અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/નર્યો એંઠવાડ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નર્યો એંઠવાડ|પ્રવીણ દરજી}} <poem> વાતો થયા કરે છે : આમ કરવું જો...") |
(No difference)
|
Revision as of 10:03, 19 July 2021
પ્રવીણ દરજી
વાતો થયા કરે છે :
આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ
આ સાચું છે, આ ખોટું છે
પણ પછી ચોમાસાના કાંપની જેમ ઠરી જાય છે બધું.
ગડમથલ ઘણી રહે છે :
આ રસ્તે જવું જોઈએ, આ રસ્તે ન જવું જોઈએ
એકલા જ સારું અથવા એકલા સારું નહિ,
ટોળું શું ખોટું છે? અથવા ટોળાથી બહાર —
પણ પછી ખોડાઈ જઈએ છીએ ખોડીબારું બનીને
અથવા તો ખોડીખમચી જ રમ્યા કરીએ છીએ જીવનભર.
ઘેલછાઓ તો પાર વિનાની હોય છે :
તારા તોડી લાવીશું ને પાતાળ ફેડીશું
સાગર ડહોળીશું ને પહાડો ઓળંગીશું
પવન બાંધીશું ને આકાશ આંબીશું
પણ પછી એદીનો અખાડો કે ઓઘડ થઈ જવાય છે
રાફ નીચે રવડ્યા કરીએ છીએ કે ઘાસના ગંજમાં દટાઈ જઈએ છીએ.
આશાઓનું ઓશીકું તો ઓઘરાળું થતું જ નથી;
ચાલો, આમ નહિ તો આમ
કશુંક સારું થશે જ, બધા દિવસ સરખા ન હોય
સારાં વાનાં થવાનાં જ, ઈશ્વર જે કરે તે સારા માટે
એક ઝુમ્મર અને બીજું ઝુમ્મર પકડ્યા જ કરીએ
પણ પછી એક દિવસ ધબાક્ ને બધું કચ્ચર... કચ્ચર.
અરીસામાં જોઈએ છીએ ત્યારે
આપણે કોઈક બીજા જ બની ગયા હોઈએ છીએ!
નર્યો એંઠવાડ!
રામ! રામ!