ભાર્વોમિ/પ્રેમરસ પાને તું

From Ekatra Foundation
Revision as of 06:39, 25 July 2026 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search
૫. પ્રેમરસ પાને તું

ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ તરીકે ઓળખાતા નરસિંહ મહેતા આમ તો એક સીધા સાદા ભક્ત હતા, પણ તેમનાં પદોનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે આ તો એક અસાધારણ પ્રતિભાવંત પુરુષ હતા. ઈશ્વરનો સાક્ષાત્કાર પામેલા ઘણા સંતોનાં નામ આપણે જાણીએ છીએ. તેવા નરસિંહ મહેતા પણ એક સાક્ષાત્કારી સંત હતા. અનિર્વચનીય એવા પરમાત્માનાં દર્શન તો ઘણાં એ કર્યાં છે, પણ એ પછી એનું કાવ્યબાનીમાં વર્ણન કરવું સૌ સંતો માટે સુકર હોતું નથી. એ તો જે ‘કવિ’ હોય તે જ કથી શકે. કવિની વ્યાખ્યા શું? कविनाम् क्रान्तद्रष्टा। કવિ ક્રાન્તદર્શી હોય છે. આપણાં સ્થૂળ ચક્ષુ વડે આપણને જે નથી દેખાતું એવું એ અગમ-અગોચર એને હાથમાંના આમળાની જેમ સ્પષ્ટ વર્તાય છે. એટલું જ નહીં એને એ રસાળ કાવ્યબાનીમાં ગાઈ પણ શકે છે. ક્રાન્તદર્શીનરસિંહ આવા આપણા ‘કવિ’ હતા. સંતત્વ એમનો સ્વભાવ હતો, તો કાવ્ય એમનો આત્મા હતો. સદાય એ એક અલૌકિક એવી પરમાનંદી મસ્તીમાં મસ્ત રહેતા. આવો, આપણે પણ એમની એ મસ્તીને માણીએ. નરસિંહે ભાતભાતનાં પદો લખ્યાં છે, તેમાંથી આપણે એમનાં પ્રભાતિયાં જોઈએ. પ્રભાતિયાં તો નરસિંહનાં. ગુજરાતનાં ગામડાંની ગોરી વહેલી સવારે ઘંટીએ દળતાં દળતાં કે ગોરસ વલોવતાં વલોવતાં નરસિંહનાં પ્રભાતિયાં ગાય. પ્હો ફાટતાં હળ બળદ લઈ ખેતરમાં જતો ખેડૂ પણ એ પ્રભાતિયાં ગાય. તો વૃદ્ધો કે મંદિરના પૂજારીઓ પણ પ્રભાતિયાં ગાય. સવારનો પહોર હોય, મંદમંદ શીતળ પવન વાતો હોય અને પંખીઓ કલરવ કરતાં હોય આવા વાતાવરણમાં સ્ત્રીઓના મધુર કંઠે કે ભજનિકોના પહાડી રાગે પ્રભાતિયાં ગવાય ત્યારે જે વાતાવરણ ખડું થાય તે આબાલ-વૃદ્ધો સૌના અંતરને પ્રેમાનંદથી તરબતર ભરી દે. મારા બાળપણમાં, મારા ઘરમાં અને મારી બ્રહ્મપુરીના ફળિયામાં મેં નરસિંહનાં જે પ્રભાતિયાં સાંભળ્યાં છે તેનો ગુંજારવ આ લખું છું ત્યારે પણ મારા કાનમાં બરાબર સંભળાઈ રહ્યો છે.

જાગો તમે જદુપતિ રાય.. અથવા તો
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનુમાં કોણ જાશે?

અમે છોકરાં પણ લલકારતાં

જળકમળ છાંડી જાને બાળા
સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે
અમને બાળ હત્યા લાગશે.

