગ્ય મેળવવા માટે આખી જિંદગીની સફર પડી છે. મારે તો... મંગળદાદાને તો પાનખર ક્યારનીય બેસી ગઈ છે.
ગ્રામજન -૨ : હા, હા, ગુરુદેવ આનાથી મોટું પુણ્યનું કામ કોઈ ના હોય. બાપલિયા, સવર્ણોને ય શરમાવે ને એમ મંગળદાદાએ આયખું કાઢ્યું છે. એમને આ લાભ આજ નઈ મળે ને તો ઈનો વહ વહો એમને તો રહેશે જ. પણ? પણ આપણે સૌ એનો ડંખ કેમ જીરવશું?
બ્રાહ્મણ -૧ : ગુરુદેવ ! મારું તો માનવું છે કે જો માધાભાઈને વાંધો ના હોય તો આપણને ય વાંધો ના હોવો જોઈએ.
બ્રાહ્મણ -૨ : કદાપિ નહી, કદાપિ નહી. આમ કરીએ તો તો દર વર્ષે આવાં બખેડાં ઊભાં થાય. માનનીય, આદરણીય ગુરુવર ચિઠ્ઠીના રિવાજનો કાંઈ અરથ જ ના રહે ને! શિવ શિવ શિવ.
ગ્રામજન -૩ : હા મંગળ, ભાઈ આ વરસે આ હક્ક માધાને મળ્યો છે તો માધો જ બામણ બનવો જોઈએ. ને ઈનું દીધેલું દાન તને ખપશે ય નહીં.
બ્રાહ્મણ -૨ : સત્ય... સત્ય.... સત્ય... સંપૂર્ણ સત્ય હકીકત છે. આમ કરીએ તો તો ભવિષ્યમાં ચિઠ્ઠીનો વેપલો ચાલુ થઈ જાય માટે શિવ શિવ.....
ગુરુ : શાંતિ શાંતિ શાંતિ..
બ્રાહ્મણ : નહીં બ્રહ્મદેવ, આ શાંત રહેવાનો સમય નથી. આ એક દિવસના બ્રહ્મત્વનું પુણ્ય કમાવવાનો આપણે અવસર આપીએ છીએ એનો અર્થ એ તો નહીં ને કે કાર્ય કેમ કરવું તેની સમજ આ આ અભાગિયાઓ આપે.
માધો : એ બામણા, અમને અભાગિયા ના કહીશ. અમે ના હોત તો તારા ઘરે ને આંગણે ઉકરડાં હોત. અને આ તારો જન્મ થયોને એમાં તારું કોઇ પરાક્રમ નથી. એ તો એક અકસ્માત છે.
બ્રહ્માણ -૨ : આટલો ઈર્ષ્યાભાવ સારો નહીં. શિવ શિવ શિવ અને આમ નામ કોઈનું નીકળે અને બ્રાહ્મણ કોઈ બને એ તો બ્રાહ્મણત્વનું અપમાન છે. અરે વિપ્ર, પાપના ભાગીદાર આપણે બનીએ અને ભવિષ્યમાં ચિઠ્ઠીઓનો વેપલો ચાલુ થઈ જાય.
બ્રાહ્મણ -૧ : વેપલો? અરે આ તો લાગણીનો, માણસાઈનો વ્યવહાર છે. આમ વેપાર ક્યાં દેખાયો વિપ્ર? (બધા અંદર અંદર ગુસ પુસ કરે) શાંતિ શાંતિ શાંતિ.
