અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/મારા અસલી રંગનું ગીત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારા અસલી રંગનું ગીત| મફત ઓઝા}} <poem> ::એક આંખમાં નગર ઊગ્યું ને...") |
(No difference)
|
Revision as of 08:50, 19 July 2021
મફત ઓઝા
એક આંખમાં નગર ઊગ્યું ને બીજી આંખમાં ગામ.
ઊડી જતાં એ સારસ એની ખરી ગયેલી
ફરફર ફરતી પાંખ ઢળીને પથરાયું આ શહેર;
વનકન્યાનું સ્મિત સૂંઘતું વેરણ-છેરણ
પાંખડિયાળું ગામ અહીં આ એના ટહુકે છલકે છાલક લહેર,
અમે રઝળતા ડામર રસ્તા ધૂળ ભરીને બેઠા ઠામેઠામ;
એક આંખમાં નગર ઊગ્યું ને બીજી આંખમાં ગામ.
ઘડીકભર તો અહીંતહીં ત્યાં તડકો શોધે
છાયા એની સોનલવરણી રેલછેલતી કાયા;
પોરો ખાતું પાદર ઝીણી તલકછાંયડી
ચરી જતાં ઓ... લૂનાં ટોળાં એની લીલી માયા,
અમે ધુમાડો ઓઢી લેતાં ખેતર રટતાં નામ;
એક આંખમાં નગર ઊગ્યું ને બીજી આંખમાં ગામ.
ઈંટઇમારત કણકણ ખડકી આંખ ભરીને
ઊગી નીકળે પિરામિડનાં પીળાં પીળાં પ્રેત;
દૂર દૂરની હવા અડે ને શ્રાવણ છલકે
ઘડીકભરમાં ફાગણ ફોરે એના ફાલ સમેત,
અમે દીવાલો વચ્ચે ઊગ્યા પીપળ એના પાને પાને રમતા રામ;
એક આંખમાં નગર ઊગ્યું ને બીજી આંખમાં ગામ.
(શ્વાસ ભીતરથી ફોરે, ૧૯૭૮, પૃ. ૩-૪)