અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/પરિપ્રશ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પરિપ્રશ્ન| રાજેન્દ્ર શુક્લ}} <poem> કીડી સમી ક્ષણોની આ આવજાવ શ...") |
(No difference)
|
Revision as of 04:36, 19 July 2021
પરિપ્રશ્ન
રાજેન્દ્ર શુક્લ
કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?
ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે?
લગની, લગાવ, લહરો — આ હાવભાવ શું છે?
લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે?
પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?
પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળી કળીમાં,
એનો ઇલાજ શું છે, આનો બચાવ શું છે?
ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે?
ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું —
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે?
હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છ્વાસને મળે છે,
સ્થળ જેવુંયે નથી તો ઝળહળ પડાવ શું છે?
(કાવ્યકોડિયાં : સંપુટ-૨, ૧૯૮૧, સંપા. સુરેશ દલાલ, પૃ. ૭૫-૭૬)