ગુરુ : સાંભળો માધાભાઈ, ગ્રામવાસીઓને અને દ્વિજો હું આપ સર્વેની લાગણીને સમજી શકું છું પરંતુ નિયમ એટલે નિયમ. આપણે સૌ નિયમથી બંધાયેલા છીએ. પૃથ્વી પોતાનો નિયમ છોડી પરિભ્રમણ કરવાનું છોડી દે ને તો ધરા રસાતાળ થઈ જાય. સૂર્ય પોતાના ઉદયનો નિયમ છોડી દે ને તો સર્વત્ર અંધકાર છવાઈ જાય. અને એમ જ બ્રાહ્મણ પોતાનો નિયમ છોડી દે ને તો તેનું બ્રાહ્મણત્વ લજવાય. માટે આજના એક દિવસના બ્રાહ્મણ બનવાનું સૌભાગ્ય માધા ધનાને મળ્યું છે. અને તે તેનું જ રહેશે. ૐ ૐ ૐ
માધો : મંગળદાદા મને આ સૌભાગ્ય મળવા છતાં કોઈ જ આનંદ નથી થતો.
મંગળદાદા : ભાઈ માધા, મારો એની હારેનો નાતો કોઈ ચિઠ્ઠી ચપાટીનો નથી. શ્રદ્ધાના સથવારાનો છે. અને મને મારી એ પ્રભુમાં અખૂટ શ્રદ્ધા છે. એણે કાંઈક વચારીને જ... મારું ભારે હારુ વચાર્યું હશે ને ! એટલે જ આમ થાય છે. ભગવાન જે કરે ઈ હારા માટે હોં ભાઈ ! ભાઈ માધા, તું હવે બામણ.
પૌત્ર : રડો નહીં હોં દાદાજી રડો નહી. આવતી વખતની હરાજીમાં તમારું નામ ચોક્કસ નીકળશે હોં... ચાલો જઈએ.
મંગળદાદા : બેટા, ઈ રસ્તો આપણો નથી. આપણો રસ્તો તો આ આ રહ્યો.

દૃશ્ય-ત્રીજું

(બ્રાહ્મણો હવન કરી રહ્યા છે. ગુરુદેવ હાજર છે.)
બ્રાહ્મણ ૨- : શહાદય સુર ગણા નિહતેતિ વિર્યે ।
બ્રહ્મણ ૧- : તસ્મિનદુરાત્મતિ સુરારિ બલે ચ દેવ્યા
બ્રાહ્મણ ૨- : તો તુષ્ટવ પ્રણતિ નમ: શિરોધરાસા
બ્રાહ્મણ ૧- : વાગ્ભિ: પ્રહર્ષ પુલકોદગમ ચારુ દેહા.
બંને. : યા શ્રી સ્વયં સુકૃતિનાં ભર્વનેષ્વ લક્ષ્મી પાપાત્મના કુતધિયાં ધ્યેષુ બુદ્ધિ શ્રદ્ધા સાતાં, સતાં કુલજન પ્રભવસ્ય લજજા ત્વાં ત્વાં નતઃ સ્મ પરિપાલય હોય વિશ્વમઃ
ગુરુ : શાંતિ શાંતિ. વિપ્રો આજે જયેષ્ઠ સુદ એકાદશીનું પર્વ છે. આજરોજ કરવામાં આવેલા હવન યજ્ઞનું મહત્ત્વ ઘણું છે. આજના દિવસને નિર્જળા એકાદશી તેમ જ ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભીમે પણ માત્ર ભૂખ્યા રહીને નહીં પરંતુ જળ નો પણ ત્યાગ કરીને કર્યું હતું. આ એકાદશીનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ છે. માટે આજે આપણે સૌ નિર્જળા એકાદશીનું વ્રત રાખીશું.
બ્રાહ્મણ ૨- : ગુરુદેવ ! બ્રાહ્મણકુળમાં અવતરેલાં એવા આપણે આ એકાદશી નિર્જળા જ કરવી ઘટે?
ગુરુ : વત્સ! એ બાબત તો પોતપોતાની શ્રદ્ધા પર અવલંબે છે. જો નિર્જળા ન રહી શકાય તો જળનો ત્યાગ ન કરવો અને માત્ર ફળાહાર લેવો. અસ્તુ.
બ્રાહ્મણ ૧- : હું તો આજે નિર્જળા એકાદશી જ કરીશ. વરસમાં એક જ દિવસ તો જળનો ત્યાગ કરવાનો હોય છે ને ?
