અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/હું મળીશ જ!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું મળીશ જ!|રાજેન્દ્ર શુક્લ}} <poem> પુકારો ગમે તે સ્વરે હું મળ...") |
(No difference)
|
Revision as of 04:42, 19 July 2021
રાજેન્દ્ર શુક્લ
પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ,
સમયના કોઈ પણ થરે હું મળીશ જ!
ન ખૂલે, ન તૂટે કટાયેલું તાળું,
કોઈ હિજરતીનાં ઘરે હું મળીશ જ!
હતો હું સુદર્શન સરોવર છલોછલ,
હવે કુંડ દામોદરે હું મળીશ જ!
નગારે પડે દાંડી પ્હેલી કે ચૉરે—
સમી સાંજની ઝાલરે હું મળીશ જ!
બપોરે ઉપરકોટની સૂની રાંગે,
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ!
તળેટી સુધી કોઈ વ્હેલી સવારે,
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ!
કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો,
સૂસવતા પવનનાં સ્તરે હું મળીશ જ!
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડલ કરે હું મળીશ જ!
છતાં યાદ આવું તો કેદાર ગાજો!
તરત આવીને ભીતરે હું મળીશ જ!
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ,
કોઈ સોરઠે, દોહરે, હું મળીશ જ!
હશે, કોક જણ તો ઉકેલી ય શકશે,
શિલાલેખના અક્ષરે હું મળીશ જ!
મને ગોતવામાં જ ખોવાયો છું આ,
પત્યે પરક્રમા આખરે હું મળીશ જ!
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર–
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ!
(૫, ૧૨, ૨૫ જાન્યુ. ૧૯૮૧)