અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/વૃક્ષોને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વૃક્ષોને| મફત ઓઝા}} <poem> વૃક્ષો હલાવો ના હવે આ ડાળ! સંચારબંધી...") |
(No difference)
|
Revision as of 08:52, 19 July 2021
વૃક્ષોને
મફત ઓઝા
વૃક્ષો હલાવો ના હવે આ ડાળ!
સંચારબંધી છે.
હવે ઊભાં રહેશો નહિ ચારે મળી
મૂળસોતાં જાઓ અહીંથી.
એકસો ચુંમાળીસની કલમ અમે અહીં નાખી છે.
ફૂલોને ખીલવાનું બંધ;
પવનને પમરવું હોય તો પમરી શકે છે બંધ બારીમાં;
પછી ના દેશો દોષ
બંદૂક અમે આ તાકી છે.
સડક પર
મૃગજળ પણ મૃગ થઈ નહિ દોડી શકે,
ઘોડાની નાળ જડેલી એડીઓ
કાંટાળી વાડ જેવી એ રોપી દીધી છે.
આ દીવાલો
પારદર્શક નીકળી છે એટલે
પવનની ચણી લીધી છે ચોતરફ—
જાઓ
બોલાવી લાવો તમારા અહમદશાહને
કે પછી ચોક વચ્ચે—ખડો કરી દો ગાંધીને.
શો ફેર પડવાનો હતો?
મશીનગન ફરતી ગોઠવી દીધી છે.
તમારે જીવવું છે?
જાઓ, જઈ પડો થઈ લાશ કોઈ ગલીના નાકે.
પંચક્યાસ પછીયે અમે ક્યાં એને ઉપાડી છે?
વૃક્ષો હલાવો ના હવે આ ડાળ!
સંચારબંધી છે.