બ્રહ્મણ ૩- : હું તો આજે અનુષ્ઠાન કરવા જ બેસી જઈશ. એ વિના મારાથી નિર્જળા એકાદશી નહીં થઈ શકે.
બ્રાહ્મણ ૨- : અરે - મેં તો ગોરાણીને ફરાળ બનાવવાનું કહી જ દીધું છું. સવારે ફરાળ અને સાંજે માત્ર ૧૦:૧૨ કેળાં.. વળી, મારાથી સળંગ આઠ-દસ કલાક અનુષ્ઠાનમાં બેસવું અઘરું છે.
(ફેઇડ આઉટ)
(મંગળદાદા પૌત્રને રોટલા શાક ખવડાવે છે.)
પૌત્ર : દાદાજી હવે લાડુ ખાવાનો ને?
મંગળ : બેટા, હું જે દિ' બામણ બનીશને તે દિ' ગામ આખાને લાડુ ખવડાવીશ.
પૌત્ર : પણ મને ખવડાવશો કે નહિ.
મંગળ : ભવ આખાની ભૂખ ભાંગી જાય ને એટલા ખવડાવીશ, બેટા! પણ અત્યારે આ ભાજી ને રોટલા ખાઈ લે.
પૌત્ર : તમે પણ ખાવને.
મંગળ : ના બેટા, આજે ભીમ અગિયારસ છે. મારે ઉપવાસ છે.
પૌત્ર : પણ દાદા મને ભાજી નથી ભાવતી.
મંગળ : અરે, બેટા! ભાજી તો પાંચ પકવાન અને છપ્પન ભોગ કરતાંય મીઠ્ઠી હોય.
પૌત્ર : જૂઠ્ઠા
મંગળ : બેટા.. ભગવાને છપ્પન ભોગ અને પાંચ પકવાન છોડીને વિદુરજીને ત્યાં ભાજી આરોગી હતી. અને બેટા રોજના ખાવામાં તો શાક રોટલાનું જ મહત્ત્વ હોય. લાડુ અને પકવાન તો હું બામણ બનીશને ત્યારે.
પોત્ર : પણ તમારે બ્રાહ્મણ કેમ બનવું છે?
મંગળ : બેટા, તારાં મા બાપ ગામ આખાનું મેલું ઉપાડતાં'તાં ત્યારે... આ ગામમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો.
પૌત્ર : મરકી? વળી શું?
મંગળ : મરકી ઉંદરના કરડવાથી થાય. આ ગામ આખાને હાજું રાખવાની લ્હાયમાં ને લ્હાયમાં બંને મરકીનો ભોગ બન્યાં. ગામનાં વૈદ હકીમે આપણા આ હલકાં વરણના કારણે ઓસડિયાં ના કર્યાં ને મારો પરભુ ને બબૂ હાલી નીકળ્યાં બેટા, મેં મેં તે દિ'નું નક્કી કર્યું છે કે આ હલકાં વરણનું મેણું ભાંગવું જ છે.
પૌત્ર : ધોકો લઈ આવું દાદા. આપણે બંને મળીને ભાંગી નાંખીએ.
દાદા : બેટા, ઉપરવાળાને ત્યાં દેર છે પણ અંધેર નથી. ઉપરવાળો જરૂર મેણું ભાંગશે.
(ફેઈડ-આઉટ ફેઈડ ઈન થતાં એક બાજુ બ્રાહ્મણો બીજી બાજુ ગ્રામજનો કથા વાંચતાં નજરે પડે છે.)
બ્રાહ્મણ ૧- : અધિક મહિનાનું સાચું મહત્ત્વ તો વ્રત નિયમના પાલનનું છે વિપ્ર!
બ્રાહ્મણ ૩- : સાચી વાત છે. અધિક માસનું પુણ્ય તો ૨૪ કલાક ધર્મ ધ્યાન ધરવામાં જ રહેલું છે.
