અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/હરીન્દ્ર દવે સ્મૃતિમાં હવે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 10:53, 19 October 2025

હરીન્દ્ર દવે સ્મૃતિમાં હવે

સુરેશ દલાલ

વરસાદની મોસમ છે
હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,

૨૯મી માર્ચે હરીન્દ્ર દવેની પુણ્યતિથિ. આમ ને આમ વર્ષો વહી જાય છે, આપણી પાસે સચવાય છે તે મિત્રની સ્મૃતિ અને કવિની કવિતા.

હરીન્દ્ર દવેએ અઢળક લખ્યું છેઃ કવિતા, વાર્તા, નવલકથા, નિબંધો, વિવેચન, નાટક… અને હજારોની સંખ્યામાં તંત્રીલેખો. આખી જિંદગી હરીન્દ્રે શબ્દ સાથે જ પનારો પાડ્યો અને છેવટે એ અશબ્દ થઈ ગયો. તંત્રીલેખો જોઈએ તો એમાં તો લાખો શબ્દોનું ટોળું જોવા મળે. સંવેદનશીલ હૃદયના વિચારશીલ પ્રતિભાવો ને પ્રત્યાઘાતો જોવા મળે, આમ છતાં હરીન્દ્ર સવિશેષ યાદ રહેશે કવિ તરીકે, અ-ક્ષરના આરાધક તરીકે.

હરીન્દ્રની સમગ્ર કવિતાના સંગ્રહનું નામ હરીન્દ્રની પ્રખ્યાત ગઝલની પ્રથમ પંક્તિ પરથી જ આપ્યું છેઃ ‘ચાલ, વરસાદની મોસમ છે.’

હરીન્દ્રને કાવ્યનાં બે સ્વરૂપ વધુ માફક આવ્યાં: ગીત અને ગઝલ. આખી જિંદગી હરીન્દ્ર અણબૂઝી તરસ લઈને જીવ્યો. વ્યક્તિત્વમાં એક વિરોધાભાસ એવો રહ્યો કે તે જીવનને ઝંખતો રહ્યો અને મરણ માટે પક્ષપાત હતો. એ પક્ષપાત અંતે જ્યારે હૉસ્પિટલમાં હતો ત્યારે ‘રિઝર્વેશન’ નામના એના એક કાવ્યની ત્રણ પંક્તિ પરથી પણ ખબર પડેઃ

ફરી એક વાર હું માગી બેઠો, દૂર-સુદૂરના સ્ટેશનની ટિકિટ,
હજુ બે દાયકા પહેલાં જ પ્રેમયુક્ત ઘૃણાથી
મને ટ્રેનમાં ચઢતો અટકાવી પ્લૅટફૉર્મ પર ફેંકી દીધાનું યાદ હતું.

કાવ્યને અંતે એક પંક્તિ છેઃ

ચાલો, રાહ જોઈએ રિઝર્વેશન ક્યારે મળે તેની!

વરસાદની મોસમ એ વ્યાકુળતાની મોસમ છે, પણ કાવ્યનાયકને કોઈકની સાથેસાથે વરસવું છે. ચાલ કહીને ઇજન તો આપે છે. પણ કોને ખબર શું મળશે, ઝાંઝવાં કે દરિયો? જે કંઈ મળે કે ન મળે તરસ તો મળે જ છે.

જીવનનો એક દેશ છે તેમ મોતનો પણ પ્રદેશ છે. એ અજાણ્યો પ્રદેશ છે તેથી લોકો ભડકે છે. ત્યાં જવાનું આમ તો કંઈ કામ નથી, પણ અમસ્તા જઈએ. આ તો કહેવાનો એક તરીકો છે. બાકી જીવનનો પડાવ ગમતો નથી એટલે મરણનો લગાવ લાગ્યો છે.

હરીન્દ્રે એક વખત વાતચીતમાં મને કહ્યું હતું કે સુરેશ, લોકો મરેલા માણસનાં વખાણ એટલા માટે કરે છે કે ‘હાશ એક હરીફ તો ગયો.’ અહીં કવિએ એક ‘સિનિકલ’ વાત કહી પણ પછીના શેરમાં આ જ વાતનો પડઘો છે કે આપણે ક્યાં એક જગાની મમત છે. ઘણા લોકો માર્ગ માગે છે તો આપણે અહીંથી ખસતા જઈએ. કેટલાંય વર્ષો પહેલાં લખાયેલી હરીન્દ્રની એક પંક્તિ યાદ આવે છેઃ

હું મહેફિલમાં નથી આવ્યો
ટકી રહેવાના નિશ્ચયથી

વેરાનમાં નગર બાંધવાની અને ઘરમાં વસવાની વાત છે અને કવિ અંતે સ્મિત અને આંસુની જુગલબંધી કરીને કહે છે કે તાલ દેનારને પણ એક પળ મૂંઝવવાની મજા છે, કારણ કે તાલ કઈ રીતે આપશે — ‘રાગ રુદનનો છે ને છતાં આપણે હસતા જઈએ’ કવિની એક પંક્તિ યાદ આવે છેઃ

આજની રાત હું એટલો ઉદાસ છું કે મારે ખડખડાટ હસી લેવું છે.

જગદીશ જોષી, હરીન્દ્ર દવે, હરકિસન મહેતા… એક પછી એક મિત્રો વિદાય થયા અને છતાં સ્મૃતિમાં કાયમ રહ્યા તે રહ્યા.

(ભમરો વાત વહે ગુંજનમાં)