જાણે મહેતોજી સ્વયં વહેલી સવારે પ્રભાતિયું ગાતાં ગાતાં, સ્નાન કરવા નીકળ્યા છે એવું દૃશ્ય આ કડી ગાતાં મનઃચક્ષુ આગળ તરવરતું. ‘ગિરિ તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી નહાવા જાય’ ત્યારે શું થાય? આપણે જેને અત્યંજ ગણી ગામ બહાર કાઢ્યાં છે તેવા ‘હરિજન’ નરસિંહને વીનવે છે કે અમારે આંગણે પધારો ને કીર્તન કરો. શું કરવા? તો કહે છે કે એથી કરીને ‘પ્રેમ પદારથ અમો પામીએ’. મનુષ્ય જીવનમાં જો સૌથી દુર્લભ પદાર્થ કોઈ હોય તો તે છે ‘પ્રેમ’. પ્રાણીમાત્ર એના માટે તલસે છે, દરેક જીવ જ્યાં ને ત્યાં એના માટે જાવાં મારે છે. પણ એ જેને તેને પ્રેમ કરીને ઠગાય છે. પરમ પ્રેમનિધાન તો એકમાત્ર પૂર્ણ પુરુષોત્તમ એવા પરમાત્મા જ છે. આવો અનર્ગળ પ્રેમરાશિ એના સ્મરણ માત્રથી જ પ્લાવિત કરી દે છે. આ વાત જે જીવને સમજાઈ જાય તે ‘પ્રેમપદારથ’ પામી બધી જ પીડાઓથી મુક્ત થઈ જાય. કારણ કે જન્મ મરણ કે સાંસારિક પીડાઓ પછી એને પીડારૂપ લાગતી જ નથી. દરેક પરિસ્થિતિને પોતાના પ્યારાની પ્રસાદીરૂપ સમજી પ્રેમથી સ્વીકારી લે છે. પછી એને ભલા દુઃખ તે શું દુઃખી કરી શકવાનું?

પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વસમાન.

જ્યારે પ્રેમ પ્રગટે છે ત્યારે સ્વ પર ભેદ ટળી જાય છે અને સમદષ્ટિ આવે છે, જેના કારણે સર્વ સમાન લાગે છે. નરસિંહ મહેતા આવી દશાને પામેલા સંત હતા. એમને મન બ્રાહ્મણ ઊંચો અને અંત્યજ નીચો એવું નહોતું. જે હરિના ગુણ ગાય તે હરિસમ લાગતો. એટલે એ હરિજનવાસમાં પણ કીર્તન કરવા હોંશે હોંશે જતા. એથી એમને ઘણાં મહેણાં ટોણાં સાંભળવાં પડતાં પણ એની એમને તમા નહોતી. એ તો મસ્તીથી ગાતા કે:

અમે એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે
ભક્તિ કરતાં જો ભૂંડા કહેશો તો, કરશું દામોદરની સેવા રે..

આગળ કહે છે :

સઘળા સંસારમાં હું એક ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહડો લાગ્યો છે મને ઊંડો રે

આમ પોતાને ભૂંડો કહેનાર સાથે એ પ્રતિવાદ નથી કરતા. એ તો કબૂલી લે છે કે હા ભાઈ, હું ભૂંડો છું. પણ એક ખરી વાત કહેતાં એ સંકોચ પણ રાખતા નથી. શું કહે છે?

હરિજનથી જે અંતર ગણશે, તેના ફોગટ ફેરા ઠાલા રે..

કારણ હરિ સ્વયં હરિના જનમાં વસે છે, માટે જેણે હરિજનથી અંતર રાખ્યું તેણે હરિથી જ અંતર રાખ્યું સમજવું. હરિજનને મૂકીને તમે હરિને કેવી રીતે પામી શકવાના? કારણ હરિ વસે છે જ હરિના જનમાં. જ્ઞાનમાર્ગીઓની એક જ ઝંખના હોય છે. ભવભવના ફેરા ફરવામાંથી છૂટી ‘મોક્ષ’ પામવો, ત્યારે ભક્તોની વાત ન્યારી છે. આપણો દયારામ શું કહે છે?

વ્રજ વહાલું, વૈકુંઠ નથી જાવું,
ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું?

નરસિંહને તો મુક્તિ જોઈતી જ નથી, એને તો જન્મોજન્મ આ ભૂતળ કે જે ભક્તિ પદારથ છે તેના પર અવતરવું છે. કહે છે :

હરિના જન તો મુક્તિ ન માગે
માગે જન્મોજન્મ અવતાર રે
શા માટે? તો કહે છે:
નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ,
નિરખવા નંદકુમાર રે..