બ્રાહ્મણ ૨- :- પણ આ બબૂડીની વિવશતા તો જુઓ... વળી, શાસ્ત્રમાં ફળાહાર અને વિધ વિધ પકવાનોની તો છૂટ આપવામાં આવી છે. (જમતાં) આ શ્રાવણ માસ તો બ્રાહ્મણોએ તૃપ્તિ અનુભવવાનો માસ છે.
(ફેઈડ આઉટ – ગ્રામવાસી--- -પર ફેઈડ ઈન)
મંગળ : અને વહુને સાતમો ઓરડો ખોલવાની ના કહી વૃદ્ધ માતા-પિતા જાત્રાએ જવા નીકળ્યાં અને વહુએ કુતૂહલ વૃત્તિથી પ્રેરાઈને સાતમો ઓરડો ખોલી નાખ્યો. જુએ તો સાક્ષાત્ પુરુષોત્તમ ભગવાન ! પુરુષનો અવતાર ધારણ કરીને બેઠા'તા. તેજોમય લલાટ અને હાતિ ઝગારા મારે. બોલો પરષોત્તમ ભગવાનની જય.
(ફેઈડ આઉટ બ્રાહ્મણ ફેઈડ - ઈન)
બ્રાહ્મણ-૧ : અરે તમે પૂજા અર્ચના કર્યા વગર જ ભોજન કરવા બેસી ગયા?
બ્રાહ્મણ-૨ : ભોજન? ભોજન નહીં, વિપ્ર! ફરાળ, ફળાહાર!
બ્રાહ્મણ-૩ :-કહો કહો.
૨.. હં.... હં હં.
ભજન ને ભજિયાં વચ્ચે (વચ્ચે)
તોફાન આજ જામ્યું.....
સૂઝે નહીં નિવેડો (નિવેડો)
મેં, ભજિયાંને ન્યાય આપ્યો... ભજન સ્તુતિ મૂકી મે આઘી (આઘી?)
કાતરીનો મહિમા ઝાઝો (આ) ભજન
મન મારું છે મર્કટ (મર્કટ) (૨)
તોફાને ચડ્યું છે ભારે
માળા મૂકી કોરાણે (કોરાણે?)
ભોજન પર ઝૂક્યું અટાણે. ભજન..

(ફેઈડ આઉટ - ગ્રામજન પર ફેડ ઈન)

ગ્રામજન-૩ : ખાઈ લે મંગળ ખાઈ લે. આમ ને આમ તો બામણ બનતાં પહેલાં જ ઉકલી જઈશ.
માધો : હા, દાદા થોડું ખાઈ લ્યો.
મંગળ : ના બેટા ના.
મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે
મરને ભાંગી રે પડે ભરમાંડ રે...
વિપદ પડે વણસે નહિ
ઈ તો હરિજનનાં પરમાણ રે.. મેરુ
ભાઈ રે ! હરાવ ને શોક ની નાં'વે જેને હેડકી ને શીશ તો કર્યાં કુરબાન રે....
સતગુરુ વચનમાં શૂરા થઇ ચાલે જેણે મેલ્યા અંતરનાં માન રે....
ભાઈ રે ! નિત્ય રે'વું સત્સંગમાં ને જેને આઠે પોર આનંદ રે..
સકલપ વિકલપ એકે નહી ઉરમાં જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે...
ભાઈ રે! ભગતિ કરો તો એવી કરજો પાનબાઈ તો
રાખજો વચનુંમાં વિશવાસ રે ગંગાસતી એમ બોલીયાં
તમે થજો સતગુરુનાં દાસ રે.

(ફેઈડ આઉટ - ફેડ ઈન)

ગ્રામજન-૩ : આ શરદ પૂનમ તો આવી. આ વખતે તો આ મંગળના નામની જ ચિઠ્ઠી નીકળે તો હારુ.
