અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નયન હ. દેસાઈ/માણસ ઉર્ફે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માણસ ઉર્ફે|નયન હ. દેસાઈ}} <poem> માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર...") |
(No difference)
|
Revision as of 11:24, 19 July 2021
નયન હ. દેસાઈ
માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા,
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…
વજ્જરની છાતી ના પીગળે, આંસુ જેવું પાંપણને કૈંક અડકે તોપણ,
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…
પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે,
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…
ચાલો આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…
છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું…
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…
મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…
(માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, પૂંઠા-પાન : ૪)