પરંપરિત ધર્મ વિચાર કરતાં આ તદ્દન અભિનવ દર્શન છે, જે નરસિંહ પાસેથી આપણને મળ્યું છે. શિવજીની કૃપાથી નરસિંહને શ્રીકૃષ્ણની રાસલીલા જોવા મળે છે. આ લીલાનું દર્શન નરસિંહની ચેતનાનું રૂપાંતર કરી દે છે. એનામાં સૂતેલો કવિ જાગી જાય છે. લીલા જોતાં જોતાં એને પ્રેમની સમાધિ લાગી જાય છે અને પછી એના મુખથી જે પદો પ્રગટે છે તે કેવાં અલૌકિક બની જાય છે! વૃંદાવન, યમુના તટ, ગોપી, બંસી આ બધાં તો નિમિત્ત માત્ર છે. બાકી જે જીવ જાગી ગયો છે અને જેનું શિવ સાથે મિલન થયું છે તેને લઈ જે પ્રેમની પતિત પાવની ગંગા પ્રગટે છે તેનું નરસિંહનાં પદોમાં પદે પદે ગાન છે. જરાક અલપઝલપ જોઈએ.

પ્રીત કરે તેની પૂંઠ ન મેલે, એવો વ્હાલો રસિયો રે..

માટે એને પ્રેમ કરતાં પાંચ વાર વિચાર કરજો. પ્રેમ કર્યા પછી એ તમારી પૂંઠે થઈ જશે, તમારો કેડો નહીં મૂકે. ચાલ રમીએ સહી, મેલ મથવું મહીં, વસંત આવ્યો વનવેલ ફૂલી, રસિક મુખ ચૂંબીએ, વળગીએ, સૂંબીએ, લાજની આજ દુહાઈ છૂટી લાજ મૂકીને આવાં તો કેટલાંય પદ નરસિંહે પ્રેમમાં પાગલ થઈ ગાયાં છે.

કેસરભીનાં કહાનજી, કસૂંબે ભીની નાર
લોચન ભીના ભાવશું, ઊભાં કુંજન દ્વાર છે.
***
બેમાં સુંદર કોને કહીએ, વનિતા કે વ્રજનાથ?
***
પ્રેમને વશ થઈ વ્રજતણી ગોપિકા
***
હેતના જીવ તે હેતે તૂટે
***
પિયુને પગલે હું ખોળવાને ગઈ,
પિયુને ખોળતાં હું ખોવાઈ
***
અચરજ વાત એ કોઈ માને નહીં.
જેહને વીતી હોય તેહ જાણે
***
પ્રેમરસ પાને તું મોરના પીચ્છધર
તત્વનું ટૂંપણું તુચ્છ ભાસે
***
જે રસ વ્રજતણી નાર વિલસે સદા
સખી રૂપે તે નરસૈંયે પીધો

આ બધી પંક્તિઓ સ્પષ્ટપણે કહી રહી છે કે નરસિંહે સખી રૂપે પોતાના પ્રિયતમને એવો તો પ્રેમ કર્યો છે કે એ મોરના પીચ્છધરે તત્વનું ટૂંપણું વેગળું મૂકી એને પ્રેમ પીયાલા ભરી ભરીને સ્વહસ્તે પાયા છે. નરસિંહને પ્રભુને પામવાની ચાવી જડી ગઈ છે. શું છે એ ચાવી?

પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.

જપ, તપ, યોગ, યજ્ઞ એવા કશાં વિધિવિધાનથી જેન મળે તે પ્રેમ કરો એટલે પ્રગટ થાય જ થાય. આમ નરસિંહનાં પદો પછી તે પ્રભાતિયાં હોય, ભક્તિપદો હોય, રાસલીલા હોય કે તત્વચર્ચા હોય બધાંનો મધ્યવર્તી ભાવ તો એક જ છે કે પ્રભુને પામવાનો સર્વ સુલભ એવો સુકર માર્ગ કોઈ હોય તો છે ‘પ્રેમમાર્ગ’. નરસિંહના પુરુષદેહમાં એક ગોપી હૃદય સદાય પોતાના પ્રિયતમની સંગે પ્રણય કેલી કરતું જોવા મળે છે. મીરાંની જેમ નરસિંહ વિરહાગ્નિમાં બહુ બળ્યા હોય એમ લાગતું નથી. એ તો જાણે આઠે પહોર પોતાના પિયુજીની સંગે રાસ રમતા, નાચતા, કૂદતા પરમાનંદમાં જ મહાલતા જોવા મળે છે. પ્રેમ પ્રગટ થાય તો એનું રૂપ કેવું હોય તો આપણે જરૂર કહી શકીએ કે એ નરસિંહ જેવું હોય. આવા પ્રેમાવતાર નરસિંહ મહેતાને કોટિ કોટિ પ્રણામ.