ગ્રામજન-૨ : કર્મોનાં ફળ. બીજું શું? ભોગવ્યા વના છૂટકો થોડો છે. બચ્ચારો અભાગિયો છે. આ એનો દિકરો ને વહુ એ પરભવના પાપીયા હશે તો મરકીએ ભરખી લીધાં ને ગગો, ડોહા માટે મેલતા ગયાં. મને નથી લાગતું કે આ ભવે ડોહો બામણ બને.
ગ્રામજન-૩ : હવે, આ એક દિ’નો બામણ બને તો ય શું ને ન બને તો ય શું? આ માધો તો બામણ બન્યો જ તો ને? પાછો આવી ગયો ને ઠેર ના ઠેર!
માધો : હવે તમે ધોબી બની કોઈના પાપ ધોવાની ક્રિયા ના કરો.. ગમે તે કહો, પણ મંગળદાદાની શ્રદ્ધા સાચી છે.
ફેઈડ આઉટ
(એક બાજુ બ્રાહ્મણો અને એક બાજુ ગ્રામજનો વિરાજમાન છે.)
બ્રાહ્મણ : ૐ ગુરુ૨ બ્રહ્મા !, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાઃ,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ૐ
ગુરુ : સઘળાં ગામનો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિઠ્ઠી ઉપાડતો હું પરમકૃપાળુ પરમાત્મા અને વૈકુંઠ ધામના અધિપતિ એવા દયાળુ પરમેશ્વરની કૃપાથી આજના દિવસ માટે બ્રાહ્મણ બનવાની તક જેને સાંપડી છે તે સૌભાગ્યશાળી વ્યક્તિનું નામ જાહેર કરું છું.
સત્યમ્ વદઃ, ધર્મ ચર:, સ્વાધ્યાયા ત ન પ્રમદિત્યમ,
માતૃ દેવો ભવઃ, પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ
આપણા નામની ય ચિઠ્ઠી કઢાવવી પડે મહાશય
ગુરુ : શાંતિ શાંતિ શાંતિ!
ગ્રામવાસીઓ, આ વૃદ્ધનું ચિઠ્ઠીમાં નામ આવવા છતાં તે બ્રાહ્મણ બને તે પહેલાં જ તેનું અવસાન થતાં તેનો મૃતદેહ અમે તમને સોંપીએ છીએ. તમે તમારી રીતે એમના અંતિમ સંસ્કાર કરી શકો છો.
ગ્રામજનો : નહીં. એ બ્રાહ્મણ છે. અમે એનો અગ્નિ સંસ્કાર નહીં કરીએ.
ગ્રામજન ૩ : હા, આ આટલાં વર્ષોની તપશ્ચર્યા પછી તેની આખરી ઇચ્છા પૂરી થઈ છે.
ગુરુ : શાંતિ શાંતિ શાંતિ
સાંભળો. શાસ્ત્ર મુજબ મૃતદેહ અપવિત્ર ગણાય છે. અને એક મૃતદેહને બ્રાહ્મણ ન બનાવી શકાય માટે...
ગ્રામજનો : નહીં, અમે કોઈ એને હાથ નહીં લગાવીએ. અમે પાપમાં પડવા નથી માગતા. હાલો.
બ્રાહ્મણ ૨- : ચાલો, ચાલો હવે, આયખું અભડાવ્યા વિના (ગુરુ પણ નતમસ્તકે જવા જાય)
પૌત્ર : ઊભા રહો બધ્ધા ક્યાં જાવ છો? મારા દાદાને અહીં સૂતા મેલીને ક્યાં જાવ છો?
ગુરુ : બેટા, તારા દાદા તો ચિર નિંદ્રામાં પોઢી ગયા છે. બેટા હવે એ નહીં ઊઠે.
પોત્ર : નહીં શેના ઊઠે? મારે લાડુ ખાવો છે. આજ તો બામણની હરાજીમાં તમે બામણ બની ગયા ને ! સલસ મજાનો મીઠ્ઠો મીઠ્ઠો લાડુ દ્યો ને !
ગુરુ : બેટા ચાલ, તને મંદિરનો પ્રસાદ આપું.
પોત્ર : ચપટી પ્રસાદ? આવી આ ચિઠ્ઠી જેવો મારે નથી ખાવો મને તો આખો લાડુ જોઈએ. તમે બધ્ધા બામણો, બામણ થવાનો બામણ તરીકે માન... દક્ષિણા કમાવાનો લાડુ ખાવ છો ને તેવો. દાદા ખવડાવોને લાડુ.
ગુરુ : બેટા, તારા દાદા તો ભગવાનના ઘરે ગયા.
પૌત્ર : તે હેં! આ ભગવાન ક્યા વરણનાં કહેવાય? બામણ, ક્ષત્રિય, વૈશ્ય કે પછી અમારા જેવા?
ગુરુ : હેં?
પૌત્ર : મારા દાદાને બામણ બનવું 'તું ને તે લોકો ભગવાન લોકો બામણ હોય તો વાંધો નહીં .મારા દાદાએ બામણ જમાડવા આટલા બધા લાડુ બનાવવાનો સામાન ભેગો કર્યો છે. તે હેં ગુરુદેવ, ભગવાન બામણ જ હોય ને?
ગુરુ : હેં ! અ... હા, હા બેટા.
પૌત્ર : પણ, રામ ભગવાને તો ધનુષ લઈને રાવણને માર્યો હતો એટલે રામ ભગવાન તો ક્ષત્રિય હતા ને !
ગુરુ : એ, હા હા બેટા. ભગવાન બામણ અને ક્ષત્રિય બંને કહેવાય.
પૌત્ર : જુઠ્ઠા છો જુઠ્ઠા. કૃષ્ણ ભગવાને વેપારી બનીને નરસૈયાની હુંડી સ્વીકારેલી અને વેપારી બનીને કુંવરબાઈનું મામેરું ય કરેલું એટલે ભગવાન તો વૈશ્ય કહેવાય ને ?
ગુરુ : ભગવાન... ભગવાન.... બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કહેવાય.
પૌત્ર : હજુ ખોટું. ભગવાન રામે ભીલ શબરીનાં એઠાં બોર ખાધાં'તાં. ખાધાં'તાં કે નઈ?
ગુરુ : (રડી પડતાં) ખાધાં'તાં બેટા ખાધાં'તાં
પૌત્ર : કેવટની નાવમાં બેઠા'તા. બેઠા' તા કે નઈ? વિદુરજીના હાથની ભાજી ય ખાધી'તી. ખાધી'તી કે નહીં?
ગુરુ : હા, બેટા! ખાધી'તી.
પોત્ર : તો પછી ભગવાન અમારા જેવા ય કહેવાય ને ! હેં ગુરુજી તમે ક્યારે ય વિદુરના ઘરની ભાજી ખાધી છે?
ગુરુ : ના.
પૌત્ર : શબર ંના એઠાં બોર ખાધાં છે?
ગુરુ : ના, બેટા ના.
પૌત્ર : એમાં તો લાડુથી ય વધુ મીઠાશ હોય. મારા દાદા કે'તાતા કે હું બામણ બનીશ ને તે દિ' તને લાડુ ખવડાવીશ. આ જ તો દાદા બામણ બની ગયા ને?
ગુરુ : (ગળે વડગાડતાં) હા! બેટા! હા. આજે ! અરે તારા દાદા તો ક્યારના ય બામણ બની ગયા અને ભગવાનના ખોળે પોઢી ગયા. બેટા આજથી હું જ તારા દાદાજી હું જ તારા દાદાજી.
બ્રાહ્મણો : નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવકઃ
નૈનં કલેધ્યન્ત પો
ન શોષયતિ મારુત.
બધા : ૐ સહ નાવતતુ સહ નૌ ભુનકતુ
સહ વીર્યં કરવા વહે
તેજસ્વીના વધીતમસ્તુ મા વિદ્વિષા વહૈ.